મુર્શિદાબાદ – ૨

પ્રવાસ, બંગાળ, ભારત

અમારી પહેલી મીલ ધાર્યા કરતાં વધુ સ્વાદિષ્ટ અને યુનીક રહી. સેહેરવાલી રેસિપીઝમાં મારવાડી અને બંગાળી સ્વાદનું મિશ્રણ ખરેખર ચાખી શકાય છે! મારા માટે સૌથી મોટી હાઇલાઇટ રહ્યું ચણિયા બોરનું અથાણું. તેનો સ્વાદ હજુ પણ મારાં મોંમાં તાજો છે. કમનસીબી એ છે કે, જોવા/માણવાની જગ્યાઓ નું લિસ્ટ બહુ લાંબું છે અને જીવન બહુ ટૂંકું એટલે પ્રવાસની જગ્યાઓ રિપીટ નથી થઈ શકતી અને ખબર નથી એ અથાણું ફરીથી ક્યારેય ખાવા મળશે કે કેમ.

અમને પછીથી ખબર પડી કે, હોટેલનું તમામ જમવાનું ત્યાંનો લોકલ સ્ટાફે જ બનાવે છે. તેમણે બહારથી કોઈ શેફ હાયર કરેલા નથી! ઇન ફેક્ટ, અભિરૂપ સિવાય તેમનો કોઈ જ સ્ટાફ હોટેલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી ભણેલો પણ નથી. એ લોકો ત્યાં આસપાસનાં ગામોમાં જ રહે છે અને ત્યાંથી રોજ કામ કરવા માટે આવે છે. અભિરૂપ અને તેમનાં સાથીઓએ તેમને અમુક હદ સુધી ટ્રેનીંગ આપેલી છે પણ, અભિરૂપ તેમને કોઈને સર્વર કે સર્વન્ટ તરીકે ક્યારેય નથી ઓળખાવતા. તેઓ બધાંને હેલ્પર તરીકે ઓળખાવે છે અને પ્રોપર્ટીનાં મહેમાનોને કહે પણ છે કે, આ બધો સ્ટાફ મહેમાનોને મદદ કરવા માટે હંમેશા હાજર છે પણ એ મહેમાનોનાં નોકર નથી. તેમનો સ્ટાફ પ્રત્યેનો આ અપ્રોચ અને એટિટ્યુડ અમને ગમ્યો.

જમીને આખા દિવસની મુસાફરીનો થાક અચાનક એકસાથે લાગ્યો એટલે આરામ કરવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. લગભગ એકાદ કલાક થઈ હશે ત્યાં અમને સંગીત સંભળાયું અને ચમકારો થયો – કલ્ચરલ પ્રોગ્રામ! અમે ફટાફટ અવાજની દિશામાં ભાગ્યા અને એક મોટી ઓસરીમાં પહોંચ્યા. એક ગાયક અને બે સંગીતકાર – એક ઢોલક પર અને એક બાઉલ ડ્રમ પર બરાબર માહોલ જમાવી રહ્યા હતાં. અમને તાળીઓનો અવાજ પણ સંભળાયો પણ, કોઈ દેખાયું નહીં. ઉપર જોયું તો ખબર પડી કે, મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ખરેખર તો ઝરૂખામાં છે પણ, અમે નીચે પહોંચી ગયા હતાં અને સંગીતકાર પણ નીચે જ હતાં એટલે ઉપર જવાનું મન ન થયું અને અમે ત્યાં ઓટલા પર જ બેસી રહ્યા. હોટેલ સ્ટાફને અમારી ચિંતા થઈ ગઈ એટલે એ લોકો ખુરશીઓ, શેતરંજી અને તેવું ઘણું બધું લાવવા માંડ્યા અને અમને ઓફર કરવા માંડ્યા પણ થોડો સમય પછી એ પણ સમજી ગયા કે, અમે બેસવાનાં તો ઓટલા પર જ. એ સંગીતકારો અદ્ભુત હતાં – ખાસ તેમનાં ગાયક! એ લોકો પારંપારિક બાઉલ ગીતો ગાઈ રહ્યા હતાં. બાઉલ સંગીત વિશે આખી એક બ્લૉગ પોસ્ટ લખી શકાય તેટલી સમૃદ્ધ બંગાળની આ પરંપરા છે. બાઉલને આપણે ત્યાંની સંતવાણી પણ કહી શકીએ. કબીર પરંપરા અને સૂફી ભક્તિ જેવી જ આ પરંપરા છે- નિર્ગુણ ભક્તિ, હિન્દુ અને મુસ્લિમ ધારાઓ નો સમન્વય અને ધર્માંધતાનો અસ્વિકાર. તેમનાં સંગીત વિશે વધુ કહી શકવા જેટલી પાત્રતા હું નથી ધરાવતી, તમે પોતે જ જોઈ લો.

