ગ્રેટ ઓશિયન રોડ ટ્રિપ પછી અમારી પાસે કુલ ૩ દિવસો અને ૨ રાત બચ્યા હતાં, જેમાંથી એક રાત ઓલરેડી ન્યુ યર્ઝ ઈવ પાર્ટી માટે નિર્ધારિત હતી. પહેલા દિવસે અમે ડેન્ડેનોન્ગ નામનાં એક દૂરનાં સબર્બમાં ગયાં. ત્યાં સુઝાનાનાં રસની કોઈ સર્બિયન શોપ હતી અને ત્યાંથી તેને પોતાનાં પરિવાર માટે કશુંક લેવું હતું. વળી, મારી જે મિત્રએ અમને ગ્રાફિટી લેન દેખાડી હતી તે ત્યાંથી લગભગ ૨ સ્ટોપ દૂર રહેતી હતી એવી મને ખબર પડી. એટલે, થોડો સમય સુઝાના સાથે રહીને પછી હું મારી મિત્રને મળવા ગઈ. તેની સાથે ફરતાં મેં ન્યુ યરની પાર્ટી માટેનો મારો ડ્રેસ અને શૂઝ ખરીદ્યા અને સાંજ સુધીમાં સિટી સેન્ટરમાં પાછી ફરી. રાબેતા મુજબ સુઝાના લાઈબ્રેરી બહાર ઘાસ પર પોતાની મિત્ર અને તેનાં અમુક ૩-૪ હિપ્પી મિત્રો સાથે બેઠી હતી. હું પણ તેમને મળી અને ડીનર કરીને ઘરભેગા (હોટેલ-ભેગા).
પછીનાં દિવસે સવારથી જ અમારી આઈટેનરી જુદી હતી. મારે ગ્રાફિટી લેન ફરીથી જવું હતું અને શાંતિથી બધું જોવું હતું. એકમી (ઓસ્ટ્રેલીયન સેન્ટર ઓફ મુવિંગ ઈમેજિસ) પણ ફરીથી જઈને અધૂરું જોયેલું પ્રદર્શન પૂરું જોવું હતું. અને સૌથી મહત્ત્વપૂર્ણ – નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા! સુઝાનાને આમાંથી એકપણમાં રસ નહોતો એટલે એ દિવસે તેની સાથે ફરવાનો મેં સાદર બહિષ્કાર કર્યો હતો. ન કર્યો હોત તો કૈલાશ જઈને શિવજીનાં દર્શન ન કર્યા જેવું થાત. સૌપ્રથમ તો હું અને કેમેરા ગ્રાફિટી લેન પહોંચ્યા. ભીડ ઓછી હોવાથી શાંતિથી બધું જોવાની પણ મજા આવી અને ફોટા પાડવાની પણ. એકમીનાં પ્રદર્શનમાં જૂનામાં જૂના ઉપકરણથી માંડીને નવામાં નવી ફ્યુચારીસ્ટિક ટેકનોલોજી સાથે રમવાની ખૂબ મજા પડી અને અંતે હું પહોંચી નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા! અંદર દાખલ થતાં જ એક નાની ચાલ જેવી જગ્યામાં એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કલાકારે ક્રીમ અને સિરામિક જેવી વસ્તુઓ વાપરીને મિક્સ-મીડિયા વર્ક કર્યું હતું. એક સુંદર ઘરમાં આફટર-નૂન ટી પછી ડાઈનિંગ રૂમનું કલાત્મક નિરૂપણ. અમુક પ્રતિકૃતિઓ તો એટલી સમાન લાગતી કે, તેમાં સાચું શું છે અને કલાકારે બનાવેલું શું છે એ જોવા માટે બહુ ધ્યાનથી નજર ફેરવવી પડે. આ પહેલી કૃતિ જોતાંની સાથે જ મારી આસપાસનાં લોકોનું અવલોકન કરતાં મને સમજાઈ ગયું કે, અહીં ફોટા પાડવાની છૂટ લાગે છે. છતાંયે મારે કશું અનુમાન નહોતું કરવું એટલે મેં ત્યાં સિક્યોરિટી ગાર્ડને પૂછી લીધું અને મારાં ધાર્યા પ્રમાણે ફોટો લેવાની છૂટ હતી. પણ, ફક્ત ફ્લેશ વિના!
