કર્ણાટક ટ્રિપ થઇ તેને ઑલમોસ્ટ ત્રણ વર્ષ થઇ ગયાં છે છતાં એ સિરીઝ હજુ પણ પુરી નથી થઇ શકી. ત્યાર પછીનાં અઢી વર્ષમાં ઘણી સફરો થઇ છે પણ તેમનાં વિષે લખી નથી શકાયું. અમુક વિષે તો લખવાનું મન જ નથી થયું. ખરેખર તો છેલ્લાં પાંચેક વર્ષથી બહુ લખી નથી શકાયું અને તેટલાંમાં દુનિયા પણ ઘણી બદલાઈ ગઈ.
પૅન્ડેમિક દરમિયાન ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબનાં વિસ્ફોટ પછી પ્રવાસવર્ણન અનુભવનાં માધ્યમનાં બદલે ફક્ત ઍસ્થેટિક, ઇન્ફર્મેશન અને સેલ્ફ-પ્રમોશનનાં સાધન બનીને રહી ગયાં. થોડો સમય આ પ્રવાહમાં હું પણ તાણાઈ અને મારું ‘કૉન્ટેન્ટ’ રિલેટેબલ રહે અને તેને ‘રીચ’ મળે તેનાં પ્રયત્ન કર્યાં. પણ, થોડાં સમય પછી આ બંને માધ્યમોનો ‘સેન્સરી ઓવરલોડ’ (ઈન્દ્રિયો પર અતિરેક) મારાંથી સહન ન થઇ શક્યો અને એ પ્રયત્નોની નિરર્થકતાએ મને પ્રવાસ અને પ્રવાસવર્ણનની આખીપ્રક્રિયા પ્રત્યે સૂગ ચડાવી કારણ કે, પ્રવાસમાં મારાં માટે બેમાંથી એક જ વસ્તુ થઈ શકતી હતી – ક્ષણો હું કાં તો જીવી શકું અથવા તેને પરફેક્ટ એસ્થેટિક સાથે કૅપ્ચર કરીને તેને એક ‘સ્ટ્રેટેજિક’ રીતે સોશિયલ મીડિયા પર મુકી શકું. એટલે ઇન્સ્ટાગ્રામ મોટાં ભાગે ‘લૉગ-આઉટ’ મોડમાં રહેવા લાગ્યું અને ગયા વર્ષે બ્લૉગ સાથે જોડાયેલું ફેસબુક અકાઉન્ટ તો સાવ બંધ જ કરી દીધું. દુનિયાને અને પોતાની જાતને સતત લખેલાં શબ્દથી દૂર, અને ફોટો અને વીડિયો માધ્યમ તરફ સતત ગતિ કરતી જોઈને સતત થયા કરતું કે, કોઈ વાંચવાનું નથી તો લખવું કોનાં માટે?
સંસારની જફાઓ પછી મારી પાસે જે બહુ થોડો સમય બાકી રહેતો અને એ ક્યાં વિતાવવો એ બાબતે મારી પાસે બે વિકલ્પ હતાં – ડાન્સ કરવો કે લખવું. મેં ડાન્સ પસંદ કર્યો એ વિચારીને કે, લખવા માટે કદાચ ડાન્સ કરતાં થોડું વધુ આયુષ્ય મળી રહેશે. ડાન્સ માટે શરીર અને સમય કેટલો સાથ દે એ કોને ખબર છે?! એટલે નક્કી કર્યું કે, સમય અને શરીર સાથ દે ત્યાં સુધી ડાન્સને પ્રાયોરિટી આપવી અને એ નિર્ણય કર્યા પછી પાછું ફરીને ન જોયું.
ઉપરાંત, ક્રિએટિવ કામ મારા માટે બહુ નિરાંતનું કામ છે. ઊતાવળે થઇ જ ન શકે. એ પ્રક્રિયામાં જીવવું પડે – સતત એ દુનિયામાં રહેવું પડે. લખતી હોઉં તો મારી જાતનાં એ જૂનાં વર્ઝન સાથે રહેવું પડે જેનાં વિષે હું લખી રહી છું. છેલ્લાં ચાર વર્ષથી હું આખાં વર્ષનાં ચારથી પાંચ અપવાદ સિવાય બધાં જ શનિવાર અને મંગળવારની બપોરથી સાંજ ડાન્સ માટે ફાળવતી આવી છું. ડાન્સ ન કરતી હોઉં ત્યારે પણ કોઈ મૂવમેન્ટની ભૂમિતિ કે કોઈ રિધમનાં વજન વિષે વિચાર આવે રાખે એટલું એ પ્રક્રિયામાં મગ્ન થવું પડે. ક્યારેક ડ્રાઈવ કરતાં, ક્યારેક જમવાનું બનાવતાં અચાનક વિચાર આવે અને કોઈ મૂવમેન્ટનું સત્ય સમજાતું દેખાય. ત્યારે જઈને મારાં ડાન્સમાં એ સત્યની ઝલક દેખાઈ શકે અને આટલું કર્યા પછી પણ એમ થતું રહે કે, હજુ પણ કૈંક ખૂટે છે. હજુ પણ એ મૂવમેન્ટમાં ચમક નથી આવી. ડાન્સની એ એક જ ક્રિયેટિવ પ્રોસેસમાં મારી આસપાસનાં જીવનની વાસ્તવિકતાથી એટલું અલિપ્ત થવું પડે કે, લેખન માટે જો આવો સમય ફાળવું તો એમ લાગે કે, મારાં જીવનસાથીને અન્યાય કરી રહી છું. લખવાની પ્રક્રિયાને મારે શ્વાસ સાથે જોડવી પડે. છેલ્લાં પાંચ વર્ષમાં એ કરવું મારા માટે વધુ ને વધુ અઘરું થતું ચાલ્યું.
