કર્ણાટક – 12

કર્ણાટક, પ્રવાસ, ભારત

સુબ્બૈયા ગયો પછી અમે તરત એક્સપીરિયન્સિસ ડિપાર્ટમેન્ટમાં કૉલ કરીને જીપની પ્લાન્ટેશન ટૂઅર કૅન્સલ કરાવી અને તેનાં બદલે પગપાળા પ્લાન્ટેશન ટૂઅર કરવાનું નક્કી કર્યું, જેમાં ટાઇમ-કમિટમેન્ટ થોડું ટૂંકું હતું અને જો ન મજા આવે તો વચ્ચેથી પણ આસાનીથી પાછા ફરી શકાય. બીજું કારણ એ પણ હતું કે, મારે સ્વાર્થીપણે બાકીનાં સાથીઓથી અને તેમની સાંસારિક વાતોથી થોડો બ્રેક જોઈતો હતો. પ્રવાસનો સમય મને ધ્યાન બરાબર લાગવા માંડ્યો છે. એ સમયે મને માનવ જીવનની ગહેરાઈને અલગ અલગ રૂપમાં જોવા-સાંભળવા સિવાયની બીજી કોઈ જ બાબતમાં રસ નથી હોતો અને જેમને ફક્ત દુન્યવી વાતોમાં રસ છે તેમની કંપની મને અસહ્ય લાગવા માંડી છે. લોકોનાં સપના, તેમની આંતરિક ગડમથલ, તેમની જિજ્ઞાસા, તેમની ખોજ, હવા, પાણી, આકાશ, તેમની સાથે વૃક્ષોનું લહેરાવું, પંખીઓનું ઊડવું અને તેમાં મારી પોતાની મનઃસ્થિતિનું નિરીક્ષણ … એ સમયે હું સૌથી વધુ જીવંત હોઉં છું અને ત્યારે બે મિનિટથી વધુ સમય “આજે શું જમશું” જેવી વાતો પર ફાળવવો મને બિભત્સ લાગવા માંડ્યો છે.

તમામ પ્રયત્નો પછી પણ બે સાથીઓ તો વૉકિંગ ટૂઅરમાં જોડાયા જ અને હું એ આખી ટૂઅર તેમનાંથી પાંચ કદમ દૂર ચાલતી રહી. શરૂઆતમાં તેમણે મને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો પણ પછી તેઓ પોતાની દુન્યવી વાતોમાં મશગુલ થઇ ગયા. હું ફક્ત ખોવાઈ જવામાં ઈન્ટરેસ્ટેડ હતી. અમારો ગાઇડ ફરી મૂર્તિ હતો પણ, મૂર્તિનું બરિસ્તા રૂપ તેનાં નેચર-વૉક ગાઇડવાળાં રૂપ કરતા બિલકુલ અલગ હતું. તે ત્યાંનાં લોકલ વેજિટેશન અને પશુ-પક્ષીઓ વિષે જે રીતે વાત કરી રહ્યો હતો તેનાંથી લાગતું હતું કે, મૂર્તિ અને કુદરત જાણે એક છે! તેનાંથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ હતી તેની ચાલવાની રીત. એ આમથી તેમ એક લાયમાં ઝૂલતો લગભગ કૂદતો કૂદતો ચાલતો હતો! તેની ચાલમાં પણ એક ખુશી અને રમતીયાળપણું હતું જે મોટા ભાગનાં લોકો કિશોરાવસ્થામાં જ ગુમાવી દેતા હોય છે. તેણે અમને ત્યાંની ઇકોલોજી અને એ પ્લાન્ટેશનનાં ઇતિહાસ વિષે લગભગ એક-દોઢ કલાક સુધી ઘણી બધી વાતો કહી તેમાં તેણે કૉફીનાં ફૂલ વિષે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી એ હું કદાચ ક્યારેય નહીં ભૂલું. કૉફીનાં છોડ પર ફેબ્રુઅરીમાં ફૂલ આવે છે અને એ બહુ થોડાં સમય માટે રહે છે કારણ કે, ફૂલનું ફળમાં રૂપાંતરણ બહુ જલ્દી થાય છે. પણ, એ એક અઠવાડિયું આ આખાં પ્લાન્ટેશન પર સફેદ જાજમ છવાઇ જાય છે અને એ ફૂલોની સુગંધમાં પણ એટલું કૅફીન હોય છે કે તેમાં વધુ સમય બહાર રહો તો તમે કૅફીનેટેડ ફીલ કરો! મને તો સાંભળીને જ મજા આવી ગઈ. કેટલો યુનીક એક્સપીરિયન્સ! પણ, આ તો પ્રકૃતિ છે. ફૂલોની ફોરમ કંઈ કૅલેન્ડર જોઈને તો આવતી નથી. કદાચ ફેબ્રુઅરીમાં હું કોઈ રીતે ત્યાં પહોંચું પણ ખરી તોયે હું ત્યાં હોઉં એ બે કે ત્રણ દિવસમાં એ ફૂલો આવે તેનો ચાન્સ કેટલો? નહીંવત્! કોને ખબર આ જીવનમાં એ જોવા મળે કે નહીં …

