પર્થ એટલે મોટાં શહેરનાં શરીરમાં ગામનું હૃદય! અહીં સવારે કોઈ પૂછે કે “How are you today?” તો સમજવું કે તેમને ખરેખર પરવાહ છે એટલે પૂછે છે અને તમે “not great” / ‘Not too well” જેવો જવાબ આપશો તો શક્ય છે કે એ વ્યક્તિ તમારા માટે દુઃખ વ્યક્ત કરશે અને ઉતાવળમાં નહીં હોય તો કદાચ “Why what’s wrong?” જેવો સવાલ પણ પૂછીને પાંચેક મિનિટ તમારી સાથે વાત પણ કરશે! આ ગામે મને સહુથી સરસ બે વાતો શીખવી. એક તો ધીરા પડતા શીખવ્યું અને બીજું પોતાની જાતને હંમેશા બહુ ગંભીરતાથી ન લેતા શીખવ્યું.
રાજકોટમાં રહીને મને ફક્ત ઝાકઝમાળ પ્રિય લાગી હતી. નાના શહેરોમાં બાળકોને સપના પણ ઝાકઝમાળના જ દેખાડાતા હોય છે. મોટાં બિલ્ડિંગ, ઘણી બધી રોશની અને બસ ત્યાં જ જવાનું અને રહેવાનું સપનું! જીવનની પહોળાઈ એટલી બધી આંજી દેતી હોય છે કે, ગહેરાઈ ધ્યાનમાં જ નથી આવતી. મેં પણ આ પહોળાઈ જ જોઈ હતી, જાણી હતી. એ ભાન જ નહોતી કે આ સપના તો ખરેખર મારા પોતાનાં હતા જ નહીં. આ એ સપના હતા જે મને મારા વાતાવરણે દેખાડ્યા હતાં અને તેને હું મારા પોતાના માની બેઠી હતી. પર્થ આવીને હું પોતાની જાતને મળી. જીવનની ગહેરાઇઓને મળી. નાનાં, ધીમા શહેરોમાં રહેવાનો આ ફાયદો છે.
જ્યારે ‘કરવાનું’ ઓછું હોય અને ઘણો બધો સમય હોય ત્યારે ઘણું બધું વિચારવાની જગ્યા આપોઆપ મળી જાય છે અને ‘deliberate living’ની આપોઆપ આદાત પડી જાય છે. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે, આ કદાચ ફક્ત જગ્યાનો પ્રભાવ જ નહોતો. આનું એક કારણ કદાચ પર્થમાં ઘણી બધી રસપ્રદ જગ્યાઓનાં બહુ દૂર દૂર હોવું, અને મારી પાસે બહુ પૈસા ન હોવા એ પણ હોઈ શકે. ટેલિવિઝન અને સિનેમાહોલમાં જે પશ્ચિમને જોયું હતું, તેનાં કરતાં મેં મારી જાતે અનુભવેલું પશ્ચિમ બિલકુલ અલગ હતું. પશ્ચિમને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મને પર્થમાં આવીને ફક્ત એક જ સપ્તાહમાં મળ્યો હતો.
બીજી એ વાતની સભાનતા આવી કે, પશ્ચિમ એટલે બધું એક-બીજાથી થોડું ઘણું અલગ પણ આમ તો બધું સરખાં જેવું જ એવું નથી. England, Ireland, Scotland, America, Austria, Germany, Switzerland, Estonia, Sweden, France, Australia વગેરે બધા જ અલગ હતાં. સાવ જ અલગ. ત્યાંનાં લોકોના દેખાવથી માંડીને તેમનાં સુંદરતાના પરિમાણો, પોતાનો રોજનો ખોરાક, પોષાક અને જીવનને જોવાની અને માણવાની રીત બધું ધડ- માથાથી સાવ અલગ છે.
