આરિયા ગ્રાન્ડમાં બધાં શો માટે ગયાં પછી મારે એકાંતમાં મારી રીતે વેગસનો અનુભવ કરવો હતો. આરિયામાં થોડી વાર ચક્કર મારીને હું બહાર નીકળી. તેનાં વિશાળ પ્રિમાઈસીસમાં ફૂટ-પાથની ધારે નાના છોડ વાવેલાં હતાં ત્યાં નાના સ્ટીરીઓ પણ મૂકેલાં હતાં એટલે હોટેલની બહાર નીકળીને ચાલતાં-ચાલતાં પણ સંગીત સંભળાતું જ રહે. શો પતે પછી બધાં આરિયામાં એક જગ્યાએ ભેગાં થઈને લીમો-રાઈડ માટે અને જૂનાં વેગસ તરફ જવાનાં હતાં. મારી ગણતરી પ્રમાણે હું હોટેલ પાછી નહોતી જવાની એટલે હું તૈયાર થઈને હીલ્સ પહેરીને જ નીકળી હતી. એ હીલ્સમાં ચાલવાનો ફિનિક્સનો અનુભવ હું એક પળ માટે ભૂલી ગઈ હતી કે શું એ ભગવાન જ જાણે. આરીયાથી સામે હું હાર્ડ રોક કાફે તરફ ગઈ. એ વોક મારાં ધાર્યા કરતાં ખૂબ લાંબું થયું કારણ કે, ત્યાં બાંધકામ ચાલુ હતું અને ડીટૂરની સાઈન્સ બધી કન્ફ્યુઝીંગ હતી. બ્રિજ ક્રોસ કરીને સામે તરફ પહોંચી ત્યારે સૌથી પહેલું કામ એક ડ્રિંક ખરીદવાનું કર્યું. રસ્તામાં ઓછામાં ઓછાં ચારથી પાંચ weirdos નો સામનો થયો. Of course! It’s Vegas. What was I even thinking deciding to walk out alone on Vegas-strip at night. મારાં સંપર્કમાં આવ્યાં તેમાંથી કોઈ પણ હાનિકારક નહોતાં. ફક્ત વિચિત્ર હતાં. પણ, એટલામાં જ worst case scenario માં શું થઇ શકે તેનાં વિચારે મને હલાવી મૂકી. મારો એક મિત્ર જોશ એકાદ કલાક પછી મને મળશે તેવું અમે નક્કી કર્યું હતું પણ એ બન્યું નહીં. હું તેનો સંપર્ક જ ન કરી શકી. હાર્ડ રોક કાફેથી નીચે ઊતરીને તરત જ મેં હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું અને એકાદ કલાક પછી ફરી આરિયા જઈને બધાંને મળવાનું. ટેક્સી ડ્રાઈવર પણ નમૂનો હતો. અંતે હોટેલ પહોંચી ત્યારે એટલી અકળાઈ ગઈ હતી કે, ન પૂછો વાત.
