વીવા! લાસ વેગસ

અમેરિકા, લાસ વેગસ

વેગસનો એક સૌથી અગત્યનો નિયમ છે – “What happens in Vegas, stays in Vegas”. અર્થાત વેગસમાં જે કંઈ થાય તેની વાત વેગસથી નીકળ્યા પછી ન થવી જોઈએ. જો કે, છેલ્લી પોસ્ટમાં મેં દેખીતી રીતે જ તેનું ઉલ્લંઘન કર્યું છે. પણ, થોડી હદે આ પોસ્ટમાં એ અનુસરવામાં આવશે. ;) વાચકોમાંથી જે વેગસ ગયા છે તેમને આનું મહત્ત્વ ખબર જ હશે. તેમાંયે જો નજીકમાં નજીકનાં મિત્રો ઉર્ફે ‘પાર્ટનર્સ ઇન ક્રાઇમ’ સાથે બેચલર્સ પાર્ટી માટે વેગસ ગયાં હો તો તો ખાસ. બાકીનાંને જશો ત્યારે આપોઆપ સમજાઈ જશે. મારાં માટે જો કે, વેગસની પાર્ટનર્સ-ઇન-ક્રાઇમ સાથેની સફર હજુ બાકી છે. પણ, હું એ વિચારી શકું છું અને એ વિચારમાત્ર મને ઉત્સાહિત કરી મૂકે છે. એનીવે, અત્યારે તો આ થઇ ચૂકેલા અનુભવની વાત આગળ વધારું.

અમે ચેપલથી નીકળીને સીધા એક મહાકાય હોટેલનાં પાર્કિંગ-લોટમાં ઊતર્યા. એ હતી પ્રખ્યાત ‘વિન રીઝોર્ટ કોમ્પ્લેક્સ’માંની વિન (Wynn) હોટેલ. રાયનનો કોઈ લોકલ મિત્ર ક્રિસ અમને ત્યાં મળવાનો હતો. તેણે અમારાં માટે ત્યાંનાં પ્રખ્યાત ‘એક્સેસ’ નાઈટક્લબમાં ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા કરી હતી. અમે અંદર ગયાં ત્યારે બધું ભીડ નહોતી પણ અડધી જ કલાકમાં ક્લબ લગભગ પેક થઇ ગયો હતો. ત્યાં શરૂઆતમાં એક ઘટના બની જેનાં પર આખી બસનાં વિવિધ મંતવ્યો હતાં. અમે એન્ટ્રી લેતાં હતાં ત્યારે પેલાં ત્રણ જર્મન છોકરીઓનાં ગ્રૂપને અટકાવવામાં આવ્યું. થોડી વાર પછી ખબર પડી કે, તેમને ક્લબમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી. એટલું જ નહીં, પણ તેમનાં ખોટાં એઇજ-પ્રૂફ આઈડી લઈ લેવામાં આવ્યા હતાં. Burn! મને અંગત રીતે તેમનાં માટે કોઈ જ પ્રકારની દયા નહોતી આવી. જો કે, ઘણાં મિત્રો તેમનાં માટે દુઃખી થયાં હતાં – ખાસ એટલા માટે કે, તેમનાં આઈડી લઇ લેવામાં આવ્યા અને ત્યાર પછી દરેક જગ્યાએ તેમનાં માટે એન્ટ્રી લેવાનું અઘરું થઇ પડવાનું હતું.

એ ચર્ચા જો કે એન્ટ્રી-લાઈન પૂરતી સિમિત રહી. અંદર જઈને તો બધાં જલસા કરવામાં મશગુલ થઇ ગયાં હતાં. એ નાઈટક્લબ દુનિયાનાં સારામાં સારા નાઈટ-ક્લબ્સમાંનો એક છે. ત્યાં કોઈ પ્રખ્યાત ડી.જે. એ રાત્રે આવ્યો હતો અને એ તેની song-mixing quality પરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું. એ સ્થળનું સૌથી મોટું આકર્ષણ તેનો આઉટડોર એરિયા હતો. એવું સુંદર આઉટડોર સેટિંગ મેં પહેલાં ક્યાંયે નથી જોયું. ત્યાં પણ બાથરૂમમાં સાન ડીએગોની જેમ એક બહેન ઘણો બધો સામાન – પરફ્યુમ્સ, મેઇક-અપ વગેરે લઈને ઊભા હતાં અને થોડાં ઘણાં પૈસા માટે લોકોને હાથ લૂછવામાં વગેરેમાં મદદ કરી રહ્યાં હતાં. Super weird! પણ, અમે સાન ડીએગોનાં અનુભવ પછી થોડાં ઘણાં ટેવાઈ ગયાં હતાં. અમારી પ્રિ-ડ્રિન્ક્સની સ્ટ્રેટેજી મોટાં ભાગે સફળ થઇ હતી. ત્યાં ક્લબમાં મોટાં ભાગનાં મિત્રોએ બેથી વધુ ડ્રિન્ક્સ નહોતાં ખરીદ્યાં.

વેગસ બાબતે રાયને અમને ઘણી અગત્યની બાબતો સમજાવી હતી જે કદાચ ભવિષ્યનાં મુલાકાતીઓને મદદરૂપ થાય. વેગસ લોકો બે વસ્તુઓ માટે જતાં હોય – જુગાર અને/અથવા પાર્ટી. જો ફક્ત પાર્ટી માટે જતાં હો તો વેગસ કદાચ સૌથી મોંઘી જગ્યાઓમાંની એક છે. પણ, તેને સસ્તું બનાવવાની એક તરકીબ છે. જ્યારે જુગાર રમતાં હો ત્યારે ફ્રી ડ્રિન્ક્સ સર્વ કરવામાં આવતાં હોય છે કારણ કે, જેમ લોકો વધુ પીતાં જાય તેમ વધુ ભાન ગુમાવતાં જાય અને તેનાંથી કસીનોઝને ફાયદો થાય. પણ, એ સૌથી સારામાં સારી તરકીબ પણ છે. જે-તે સમયે થોડામાં થોડી કિંમતનું ગેમ્બલ કરીને જો બને તેટલો વધુ સમય રહી શકો તો તમે સતત ફ્રી ડ્રિન્ક્સનો લાભ ઊઠાવી શકો. તમે પહેલી વખત જેની રીક્વેસ્ટ કરી હોય એ જ ડ્રિંક તમને ત્યાં રહો ત્યાં સુધી સર્વ કરવામાં આવશે. એ રીતે પ્રીમિયમ ડ્રિન્ક્સનો પણ લાભ ઊઠાવી શકાય અને જો પહેલી એક-બે વખત વેઈટર/વેઈટ્રેસને જો તગડી ટિપ આપો તો તમને રહો ત્યાં સુધી પ્રીમિયમ ડ્રિન્ક્સ મળતાં રહેશે. બીજી નસીહત એ કે, તમારી હોટેલમાં તમારાં રૂમ સુધી કેમ પહોંચાય છે એ બરાબર સમજી લેવું. ત્યાંની લગભગ દરેક હોટેલ્સનાં રૂમ એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે, તમે સહેલાઇથી ખોવાઈ જાઓ. તેનો હોટેલ્સને ફાયદો એ કે, જો તમે ટલ્લી હો અને તમને રૂમ ન મળે તો તમે ફરી પાછાં કસીનો જશો અને વધુ દાવ લગાવશો. વળી, રૂમ્સવાળા ફ્લોર પર સામાન્ય રીતે મદદ લેવા માટે બહુ સ્ટાફ પણ જોવા નહીં મળે એટલે રૂમ શોધવો અઘરો થઇ પડશે.

આ હતી રાયનની ટિપ્સ અને હવે પછી મારી અંગત અનુભવની ટિપ્સ. ત્યાં સમયનું ખાસ ધ્યાન રાખવું. બીજા દિવસે ચેક-આઉટ કરવાનું હોય તો તો ખાસ! દિવસ છે કે રાત એ જાણવું બહુ અઘરું છે ત્યાં કારણ કે, કસીનોઝમાં ક્યાંયે બારીઓ નહીં જોવા મળે અને દિવસ હોય કે રાત કસીનોઝમાં અંદર એટલો જ ઝળહળાટ અને એટલો જ પ્રકાશ રહેશે એટલે મગજ સમય નોટિસ નહીં કરી શકે. દિવસની રાત અને રાતનો દિવસ થયો એ સમય જોશો નહીં ત્યાં સુધી નહીં ખબર પડે. જો મોટાં ગ્રૂપમાં ગયાં હો અને બધે સાથે ફરતાં હો તો અલગ-અલગ ટેક્સી લેવા કરતાં એક લિમોઝીન હાયર કરવી વધુ સસ્તી પણ પડશે અને વધુ યાદગાર પણ. ત્યાંનાં બફેનો લન્ચ, ડિનર અથવા બ્રેકફસ્ટ માટે લાભ અચૂક લેવો. અમને એક બ્રેકફસ્ટ ફ્રી મળ્યો હતો. એટલી બધી વેરાઈટી કે, લગભગ પાંચેક મિનિટ અમે ચાલતાં રહ્યાં તો પણ ઓપ્શન્સ પૂરા ન થયાં! આ વાંચનારા મોટાં ભાગનાં લોકોને પાર્ટીઝ ગમતી હશે પણ તમે પાર્ટી-એનિમલ નહીં હો. જો તમે વેગસની ટ્રિપ પ્લાન કરતાં હો અને જુગારમાં રસ ન હોય તો વધુમાં વધુ બે રાત અને ત્રણ દિવસ વેગસ માટે પૂરતાં છે. એટલામાં તમે ત્યાંથી નીકળવા માટે આતૂર થઈ ચૂક્યા હશો.