આ શો લગભગ એક કલાકનો હતો પણ, આખી સાંજ અમે તેની અસરમાં રહ્યાં. શો પત્યા પછી અમે પ્રોપર્ટીનાં કોમન એરિયા એક્સપ્લોર કર્યાં અને તેમનો પુસ્તકોનો કબાટ ફેન્દયો અને અમને ફરીથી એક સરપ્રાઇઝ મળ્યું – ઘણું બધું જૈન ધાર્મિક સાહિત્ય લગભગ બધું જ ગુજરાતીમાં! જામનગરનાં નાના પબ્લિશરથી માંડીને મુંબઈનાં મોટાં પબ્લિશર સુધીનું ઘણું બધું! એક મિત્રને આ પુસ્તકોનાં ફોટોઝ મોકલ્યાં ત્યારે તેની પાસેથી જાણવા મળ્યું કે, મારવાડી જૈન વડીલોને ગુજરાતી લિપિ લખતાં વાંચતાં આવડવી એ બહુ સામાન્ય વાત છે! મનમાં થયું આપણી ભાષા પાસે પોતાની લિપિ હોવી એ કદાચ બહુ મોટાં સૌભાગ્યની વાત છે!

અહીં અડધી પોણી કલાક બેઠાં ત્યાં તો ફરીથી જમવાનું તૈયાર! આટલું જલ્દી આટલું ભારે જમવાની તાકાત કોઈમાં નહોતી પણ નવી વાનગીઓ ચાખવાની આતુરતા અતિશય એટલે થોડો સમય ઠેલીને અમે ફરીથી જમવા બેઠાં. આ વખતે પણ એટલું જ સરસ અને યુનીક! ત્યાંનો સ્ટાફ ફક્ત અમારાં માટે રોકાયેલો હતો. અમે જમ્યા પછી એ લોકો પોતપોતાનાં ઘરે ગયા અને અમે બીજા દિવસની તૈયારી કરતા અમારાં રુમ પર.

સવારે ઊઠીને પણ મને પેટ એટલું ભરેલું અને ભારે લાગતું હતું કે, બ્રેફસ્ટ કરવા જેટલી હિંમત તો મારામાં બિલકુલ નહોતી એટલે મેં થોડી એક્સ્ટ્રા ઊંઘ કરી. હું તૈયાર થઈ ત્યાં સુધી કોઈનો ફોન કે મેસેજ નહીં એટલે હું રિસેપ્શન પર પુછીને બ્રેકફસ્ટની જગ્યાએ પહોંચી. નદી કિનારે બ્રેફસ્ટ માટે બહુ જ સુંદર સેટિંગ હતું. હુગલી નદીનું એ સ્વરુપ જોઈને ખ્યાલ આવતો હતો કે, કલકત્તામાં ઇન્ડસ્ટ્રીઝનાં ગંદા પાણી ઠલવાતા પહેલા આ નદીનો કેવો ઠાઠ રહ્યો હશે!

મને ત્યારે ખબર નહોતી કે, અમારો નેક્સ્ટ પ્લાન નદી પાર કરીને સામેનાં કાંઠે જવાનો જ છે!

મુર્શિદાબાદ

પ્રવાસ, બંગાળ

લગભગ પાંચ વર્ષનાં અતિ લાંબા અંતરાલ પછી મને એક બિલકુલ નવી જગ્યાએ, વ્યવસ્થિત ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તેમાંયે પ્રસ્તાવ આવ્યો ‘બડી કોઠી’ નામની એક યુનીક જગ્યાનો એટલે આપણે તો તરત રાજી! આ જગ્યા ઉત્તર બંગાળમાં, કલકત્તાથી લગભગ ૨૨૦ કિલોમીટરનાં અંતરે આવેલી છે એટલે અમે નક્કી કર્યું કલકત્તાથી રોડ ટ્રિપ કરીએ. છ લોકો, બે કાર અને એક પ્રોફેશનલ ડ્રાઈવર.

