ક્રિસમસ અને બોક્સિંગ ડે ૨૦૧૩

ઓસ્ટ્રેલિયા, મેલ્બર્ન

આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ક્રિસમસ પર કંઈ ખાસ નહોતું. બસ એક મિત્ર-એડમ ને ત્યાં તેનાં પરિવાર અને ફિઆન્સે સાથે લંચ અને ડિનર હતું અને મને એકસાથે અડોપ્ટ અને કિડનેપ કરવામાં આવી હતી :D એટલે કે, હું તેમનાં પરિવારનો ભાગ હતી અને મને ફોન અડવાની છૂટ નહોતી. બધું જ અટેન્શન તેમનાં માટે હતું અને તે વાજબી પણ હતું. મેં ક્રિસમસ ગિફ્ટ લેવાની ચોખ્ખી ના પાડી હતી. છતાં, એક ગિફ્ટ એડમ-વનેસ્સાએ અને બીજી ગિફ્ટ એડમના પેરેન્ટ્સ અને ભાઈ-બહેન તરફથી મળી હતી. :) એ દિવસે રાત્રે જો કે, હું ડિનર પછી તરત ઘરે દોડી આવી હતી. ત્યાં રોકાઈ નહોતી શકી. કેમ? કારણ કે, મારું બધું પેકિંગ બાકી હતું. બીજા દિવસે બપોરે (બોક્સિંગ ડે પર) મેલ્બર્નની ફ્લાઈટ હતી! હું અને મારી એક મિત્ર બપોરે ૪ વાગ્યે મેલ્બર્નની ફ્લાઈટ બોર્ડ કરવાનાં હતાં. એટલે કે, બપોરે દોઢ વાગ્યે ઘરેથી નીકળવાનું હતું અને એરપોર્ટ તરફ પ્રયાણ કરવાનું હતું.

પેકિંગ નહોતું થયું એમ કહું ત્યારે સમજવું કે, બેગ માળિયા પરથી ઉતારી પણ નહોતી. આ પરિસ્થિતિમાં કંઈ પણ ભૂલાય એ પોસાય તેમ નહોતું. છ દિવસનો સવાલ હતો અને ન્યૂ યર સેલિબ્રેશન મેલ્બર્નમાં થવાનું હતું (એટલે કે, પાર્ટી માટે તૈયાર થવાનું હતું અને વેનિટી-બેગ, સ્ટ્રેઈટનર વગેરે ભૂલાય તો ગજબ થાય). મેલ્બર્ન તરફ આગળ વધતા પહેલાં જરા ફલેશબેકમાં લઇ જાઉં. આ બધું ખૂબ અચાનક થયું હતું. હજુ મિડ-નવેમ્બરમાં તો હું ભારતથી પાછી આવી હતી. હું અને મારી મિત્ર સુઝાના લગભગ નવેમ્બર એન્ડમાં અમારી મેલ્બર્ન ટ્રિપ પ્લાન કરવા માટે ભેગા થયાં હતાં.

અમારો પ્લાન ખરેખર તો જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા-ડે લોન્ગ-વીકેન્ડ પર જવાનો હતો. ૩ દિવસ પબ્લિક હોલિડેનાં અને તે ઉપરાંત ૨ દિવસ અમે રજા લેવાનું વિચાર્યું હતું. અમે એક્સ્પીડીયા પર એ દિવસો માટે ફ્લાઈટ+હોટેલ ડીલ જોવા લાગ્યા. થોડી ઘણી ડીલ જોઈ. પણ, બાર વર્ષે એ બાવો બોલ્યો કે, મારી ઈચ્છા એવી છે કે, આપણે થોડાં વધુ દિવસો માટે જઈએ. ૫ દિવસ બહુ ઓછા પડશે કારણ કે, ૨ દિવસ તો આવવા-જવામાં જશે. હવે ત્યારે જ હું ભારત જઈને આવી હતી અને મારી એન્યુઅલ લીવનો ક્વોટા માઈનસમાં જતો હતો ત્યાં વધુ એન્યુઅલ લીવ તો ભૂલી જ જાઓ! અને ૨ દિવસથી વધુ પર્સનલ (સિકનેસ) લીવ લઉં તો મેડિકલ સર્ટીફીકેટ બતાવવું પડે એ ક્યાંથી કાઢું?! શક્ય જ નહોતું. પણ, એ સમયે મારાં મગજમાં બીજી એક વાત ચાલી રહી હતી.

