મુર્શિદાબાદ

પ્રવાસ, બંગાળ

લગભગ પાંચ વર્ષનાં અતિ લાંબા અંતરાલ પછી મને એક બિલકુલ નવી જગ્યાએ, વ્યવસ્થિત ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તેમાંયે પ્રસ્તાવ આવ્યો ‘બડી કોઠી’ નામની એક યુનીક જગ્યાનો એટલે આપણે તો તરત રાજી! આ જગ્યા ઉત્તર બંગાળમાં, કલકત્તાથી લગભગ ૨૨૦ કિલોમીટરનાં અંતરે આવેલી છે એટલે અમે નક્કી કર્યું કલકત્તાથી રોડ ટ્રિપ કરીએ. છ લોકો, બે કાર અને એક પ્રોફેશનલ ડ્રાઈવર.

તમે ૬૦ કિલોમીટરની એવરેજ પર ચાલો અને રસ્તામાં અડધી કલાક જેવો બ્રેક લો તો પણ વધુમાં વધુ સાડા ચારથી પાંચ કલાક લાગવા જોઈએ, બરાબર? મુર્શિદાબાદ માટે ખોટું. અમને લગભગ સાત કલાક લાગ્યાં! સમજો આખા રસ્તામાં લગભગ ક્યાંય વ્યવસ્થિત હાઈ વે છે જ નહીં. નેશનલ હાઈ વે પણ ગામડાંમાંથી પસાર થાય છે અને મોટાં ભાગનો રસ્તો એટલો ખરાબ, કે ખાડાં અને આડા અવળાં સ્પીડ બ્રેકરનો પાર નહીં! અમે આવતાં અને જતાં બે અલગ અલગ હાઈ વે ટ્રાય કર્યાં. જતી વખતે અમે NH12 પકડ્યો અને આવતી વખતે AH1. પણ, બંને લગભગ સરખા જ ખરાબ નીકળ્યાં. જો કે, મારા માટે તો ખરાબ રસ્તાની અગવડો હોવા છતાં રોડ ટ્રિપની મજા અલગ હતી. કલકત્તા સિવાયનું પશ્ચિમ બંગાળ અને ત્યાંનાં લોકો કેવા દેખાય છે, કઈ રીતે રહે છે તેની જિજ્ઞાસા સંતોષવાનો આ એક જ રસ્તો હતો.

અમે સવારે સાડા નવે ડ્રાઇવ કરવાનું શરુ કર્યું અને લગભગ સાડા ચારે બડી કોઠી પહોંચ્યાં. પશ્ચિમ બંગાળનાં હાઇ વે કે ગામડાંમાં મારા-તમારા જેવાં શહેરી લોકો માટે ખાસ સુવિધાઓ નથી પણ, માયાપુર પાસે અમને સારાં, વેજીટેરિયન-ફ્રેન્ડલી ઓપ્શન આરામથી મળી ગયાં. મને અહીં પહોંચીને ખબર પડી કે, માયાપુરમાં ઇસ્કોનનું હેડ ક્વાર્ટર છે એટલે સ્વાભાવિક રીતે તેની આસપાસ સારાં રેસ્ત્રોં હોવાનાં જ. અમે સ્ટોપ કર્યો હતો ‘હોટેલ સોનાર બાંગ્લા માયાપુર’. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો ટ્રિકી છે પણ જગ્યા સારી છે. સરસ માહોલ, સારી ચા, પકોડા અને સાફ રેસ્ટરૂમ. આનાંથી વધુ શું જોઈએ! ત્યાં લગભગ ૪૫ મિનિટ સ્ટોપ કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં મેં બંગાળનાં ગામડાંનું જે સ્વરૂપ જોયું તેનું વર્ણન કરવું તો અશક્ય છે પણ એ હતું બહુ સુંદર અને અલગ. માનો તમે નવા દેશમાં પહોંચી ગયાં!

ભારતનાં સૌથી ફળદ્રુપ વિસ્તારોમાં જેનો સમાવેશ થાય છે એ બંગાળની ભૂમિ પર ખેતરોની કમી નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી! ચોખા અને રાઈનાં ખેતર મેં ત્યાં સૌથી વધુ જોયા. ત્યાંનાં ગામડાંમાં ગરીબી દેખાય છે. નાના કાચા-પાકા ઘર, અને લગભગ દરેક ઘર પાસે એક નાનું તળાવ. બાળપણમાં પુસ્તકોમાં વાંચ્યું હતું કે, બંગાળનાં લોકો પોતાનાં આંગણામાં એક નાનું તળાવ રાખતા હોય છે જેને પૂકૂર તરીકે ઓળખાય છે. આ પૂકુર મેં પહેલી વખત નજરે જોયાં. ગામડાંની ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ એક હાથમાં છત્રી પકડીને બીજા હાથથી સાઇકલ ચલાવતી જોવા મળી. હાઈ વે પર એક પશુપાલકનો જુગાડ જોવાની પણ મજા આવી. ભાઈએ પોતાની બકરી ડિવાઈડર પર બાંધી હતી અને બકરી આરામથી ડિવાઈડર પર ઉગાડેલાં છોડનાં પાન ખાતી હતી. બકરી ચરતી ચરતી રસ્તા પર ઉતરી જાય ત્યારે આ ભાઈ દોડીને તેને ડિવાઈડર પર મૂકી આવે!

થોડાં સમય પછી મારું ધ્યાન ગયું એક ગામનાં નામ પર. લખ્યું હતું ‘Plassey’. હું ચમકી અને મેં મારા સહપ્રવાસીઓને પૂછ્યું આ પેલું પ્લાસિનાં યુદ્ધ વાળું પ્લાસિ છે? એ લોકોએ કહ્યું હા બની શકે. બસ પાંચ જ મિનિટનાં સસ્પેન્સ પછી કન્ફર્મેશન મળી ગયું. મેં એક મોટો દરવાજો જોયો જેનાં પર લખેલું હતું ‘Plassey war memorial’ – પ્લાસિ યુદ્ધ સ્મારક! મને બિલકુલ ખ્યાલ નહોતો હું ઇતિહાસનાં કયા ભાગમાં જઈ રહી છું અને જ્યાં જઈ રહી છું તે લોકોનો ઈતિહાસ પણ આ યુદ્ધ સાથે કેટલો વણાયેલો છે. આ બધું જોઈને મને મુસાફરીની અગવડતા બાબતે કોઈ જ ફરિયાદ ન રહી. કલકત્તાથી અમે ટ્રેનમાં ગયાં હોત તો એ મુસાફરી પ્રમાણમાં ટૂંકી અને સરળ રહેત પણ તેમાં અમને કદાચ આ બધું જોવા ન જ મળત!