મરી, કૉફી, અંજીર, ફણસ (કટહલ / જેકફ્રૂટ) જોતા અને તેની વાતો કરતા ચાલતા અમે કાચા રસ્તા પર ક્યારે ચાલવા લાગ્યા ગયા તેની ખબર ન રહી આને જોત જોતામાં અમે પ્લાન્ટેશનની એક હદ સુધી પહોંચી ગયા. ત્યાં મૂર્તિએ તારની એક વાડ સામે આંગળી ચીંધીને કહ્યું, આ વાડ જુઓ છો? એ હાથીઓને રોકવા માટે બનાવી હતી કારણ કે, તે અહીં આવીને પ્લાન્ટેશનમાં ઘણાં પાક ખેદાન-મેદાન કરી નાંખે છે. થોડો સમય આ વાડની આડશ ટકી પણ, હાથી બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. એ લોકોએ વાડ ટપીને અંદર આવતા શીખી લીધું. પછી અહીં લોકોને વિચાર આવ્યો એક વીજળીનો તાર લગાવીએ જેમાં થોડો કરંટ આવતો હોય અને એ લગભગ સાત ફુટ પર લગાવીએ જ્યાં હાથીનું શરીર લગભગ વચ્ચેથી તાર સાથે અથડાય. તેનાંથી કોઈ માણસ પણ એક્સિડેન્ટલી એ તારને અડે નહીં, હાથીને કોઈ ઇજા પણ ન થાય અને તેને ત્યાં જ રોકાઈ જવાનું સિગ્નલ પણ મળી રહે. હાથીનું માથું એ તેમનાં શરીરનો સૌથી નાજુક ભાગ છે. શરીર પર એક વખત કરંટ લાગ્યો હોય તો એ તારની નીચેથી ઝૂકીને આવવાનો પ્રયત્ન નહીં કરે કારણ કે, તાર સાથે માથું અથડાવાનો ડર રહે. એ યુક્તિ પણ થોડો સમય ચાલી પણ , હમણાં બે મહિના પહેલા ચોમાસાંમાં તેમણે શું કર્યું ખબર છે? બધાએ ‘ના’ કહેતા માથું હલાવ્યું અને એકદમ ધ્યાનથી સાંભળતા રહ્યા. તેણે આગળ વાત કરતા કરતા હાથીની મિમિક્રી પણ કરીને દેખાડી અને કહ્યું, એક હાથીએ બુદ્ધિ વાપરી. તેણે તાર નીચેથી પહેલા પોતાનાં શરીરનો પાછળનો ભાગ સરકાવ્યો અને તેનાં પર તાર ટકાવી રાખ્યો – પછી આરામથી પોતાનું માથું અંદર સરકાવ્યું અને પ્લાન્ટેશનમાં અંદર ઘુસી ગયો! તેણે અમને તેનો વીડિયો પણ દેખાડ્યો અને કહ્યું અહીં અમે કૅમેરા લગાવ્યાં છે કારણ કે, હાથી આ જગ્યાએથી જ સૌથી વધુ અંદર આવતાં હોય છે. જો આ કૅમેરામાં કૅપ્ચર ન થયું હોત તો અમે તો ગેસ પણ ન કરી શક્યા હોત કે, હાથી અંદર આવ્યો કઈ રીતે!