વેગસની પહેલી રાત મારાં માટે બહુ સુંદર રહી હતી. હું આખી રાત પ્રમાણસર buzzed-on રહી હતી. કંટાળો આવે એટલી ઓછી પણ નહીં અને કંઈ યાદ ન રહે એટલી વધુ પણ નહીં. લોકો બાર-એક વાગ્યા આસપાસ એક્સેસમાંથી  બહાર નીકળીને જૂદી-જૂદી જગ્યાઓએ જવા લાગ્યા હતાં. હું જે ગ્રૂપ સાથે હતી એ ગ્રૂપમાં અમે બધાં લગભગ સાડા ચાર સુધી સાથે રહ્યાં હતાં. પછી એકસાથે જેમ મળતી જાય તેમ અલગ-અલગ ટેક્સીમાં બેસવા લાગ્યાં અને હોટેલ તરફ પ્રયાણ કર્યું. અમુક વચ્ચેથી જૂદા રસ્તે ગયાં અને મેકડોનલ્ડમાં મુકામ કર્યો અને પછી હોટેલ આવ્યાં અને અમે બાકીનાં સીધાં જ અમારાં રૂમ તરફ ગયાં. પાંચેક વાગ્યે હું ઊંઘી અને સાડા નવ આસપાસ ઊઠી. બહુ હેંગઓવર નહોતો પણ પૂરતી ઊંઘનાં અભાવે થોડો થાક લાગ્યો હતો. બાર વાગ્યે અમુક છોકરીઓએ ડાઉન-ટાઉન વેગસમાં શોપિંગ/વિન્ડો-શોપિંગ માટે જવાનું નક્કી કર્યું અને બાકીનાંએ મોટાં ભાગે આરામ કર્યો અથવા જૂદા-જૂદા કસીનોઝ તરફ પ્રયાણ કર્યું. હું કેલી સાથે શોપિંગ માટે ગઈ પણ એ ખોટો નિર્ણય હતો. હું વેગસ સ્ટ્રિપ પર બહાર ગઈ હોત અને કસીનોઝ એક્સ્પ્લોર કર્યાં હોત તેની કદાચ મને વધુ મજા આવી હોત.

એ રાત્રે જે લોકો સર્ક-ડિ-સોલેઇ માટે જવાનાં હતાં એ બધાંએ પાંચ વાગ્યે તૈયાર થઈને પાર્કિંગમાં નિર્ધારિત જગ્યાએ મળવાનું હતું. એ શો આરિયા ગ્રાન્ડ હોટેલમાં હતો. મારે શો નહોતો જોવો પણ બધાં સાથે પાર્ટી-બસનો અનુભવ લેવો હતો અને આરિયા અને નજીકનાં બીજા સ્થળો એક્સપ્લોર કરવા હતાં એટલે મેં તેમની સાથે જવાનું નક્કી કર્યું પણ પછી વેગસ પોતાની રીતે એક્સ્પ્લોર કર્યું. કદાચ એ ટ્રિપનો મારો ખોટામાં ખોટો નિર્ણય અને અનુભવ…

રૂટ-૬૬ અને વેગસ

અમેરિકા, લાસ વેગસ

ગ્રાન્ડ કેન્યનનાં બંને દિવસોમાં જ્યારે પણ ઇન્ટરનેટ મળે અને મેસેજિસ ચેક કરું ત્યારે વિચિત્ર લાગણી અનુભવાતી. My sense of time was completely lost. મોટાં ભાગની ટ્રિપમાં મને કોઈ તારીખ કે અઠવાડિયાનો દિવસ પૂછે તો હું કહી ન શકું. ઘડિયાળ પર મારું ધ્યાન ફક્ત અલાર્મ સેટ કરવા જેટલું જ જતું અને બાકીની બધી માહિતી મગજ આપોઆપ ફિલ્ટર કરી લેતું. ગ્રાન્ડ કેન્યનવાળા બંને દિવસો દિવાળી અને બેસતા વર્ષનાં હતાં એટલે જયારે મેસેજિસ ચેક કરતી ત્યારે બધાંનાં દિવાળી અને બેસતાં વર્ષનાં મેસેજ આવેલાં હોય અને મને યાદ પણ ન હોય અને ખબર પણ ન હોય કે આજે એ દિવસો છે. હું યંત્રવત બધાંને જવાબ આપી દેતી પણ મગજમાં એ માહિતી પણ ખાસ રજીસ્ટર નહોતી થતી.

ગ્રાન્ડ કેન્યનથી વેગસ જવા માટે નીકળ્યાં ત્યારે અમને ઐતિહાસિક રૂટ-૬૬નાં એક ભાગ પરથી લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં હવે ખાસ કંઈ રહ્યું નહોતું. એક નાની જેઈલ, બે જૂની ગાડીઓ વગેરે ફક્ત યાદગીરી પૂરતાં રાખવામાં આવ્યા હતાં. ત્યાંથી અમે વેગસનાં મૂડમાં આવવાની શરૂઆત કરી હતી. બધાંએ બે સેન્ટની સ્ક્રેચી લોટો ટિકિટ ખરીદવા માંડી હતી. :D એ વિસ્તાર એકદમ ઉજ્જડ હતો. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખુલ્લાં મેદાન અને થોડાં છૂટા-છવાયાં થોર. વેગસ પહોંચતાં પહેલાં અમે વોલ-માર્ટની અમારી ટ્રિપની બીજી વખતની મુલાકાત લીધી. રાયને બધાંને યાદ કરાવ્યું કે વેગસમાં બધું જ પ્રીમિયમ-પ્રાઈસ્ડ હશે એટલે અહીંથી પ્રિ-ડ્રિન્ક્સ માટે આલ્કોહોલ ખરીદી લેવું જોઈએ. અમારે લન્ચ પણ ત્યાં જ આસપાસ કરી લેવાનું હતું. વોલમાર્ટમાં અંદર તો ફૂડ-ઓપ્શન્સ હતાં જ. પણ, સાથે તેની આસપાસ સબવે, ટાકો બેલ વગેરે પણ હતાં. સૌથી પહેલાં અમે બધાં વોલમાર્ટ ગયાં. ત્યાં આલ્કોહોલનાં ભાવ જોઈને હું દંગ રહી ગઈ. ઓસ્ટ્રેલિયા કરતાં ત્રીજા ભાગનાં ભાવ! મેં પ્રીમિયમ વોડ્કાની એક બોટલ અને બે મિક્સર ખરીદ્યાં. લન્ચ માટે બહાર નીકળતી વખતે કેલી, જેક (હોબ્સ) અને હું ભેગાં થઇ ગયાં. કેલી તેનો હાલોવીન કોશ્ચ્યુમ લેવામાં એટલી તન્મય હતી કે, આલ્કોહોલ લેવાનું ભૂલી ગઈ અને જેકે આલ્કોહોલ તો લીધું પણ મિક્સર લેવાનું ભૂલી ગયો હતો એટલે એ બંનેએ મારી દૂરંદેશીને એ દિવસે ખૂબ બિરદાવ્યા.  લન્ચ પતાવીને અમે બસ પાસે પહોંચ્યા ત્યારે સીન જોરદાર હતો. બેગ રાખવા માટે નીચે ત્રણ કમ્પાર્ટમેન્ટ હતાં તે ત્રણેમાં બેગ્સ પથરાયેલી પડી હતી. તેમાંથી એક બને તેટલો ખાલી કરીને તેમાંની બેગ્સ બીજાં બેમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી. જગ્યા બને ત્યાં અમારી આલ્કોહોલની બોટલ્સ રખાઈ રહી હતી. આખી બસનાં દરેકે એવરેજ બે બોટલ ખરીદી હતી. That was crazy and hilarious!

