બૅન્ગલોરમાં એક નાની હોટેલમાં અમે એક સાંજ વિતાવી અને પછીની સવારે બે સાથીઓ એરપોર્ટ જવા નીકળ્યા. અમારું છ લોકોનું મીડિયમ સાઇઝડ ટ્રાવેલ ગ્રુપ ધીમે ધીમે ઘટીને બે લોકોનું બની રહ્યું. બૅન્ગલોર સુધી અમે પહોંચી તો ગયા હતા પણ આગળ શું કરીશું તેની કંઈ જ ખબર નહોતી. કોઈ પ્લાન નહોતો. મેં ત્યાંનાં બાર અને રેસ્ટ્રોં સીનનાં બહુ વખાણ સાંભળ્યાં હતાં એટલે એ એક્સપ્લોર કરવાની ઈચ્છા હતી. સાથે બીજી બહુ તીવ્ર ઈચ્છા હતી ‘નૃત્યગ્રામ’ની મુલાકાત લેવાની.
બૅન્ગલોર પહોંચ્યા એ સાંજે અમે બર્મા-બર્મા નામનાં એક બર્મીઝ રેસ્ટ્રોંમાં ડિનર કર્યું, જે મારી અપેક્ષા કરતા ઘણું સારું હતું પણ, મારું મન કોઈ રીતે મૈસોર અને કૂર્ગમાં અટકી ગયું હતું અને બૅન્ગલોરમાં મને થોડું આઉટ ઑફ પ્લેસ ફીલ થઇ રહ્યું હતું. મેં એ ફીલિંગ પર બહુ ધ્યાન ન આપ્યું કારણ કે, ફક્ત એક જ સાંજમાં કોઈ શહેરને તરત જજ કરવું મને અયોગ્ય લાગ્યું.
પછીની સવારે હું અને સાથી તેનાં બે મિત્રોનાં ઘરે શિફ્ટ થઇ ગયા એ લોકો જુના મિત્રો હતા અને તેમણે અમને બૅન્ગલોરમાં તેમની સાથે રહેવા માટે બહુ દિલથી ઇન્સ્ટિસ્ટ કર્યું હતું. મને પણ ઇમિગ્રન્ટ યુવાન લોકોનાં પૉઈન્ટ ઑફ વ્યૂથી ત્યાંની લાઇફસ્ટાઇલ જોવાની ઈચ્છા હતી એટલે મેં પણ તેમનું ઇન્વિટેશન ખુશીથી સ્વીકાર્યું. અમે કબન પાર્કથી નીકળીને વાઈટફીલ્ડ પહોંચ્યા. ત્યાં પહોંચીને મારાં મનમાં જે પહેલો વિચાર આવ્યો એ હતો – ‘ચાઈનીઝ ફૅક્ટરી ટાઉન્સ’.
પાસે પાસે એક પછી એક હાઉઝિંગ કમ્યુનિટીઝ બનેલી હતી જેમાં પંદરથી વીસ માળ ઊંચાં, એકસરખાં કદ-કાઠીનાં, એકસરખાં વાઈટ કે ઑફ-વાઈટ કલરનાં, યુટિલિટેરિયન બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યાં હતાં. ત્યાં દેશનાં અલગ અલગ ખૂણેથી વર્ક ઓપર્ચ્યુનિટીઝ માટે આવેલાં યુવાન લોકો અને તેમનાં પરિવાર આવીને વસ્યા હતાં. મને ખાતરી છે કે, એ અપાર્ટમેન્ટ્સ અંદરથી કદાચ એકદમ અલગ દેખાતાં હશે પણ બહારથી જોતાં કોઈ અપાર્ટમેન્ટનું પોતાનું યુનીક કૅરેક્ટર કે એસ્થેટિક સેન્સિબિલિટી નહોતાં દેખાતાં. મિત્રો જ્યાં રહેતા હતા એ કમ્યુનિટીમાં આવાં ચારથી પાંચ બિલ્ડિંગ્સ હતાં અને દરેકને કનેક્ટ કરતો એક મોટો ઓપન એરિયા હતો જ્યાં દરેક ઉંમરનાં લોકો બેસીને હેન્ગઆઉટ કરતા કે, ચાલતા દેખાઈ રહ્યા હતા. અમારા મિત્રોનું ઘર અંદરથી મને થોડું કૉલેજ સ્ટુડન્ટ્સનાં ડૉર્મ જેવું લાગ્યું. ત્યાં મને એક ‘સેન્સ ઑફ ટેમ્પરરીનેસ’ લાગી અને મારું મન અનાયાસે જ તેનાં કારણો વિચારવા લાગ્યું. કદાચ એટલા માટે આવું હશે કે, આપણાં દેશનાં ભદ્ર વર્ગનાં લોકો માટે ભાડાનાં ઘરને ઘર માનવું બહુ અઘરું છે? કે પછી, જે ઘરમાં પોતે હંમેશા નથી રહેવાનાં તેની ખબર હોય એ ઘરને સુંદર બનાવવામાં / ઘર જેવું બનાવવામાં સમય કે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા જ નથી થતી હોતી? કે પછી ભારતમાં 80/90નાં દશકમાં જન્મેલાં લોકોએ સ્કૂલ, કૉલેજ, કંપેટિટીવ એક્ઝામ્સ અને નોકરી પાછળ જ જીવનનો એટલો મોટો ભાગ વિતાવી દીધો છે કે, રોજબરોજનું જીવન સારી રીતે જીવવું એ ક્યાંયે પ્રાયોરિટીમાં આવતું જ નથી?