મૂર્તિએ રેસ્ટ્રોં પાસે જ્યાંથી ટૂઅર શરુ કરી હતી, ત્યાં જ પુરી કરી અને અમને તેની સાથે હાઈ-ટી માટે જોડાવાનું આમંત્રણ આપ્યું. મારી સ્પા અપોઈન્ટમેન્ટને લગભગ અડધી કલાકની વાર હતી એટલે અમારી પાસે પૂરતો સમય હતો ત્યાં બેસીને મૂર્તિ સાથે થોડી વાત કરવાનો. અમે તેને પણ તેનાં ત્યાંનાં જીવન અને તેનાં પરિવાર વિષે થોડું પૂછ્યું. તેનું જીવન બહુ સામાન્ય હતું પણ, એ પોતે કૅરૅક્ટર હતો. તેની ઇન્દ્રિયો બહુ સતર્ક હતી અને તેની પાસે કુદરતનાં ઘણાં બધાં અવાજ અને મૂવમેન્ટ્સની નકલ કરી શકવાની આવડત હતી અને એ આવડત એ બિલકુલ સંકોચ વિના ઈચ્છે ત્યારે વાપરી શકતો હતો! તેની પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ કે કોઈ અસાધારણ આવડત હોય તેવું એ પોતાનાં વિષે કદાચ માનતો પણ નહોતો. પણ, તેની સાથે સંપર્કમાં આવનારાને એ સ્કિલ્સ બહુ યુનીક અને સ્પેશિયલ લાગતી હતી. મને નથી ખબર તેની પાસે ખરેખર અમે માનીએ છીએ તેટલી સ્પેશિયલ સ્કિલ્સ હતી કે પછી સતત કુદરતનાં સંપર્કમાં રહેનારા લોકોમાં આ સ્કિલ્સ બહુ કૉમન છે અને અમને જ નવાઈ લાગી હતી કારણ કે, આવું જીવન જીવનારા બહુ લોકોને અમે જાણતા નથી?