બસમાં પરફેક્ટ મૂવિ લગાવવામાં આવ્યું હતું. ‘હેન્ગઓવર’. એ પત્યું કે, તરત અમે વેગસમાં દાખલ થવા લાગ્યાં હતાં. અમે જેમ અંદર જતાં ગયાં એમ સ્વાભાવિક રીતે જ બધાં વધુ ને વધુ ઉત્સાહિત થતાં ગયાં. અમારે બહાર જવા માટે સાત વાગ્યે તૈયાર રહેવાનું હતું અને અમે હોટેલ પહોંચ્યાં ત્યાં સુધીમાં સાડા ચાર થઇ ચૂક્યા હતાં. રાયન બધાંને ચાવી આપે અને અમે રૂમમાં જઈએ ત્યાં સુધીમાં બીજી અડધી કલાક થઇ જ જાય. હું સમય પર બરાબર મીટ માંડીને બેઠી હતી. કારણ કે, મને તૈયાર થતાં ઓછામાં ઓછી બે કલાક થાય તેમ હતું. શાવર લઈને વાળ સૂકાય ત્યાં સુધી રાહ જોવાની અને પછી સ્ટ્રેઈટનિંગ માટે બીજી ૪૫ મિનિટ વત્તા ૨૦ મિનિટ મેઇક-અપની. સમય કટોકટ થવાનો હતો પણ મેનેજેબલ હતું. પણ, ત્યાં તો દૂકાળમાં અધિક-માસનાં સમાચાર આવ્યાં. હોટેલે અમારાં ગ્રૂપને કોઈ બીજા ગ્રૂપ સાથે મિક્સ-અપ કરી દીધું હતું એટલે કી-કાર્ડ ફરી બનાવવા પડે તેમ હતાં. બધું પાર ઉતારતાં પોણીથી એક કલાક જેવો સમય લાગવાનો હતો. આ સાંભળીને મારું મગજ સીધું પેનિક-મોડમાં જતું રહ્યું. પણ, પરિસ્થિતિ તો હતી એ જ હતી. તેમાં કંઈ ફેરફાર થવાનો ન હતો એટલે મેં મગજ થોડું કાબૂમાં લીધું અને બધાં સાથે સ્ટારબક્સ તરફ ગઈ. સ્ટારબક્સ એ બે દિવસ અમારું મક્કા-મદીના હતું કારણ કે, એ હોટેલમાં વાઈ-ફાઈ પેઈડ હતું. અફકોર્સ! વેગસ. :P અને અમે બધાં બજેટ ટ્રાવેલર્સ એટલે સ્ટારબક્સનાં ઇન્ટરનેટ વડે બે દિવસ નિભાવ કર્યો.

થોડી વાર તો અમે હોટેલમાં આવ્યા છીએ કે શોપિંગ- ડિસ્ટ્રીક્ટમાં એ જ ખબર ન પડે. ત્યાં બધે દૂકાનો જ દૂકાનો હતી. સવા પાંચે અમારાં કી-કાર્ડ્સ તૈયાર થયાં એટલે અમે રૂમ તરફ ગયાં. કેલીએ દસ મિનિટમાં શાવર પતાવ્યો અને પછી હું ગઈ. હું મારાં વાળ બ્લો-ડ્રાય કરતી હતી ત્યારે તેણે અમારાં બંને માટે ડ્રિન્ક્સ બનાવ્યાં. એ દિવસે ખરેખર I was racing against time. હું એ બબાલમાં હતી ત્યાં અચાનક મને લાઈટ થઇ અને મેં દિવસ જોયો. shit! મારાં ડેડનો બર્થ-ડે! ભારતમાં તો ત્યારે એ દિવસ પૂરો થઈ ચૂક્યો હતો અને મારી આંખમાં પાણી આવી ગયાં. ડેડનો બર્થ-ડે મને ક્યારેય ન ભૂલાય અને એ દિવસે ભૂલાઈ ગયો હતો. થોડી વારમાં જેક અમારાં રૂમમાં આવ્યો કારણ કે, અમારી પાસે મિક્સર હતાં. રૂમમાં વાઈ-ફાઈ નહોતું પણ જેકનાં ફોનમાં હતું. તેણે થોડો સમય તેનાં ફોનને હોટસ્પોટ બનાવ્યો અને મેં ફટાફટ ડેડને મેસેજ કર્યો. પછી તો અમારી ત્રણેની નાનકડી રૂમ-પાર્ટી જામી. હું તૈયાર થતાં થતાં પીતી રહી અને થોડી થોડી વારે બહાર આવતી રહેતી. બધાં રૂમમાં આવતાં જતાં રહેતાં હતાં. મારું તૈયાર થવાનું કામકાજ પણ સમયસર પતી ગયું અને સાત વાગ્યે અમે બહાર નીકળ્યાં. લોબીમાં અમે ઘણાં બધાં એક સાથે થઇ ગયાં હતાં એટલે એક મોટાં અરીસા પાસેથી પસાર થતાં જેકનાં ફોનમાં અમે ઘણાં બધાં ગ્રૂપ-ફોટોઝ લીધાં. પછી સીધાં બસ તરફ ગયાં. અમારો પહેલો મુકામ પેલી પ્રખ્યાત મોટી વેગસ સાઈન હતી. તેની નીચે અમારે ગ્રૂપ-ફોટો લેવાનો હતો. બધાં મસ્ત તૈયાર થયેલાં હોય એટલે ફોટો માટે એ પરફેક્ટ દિવસ હતો.

ત્યાર પછી ડિનર માટે અમે એક રેસ્ટોરાં ગયાં. ત્યાં ડ્રિન્ક્સ પણ સ્ટ્રોંગ અને પ્રમાણમાં સસ્તા હતાં એટલે બધાંએ ડ્રિન્કિંગ ગેઇમની શરૂઆત કરી દીધી હતી. ટાર્ગેટ હતો To get drunk enough to be drunk when we are out clubbing but to stay sober enough so that we aren’t denied entry because we are too drunk. Hah! ત્યાંનું કામકાજ પત્યું એટલે બધાં ક્લબિંગ માટે ઊતાવળા થવા લાગ્યા હતાં. પંદરેક મિનિટમાં અમે વેગસ સ્ટ્રિપ પર પહોંચ્યાં. એક પછી એક રાયન બધાં કસીનો, તેનાં માલિકો અને તેમની પ્રખ્યાત દંતકથાઓનો અમને પરિચય આપવા લાગ્યો. વેગસ સ્ટ્રિપનાં અંતે થોડાં વેડિંગ-ચેપલ છે જ્યાં તમે દાખલ થતાં સાથે જ લગ્ન રજીસ્ટર કરી શકો. જ્યાં બ્રિટની સ્પિયર્સે તેની પ્રખ્યાત ભૂલ કરી હતી. એ ચેપલ પતે પછી આગળ ખાસ કંઈ નથી. તેવી એક શાંત ગલીમાં બસ ઊભી રહી અને માર્કસ (ડ્રાઈવર) ચાલવા લાગ્યો. તેની પાછળ રાયન ગયો. અમને કોઈને ખબર નહોતી શું થઇ રહ્યું છે એ. થોડી વારમાં અમને કહેવામાં આવ્યું કે, માર્કસે એ દિવસે તેનાં સામાન્ય ડ્રાઈવિંગ ટાઈમ કરતાં ઘણું વધુ ડ્રાઈવ કરી લીધું છે અને એટલે હવે એ ડ્રાઈવ કરવા નથી માંગતો. અમારે ત્યાંથી આગળ જવા માટે રાયને અન્ય ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી પડશે. એક પછી એક અમે બસમાંથી ઊતરવા લાગ્યાં અને રાયનને ફોલો કરવા લાગ્યાં. પાંચેક મિનિટમાં અમે એ ગલીમાંથી બહાર નીકળ્યા અને વેગસ સ્ટ્રિપ પર ચાલવા લાગ્યાં ત્યારે રાયને બૂમ પાડીને ફટાફટ બધાંને એક ચેપલમાં અંદર જવા કહ્યું. એ એરિયા સુરક્ષિત નહોતો અને અમારે બધાંએ જેમ બને તેમ જલ્દી પેલાં ચેપલમાં દાખલ થવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી.

અમે બધાં અંદર એક રૂમમાં ગયાં પછી ચેપલનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોઈને કંઈ સમજાતું નહોતું. અમારામાંનાં કેટલાંક થોડાં ગભરાઈ ગયાં હતાં અને બાકીનાં વેગસની પહેલી રાત્રે આવું નાટક થાય તેનાંથી નાખુશ હતાં. અમારે જલ્દી પાર્ટીની શરૂઆત કરવી હતી. કોઈ ચેપલમાં પૂરાઈ નહોતું રહેવું. પણ પાંચેક મિનિટમાં એલ્વિસ પ્રેસ્લીનું એક પ્રખ્યાત ગીત “વીવા લાસ વેગસ” શરુ થયું. ધીમે ધીમે અવાજ વધતો ગયો અને OMG! ત્યાં એક વ્યક્તિ એલ્વિસનાં અવતારમાં તેની નકલ કરતો ગાઈ રહ્યો હતો. અને અમને તરત જ ખબર પડી ગઈ કે, એ અમારી ટ્રિપનું મોટું સરપ્રાઈઝ હતું જેનાં માટે અમે શરૂઆતમાં દસ ડોલર આપ્યા હતાં. વેગસમાં અમારું સ્વાગત પ્રેસ્લી દ્વારા થયું હતું which was epic! અને ત્યાર પછી ચેપલ વેડિંગ કેવી હોય તેનો સ્વાદ ચખાડવા માટે અમારાં ગ્રૂપમાંથી એક છોકરો અને એક છોકરી, જેક અને કેલી બંને મારાં મિત્રોને પસંદ કરવામાં આવ્યા હતાં અને પ્રેસ્લીએ તેનાં હાસ્યાસ્પદ wedding-wows બોલાવીને તેમનાં ખોટાં લગ્ન કરાવ્યાં હતાં. તેનાં અંતે તેમણે ફેઇક વેડિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતાં. એ વેગસનું અમારું ગ્રાન્ડ-વેલ્કમ હતું અને ત્યાર પછી અમારી પાર્ટીઝની શરૂઆત થવાની હતી.