એ આખા રૂમમાં એ જ કલાકારનું પ્રદર્શન હતું. ઘરનાં જૂદા જૂદા ભાગોનું કલાત્મક નિરૂપણ એ તેમનો સબ્જેક્ટ હતો અને ખૂબસૂરતીથી તેમણે કંડાર્યો હતો. પાછળનાં ભાગમાં ‘શો અસ યોર વર્લ્ડ’ નામનું એક પ્રદર્શન હતું. ગેલેરીએ મુલાકાતીઓ માટે એ જગ્યા રાખી હતી અને લગભગ દસેક લોકો બેસી શકે તેવી બેન્ચની ગોઠવણ કરીને ત્યાં કાગળ, પેન્સિલ, પેન, સ્કેચપેન જેવાં સાધનો મૂક્યા હતાં. તેની મદદથી મુલાકાતીઓ ગમે તો દોરી શકે અને તેને ગેલેરીમાં ડિસ્પ્લે પર મૂકી શકે અથવા તો પોતાની સાથે ઘેર લઇ જઈ શકે. મેં પણ મારો અમૂલ્ય ફાળો નોંધાવ્યો અને એ ચિત્ર ગેલેરીને આપ્યું. મારું રેગ્યુલર આર્ટ-વર્ક તો કોણ જાણે મ્યુઝિયમ, ગેલેરી જોવા પામે કે નહીં પણ આ નાની ફૂલની પાંદડી તો ત્યાંની દિવાલ પર જવા પામી! બહુ સુંદર ૨૦-૨૫ મિનિટ હતી એ. :)
ગ્રાઉન્ડ ફ્લોર પર ફક્ત એટલું જ હતું. પછી હું સીડી ચડીને ઉપર ગઈ. એકથી એક ચડીયાતા પેઇન્ટિંગ. અમુક તો ૨૦૦-૨૫૦ વર્ષ જૂના – ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ સેટલમેન્ટ હજુ શરુ જ થયું હતું તે સમયનાં. એ ગેલેરીનું પર્મેનન્ટ ડિસપ્લે સેક્શન હતું. ત્યાં વિક્ટોરિયન સમયનું કોઈ સ્ત્રીનું અફલાતૂન ગાઉન પણ ડિસ્પ્લે પર હતું. એક પછી એક ઓરડા જાણે જાદૂઈ રીતે આવતાં જ જતાં હતાં. હું મારી દિશાસૂઝ તો સાવ ખોઈ જ બેઠી! ગ્રાઉન્ડ ફ્લોર પરથી અંદર આવતાં ગેલેરીની જગ્યાનો જે અંદાજ મેં કાઢ્યો હતો તેનાં કરતાં આ ગેલેરી ઓછામાં ઓછી ૩ગણી મોટી નીકળી. મારે ન્યુ યર્ઝ પાર્ટીમાં સમયસર પહોંચવા માટે હોટેલ પર ૪ સુધીમાં પહોંચવું પડે તેમ હતું એટલે ગેલેરીમાંથી સાડા ત્રણે નીકળવું પડે. પાર્ટીનાં રોમાંચ કરતાં અહીંથી જવાનો અફસોસ વધી પડ્યો. પછીનાં દિવસે પાછી આવું તો પણ મને ફક્ત સવાર જ મળવાની હતી અહીં આવવા માટે. બપોરે તો અમારી ફ્લાઈટ હતી. આ જગ્યાએ હું પહેલાં કેમ ન આવી! અંતે તો ગણ્યું જે પ્યારું પ્યારાએ તેને અતિ પ્યારું ગણીને અમે પાર્ટીમાં જવા તૈયાર થયાં. ત્યાં પણ જો કે, બહુ ખાસ કંઈ હતું નહીં. પાર્ટી જેવી પાર્ટી હતી. અને કાં તો પછી મારાં મગજમાં પૂરતું દારૂ નહોતું પહોંચ્યું એટલે મને ખાસ ન લાગી. I was clearly not drunk enough. ન્યુ યરની આતિશબાજી જોવાની મજા આવી અને દોઢ વાગ્યાની આસપાસ તો અમે ત્યાંથી નીકળીને સધર્ન ક્રોસ રેલવે સ્ટેશન પહોંચી પણ ગયા હતાં અને ત્યાં નાચોઝ ઝાપટતા હતાં.
