સુબ્બૈયાએ ત્યાર સુધીની બધી જ વાત અમારી સામે ઊભા રહીને કરી હતી. અમે એકબીજાનાં નામ જાણ્યા પછી તેને અમારી પાસેની ખુરશી પર બેસવાનું કહ્યું. તેની સાથે વિશ્વનાથ નામનાં એક નેચરલિસ્ટ પણ બેઠા હતા – કર્ટસી માટે અમે તેમને પણ અમારી સાથે બેસીને વાત કરવાનું આમંત્રણ આપ્યું. વિશ્વનાથની આંખમાં અમને થોડો સંકોચ દેખાયો પણ, સુબ્બૈયા થૅન્ક્સ કહીને એકદમ સહજતાથી બેસી ગયો. મને નથી ખબર એ જનરેશન ગૅપ હતો, કે પછી સર્વિસ-પ્રોવાઇડર/કસ્ટમર રિલેશનશિપની અલગ અલગ વ્યક્તિગત બાઉન્ડરીઝ?
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ્લીનેસનાં ડાયનામિક્સ મને હંમેશા ઇન્ટરેસ્ટિંગ લાગ્યા છે. શું ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર અને કસ્ટમર ક્યારેય ખરેખર મિત્રો બની શકે? જો બની શકે તો એ મૈત્રીની હદ ક્યાં સુધી છે? ફ્રેન્ડલીનેસ ક્યારે કસ્ટમર સર્વિસનો ભાગ છે અને ક્યારે લાગણીનો સંબંધ? દાખલા તરીકે, કોઈ પણ ટૂઅર ગાઇડ પોતાનાં નિર્ધારિત સમય કરતા વધુ સમય એક ટૂરિસ્ટ સાથે ફાળવે છે અને તેને અમુક બહુ જ યુનીક લોકલ એક્સપીરિયન્સ એવાં કરાવે છે જે તેની ઓરિજિનલ આઇટનરીનો ભાગ નથી તો એ દોસ્તી-ખાતે છે? દોસ્તી – ખાતે હોવું જોઈએ? એક પાર્ટીનાં મનમાં દોસ્તી અને બીજાનાં મનમાં પ્રોફિટ/લૉસની ગણતરી હોય તેનાં ચાન્સિસ કેટલા? ત્યાં જો ખરેખર દોસ્તી થાય પણ ખરી તો તેનું આયુષ્ય કેટલું? આટલાં વર્ષ ટ્રાવેલ કર્યા પછી પહેલી વખત આ મુદ્દા પર મારું ધ્યાન ગયું છે છેલ્લાં એક – બે વર્ષથી. ટ્રાવેલિંગનો આ આસ્પેક્ટ કદાચ તેનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ છે. મને લાગે છે, આ ભેદરેખાની આસપાસનાં બહુ નાના વિસ્તારમાં જ પુસ્તકો ભરાય તેટલી વાર્તાઓ સમાયેલી છે. માનવીય સંબંધોનાં દરેક ડ્રામા – દોસ્તી, પ્રેમ, દગો, શોષણ, શોક, વ્યથા, મુક્તિ, નિર્વાણ સુધીનું અથથી ઇતિ બધું જ અહીં મળી જશે કદાચ…
અમે ફરી સુબ્બૈયાને પૂછ્યું – તમારું કામ બહુ યુનીક છે. આ લાઈન ઓફ વર્કમાં લોકો આવે કઈ રીતે? તમને બધાને અહીં કામ કઈ રીતે મળ્યું? શું તમારે કોઈ સ્પેસિફિક અભ્યાસ કરવો પડે? તેણે કહ્યું, મેં કૉલેજ ડિગ્રી તો એન્જિનિયરીંગનાં ક્ષેત્રમાં લીધેલી છે પણ મને ભણીને તરત સમજાઈ ગયું હતું કે, મારે આ ક્ષેત્રમાં કામ નથી કરવું. મેં અહીં આવ્યા પહેલા અમુક વર્ષ મધ્યપ્રદેશનાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલું છે પણ અંતે તો મારે પાછા કૂર્ગ જ આવવું હતું. આ રિઝોર્ટનાં માલિક સારા છે, પૈસા સારાં મળે છે અને મારું ઘર પાસે જ છે એટલે અહીં જેવો મોકો મળ્યો, મેં તરત હા પાડી દીધી. અમે તેને કૂર્ગ ન છોડવાનું કારણ પણ પૂછ્યું. તેણે કહ્યું, અમે લોકો અહીંનાં નેટિવ છીએ. હું કોડવા કમ્યુનિટીમાંથી આવું છું અને આ જમીન સાથે જોડાયેલો છું. મારાં પરિવારનાં દરેક વડવા અહીં જ મર્યા છે, હું પણ અહીં જ મરીશ. મને નથી લાગતું હું બીજે ક્યાંયે ખુશ રહી શકીશ.