ફીનિક્સ – સ્કોટ્સડેલ

અમેરિકા, ફીનિક્સ

સાન ડીએગોથી અમારે સવારે સાત વાગ્યા આસપાસ ફીનિકસ જવા નીકળવાનું હતું. આગલાં દિવસે જ રાયને અમને કહી રાખ્યું હતું કે, આવતી કાલે તમારો પાસપોર્ટ તમારી સાથે ઉપર રાખજો. ત્યાંથી ફીનિક્સ જતાં શરૂઆતમાં જ અમે યુ.એસ.એ અને મેક્સિકોની બોર્ડર પાસેથી પસાર થતાં હતાં. ત્યાંથી જેમ જેમ એરિઝોના નજીક આવતાં ગયાં તેમ રાયને અમને એક બહુ રસપ્રદ માહિતી આપી. “તમને પેલી વાડ દેખાય છે? બસ એટલાં કદની આ મેક્સિકન બોર્ડર છે. એક સામાન્ય માણસ આરામથી કૂદીને એક તરફથી બીજી તરફ જઈ શકે એટલી નીચી. ત્યાં જો કે, એકદમ હેવી આર્મી પેટ્રોલિંગ હોય છે હંમેશા. તમારે જો બંદૂકધારી સામાન્ય ક્રેઝી અમેરિકનને જોવો હોય તો એ આ વિસ્તારમાં જોવા મળશે તેનાં પૂરેપૂરા ચાન્સ છે. ઘણાં ક્રેઝી અમેરિકન્સ દેશભક્તિને અહીં કંઇક વધુ પડતાં જ ગંભીરતાથી લે છે. એટલે તેમનાં મત મુજબ તેમનાં દેશની ઈલ્લીગલ-ઇમિગ્રન્ટસથી રક્ષા કરવાની તેમની ફરજ છે. એટલે, બંદૂક લઈને પોતે બોર્ડર પાસે ઊભા રહે.” એ જ કારણથી એ વિસ્તારમાં ચેકિંગ પણ ઘણું કડક હતું. એટલે એરિઝોનાની હદની અંદર જતાં પાસપોર્ટ ચેકિંગ પણ થાય તેવું અમને આગલાં દિવસે કહેવામાં આવ્યું હતું. જો કે, અમને અટકાવવામાં નહોતાં આવ્યાં ક્યાંયે અને અમે બહુ સરળતાથી એરિઝોનામાં અંદર આવી ગયાં હતાં.

ફીનિકસ પહોંચતા રસ્તામાં રાયને એક આઈસ-બ્રેકર પ્રવૃત્તિમાં બધાંને પરોવ્યા. સ્પીડ-ડેટિંગ જેવું. બારી પાસે બેઠેલાં દરેક બેઠાં રહે અને આઈલ સીટ પોતાની સીટથી બે સીટ આગળ મૂવ થતી રહે અને જે કોઈ વ્યક્તિ પાસે આવે તેની સાથે તમારે વાત કરવાની. આવું ત્રણેક વખત થયું પછી તેણે એક નવો નિયમ કહ્યો. એ સમયે જે કોઈ તમારી પાસે બેઠું હોય તેની ઓળખાણ તમારે આપવાની અને તમારાં પોતાનાં વિશે ત્રણ વસ્તુઓ કહેવાની તમારું રિલેશનશિપ સ્ટેટસ, તમારી સૌથી પ્રિય જગ્યા/ગામ/દેશ અને તમે જેની સાથે સંકળાયેલા હો તેવી એક શર્મનાક (embarrassing) વાત. આ રમત એટલી લાંબી ચાલી હતી કે, તેમાં વચ્ચે હું થોડી વાર ઊંઘી પણ ગયેલી. જો કે, મજા ખૂબ આવી હતી અને લોકોને એકબીજાને ઓળખવાનો પહેલો મોકો મળ્યો હતો કે, જ્યારે બધાં એકસાથે હોય.

ત્યાર પછી અમને અમારી પહેલી વોલમાર્ટની મુલાકાતનો લ્હાવો પણ મળ્યો અને લોકોએ સૌથી પહેલી દોટ મૂકી ‘ગન્સ’ સેક્શન તરફ. એક સામાન્ય નોન-અમેરિકન વ્યક્તિ માટે જનરલ-સ્ટોરમાં ગન મળવી એ અચરજની વાત જ હોય તેવું માનું છું. જો કે, ગન ઉપાડવા બાબતે રાયને બહુ સારી રીતે બધાંને હિન્ટ આપેલી કે, “સંભવિત મર્ડર-વેપન પર કોઈ પોતાની ફિંગરપ્રિન્ટ શું કામ છોડવા ઈચ્છે એ મને નથી સમજાતું.” છતાં ઉત્સાહીઓ સ્વાભાવિક રીતે જ ગન હાથમાં લઈને ફોટો પડાવતાં હતાં. બીજું અચરજ હતું ઈલેક્ટ્રોનિક કાર્ટમાં બેસીને ત્યાં ફરતાં જાડાં-પાડા અદોદળા લોકો. અમારાં મિત્ર જોશે તો રીતસર આવાં જૂદા-જૂદા નમૂનાનાં ફોટોઝનો એક આલ્બમ બનાવેલો “પીપલ ઓફ વોલમાર્ટ” (ભાગ-૧ અને ૨!) ત્યાં મોટાં ભાગે બધાંએ મુખ્ય કામ હાલોવીન કોશ્ચ્યુમ શોધવાનું કર્યું હતું. એક કલાકનાં બ્રેકમાં બધાંએ ત્યાં ફરીને લન્ચ કર્યું અને ફીનિકસ તરફ આગળ વધ્યા. ત્યાં ઠેર ઠેર મેક્સિકો/એરિઝોનાનાં પેલાં આઇકોનિક લાંબા થોર દેખાવા લાગ્યા હતાં. તેનાં વિશે પણ રાયને ઘણી રસપ્રદ વાત કહી હતી.

રાયનનાં કહેવા પ્રમાણે એ દરેક થોરનું આયુષ્ય સો વર્ષનું હોય છે અને નેટિવ અમેરિકન (રેડ-ઇન્ડિયન) સંસ્કૃતિમાં એ દરેક થોર બરાબર એક વ્યક્તિ માનવામાં આવે છે. એરિઝોનામાં એ થોર કાપવા ગેરકાનૂની છે અને કદાચ ખૂબ મોંઘા પણ. એટલે, લોકો બાંધકામ માટે જમીન લે ત્યારે તેમની જમીનમાં આવા થોર ન હોય તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ફીનિકસમાં કોઈ બહુ સારી યુનિવર્સિટી છે. એટલે, આખું શહેર લગભગ યુવાનોથી જ ભરેલું છે. ફીનિકસમાં અમે ફક્ત એક જ રાત રોકાવાનાં હતાં અને બહાર ક્લબ/પબમાં જવાનાં હતાં. એટલે રાયને ઘોષણા કરી કે, વેગસ સિવાય જો ક્યાંય મારે સુંદર તૈયાર થઈને નીકળવાનું હોય તો હું અહીં નીકળું. કારણ કે, ક્રાઉડ બધું યુવાન છે અને બાકીનું કામ તમારી ઓસ્ટ્રેલિયન કરી આપશે. અમેરિકન્સ લવ એક્સન્ટસ ;) અમે ચાર વાગ્યે હોટેલ પહોંચ્યા અને સાત વાગ્યે અમારે ડીનર માટે નીકળવાનું હતું. અમે ચાર છોકરીઓ રોઝી, કેલી, એઈમી અને હું અમે સૌથી પહેલાં નજીકનાં શોપિંગ સેન્ટર જવા નીકળ્યા.

દોઢ કલાકનો સમય હતો અમારી પાસે. તેમાંથી ચાલીસેક મિનિટ તો ફક્ત આવવા-જવાની થવાની હતી. અમારે ચારેને જૂદી જૂદી વસ્તુઓની જરૂર હતી એટલે અમે અંદર જઈને અલગ પડી જવાનું નક્કી કર્યું અને સાડા પાંચે જ્યાંથી છૂટાં પડયા હતાં ત્યાં જ ફરી મળવાનું નક્કી કર્યું. મારે એક પેર બ્લેક હીલ્સની અને એક પાસપોર્ટ સમાય તેવડું બ્લેક વોલેટ લેવાનું હતું. સૌથી પહેલાં તો ક્યા સ્ટોર્સમાં જવું તેની ખબર નહોતી અને લગભગ પંદર મિનિટ સુધી હું જેટલું ચાલી તેટલામાં બધી હાઈ-એન્ડ શોપ્સ જ હતી. પછી ત્યાં કામ કરતી એક છોકરીને પૂછ્યું કે, બજેટ શોપ્સ ક્યાં અને કઈ છે એટલે તેણે મને નામ કહ્યાં અને દિશા બતાવી. ગર્લ્સ, ટેક નોટ: યુ.એસ.એ.માં હો અને બજેટ શોપિંગ કરવા ઈચ્છતા હો તો ‘એચ એન્ડ એમ’ અને ‘ફોરેવર ૨૧’ તમારાં તારણહાર છે. :D મને બંને ચીજો બરાબર કટોકટ ટાઈમ પર મળી અને સાડા પાંચે નીચે પહોંચીને અમે સાથે હોટેલ જવા નીકળ્યા.

