એ રાત્રે પણ અમે રુમ પર પહોંચ્યા તો હોટેલનાં સ્ટાફે રુમ સર્વિસ કરીને એક સ્વીટ નોટ મૂકી હતી.
મારા માટે આ પ્રકારનું ‘અટેન્શન ટુ ડીટેલ’ એકદમ નવું હતું. તેમની નોટ એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ હતી. છતા ધીમે ધીમે આખા દિવસની વિચિત્રતા અને થાક અચાનક મારા મન પર હાવી થઇ ગયા. ‘જો-અને-તો’નાં તાણાં-વાણાં મન પર છવાઈ ગયાં અને થોડું રડાઈ ગયું. મને બહુ સારી ઊંઘ ન આવી અને એક સાથી સાથે લગભગ લડાઈ થઇ ગઈ. સવારે સાત વાગ્યે ઍલિફ્ન્ટ કૅમ્પ માટે ઉઠવાનાં વિચારમાત્રથી મને ત્રાસ થઇ રહ્યો હતો. લગભગ નવ વાગ્યે માંડ ઊઠી શકાયું. નાસ્તો કરીને બહાર જવા માટે નીકળતા 11 વાગી ગયા.
કારમાં જે સ્ત્રી-સાથી આગળ બેઠા હતા તેમનાં આગલાં દિવસનાં અનુભવ પછી તેમનું સ્થાન એક પુરુષે લઇ લીધું. ફક્ત સીટ કન્ફિગરેશન જ નહીં, અંદરનો માહોલ પણ બદલાઈ ગયો. ગઈ કાલ સુધી જે બધા દર પાંચ – દસ મિનિટે મજાક-મશ્કરી કરી રહ્યા હતા, એ આજે સાવ ચુપ હતા. ડ્રાઇવરનાં ચહેરા પર પણ શર્મિંદગી છવાયેલી હતી અને તેનું અંતર્મુખીપણું વધુ ગાઢ થયું હતું. નસીબજોગે રસ્તો બહુ લાંબો નહોતો.
ઍલિફ્ન્ટ કૅમ્પનું નામ હતું ‘દુબ્બારે’. અમને ખ્યાલ હતો કે અમે હાથીઓને જોઈ શકવા માટે બહુ મોડા છીએ છતાં નીચે ઉતારવાનું સાહસ કર્યું. બહાર જઈને જોયું તો ગાડીઓ અને બસની લાંબી લાઈન લાગેલી હતી. એક બસમાંથી સ્કૂલ સ્ટૂડન્ટ્સનું એક ઝુંડ ઊતર્યું એ જોઈને જ અમને સમજાઈ ગયું અંદર કેટલી ભીડ હોવાની. અમે ત્યાંથી જ પાછા વળી ગયા અને બાયલાકૂપેનો રસ્તો પકડ્યો. કૂર્ગનાં જંગલો વચ્ચે બાયલાકૂપે એક ‘અનલાઇકલી’ જગ્યા છે. હિમાલયનાં પહાડોનાં આદિ તિબેટન લોકો એકદમ જ વિરુદ્ધ આબોહવામાં આવીને કઈ રીતે વસ્યા હશે! ધર્મશાલા પછી આ ભારતનું સૌથી મોટું તિબેટન સેટલમેન્ટ છે. સ્વાભાવિકપણે ત્યાં એક બૌદ્ધ મોનાસ્ટ્રી પણ છે, જેનું નામ છે નામદોરલિંગ ગોલ્ડન ટેમ્પલ.
