બ્રેકફસ્ટ પતાવીને હોટેલનાં મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જાણ્યું કે અમારા માટે બે રિક્ષાઓ રાહ જોઈ રહી છે. મને ફક્ત એટલી ખબર હતી કે, અમારી હોટેલ ઝીયાગંજમાં છે અને ત્યાંથી અમારે અઝીમગંજ જવાનું છે. પ્લાન અમારા સહપ્રવાસી ઓ એ સમજી લીધેલો હતો એટલે મેં ફક્ત મુસાફરી માણવાનું કામ કર્યું. અમે જે રિક્ષામાં બેઠા હતા તેને ત્યાંનાં લોકો ‘ટોટો’ તરીકે ઓળખે છે. ગુજરાતમાં જોવા મળતી રિક્ષાઓથી લગભગ અડધી પહોળાઈની એ રિક્ષામાં એક તરફ બે અને બીજી તરફ બે એમ ગણીને ચાર મધ્યમ કદનાં લોકો બેસી શકે અને તેમાં બેસીને જે ગલીઓમાંથી અમે એ દિવસે પસાર થયા, ત્યાંથી ફક્ત આ રિક્ષાઓ જ પસાર થઈ શકે! એક બે ગલીઓમાં તો એમ થયું કે, બસ હમણાં દીવાલને અડી જશે. લગભગ દસ મિનિટ પછી અમે નદીનાં કિનારે એક મોટાં તરાપા પાસે પહોંચ્યા અને અમને ઉતરીને તરાપા પર જવાનું સૂચન કરવામાં આવ્યું.
એ તરાપા પર માણસો, સ્કૂટર, પશુ, રિક્ષા, નાની કાર બધાં જ એકસાથે ઊભા રહીને રોજ નદી પાર કરે છે! 😁