સાત વાગ્યે તૈયાર થઈને બધાં હોટેલ લોબીમાં ભેગા થયા હતાં અને ત્યાં રાયન એક ગોલ્ફ-બગ્ગી પાસે ઊભો હતો. બધાં આવી ગયાં ત્યારે તેણે અમને કહ્યું કે, આ મેં તમારાં માટે અરેન્જ કર્યું છે અને અહીં હોટેલથી રેસ્ટોરાં/બાર સુધી તમે આ બગીમાં બેસીને જશો. બધાં ખૂબ ખુશ થયાં અને એકબીજા સામે જોઇને હસવા લાગ્યાં. એક પછી એક બગી ભરાતી ગઈ અને નીકળતી ગઈ. બધાં માટે એ નવું હતું એટલે બધાં ખૂબ એન્જોય કરી  રહ્યાં હતાં અને ટ્રાફિક-લાઈટ પર એકબીજાનાં ફોટો લઇ રહ્યાં હતાં. રેસ્ટોરાં, જ્યાં અમને લઇ જવામાં આવ્યા હતાં એ થોડું વધુ પડતું જ મોંઘુ હતું. એટલે અમારી મેઈન મીલ પતાવીને પણ મને અને જેક(ફર્ગ્યુસન)ને ભૂખ લાગી હતી. આમ પણ એ બિચારો ૧૯ વર્ષનો હોવાને કારણે અહીં પણ બારમાં જઈ શકવાનો નહોતો. એટલે, મેં તેની સાથે ડિઝર્ટ માટે ક્યાંઈક જવાનું નક્કી કર્યું. જતાં પહેલાં રાયનને પૂછી લીધું કે, બધાં અહીં પછી ક્યાં જવાનાં છે અને ત્યાં કઈ રીતે પહોંચાય. પછી હું અને જેક નીકળી પડ્યાં અને એક આઈસ-ક્રીમ સ્ટોર ગયાં. જેક સાથે એ દિવસે ઘણી બધી વાત થઇ હતી. એ કોલેજમાં શું કરવા માગે છે વગેરેની. તેને ફોટોગ્રાફર બનવું હતું અને તેનાં વિશેનાં તેનાં પ્લાન્સ તે મને કહી રહ્યો હતો. અમે આર્ટ વિશે પણ એ દિવસે ઘણી વાત કરી હતી. એ પછી અમે બધાં જ્યાં જવાનાં હતાં એ બાર તરફ ગયાં. અમે કોશિશ કરી જો તે અંદર જઈ શકતો હોય તો. પણ, મેળ ન પડ્યો એટલે ત્યાંથી અમે છૂટા પડયા અને એ હોટેલ ગયો.

એ બાર પીસ ઓફ આર્ટ હતો. ત્યાં અંદર ઢગલાબંધ ગેમ્સનાં સેટ-અપ હતાં. એ મોટું વ્હીલ હતું બરાબર બાર પાસે જેનાં પર જૂદા-જૂદા ડ્રિન્ક્સ/શોટ્સનાં નામ લખેલાં હતાં. મિત્રો સાથે તમે એક પછી એક એ વ્હીલ ફેરવી શકો અને જેનાં પર કાંટો અટકે એ ડ્રિંક/શોટ તેમણે લેવાનો. એ ઉપરાંત ત્યાં બિયર-પોન્ગ માટે ટેબલ સેટ કરેલું હતું. પૂલ તો ખરું જ અને બહારનાં ભાગમાં જેન્ગાનું પણ સેટ-અપ હતું. થોડી વાર હું અંદર રહી પણ પછી બહાર બધાં સાથે જેન્ગા રમવા લાગી. એ દિવસે પહેલી વાર ડ્રાઈવર-માર્કસ અમારી સાથે બહાર આવ્યો હતો. તેનું કહેવાનું એમ હતું કે, આ જગ્યા કંઇક અલગ છે એટલે આવી જગ્યાઓમાં આવવા માટે એ હંમેશા તૈયાર હોય. પણ, સામાન્ય બાર/પબમાં તેને બહુ રસ નહોતો. જેન્ગાનો બીજો રાઉન્ડ શરુ થયો ત્યારે મારી હીલ્સ મને હેરાન કરવા લાગી હતી અને એટલે મેં થોડી વાર પાસેનાં ટેબલ પર બેસવાનું નક્કી કર્યું. ત્યાં એક ક્યૂટ છોકરો બેઠો હતો. તેની સાથે થોડી વાત શરુ થઇ. તેનું નામ હતું બ્રેન્ડન. થોડી વારમાં ત્યાં એક છોકરી આવી. એ બ્રેન્ડનની હાઉઝ-મેઇટ હતી, તેનું નામ હતું નિકોલ. એ બંને વાતોડિયા હતાં એટલે અમે ત્રણે ખૂબ હળી-મળી ગયાં. તેઓ પોતાનાં ત્રીજા હાઉઝ-મેઇટ માટે એ દિવસે બહાર આવ્યાં હતાં. એ ત્રીજો હાઉઝ-મેટ એ બારમાં બાઉન્સર હતો અને એન્ટ્રી પર ઊભો હતો. (જેનાં કારણે જેક અંદર ન આવી શક્યો ;) ) તેની નોકરીમાં એ તેનો પહેલો દિવસ હતો.

પછી તો અમારી દોસ્તી થઇ ગઈ. અમારાં પબમાં મ્યુઝિક બહુ જામે તેવું નહોતું એટલે મેં તેમને કહ્યું અને તેમણે મારે ક્યા પ્રકારનું મ્યુઝિક જોઈએ છે એ પૂછ્યું. તેમણે પૂછ્યું જો મારે તેમની સાથે બીજી જગ્યાઓ જોવી હોય તો અને એ બધી અમે જ્યાં હતાં ત્યાંથી ચાલીને જઈ શકાય તેટલી દૂર હતી. મારે જવું તો હતું પણ મારું ડ્રિંક પૂરું કરીને. તેનો પણ ઈલાજ અમે કાઢ્યો. બારમાંથી નીકળતી વખતે ડ્રિંક હાથમાં લઈને ન નીકળી શકાય. પણ, એ જગ્યા બે શેરીનાં કાટખૂણે પડતી હતી અને અમે બહાર ખુલ્લામાં બેઠાં હતાં ત્યારે. એટલે મારું ડ્રિંક અમે જે તરફ બાઉન્સર ન હોય એ તરફની પાળી પર મૂક્યું અને ફટાફટ બહાર નીકળીને બીજી તરફ જઈને ત્યાંથી ઊઠાવી લીધું. It was super funny. I’ve never even done it before (or after).   એ બંને મને જ્યાં લઇ ગયાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા હતી. રોક મ્યુઝિક અને બારની બરાબર વચ્ચે એક vintage pimped-up Harley Davidson મૂકેલી હતી. ઓલ્ડ-રોક મ્યુઝિક હતું એટલે એ પ્રમાણે ક્રાઉડ બહુ યુવાન નહોતું. પણ, ત્યાં બ્રેન્ડન અને નિકોલની કંપની અને સારાં મ્યુઝિકને કારણે મને ખૂબ મજા આવી. નિકોલ પછી મને હોટેલ પણ મૂકી ગઈ હતી.

સાન ડીએગો અને ફેલો-ટ્રાવેલર્સ

અમેરિકા, સાન ડીએગો

સાન ડીએગો બીચ પર પ્રવૃત્તિઓની કોઈ કમી નહોતી. ત્યાં માર્કેટ્સ, બાળકો માટે રાઈડ્સ, કેન્ડી શોપ્સ વગેરેની ભરમાર હતી. ઓસ્ટ્રેલિયામાં અમે સુંદર બીચ તો ઘણાં જોયાં છે. પણ, બીચ પર આટલી બધી પ્રવૃત્તિઓ સામાન્ય રીતે નથી જોઈ. એટલે સ્વાભાવિક રીતે જ અમારાં મોટાં ભાગનાં ગ્રૂપે દરિયાને અવગણીને બીચ-માર્કેટ્સ તરફ જ પહેલું પ્રયાણ કર્યું. હું શરૂઆતમાં એઇમી સાથે ફરી. પણ, પછી તેને પાણી દરિયા તરફ જવું હતું અને મારે કિનારા આસપાસ ફરવું હતું એટલે અમે છૂટા પડ્યાં. પાંચેક મિનિટમાં એક કાફેમાં હું પાણી લેવા ગઈ ત્યાં મેં રોઝી, જેક (ફર્ગ્યુસન – બીજો જેક. લન્ચવાળો જેક હોબ્સ નહીં) અને ચાનને જોયાં અને ત્યાં તેમની સાથે હું પણ થોડી વાર બેઠી. આગલી રાત્રે લિટલ મેક્સિકો ડિનર વખતે એ મારી બાજુની સીટમાં બેઠો હતો એટલે ત્યારે તેની સાથે ઘણી વાત થઇ હતી અને સારી એવી દોસ્તી પણ. તેનું લન્ચ પત્યાં પછી અમે સાથે ફરવા લાગ્યાં. અડધી કલાક જેવાં સમય પછી અમે ત્યાંનાં સુંદર બીચ-હાઉઝીઝ પાસે ફૂટ-પાથ પર ચાલી રહ્યાં હતાં તેવામાં એક ઓળખીતાં ચહેરા પર મારું ધ્યાન પડ્યું. એ છોકરી એલ.એમાં એક રાત અને બે દિવસ મારાં જ ડોર્મમાં હતી. તે અને તેની મિત્ર મને બરાબર યાદ હતાં પણ તેમનાં નામ મને ભૂલાઈ ગયાં હતાં. ત્યારે તો જો કે, એ એકલી જ હતી અને અમે એકબીજાને જોઈને ખૂબ ખુશ થઇ ગયાં. તેનું નામ હતું એન્જેલીક. એ પણ અમારી સાથે ચાલવા લાગી અને અમે ત્રણ – જેક,એન્જેલીક અને હું બીજી અડધી કલાક જેટલું સાથે ચાલ્યા હોઈશું.

