કર્ણાટક – 1

કર્ણાટક, પ્રવાસ, ભારત

મુર્શિદાબાદ ટ્રિપનાં થોડાં સમય પછી અમે નીકળ્યા કર્ણાટક તરફ. મારી સાન ફ્રાન્સિસ્કોની રિટર્ન ફલાઇટ બેંગલોરથી હતી એટલે નક્કી કર્યું બેંગલોરની આસપાસની જગ્યાઓ એક્સપ્લોર કરવાનું. બેંગલોર એરપોર્ટ લેન્ડ થતાં જ અમારો સૌથી પહેલો મુકામ હતો મૈસુર અને પછી ફૂર્ગ.

બેંગલોર એરપોર્ટ પર અમને અમારી રેન્ટલ કારનાં ડ્રાઈવર લેવા આવી ગયા. અહીં પણ અમે છ લોકો સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા પણ, ઘણાં વિચાર વિમર્શ પછી બે કારને બદલે આ વખતે અમે એક સેવન સીટર કારની વ્યવસ્થા કરી હતી. કાર પર એક કેરીયર લગાવવામાં આવ્યું હતું જેનાં પર અમારો સામાન ગોઠવાઈ જશે તેની ધરપત અમને આપવામાં આવી હતી. છ લોકો વચ્ચે અમારી પાસે ટોટલ દસ બેગ હતી – છ ફુલ સાઈઝની ચેક-ઇન સૂટકેસ અને ચાર કેબિન બેગ તથા એક લેપટોપ બેગ. આમાંથી મોટા ભાગનો સામાન કેરિયર પર ચડાવીને દોરીથી બાંધતા ડ્રાઈવર ભાઈને લગભગ ચાલીસ મિનિટ લાગી હશે. સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ લઈને અમે નીકળ્યા હતા એટલે એરપોર્ટથી નીકળતાની સાથે જ બધાંને સૌથી પહેલા કંઇક ખાવાની ઇચ્છા હતી. અમને આસપાસ કોઈ જગ્યા ખબર નહોતી પણ, ડ્રાઈવરે કોન્ફિડન્સ સાથે અડ્યાર આનંદ ભવન (એ ટુ બી) નામની એક ચેઇન પર કાર ઊભી રાખી. આ ‘એ ટુ બી’ની એક બ્રાન્ચનો લાભ અમે એક વખત લઈ ચૂક્યા હતા અને મને આમ પણ ચેઇન રેસ્ટોરાં પર ભરોસો ઓછો હોય છે એટલે મારી અપેક્ષા એકદમ તળિયે હતી પણ, ભૂખ એટલી લાગી હતી કે, વિચાર્યું અહીં એવરેજ ફૂડ હશે તો પણ ચાલશે. નસીબજોગે જમવાનું અને કૉફી બંને મારી અપેક્ષા કરતા ઘણાં સારા નીકળ્યાં!

જમીને અમે મૈસુર તરફ આગળ વધ્યા. રસ્તામાં ડ્રાઈવરે પેટ્રોલ પંપ પર ગાડી રોકી. ફ્યુલ ભરાવીને પેમેન્ટ કરવાની વાત આવી ત્યારે તેમણે અમારી પાસેથી પૈસા માંગ્યા. અમે ત્યારે તો પેમેન્ટ કરી દીધું પણ, આ ઘટના મારા માટે થોડી નવી હતી. ડ્રાઇવર સાથે કરેલાં કાર રેન્ટલમાં ક્યારેય ડ્રાઈવરે ફ્યુલનાં પૈસા અમારી પાસે માંગ્યાનું મને યાદ નથી એટલે અમારા જે સાથીએ કાર રેન્ટલ એજન્સી સાથે ડીલ કરી હતી તેમને અમે આ બાબતનું કન્ફર્મેશન લેવા માટે કહ્યું. બેંગલોર-મૈસુર એક્સપ્રેસવે જેટલો સરસ રસ્તો મેં ભારતમાં તો આજ સુધી કદાચ જોયો જ નથી! એટલો સપાટ અને સરળ રસ્તો કે, કારમાં જરા પણ થાક ન લાગે. રસ્તામાં એક ભાગ એવો આવ્યો જ્યાં ઘણાં બધાં મોટાં પત્થરોની ટેકરીઓ અને ખીણ હતી. ડ્રાઈવરે અમને જણાવ્યું એ વિસ્તાર હતો રામનગર – જ્યાં શોલે ફિલ્મ શૂટ થઈ હતી! અમારા અમુક સાથીઓને આ વાત ખબર હતી પણ, મારા માટે આ જાણકારી એકદમ નવી અને થોડી સરપ્રાઇઝિંગ હતી કારણ કે, મારાં મનમાં એવી ધારણા હતી કે, શોલે મધ્યપ્રદેશમાં ક્યાંક શૂટ થઈ છે.

