કર્ણાટક – 14

કર્ણાટક, પ્રવાસ, ભારત

એ દિવસની વાત પતાવીને અમે અમારાં રુમ પર ગયા. પછીનો દિવસ કૂર્ગમાં અમારો છેલ્લો દિવસ હતો. બપોર સુધીમાં અમારે નીકળવાનું હતું કારણ કે, બે સાથીઓને સાંજ સુધીમાં તેમની રિટર્ન ફ્લાઇટ માટે બેંગલોર એરપોર્ટ પહોંચવાનું હતું.

છેલ્લાં દિવસે નીકળતા પહેલા સવારે અમારે એક વખત બર્ડ-વૉચિંગ માટે જવું હતું. તેનો સમય વહેલો સાત વાગ્યાનો હતો એટલે અમે ઊઠીને તરત ત્યાં જ ગયા. મૂર્તિ અમારો બર્ડ વૉચિંગ ગાઈડ હતો. તેની સાથે તેનો ઇન્ટર્ન શિવા પણ ફરી સાથે આવ્યો હતો. અમે ઘણાં બધાં બહુ સુંદર પક્ષીઓ જોયાં. મને હવે કોઈનાં નામ યાદ નથી. ફક્ત એક ગ્રેટ કૌકલ નામનું પક્ષી યાદ છે અને એટલું યાદ છે કે, મૂર્તિ અસંખ્ય પંખીઓનાં અવાજની નકલ કરી શકતો હતો! સવારનાં સોનેરી તડકામાં બધું જ જાદુઈ લાગતું હતું અને બર્ડ-સાઉન્ડ્સની નકલ કરતો મૂર્તિ મને એકદમ જાદુગર લાગ્યો હતો! એ પક્ષીઓને બોલાવવાની અને તેમનું ધ્યાન અમારી તરફ ખેંચવાની તેની રીત હતી અને ઘણી વખત એ અવાજ સાંભળીને પક્ષીઓ ખૂબ પાસે પણ આવી જતાં! આવી સ્કિલ મેં પહેલા કે પછી ક્યારેય કોઈ પાસે નથી જોઈ. મને આવી અજબ સ્કિલ્સ આપણી સોસાયટીમાં બહુ અન્ડરરેટેડ લાગે છે. આવું બધું ‘નકામું’ કામ જ તો માણસની સ્પિરિટને જીવંત રાખે છે! એફિશિયન્સી અને યુટિલિટીનાં ચક્કરમાં આપણે હજારો વર્ષોથી કેટલી માણસાઈ ગુમાવી હશે કોને ખબર છે! હજુ પણ કેટલું ગુમાવીએ છીએ …

અમે દોઢેક કલાક આરામથી ફરી શકીએ અને દર પાંચ – દસ મિનિટે કોઈ નવી ટાઇપ દેખાય તેટલાં પંખીઓ એ એસ્ટેટમાં હતાં. ત્યાં પંખીઓનાં અવાજ સિવાય એટલી શાંતિ હતી કે, લોકો એકદમ ધીમે વાત કરે તોયે તેમનો અવાજ કર્કશ લાગે! લગભગ નવ – સાડા નવ આસપાસ અમે રુમ પર પાછા ફર્યા અને નાહીને, બ્રેકફસ્ટ કરીને તરત સામાન બધો કૅરિયરમાં લોડ કરવા લાગ્યા. અમે ચેકઆઉટ માટે કાઉન્ટર પર હતા ત્યાં એક સાથીએ આગળનાં દિવસનો મુદ્દો છેડ્યો અને એ સ્પા સ્ટાફનું વર્તન કેટલું અયોગ્ય હતું તેનાં વિષે તેમને ફીડબૅક આપ્યો. આ એ જ સાથી હતા જેમણે પાછલી સાંજે મારી ફરિયાદ અયોગ્ય કે અસ્થાને નથી તેની મને ખાતરી આપી હતી. હું પ્લેઝન્ટલી સરપ્રાઈઝડ હતી કે, તેમણે ત્યાંનાં સ્ટાફને ફીડબૅક આપવા જેટલી સીરિયસલી એ વાતને લીધી હતી! તેમનું રીઍક્શન અને તેમની દલીલ જોઈને જે સાથીએ આગલાં દિવસે એ વાતનાં મારાં ‘વર્ઝન’ પર પણ પોતાનો ડાઉટ વ્યક્ત કર્યો હતો તેણે પણ અચાનક પોતાનું સ્ટૅન્ડ બદલી નાંખ્યું! મને સમજ ન પડી, ખુશ થવું કે દુઃખી થવું. ત્યાંનાં સ્ટાફે દસ વખત સૉરી કહ્યું અને અંતે પોતાની ભૂલ સ્વીકારી! હું વિચારતી રહી. વાત એ જ હતી, વર્ણન પણ એ જ હતું અને દલીલ પણ એ જ હતી. ફક્ત ફર્ક એટલો હતો કે, પહેલી વખત યુવાન સ્ત્રી બોલી રહી હતી અને બીજી વખત આધેડ પુરુષ. ક્રિટિકલ થિન્કિંગ? એ વળી શું હોય?!

રેસ્ટ્રોં સ્ટાફ છેલ્લે નીકળતા વખતે પણ એટલો હેલ્પફુલ હતો કે, ન પૂછો વાત. અમે ફક્ત એક સાથી માટે રસ્તામાં ખાવા માટે ફક્ત એક સૅન્ડવિચ માગી હતી અને તેમણે એક આખું બૉક્સ ભરીને અમને જમવાનું આપી દીધું! અમે પહેલા મૈસુરમાં સ્ટૉપ કરવાનું વિચાર્યું હતું પણ, આ લન્ચ બૉક્સે જ અમારું પેટ એટલું ભરી દીધું કે, અમને પછી કંઈ ખાવાની જ ઈચ્છા ન રહી. કારમાં એકદમ શાંતિ હતી. બે દિવસ પહેલા ડ્રાઈવર સાથેનાં ઈન્ટરૅક્શનમાં જે ઓક્વર્ડનેસ આવી ગઈ હતી એ હજુ પણ બરકરાર હતી. લોકો થોડા થાક્યા પણ હતા. મને આનંદ હતો કે, ઍટ લીસ્ટ આખી ટ્રિપ મનમાં પ્રોસેસ કરવા જેટલી શાંતિ તો મળી.

મેં સુબ્બૈયાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને બાય કહ્યું. રસ્તામાં ચેન્નપટના પાસે હાઇવે પર જ એક ચાનું સ્ટૉપ લઈને અમે સીધા બૅંગલોર એરપોર્ટ પહોંચ્યા અને એ બંને સાથીઓને ડ્રૉપ કરીને બૅંગલોરની અમારી હોટેલ પર ગયા. ત્યાં એક રાત સ્પેન્ડ કરીને બીજા બે સાથીઓ પણ સવારે નીકળી જવાનાં હતા. હું અને એક સાથી બેંગલોર એક મિત્રનાં ઘરે થોડાં દિવસ રોકાવાનાં હતાં. મેં બેંગલોર ક્યારેય પહેલા વિઝિટ નહોતું કર્યું એટલે હું નવું શહેર એક્સપ્લોર કરવા માટે થોડી એકસાઇટેડ હતી.