અથાણાંનાં ડબ્બામાં ભરેલાં લીંબુની જેમ હાલતા-ડોલતા અમે બડી કોઠી પહોંચ્યાં. પહોંચતા સાથે જ જોયું કે, આઠ દસ લોકો અમારું સ્વાગત કરવા માટે ઊભા હતાં. આટલી લાંબી, ખખડધજ મુસાફરી કર્યા પછી અજીબ વેશમાં બેથી વધારે લોકો મારી તરફ જુએ એ પણ મને વિચિત્ર લાગતું હોય છે તો આટલું બધું ધ્યાન આપે ત્યારે તો એમ જ થાય કે હેરિ પોટરનો ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ કોઈ મને આપી દે તો અત્યારે જ પહેરી લઉં. પ્રોપર્ટીમાં ખાનદાની, સમૃદ્ધ હવેલીને શોભે તેવું સરસ ફર્નિચર અને ડેકોર જોઈએ જ મારું મન ખુશ થઈ ગયું. અમે પહેલા અમારાં રુમ પર ગયાં અને તરત અમને અમારાં વેરી લેઇટ લંચ માટે લઈ જવામાં આવ્યાં.

અમને લંચ પીરસાયું એક વિશાળ ડાઇનિંગ રુમમાં! જાત જાતની કળા કારીગરી અને દેશ-વિદેશનાં મટીરિયલથી એ આખો રુમ સુશોભિત હતો! છત તો આપણાં આજનાં બે માળ બની જાય તેટલી ઊંચી એટલે અંદર પ્રવેશતાની સાથે જ તમને ભવ્યતા અનુભવાય. ત્યાં અમારી સાથે બેઠાં એ પ્રોપર્ટી નાં મેનેજર – અભિરૂપ. તેમણે અમને પીરસાયેલી વાનગીઓ, આ હવેલી અને આખાં વિસ્તારનાં ઈતિહાસ વિશે ખૂબ સરસ માહિતિ આપી.

બડી કોઠીનાં માલિક છે દુધોરિયા પરિવાર – મૂળ રાજસ્થાનનાં ઓસવાલ જૈન, આ પરિવારનાં વડવાઓ લગભગ ત્રણસો વર્ષ પહેલાં મુર્શિદાબાદ વ્યાપાર કરવા માટે આવ્યાં હતાં અને પછી અહીં જ રહી ગયાં. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાય બહાદુર બુધ સિંઘ દુધોરિયાએ પોતાનાં મુખ્ય નિવાસ તરીકે આ હવેલીનું નિર્માણ કરાવ્યું. દુધોરિયા જેવાં અનેક રાજસ્થાની ઓસવાલ જૈન પરિવારોને અહીં લાવવાવાળાં ‘જગત સેઠ’. જે સમયે જગત સેઠનો પરિવાર બંગાળનાં નવાબનો મુનીમ હતો તે સમયે મુર્શિદાબાદ દુનિયાની પાંચ ટકા GDP કન્ટ્રોલ કરતું હતું. હા, લખવામાં ભૂલ નથી થતી. દેશની પાંચ ટકા નહીં, દુનિયાની પાંચ ટકા. પછી તો આ વિસ્તારનાં સૌથી મોટાં શેઠને ‘જગત સેઠ’ કહેવા જ પડે! એ સમયે આ વિસ્તાર દેશની આર્થિક રાજધાની હોવાનાં કારણે અહીં રહેતાં લોકો સેહેરવાલી એટલે કે, શહેરવાળાં કહેવાયાં. પોતાની પારંપારિક ઓસવાલ વાનગીઓમાં તેમણે બંગાળની લોકલ ફ્લેવર્સ ઉમેરીને જે જમણ બનાવ્યું તે સેહેરવાલી જમણ તરીકે ઓળખાયું. મૂળ જૈન એટલે શાકાહારી તો હતાં જ પણ, તેમની મોટાં ભાગની વાનગીઓમાં કંદમૂળનો ઉપયોગ પણ ભાગ્યે જ જોવા મળે છે. બધાં રહેતાં પણ એકસાથે, પાસે પાસે એટલે એ વિસ્તાર આજે પણ ‘જૈન પટ્ટી’ તરીકે ઓળખાય છે.

એ સમયે આ શેઠો એટલાં શકિતશાળી હતાં કે, આખાં સામ્રાજ્ય હલાવી શકે. તેઓ ઉત્તર ભારતનાં રાજાઓનાં યુદ્ધ અને બીજું ઘણું બધું ફાઇનાન્સ કરતાં હતાં! બંગાળનાં છેલ્લાં નવાબ સિરાજ ઉદ્ દૌલા પ્લાસિનું યુદ્ધ હાર્યો તેનાં ઘણાં કારણોમાંનું અગત્યનું એક કારણ છે જગત સેઠનો અસહકાર! પ્લાસિ યુદ્ધમાં સિરાજનાં આર્મી જનરલ અને જગત સેઠ બંનેએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. સિરાજની હાર પછી અંગ્રેજોને આર્મી જનરલને પણ મારી નાંખ્યો અને બંગાળ પર કબ્જો કર્યો, સમગ્ર હિન્દુસ્તાન પડ્યું અને અંગ્રેજોનાં હાથમાં ગયું. આ યુદ્ધ વખતે જગત સેઠ અને સેહેરવાલીઓને સ્વાભાવિક રીતે ખબર નહોતી કે, સિરાજનાં અંત સાથે તેમની સહ્યાબીનો અને દેશનો પણ સુર્યાસ્ત જોડાયેલો છે.

સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી અને આ વિસ્તારમાં લૂંટફાટ થવા લાગી પછી વ્યાપારી પરિવારો નવાં પાટનગર કલકત્તા શિફ્ટ થવા લાગ્યાં અને ધીમે ધીમે મુર્શિદાબાદ ભૂલાતું ગયું. બડી કોઠી પચાસ વર્ષથી પણ વધુ સમય બિલકુલ ખાલી રહી પછી ૨૦૦૮માં ભાઈ-બહેન દર્શન અને લિપિકાએ એક પ્રખ્યાત ધર્મગુરુની પ્રેરણાથી આ પ્રોપર્ટીને રિસ્ટોર અને રેનોવેટ કરવાનો બેડો ઉપાડ્યો. લગભગ દસ વર્ષની મહેનત પછી આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ફરી શરુ થઇ અને અભિરૂપ તેમની સાથે લગભગ શરુઆતથી જોડાયેલાં છે.

ઉત્તર ભારત કેમેરાની આંખે – ૧

ફોટોઝ, ભારત, હિમાચલ પ્રદેશ

અમદાવાદ સ્ટેશન પરથી
Ahmedabad station

ટ્રેનમાંથી પંજાબનું કોઈ નાનું સ્ટેશન
Going through Punjab

ટ્રેનમાંથી વહેલી સવારે જોયેલી ગુરુદ્વારા
gurudwara - punjab

ટ્રેનમાંથી પંજાબનાં કોઈ ખેતરનું વહેલી સવારનું દ્રશ્ય
farmland - Punjab

ડલ્હૌઝી હોટેલ-રૂમની બારીમાંથી
View from my window - Dalhousie

ખજ્જીયાર
Khajjiyar garden

ડલ્હૌઝીથી ચમ્બા જતાં
Through the mountains

ઉત્તર ભારત રોડટ્રિપ – ૩

પંજાબ, ભારત

ધરમશાલા નાની પણ સુંદર જગ્યાઓ છે. જ્યારે તિબેટીયનોની ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ બળવામાં હાર થઇ ત્યારે ભારતીય સરકારે દલાઈ લામા-૧૪માને ધરમશાલામાં રાજકીય આશ્રય આપ્યો હતો અને ત્યારથી ધરમશાલાનું મેકલીઓડગંજદલાઈ લામાનું ઘર બની ગયું. તેમનાં ઘર સુધી જે શેરીમાંથી પહોંચાય છે ત્યાં રસ્તાની બંને બાજુ તિબેટીયન રેફ્યુજીઓએ નાંખેલી બાજાર જોવા મળે અને તેનાં અંતે ત્યાંની સૌથી મોટી મોનેસ્ટ્રી તથા દલાઈ લામાનું ઘર આવે. એ જગ્યાનું વાતાવરણ યુનીક છે. મોનેસ્ટ્રીની બહારનાં રાજકીય ખળભડાટ અને અંદરની સ્પિરિચુઅલ શાંતિનો કોન્ટ્રાસ્ટ આંખે ઊડીને વળગે તેવો છે. મોનેસ્ટ્રીમાં અંદર દાખલ થતાં તમને દીવાલો પર ઠેર ઠેર પોલિટીકલ ફ્લાયર લગાવેલા જોવા મળે જેનાં પરથી તિબેટની હાલની પરિસ્થિતિનો અંદાજો લગાવી શકાય છે અને બીજી તરફ મોનેસ્ટ્રીની અંદરની બૌદ્ધ ધાર્મિક આબોહવા. અમે અંદર ગયાં ત્યારે અમુક મોન્ક અને કેટલાંક સામાન્ય લોકો એક ઝાડ નીચે બેસીને એક વાડા જેવી ચોરસ જગ્યામાં કંઇક બોલી રહ્યા હતાં અને થોડી થોડી વારે પોતે તાલી મારતાં. થોડી વાર પછી તેઓ વાડામાંથી બહાર નીકળ્યા ત્યારે તેમાંની એક વ્યક્તિએ અમને સમજાવ્યું કે, એ લોકો ધાર્મિક દલીલો કરી રહ્યા હતાં અને તાલી મારવાનો અર્થ એવો કે, તેઓ પોતાનાં અજ્ઞાનને (જ્ઞાન વડે) દાબી/મારી રહ્યાં હતાં.

મોનેસ્ટ્રી જોયા પછી અમે ફરીથી માર્કેટ સ્ટ્રીટ પર આવ્યાં અને થોડાં મોમોઝ ઝાપટ્યા. ત્યાં રેસ્ટોરાંમાં પણ મેં કંઇક નવું ચાખવાની કોશિશ કરેલી. પણ, એ પ્રયોગ બહુ સફળ ન ગયો. અંતે થાકી હારીને અમે હોટેલ તરફ ગયા. અમારી એ હોટેલમાં મારાં રુમમાં એક નાની બાલ્કની હતી અને ત્યાંથી સામે જોતાં બરાબર પહાડો અને મેક્લીઓડગંજનો વ્યુ દેખાતો હતો. એ જોઇને જ મને ખબર પડી ગઈ હતી કે, અહીં સવારે ખૂબ મજા પડવાની છે! પછીનાં દિવસે સવારે મેં બહારનાં નજારાનો થોડો લ્હાવો માણ્યો અને પછી તૈયાર થઈને અમે અમૃતસર તરફ પ્રયાણ કર્યું. પહાડોમાંથી નીકળીને અમે પંજાબની હદમાં દાખલ થયાં ત્યારે દિવસ ખૂબ ધૂંધળો અને વાદળછાયો હતો. ખેતરો પર એ આછું ધુમ્મસ ખૂબ સુંદર લાગતું હતું. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી! પંજાબ ટ્રેનમાંથી જેટલું સુંદર લાગ્યું હતું તેવું જ સુંદર કારમાંથી પણ લાગતું હતું. ખુલ્લા લીલા પહોળા પટ – મજા જ આવે રાખે! લગભગ ૪-૫ દિવસથી એ ને એ પંજાબી સ્ટાઇલનું ભારે જમીને હું કંટાળી હતી એટલે અમૃતસરનાં રસ્તે મેં કંઇક થોડુંક હળવું ખાવાની માંગણી કરી. ૩-૪ જગ્યાએ અમે જોવાની કોશિશ કરી કે, ક્યાંય કદાચ હળવું સેન્ડવિચ જેવું પણ કંઈ મળે તો. પણ, ક્યાંયે સફળતા ન મળી. અમારો આખો રસ્તો લગભગ ખેતરો અને નાના ગામમાંથી જ પસાર થતો હતો અને ત્યાં હળવામાં હળવું જો કંઈ હોય તો એ આલુ પરાઠા હતાં!