જેક, એન્જેલીક અને અમારી ટૂરની બીજી એક છોકરી કેઇટલિન તેમની ટ્રાવેલ-સ્ટોરી લાજવાબ છે. મારાં માટે એ ત્રણેની જૂદી-જૂદી કહાનીઓનો એક કોમન સાર હતો ‘how to make it happen’. એ ત્રણેની વાત મારાં ટ્રાવેલિંગ પ્રત્યેનાં ખ્યાલો અને અભિગમમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની રહી. એ ત્રણે મારી જેમ સોલો-ટ્રાવેલર હતાં. જેક ફક્ત ઓગણીસ વર્ષનો હતો અને તે છ મહિના માટે યુ.એસ.એ ફરી રહ્યો હતો અને એ પણ અનુભવોની એક મોટી રેઇન્જ સાથે. હાઈ-સ્કૂલ પતાવ્યાં પછી તરત તેને આ ટ્રિપ કરવી હતી. આ કન્સેપ્ટ પ્રથમ વિશ્વનાં ઘણાં યુવાનોમાં ધીમે ધીમે પોપ્યુલર થઇ રહ્યો છે – તેનું નામ ‘ગેપ યર’. હાઈ-સ્કૂલ અને યુનીવર્સીટી વચ્ચે લેવાતું એક ડ્રોપ-યર જેનાં ઘણાં વિવિધ ઉપયોગ હોઈ શકે જેમ કે ટ્રાવેલિંગ અને એક્સપીરીયન્સ, જોબ અને યુનીવર્સીટી ફીઝ માટે પૈસા ભેગાં કરવા, જીવનમાં આગળ શું કરવું છે તેની સ્પષ્ટતા મેળવવા માટે વિવિધ કામ કરવાં અને હુન્નર શીખવા વગેરે. મારાં મતે આ કન્સેપ્ટ આપણા યુવાનોમાં પણ પોપ્યુલર બનવો જોઈએ અને યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં જીવનમાં શું કરવું છે એ વિચારવા માટે અને શું-શું થઇ શકે તેનાં પ્રયોગો કરવા માટે રૂમ મળવો જોઈએ.

એની વે, જેકની વાત પર પાછાં ફરીએ. તેણે હાઈ-સ્કૂલની છેલ્લી બે ઉનાળાની રજાઓમાં તનતોડ કામ કર્યું અને લગભગ પંદર હજાર ડોલર જેટલું સેવિંગ કર્યું. થેન્કફૂલી ઓસ્ટ્રેલિયામાં ઓછાંમાં ઓછો કેટલો પગાર મળવો જોઈએ એ વિશેનાં કાયદા – મિનિમમ વેઇજ એટલાં સારાં છે કે, મેકડોનલ્ડસ કે કોઈ શોપિંગ સેન્ટરમાં કામ કરતાં ટીન-એજર્સ પણ જો પેરેન્ટ્સ સાથે રહેતાં હોય તો એટલું તો સેવિંગ કરી જ શકે જે એ ટ્રાવેલિંગ માટે વાપરી શકે. શરૂઆતનાં ત્રણ મહિના અમેરિકામાં તેણે વાય.એમ.સી.એનાં એક સમર-કેમ્પમાં લાઈફ-ગાર્ડ તરીકે કામ કર્યું જેનાં માટે તેણે ઓસ્ટ્રેલિયાથી જ ઘણી સારી સારી ટ્રેઇનિંગ લીધી હતી. આ માટે તેને પૈસા ન મળે પણ વાય.એમ.સિ.એ તેને રહેવાની જગ્યા અને જમવાનું ત્રણ મહિના માટે ફ્રી આપે અને તેનું કામ પાર્ટ-ટાઈમ જેવું હતું. આમ, કામ કરતાં કરતાં વીક-એન્ડ્સ અને બીજી બને તેટલી રજાઓનો ઉપયોગ કરીને તે નજીકની જગ્યાઓમાં ફર્યો. ત્યાર પછી એ થોડો સમય પોતાની રીતે ફર્યો અને ઈસ્ટ-કોસ્ટમાં લાગુ પડતી કન્ટીકીમાં ફર્યો. ત્યાર પછી આ વેસ્ટ-કોસ્ટની કન્ટીકી અને એ પતે પછી એ પોતાની રીતે સિએટલ, કેનેડા વગેરે ફરવાનો હતો.

કેઇટલિન એક વર્ષ માટે ટ્રાવેલ કરી રહી હતી અને તેનો આ અગિયારમો મહિનો હતો ટ્રાવેલ કરતાં. યુ.એસ.એ અને કેનેડા પહેલાં તે યુરોપમાં હતી. ત્યાં તેણે બને તેટલી જગ્યાઓએ અને બને તેટલી કાફે-જોબ્સ કરી હતી. યુરોપિયન દેશો એકબીજાથી ખૂબ નજીક હોવાનો આ રીતે તેણે ફાયદો ઊઠાવ્યો હતો – જ્યાં જોબ મળે ત્યાં રહેવાનું અને આસપાસની જગ્યાઓમાં ફરવાનું. બને તેટલાં શહેરોમાં એ બની શકે તો મિત્રો/મિત્રોનાં મિત્રો/નજીક-દૂરનાં સગાં સાથે પણ રહી કે, જેથી એ રહેવાનો તેટલો ખર્ચ બચાવી શકે. આ જ રીતે યુરોપનાં એક શહેરમાં એ તેનાં એક મિત્રનાં મિત્રને પણ મળી હતી. એ બંને પ્રેમમાં પડ્યાં અને કેઇટલિન ટ્રાવેલ કરે ત્યાં સુધી એ લોન્ગ-ડીસ્ટન્સ રિલેશનશિપ નિભાવી રહ્યાં હતાં. યુરોપ પછી એ યુ.એસ.એ. અને કેનેડા આવી હતી અને અમારી દસ દિવસની ટ્રિપમાં તેની હાઈ-સ્કૂલની મિત્રો લોરા અને કલેર પણ જોડાયાં હતાં. લોરા માટે ટ્રાવેલિંગ ક્યારેય બહુ મહત્ત્વનું નહોતું. તેને નહોતું લાગતું એ ક્યારેય આટલી દૂર ફરવા જશે. થોડાં જ મહિના પહેલાં તેની આઠ વર્ષની રિલેશનશિપનો અંત આવ્યો હતો. કેઇટલિન ઓલરેડી ટ્રાવેલ કરી રહી હતી અને લોરાને પણ થયું ‘શું કામ નહીં’ અને આમ તેણે કલેર સાથે મળીને કેઇટલિન સાથે જોડાવાનું નક્કી કર્યું. એ ત્રણ આ ટ્રિપ પછી શિકાગો અને ન્યુ-યોર્ક જવાનાં હતાં અને એ સાથે કેઇટલિનનાં એક વર્ષનાં એડવેન્ચરનો અંત આવવાનો હતો.

એન્જેલીક યુરોપિયન હતી. તેણે કયો દેશ કહ્યો હતો એ હવે મને યાદ નથી. કદાચ સ્પેઇન. એ પણ મહિનાઓથી યુ.એસ.એ. ફરી રહી હતી. ઘણી બધી હોસ્ટેલ્સમાં તમે અમુક સમયથી વધુ રહો તો ત્યાં હાઉઝકિપીંગનું કોઈ કામ કરી શકો જે પાર્ટ-ટાઈમ જેવું હોય. જેકનાં કેમ્પની જેમ જ તમને કોઈ પૈસા ન મળે પણ તમારું ત્યાં રહેવાનું ફ્રી. એ જૂદી-જૂદી જગ્યાઓએ આ રીતે કામ કરતાં કરતાં ટ્રાવેલ કરી રહી હતી. એલ.એ.માં એ મને મળી ત્યારે તેની સાથે તેની બ્રઝિલિયન મિત્ર ટાઇસ પણ એ જ રીતે ફરી રહી હતી. એન્જેલીક એલ.એ.થી સાન ડીએગો આવવાની હતી અને ટાઇસ સાન-ફ્રાન્સિસ્કો. એન્જેલીક પછીથી ટાઈસને ત્યાં મળવાની હતી. આ ત્રણે સાથેની વાત-ચીતે મને એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી દીધી. ટ્રાવેલિંગ માટે સૌથી અગત્યની વસ્તુ ઘણાં બધાં પૈસા નથી, ઘણું મોટું જીગર છે. It’s not so much about money as it’s about balls. જો ખરેખર જ કરવા ઈચ્છતા હો તો ટ્રાવેલ થોડાં પૈસા, થોડાં વધુ વ્યવસ્થિત પ્લાનિંગ અને ઘણી બધી હિંમત સાથે થઇ શકે છે. તેનું વળતર છે, જીવનભર યાદ રહે અને જીવનને એક સુંદર આકાર આપી શકે તેવાં અને તેટલાં અનુભવો.

