કર્ણાટક – 2

કર્ણાટક, પ્રવાસ, ભારત

સવારે ઉઠીને સૌથી પેહલા તો મારું ધ્યાન ગયું વાંસળીનાં સાઉન્ડ પર. સતત એક ધીમો અવાજૉ સંભળાઈ રહ્યો હતો. કોઈ કારણોસર મારે ફાર્મસી જવાની જરુર પડી એટલે ગૂગલ મેપ્સ પર એક ફાર્મસી શોધીને હું ડ્રાઈવર સાથે ચાલી. રુમથી કાર સુધી રસ્તામાં વાંસળીનો નાદ સતત સંભળાઈ રહ્યો હતો અને અવાજ વરાંડા તરફથી આવી રહ્યો હતો એટલે હું પહેલા તો સંગીતની દિશામાં ચાલી અને જોયું ત્યાં નીચે એક સ્ત્રી બહુ સુંદર વાંસળી વગાડી રહી હતી અને સરસ માહોલ જામી રહ્યો હતો. such a great way to start the day! વાદળછાયો દિવસ હતો અને સવારે નવેક વાગ્યા હશે પણ, બહુ ટ્રાફિક નહોતો. શહેરમાં લોકોનો દિવસ શરુ થતો જોવાનો એક અલગ આનંદ હતો. અમે જ્યાંથી પસાર થયા એ રસ્તો પણ પહોળો, સાફ અને બંને બાજુ વૃક્ષોથી છવાયેલો સુંદર હતો અને શહેરની ગતિ એકદમ ધીમી. અમારી ટૂરિસ્ટી ચહેલપહેલ શરુ થાય એ પહેલાની આ શાંતિ બહુ જ સુખદ હતી. અહીંનું લોકલ જીવન જોવા – જાણવાની આ નાની પણ સરસ તક મને બહુ ગમી.

આગલી રાતનાં અનુભવ પછી અમે નક્કી કર્યું હતું કે, હવે પછીની તમામ મીલ માટે અમે લોકલ રોસ્ટ્રોંઝ જ ટ્રાય કરશું એટલે તૈયાર થઈને અમે એક મિત્રનાં રેકમેન્ડેશનથી પહોંચ્યા ‘વિનાયક માયલારી’ – મૈસુરનાં પ્રખ્યાત માયલારી ડોસા ટ્રાય કરવા માટે. વિનાયકની ઓરીજીનલ દુકાન એટલી નાની છે કે, ત્યાં એકસાથે એક સમયે આઠ-દસ લોકોથી વધુ બેસી ન શકે પણ, તેમની પોપ્યુલારિટી ધ્યાનમાં રાખીને તેમણે બાજુમાં જ એક મોટી જગ્યામાં એકસ્પાંશન કર્યું છે. ઇચ્છા તો અમારી ઓરીજીનલ દુકાનમાં જ બેસવાની હતી પણ, સમયની કટોકટીનાં કારણે રાહ જોવાને બદલે નવી જગ્યામાં જ બેસી જવાનું અમને યોગ્ય લાગ્યું. તેમનું અતિ સરળ મેન્યુ મારું ફેવરિટ હતું – માયલારી ડોસા અથવા મસાલા માયલારી ડોસા. નિર્ણયો લેવાની કોઈ જ માથાકૂટ નહીં! આ નાની શોપ કેટલા જાત-જાતનાં લોકોને કેટર કરતી હતી એ જોવાની પણ મજા હતી. ત્યાં પંદર – વીસ મિનિટમાં મેં ટોટલ હિપસ્ટરથી માંડીને સાવ ગામઠી સુધીની આખી રેન્જ જોઈ.

મેં થોડું જલ્દી જમવાનું પતાવી દીધું હતું એટલે બાકીનો સમય ત્યાં બેસીને રાહ જોવાનાં બદલે મેં બહાર શેરીમાં ચાલીને આંટો મારવાનું પસંદ કર્યું. ત્યાંની નાની ગલીઓ અને તેની નાની દુકાનો મને બહુ જ ગમી. અહીં ચાલતા મને અહેસાસ થયો કે, ભારતનાં શહેરોમાં આ સરળતા ખૂટે છે. મોટાં શહેરો કે મેટ્રો સિટીઝમાં રહેતા, રોજબરોજનાં જીવનમાં સમજ નથી પડતી પણ મૈસુર જેવાં નાના શહેરો જોઈને સમજાય છે કે, જ્યાં રહેતા હોઈએ એ શહેરની બનાવટમાં એક વિઝ્યુઅલ સરળતા હોય તેનાથી પણ મનને કેટલી શાંતિ મળતી હોય છે. આપણાં શહેરોનાં દિવસે ને દિવસે વધતા જતા મહાકાય બિલ્ડિંગ્સ કદાચ આપણાં મનમાં પણ સતત એક અજંપાની ભાવના પેદા કરતા રહે છે. એ બિલ્ડિંગ્સની પહોંચી ન શકાય તેવી ઊંચાઈ જાણે આપણને આપણી આંબી ન શકાય તેવી મહત્ત્વાકાંક્ષાનું વિઝ્યુઅલ રિમાઇન્ડર સતત આપતી જ રહે છે અને મોટા ભાગનાં લોકો માટે મોટાં શહેરોમાં રહેવાની કોઈ વિકલ્પ પણ નથી. અહીં મૈસુરમાં એવું નહોતું. હાથ લંબાવીને છાપરું અડી શકો અને સીડી ચડીને આકાશ, શરત ફક્ત એટલી કે, રોજનું રહેવા-જમવાનું થઈ રહે તેટલા પૈસા અને સંતોષ હોવા જોઈએ અથવા શોખ સસ્તા હોવા જોઈએ.