જોત-જોતામાં મારી અપોઈન્ટમેન્ટનો સમય થઇ ગયો અને હું સ્પા તરફ ચાલી. બાકીનાં બંને સાથીઓ પોતાનાં રુમ તરફ ગયા. ત્યાં રિસેપ્શનિસ્ટે મારું નામ નોંધ્યું અને એકાદ મિનિટમાં પડદા પાછળથી બે સ્ત્રીઓ આવી મને મારાં ટ્રીટમેન્ટ રુમ સુધી લઇ જવા માટે. તેમણે મને એક બહુ પાતળાં ગાઉન જેવું કંઈક આપ્યું અને તેમાં ચેન્જ કરવા માટે કહ્યું. પછી એ લોકો રૂમમાંથી બહાર જવાનાં બદલે ત્યાં જ ઊભા રહ્યા જે મને અજુગતું લાગ્યું અને મને એ કપડાં પણ અનકમ્ફર્ટેબલ લાગ્યાં. મેં તેમને પૂછ્યું તેમની પાસે બીજો કોઈ ઓપ્શન છે? તેમણે મને પહેલો સવાલ એ પૂછ્યો કે, તમારાં પીરિયડ્સ ચાલુ છે? મેં હા પાડી. તેમણે તરત કહ્યું “સૉરી મૅમ યુ કાન્ટ ડુ ધિસ ટ્રીટમેન્ટ”. મને થોડો શૉક લાગ્યો પણ મેં તેમને કહ્યું એક મિનિટ હું બહાર મૅનેજર સાથે વાત કરીને આવું. મેં તેમને અંદરની ઘટના વિષે વાત કરી અને તેમણે અંદરવાળો જ જવાબ થોડી સારી ભાષામાં દોહરાવ્યો અને ઊમેર્યું – “તમે ઈચ્છો તો હેડ ઍન્ડ નેક મસાજ કરાવી શકો છો!” મને આ અઢારમી સદીની મેન્ટાલિટી પ્રિન્સિપલી તો અસ્વીકાર્ય લાગી પણ મેં થોડી સમતા રાખીને કોઈ ઉપાય શોવનો પ્રયત્ન કર્યો. મેં તેમને પૂછ્યું જો તેમની પાસે ફુલ બૉડી મસાજનાં કોઈ નૉન-આયુર્વેદિક ઓપ્શન હોય તો હું એ કરાવવા માંગું છું અને તેમને કહ્યું કે, દુનિયામાં ક્યાંયે કોઈ પ્રોફેશનલ સ્પા હવે સ્ત્રીઓને આવાં પર્સનલ સવાલ પણ નથી પૂછતાં અને આ માહિતિનાં આધાર પર પોતાની સર્વિસિઝ કોને આપશે અને કોને નહીં આપે એ બાબતે ભેદભાવ તો નથી જ કરતાં. તેમણે ફરી એ જ વાત દોહરાવી અને તેમનાં આયુર્વેદિક કન્સલ્ટન્ટ સાથે વાત કરવાનો આગ્રહ કર્યો. હવે મારું મગજ બરાબર તપ્યું. મને એ સ્ત્રીઓ કે એ એસ્ટાબ્લિશમેન્ટની કોઈ પણ વ્યક્તિ દલીલ કરવા યોગ્ય પણ ન લાગી એટલે વધુ કંઈ બોલ્યા વિના હું સીધી બહાર નીકળી ગઈ. પાછળથી મને મૅનેજરનું ગભરાહટભર્યું “મૅમ … મૅમ આર યુ ઓકે?” સંભળાયું પણ હું પાછળ જોયા વિના બરાબર દોડી ગઈ.

ચાલતા ચાલતા મારી આંખમાંથી આંસું વહેવા લાગ્યાં. મેં એક સાથીને મૅસેજ કર્યો, “આઇ નીડ ટુ ટૉક” પણ પાંચ મિનિટ સુધી કોઈ જવાબ ન આવ્યો એટલે મને યાદ આવ્યું કે તેની સ્પા ટ્રીટમેન્ટ શરુ થઇ ગઈ હશે કદાચ. બાકીનાં કોઈ સાથીઓને આ કંઈ જ જણાવવાનું મારું મન નહોતું એટલે કોઈનાં રૂમ પર જવાનાં બદલે હું ફરી લાઇબ્રેરી ચાલી ગઈ અને વિચારતી રહી કે, ત્યાં જો સુબ્બૈયા હોય તો તેની સાથે થોડી વાત કરીને માઇન્ડ ચેન્જ કરી શકું. પણ, અફ કોર્સ એ ત્યાં નહોતો કારણ કે, એ તો જીપ ટૂઅર પર હતો. કોઈ બીજું દેખાયું નહીં વાત કરવા લાયક એટલે હું એક ખૂણામાં એકાંતમાં બેસી રહી અને કોઈ પુસ્તકમાં મન વાળવાનો પ્રયત્ન કર્યો કારણ કે, રિગ્રેસિવ ઇડિયટ્સની બેવકૂફીભરી વાતોથી પોતાનો મૂડ અને બ્રેક બગાડવાનું મને અયોગ્ય લાગ્યું. પણ, મારાંમાં એટલું બુદ્ધત્ત્વ નથી આવ્યું કે, દુઃખ અને ગુસ્સો આટલી હદ સુધી કંટ્રોલ કરી શકું. મગજ ચાલવાનું બંધ જ ન થયું.

