કલ્ચરની, સંસ્કૃતિની વાતો કરતાં આપણે થાકતાં નથી. અમે હાઈસ્કૂલમાં આવ્યાં ત્યારે એક પછી એક દરેક વર્ષમાં હાઈસ્કૂલનો કોર્સ બદલાયો હતો. પુસ્તકો બદલાયાં હતાં. ઈતિહાસ એવી રીતે બદલવામાં આવ્યો હતો કે, યુદ્ધોની તારીખોને બદલે અમારી સાંસ્કૃતિક અભિમુખતા વધે એટલે અમીર ખુસરો, આપણા સાત પારંપારિક નૃત્યો વગેરેનાં નામો ગોખાવવામાં આવતાં. પછી હરામ જો ક્લાસમાં બેથી વધુ બાળકો કથક અને ભરતનાટ્યમનો ફર્ક પણ કહી શકતાં હોય તો (ના આન્ટી, ‘ભારત’નાટ્યમ નહીં). જો કે, એય બરાબર છે. ઓછામાં ઓછા નામ આવડ્યા તો કદાચ નસીબજોગે કોઈ જિજ્ઞાસાવૃત્તિથી પણ ક્યાંકથી યુ-ટ્યુબ ફૂટેજ મેળવીને જોશે તો ખરા. બાકી તો કોઈ અવધનાં નવાબે ફરી ‘પુનરોદ્ધાર’ કરવા પડત (આ રેફરન્સ ન સમજાયો હોય તેમણે નવમા-દસમનાં કોઈ વિદ્યાર્થીને પૂછી લેવું). પણ, કહેવાનો મતલબ એ કે, કલ્ચર છે ક્યાં? અને કેવું? અત્યારનું કલ્ચર – જે આપણે રોજીંદા જીવનમાં અનુસરીએ છીએ એ છે બોલિવૂડ, પાનનાં ગલ્લા, ગોખેલાં પુસ્તકો, દેખાદેખી, આંખો અંજાઈ જાય એટલી જરી, મતલબ વગરનાં વોટ્સ-એપ ફોરવર્ડ, ચેતન ભગતનાં પુસ્તકો, ધર્મ-ઝનૂન વગેરે વગેરે.
અવાજ કેટલો છે આપણી આસપાસ! વાંસળી, સરોદ, સિતાર તો શું બ્યુગલ, ટ્રમ્પેટ કે સાક્સોફોન પણ સંભળાય તેમ નથી. આ ‘કલ્ચર’ કદાચ મારાં જીવનનો અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધાભાસ છે. ભારતમાં સેકન્ડ ટિયર સિટીમાં રહીને પણ મેં ક્યારેય કોઈ પદ્મવિભૂષણ સન્માનિત તબલા અને સરોદવાદકોને લાઈવ કોન્સર્ટમાં નહોતાં સાંભળ્યાં, ઓડિસી ડાન્સ પરફોર્મન્સ નહોતું જોયું, સિતાર, સરોદ, વીણાનાં અવાજનો ફર્ક નહોતો જાણ્યો. આ બધાં વિશે મેં સાંભળ્યું હતું, મારે જાણવું પણ હતું પણ ત્યારે ફક્ત સાંભળવા મળતું. મારી જે સીનીયર ડાન્સર ફ્રેન્ડ્સ બીજા રાજ્યોમાં કોઈ કોન્સર્ટમાં પર્ફોર્મ કરીને આવતી ત્યારે ત્યાં જોયેલાં પર્ફોર્મન્સની વાતો કરતી, બસ એ જ. અને આજની તારીખેય અમદાવાદ અને વડોદરા સિવાયનાં શહેરોમાં સરકાર અને યુનિવર્સીટીઓ સિવાયની સંસ્થાઓ દ્વારા યોજાતી સ્ટાન્ડર્ડ કલ્ચરલ ઈવેન્ટ્સ ક્યાં? થતી હોય તો તેનું માર્કેટિંગ, વ્યવસ્થિત જાહેરાતો અને તેનું ઓડિયન્સ ક્યાં? શ્રેયા ઘોષાલ, અરિજીત સિંઘ અને ભજનો સિવાય બાય-એનલાર્જ આપણને સંગીતમાં સમજાય છે શું?