અમે ત્યાં પહોંચીને સૌથી પહેલા મોનાસ્ટ્રીમાં ગયા. લગભગ અમારી સાથે જ એક સ્કૂલ ગ્રુપે પણ પ્રવેશ કર્યો અને તેમની પાછળ બે-ત્રણ બીજા મોટા ગ્રુપ આવ્યાં. તેમનાં ગાઈડ અથવા ટીચર લાગતી એક વ્યક્તિ સાથે અમારી થોડી વાત થઇ તો તેમણે કહ્યું આ સમયે ત્યાંની લગભગ દરેક લોકલ સ્કૂલ તેમનાં વિદ્યાર્થીઓને એક દિવસની પિકનિક પર લઇ જતી હોય છે એટલે દરેક જગ્યાએ આ આખું અઠવાડિયું ઘણાં વિદ્યાર્થીઓ જોવા મળશે. તેમની સાથે વાત કરતા મારું ધ્યાન પડ્યું એક મોટાં ગ્રુપ પર, જેમાં લગભગ દરેક છોકરીઓએ હિજાબ પહેરેલાં હતાં. જોઈને આનંદ થયો કે, આપણે સદ્નસીબ છીએ કે, આપણી શૈક્ષણિક સંસ્થાઓએ સર્વધર્મ સમભાવની ભાવના હજી જાળવી રાખી છે. બાકી મીડિયા અને ટેલિવિઝનનાં નરેટિવ પરથી તો એમ જ લાગે કે ધાર્મિક કટ્ટરતા દેશનાં દરેક ખૂણે વકરી રહી છે .
ત્યાં ખૂબ ભીડ હોવાનાં કારણે એ જગ્યા મને મોનાસ્ટ્રી ઓછી, અને મેળો વધુ લાગી. ફક્ત ત્યાંની દીવાલો પર સુંદર બૌદ્ધ મ્યુરલ્સ પર ધ્યાન આપી શકાયું, બાકી તો લોકોની સતત આવ-જા વચ્ચે એ સ્પેસ ફીલ કરવી લગભગ અશક્ય હતી. મુખ્ય મંદિર સામે એક મોટાં પ્રાંગણનાં પાછલાં ભાગમાં હરોળબંધ એપાર્ટમેન્ટ્સ જેવું કૈંક દેખાયું. આંખ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શોધવા લાગી ત્યાં તરત જ ‘પ્રવેશ નિષેધ’ બતાવતું બોર્ડ દેખાયું. તેનાં પર લખેલું હતું ‘ફક્ત મૉન્ક માટે પ્રવેશ’. એ બોર્ડે એક ઇન્ટરેસ્ટિંગ વાત છેડી. “બૌદ્ધ ધર્મમાં ફક્ત પુરુષોને જ સંન્યાસ આપવામાં આવતો હશે કે સ્ત્રીઓને પણ?” હું અને એક સાથી સહમતિમાં બોલ્યા “સંન્યાસી બૌદ્ધ સ્ત્રીઓ પણ જોઈ છે અમે.” ફરી સવાલ થયો “એ હૉસ્ટેલમાં ફક્ત પુરુષો જ રહેતા હશે કે સ્ત્રીઓ પણ? મૉન્ક શબ્દ જેન્ડર – ન્યૂટ્રલ છે કે નહીં ?” અમે નક્કી કર્યું ગૂગલ સર્ચ ન કરીએ અને પોતાનો અંદાજ લગાવીએ. એક સાથીનાં અંદાજે મૉન્ક શબ્દ ફક્ત બૌદ્ધ પુરુષ સાધુઓ માટે વપરાતો હતો. એક સાથીએ કહ્યું તેમની પાસે આ વિષય પર બહુ માહિતી નથી એટલે તેમનો કોઈ ઓપિનીયન નથી. મારા મતે એ જેન્ડર-ન્યૂટ્રલ શબ્દ હતો કારણ કે, મને ‘શેફ્સ ટેબલ’ શોનો એક એપિસોડ યાદ આવી રહ્યો હતો જેમાં તેઓ એક સાધ્વીને પણ મૉન્ક તરીકે જ એડ્રેસ કરી રહ્યા હતા તેવું મને કૈંક યાદ આવતું હતું. ઉપરાંત, મેં તર્ક લગાવ્યો – “જો ‘મોન્ક’ સિવાયનો કોઈ શબ્દ હોત તો એ આપણને ખબર હોત ને?” આ વાતે મનમાં ઘણાં સવાલ ઊભા કર્યા જેનાં જવાબ મેં આ ટ્રિપ પત્યા પછી ઘરે પહોંચીને શોધ્યાં.
