કોરીજિન અને વેઇવ રોક

ઓસ્ટ્રેલિયન આઉટબેક, ઓસ્ટ્રેલિયા

વાઈલ્ડ ફ્લાવર્સ લુક-આઉટનો સમય પૂરો જ થવા આવ્યો હતો તેવામાં મારું ધ્યાન એક છોકરી પર પડ્યું. એ પોતાની રીતે ફરતી હતી. તેની સાથે પણ કોઈ નહોતું. તેણે પણ મને નોટિસ કરી હતી. આમ, શરૂઆતનું એક કનેક્શન બની ગયું હતું અને એકબીજા સાથે અમે વાત કરી. તેનું નામ ટાન્યા હતું. એ સ્વિસ હતી, ઓસ્ટ્રેલિયામાં કોઈ ઇંગ્લિશ કોર્સ કરી રહી હતી. તેનો કોર્સ ખતમ થવાને અમુક જ મહિનાની વાર હતી એટલે એ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં બને તેટલી નવી જગ્યાઓ જોઈ રહી હતી.

અમારો પછીનો મુકામ હતો કોરિજિન નામનાં એક ગામનાં બહારનાં ભાગમાં બનેલી એક ડોગ-સિમેટ્રી. કૂતરાંનું સ્મશાન. ૧૯૭૪માં બંધાયેલા આ સ્મશાનનાં પ્રવેશદ્વાર પર એક કૂતરાનું મોટું સ્ટેચ્યુ છે જેની નીચે મોટાં અક્ષરે લખ્યું છે “ટુ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ”. એ સ્મશાનમાં કોઈ પણ પોતાનાં કૂતરાને દફનાવી શકે, ફક્ત કોરિજિન ટાઉન શાયર કાઉન્સિલને સંપર્ક કરવાનો રહે. હાઉ કૂલ!

ત્યાંથી આગળનો રસ્તો થોડો કંટાળાજનક હતો અને મને એ દરમિયાન ઊંઘ્યા સિવાયનું કંઈ યાદ નથી. ત્યાર પછીનો અમારો મુકામ આવ્યો લગભગ અઢી વાગ્યે. વેઇવ રોક કાફે. ફાઈનલી અમે વેઇવ રોકવાળા વિસ્તારમાં પહોંચી ગયાં હતાં. એ કાફે પણ બહુ યુનીક હતો. ત્યાં ઇનડોર અને આઉટડોર એમ બંને પ્રકારની બેઠક-વ્યવસ્થા હતી. પણ, આઉટડોર બેઠક ફરતે બધી તરફ તારની ઝાળી હતી. ઝાડીની પેલે પાર એક નાનું તળાવ હતું અને તેમાં લગભગ ત્રણ કાળા હંસ હતાં. તળાવની પેલી તરફ કદાચ બીજા ઘણાં બધાં પાળતુ પશુ-પક્ષીઓનું એક નાનું ઝૂ હતું. કાફેની અંદરનું બધું જ ડેકોર ઓસ્ટ્રેલિયાનાં નેટિવ પશુ-પક્ષીઓનાં પૂતળાં, મોટાં સ્ટફડ ટોય્ઝ વગેરેનું બનેલું હતું. કાફેનાં બીજા ભાગમાં લોકલ સુવેનીર્સનું સેલ હતું અને ત્યાંથી જ પેલા ઝૂમાં પણ પ્રવેશ કરી શકાતો હતો. કાફેનું જમવાનું જો કે, બહુ ખાસ નહોતું. પણ, આટલા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં કાફે પણ ગણીને એક હોય ત્યાં તમે બીજી અપેક્ષા પણ શું રાખી શકો. વળી, તેમણે વેજીટેરીયન કેટરિંગ નહોતું કર્યું. એટલે હું અંદર ગઈ ત્યારે પહેલી પંદર મિનિટ તો તેમણે મને શું ખાવાનું આપશે તે નક્કી કરવામાં લગાડી. ત્યાં સુધીમાં સહ-પ્રવાસીઓ બધાં જમવા પણ લાગ્યા હતાં.