ધીરે ધીરે આ બધું જોવા, જાણવા અને માણવા મળ્યું. સાથે સાથે જ એ પણ ખબર પડી કે ભારતીયો કેટલી બધી સદીઓથી અને કેટલી બધી જગ્યાએ વસેલાં છે! મને અહીં આવ્યા પહેલા મોરિશિઅસમાં વસતાં ભારતીયો વિષે ભાગ્યે જ ખબર હતી. આજે મારા મિત્રોમાં એવા ઘણા લોકો છે જેમના પૂર્વજો વર્ષો પહેલા ભારતથી વિસ્થાપિત થઈને મોરિશિઅસ જઈને વસ્યા હોય. તેઓ પોતે મોરિશિયન ભારતીયોની પાંચમી કે છઠ્ઠી પેઢી છે. એ જ રીતે રીયુનિયન આઈલેન્ડ અને માડાગાસ્કરમાં પણ ઘણાં ભારતીયો વસેલા છે- જેમાનાં અમુકને હું અહીં મળી. આમાંનાં ઘણાંએ Google maps સિવાય હિન્દુસ્તાન જોયું કે બહુ જાણ્યું નથી. એક કલાસમેટ જે મોરિશિયન છે તે કહેતો હતો કે, તેનાં દાદા- દાદી ‘ભોજપુરી’ જાણે છે. Apparently મોટાં ભાગનાં મોરિશિયન ભારતીયોના પૂર્વજો ઉત્તર ભારતથી આવેલાં હતાં.
અહીં આવ્યા પછી આવા તો ઘણાં બધા સાવ નાના કે સાવ અજાણ્યા દેશોમાંથી આવતા આવા ઘણાં બધા ભિન્ન- ભિન્ન લોકોને મળવાનું થયું છે. અન્ય ગુજરાતીઓની માફક મને ફક્ત ગુજરાતી/ ભારતીયો વચ્ચે રહેવાનું ક્યારેય ફાવ્યું નથી. જગ્યાની દૃષ્ટિએ હું મારી જાતને નસીબદાર માનું છું કે, હું પર્થમાં છું. થોડાં સમય પહેલાં એક મિત્ર એશ્લી સાથે વાત થઇ હતી ત્યારે તેની પાસેથી જાણ્યું કે પર્થ સાંસ્કૃતિક વૈવિધ્ય અપનાવવાની વૃત્તિ બાબતે બહુ સરસ છે. થોડું વિસ્તારપૂર્વક સમજાવું, તો થાય કેવું કે કોઈ જગ્યામાં ધારો કે ઘણી બધી સંસ્કૃતિનાં લોકો ભેગા થાય છે. આ પરિસ્થિતિમાં બે શક્યાતાઓ રહે.
1) બધાં અન્યોઅન્ય સાથે હળે-મળે અને એકબીજા વિશે જાણે, અથવા
2) લોકો પોતપોતાની સંસ્કૃતિનાં જ પોતાનાં જેવાં અન્ય લોકોને શોધે અને ફક્ત એકબીજા સાથે જ મળે.
જો બીજો કેસ બને તો ઘણી વખત એવું થાય કે એક આખા વિસ્તારનાં બધાં મકાનો અને રહેવાસીઓ એક જ સંસ્કૃતિનાં હોય. આપણે ત્યાં ‘કડવા પટેલ’ બધાં એક સોસાઈટીમાં રહેતાં હોય એવું અને યુ.કે.માં અમુક સબર્બમાં જાઓ તો હિન્દુસ્તાનમાં આવ્યા હો તેવું લાગે એવું! પર્થમાં પણ થોડું ઘણું એવું છે અને બધે રહેવાનું. પણ, તેનાં કહેવા પ્રમાણે મેલબર્ન કે સિડનીની સરખામણીએ પર્થમાં આવું ઘણું ઓછું બને છે. લોકો ફક્ત પોત-પોતાની સંસ્કૃતિઓનાં ટોળામાં નથી રહેતાં. અહીં એક મિત્ર-વર્તુળમાં ઘણાં રંગ અને સંસ્કૃતિનાં લોકો જોવા મળે તેવી શક્યતા વધુ છે. આ બાબતે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પણ, સાથે મારી જાતની પીઠ પણ એટલા માટે થાબડીશ કે મેં આ તકને જતી ન કરી, તેનો બને તેટલો ફાયદો ઉઠાવ્યો અને જૂદી-જૂદી સંસ્કૃતિનાં લોકો સાથે પરિચય તથા મિત્રતા કેળવ્યા.