તમે ૬૦ કિલોમીટરની એવરેજ પર ચાલો અને રસ્તામાં અડધી કલાક જેવો બ્રેક લો તો પણ વધુમાં વધુ સાડા ચારથી પાંચ કલાક લાગવા જોઈએ, બરાબર? મુર્શિદાબાદ માટે ખોટું. અમને લગભગ સાત કલાક લાગ્યાં! સમજો આખા રસ્તામાં લગભગ ક્યાંય વ્યવસ્થિત હાઈ વે છે જ નહીં. નેશનલ હાઈ વે પણ ગામડાંમાંથી પસાર થાય છે અને મોટાં ભાગનો રસ્તો એટલો ખરાબ, કે ખાડાં અને આડા અવળાં સ્પીડ બ્રેકરનો પાર નહીં! અમે આવતાં અને જતાં બે અલગ અલગ હાઈ વે ટ્રાય કર્યાં. જતી વખતે અમે NH12 પકડ્યો અને આવતી વખતે AH1. પણ, બંને લગભગ સરખા જ ખરાબ નીકળ્યાં. જો કે, મારા માટે તો ખરાબ રસ્તાની અગવડો હોવા છતાં રોડ ટ્રિપની મજા અલગ હતી. કલકત્તા સિવાયનું પશ્ચિમ બંગાળ અને ત્યાંનાં લોકો કેવા દેખાય છે, કઈ રીતે રહે છે તેની જિજ્ઞાસા સંતોષવાનો આ એક જ રસ્તો હતો.

અમે સવારે સાડા નવે ડ્રાઇવ કરવાનું શરુ કર્યું અને લગભગ સાડા ચારે બડી કોઠી પહોંચ્યાં. પશ્ચિમ બંગાળનાં હાઇ વે કે ગામડાંમાં મારા-તમારા જેવાં શહેરી લોકો માટે ખાસ સુવિધાઓ નથી પણ, માયાપુર પાસે અમને સારાં, વેજીટેરિયન-ફ્રેન્ડલી ઓપ્શન આરામથી મળી ગયાં. મને અહીં પહોંચીને ખબર પડી કે, માયાપુરમાં ઇસ્કોનનું હેડ ક્વાર્ટર છે એટલે સ્વાભાવિક રીતે તેની આસપાસ સારાં રેસ્ત્રોં હોવાનાં જ. અમે સ્ટોપ કર્યો હતો ‘હોટેલ સોનાર બાંગ્લા માયાપુર’. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો ટ્રિકી છે પણ જગ્યા સારી છે. સરસ માહોલ, સારી ચા, પકોડા અને સાફ રેસ્ટરૂમ. આનાંથી વધુ શું જોઈએ! ત્યાં લગભગ ૪૫ મિનિટ સ્ટોપ કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં મેં બંગાળનાં ગામડાંનું જે સ્વરૂપ જોયું તેનું વર્ણન કરવું તો અશક્ય છે પણ એ હતું બહુ સુંદર અને અલગ. માનો તમે નવા દેશમાં પહોંચી ગયાં!

ભારતનાં સૌથી ફળદ્રુપ વિસ્તારોમાં જેનો સમાવેશ થાય છે એ બંગાળની ભૂમિ પર ખેતરોની કમી નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી! ચોખા અને રાઈનાં ખેતર મેં ત્યાં સૌથી વધુ જોયા. ત્યાંનાં ગામડાંમાં ગરીબી દેખાય છે. નાના કાચા-પાકા ઘર, અને લગભગ દરેક ઘર પાસે એક નાનું તળાવ. બાળપણમાં પુસ્તકોમાં વાંચ્યું હતું કે, બંગાળનાં લોકો પોતાનાં આંગણામાં એક નાનું તળાવ રાખતા હોય છે જેને પૂકૂર તરીકે ઓળખાય છે. આ પૂકુર મેં પહેલી વખત નજરે જોયાં. ગામડાંની ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ એક હાથમાં છત્રી પકડીને બીજા હાથથી સાઇકલ ચલાવતી જોવા મળી. હાઈ વે પર એક પશુપાલકનો જુગાડ જોવાની પણ મજા આવી. ભાઈએ પોતાની બકરી ડિવાઈડર પર બાંધી હતી અને બકરી આરામથી ડિવાઈડર પર ઉગાડેલાં છોડનાં પાન ખાતી હતી. બકરી ચરતી ચરતી રસ્તા પર ઉતરી જાય ત્યારે આ ભાઈ દોડીને તેને ડિવાઈડર પર મૂકી આવે!