રસ્તામાં અમારું સૌથી પહેલું ડેસ્ટીનેશન હતું ચેન્નપટના નામનું એક નાનકડું ગામ. આ ગામ પ્રખ્યાત છે ત્યાંનાં રમકડાંનાં ઉદ્યોગ માટે. અમને અહીં નાની-મોટી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જોવા માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. અમે ફક્ત એક દુકાનમાં ગયા અને બહુ બધી સુંદર રંગબેરંગી લાકડાંની ઝીણી – મોટી વસ્તુઓ લઈને બહાર નીકળ્યા. ભમરડા, રશિયન બાબુષ્કા ડોલ્સ (મોટી ઢીંગલીની અંદર નાની ઢીંગલી એમ પાંચનો સેટ) અને ઘણું બધું! ત્યાંથી અમને લાકડાંનું પણ બહુ સુંદર કામ દેખાવાનું શરુ થયું અને ‘હું અહીં રહેતી હોત તો કેટલી મજા આવત’ એવું પણ ફીલ થવું શરુ થયું. અહીંથી ફટાફટ અમે મૈસુર તરફ ભાગ્યા કારણ કે, મૈસુર પેલેસ સાડા પાંચ વાગ્યે બંધ થતો હતો અને લોકોને પેલેસ એ જ દિવસે જોઈ લેવાની લાલચ હતી.

અમે લગભગ પોણા પાંચ આસપાસ પેલેસનાં પાર્કિંગ લોટ પહોંચ્યા અને મને સામાનનો થોડો ડર હતો અને એ પણ ડર હતો કે આટલા ઓછા સમયમાં પેલેસ કદાચ જોઈ તો લેશું પણ કંઈ ફીલ નહીં કરી શકીએ. પ્રવેશ પાસે જ અમને એક ગાઇડ મળી ગયા જેમની સર્વિસ અમે હાયર કરી. ત્યાર સુધી મેં મૈસુર ફક્ત ટીપુ સુલતાન સાથે જ સંકળાયેલું જાણ્યું હતું. ત્યાંની વાડિયાર ડાઇનેસ્ટી વિશે હું લગભગ અજાણ હતી જેમણે આ મહેલ બનાવેલો છે. મને સ્વાભાવિક રીતે જ સવાલ થયો કે, રાજાઓ ભારત સ્વતંત્ર બન્યું ત્યાં સુધી મૈસુરનાં રાજા રહ્યા તો આપણાં પુસ્તકોમાં ટીપુ સુલતાન મૈસુરનો કેમ કહેવાયો?! તેનો જવાબ ગાઇડ પાસેથી અમને શરૂઆતમાં જ મળી ગયો કે, અઢારમી સદીમાં વાડિયાર રાજાઓનું શાસન નામમાત્ર રહ્યું હતું અને મૈસુર લગભગ તમામપણે તેમનાં સેનાપતિ હૈદર અલી તથા તેમનાં દીકરા ટીપુ સુલતાનનાં હાથમાં હતું. ઉપરાંત, વાડિયાર પરિવારે અંગ્રેજો સાથે બહુ આરામથી સંધિ કરી લીધી હતી જ્યારે ટીપુ સુલતાને તેમને લાંબી અને અઘરી લડત આપી હતી જે કારણે તેમને બ્રિટિશરોનાં લખેલા ભારતનાં ઇતિહાસમાં પણ વધારે તવજ્જો મળી હોવી જોઈએ અને એ જ વાત આપણાં પુસ્તકો સુધી પણ આવી. ફક્ત આ મહેલ નહીં, તેનાં પછી પણ ઘણી બધી જગ્યાઓ જોઈને મને સતત એમ જ લાગતું રહ્યું કે, દક્ષિણ ભારત વિશે અમને કંઈ ભણાવવામાં જ નથી આવ્યું! જે કંઈ થોડું ઘણું જાણ્યું છે એ ફક્ત શ્યામ બેનેગલનું ‘ભારત એક ખોજ’ જોઈને જાણ્યું છે. સાથે સાથે દેવદત્ત પટ્ટનાયકની એક કૉમેન્ટ પણ યાદ આવી – ‘ઉત્તર ભારતીયો દક્ષિણ ભારતનો ઇતહાસ જાણતા જ નથી’. આ વાત મને પોતાનાં માટે તો બિલકુલ સાચી લાગી.

વાડિયાર રાજાઓ કદાચ યુદ્ધક્ષેત્રે બહુ શક્તિશાળી નહીં રહ્યા હોય પણ, સંસ્કૃતિ અને ડિપ્લોમસી ક્ષેત્રે તેમનું કામ બહુ ઉત્તમ રહ્યું છે, ખાસ કૃષ્ણરાજ વાડિયારનું. ગાઈડે જણાવ્યું કે, ભારતમાં હાલનાં ફોર્મેટમાં ચાલતું ગણતંત્ર લાવવવાળા સૌથી પહેલા તેઓ હતા. અહીંનાં રાજ્યનાં તમામ મંત્રીઓની ચુંટણી લોકશાહી પદ્ધતિથી થતી હતી અને એ જ કારણે મતદાન કર્યાં પછી આપણી આંગળી પર લગાવાતી શાહી આજે પણ મૈસુરમાં બને છે! મને ખબર નથી પેલી ચુંટણીવાળી વાત કેટલી સાચી છે પણ, છતાં હું માની શકું છું એ સાચી હોઈ શકે કારણ કે, કૃષ્ણરાજ ચોથાનાં સામાજિક પ્રદાનનું વિકીપીડિયા પર બહુ લાંબું, પ્રશંસનીય લિસ્ટ છે.