જો કે, મારું ધ્યાન તો ફક્ત પેલા હંસ જોવામાં અને કાફેની નાની-મોટી આર્ટિફેકટ્સમાં વધારે હતું. ત્યાંથી બહાર જતી એક નાની કેડી પર ચાલીને થોડું આગળ પણ જવાતું હતું. પણ, પચાસેક મીટર પછી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી કંઈ જ નહોતું. કિલોમીટર્સનાં કિલોમીટર્સ સુધી કંઈ જ નહીં. ત્યાંથી લગભગ એકાદ કલાકે અમે નીકળ્યા અને પહોંચ્યા વેઇવ રોક વિસ્તારનાં ત્રણ ખાદાકોમાંના પહેલાં ખડક તરફ. તેનું નામ હતું ‘હિપ્પોઝ યોન (બગાસું)’ અને પત્થર જોઇને લાગે કે, નામ બરાબર પાડ્યું છે. એ ખડકનો આકાર હિપ્પોપોટામસનાં ખુલ્લા મોં જેવો હતો. ત્યાં સુધી પહોચવાની કેડી પણ બહુ સુંદર હતી. બંને તરફ પીળાં ઝીણાં ફૂલ અને અમુક લાલ જંગલી ફૂલો છવાયેલાં હતાં. હિપ્પોઝ યોનથી અમે અમારાં મુખ્ય મુકામ – કે, જેનાં પરથી એ ટૂરનું નામ પાડવામાં આવ્યું હતું તે ‘વેઇવ રોક’ પહોંચ્યા. આ કુદરતી રીતે જ બનેલો વિશાળકાય દરિયાનાં તરંગનાં આકારનો પત્થર છે. એ પત્થરનાં નીચેનાં વળાંકવાળા ભાગ પર ચડીને બાળકો અને અમારાં જેવાં બાળકબુદ્ધિઓ લસરપટ્ટી – લસરપટ્ટી પણ રમી શકે. ત્યાં હું મોટાં ભાગે ટાન્યા સાથે ફરતી હતી અને અમે ખડકની ઉપર અગાશીની પાળી જેવું એક બાંધકામ જોયું અને વિચારવા લાગ્યા ત્યાં ઉપર પણ લોકો ચડતાં હશે!

થોડી વારે જયારે ખડકનાં અચરજ પરથી ધ્યાન હટ્યું ત્યારે અમે એક કેડી તરફ ચિંધતી સાઈન પોસ્ટ જોઈ અને અમે એ તરફ જઈને જોવાનું નક્કી કર્યું. એ રસ્તો અમારાં ધાર્યાં પ્રમાણે ખડક પર ચડવા માટેનો હતો. ખડકનાં ડાબી-જમણી તરફનાં અંતે ખડકની ઊંચાઈ પ્રમાણમાં ઓછી હતી એટલે ત્યાંથી ખડક પર ચડી શકાય તેમ હતું. જમણી બાજુ જો કે થોડી વધુ રફ હતી એટલે ત્યાં બૂટની પક્કડ વ્યવસ્થિત રહે અને લપસવાની શક્યતા ઓછી રહે. તેનાં ફોટોઝ જોઇને તમને વધુ ખ્યાલ આવશે. ત્યાં સ્ટીલની એક નાની રેલિંગની વ્યવસ્થા પણ હતી સપાટી થોડી વધુ સમથળ બને ત્યાં સુધી તેનો આધાર લઈને ચડવા માટે. એ ખડકની એક તરફથી ચડીને બીજી તરફ ઉતરતાં અમને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હશે. ખડકનાં ખરાં કાદનો ખ્યાલ ખરેખર તેનાં પર ચડીએ ત્યારે આવે! અમુક વખત તો ટેકરી ચડતાં હોઈએ તેવું લાગતું અને એ ભૂલી જવાતું કે, અમે એક મોટાં પત્થર પર ચડીએ છીએ. આ ખડક પર પણ પાછાં પાછળનાં ભાગમાં  તોતિંગ ખડકો હતાં. હિપ્પોઝ યોન અને આ ખડક ટાન્યાએ અને મેં સાથે એક્સ્પ્લોર કર્યા હતાં.

વેઇવ રોકથી નીકળીને અમે મલ્કાઝ કેઈવ નામનાં એક સ્થળે પહોંચ્યા. એબોરિજીનલ કલ્ચરમાં તેનાં વિશે એક દંતકથા છે. એબોરીજિનલ્સમાં ઘણાં જૂદા-જૂદા જાતિ-સમૂદાય છે અને તેમાં કયા સમુદાય અન્ય કઈ જાતિઓમાં લગ્ન કરી શકે તે વિશેનાં કડક નિયમો છે. ઘણાં વર્ષો પહેલાં એક સ્ત્રી અને એક પુરુષ જેમનાં ઓબોરિજિનલ કાયદા પ્રમાણે લગ્ન ન થઇ શકે તેઓ કાયદાની વિરુદ્ધ જઈને પરણે છે. સ્ત્રી એક પુત્રને જન્મ આપે છે જેનું નામ હતું ‘મલ્કા’. મલ્કાની આંખો જન્મથી જ ત્રાંસી હોય છે અને એ ખૂબ મજબૂત હોવા છતાં ત્રાંસી આંખોને કારણે સારો શિકારી નથી બની શકતો. આ વાતનો અજંપો તેને ખૂબ ક્રૂર બનાવી દે છે અને એ માણસોનાં નાના બાળકોને ખાવા લાગે છે. આમ, બધાં માટે ભયનું કારણ બનેલા માલ્કાને તેની માતા જ્યારે ટોકે છે ત્યારે એ તેની માતાને મારી નાંખીને એક ગુફામાં રહેવા ચાલ્યો જાય છે. આ ગુફા પછીથી મલ્કાઝ કેઈવ તરીકે પ્રસિદ્ધ બની. પાછળથી મલ્કા પકડાઈ પણ જાય છે અને તેને મારી નાંખવામાં આવે છે.