નિર્ધારિત સમયે આરિયા પહોંચીને મેં જોયું તો અમારાં ગ્રૂપમાં ચાર નવાં લોકો ઉમેરાયા હતાં. વેગસમાં અમારી બસનાં અમુક લોકોની ટૂર સમાપ્ત થતી હતી અને અમુક નવાં લોકોની શરુ થતી હતી. ત્યાં લગભગ અડધી કલાક પસાર થઇ. બધાંએ ડિનર પતાવ્યું અને પછી અમારી લિમોઝ આવી. લીમોમાં શેમ્પેન (ખરેખરી નહીં. ‘સ્પર્ક્લીંગ વાઈન’) સાથે અમે સેલીબ્રેટ કર્યું. ઓલ્ડ ટાઉન વેગસ ધાર્યું હતું તેનાં કરતાં ક્યાંયે વધુ જીવંત હતું અને સસ્તું પણ. અમે બધાંએ ત્યાં એવરેજ બે ડ્રિન્ક્સ લીધાં અને ત્યાંથી રવાના થયાં. એ દિવસે અમને ‘ઘોસ્ટ બાર’ નામની એક જગ્યાએ લઇ જવામાં આવ્યાં હતાં. એ રૂફ-ટોપ (ટેરેસ) બાર હતો અને ત્યાંથી આખાં વેગસની જબરદસ્ત ક્ષિતિજ દેખાતી હતી. એ લાઈટ્સ અને ઝાકઝમાળનું દ્રશ્ય અદ્ભુત હતું. મારો મૂડ થોડો સારો થયો હતો અને હું બરાબર બઝ્ડ હતી એટલે મેં ત્યાં પાણી જ પીવાનું શરુ રાખ્યું હતું. ત્યાં એક ચોરસ જગ્યામાં કાચનો ફ્લોર હતો અને બરાબર નીચે સુધી બધું જ દેખાતું હતું એટલે ઊંચાઈનું પરિમાણ બહુ વિચિત્ર રીતે અનુભવાતું હતું. ત્યાં મ્યુઝિક બહુ સારું નહોતું એટલે ખાસ મૂડ નહોતો બનતો. ક્રાઉડ પણ મરેલું હતું. થોડાં સમયમાં ત્યાં ક્રાઉડ જમા થવા લાગ્યું પણ on an average they were all old men and they weren’t the most pleasant people around. More weirdos!
એ ક્રાઉડ વત્તા થોડી કલાકો પહેલાનો વેગસનો અનુભવ વત્તા દારુ બરાબર બહુ જ અકળાયેલી હું! એટલી અકળાયેલી અને ગુસ્સે કે મારી આંખમાંથી આંસું નીકળવા લાગ્યા. બીજાં પણ અમુક લોકો ત્યાં બહુ થાકેલાં હતાં અને હોટેલ જવા તૈયાર હતાં. હું તેમની સાથે ચાલી ગઈ અને હોટેલ પહોંચીને પણ મારું રડવાનું બંધ નહોતું થયું. ત્યારે એક વસ્તુ મને બરાબર સમજાઈ. આ જગ્યાની મજા મારાં માટે તો જ છે જો જીગરજાન દોસ્તો સાથે આવું. એ રાત વેગસમાં અમારી છેલ્લી રાત હતી અને બધાં મોડે સુધી પાર્ટી કરવાનાં હતાં. હું એક વાગ્યા આસપાસ તો હોટેલ પહોંચીને ઊંઘી પણ ગઈ હતી. પછીનાં દિવસે સવારે જ વેગસથી અમારે નીકળવાનું હતું. એ દિવસે બધાં થોડાં લાગણીવશ થઇ ગયાં હતાં કારણ કે, સાત-આઠ દિવસથી જે બધાં સાથે હતાં તેમાંથી ઘણાં બધાંની ટ્રિપ વેગસમાં પૂરી થતી હતી. ત્યાંથી એ લોકો પાછાં ફરવાનાં હતાં અથવા તો પોતાની રીતે આગળ સફર ખેડવાનાં હતાં. બધાંએ તેમને ગુડ-બાય કહ્યું અને અમે આગળ વધ્યા યોઝેમિટી નેશનલ પાર્ક તરફ.
એ દિવસે હું મારો અવાજ બિલકુલ ગુમાવી ચૂકી હતી. વેગસની પહેલી રાત પછી થાક, દારુ અને ઊંઘનાં અભાવે મારાં અવાજ પર થોડી અસર થઇ હતી અને વેગસની છેલ્લી રાત પછી તો ખેલ ખતમ. હું બોલવાની કોશિશ કરું તો પણ ગળામાંથી સિટી જેવો અવાજ અને અમુક શબ્દો જ નીકળે. બહુ હાસ્યાસ્પદ હતું એ. રસ્તામાં લન્ચ માટે એક જગ્યાએ અમે રોકાયા. મારે બહુ કંઈ ખાવું નહોતું પણ થોડી ભૂખ લાગી હતી એટલે સ્ટારબક્સ જઈને મેં એક ગરમ ક્રોસોન લીધું. ત્યાં જવાનો બીજો ફાયદો એ કે, બસનાં બાકીનાં લોકો એક ઇન-એન્ડ-આઉટ બર્ગર્સ તરફ ગયાં એટલે સ્ટારબક્સમાં મને લાઈન ન નડી. ત્યાં ત્યારે પમ્પકિન લાટેનાં સેમ્પલ અપાઈ રહ્યાં હતાં. મેં પહેલાં એવું કંઈ ટ્રાય નહોતું કર્યું એટલે કુતુહલથી મેં એક નાનો શોટ ટ્રાય કર્યો. That thing tastes so odd! Apparently it’s really famous among Americans in winters. I don’t get it! :D પણ, સ્ટારબક્સની શાંતિ અને સૂર્યપ્રકાશમાં બેસવાની સુવિધા – મારાં માટે આટલું પૂરતું હતું રીચાર્જ થવા માટે. વેગસથી બહાર નીકળીને હું બહુ ખુશ હતી.