થોડાં સમય પછી મારું ધ્યાન ગયું એક ગામનાં નામ પર. લખ્યું હતું ‘Plassey’. હું ચમકી અને મેં મારા સહપ્રવાસીઓને પૂછ્યું આ પેલું પ્લાસિનાં યુદ્ધ વાળું પ્લાસિ છે? એ લોકોએ કહ્યું હા બની શકે. બસ પાંચ જ મિનિટનાં સસ્પેન્સ પછી કન્ફર્મેશન મળી ગયું. મેં એક મોટો દરવાજો જોયો જેનાં પર લખેલું હતું ‘Plassey war memorial’ – પ્લાસિ યુદ્ધ સ્મારક! મને બિલકુલ ખ્યાલ નહોતો હું ઇતિહાસનાં કયા ભાગમાં જઈ રહી છું અને જ્યાં જઈ રહી છું તે લોકોનો ઈતિહાસ પણ આ યુદ્ધ સાથે કેટલો વણાયેલો છે. આ બધું જોઈને મને મુસાફરીની અગવડતા બાબતે કોઈ જ ફરિયાદ ન રહી. કલકત્તાથી અમે ટ્રેનમાં ગયાં હોત તો એ મુસાફરી પ્રમાણમાં ટૂંકી અને સરળ રહેત પણ તેમાં અમને કદાચ આ બધું જોવા ન જ મળત!

અથાણાંનાં ડબ્બામાં ભરેલાં લીંબુની જેમ હાલતા-ડોલતા અમે બડી કોઠી પહોંચ્યાં. પહોંચતા સાથે જ જોયું કે, આઠ દસ લોકો અમારું સ્વાગત કરવા માટે ઊભા હતાં. આટલી લાંબી, ખખડધજ મુસાફરી કર્યા પછી અજીબ વેશમાં બેથી વધારે લોકો મારી તરફ જુએ એ પણ મને વિચિત્ર લાગતું હોય છે તો આટલું બધું ધ્યાન આપે ત્યારે તો એમ જ થાય કે હેરિ પોટરનો ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ કોઈ મને આપી દે તો અત્યારે જ પહેરી લઉં. પ્રોપર્ટીમાં ખાનદાની, સમૃદ્ધ હવેલીને શોભે તેવું સરસ ફર્નિચર અને ડેકોર જોઈએ જ મારું મન ખુશ થઈ ગયું. અમે પહેલા અમારાં રુમ પર ગયાં અને તરત અમને અમારાં વેરી લેઇટ લંચ માટે લઈ જવામાં આવ્યાં.

અમને લંચ પીરસાયું એક વિશાળ ડાઇનિંગ રુમમાં! જાત જાતની કળા કારીગરી અને દેશ-વિદેશનાં મટીરિયલથી એ આખો રુમ સુશોભિત હતો! છત તો આપણાં આજનાં બે માળ બની જાય તેટલી ઊંચી એટલે અંદર પ્રવેશતાની સાથે જ તમને ભવ્યતા અનુભવાય. ત્યાં અમારી સાથે બેઠાં એ પ્રોપર્ટી નાં મેનેજર – અભિરૂપ. તેમણે અમને પીરસાયેલી વાનગીઓ, આ હવેલી અને આખાં વિસ્તારનાં ઈતિહાસ વિશે ખૂબ સરસ માહિતિ આપી.