પછી વાત કરીએ સાહિત્યની. મોટાં ભાગની સારી ગુજરાતી બુક્સ ઈ-બુક તરીકે ઉપ્લબ્ધ પણ નથી. આપણા કમર્શિયલ પ્રકાશનો અને પ્રકાશકોએ એટલો પણ પ્રયત્ન નથી કર્યો સમયની સાથે થવાનો અને કરે પણ કેમ? વાચકો ક્યાં? હમણાં જ હું અને મારી એક મિત્ર વાત કરતાં હતાં. અમારા શહેરમાં સાથે બેસીને પુસ્તકોની વાત કરવા માટે અમારી પાસે એકબીજા સિવાય લગભગ કોઈ જ રહ્યું નથી. કોલેજોમાં ગેજેટ્સ અને ગાડીઓ (કાર્સ) એ સિવાય વાત જ નથી હોતી કોઈ પાસે. યુવાનો/સાંપ્રતનાં નામે આપણા સાહિત્યનાં દરેક જોન્રામાં ગણીને એક કે બે વ્યવસ્થિત લેખકો રહ્યાં છે. બાકી કદાચ કોઈ સાંપ્રત પ્રવાહો વિષે લખવાનો પ્રયત્ન પણ કરે તો પણ તેમને કહી દેવામાં આવે છે કે, આવું થોડું લખાય? સેલ્ફ-હેલ્પ કિતાબો અને શાળાનાં પાઠ્ય-પુસ્તકોની જેમ સારું, લોકોને ગમે તેવું લખો અને લોકોને ગમે છે એ જ જે સત્ય નથી હોતું અથવા વર્ષોથી ચાલી આવતી માન્યતાઓને જ ફરી ફરીને કહ્યા કરે તેવું છીછરું હોય છે. અનુભવોમાંથી પસાર થયેલાં, દુનિયાને હજારો રંગો અને દ્રષ્ટિકોણથી જોતાં રિજનલ ભાષાનાં પ્રમાણિક લેખક માટે આપણે હવે સામાજિક રીતે તૈયાર પણ છીએ કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.
સ્ટેન્ડ-અપ કોમેડીમાં પણ હજુ સુધી સાંઈરામ દવે કે શાહબુદ્દીન રાઠોડ પછી કંઈ ખાસ હલચલ નથી. જે છે એક કંપની અને તેનાં અમુક કમીડિયન્સ તેમનાં જોક હજુ પણ મોટા ભાગે ‘સ્લેપસ્ટિક હ્યુમર’ કૅટેગરીમાં જ ચાલ્યા આવે છે. હા, લાઈવ શોઝમાં આપણે ત્યાં નાટકો હજુ પણ પોપ્યુલર આર્ટ-ફોર્મ છે અને તેમાં સતત સારું કામ થતું રહે છે. હવે સિનેમામાં પણ થેન્ક્સ ટુ અભિષેક જૈન એન્ડ ટીમ, એક નવો પ્રવાહ શરુ થયો છે પણ, તે પણ ધીમે ધીમે એ જ પ્રેમ કહાનીઓ, મરાઠી ફિલ્મોની નકલ અને પરાણે મીઠાઈ ખવડાવતા હોય તેવાં છીછરા, ક્લીશેવાળા ‘સોશિયલ મેસેજિસ’નાં વંટોળમાં ફસાતો જાય છે. અને આ સિવાય ગરબા. પોપ્યુલર સેન્સમાં જેને કલ્ચર કહેવાય છે તેનાં નામે બસ આટલું છે અત્યારે આપણી પાસે.