થોડા દુકાનદારો સાથે મેં અમુક નાની-મોટી વસ્તુઓ લેવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને જાણ્યું કે, ત્યાં મોટા ભાગનાં લોકોને સ્થાનિક ભાષા અને કન્નડ સિવાયની ભાષા કદાચ નથી આવડતી પણ, લોકો કામચલાઉ ઇંગ્લિશ અને જરૂર પૂરતું હિન્દી જરૂર બોલી લે છે અને તમે સવાલ પુછો તો મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે. અચાનક ફોનની રિંગ વાગી અને હું સહપ્રવાસીઓને મારું લોકેશન જણાવીને કારની દિશામાં પાછી ફરી. ત્યાંથી અમારું નેકસ્ટ સ્ટોપ હતું મિનિમલ કૉફી.

ફરી એ જ સુંદર રસ્તો, ખુશનુમા મોસમ. મિનિમલ કૉફીની નજીક જતા ગયા તેમ તેમ ઘર અને લેન્ડસ્કેપની સુંદરતા વધતી ચાલી. એક મિત્ર પાસેથી જાણ્યું હતું કે, ગોકુલમ નામનાં એ વિસ્તારમાં દેશ વિદેશથી લોકો આવીને વસે છે અને એ વિસ્તાર ‘યોગા કેપિટલ ઑફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખાય છે. ત્યાંનો માહોલ એકદમ કોસ્મોપોલિટન હતો પણ, મને અંગત રીતે બહુ દંભી પણ લાગ્યો. લોકો પોતાનાં રાગ, દ્વેષ સાથે લઈને ધ્યાન અને યોગ કરવા આવ્યા હોય તેવું લાગતું હતું. ત્યાં સૌથી ઝેન માણસ હતો ત્યાંનો બરિસ્ટા. આસપાસનું આખું સર્કસ અવગણીને એ માણસ જે ધ્યાનથી કૉફી બનાવતો હતો એ હું કલાકો બેસીને જોઈ શકું. તેને તેનાં કામ અને કૉફી પર મળતા ફીડબેક સિવાય દુનિયાની કોઈ વાતમાં રસ હોય તેવું લાગતું નહોતું. અમે પહોંચ્યા ત્યારે સારી એવી ભીડ હતી એટલે અમારી કૉફીઝ બનતા દસ-પંદર મિનિટ લાગે તેમ હતી તેટલાં સમયમાં અમે કૅફેની બરાબર બાજુમાં એક બેકરી જેવી સુંદર જગ્યામાં આંટો માર્યો. એ જગ્યાનું નામ તો હું હવે ભૂલી ગઈ છું પણ, એ હતી બહુ મસ્ત! ત્યાં એક સ્ટોર પણ હતો જ્યાંથી અમને અમુક ઝીણી-મોટી વસ્તુઓ પણ લેવાની ઇચ્છા થઈ ગઈ. કૉફી બની એટલે તે લઈને તરત શ્રીરંગપટ્ટના તરફ આગળ જવાનો પ્લાન હતો. મારું કૅફીન ટોલરન્સ બહુ ઓછું હોવાને કારણે મેં કંઈ જ ઓર્ડર નહોતું કર્યું પણ, એક સિપ ચાખીને જ મને એકદમ ફીલ આવી ગઈ! અત્યાર સુધીમાં પીધેલી બેસ્ટ કૉફીઝમાંની એક! છેલ્લી ઘડીએ લોકોને દસ મિનિટ રાહ જોવડાવી પડી તોયે મેં એક લાટે ઓર્ડર કરી અને એ લઈને જ અમે આગળ વધ્યા.

શ્રીરંગપટ્ટનામાં અમારો સૌથી પહેલો મુકામ હતો શ્રીરંગનાથસ્વામી મંદિર. દરેક મંદિરની હોય છે તેમ જ આ મંદિરની કથામાં પણ અમુક ચમત્કારિક તત્ત્વો ભળી ગયાં છે (કે ભેળવી દેવામાં આવ્યાં છે) પણ મારા માટે તો અહીં ની સૌથી મોટી અજાયબી હતી એ કે, આ મંદિરનાં ત્રણ અલગ અલગ ભાગ ત્રણ અલગ સદીમાં બનેલાં છે. સૌથી અંદરનો ગર્ભગૃહનો ભાગ નવમી સદીમાં, તેની બહારનો ભાગ બારમી સદીમાં અને સૌથી બહારનો પંદરમી સદીમાં! અંદરની મૂર્તિ તો નવમી સદી કરતા પણ જૂની છે! મારા માટે સૌથી પહેલી અજાયબી એ હતી કે, એક બિલ્ડિંગ હજાર વર્ષ ટકી શકે અને બીજી એ કે બસો – ત્રણસો વર્ષનાં અંતરે તેનું એક્સપાંશન થતું રહે અને છતાંયે આખું સ્ટ્રકચર કોઈ પણ રીતે વિચિત્ર નથી લાગતું!