બડી કોઠીનાં માલિક છે દુધોરિયા પરિવાર – મૂળ રાજસ્થાનનાં ઓસવાલ જૈન, આ પરિવારનાં વડવાઓ લગભગ ત્રણસો વર્ષ પહેલાં મુર્શિદાબાદ વ્યાપાર કરવા માટે આવ્યાં હતાં અને પછી અહીં જ રહી ગયાં. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાય બહાદુર બુધ સિંઘ દુધોરિયાએ પોતાનાં મુખ્ય નિવાસ તરીકે આ હવેલીનું નિર્માણ કરાવ્યું. દુધોરિયા જેવાં અનેક રાજસ્થાની ઓસવાલ જૈન પરિવારોને અહીં લાવવાવાળાં ‘જગત સેઠ’. જે સમયે જગત સેઠનો પરિવાર બંગાળનાં નવાબનો મુનીમ હતો તે સમયે મુર્શિદાબાદ દુનિયાની પાંચ ટકા GDP કન્ટ્રોલ કરતું હતું. હા, લખવામાં ભૂલ નથી થતી. દેશની પાંચ ટકા નહીં, દુનિયાની પાંચ ટકા. પછી તો આ વિસ્તારનાં સૌથી મોટાં શેઠને ‘જગત સેઠ’ કહેવા જ પડે! એ સમયે આ વિસ્તાર દેશની આર્થિક રાજધાની હોવાનાં કારણે અહીં રહેતાં લોકો સેહેરવાલી એટલે કે, શહેરવાળાં કહેવાયાં. પોતાની પારંપારિક ઓસવાલ વાનગીઓમાં તેમણે બંગાળની લોકલ ફ્લેવર્સ ઉમેરીને જે જમણ બનાવ્યું તે સેહેરવાલી જમણ તરીકે ઓળખાયું. મૂળ જૈન એટલે શાકાહારી તો હતાં જ પણ, તેમની મોટાં ભાગની વાનગીઓમાં કંદમૂળનો ઉપયોગ પણ ભાગ્યે જ જોવા મળે છે. બધાં રહેતાં પણ એકસાથે, પાસે પાસે એટલે એ વિસ્તાર આજે પણ ‘જૈન પટ્ટી’ તરીકે ઓળખાય છે.

એ સમયે આ શેઠો એટલાં શકિતશાળી હતાં કે, આખાં સામ્રાજ્ય હલાવી શકે. તેઓ ઉત્તર ભારતનાં રાજાઓનાં યુદ્ધ અને બીજું ઘણું બધું ફાઇનાન્સ કરતાં હતાં! બંગાળનાં છેલ્લાં નવાબ સિરાજ ઉદ્ દૌલા પ્લાસિનું યુદ્ધ હાર્યો તેનાં ઘણાં કારણોમાંનું અગત્યનું એક કારણ છે જગત સેઠનો અસહકાર! પ્લાસિ યુદ્ધમાં સિરાજનાં આર્મી જનરલ અને જગત સેઠ બંનેએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. સિરાજની હાર પછી અંગ્રેજોને આર્મી જનરલને પણ મારી નાંખ્યો અને બંગાળ પર કબ્જો કર્યો, સમગ્ર હિન્દુસ્તાન પડ્યું અને અંગ્રેજોનાં હાથમાં ગયું. આ યુદ્ધ વખતે જગત સેઠ અને સેહેરવાલીઓને સ્વાભાવિક રીતે ખબર નહોતી કે, સિરાજનાં અંત સાથે તેમની સહ્યાબીનો અને દેશનો પણ સુર્યાસ્ત જોડાયેલો છે.

સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી અને આ વિસ્તારમાં લૂંટફાટ થવા લાગી પછી વ્યાપારી પરિવારો નવાં પાટનગર કલકત્તા શિફ્ટ થવા લાગ્યાં અને ધીમે ધીમે મુર્શિદાબાદ ભૂલાતું ગયું. બડી કોઠી પચાસ વર્ષથી પણ વધુ સમય બિલકુલ ખાલી રહી પછી ૨૦૦૮માં ભાઈ-બહેન દર્શન અને લિપિકાએ એક પ્રખ્યાત ધર્મગુરુની પ્રેરણાથી આ પ્રોપર્ટીને રિસ્ટોર અને રેનોવેટ કરવાનો બેડો ઉપાડ્યો. લગભગ દસ વર્ષની મહેનત પછી આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ફરી શરુ થઇ અને અભિરૂપ તેમની સાથે લગભગ શરુઆતથી જોડાયેલાં છે.