ત્યારે એ રીતે એન્જેલીકને મળીને પણ એલ.એ.માં નાઈજલને મળ્યાં જેવી જ લાગણી થઇ હતી. દુનિયા કેટલી નાની અને કેટલી મોટી છે તેનો અહેસાસ! અને દુનિયામાં સમાંતર ટ્રાવેલર્સ એક કમ્યુનિટી છે. અજાણી જગ્યાઓમાં પણ અજાણપણે જાણીતાં લોકો આ રીતે મળે છે. જે રીતે મને એન્જેલીક મળી હતી એ જ રીતે અમારી ટ્રિપમાં પણ ઘણાં લોકો હતાં. કેલી, એન્ગસ અને કેઇટલિન ન્યુ-યોર્ક કન્ટીકીમાં અમુક અઠવાડિયા પહેલાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. જેક હોબ્સ અને જેક ફર્ગ્યુસન પણ ઈસ્ટ કોસ્ટ પર કન્ટીકી ટૂરમાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. સાન ફ્રાન્સિસ્કોમાં મને ટાઈસ ફરીથી મળી અને એ ઉપરાંત પણ બે અનુભવો એવાં થયાં જેની હું સાન-ફ્રાન્સિસ્કોની પોસ્ટ્સમાં વાત કરીશ.

એન્જેલીક, જેક અને હું ક્યાંય સુધી ચાલતાં રહ્યાં અને સાન-ડીએગો, અમારી પ્રવૃત્તિઓ, કામ વગેરે વિષે ઘણી બધી વાતો કરતાં રહ્યાં. અમે જ્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી એ માર્કેટ સુધી પહોંચતાં એન્જેલીકને કોઈ કામ માટે જવાનું હતું અને અમારે પણ સમયસર બસ સુધી પહોંચવાનું હતું એટલે અમે છૂટા પડ્યાં. માર્કેટનાં એન્ટ્રન્સ પાસે કપડાંની એક દુકાનમાં સેલનું પાટિયું હતું. બસ બરાબર સામે ઊભી હતી અને અમારી પાસે પંદરેક મિનિટનો સમય હતો એટલે મારે અંદર જવું હતું. જેક પણ મારી સાથે ગયો. ત્યાં અંદર તો મને કંઈ ન ગમ્યું પણ બરાબર અમે બહાર નીકળતાં હતાં ત્યારે મારું ધ્યાન એક ડ્રેસ પર ગયું. ટર્કોઇઝ કલરનો બીચ ડ્રેસ હતો અને મોંઘો પણ નહોતો. પાંચ જ મિનિટ બાકી હતી અને લેવો-ન લેવોમાં હું કન્ફયુઝ થતી હતી. જેકે મને કહ્યું “Just get it! you’ll regret it later” મેં ડ્રેસ લઇ લીધો અને અમે બસ તરફ પાછાં ફર્યાં.

ત્યાંથી બસ હોટેલ પાછી ફરી. ત્યાં અમારી પાસે અડધી કલાકનો સમય હતો અને પછી રાયન બધાંને ‘ક્રિસ્ટીઝ’ પબ/રેસ્ટોરાં ડિનર માટે લઈ જવાનો હતો. હોટેલથી ત્યાં ચાલીને જઈ શકાય તેમ હતું. આગળની પોસ્ટમાં કહ્યું તેમ ક્રિસ્ટી એક મોટો નમૂનો હતી. એ કોરિયન હતી અને વર્ષોથી એ સ્પોર્ટ્સ બાર ચલાવતી હતી. એ ત્યાં ઓછામાં ઓછી સાતથી આઠ ઇંચની જાડી પ્લેટફોર્મ હીલનાં, ભડકીલા પિંક કલરનાં, ચમકીલા લેધર પર ઉપર પિંક જરીવાળા, ગોઠણ સુધીનાં બૂટ્સ પહેરીને ફરતી. તેનાં હાથમાં એક બેટ રહેતું. તેનાં પબમાં જે કોઈ આવે તેને પૂછીને એ બેટ વડે એ તેમની પૂંઠ પર સ્પેન્ક કરતી. પહેલાં ધીરેથી મારે. પછી જો પેલાં જોરથી મારવાનું કહે તો જોરથી મારે. અમારાં ગ્રૂપનાં ઘણાં છોકરાઓએ ક્રિસ્ટીનાં સ્પેન્કિંગનો લ્હાવો માણ્યો હતો :D. ડિનર પછી ત્યાં કેરિઓકી નાઈટ હતી. પણ, મારે ત્યાં નહોતું રહેવું અને પીવું નહોતું એટલે જેક સાથે નવો પ્લાન કર્યો. જેક આગળ જણાવ્યાં મુજબ અન્ડર-એઇજ હતો એટલે એ આમ પણ ડ્રિંક કરી શકે તેમ નહોતો. તેની સાથે જૂદા પ્લાન બનાવવા બહુ સરળ રહેતાં. આમ અમે રાયન પાસેથી ટિપ લઈને  ‘ગેસલેમ્પ’ વિસ્તારમાં ‘શીશા લાઉન્જ’માં જવાનું નક્કી કર્યું. બીજાં બે મિત્રો પેટ અને લોકી (લોકલન) પણ સાથે જોડાયા. એ ત્રણમાંથી કોઈએ પહેલાં હુક્કો/શીશા ટ્રાય નહોતો કર્યો એટલે ફ્લેવર મારે પસંદ કરવાની હતી. અમે બે કલાક જેવું ત્યાં રહ્યાં અને ત્યાંનાં મળતાવડા બાઉન્સર સાથે અને એકબીજા સાથે ખૂબ વાતો કરી. એ ત્રણેને શીશાનાં એ પહેલાં અનુભવમાં ખૂબ મજા આવી અને બારેક વાગ્યે અમે હોટેલ પાછાં ફર્યાં.

પછીનાં દિવસે સવારે આઠ વાગ્યે અમે સાન ડીએગોથી નીકળવાનાં હતાં અને ફીનિકસ-એરિઝોના તરફ પ્રયાણ કરવાનાં હતાં…

સાન ડીએગો

અમેરિકા, સાન ડીએગો

અમે લિટલ-મેક્સિકો ડિનર માટે તૈયાર થતાં હતાં ત્યારે રૂમમાં અને લોબીમાં પડોશીઓની અવરજવર ચાલુ હતી. કોઈકે સમાચાર આપ્યાં હતાં કે, પર્થ-બોય્ઝ (a.k.a ટ્રેઇડીઝ a.k.a ટેટૂ બોય્ઝ)નાં રુમમાં ઓલરેડી બિયર-પોન્ગની શરૂઆત થઇ ગઈ હતી અને જર્મન ગર્લ્સ (૩ છોકરીઓ) તેમની સાથે રમી રહી હતી જો કોઈને જવું હોય તો ઓપન ઇન્વાઇટ હતું. મારું અને કેલીનું સરખું રિએકશન હતું “lol ofcourse! No surprises there”. સાત વાગ્યે બધાં બસમાં ગોઠવાઈ ગયાં હતાં અને સદનસીબે બધાં સીટ-ચેઈન્જ અરેન્જમેન્ટથી ટેવાઈ ગયાં હતાં. દરેક રાઈડ વખતે મોટાં ભાગે બધાં જૂદી-જૂદી જગ્યાએ જૂદા-જૂદા લોકો સાથે બેસતાં અને બધાં એકબીજા સાથે જનરલી ફ્રેન્ડલી હતાં.

લિટલ મેક્સિકો જોયું ત્યારે ખબર પડી કે, મેક્સિકન બોર્ડેરથી આટલું નજીક હોવાનો શું મતલબ છે. એ વિસ્તારનાં રૂપ-રંગ અને મેઈનલેન્ડ મેક્સિકોમાં બહુ ફરક નથી. વળી, અમે ગયા ત્યારે હાલોવીન નજીક હતી એટલે ત્યાં ‘ડે ઓફ ધ ડેડ’ માટે ડેકોરેશન કરેલાં હતાં. ‘ડે ઓફ ધ ડેડ’ નામનો કોઈ ફેસ્ટિવલ હોય એ પણ મને ત્યારે પહેલી વાર ખબર પડી. ત્યાં જાત-જાતનાં ખોપડી, સ્કેલેટન, ઝોમ્બી વગેરે તો ડેકોરેટ કરીને રાખેલાં જ હતાં પણ સાથે સાથે એક ડેસ્ક પર મૃત સ્વજનોનાં ફોટોઝ પણ રાખેલાં હતાં. હું અચરજથી આ બધું જોઈ રહી.

થોડી વાર પછી અમે મુખ્ય બજારમાંથી ચાલીને અમારાં નિર્ધારિત રેસ્ટોરાં પહોંચ્યા. અમે બપોરે  જ અમારાં ઓર્ડર જણાવી દીધાં હોવા છતાં અમારું જમવાનું એટલું મોડું આવ્યું હતું કે, અમે પોતે બનાવ્યું હોત તો પણ કદાચ વહેલું બની જાત. ડિનર પતાવ્યાં પછી બસમાં રાયને અમને નાઈટ-આઉટ માટે શું અરેન્જમેન્ટ હતું એ જણાવ્યું. એ અમને સાન ડીએગો ડાઉન-ટાઉનમાં કુલ ત્રણ જગ્યાએ લઇ જવાનો હતો. First of these was ‘The shout house’ – Rock & Roll duelling pianos. Two people would duel on pianos the whole night and take song request for a tip. Second was a sports bar where he had organized extremely cheap drinks for us. no spirits over $4. The third and the final one was this club called Whiskey girl.