અમે અમૃતસર પહોંચ્યા ત્યાં સુધીમાં મોડી બપોર થઇ ગઈ હતી અને રૂમી અમને સીધા જ વાઘા બોર્ડર તરફ લઇ ગયો. રસ્તામાં મેં એક સાઈનબોર્ડ વાંચ્યું જેનાં પર લાહોર – ૨૩ કિલોમીટર દૂર લખ્યું હતું. એ જોઇને મને બોર્ડરની સામેની તરફ વિશે ગજબ જીજ્ઞાસાવૃત્તિ થઇ આવી. અમે અટારી પહોંચ્યા તો ખરા પણ, ત્યાં અંદર તો શું બહાર દરવાજા પર પણ ખૂબ દૂર સુધી નજર પડે ત્યાં માનવ-સમુદ્ર જ દેખાતો હતો આમાં કંઈ જોઈ શકવાનું તો ભૂલી જ જાઓ! અંતે અમે પછીનાં દિવસે વહેલા આવવાનાં નિશ્ચય સાથે પાછાં ફર્યા. એ રાત્રે તો બધાં થાકેલા હતાં એટલે જમીને તરત જ ઊંઘી ગયાં અને પછીનાં દિવસે સૌપ્રથમ મુકામ ગોલ્ડન ટેમ્પલ (હરમંદિર સાહિબ) રાખવામાં આવ્યો. એ જગ્યા બાંધકામની દ્રષ્ટિએ ખૂબ સુંદર પણ બાકી બીજા કોઈ પ્રખ્યાત તીર્થસ્થાનોથી જરા પણ અલગ નથી. અંદર મુખ્ય મંદિરમાં જવા માટે ખૂબ લાંબી અને ગૂંગળાવી દે તેવી લાઈન હતી (જે અમારાં અંદર ગયાંનાં એકાદ કલાક પછી તો વધુ ને વધુ લાંબી થતી જાતી હતી). મને પહેલી ૧૦ મિનિટમાં જ કંટાળો આવી ગયેલો. પણ, પછી મમ્મીનાં આગ્રહને વશ થવામાં આવ્યું. બે કલાકે જ્યારે અમે અંતે અંદર પહોંચી રહ્યાં ત્યાર પછી જો તમે મને પૂછો કે, શું ધક્કો ખાવા જેવો લાગ્યો? તો પણ હું ના જ કહું. મુખ્ય મંદિર કરતાં મને આસપાસનાં ખુલ્લા મોટાં વિસ્તારો વધુ મજાનાં લાગ્યાં.

લંગર સુધી અમે જવાની તસ્દી નહોતી લીધી અને સીધા જ જલિયાંવાલા બાગ જોઇને અમે વાઘા બોર્ડર તરફ રવાના થયાં. રસ્તામાં રૂમીએ પપ્પા પાસે પેટ્રોલ માટે કંઇક ૨૦૦૦ રૂપિયા જેવી રકમ માંગી અને બીજા દિવસે દિલ્હી પહોંચીને જેમની પાસેથી અમે ટેક્સીની રિસીપ્ટ લેવાનાં હતાં તેવાં તેમનાં મેનેજર પાસેથી અમને અપાવી દેવાની ખાતરી આપી. પપ્પાએ પહેલાં તો કોઈ બહાનાસર ગાડી રોકાવી, ત્યાંથી દૂર જઈને અમારા એજન્ટને ફોન કરીને શું કરવું એ પૂછ્યું. તેમણે કહ્યું કે, આપી દો વાંધો નહી એટલે આપી દીધા અને પછી અમે આગળ વધ્યાં. અંદર શો ૪:૩૦ સુધી શરુ નહોતો થવાનો છતાં અમે ત્યાં આગલા દિવસનાં અનુભવ પરથી ૧૨:૩૦-૧ આસપાસ પહોંચી જવાનું નક્કી કર્યું અને એ ગણતરી બરાબર હતી. ફોરેનર્સ અને વી.આઈ.પી એન્ટ્રીની સાઈન વાંચીને મને થઇ આવ્યું કે, કાશ મારી પાસે ઓસ્ટ્રેલીયન પાસપોર્ટ આવી ગયો હોત! પણ, એ રાહ એ ગરમીની અકળામણ અને દરેક અનુભવ ત્યાંની સેરિમની અને બોર્ડરની પેલે પાર જોયાં પછી સાર્થક લાગ્યાં. સાંજે મોડેથી પાછાં ફરીને મમ્મીએ as usual માર્કેટમાં જવાનો આગ્રહ રાખ્યો અને મેં કોઈ રેસ્ટોરાંમાં જમીને રૂમી સાથે હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું.

બીજા દિવસે દિલ્લી સુધી પહોંચતાં તો લગભગ હું આખા રસ્તે ઊંઘી જ રહી હતી. દિલ્લી પહોંચતાં જ અમારી કારનું એ.સી. બંધ થઇ ગયું. રૂમીનાં મેનેજર પાસે પહોંચતાં તો મારી સહનશક્તિ જવાબ દેવા લાગી. ત્યાં ઓફિસમાં અંદર જઈને જો કે, થોડી રાહત થઇ. તેમણે મમ્મી પાસેથી કેવી રિસીપ્ટ જોઈએ છે તેની માહિતી લઇ લીધી અને પપ્પાને ૨૦૦૦ રૂપિયા પાછાં આપ્યાં. એ તમામ કામ પતાવીને અમે ડોમેસ્ટિક એરપોર્ટ તરફ રવાના થયાં અમદાવાદ આવવા માટે – જ્યાં લેન્ડ થઈને તરત જ અમે રાજકોટની બસ પકડવાનાં હતાં. આમ, આ ટ્રિપ એકંદરે સારી રહી. અમૃતસર થોડું ઠીક લાગ્યું. એક વખતની મુલાકાત બરાબર છે. પણ, ત્યાં હું કદાચ પાછી ન જાઉં. ધરમશાલા નાનું પણ હિડન ટ્રેઝર જેવું સાબિત થયું. ત્યાં અને/અથવા ડલ્હૌઝી હું ભવિષ્યમાં ક્યારેક અમુક મહિના રહેવાનું પસંદ કરું. ઇનફેક્ટ ધરમશાલામાં મેં ઘણી જગ્યાએ મકાન ભાડે આપવાની જાહેરાતો પણ જોઈ હતી. ;) આ સિવાય રાજકોટ આવ્યા પછી અમુક દિવસે પપ્પાએ મને આવીને કહ્યું કે, એજન્ટ અંકલે પપ્પા સાથે પેલી રૂમીવાળી વાત ફરી કરી હતી અને એ દિવસે ખરેખર એવું હતું કે, તે જુગારમાં પૈસા હારી ગયેલો. એ સાંભળીને મને થોડી વિશ્વાસઘાતની લાગણી થઇ આવી અને મારી માણસને પરખી શકવાની કાબેલિયત પર શંકા.