એ સ્થળે લન્ચ કરીને અમે બે કલાક જેટલાં દૂર નીકળ્યાં હોઈશું ત્યાં રસ્તામાં અમારી બસ અટકી પડી. બસ શરુ કરવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં. અમે જ્યાં અટક્યા હતાં ત્યાં બરાબર સામે કોઈનું ઘર હતું. સબર્બન અમેરિકન કેવાં હોય તે જોવાનો એ અમારો પહેલો અને કદાચ છેલ્લો અનુભવ હતો. એ લોકો અસ્સલ રેડ-નેક હતાં. તેમનું ઘર, પોષાક, ખટારા જેવી ગાડી બધું જ અમારાં માટે નવું હતું. નસીબજોગે એ લોકો અમારાંથી થોડાં દૂર હતાં એટલે એક આખી બસનાં બધાં લોકો તેમને કૂતુહલવશ જોઈ રહ્યાં હતાં એની તેમને ખબર નહોતી. અમે એ લોકોમાંથી કોઈ બંદૂક કાઢે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ, કોઈએ કાઢી નહીં. ‘બંદૂકધારી અમેરિકન’ને દૂરથી જોવાની બધાંને અદમ્ય ઈચ્છા હતી કારણ કે, ઓસ્ટ્રેલિયામાં એ તમને ક્યારેય જોવા ન મળે – Thanks to our strict gun-laws. :) વેગસથી યોસેમિટી અમારી બસની લાંબામાં લાંબી મુસાફરી હતી અને એ ઓર લાંબી થતી જઈ રહી હતી. પાછલી સીટમાં પર્થ-બોય્ઝમાંથી એક પાસે પોર્ટેબલ સ્પીકર હતાં એટલે તેણે થોડી વાર ગીત વગાડ્યાં અને બધાંને મજા આવી પણ પછી તો તેની પણ બેટરી ખતમ થઇ ગઈ. થોડી વાર અમે પત્તા રમ્યા અને ટાઈમ-પાસ કર્યો. એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે, કલેર, લોરા અને કેઇટલિન એ ટૂર પર મળીને મિત્રો નહોતાં બન્યાં, એ લોકો તો કેનબેરાથી એકબીજાને ઓળખે છે અને સાથે હાઈ-સ્કૂલ ગયાં હતાં. એ તો ફક્ત એવું હતું કે, કેઇટલિન આખું વર્ષ ફરી હતી અને કલેર-લોરા ફક્ત આ એક ટ્રિપ માટે જોડાયા હતાં. અડધી કલાક પછી રાયને કહ્યું કે, તેણે બીજી બસની વ્યવસ્થા કરી છે અને પિત્ઝા અને સોફ્ટ-ડ્રિન્ક્સનો ઓર્ડર કર્યો છે. પિત્ઝા અડધી કલાકમાં આવવાનાં હતાં. પણ, બીજી બસ આવી ગઈ બે કલાકમાં પણ પિત્ઝા ન આવ્યાં. પંદરેક મિનિટ પછી અંતે અમારો ઓર્ડર આવ્યો. બધાં એટલાં કંટાળ્યા હતાં અને ભૂખ્યા થયાં હતાં કે, ન પૂછો વાત. પછી તો ફટાફટ ખાઈને અમે નવી બસમાં આગળ વધ્યા.
Nice and honest story!!