અમે તેને પૂછ્યું અહીં રહેવા-જીવવાની સગવડતા અને ભણતરની વ્યવસ્થા કેવી છે? તમને લોકોને એ રીતે કોઈ મુશ્કેલી નથી પડતી? તેણે કહ્યું અહીંની સ્કૂલો ઘણી સારી છે અને કૉલેજ માટે પાસે જ મૈસુર અને બૅંગલોર આવેલાં છે. મેં મારું એન્જિનીયરિંગ મૈસુરથી જ કરેલું છે. ઈન ફૅક્ટ, અમારી કમ્યુનિટીમાં એજ્યુકેશનનું લેવલ ઘણું ઊંચું છે. મારી ઉંમરનાં તો લગભગ બધા બહાર છે અને સારી જગ્યાએ નોકરીઓ કરે છે. બાકી અમારી કમ્યુનિટી ક્ષત્રિય કમ્યુનિટી છે એટલે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સેસમાં પણ અમારો બહુ મોટો ફાળો છે – તમે કર્નલ દેવૈયાનું નામ તો સાંભળ્યું જ હશે.
અમે બે રાત પહેલા રિઝોર્ટનો કલ્ચરલ પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો તેમાં તેની કમ્યુનિટીનાં ટ્રેડિશનલ મ્યુઝિક અને ડાન્સ માણ્યાં હતાં તેનાં વિષે તેને જણાવ્યું. તેણે કહ્યું, હા પ્રોગ્રામ પત્યા પછી એ એન્ટરટેનર્સને તેમનાં ઘર સુધી છોડી આવવાની જવાબદારી અમારી જ હોય છે. અમે જિજ્ઞાસુ હતા, અમે સવાલ પૂછતા રહ્યા અને તે જવાબ આપતો રહ્યો. અમે તેને તેની કમ્યુનિટીની ભાષા વિષે પૂછ્યું – તેમની માતૃભાષા પણ કન્નડ છે કે બીજી કોઈ? તેણે કહ્યું અમારી કમ્યુનિટીની પોતાની માતૃભાષા છે ‘કોડવા તકક’. અમે પ્રયત્ન કરીયે છીએ કે, ભાષા બોલતા રહીએ પણ ધીરે ધીરે જેમ વધુ ને વધુ લોકો કૂર્ગથી બહાર જાતા જાય છે તેમ કન્નડ અને ઇંગ્લિશનો પ્રભાવ અમારી ભાષા પર વધતો જાય છે. ઉપરાંત, અમારી ભાષાની પોતાની કોઈ યુનીક લિપિ નથી. અમારે લખવા માટે તો કન્નડ અથવા રોમન લિપિનો ઉપયોગ કરવો જ પડે અને એ પણ કદાચ એક કારણ છે કે, અમારી ભાષા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે.