હું માનું છું કે ગુજરાતીઓની એકબીજા સાથે જ રહેવાની અને બીજી સંસ્કૃતિઓમાં અને અન્ય લોકોની રહેણી-કરણીમાં બહુ રસ ન લેવાની વૃત્તિને કારણે જ આપની ભાષામાં અન્ય સંસ્કૃતિનો ગહેરો પરિચય આપતું સાહિત્ય બહુ નથી લખાયું. પણ, સામે એ પણ વાસ્તવિકતા છે કે, ગુજરાતીઓ સાથે રહ્યા છે, ઘણાં પૈસા કમાયા છે અને અન્ય ગુજરાતીઓ માટે વાપર્યા છે. ઘણાંએ મંદિરો બનાવ્યા છે અને આ મંદિરો વિદેશોમાં ગુજરાતીઓ ભેગા થઇ શકે અને એકબીજાને ઓળખી શકે અને એ રીતે કુટુંબ અને વ્યાપારને વધારી શકે તેનું કેન્દ્ર બન્યાં છે. એક-બીજા સાથે જોડાયેલા રહેવાની આદતને કારણે જ સંગઠિત રીતે ગુજરાતીઓ દુનિયાને પોતાના અસ્તિત્ત્વનો અહેસાસ કરાવતા રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ગુજરાતીઓએ નવરાત્રી મનાવી છે અને ગરબે રમ્યા છે!
આ બીજી પણ સ્પામમાં ગઈ. હવે તો પાક્કી વાત. અકીસ્મેટ ‘થેપલાં’ સ્પામ માર્ક કરી રહ્યું છે. ;) અને નવા શહેર માટે ગુડ-લક!
જોયું? મેં કહ્યું હતું ને? આ અકીસ્મેટનો ડેવલોપર કોઇ Anti-Thepala, Thepalaથી દાઝેલો લાગે છે. થેન્ક્સ! બ્લોગ પર તમને ખબર પડી જ જશે કે નવાં શહેરમાં હું સેટ થઉં છું કે શહેર મને સેટ થાય છે!
આ કમેન્ટ સ્પામમાં ગઈ હતી! મારું આજે છેક ધ્યાન ગયું.
હા, એ જ તો. આ ઉપરાંત ભારતીય છોકરાઓ. બાપ રે બાપ! No offence intended. પણ, ભારતીય બાળકો ગમે ત્યાં જાય પણ અંતે તો ભારતીયોનું એક ટોળું શોધી જ લે અને બસ પછી પૂરું. ખાસ છોકરાઓ અહીં પર્થમાં. ક્યારેક તો મને એવું લાગે કે આ બધાં છોકરાઓ એકબીજા સાથે રિલેશનશિપમાં છે કે શું! આજે જ હું, અડેલ અને દિવ્યા વાત કરતાં હતાં. મલેશિયન/સિંગાપોર સાઉથ ઇન્ડિયન્સ વિશે. આ બધું આગળ ક્યારેક કોઈ પોસ્ટમાં લખીશ. :D
હા હા. લાગે છે કે થેપલાં શબ્દથી તમે સ્પામ ફિલ્ટરીંગ કરો છો ;) એકદમ સાચી વાત. ગુજરાતીઓ ગુજરાતીઓ જ શોધે. હવે તો મારેય બીજા શહેરમાં જવાનું છે, એટલે ત્યાંય થેપલાં શોધવા પડશે. જોકે મને તો ઇડલીય ભાવે એટલે વાંધો નહી આવે..
છેલ્લો પેરેગ્રાફ એકદમ પરફેક્ટ! આપણે જ્યાં જઇએ ત્યાં થેપલાં શોધીએ તો બીજા કલ્ચરથી કેવી રીતે પરિચિત થઇ શકીએ?
:) Thank you
“જીવનની પહોળાઈ એટલી બધી આંજી દેતી હોય છે કે ગહેરાઈ બસ ધ્યાનમાં જ નથી આવતી. મેં પણ આ પહોળાઈ જ જોઈ હતી, જાણી હતી. એ ભાન જ નહોતી કે આ સપના તો ખરેખર મારા પોતાનાં હતા જ નહીં. આ એ સપના હતા જે મને મારા વાતાવરણે દેખાડ્યા હતાં અને તેને હું મારા પોતાના માની બેઠી હતી. ”
^ nice !