ઉત્તર ભારત રોડટ્રિપ – ૨

ભારત, હિમાચલ પ્રદેશ

પઠાનકોટ સ્ટેશનની બહાર અમારો ડ્રાઈવર રૂમી અમારી રાહ જોતો ઊભો હતો. રૂમીનું આખું નામ રમણદીપ હતું એ મેં તેનો નેઈમ-બેજ જોઇને જાણ્યું હતું. ટિપિકલ પંજાબી બાંધાનો એ ઊંચો અને ગોળમટોળ હતો. લંબગોળ મોં અને એક કાનમાં હીરાની બુટ્ટી. થોડી વાર શરૂઆતમાં તેની સાથે વાત કર્યા પછી એ અમને વ્યવસ્થિત લાગ્યો. એ ઘણો વાતોડિયો હતો એટલે રસ્તામાં તેની પાસેથી અમને એ વિસ્તાર વિશે, ત્યાંનાં લોકોની રહેણીકરણી વિશે વગેરે ઘણું જાણવા મળ્યું. આમ, ડ્રાઈવર કેવો હશે તે વિશેની અમારી મૂંઝવણ દૂર થઇ.

પઠાનકોટથી અમારો પહેલો મુકામ ડેલ્હૌઝી હતો. પઠાનકોટથી નીકળતાં સુધીમાં લગભગ મોડી બપોર થઇ ગઈ હતી એટલે ડેલ્હૌઝી સુધી ઊંચાઈ પર ચડતાં અમને રસ્તામાં જ પર્વતોની પાછળ સૂર્ય આથમતો અને સાંજ ઢળતી જોવા મળી હતી. રાત પડતાં અમે અમારી હોટેલ સુધી પહોંચ્યા અને નાહીને તૈયાર થતાં સુધીમાં જમવાનો સમય થઇ ગયો હતો. જમીને ઉપર અમારાં રૂમમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ક્યાંકથી ભયંકર ઊંચા સાદે ફિલ્મી ગીતો સંભળાવા લાગ્યા હતાં. પહેલાં તો અવાજની દિશા પરથી મને લાગ્યું કે, હોટેલનાં બીજા ભાગમાં જ્યાં બાંધકામ ચાલુ છે ત્યાં કામદારો કદાચ ગીતો વગાડતા હશે અને થોડી વારમાં બંધ કરી દેશે. પણ આ તો ૧૦ વાગ્યા તોયે બંધ ન થયું. અંતે મેં રિસેપ્શનમાં ફોન કર્યો પછી ખબર પડી કે, બાજુની હોટેલમાં અગાશી પર પાર્ટી ચાલે છે અને ૧૧:૩૦ આસપાસ બંધ કરી દેશે. સાંભળ્યું હતું કે, લોકો પર્વતોમાં શાંતિ મેળવવા જતાં હોય છે કદાચ?! એની વે. આ ગોકીરો સાંભળ્યા પછી તો મને બહુ આનંદ થયો કે, અમારી હોટેલમાં બહુ લોકો નહોતાં એ સમયે.

પછીનાં દિવસે સવારે મારે ત્યાંની અગાશીનો નજારો માણવો હતો અને મારે ત્યાં પૂરતો સમય જોઈતો હતો એટલે જરૂર કરતાં વહેલાં ઊઠવાનું નક્કી કર્યું હતું. સવારે મારાં રૂમની બારીનાં પડદા ખોલતાં જ હું આભી બની ગઈ. વસંત હજુ શરુ જ થઇ હતી અને પર્વતો પરનો બરફ પૂરો પીગળ્યો નહોતો. અમુક બરફીલા પહાડો પરથી સૂર્ય ઊગતો હું જોઈ શકી. મારાં અને પેરેન્ટ્સનાં રૂમની બારીઓમાંથી જોવા મળતો નજારો અભૂતપૂર્વ હતો! પર્વતો જ પર્વતો – કથ્થાઈ, સફેદ અને ઉપર છૂટા છવાયા વાદળોવાળું ખુલ્લું આકાશ. પછી તો હું ફટાફટ તૈયાર થઈને ‘લાવા’ લઈને અગાશી પર ગઈ. પર્વતોમાં બેસીને જો કોઈ સાહિત્ય-પ્રકાર વાંચવાની સૌથી વધુ મજા હોય તો એ છે કવિતા. થોડી વાર પછી પેટ-પૂજા કરીને અમે રૂમીએ આપેલાં સમયે બહાર આવ્યા અને ખજ્જીયાર તરફ પ્રયાણ કર્યું.

ખજ્જીયારનાં જે ભાગો અમે જોયાં તેમાં મને બહુ રસ ન પડ્યો. થોડાં વધુ પડતાં જ કમર્શીયલ લાગ્યા. બાકીનાં તે દિવસનાં ખજ્જીયાર-ડેલ્હૌઝીનાં ટૂરિસ્ટ-અટ્રેકશનમાં પણ મને બહુ રસ નહોતો. એક વખત જોવા જેવાં પણ બાકી તેનો કોઈ જ મતલબ નહોતો મારાં માટે. જે ખરેખર જોવાની મજા આવી એ તો જે મને રસ્તે જતાં જોવા મળ્યું તે જ છે. એ પહાડી રસ્તાઓ પરથી ક્યારેક ઉપર ક્યારેક નીચે તો ક્યારેક બરાબર સામે જોતાં ઘણું કંઇક નાનું મોટું મને એકસાઈટ કરતું રહ્યું. જેમ કે, ભેખડોની વચ્ચે નાના વહેળા પર ઊભેલું એક નાનું સ્મશાન, નાની નાની વસ્તીઓનાં રંગબેરંગી ઘરોનાં બાંધકામ, રસ્તે જોવા મળેલાં લોકો, તેમનાં વ્યવસાય, હાડમારીઓની રૂમીએ કરેલી વાતો વગેરે.