હું આ વાત સાથે બરાબર રિલેટ કરી રહી હતી. મારાં પોતાનાં જીવનમાંથી પણ મારી માતૃભાષા ધીરે ધીરે ભૂંસાઈ રહી છે. કામ પર ઇંગ્લિશ અને મિત્રો સાથે હિન્દી. અઠવાડિયે એક કે બે વાર મિત્રો કે પરિવારને ફોન કરું ત્યારે ગુજરાતી બોલી શકું પણ, તેની ફ્લુઅન્સી પર તો અસર થઇ જ છે. ઘણી વખત કોઈ શબ્દ ફક્ત ગુજરાતીમાં જ યાદ આવે, પણ બાકીનું વાક્ય ઇંગ્લિશમાં. ક્યારેક હિન્દી બોલતી હોઉં તો એવું લાગે કે, બે શબ્દ બોલીને દર ત્રીજા શબ્દ પર અનુવાદ કરવા માટે અટકવું પડે છે. માતૃભાષા ખોવી એ પોતાનાં અસ્તિત્ત્વનો એક બહુ મોટો ભાગ ખોવા બરાબર મને લાગવા માંડ્યું છે. જાણે કોઈ સ્વજનને ધીરે ધીરે મારતા જોવું. આ લાગણીની તીવ્રતા કેટલી અને શું કામ છે એ હું મારી આસપાસ કોઈને ઇચ્છવા છતાં સમજાવી પણ ન શકું. આ દુઃખમાં હવે એ અપરિચિત પણ મારો ભાગીદાર હતો. તેને અડધાં વાક્યમાં મારી આખી વાત સમજાઈ ગઈ. મારાં સાથીને લાગતું હતું એ બહુ મોટી વાત નથી. તેને મોડેથી ખબર પડી કે, ‘કોડવા તકક’ લુપ્ત થઇ રહી છે. તેને ‘એન્ડેન્જર્ડ’ કૅટેગરીમાં મુકવામાં આવી છે.
એ વાત પછી ઘણાં બધાં વિચાર મનમાં એકસાથે દોડી ગયાં. કોઈ ભાષાની પોતાની લિપિ હોવી એ તેનાં અસ્તિત્ત્વનો કેટલો મોટો ભાગ હોય છે તેનાં વિષે આપણે રોજ-બરોજનાં જીવનમાં વિચારતા પણ નથી હોતા. કદાચ આપણને વિચારવાની જરૂર પણ નથી પડતી. તેનાંથી પણ મોટો પ્રિવિલેજ – કોઈ ભાષાનું પોતાનું બહોળું સાહિત્ય હોવું! એ સાહિત્ય કાલ્પનિક નવલકથા કે વાર્તાનાં રૂપમાં હોય તોયે તેમાં જે-તે સમયનાં સામાન્ય જીવનનો ઇતિહાસ છુપાયેલો હોય છે. ત્યારે લોકો કઈ રીતે બોલતા, કેવાં શબ્દો વાપરતા, એ જ્યારે લખાયું ત્યારે એ લેખકનાં નૈતિક મૂલ્યો શું હતાં, એ કૃતિ પાર સમાજની પ્રતિક્રિયા શું હતી, એ પ્રતિક્રિયા જેને કારણે આવી, એ મૂલ્યો શું હતાં? આ બધું જ આપણી પાસે છે. એટ લીસ્ટ અત્યારે તો છે. આગળ હશે કે નહીં, હશે તો કેટલો સમય રહેશે? કોને ખબર છે.
આ વિચારે મારું ધ્યાન મારાં પોતાનાં લેખન તરફ પણ વળ્યું. તેર વર્ષ પહેલા આ લખવાનું શરુ કર્યું હતું ત્યારે વિચાર્યું હતું કે, લોકો વાંચે તો ગમે. પાંચ વર્ષ પહેલા લાગતું હતું કે, ટ્રાવેલ તો હવે ફોટોઝ અને વિડિઓઝનો વિષય બની ગયો છે. તેનાં વિષે લખવાનો કોઈ મતલબ ખરો? કોઈ વાંચશે પણ નહીં કદાચ. એ દિવસે થયું, જો જીવનભર લખતી રહી શકું તોયે બહુ છે. કોઈ ન વાંચે તોયે લખવું જરૂરી છે કારણ કે, આ લખવાની પ્રક્રિયામાં જ હું ખરેખર હું હોઉં છું. જો લખીશ નહીં તો હું મારા અસ્તિત્ત્વનો બહુ મોટો ભાગ ગુમાવી દઈશ અને એ ફરી ક્યારેય પાછો નહીં મળે. તેર વર્ષ પહેલા વિચાર્યું હતું કે, લખાણમાં ઇંગ્લિશ શબ્દો