આ ઘટનાનાં બરાબર એક મહિના પહેલા મારો આ જ બાબત પર મોટો ઝઘડો થયો હતો. હું તેર વર્ષે પહેલી વાર નવરાત્રી સમયે ઘરે આવી હતી – ભારત છોડ્યા પછી પહેલી વખત. હું મારાં સંસ્મરણોનાં એ આખાં એક્સપીરિયન્સ વિષે બહુ એકસાઇટેડ હતી – ખાસ દશેરાનાં નૈવેદ્ય અને તેનું જમણ. હું નાસ્તિક છું પણ, નવરાત્રીને લગતી તમામ રિચુઅલ્સ લાગણીનાં સ્તરે જીવવા માંગતી હતી કારણ કે, એ મારો ફેવરિટ તહેવાર હતો. એ આખી ફીલિંગ પર મારી મમ્મીએ દશેરાનાં દિવસે પાણી ફેરવી દીધું હતું કારણ – યુ ગેસ્ડ ઇટ રાઇટ – મારાં પીરિયડ્સ ચાલુ હતાં. અંધશ્રદ્ધામાં તરબોળ આ દેશને આજે પણ એક એક કાલ્પનિક ભગવાનનું સંભવિત અભડાઈ જવું, એ પોતાનાં જીવતા-જાગતા સ્વજનને ખરેખરું દુઃખ પહોંચવા કરતા વધુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. એ તો ઠીક, દુનિયાની આવી નાની – મોટી ક્રૂરતાઓથી દૂર માણસ વર્ષમાં અમુક દિવસો વેકેશન પર જતો હોય છે કે, થોડો સમય દુનિયાની સુંદરતા પર ફોકસ કરી શકે તો પાછા ફરીને તેને પોતાનું સમય સામાન્ય જીવન પણ થોડું વધુ સહ્ય લાગે. પણ, અહીં તો એ જ ક્રૂરતા સામે આવીને બરાબર ઊભી રહી. એ પણ, પૈસા દઈને!

વિદેશમાં વસતી ભારતીય ઉપખંડની લગભગ દરેક વિચારવંત સ્ત્રી હંમેશા પોતાનું ‘બિલોન્ગિન્ગ’ ખોજતી રહેતી હોય છે. કલ્ચરલી એ પૂરી વિદેશી નથી થઇ શકતી અને રૂઢિચુસ્તતાથી દૂર, પોતાની પસંદગીનું સામાન્ય જીવન જીવી શકવાની સ્વતંત્રતા એ છોડી નથી શકતી. વર્ષો પસાર થતાં જાય તેમ એ અસમંજસ વધતી જાય છે. મૈસૂરમાં પહેલી વખત મને એ અસમંજસનો ઉકેલ મળ્યો હોય તેવું લાગ્યું હતું – પહેલી વાર થયું હતું કે, કદાચ અહીં જીવી શકાય. આ ઘટનાએ દિલાસાનો એ પરપોટો પણ ફોડી નાંખ્યો. આયુર્વેદ – જે પૂરેપૂરું વૈજ્ઞાનિક પણ નથી, એ હજુ આ દેશમાં વિજ્ઞાન તરીકે પ્રેક્ટિસ થાય છે એટલું જ નહીં, તેનાં આધારે હજુયે પીરિયડ્સ જેવી કુદરતી પ્રક્રિયાને અને આ પ્રક્રિયાનો દર મહિને અનુભવ કરતી સ્ત્રીઓને તેમની પોતાની ઈચ્છા વિરુદ્ધ તેઓ શું કરી શકે કે ન કરી શકે તેનાં લૅક્ચર પણ દેવામાં આવે છે! આ ઘટનાએ ફરી યાદ કરાવી દીધું કે, હું આ દેશમાં ક્યાંયે અને ક્યારેય રહી નહીં શકું અને સંપૂર્ણપણે વિદેશની હું ક્યારેય થઇ નહીં શકું. હવે બિલોન્ગિન્ગ ભૂલી જવાનું. There is no hope … પરિવાર સાથે ઘરમાં પણ નહીં અને બહાર પણ નહીં.