પછીનાં દિવસે સવારે ફરી અમારી અઈટેનારી અલગ હતી. એ દર વખતની જેમ લાઈબ્રેરી ગઈ અને હું ફરી નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા. પહેલા માળે જ્યાંથી જોવાનું અધૂરું હતું એ શરુ કર્યું. થોડા સમય પછી એ માળ પર લગભગ બધું જ જોઇને હું સૌથી ઉપરનાં માળે પહોંચી. એ માળ આખો મોડર્ન/કન્ટેમ્પરરી આર્ટનો હતો. ત્યાં ‘મેલબર્ન નાઉ’ નામનું એક એગ્ઝીબિશન ચાલુ હતું. કન્ટેમ્પરરી આર્ટ વિશેની મારી જાણકારી ઘણી ઓછી અને જીજ્ઞાસા ઘણી વધુ છે. વળી, અહીં મૂકવામાં આવેલી દરેક કૃતિઓ એકથી એક ચડે એવી હતી. એ શું છે એ સમજવા માટે હું લગભગ સતત બાજુમાં રાખેલાં ઇન્ફર્મેશન-બોર્ડ વાંચતી જતી હતી અને એક પછી એક વિશ્વ મારી સામે ખૂલતા જતા હતાં. અમુક અમુક તો અફલાતૂન હતાં જેમ કે, ગ્રાફિટી બીલોન્ગ્સ ઇન મ્યુંઝીયમ્સની થીમ પર એક કલાકારે કામ કર્યું હતું. આખરે મ્યુઝિયમમાં શું જાય છે અને શું નહીં એ અંતે તો પસંદગીની વાત જ છે ને! તો શા માટે ગ્રાફિટી નહીં? કોઈ કલાકારે પોતાનાં પ્રવાસ દરમિયાન લગભગ ૬ ચાર્ટ પેપર ગોઠવીને ૨x૩ની બને તેટલી જગ્યામાં શબ્દો અને ચિત્રોનું એક ગજબ મેશ-અપ સર્જ્યું હતું. તેનાં પર કૉફી મગની ૨ પ્રિન્ટ પણ હતી અમુક ડાઘ વગેરેને પણ તેણે રહેવા દીધાં હતાં. થઇ ગયું હોય અને રહેવા દીધું હોય કે પછી જાણી-જોઇને કર્યું હોય, એ ડાઘ તેનાં સ્થાને ફિટ લાગતાં હતાં અને ધારી અસર ઉપજાવતા હતાં. મેલ્બર્નમાં (અને દુનિયામાં પણ) ઘણાં કલાકારો અત્યારે ધ્વનિ અને ચિત્રોનાં વિષય પર ઘણું જ અગત્યનું અને ઉપયોગી પ્રાયોગિક કામ કરી રહ્યાં છે. આ ગેલેરીમાં મને તેનાં ઓછામાં ઓછા ૪ નમૂના જોવા મળ્યા અને દરેકની પોતાની એક ખુશ્બૂ હતી. સ્વાદ હતો. કેરેક્ટર હતું. અંતે મારો જવાનો સમય થઇ ગયો અને એ માળ પણ હું આખો ન જોઈ શકી. હજુ સેન્ટ કિલ્ડા રોડ પર તેમનું ઇન્ટરનેશનલ સેક્શન તો આખું જોવાનું જ બાકી છે. કંઈ વાંધો નહીં. ફરી ક્યારેયક!
મારું પેકિંગ બધું જ આગલી રાત્રે/બપોરે જ થઇ ગયું હતું. વળી, ત્યાં બપોરે ૪ વાગ્યા સુધી રહેવાનું એક્સ્ટેન્શન અમેં આગલા દિવસે જ લઇ લીધું હતું અને તેનો લાગતો-વળગતો ચાર્જ ભરી ચૂક્યા હતાં. આમ, ચાર વાગતાં આર્ટ ગેલેરીથી આવીને ફક્ત એક છેલ્લું ચેક કરીને તરત જ અમે નીચે ઊતર્યા. મેલ્બર્નનું વાતાવરણ એ આખું અઠવાડિયું અમારા પર મહેરબાન રહ્યું હતું અને બસ અમારા જવાનાં દિવસે જ બરાબર વરસાદની શરૂઆત થઇ હતી. એ જોઇને હું અને સુઝાના બંને મનોમન ખુશ થતાં હતાં કે, આપણા નસીબ સારા છે કે, આપણે ફરતા હતાં એ બધાં જ દિવસો ઉઘાડ રહ્યો. અંતે સફરનો અંત આવ્યો અને ૭ વાગ્યે અમારી ફ્લાઈટ એનાઉન્સ થઇ અને અમે પર્થનાં ઉનાળામાં પાછા ફર્યા. આમ, નવું વર્ષ ખૂબ સુંદર રીતે શરુ થયું. વર્ષનાં પહેલાં જ દિવસે મારી બે ફેવરિટ પ્રવૃત્તિઓ આર્ટ અને ટ્રાવેલ બંને થયાં!
જિજ્ઞાસુઓ માટે: http://www.ngv.vic.gov.au/