ઓછાંમાં ઓછાં વાપરીશ. આજે ઘણાં શબ્દો ગુજરાતીમાં આવડતાં હોવા છતાં નથી વાપરતી કારણ કે, એ શબ્દો સાંભળ્યાને પણ એટલો સમય થઇ ગયો છે કે, એ શબ્દો કૃત્રિમ લાગવાં માંડ્યાં છે. આપણી સ્કૂલોમાં તો મોટાં ભાગનાં વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ફક્ત એક ‘સેકન્ડરી લૅન્ગવેજ (ગૌણ ભાષા)’ તરીકે ભણે છે. સારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમનાં ક્લાસ નથી રહ્યાં અને તેજસ્વી વિદ્યાર્થીઓનાં મા-બાપ બની શકે ત્યાં સુધી તેમને સરકારી સ્કૂલોમાં મોકલવા નથી માંગતા. મને નથી ખબર આ શિફ્ટની અસર આપણાં ‘કલેક્ટિવ ઇન્ટલેક્ટ’ પર કેવી અને કેટલી પાડવાની. I guess time will tell…
હું મારાં વિચારોમાંથી બહાર આવી ત્યાં સુધીમાં સુબ્બૈયા અને સાથીની વાતો અલગ પાટા પર ચડી ચુકી હતી. અચાનક સુબ્બૈયાએ મને પૂછ્યું, તમે લોકો સાંજે પ્લાન્ટેશનની જીપ ટૂઅર પર જવાનાં ને? મેં પૂછ્યું, રાત્રે તે કૉલ કર્યો હતો? તેણે હા પાડી અને કહ્યું તેની સવાર એકદમ ખાલી જવાની હતી અને તેને દયા બેસીને કંટાળો આવે એટલે તેણે વિચાર્યું હતું કે, અમને પૂછે, જો અમારે સવારે ટૂઅર કરવી હોત તો એ અમારી સાથે બહાર આવી શક્યો હોત. અમારી આંખો ચમકી અને અમે તેને પૂછ્યું, સાંજે તું જ અમારી સાથે ટૂઅર પર આવીશ? અમે કૅન્સલ કરવાનાં હતા પણ જો તું આવે તો મજા આવશે. તેણે કહ્યું મજા તો આવી હોત પણ, સાંજે હું ઑલરેડી બીજા ગેસ્ટને એ ટૂઅર પર લઇ જવાનો છું. તમે લોકો કેટલાં દિવસ અહીં છો? અમે કહ્યું અમે કાલે સવારે દસ વાગ્યા આસપાસ નીકળીએ છીએ પણ જો કાલે સવારે તું ફ્રી હો તો કાલે સવારે કરી શકીએ. તેણે કહ્યું કાલે તો મારે રજા છે. હું આજે સાંજે મારાં ઘરે જઈશ અને સીધો ગુરુવારે પાછો આવીશ.
અમે બધા થોડા શાંત થઇ ગયા પછી સાથીએ સુબ્બૈયાને પૂછ્યું તેનાં લગ્ન થઇ ગયા છે કે નહીં. સુબ્બૈયાએ કહ્યું, અહીં કોણ રહેવા માંગશે? અહીં મોટી થયેલી મોટા ભાગની છોકરીઓ અહીં રહેવા નથી માંગતી, તો બહારથી અહીં આવીને રહેવાનું તો કોણ પસંદ કરશે? તો સાથીએ દલીલ કરી કે, બધા તો કૂર્ગ છોડીને જતા રહે છે તેવું તો નહીં હોય? અને આસપાસનાં ગામોમાં પણ કોઈ ને કોઈ તો હશે જ? તેણે કહ્યું, હમણાં તો હું મારી સ્વતંત્રતા ગુમાવવા નથી માગતો. સાથીએ મશ્કરી કરતા પૂછ્યું, એવી કઈ સ્વતંત્રતા છે જે લગ્ન કરીને ગુમાવવી પડે?! અમે બધા હસ્યા. થોડી વારમાં તે પોતાની સાંજની ટૂઅરની તૈયારી કરવા માટે નીકળ્યો.
મને જેટલી મજા ત્રણ દિવસમાં નહોતી આવી, તેટલી એ એક – દોઢ કલાકની વાત પછી આવી. આ કનેક્શન, પર્સ્પેક્ટિવ, અને કહાનીઓ જ મારા માટે મુસાફરીનો રસ છે. જો એ ન મળે તો બાકી બધું જ નકામું છે.