મને દુઃખ થાય છે એ વિચારીને કે, એક આખી જેનરેશન યો-યો/બાદશાહનાં ગીતો પર ઊછરી રહી છે. ગુજરાતીમાં બહુ ઓછું ક્વોલિટી કન્ટેમ્પરરી મટીરિયલ બની રહ્યું છે. વિઝ્યુઅલ અને પરફોર્મિંગ આર્ટમાં વડોદરા અને અમદાવાદ સિવાય ખાસ ક્યાંય કંઈ નથી થઇ રહ્યું. ત્યાં પણ વિઝુઅલ આર્ટ્સમાં બે-ત્રણ કૉલેજો અને પરફોર્મિંગ આર્ટ્સમાં ચાર-પાંચ સંસ્થાઓ સિવાય ક્યાંયે વિશ્વકક્ષાનાં પ્રોડક્શન થતાં નથી. થતાં હોય તો લોકલ ઓડિયન્સને જ ખબર નથી. અદિતી મંગલદાસ જેવાં ઊંચા દર્જાનાં ડાન્સર / આર્ટિસ્ટિક ડાઈરેક્ટરનાં કમર્શિયલ શોઝ સિંગાપોરમાં થાય પણ અમદાવાદમાં ન થાય! સારી સારી પોટેન્શિયલ ડાન્સર્સ દસમાં-બારમાં-કોલેજમાં વિશારદ કરે અને પછી ડાન્સ કરવાનું જ છોડી દે! ડી-ડી ભારતી કે રાજ્યસભા ટીવી પર આપણામાંના કેટલાં અટકે છે?
ઉપર કહ્યું તેમ આ બધું બાય-એન્લાર્જ છે. આમાં સુખદ અપવાદો છે. પણ, અપવાદોનું કલ્ચર એ આખાં સમાજનું કલ્ચર ન કહી શકાય. સમાજનું કલ્ચર તો જનરલ રૂલ પરથી જ ઓળખાય અને એક સમાજ તરીકે કલા સિવાયનું બધું જ આપણા કલ્ચરમાં છે અત્યારે. તો તેનું શું કરશું? એક હિન્ટ આપું. ક્લાસિકલ મ્યુઝિક મને ન સમજાય તેવું કહીને તેને સાંભળવાની ક્યારેય કોશિશ પણ ન કરનારાં દરેક માટે: સૌથી પહેલાં તો સંગીત સમજવાની વસ્તુ જ નથી. સાંભળવાની છે. હું કહું છું તે કરતાં આ નીચેની ટેડ ટોકમાં આ ભાઈ વધુ સારી રીતે સમજાવી શકશે. કંટાળો નહીં આવે. પ્રોમિસ. Start from there if you’ve stayed with me in this rant so far. :)
અરે પોતાની ધૂન ન બનાવે તોય વાંધો નથી પણ એટ લીસ્ટ વફાદાર પ્રેક્ષક બને તોયે કંઇક વાત બને. પ્રેક્ષક તરીકે આપણે જોઈએ, સાંભળીયે અને ચર્ચીએ પણ ગાર્બેજ જ છીએ. પોતાનું બનાવવાની તો વાત દૂર રહી. તેનાં માટે પહેલાં પ્રેક્ષક તરીકે સ્ટાન્ડર્ડ ઊંચું લાવવું પડે. એટલું કરીએ તોયે બહુ છે. સૌથી પહેલાં તો ‘એન્ટરટેઈનમેન્ટ’ની વ્યાખ્યા ટેલિવિઝન અને ફિલ્મમાંથી બહાર નીકળે એ બહુ જરૂરી છે મારાં મતે.
બહું સાચી વાત કરી. માણસજાતની કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ નાં મુળમાં સૌપ્રથમ માનસિક વિકાસ અતિ મહત્વનો છે.
સાચી વાત કરી. કંઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.? કોઇપણ ક્ષેત્રમાં એક કે બે વ્યક્તિ પછી આપણી ગણતરી પુરી થઈ જાય છે. લોકોને બસ બીજાની ધુન પર નાચવું છે પણ પોતાની ભાંગેલી ટુટેલી જેવી બને એવી એકપણ ધુન બનાવવાનો પ્રય્ત કરવો જ નથી.