મોનાસ્ટ્રીની બહાર એક નાની બજાર હતી ત્યાં એક કૅફેમાં અમે થોડો સમય વિતાવ્યો. આ વાક્ય લખું છું ત્યારે વિચાર આવે છે – ધર્મસ્થળો અને બજારોનો પણ કેવો વિરોધાભાસી સંબંધ છે! લગભગ દરેક ધર્મનાં મોટાં દેવસ્થાનની સામે મેં કોઈ ને કોઈ પ્રકારની બજાર હંમેશા જોઈ જ છે. ક્યારેક નાની બજાર – જ્યાં ફક્ત પૂજાનો સામાન મળતો હોય, ક્યારેક વ્યવસ્થિત કમર્શિયલ બજાર જ્યાં દુનિયાભરનો સામાન મળતો હોય! કદાચ બંને એકબીજાનાં પૂરક અને પ્રેરક છે. જ્યાં બધું જ ખરીદી શકાય ત્યાં માણસ છકી ન જાય એ માટે એક બિલકુલ ન ખરીદી શકાય તેવી વસ્તુ ગોઠવવામાં આવી અને માણસ અવાસ્તવિક આદર્શવામાં હોશ ન ગુમાવી દે એ માટે કદાચ ત્યાં બજાર ગોઠવવામાં આવી કે તેને યાદ રહે – ધાર્મિક સ્થળો પણ અંતે તો ઇકૉનૉમીનો જ એક ભાગ છે!
ત્યાંથી નીકળીને અમે લગભગ ત્રણ વાગ્યે હોટેલ પહોંચ્યા અને બાકીનો દોઢ દિવસ ક્યાંયે ન જવાનું નક્કી કર્યું. સાંજે લોકોએ એક પછી એક ત્યાંનાં સ્પામાં અલગ અલગ રિલેક્સેશન-ટ્રિટમેન્ટ્સ બુક કરી હતી. બાકીનો સમય કોઈ જ પ્લાન નહોતો અને એટલે સહપ્રવાસીઓ સાથે રહેવું પણ જરૂરી નહોતું. મને એ સુંદર જગ્યામાં, એકાંતમાં, સતત બડબડાટ સાંભળ્યા વિના થોડો શ્વાસ લેવાનો મોકો મળ્યો એ જ મારા માટે આનંદની વાત હતી.
થોડો આરામ કરીને હું ત્યાંની લાઇબ્રેરીમાં ગઈ. બહુ જ ક્યૂટ નાની મઢુલી જેવું સ્ટ્રક્ચર હતું અને ત્યાંની બારીઓમાંથી મોટું સુંદર ખેતર અને હરિયાળી દેખાતાં હતાં. સતત બોલવું કે સાંભળવું પણ જાણે એક નશો છે. અવાજ બંધ થતા જ મગજ જાણે રીસેટ થવા લાગે છે અને દુનિયા વધુ સાફ અને વધુ બહોળી દેખાવા લાગે છે. લાઈબ્રેરીમાં ઘણી બધી સુંદર કૉફી ટેબલ બુક્સ, ક્લાસિક લિટરેચર અને ઘણી કિતાબોની રેર બુક્સ પણ હતી. થોડી વારમાં ત્યાં એન્ટ્રન્સ પર એક યુવાન નેચરલિસ્ટ બેઠો હતો તેણે મને પૂછ્યું, “આપણી કદાચ પહેલા વાત થઇ છે કે નહીં ?” મેં હસીને કહ્યું “હા. બ્લડ બૅરીઝ. ગઈ કાલે.” તેને બરાબર યાદ આવ્યું. તેટલામાં એક સાથીએ પણ ત્યાં આવીને મુકામ કર્યો. આગલા દિવસે કૉફી વર્કશોપમાં અમને કહેવામાં આવ્યું હતું કે, વર્કશૉપમાં દેખાડેલી કોઈ પણ સ્ટાઈલની કૉફી લાઇબ્રેરીનાં કૅફેમાં મળી જશે. કૉફીની એક એસ્પ્રેસો પ્રેપરેશન વિષે સાંભળ્યું હતું જેમાં કૉફી અને દૂધનું લેયરિંગ થોડું અલગ રીતે કરવામાં આવે છે તે ટ્રાય કરવાની એ સાથીની ઈચ્છા હતી એટલે બરિસ્તા સાથે અમારી થોડી વાત થવા લાગી.