એ સાંજે ડેલ્હૌઝી પાછાં ફર્યા પછી મમ્મી સાથે પપ્પા માર્કેટમાં ગયાં અને હું હોટેલ પાછી ફરી. રાત્રે જમીને અમે અમારી હોટેલ પાસે જે એક નાની ચબૂતરા જેવી જગ્યા જોઈ હતી ત્યાં જવાનું નક્કી કર્યું. ત્યાં ટાંચણી પડે તોય અવાજ આવે તેવી શાંતિ હતી. રસ્તા લગભગ નિર્જન થઇ ગયાં હતાં. થોડી જ વાર ત્યાં ઊભા રહ્યા તેટલામાં અમે ચિક્કાર નશામાં ધુત એક વિચિત્ર માણસને ત્યાંથી બે વખત પસાર થતો જોયો અને અમે તેને સાઇન ગણીને તરત જ હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે વહેલાં તૈયાર થઈને હું અને મમ્મી ગામમાં થોડું ચાલવા નીકળ્યાં. રસ્તામાંથી સામે પહાડોનાં ગોખલામાં દેખાતી સ્કૂલનો નજારો ખૂબ સુંદર હતો. આવી જગ્યાએ રહેવા મળે એ ખરેખર નસીબની વાત છે. એ જોઇને બોર્ડિંગમાં રહેતાં બાળકો અને પોતાનાં બાળકોને શહેરોથી દૂર આવી બોર્ડિંગ સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખતાં વાલીઓ તરફનાં મારાં અભિપ્રાયમાં ફર્ક પડ્યો. કદાચ મારે નિર્ણય લેવાનો હોય તો હું ઓછાંમાં ઓછું શરૂઆતનાં થોડાં વર્ષો તો બાળક આવી જગ્યાએ રહે અને તેની ડિસીપ્લીન (આસ-પાસ આર્મી બેઝ હોવાને કારણે), સુંદરતા અને સરળતા અનુભવે તેવું ઇચ્છું. ત્યાંથી આગળ ત્રણેક વળાંક સુધી મમ્મી અને હું ચાલતા રહ્યાં અને પછી પાછાં ફર્યાં. એ દિવસે નાસ્તો કરી અમે ચમ્બા તરફ ગયાં

ચમ્બાની નાની એવી માર્કેટમાં મમ્મીને બહુ રસ પડ્યો. જ્યારે, હું બહાર શેરીમાં લોકોની ચહલપહલ અને સુંદર ચીજોનાં ફોટા લેતી રહી. પપ્પા રૂમી સાથે ક્યાંક ચા પીવા ગયાં. ચમ્બામાં નીચે દુકાનો અને ઊંચાઈ પર નાના મકાનો જોઇને પપ્પા મને કહે, “પ્રિમા આ જોઈ લે. નીચે પાનકી દૂકાન, ઉપર ગોરીકા મકાન” અને અમે ત્રણે હસી પડ્યાં. પછી તો મમ્મીને કંઇક ખરીદવું હતું એટલે એ અને પપ્પા કોઈ દુકાનમાં રહ્યાં અને હું નજીકમાં બીજી દૂકાનો જોવા લાગી. રસ્તામાં મને એક જૂની હાથશાળ દેખાઈ અને તે નજીકથી જોવામાં રસ પડ્યો એટલે હું અંદર ગઈ. એ કારીગરે મને રસપૂર્વક બધું સમજાવ્યું અને પછી તો ઊંધે-સીધે પાટે દોડતી અમારી ગાડી હિમાચલપ્રદેશનાં લોકલ પોલિટિક્સ પર પહોંચી. ત્યાંનું રાજકારણ પ્રખર હિન્દુત્ત્વવાદી છે એટલે તેમને નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે તેવું તેણે મને જણાવ્યું. હિમાચલપ્રદેશ રાજ્યનાં સરકારી બેનરો પર હંમેશા દેવ-ભૂમિ લખેલું કેમ જોવા મળે છે તેનો થોડો અંદાજ મને આ ભાઈની વાત પરથી આવ્યો. આ વાત થતી હતી તેવામાં પપ્પા અને મમ્મી પાછળ આવીને ઊભા હતાં તેનું મને ધ્યાન પણ નહોતું. તેઓ પણ શાંતિથી સાંભળતા હતાં એ ભાઈ જે કહેતાં હતાં એ. પછી તો અમે ચંબાથી આગળ એક ડેમ બંધાઈ રહ્યો હતો તે તરફ રવાના થવા લાગ્યા. આખો દિવસ ફરી સાંજે પાછાં ફરીને પછીનાં દિવસ માટે ચેક-આઉટ કરવાની તૈયારી કરી. એ દિવસે સવારે વહેલું અમારે ધરમશાલા તરફ પ્રયાણ કરવાનું હતું.

પછીનાં દિવસે બપોરે અમે ધરમશાલા પહોંચ્યા અને ત્યાંની પ્રખ્યાત માર્કેટ સ્ટ્રીટમાંથી પસાર થઈને દલાઈ-લામાનાં આશ્રમ પહોંચ્યા. ધરમશાલાનું રાજકીય અને સાંસ્કૃતિક રીતે પોતાનું એક કેરેક્ટર છે. તેનાં વિશે વધુ પછીનાં અંકે …