સામેનાં કાંઠે ઉતરીને અમે ફરી એ જ ટોટોમાં બેસીને આગળ વધ્યા. વેલકમ ટુ અઝીમગંજ! થોડી વારમાં ટોટો ડ્રાઈવરે કહ્યું – આ જુઓ અરિજીત સિંઘનું ઘર. મને બિલકુલ ખબર નહોતી અરિજીત સિંઘ અઝીમગંજ નામનાં આ નાના ગામનો છે. પણ, આ ગામનું કદ અને ત્યાંનાં સાદા માણસો જુઓ અને સામે અરિજીત સિંઘનો હાલનો મુકામ જુઓ તો જાણે પ્રગતિ શબ્દનો અર્થ સમજાય. આપણાં ગોંડલ કરતાં પણ કદાચ થોડું નાનું, પ્રમાણમાં કંગાળ અને અંતરિયાળ આ ગામનાં એ યુવાનની સફર કેટલી લાંબી અને અઘરી રહી હશે! એક વિચાર એ પણ આવ્યો, જે જમીન સાથે સદીઓથી બાઉલ સંગીતની આટલી મોટી પરંપરા જોડાયેલી છે ત્યાંથી દેશને એક સારો સંગીતકાર મળે તેમાં નવાઈ શું? :) એ ઘર કોઈ પ્રકારનાં તામજામ વિનાનું, એક મધ્યમ વર્ગીય પરિવારનું હોય તેવું એકદમ સામાન્ય ઘર છે. ડ્રાઈવરે કહ્યું તેમનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે અને તેઓ અઝીમગંજ અને આસપાસનાં ગામડાંનાં બાળકો માટે એક ફ્રી એજ્યુકેશન સેન્ટર પણ ચલાવે છે. આવાં લોકોની આવી કહાનીઓ પર જ દેશ અને દુનિયા માટેની મારી આશા ટકેલી છે.
રિક્ષા અને વિચારોમાં બ્રેક લાગી અને ખબર પડી અમે આવી પહોંચ્યા છીએ અમારાં પહેલા ડેસ્ટિનેશન, કાઠગોલા પેલેસ. એન્ટ્રી ગેટ પાસે જ અમને એક ગાઈડ મળી ગયા – અંબિકાપ્રસાદ. તેમનાં હિન્દીમાં બંગાળી ભાષાની એક્સંટ એટલી ગાઢ હતી કે, તેમની વાત હું થોડી જ સમજી શકી. જગત શેઠ પરિવારનો હાથ પકડીને ઘણાં ઓસવાલ જૈન વ્યાપારીઓ મુર્શિદાબાદ આવ્યા, તેમાંનાં એક – દુગ્ગળ પરિવારનાં વડવાઓએ અઢારમી સદીનામાં આ હવેલીનું નિર્માણ કરાવ્યું અને કહેવાય છે કે પ્લાસી યુદ્ધનાં ૩ દિવસ પછી અંગ્રેજો મીર જાફરને મળવા માટે અહીં આવ્યા હતા. હવેલીનો મોટો ભાગ હવે મ્યુઝિયમમાં તબદીલ થઇ ગયો છે પણ, હવેલી પાછળ બનાવાયેલાં આદિનાથ દેરાસરની મુલાકાત લેવા આવતાં દુગ્ગળ પરિવારનાં સભ્યો માટે આજે પણ ત્યાં રહેવાની પૂરતી વ્યવસ્થા છે. એ હવેલીનાં પરિસરમાં એક બંગાળી આર્ટિસ્ટે બનાવેલી એક વિશાળ યુરોપીયન શૈલીની મૂર્તિ છે. વિચારો કોની હશે? માઈકલ એન્જેલોની! ત્યાં આવતાં લોકો માટે આ મૂર્તિ બહુ મોટી જોવા જેવી વસ્તુ છે પણ, મને એ બહુ રેન્ડમ અને પોઇન્ટલેસ લાગી. ઇન ફેકટ, મને અહીંનું આર્કિટેક્ચર અને હવેલીઓની સજાવટ એ વાતની ચાળી ખાતું હોય તેવું લાગ્યું કે, જાણે અહીં સમૃદ્ધિ બહુ થોડા સમય માટે અચાનક આવી અને જલ્દી જતી પણ રહી. દુનિયામાં જેટલાં શકિતશાળી સામ્રાજ્યોનાં બાંધકામ આજે હયાત છે એ દરેકમાં એક થીમ, એક વિઝન દેખાય છે. એક એક વસ્તુ, નાનામાં નાની ડિટેલ એટલી વિચારપૂર્વક રીતે બનાવાયેલી હોય છે કે, તેમની ઈમારતોનો એક પણ ભાગ બહુ જ અલગ કે, થીમ થી સાવ હટી જતો હોય એવું ન લાગે. મુર્શિદાબાદમાં મને ઘણી વખત એવું લાગ્યું કે, આ હવેલીઓ ભવ્ય તો છે પણ, આર્ટિસ્ટ કે આર્કિટેક્ટનું વિઝન ક્યાં?





ત્યાર પછી અમે આગળ વધ્યા હઝારદ્વારી પેલેસ તરફ. એ મહેલ જતા રસ્તામાં પણ ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ આવી પણ, કમનસીબે અમારી પાસે સમય ખૂબ ઓછો હોવાનાં કારણે અમે બહુ બધે રોકાઈ ન શક્યા. મને બહુ કંઈ ગુમાવ્યાનો અફસોસ તો નથી પણ, હા મીર જાફરની હવેલી (‘નમકહરામ દેઓડી’) બહારથી મને બહુ ઇન્ટ્રેસ્ટિંગ લાગી હતી. ટોટોમાંથી લીધેલો એ હવેલીનો એક રફ શોટ

આગળ અઝિમુન્નીસા બેગમનો મકબરો આવ્યો જ્યાં રોકવાનો કોઈ પ્લાન નહોતો પણ તોયે અમે પાંચ મિનિટ માટે રોકાયા કારણ કે, બહારથી એ પણ બહુ સુંદર લાગતી હતો. અમે બે જણ દોડીને ફટાફટ એ જગ્યા જોઈ આવ્યા. બહુ પ્રખ્યાત ન હોય તેવાં ભીડ-ભાડ વિનાનાં ઐતિહાસિક સ્મારકો એકલા, શાંતિથી માણવાની મજા જ અલગ છે! ફક્ત પાંચ મિનિટ માટે પણ એ માહોલમાં મને જાણે ટાઇમ ટ્રાવેલ કરવાનો મોકો મળી જાય છે. સાથે સાથે જીવન, મૃત્યુ, યુદ્ધ, રાજકારણ, અમરત્વ, સુંદરતા જેવાં કેટલાંયે વિષયો પર કેટલાં બધાં વિચારો મનમાં દોડવા લાગે છે…