આ મંદિરની બનાવટ બીજા પ્રખ્યાત મંદિરનાં પ્રમાણમાં સાદી કહી શકાય પણ, મને તેમાં બહુ જ કેરેક્ટર દેખાયું. રંગનાથસ્વામીની શેષનાગ પર સૂતેલી મૂર્તિ એટલી લાંબી છે કે, ગર્ભગૃહનાં વિશાળ દરવાજા સામે ફક્ત ઊભા રહીને આખી મૂર્તિ જોઈ ન શકાય. તમારે દરવાજાની ડાબે – જમણે ચાલીને ત્રણ ભાગમાં આખી મૂર્તિ જોવી પડે. એ મૂર્તિ શાલિગ્રામ પત્થરની બનેલી છે, જે મેં પહેલા કદાચ જોયો પણ હોય તોયે તેનાં પર મેં પહેલા ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. Jet black and enigmatically shiny! No wonder people felt inspired to worship it! મારા માટે છેલ્લી નવી વાત એ હતી કે, અહીં વિષ્ણુ સાથે કાવેરી નદીની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે. શિવ અને ગંગાનો પરફેક્ટ વૈષ્ણવ એન્ટિડોટ. દક્ષિણમાં કાવેરીનું મહત્ત્વ ધ્યાનમાં રાખતા કોઈ જ નવાઈ નહોતી કે, અહીં કાવેરીની પૂજા થતી જ હોય પણ ત્યારે બે સેકન્ડ માટે મને નવાઈ લાગી હતી. વિચિત્ર રીતે, ગમ્યું પણ ખરું. તેમાં ગમવા જેવું શું હતું તેનો ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો પણ, એ મને પછીનાં દિવસોમાં અનાયાસે જ કુર્ગ અને હમ્પીમાં મળ્યો.

મંદિરથી નીકળતા સમયે પૂજા નિમિત્તે કોઈ દાન કરવામાં મને રસ નહોતો પણ એ બિલ્ડિંગનાં કન્ઝર્વેશમાં મને રસ હતો એટલે મેં ગાઇડને પૂછ્યું મારે ખાસ એ બાબત માટે ફાળો આપવો હોય તો એ શક્ય છે? સરપ્રાઇઝિંગલી, એવું શક્ય હતું! તેમણે મને ત્યાં એક સરકારી ઑફિસ દેખાડી. મંદિરનાં એન્ટ્રન્સ પાસે જ જમણી બાજુ આવેલી એ ઑફિસ પર મારું ધ્યાન જ નહોતું ગયું. કર્ણાટક સરકારનું કોઈ ડિપાર્ટમેન્ટ આ મંદિરનાં બિલ્ડિંગની જાળવણીનું કામ કરે છે અને ત્યાં હું આ નિમિત્તે દાન કરી શકી તેનો મને હજુ પણ બહુ આનંદ છે.

મંદિર સામે બહાર સુંદર નાનું બજાર છે, નીકળીને અમે નાળિયેર પીવા રોકાયા અને પછી આગળ વધ્યા ‘દરિયા દૌલત બાગ’ તરફ જ્યાં ટીપુ સુલતાનનો સમર પેલેસ આવેલો છે. એ મહેલ પણ મને ગજબ લાગ્યો. તેનું કદ આપણે જોવા ટેવાયેલા હોઈએ તેવાં મહેલોનાં પ્રમાણમાં ઘણું નાનું છે પણ, તેમાં કરેલી કારીગરી અદ્ભુત છે! મુઘલ શૈલીની પેટર્ન પણ દક્ષિણનાં બ્રાઇટ કલર્સ! ક્યાંયે કંઈ જ પેસ્ટલ નહીં! આ કોમ્બિનેશન મેં પહેલા ક્યાંય નથી જોયેલું પણ, એ બિલકુલ અનેક્સ્પેક્ટેડ પણ નહોતું. આ જોવા મળશે તેવું ધારીને હું અહીં નહોતી આવી પણ, જોઈને લાગ્યું કે, આ જ હોવું જોઈએ. દક્ષિણ ભારતમાં મુઘલ શાસક પોતાનો મહેલ બનાવે તો તેમાં મુસ્લિમ અને દક્ષિણ ભારતની શૈલીનો સમન્વય ન હોય તો બીજે ક્યાં હોય!

ત્યાં અમુક મંત્રીઓ અને બીજા ઘણાં લોકોનાં પેન્સિલ સ્કેચ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે એ મને બહુ ગમ્યા અને ત્યાં ફરવું પણ. ત્યાં ભીડ ન હોત અને હું એકલી આવી હોત તો કદાચ વધારે ગમ્યું હોત.