મહેલની ઘણી બધી નાની-મોટી ડીટેલ અમને ગાઇડે બહુ સરસ રીતે બતાવી પણ, સમયનો અભાવ અમને નડ્યો જ. અમે લગભગ મધ્ય ભાગ સુધી પહોંચ્યા હોઈશું ત્યાં એક પછી એક સિક્યોરિટી ગાર્ડ્સ મહેલનાં દરવાજા બંધ કરીને લોકોને આગળ મોકલી રહ્યા હતા. મહેલની ફેમસ રંગીન કમાનો (arches) પાસે પહોંચ્યા ત્યારે તો એટલું અંધારું થઈ ગયું હતું કે, તેનાં રંગ તો લગભગ જોઈ જ ન શકાયાં. વિચાર્યું કે, આવતાં બે દિવસમાં અહીં ફરી આવીશું અને ત્યાંથી સીધા હોટેલ જવા નીકળ્યા. મહેલથી હોટેલનો રસ્તો એક બજારમાંથી પસાર થતો હતો, જે કદાચ ત્યાંની મુખ્ય બજાર હોય તેવું લાગ્યું. પહોળાં રસ્તા અને રસ્તાની બંને બાજુ લગભગ બધી જ દુકાનોનાં કદ અને આકાર એકસરખાં અને બે માળથી ઊંચી કોઈ ઈમારત નહીં. બસ, અહીંથી જ પ્રેમ થવો શરુ થયો હતો જે પછીનાં બે દિવસ સતત થોડો થોડો વધતો જ રહ્યો.

લાંબી મુસાફરી પછી એક વખત હોટેલ પહોંચો પછી બહાર નીકળવાનું તો બને જ નહીં એટલે ડિનર ત્યાંનાં રેસ્ટ્રોમાં જ કરવાનું રાખ્યું. હોટેલ રુમમાં મારા માટે સૌથી મોટી હાઇલાઇટ હતાં – રોજનું છાપું અને ત્રણ મેગેઝિન! મને યાદ નથી મેં કોઈ પણ હોટેલ રુમમાં ક્યારેય આ વસ્તુ જોઈ હોય. હોટેલનું સેટિંગ અને રુમ્સ જેટલાં સુંદર અને ચાર્મિંગ હતાં, એટલું જ અમને ત્યાંનું ફૂડ નિરાશાજનક લાગ્યું. સ્વાદ બદલવા માટે અમે એક મિત્રએ રેકમેન્ડ કરેલી મીઠાઈની દુકાન જવાનું નક્કી કર્યું. રાતનાં સાડા નવ વાગ્યા હતા અને ચાલતા લગભગ પંદર મિનિટનાં અંતરે જ એ દુકાન હતી એટલે અમે પાંચ લોકોએ નક્કી કર્યું કે, ચાલીને જઈએ અને ત્યાંથી પાછા ફરતા જેને ચાલવું ન હોય તે રિક્ષા પકડી લેશે.

રાતનાં અંધકારમાં શહેર એકદમ શાંત લાગ્યું. એક અજાણ્યા શહેરની એક સુમસામ ગલીમાં પહેલી વખત ચાલતા લાગે તેવો સામાન્ય ડર લાગ્યો, પણ મજા આવી. અંતે અમે એક મોટા ચબૂતરા જેવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં ઘણાં બધાં શાકભાજી અને ફળ-ફૂલ વેંચવાવાળા પોતાનો સામાન સંકેલી રહ્યા હતા અને કોઈ કોઈ દુકાનોમાં સફાઈ કે પછીનાં દિવસની તૈયારી ચાલી રહી હતી. ગૂગલ મેપ્સ ની મદદથી જોઈતી દુકાન શોધી અને ત્યાંથી લીધો મૈસૂરનો ફેમસ મૈસુરપાક! મેં ધાર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મેં ‘મેસુબ’નાં નામથી પ્રચલિત એક મિઠાઈ જે મેં નાનપણમાં ચાખી છે તે જ કદાચ મૈસુરપાક હોવી જોઈએ પણ, સદ્નસીબે એ ધારણા ખોટી નીકળી! મૈસુરપાક મને એટલો ભાવ્યો કે, કર્ણાટકમાં મને જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થયું ત્યારે મેં મૈસુરપાક જ ખાધો.

મિઠાઈ લઈને અમે ત્રણ જણ ચાલીને અને બે જણ રિક્ષાથી ફરી હોટેલ પહોંચ્યા અને પછીનાં દિવસનું થોડું પ્લાનિંગ કર્યું.