ઉત્તર ભારત રોડટ્રિપ – ૧

ભારત

આગલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે માર્ચમાં અચાનક જ અમે ઉત્તર ભારત ફેમિલી રોડ-ટ્રિપ કરી હતી. ટાઈમિંગની દ્રષ્ટિએ એ ટ્રિપ એકદમ પરફેક્ટ હતી. માર્ચ એટલે લગભગ વસંતની શરૂઆત થઇ ગઈ હોય. વળી, સ્કૂલી બચ્ચાંઓની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હોય અથવા તો ખૂબ નજીક હોય એટલે ફરવા જવાવાળા બહુ ઓછા હોય.આમ, વાતાવરણ ખુશનુમા અને ભીડ ઓછી તેવું બને. વળી, ફેમિલિ ટ્રિપ હોય એટલે આમાં પડશે તેવા દેવાશે ન ચાલે. બુકિંગ વગેરેનો છેલ્લી ઘડીએ સામાન્ય કરતાં ત્રણ ગણાં પૈસા આપ્યા વિના મેળ ન પડે. પણ, સમય અમારા પક્ષમાં હતો એટલે બધું એક સાંજે 2 કલાકમાં જ નક્કી થઈને બુક પણ થઇ ગયું. રાજકોટથી અમદાવાદ ટ્રેન અને અમદાવાદથી ટ્રેન બદલીને પઠાનકોટ સુધીની અમારી સફર હતી. ત્યાર પછી પઠાનકોટથી ડલ્હૌઝી, ધરમશાલા અને અમૃતસરથી દિલ્હી એરપોર્ટ સુધી પ્રાઈવેટ ટેક્સીમાં, દિલ્લીથી અમદાવાદ વિમાન-યાત્રા અને અમદાવાદથી રાજકોટ બસ. તમામ બુકિંગની જવાબદારી ટૂર એજન્ટની હતી જેથી અમને ક્યાંય કંઈ તકલીફ ન પડે. બધી જ જગ્યાએ એડવાન્સ બુકિંગ અને સ્કેડ્યુલ. જો કે, ડેસ્ટીનેશન પર પહોંચી ગયા પછી અમારે કઈ રીતે દિવસ પસાર કરવો એ સમગ્રપણે અમારા હાથમાં હતું. એટલે, આ ટૂર સેમી-પ્લાન્ડ કહી શકાય.


રાજકોટથી અમદાવાદ જવા માટે અમારે વહેલી સવારે 5 વાગ્યે ઘરેથી નીકળવાનું હતું. રાબેતા મુજબ આગલી રાત્રે મોડેથી પેકિંગ કરવાનું શરુ કર્યા છતાં સવારે મારી બે બેગ્સ પેક થઈને તૈયાર હતી અને હું શાંતિથી કોઈ ઘાય-ઘાય કર્યા વિના આટા મારતી ‘તી. જ્યારે, મમ્મી 3 દિવસથી પેકિંગ શરુ કર્યું હોવા છતાં અંધાધૂંધીમાં હતી.  મને તો ખેર બહુ ફરક નહોતો પડતો તેનાંથી પણ પપ્પાની અકળામણ હાસ્યાસ્પદ હતી. હું તો ફક્ત બંનેમાંથી એકેની (ખાસ મમ્મીની) હડફેટે ન આવી જાઉં તેનું ધ્યાન રાખતી હતી પણ પપ્પાને મમ્મી ટિકિટ ભૂલી ન જાય તેની ચિંતા હતી. કદાચ તેણે મમ્મીને બે-ત્રણ વાર પૂછ્યું પણ હતું. અંતે અમે ટ્રેન-સ્ટેશન પહોંચ્યા અને પપ્પાએ મમ્મીને ટિકિટ્સ કાઢવાનું કહ્યું અને પત્યું! પાંચેક મિનિટ શોધ્યા પછી પણ ટિકિટ્સ ન મળી. ટ્રેન આવવાને થોડી જ વાર હતી એટલે પપ્પા ઘરે જઈને પાછાં આવી શકે તેટલો સમય નહોતો. આગલા દિવસે મારી એક ફ્રેન્ડ અમારા ઘરે રોકાઈ હતી અને અમે નીકળ્યા ત્યારે તે મારા ઘરે ઊંઘતી હતી. અમે તેને સવારે બારણું ખેંચીને નીકળવાનું કહી રાખ્યું હતું. અંતે તેને જગાડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે, તેને કહીએ કે આવીને ટિકિટ આપી જાય. મેં તેનો નંબર ડાયલ કર્યો અને તરત જ મમ્મી બોલી “મળી ગઈ. આ રહી” અને પછી તો અમે ફટાફટ પ્લેટફોર્મ પર પહોંચ્યા અને પાંચ મિનિટમાં તો ટ્રેન આવી પણ ગઈ. પછી તો અંદર જઈને ગોઠવાઈએ ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી મમ્મી ઊંઘી ગઈ અને થોડો સમય ગોસિપ કરીને હું અને પપ્પા પણ ઊંઘી ગયા.

આપણી ટ્રેનોમાં એસી ડબ્બાઓનાં કાચ ટીલ્ટેડ હોય છે એટલે સવાર પડ્યા પછી પણ સૂરજ કેટલો માથે ચડ્યો એ તો ખબર જ ન પડે અને વહેલી સવારનો નજારો માણવાનું તો ભૂલી જ જાઓ. એક પણ રંગ સરખા દેખાય જ નહીં. બધું જ કથ્થાઈ લાલ! પણ, તેનાંથીયે વધુ ત્રાસદાયક એક વસ્તુ હતી એ અમારી સામે બેઠેલાં કોઈ દૂંદાળા વેપારી. વોલ્યુમ કંટ્રોલ નામની કોઈ વસ્તુ જ નહીં (ગળામાં પણ નહીં અને ગેજેટ્સમાં પણ નહીં) અને ડબ્બો એમનાં બાપનો હોય તેમ એકદમ ઊંચા અવાજમાં તેમણે પોતાની ટેબ્લેટ પર ભજન શરુ કર્યાં. પાછું એમને કંઈ કહી તો શકાય જ નહીં આપણાંથી નહીંતર સામે આપણે લેવાઈ જઈએ . એટલે સહેલામાં સહેલા રસ્તે મેં પપ્પા આગળ બળાપો ઠાલવ્યો અને અમે બંને થોડું હસ્યા. બાકી તેમનો ગોકીરો અમદાવાદ સુધી બંધ ન થયો. અંકલ! ભગવાને  હેડ-ફોન્સ તમને જોઈએ એ જોઈએ ત્યારે, અન્યોને નડ્યા વિના, સાંભળી શકો તેનાં માટે જ બનાવ્યા છે તો વાપરો ને! (આ વાંચતા તમામ અંકલ અને આન્ટીઓ માટે જનહિતમાં જારી) અંતે અમે અમદાવાદ પ્લેટફોર્મ પર ઊતર્યા અને પછીની ટ્રેન જ્યાં આવવાની હતી ત્યાં પહોંચીને તેની રાહ જોવા લાગ્યા. લગભગ ચાર કલાક જેટલી રાહ જોવાની હતી. પઠાનકોટવાળી ટ્રેનમાં ચડીને પછી શાંતિ જ રહેવાની હતી એક દિવસ સુધી એટલે અમે ત્રણે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં.