આ દંતકથા સાચી હોય કે ન હોય તેની તો ખાતરી તો કેમ મળે! પણ, આ ગુફામાં અનેક ભાગોમાં કોઈ વ્યક્તિનાં હાથનાં નિશાન મળી આવ્યા છે. તેમનું કાદ અને ગુફાની છત જેનાં પર પણ અમુક નિશાન છે એ કોઈ સામાન્ય વ્યક્તિની ઊંચાઈ અને કદ કરતાં ઘણાં મોટાં છે. વળી, છત પર ગેરુ રંગથી કોઈ આકૃતિઓ દોરવામાં આવી છે. જે ઓસ્ટ્રેલિયન એબોરિજિનલ સંસ્કૃતિનાં જૂનામાં જૂના પેઈન્ટીંગ્સમાંની એક છે. આ ગુફા એ અમારો જોવાલાયક સ્થળોમાં અંતિમ મુકામ હતો.  લગભગ સાત વાગ્યાની આસપાસ અમે બાબાકિન નામનાં એક નાના ગામમાં પહોંચ્યા.

આ ગામમાં લગભગ અઢાર ઘર છે, વત્તા એક ટાઉન હોલ અને એક સ્કૂલ. ગામનાં લોકો સાથે આ ટૂર ઓપરેટર કંપની વર્ષોથી કામ કરી રહી છે. ટૂર પર્થ તરફ નીકળે ત્યારે આ ગામ રસ્તામાં આવે અને ત્યાં ટૂરિસ્ટસ આફટરનૂન-ટી માણી શકે. ગામની સ્ત્રીઓ સેન્ડવિચ, કૂકીઝ, કેઇક્સ વગેરે વસ્તુઓ બનાવે અને ટૂરિસ્ટ પોતાનાં ખર્ચે એ ખરીદી શકે. બે ડોલરમાં ચા/કૉફી અને પાંચ ડોલરમાં કેઇક્સ,સેન્ડવિચિસ વગેરે. બંનેનાં જોઈએ તેટલાં રિફિલ મળે. આ આખી એકસરસાઈઝનો હેતુ એ કે, ટૂરિસ્ટને અંતરિયાળ ઓસ્ટ્રેલિયાનાં જીવનની એક ઝલક મળે અને ગામની સ્ત્રીઓને થોડો નાણાકીય સપોર્ટ મળી શકે. આટલાં નાના કન્ટ્રી ટાઉનમાં આ રીતે ખાવા-પીવાનો મારો પહેલો અનુભવ હતો અને ખરેખર બહુ સુંદર અનુભવ હતો. વળી, સાડા સાત આસપાસ વીજળી પણ ગુલ્લ થઇ ગઈ એટલે આકાશમાં ઉત્તર સંધ્યા ઢળ્યા પછી ઊગતાં તારાંની અભૂતપૂર્વ ઝલક જોવા મળી.

પર્થમાં અમારો શેડ્યુલ્ડ અરાઈવલ ટાઈમ સાડા આઠનો હતો એટલે મેં એ પ્રમાણે ઘરે કઈ રીતે પહોંચવું એ થોડું વિચારી રાખ્યું હતું. પણ, વાસ્તવમાં અમે સાડા નવ વાગ્યા આસપાસ પહોંચ્યા. ડ્રાઈવરે મને જ્યાં ઊતારી હતી ત્યાંથી બસ-સ્ટોપ એકદમ નજીક હતું પણ, રવિવાર હોવાને કારણે બસ સર્વિસિઝ બધી પોણા નવ વાગ્યે બંધ થઇ જતી અને મારાં ફોનમાં ટેકસીને કોલ કરવા માટે ફક્ત એક ટકા બેટરી બચી હતી. પહેલાં તો મેં રસ્તા પર જ ટેકસીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ બધી જ ટેક્સીઓ ફુલ સિટી તરફ ફુલ જતી હતી. અંતે કંટાળીને મેં સ્વાન ટેકસીઝને કોલ કરવાનું સાહસ ખેડ્યું. એક ટકા તો એક ટકા પણ પ્રયત્ન તો કરવો જ  રહ્યો. અંતે પાંચ મિનિટનાં વેઇટ પછી પણ બેટરી ન મારી અને હું ફોન ઓપરેટર સાથે પૂરી વાત કરી શકી અને પછી બેટરી મરી. ધેટ વોઝ ડેમ લકી! અંતે સવા દસ વાગ્યે ઘરે પહોંચી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s