અહીં બહુ નાના વિરામ પછી અમે સીધા હઝારદ્વારી પેલેસ પહોંચ્યા. આ મહેલ કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું ટૂરિસ્ટ અટ્રેક્શન છે એટલે સ્વાભાવિક રીતે જ દુનિયાભરની ભીડ અહીં હોવાની. મહેલની અંદર ફોટોઝ કે વીડિયોઝ લેવાની મનાઈ છે એટલે અંદરનાં કોઈ જ ફોટો મેં નથી લીધા અને બહાર મને ફોટો લેવા જેવું ખાસ કંઈ લાગ્યું નહોતું. મારા માટે આ મહેલમાં બે ઈન્ટરેસ્ટિંગ બાબતો હતી. એક તો એ કે, આ મહેલ સિરાજ ઉદ-દૌલાનો નથી! ઇન ફેકટ, સિરાજ ઉદ દૌલાનો કોઈ મહેલ હયાત જ નથી. તેનો મહેલ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હતો. આ મહેલ બંગાળનાં નવાબ નઝીમ હુમાયુ જાહ માટે એક બ્રિટિશ આર્કિટેક્ટે બનાવ્યો હતો. કહેવાની જરૂર ખરી કે, સિરાજની હાર પછી આ નવાબને અંગ્રેજોએ ‘ઇન્સ્ટોલ’ કર્યો હતો? એટલે જ આ નવાબ કે, તેમનાં કોઈ પણ વંશજોના નામ માત્ર પણ આપણાં ઇતિહાસમાં કોઈ ખાસ મહત્ત્વ નથી ધરાવતાં. આ મહેલ પણ મને અંગત રીતે બહુ ખાસ ન લાગ્યો સિવાય એક કલેક્શન. મારાં માટે આ મહેલની બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી તેમનું હથિયારોનું કલેક્શન. મહેલનાં ગ્રાઉન્ડ ફ્લોર (મેઇન પેલેસની નીચે લગભગ ભોંયતળિયામાં) પર હથિયારોનું બહુ સુંદર અને વિશાળ કલેક્શન છે જે મને બહુ જ ગમ્યું. હથિયાર ગમ્યાં એવું બોલવું કે સાંભળવું થોડું વિચિત્ર લાગે પણ, મને એવું લાગે છે કે, સારાં હથિયારોનું પણ એક એસ્થેટિક હોય છે. તેમાં વપરાયેલાં મટીરિયલ, તેનાં આકાર, તેનાં પર થતી નકશીઓ, આ બધું મને બહુ જ ચાર્મિંગ લાગે છે. અત્યાર સુધી મેં જેટલી થોડી દુનિયા જોઈ છે તેનાં પરથી મને એવું પણ સમજાયું છે કે, દુનિયાનો કોઈ પણ વિષય હોય, તેની શ્રેષ્ઠતમ વસ્તુ કે, વ્યક્તિનાં કામમાં એક inherent beauty અને aesthetic હોય છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે પણ મેં ઘણી વાર જોયું છે. એ aesthic અને wit મને આ હથિયારોમાં પણ દેખાયાં.
મહેલનાં મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે આ નવાબે એક વિશાળ ઈમામબારાનું નિર્માણ કરાવેલું છે જે કદાચ દુનિયામાં સૌથી મોટો છે! હા, લખનઉનાં પ્રસિદ્ધ ‘બડા ઈમામબારા’ કરતા તો મોટો ખરો જ. તે વર્ષમાં ફક્ત મોહરમનાં દસ દિવસ માટે ખૂલે છે. એ સિવાય કોઈ જ તેની મુલાકાત નથી લઈ શકતું. દૂરથી એ પણ બહુ સુંદર દેખાતો હતો.
મહેલ જોઈને બહાર નીકળતા અમને લગભગ દોઢેક કલાક લાગી. ત્યાર પછી બધાંને મન હતું તાંતીપાડા (ત્યાંનો વણકરવાસ) જવાનું અને ત્યાં હેન્ડલૂમ જોવા/લેવાનું પણ, અમને બે જણને બહુ ઈચ્છા હતી જગત સેઠની હવેલી જોવાની એટલે ફક્ત અમારા માટે જગત સેઠની હવેલી પર એક સ્ટોપ કરવામાં આવ્યો. બે દિવસથી રોજ દિવસમાં ઓછામાં ઓછી બે વખત જેનું નામ સાંભળતા હતા તેનાં વિશે જાણવાની ઈચ્છા કોને ન થાય! અમારી જેમ તમને પણ કદાચ વિચાર આવ્યો હશો કે, તેમની સમૃદ્ધિનાં ચર્ચા ધ્યાનમાં રાખતા તેમની હવેલી તો કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું અટ્રેક્શન હોવી જોઈએ ને?! પણ, એવું એટલા માટે નથી કે, તેમની ઓરીજીનલ હવેલી અને તેમનો ઘણો ખરો સામાન એક વખત કોઈ પૂરમાં તણાઈ ગયાં હતાં. ઉપરાંત, તેમનાં પરિવારમાં ખાસ કોઈ વંશજો પણ બચ્યા નહોતા એટલે કદાચ તેમની નવી હવેલી એટલી સારી રીતે જળવાઈ નથી શકી જેટલી દુગ્ગળ કે દુધોરિયાની રહી છે. છતાં અમને તો જગત સેઠની હવેલી જોવાની મજા જ આવી. આ આખાં વિસ્તારને જેણે નામના અપાવી અને દુનિયામાં નામ કર્યું એ લોકોની લેગસી ન જોઈ હોત તો મુર્શિદાબાદની સફર કદાચ અધૂરી જ રહી જાત.
ત્યાંથી આગળ અમે પ્લાન પ્રમાણે તાંતીપાડા ગયા તો ખરા પણ, કમનસીબે અમને ત્યાં કંઈ જ ન ગમ્યું. અમે એટલા થાકી પણ ગયા હતા અને ભૂખ પણ એટલી લાગી હતી કે, પછી આગળ દુકાનો શોધવાની મહેનત કરવાને બદલે અમે સીધા હોટેલ જ પાછા ફર્યા.