સેકન્ડ ટીયર એસીમાં બેસવાનો સૌથી મોટો ફાયદો એ કે, બગીનાં દરવાજા પર ભીડ ન હોય. અમારું કમ્પાર્ટમેન્ટ બરાબર દરવાજેથી અંદર જતાં સૌથી પહેલું જ હતું. એ આખી મુસાફરી મેં મારી સીટ કરતાં દરવાજા પર વધુ કરી છે. સાંજ પડતી જોવાનો અને સાંજ પડી ગયા પછી પણ લગભગ અડધી-પોણી કલાક રહેલું અજવાળું રાજસ્થાનની ધરતી પરથી પસાર થતાં જોવાનું અદભુત હતું. ઉજ્જડ ખુલ્લા મેદાનો પરથી ચોખ્ખી દેખાતી ક્ષિતિજ પર વાદળ વિનાનાં આકાશમાં સૂર્ય બહુ સુંદર રીતે આથમ્યો હતો. પપ્પા એકાદ વખત બહાર આવ્યા હતાં અને બાકી એક અંકલ મારાં સામેનાં દરવાજે આવતા-જતા રહેતાં. પણ, તેઓ નિરુપદ્રવી હતાં એટલે શાંતિમાં ખલેલ ન પડતો. હું આકાશ સાવ કાળું થઇ ગયા પછી અંદર ગઈ. અમારા કમ્પાર્ટમેન્ટમાં રાત સુધી અમારા પરિવાર સિવાય કોઈ નહોતું. પણ, રાત્રે એક રાજસ્થાની પરિવાર એક સ્ટેશનથી ચડ્યો હતો. તેઓ પ્રમાણમાં મોડા ચડ્યા હોવાથી ત્યારે બહુ વાત કરવાનો સમય નહોતો. તેમની સાથે એક નાનું બાળક હતું અને તેમની બંને બર્થ ઉપર હોવાથી અમારી નીચેની એક બર્થ અમે તેમની સાથે બદલી લીધી. પછી તો બધાં ઊંઘી જ ગયા.

વહેલી સવારે બધાં ઊઠ્યા પછી તેમની સાથે વાત થવા લાગી. તેઓ બેંગ્લોર વસેલાં રાજસ્થાની વ્યાપારી પરિવારમાંથી હતાં. એ ભાઈ કંઈ વ્યવસાય કરતાં હતાં અને તેમનાં પત્ની ગૃહિણી હતાં. સાથે દોઢેક વર્ષની એક દિકરી હતી. મારો મુકામ તો જો કે એ આખો દિવસ લગભગ દરવાજા પર જ રહ્યો હતો. એ વહેલી સવારે મેં પંજાબની ટિપીકલ ધુમ્મસી સવારનો લ્હાવો માણ્યો હતો અને પછી તો ખુલ્લા ખેતરોમાંથી ટ્રેન પસાર થતી. ટ્રેનનો રસ્તો બહુ જ સીનિક હતો! હજુ ઠંડીનું જોર હતું એટલે ભરબપોરે પણ તાપ આકરો નહોતો. વચ્ચે એક વખત કોઈ નદી પર ખૂબ ઊંચા પુલ પરથી ટ્રેન પસાર થઇ રહી. ત્યારે તો બંને બાજુનાં હેન્ડલ પકડ્યા હોવા છતાં નીચે જોતાં મારું હૈયું થડકી ગયું હતું. નાના ગામોમાંથી ટ્રેન પસાર થતી ત્યારે ઘણી જગ્યાઓએ તો એમ લાગતું કે, હમણાં હાથ લાંબો કરીએ એટલે પેલાં ઘરને અડકી જવાશે. પંજાબમાં ઘરો પર પાણીની ટાંકીઓ નાના ફૂટબોલ આકારની, બાજ પક્ષીનાં આકારની, નાના ઘર, એરપ્લેન વગેરે વિવિધ આકારોની હતી! એ જોઇને પપ્પા અને મને બહુ ગમ્મત પડેલી. વસ્તીઓમાંથી ગાડી પસાર થતી ત્યારે ઘણાં છોકરા-છોકરીઓને મેં મારી તરફ આંગળી ચીંધીને કૈંક કહેતા જોયા હતાં. અને પછી તેમને ભાન થતું કે હું તેમની સામે જોઉં છું એટલે અમે એકબીજા સામે જોઇને હસતાં. મને હજુ નથી ખબર પડી કે, તેમને શું નવું લાગ્યું હશે. દરવાજા પર સતત ઊભા રહીને થોડો થાક કદાચ લાગ્યો હતો. પણ, જે નજારા જોવા મળ્યા પંજાબની પ્રાકૃતિક સમૃદ્ધિનાં તે અભૂતપૂર્વ છે.તેનાં ફોટોઝ આ શ્રેણીની અંતિમ ફોટો-પોસ્ટમાં મૂકીશ. (‘સિડની’ વખતે કર્યું હતું તેમ. જૂના જોગીઓને યાદ હશે.)

વચ્ચે વચ્ચે જ્યારે એકસરખા જ દ્રશ્યો આવતાં ત્યારે અથવા તો તરસ લાગે ત્યારે હું થોડી વાર અંદર સીટ પર જતી. થોડી વાર અમસ્તી જ બધાં સાથે બેસવા માટે પણ ગયેલી અને પછી કંટાળીને ફરી બહાર. બંને રાત્રે જમ્યા પછી હું મારી સાઈડ સીટનો પડદો પાડીને રીડીંગ લાઈટ ચાલુ કરીને વાંચતી એટલે બીજા કોઈને પ્રકાશને કારણે ખલેલ ન પડે. મેં સાથે ત્રણ બૂક્સ લીધેલી. ‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ’, કનૈયાલાલ મુનશીની ‘પૌરાણિક નાટકો’ અને જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘લાવા’. તેમાં ટ્રેન-મુસાફરીની મારી સાથી તરીકે મેં ટૂંકી વાર્તાઓ પસંદ કરી હતી.  અંતે મોડી બપોરે અમે પઠાનકોટ સ્ટેશન ઊતરીને બહાર નીકળ્યા, ત્યાં અમારા ટેક્સી ડ્રાઈવર ‘રૂમી’  સાથે અમારી મૂલાકાત થઇ અને અમે અમારાં પહેલા મુકામ – ડલ્હૌઝી તરફ પ્રયાણ કર્યું…