સરવાળે પ્રવાસ વિષે શું, શેનાંય વિષે લખી નથી શકાયું. ગયાં વર્ષે ફક્ત એક વાર્તા લખી અને અન્ય એક વાર્તા મનમાં પૂરી લખાઈ ગઈ છે પણ, હજુ કાગળ પર ઊતારી નથી. ગયાં વર્ષે વિચાર્યું હતું કે, પ્રકાશિત કરવાની ડેડલાઈન સાથે ચાલીશ તો કદાચ પાંચમી પણ લખાઈ જશે. થોડાં પબ્લિશરને ઈ-મેલ કર્યાં. એક પબ્લિશર સાથે ફોન પર વાત પણ કરી અને તેમણે મેન્યુસ્ક્રિપ્ટ સાથે મળવા જવાનું નિમંત્રણ પણ આપ્યું. પણ, મને ન તેમને મળવા જવાનું મન થયું કે ન પ્રકાશિત કરવાનું. પાંચમી વાર્તા પણ ક્યાંયે દૂર દૂર સુધી દેખાઈ નહીં. એ હમણાં દર્શન દે તેવી કોઈ અપેક્ષા પણ નથી કે, નથી ઊતાવળ.
આ બધી ગડમથલ વચ્ચે અમુક ઘટનાઓ સમાંતરે અને સમયાંતરે બનતી રહી જેનાં પરિણામે લખવું અને એ પણ ગુજરાતીમાં લખવું અનિવાર્ય બની ગયું. ઘરમાં સતત હિન્દી અને કામ પર સતત ઇંગ્લિશ બોલવાનાં કારણે માતૃભાષા સાથેનો મારો સંબંધ કપાતો ચાલ્યો. અધૂરામાં પૂરું, થોડાં મહિના પહેલા એક લાઇબ્રેરીનાં વાઈટબોર્ડ પર માર્કર પેન વડે હું મારાં પ્રિય લેખકનું નામ ન લખી શકી ગુજરાતીમાં. જે કામ હું શ્વાસ લેવા જેટલી સરળતાથી, વિચાર્યા વિના કરી શકતી હતી એ કરતા મને આખી બે મિનિટ લાગી. એ અનુભૂતિ બહુ ભયાનક હતી. મને આ ભાષા વિના મારું અસ્તિત્ત્વ ભૂંસાતું દેખાવા લાગ્યું.
એ સિવાય, હમણાં મેં કોઈ સાથે છેલ્લાં બે – ત્રણ વર્ષનાં પ્રવાસો વિષે વાત કરવાની શરુ કરી તો રીયલાઈઝ થયું કે, તેમનાં વિશેની ઘણી બધી ડીટેઈલ્સ મને ભૂલાઈ ગઈ છે. ઈન ફૅક્ટ, એક – બે ટ્રિપ્સ જેને હજુ એક વર્ષ પણ પૂરું નથી થયું, એ જાણે કોઈ અલગ જીવનમાં બની હોય તેટલી ધુંધળી લાગવા માંડી છે! મને ફક્ત એક જ વિચાર આવ્યો – જે પ્રવાસો વિષે લખ્યું નથી, એ પ્રવાસ જાણે જીવ્યાં જ નથી એટલે લખવું જરૂરી છે. કોઈ વાંચે નહીં તોયે લખવું જરૂરી છે કારણ કે, જીવવું જરૂરી છે.
એટલે આજે જ્યાંથી અધૂરું છોડ્યું હતું ત્યાંથી જ ફરી લખવાનું શરુ કરું છે. કેટલું અને કેવું લખાશે એ ખબર નથી પણ, એટલી ખબર છે કે, લખવું જરૂરી છે અને ગુજરાતીમાં જ લખવું અનિવાર્ય છે કારણ કે, હવે આ એક જ સંવાદ એવો બચ્યો છે જે પુરેપુરો ગુજરાતીમાં થઇ શકે છે. જે બોલી નથી શકાતું એ લખી શકાય છે. ફક્ત લેખનમાં જ સૂક્ષ્મ સંવેદનોનું વર્ણન કરવા માટે સાહિત્યિક અને ડ્રામેટિક શબ્દો વાપરી શકાય છે. એટલે લખવું જરૂરી છે – ખરાબ લખાય, ખોટું લખાય, જેટલી નિયમિતતાની અપેક્ષા મને પોતા પાસેથી છે તેટલું નિયમિતપણે ન લખાય, કોઈ ન વાંચે, અને ક્યારેય કોઈ સુધી ન પહોંચે તોયે લખવું જરૂરી છે. હું લખીશ નહીં તો આવતાં પાંચ વર્ષ પછી પોતાની જાતને ઓળખી પણ નહીં શકું અને હું કોણ છું એ જ ભૂલી જઈશ.