તેમાં એ નેચરલિસ્ટ પણ અમારી સાથે જોડાયો. તેણે પૂછ્યું તમને લોકોને કઈ પ્રકારની કૉફીઝ પસંદ છે? અમે કહ્યું અમને પોર-ઓવર (pour over) અથવા એસ્પ્રેસો-બેઝડ લાટે/ફ્લૅટ-વાઇટ સિવાય કોઈ જ કૉફીની સ્ટાઇલ પીવાલાયક નથી લાગતી. ભારતનાં મોટા ભાગનાં લોકોને અમે ખાંડ નાંખીને કૉફી પીતા જોયા છે એ તો અમને હવે બિલકુલ સમજાતું નથી. આટલું બોલીને મને વિચાર આવ્યો કે, અજાણી વ્યક્તિ સાથે નકામો બહુ સ્ટ્રોંગ ઑપિનિયન શેર થઇ ગયો. પ્લસ, સામાન્ય રીતે સાઉથ ઇન્ડિયામાં ફિલ્ટર કૉફીનું ચલણ હોવાની છાપ અમારાં મનમાં હતી અને તેમાં ઘણાં લોકો ખાંડ પ્રિફર કરતા હોય છે એ ધ્યાનમાં રાખીને કર્ટસી બતાવતા અમે તેને કહ્યું કે, ફિલ્ટર કૉફી એક અપવાદ છે – તેમાં અમે થોડી ખાંડ એન્જોય કરીયે છીએ. તેણે કહ્યું “oh I hate filter coffee. I never drink filter coffee”. અમે હસ્યા અને તેણે આગળ વાત ચલાવી – “તમે વિયેતનામીઝ આઇસ્ડ કૉફી ટ્રાય કરી છે?” અમે કહ્યું વિયેતનામીઝ આઈસ્ડ ટી અને કૉફી તો અમને સૌથી નાપસંદ છે. એક તો એ લોકો જબરી સ્ટ્રૉન્ગ બનાવતા હોય છે અને તેમાંયે કન્ડેન્સ્ડ મિલ્કની ગળાશ અને ક્રીમીનેસ અમને અસહ્ય લાગે છે. તેણે કહ્યું, “હું સમજી શકું છું. તમે એ વિયેતનામમાં પીશો તો તમને કદાચ ભાવશે. વિયેતનામની ગરમીમાં કદાચ બરફ પણ તરત ઓગળીને એ કૉફીને થોડી ડાઇલ્યુટ કરી દેતો હશે. મેં વિયેતનામની બહાર ક્યારેય એ કૉફી ટ્રાય નથી કરી પણ મને ત્યાં એ ભાવી હતી. અહીં તો હું પણ અમારાં ઘરની રેસિપીથી બનાવેલી કૉફી જ પ્રિફર કરતો હોઉં છું.” અમે તેને જણાવ્યું અમે હજુ ક્યારેય વિયેતનામ નથી ગયા.
અમે તેને તેનાં કામ વિષે અને આ રિઝોર્ટમાં કામ કરવાનાં તેનાં એક્સપીરિયન્સ વિષે પૂછ્યું. તેણે કહ્યું તે લગભગ આઠ વર્ષથી આ રિઝોર્ટ સાથે જોડાયેલો છે. રિઝોર્ટનાં બીજા ત્રણ લોકેશન હતાં પણ તે કૂર્ગમાં જ રહેવાનું પસંદ કરતો હતો કારણ કે, તે કૂર્ગમાં જ મોટો થયો હતો અને તેને પોતાની જમીન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું પસંદ હતું. તે ઘણી વખત કબીની પણ ગયો હતો પણ તેનો પહેલો પ્રેફરન્સ કૂર્ગ જ છે. એ જેમ જેમ પોતાનાં વિષે જણાવતો જતો હતો તેમ તેમ તેનાં જીવન અને તેનાં કામ વિષે અમારું કુતુહલ વધી રહ્યું હતું . મેં તેને પૂછ્યું, એ આ લાઇન ઓફ વર્કમાં કઈ રીતે આવ્યો અને આ રિઝોર્ટ પહેલા કોઈ બીજી જગ્યાએ કામ કર્યું કે નહીં તેનાં વિષે પણ. આટલી વાત થઇ ત્યાં મને યાદ આવ્યું કે અમે હજુ તેનું નામ પણ નથી પૂછ્યું. તેનું નામ હતું સુબ્બૈયા …