મને એ દિવસોમાં ક્રિસમસ બ્રેકનાં ૮ દિવસ ક્યાંક જવાનું મન થતું હતું. એડવાન્સ બુકિંગ વિના ક્રિસમસ સમયે ક્યાંય જવું એટલે પૈસાનું પાણી જ છે એ ખબર હોવા છતાં. અને હું જાત પણ ખરી જો જાન્યુઆરીનાં મેલ્બર્ન ટ્રિપનાં પ્રોમિસ ન હોત તો. આ વિચાર પર મેં ૨ દિવસ કાઢીને પછી મન માર્યું. પણ, જ્યારે સુઝાનાએ વધુ દિવસોનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મને મોકો મળ્યો. મેં કહ્યું કે, આપણે ક્રિસમસ બ્રેકનાં ભાવ જોઈએ તો ખરાં કેટલાં છે. આમ પણ ત્યારે મારી પાસે ૮ દિવસની રજાઓ છે અને તેણે પણ બહુ રજાઓ નહી લેવી પડે. તેને પણ વ્યાજબી લાગ્યું અને અમે તારીખો બદલીને જોવાનું નક્કી કર્યું. અને અમને બંનેને જોઈતું હતું એ થઈને રહ્યું! ભાવ સામાન્ય રીતે પીક-સીઝનમાં હોય તેટલાં ખરાબ નહોતાં. વળી, અમને ન્યુ યર મેલ્બર્નમાં સેલિબ્રેટ કરવા મળે અને અમારી ટિકિટ સાથે અમને ચેકડ બેગેજ ૨૩ કિલો પણ બોનસ મળતાં હતાં જે એકદમ પરફેક્ટ હતું (અને જાન્યુઆરીની ડીલમાં નહોતું મળતું). અંતે અમે બહુ વધુ વિચાર્યા વિના ત્યારે જ અબઘડી એ ડીલ ખરીદી લીધી.

પછી મોડેથી જ્યારે અમે ડિનર માટે બહાર જવાનું નક્કી કર્યું ત્યાં સુધી બંને સામાન્ય રહ્યાં. પણ, તેનાં ઘરેથી બહાર નીકળ્યા તેવાં રાડ પાડી ઊઠ્યાં. અમને માનવામાં નહોતું આવતું કે, અમે ૪ અઠવાડિયામાં મેલ્બર્ન જવા નીકળવાનાં હતાં. મારે આ વર્ષે યાદગાર ક્રિસમસ-બ્રેક જોઈતો હતો અને એ ખરેખર થઇ રહ્યું હતું. કોઈ પણ જાતનાં અગાઉ પ્લાન કર્યા વિના. પછી તો મેં મારાં માતા-પિતા અને અમારાં કોમન-ફ્રેન્ડ્સને આ વિશે મેસેજ કર્યા અને જેમને કહ્યું એ બધાંને થોડું અચરજ થયું. અચાનક આ શું, ક્યાં, કઈ રીતે? ક્રિસમસનાં દિવસે વાત-વાતમાં એડમનાં પપ્પા સામે વાત નીકળી ત્યારે તેમણે પણ હસીને કટાક્ષ કર્યો, “હા તારી મહિના પહેલાંની ટ્રિપનો થાક ઉતારવા માટે આ બીજી ટ્રિપની જરૂર તો પડે જ ને!” અને અમે બધાં હસી પડ્યાં.

અંતે તો ક્રિસમસની રાત્રે ઘરે આવીને પણ મેં પેકિંગ તો ન જ કર્યું અને આળસ કરીને બધું બોક્સિંગ ડેની સવાર પર મુલતવી રાખ્યું. જો કે, સવારે બહુ વાર ન લાગી અને અડધી કલાકમાં તો બધું પેક થઈને રેડી! ૨૩ કિલોનાં અડધાં પણ ન વપરાયાં. અમે મેલ્બર્ન જઈને તરત પહેલાં ૨ દિવસ બજારોમાં રખડવાનું વિચાર્યું હતું. એટલે, મેં કપડા ફક્ત બે જોડી નાંખ્યા હતાં. બાકીનાં બધાં મેલ્બર્નથી ખરીદવાનું વિચાર્યું હતું. આમ પણ, ત્યાં ખરીદી તો કરવાની જ હતી. એટલે જૂના કપડાં અહીંથી લઇ જઈને ત્યાંથી નવાં-જૂના બધાં પાછાં લાવવાનો કોઈ મતલબ નહોતો. શૂઝ પણ મેં ત્યાંથી નવાં લેવાનું નક્કી કર્યું હતું. એટલે,  બેગમાં શૂઝની એક પણ પેર હતી જ નહીં .જે કંઈ હું અહીંથી પહેરીને નીકળું, બસ તે જ. હેન્ડ-બેગમાં ફક્ત મારી કેમેરા-બેગ હતી. મારી બેગ ઊપાડીને કારમાં મૂકતી વખતે સુઝાનાનાં પપ્પાએ પણ કહ્યું હતું, “Wow! You are flying seriously light :D “. એ બહેન એક ભારેખમ બેગ, એક કેબિન બેગ અને એક મોટું એવું લેડીઝ પર્સ લઈને નીકળ્યાં હતાં. તે એટલું બધું શું લાવી હતી એ મને આજ સુધી નથી સમજાયું!

અમે સમયસર એરપોર્ટ પહોંચીને બેગ ચેક-ઇન કરાવી અને બોર્ડિંગ પાસ લઈને થોડાં આંટા માર્યા. સુઝાનાને ભૂખ લાગી હતી એટલે ‘ડોમ’ (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું સ્ટારબક્સ) ગયાં અને ત્યાં સમય પસાર કરવા લાગ્યાં. મેલ્બર્નનો ઉત્સાહ અમને બંનેને ખૂબ હતો એટલે ત્યાં શું કરશું વગેરે વગેરે વાતોએ વળગ્યાં…

2 thoughts on “ક્રિસમસ અને બોક્સિંગ ડે ૨૦૧૩

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s