‘Duelling pianos’ – મારું મન બદલવા માટે આટલું બસ હતું. મેં હોટેલ જવાને બદલે બધાં સાથે બહાર જવાનું નક્કી કર્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની નોટિસ માટે રાયને બધાંને એક કોડ આપ્યો હતો. એ હાથ ઊંચાં કરીને અમને દસ બતાવે મતલબ દસ મિનિટમાં ત્યાંથી જવાનું છે. માર્કસ અમને ડાઉન-ટાઉન સુધી મુકી ગયો પણ ત્યાંથી પાછું હોટેલ અમારે અમારી રીતે જવાનું હતું.  થોડી વારમાં અમે અમારી પહેલી જગ્યાએ પહોંચી ગયાં! And boi I was so glad I went! ત્યાં અમે એકાદ કલાક જેવો સમય રહ્યાં અને ત્યાંથી કોઈને નીકળવાનું મન હોય તેવું લાગતું નહોતું.

ત્યાંથી દસેક મિનિટ ચાલીને અમે પેલા સ્પોર્ટ્સ બાર પહોંચ્યા. ત્યાં અંદરનાં નાના બારમાં અમારાં ચીપ ડ્રિન્ક્સની વ્યવસ્થા હતી. એ ઉપરાંત ત્યાં અમારાં માટે એક બીજુ સરપ્રાઈઝ હતું પેલું ઇલેક્ટ્રોનિક બુલ! જો કે, મેં અને મોટાં ભાગની છોકરીઓએ ડ્રેસ/સ્કર્ટ પહેર્યા હતાં એટલે અમે એ રાઈડ ન કર્યું. પણ, જે કોઈએ જીન્સ/જમ્પ સૂટ વગેરે પહેર્યા હતાં તેમણે કર્યું અને કેટલાંક છોકરાઓએ પણ. અમે બધાનાં સ્કોર્સ પર ચીયર કરતાં હતાં. વળી, એ જગ્યાએ ઘણું બધું ૮૦ અને ૯૦નાં દશકનું પોપ મ્યુઝિક વાગતું હતું એટલે બધાંને ડાન્સ કરવાની પણ ખૂબ મજા આવી હતી. થોડી વાર પછી એ એરિયામાં અન્ય લોકો પણ આવવા લાગ્યા હતાં અને આખો રૂમ પેક હતો. દોઢેક કલાક પછી અમે ત્યાંથી પણ નીકળ્યા અને પહોંચ્યા વ્હિસ્કી ગર્લ.

અમે અંદર ગયાં ત્યારે એ જગ્યા લગભગ ખાલી હતી. It was dead. બધાં શરૂઆતમાં થોડાં નિરાશ લાગતાં હતાં પણ થોડો સમય ગયો તેમ અમને ભાન આવ્યું કે, એ જગ્યા ભલે ડેડ હોય પણ અમારું ગ્રૂપ એકલું અંદર હોય તો પણ અડધો ફ્લોર ભરાઈ જતો હતો. તેમનું મ્યુઝિક પણ ડાન્સિંગ માટે એકદમ પરફેક્ટ હતું. તેમનાં સાઉન્ડ-ટ્રેકમાં બે પંજાબી-પોપ ગીતો પણ હતાં એક હતું ‘મુન્ડેયાં તો બચકે રહીં અને બીજું યાદ નથી. એ જગ્યાનું બાથરૂમ બહુ વિચિત્ર હતું. ત્યાં સિન્ક અને અરીસા પાસે એક બહેન હેન્ડવોશ, પરફ્યુમ, હેન્ડ-ક્રીમ વગેરે દુનિયાનો પથારો પાથરીને ઊભા રહેતાં અને અમે હાથ ધોવા જઈએ ત્યારે પોતે હેન્ડ વોશ લઈને અમારાં હાથ પર સ્પ્રે કરે વગેરે વગેરે. શરૂઆતમાં તો અમે છોકરીઓ ડઘાઈ ગઈ હતી એ જોઇને. We were like “OMG! What are you doing?!” અને તેમને ના પાડીએ તો પણ કરે. અને તે સ્થિર નજરે તાકીને અમારી સામે જોતાં. All of us had one reaction – “WTF this is soooo random and bizarre.” જો કે, એ નિરુપદ્રવી હતાં એટલે થોડાં સમયમાં અમે ટેવાઈ ગયાં અને ગભરાતાં બંધ થઇ ગયાં.

થોડાં સમય પછી ત્યાં ક્રાઉડ પણ સારું એવું ભેગું થવા લાગ્યું હતું અને ઘણાં બધાં નવાં લોકો જોડાયા હતાં. ત્યાંથી અમે ક્યારે નીકળ્યા એ મને યાદ નથી. કેલી, કેઇટલિન, લોરા, કલેર, એન્ગસ, જેક અને હું સાથે હોટેલ જવાનાં હતાં. વળી, આટલાં બધાં લોકો માટે ટેક્સી ઓર્ગનાઈઝ કરવાની હતી એટલે સ્વાભાવિક રીતે જ થોડી વાર તો લાગવાની જ હતી ત્યાંથી નીકળતાં. કેલી અતિશય ડ્રંક હતી. ટેક્સીની રાહ જોતાં સમયે એ ગમે તે દિશામાં ગમે તેની સાથે ચાલવા લાગતી અને અમારે તેને શોધવી પડતી. તેને પકડીને ઊભું રહેવું પડતું. અમે પંદરેક મિનિટ તો એમ કરવામાં સફળ રહ્યાં. પણ, છેલ્લી ઘડીએ બરાબર ટેક્સીમાં બેસતાં પહેલાં જ એ બહેન ક્યાંક ખોવાઈ ગયાં. કલેર અને જેકે તેને શોધવાની કોશિશ કરી પણ no luck. ત્યાં હજુ પણ અમારાં ગ્રૂપનાં કેટલાંક હતાં એટલે અમે માન્યુ કે, એ જ્યાં પણ હશે ત્યાં સુરક્ષિત રહેશે અને અમે ટેક્સીમાં આગળ વધ્યા. જો કે, જેક અને મારું મન માનતું નહોતું. ખાસ એટલે કે, કેલી મારી રૂમી હતી અને અમે સારાં મિત્રો બની ગયાં હતાં અને તેનો કોઈ ફાયદો ઉઠાવે એ વિચારમાત્રથી હું ડરી જતી હતી. મુખ્યત્ત્વે એટલે કે, તેને બિલકુલ ભાન નહોતું એટલી એ ડ્રંક હતી.

અમે પોત-પોતાનાં રૂમમાં પહોંચ્યાં અને  હું મારો મેક-અપ વગેરે કાઢીને ઊંઘવા માટે તૈયાર થઇ એટલામાં કેલી આવી. મારો પહેલો સવાલ હતો “Are you okay?” તેણે હા પાડી એટલે વધુ કંઈ વાત ચીત કર્યા વિના અમે ઊંઘી ગયાં. એ દિવસે પાંચેક વાગ્યે સવારે મારી ઊંઘ ઉડી હતી અને મેં જેકનો એક મેસેજ જોયો હતો. તેને કેલીની ચિંતા હતી અને એ પાછી આવે ત્યારે મારે તેને જાણ કરવી. મેં તેને જવાબ તો આપ્યો પણ ત્યાં સુધીમાં તો એ ઊંઘી પણ ગયો હોય. બીજા દિવસે જેમને એક્ટીવીટીઝ કરવી હોય તેમણે સાત વાગ્યે બસ માટે તૈયાર રહેવાનું હતું. પણ, અમે બાકીનાં બધાં બે વાગ્યા સુધીમાં બીચ જવા માટે તૈયાર રહીએ તો ચાલે તેમ હતું. બાકીનું કોઈ મારાં કોન્ટેક્ટમાં નહોતું પણ જેક અને હું ચોક્કસપણે કંઈ નહોતાં કરવાનાં એટલે અમે આરામથી ૧૧ આસપાસ ઊઠ્યા.

અમે હોટેલ બ્રેકફસ્ટ તો ચોક્કસપણે મિસ કર્યો હતો પણ બરાબર સામે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું ત્યાં એક ગ્રોસરી સ્ટોરમાં જઈને અમે સેન્ડવિચ લેવાનું નક્કી કર્યું. It was fresh and massive! એ અમારું લન્ચ હતું. ત્યાંનો વ્યવહાર પતાવ્યા સુધીમાં પોણાં બે જેવું થઇ ગયું હતું અને અમે પાછાં ફરીને પાંચેક મિનિટમાં જ બસ માટે તૈયાર હતાં. અમારું પછીનું ડેસ્ટીનેશન હતું સાન ડીએગો બીચ. સાંજે ડિનર માટે રાયને એક સ્પોર્ટ્સ બારમાં વ્યવસ્થા કરી હતી. ૭ ડોલરમાં ઓલ યુ કેન ઈટ લઝાન્યા જેની અમે બધાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં કારણ કે, ત્યાં એક નમૂનાનાં અમને દર્શન થવાનાં હતાં. ક્રિસ્ટી તેનું નામ.