જમીને થોડી વાર અમે એક ‘પોટરી એકસ્પીરિયન્સ’ નો આનંદ માણ્યો અને એક કુંભારનાં ચાકડા પર માટીનાં વાસણો ઘડવાનો પ્રયત્ન કર્યો. વાસણ કદાચ સારાં બને પણ ખરા તોયે તેનું કંઈ થવાનું નહોતું. નજર સામે એ ફરીથી માટીનાં લોંદામાં જ પાછા જવાનાં હતાં એટલે વધુ મહેનત કરવાનું કોઈ મોટીવેશન મને હતું નહીં. બાળકોને માટીમાં રમવાની મજા આવે એવી મજા જ કરી મેં. મારાં સાથીઓ જ્યારે ચાકડા પર હતાં ત્યારે હું ત્યાં ફરીને દુધોરિયા પરિવારનાં જુના ફોટોઝ જોઈ રહી હતી અને મારું ધ્યાન ગયું એક સ્ટિકર પર


મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફોટોગ્રાફર! કઈ પેઢી હશે આ? અને આ પરિવાર તેમનાં સુધી કઈ રીતે પહોંચ્યો હશે?! એ લોકો ટ્રાવેલિંગ ફોટોગ્રાફર હશે અને તેમને જે લોકો કમિશન કરે તેમની હવેલીઓ અને મહેલોમાં ફોટોગ્રફી કરવા માટે આટલે દૂર સુધી પ્રવાસ કરતા હશે?! how fascinating! ઉત્તર બંગાળનાં આ મારવાડી વિસ્તારનું ગુજરાત કનેક્શન તો બહુ સોલિડ લાગતું હતું પણ, અમુક કહાનીઓ કદાચ અમારે ત્યાં છોડીને જ આગળ વધવાનું હતું.

એ સાંજે પણ કલ્ચરલ પ્રોગ્રામ – એક બીજા ગ્રૂપનો બાઉલ શો જોઈને અમે સાંજનું જમવાનું પતાવ્યું અને કોઠીનાં બહુ જ સુંદર ગિફ્ટ સ્ટોરમાં આંટો મારીને નાની મોટી ખરીદી કરીને પછીનાં દિવસે ચેક-આઉટ કરવાની તૈયારી કરી.