તેમનું જીવન મને મૉડર્ન, અર્બન ટ્રેજેડી લાગ્યું. પણ, એ લોકો પોતાની લાઇફસ્ટાઇલ વિષે બહુ ખુશ હતા. તેમનાં માટે તો એ જ મોટી વાત હતી કે , તેમની કમ્યુનિટીમાં નીચે બહુ મોટી ઓપન સ્પેસ છે કારણ કે, તેમનાં કહેવા પ્રમાણે ત્યાં બીજી કમ્યુનિટીઝમાં તો એ પણ નથી હોતી. તેમણે કહ્યું એ લોકોનાં કોઈ કૉલીગને ફક્ત તેનાં બાળકને રમાડવા માટે પોતાનાં ઘરથી અડધી કલાક દૂર ડ્રાઇવ કરીને જવું પડે છે કારણ કે, તેમની કમ્યુનિટીમાં કોઈ ઓપન સ્પેસ જ નથી અને તેમનાં ઘરથી સૌથી પાસે ફક્ત આ જ એક પાર્ક છે જે અડધી કલાક દૂર છે! તેમની લાઇફસ્ટાઇલને ડિસરિસ્પેક્ટ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો એટલે મને મારાં ઑપિનિયન્સ મારા સુધી જ રાખવાનું યોગ્ય લાગ્યું. સાંજે સાથી અને મેં અલગ અલગ પ્લાન્સ બનાવ્યા હતા. એ તેનાં કૉલેજ ફ્રેન્ડ્સને મળવા જવાનો હતો અને મને તેમને મળવાની કોઈ જ ઈચ્છા નહોતી. બૅન્ગલોરમાં હું ખાસ કોઈને ઓળખતી નહોતી. ત્યાં મારા ફક્ત બે ફ્રેન્ડ્સ રહેતા હતા. મેં બંનેને ટેક્સ્ટ મૅસેજ કર્યો. એક ફ્રી હતી અને તેણે તરત જ ક્યાં મળવાનું અને કેટલા વાગ્યે તેનો પ્લાન પણ બનાવી નાંખ્યો.
અમે આયરનહિલ નામનાં એક બારમાં મળવાનું નક્કી કર્યું. અમારી છેલ્લી મુલાકાત એ દિવસનાં લગભગ દોઢ વર્ષ પહેલા થઇ હતી. છેલ્લા દોઢ વર્ષમાં તેણે સગાઇ કરીને લગ્ન પણ કરી લીધા હતા અને એ બૅન્ગલોર શિફ્ટ પણ થઇ ગઈ હતી! તેની નવી લાઇફ વિષે મેં જાણ્યું અને એ પણ જાણ્યું કે, તેને પણ બૅન્ગલોર બહુ પસંદ નહોતું. ત્યાં એ પહેલેથી કોઈને ઓળખતી પણ નહોતી પણ. એ મહાનગરમાં આવતા દરેક ટ્વેન્ટી-સમથિંગની જેમ એ પણ એ દુનિયામાં પોતાની જગ્યા શોધી રહી હતી. એક ડ્રિન્ક પીને અમને બંનેને ભૂખ લાગી અને એટલી વારમાં તેનો પાર્ટનર પણ ત્યાં આવી ગયો. અમે ત્રણે જમવા માટે કોઈ બીજી જગ્યાએ જવાનું વિચાર્યું. તેઓ મને રામેશ્વરમ કૅફે લઇ ગયા. એ ટાઇપનું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ મેં પહેલા ક્યાંયે નહોતું જોયું. બહુ મોટી ઓપન સ્પેસ અને બહુ ઓછી બેસવાની વ્યવસ્થા. ત્યાંનાં આઇકોનિક અપ-ઍન્ડ-કમિંગ સાઉથ ઇન્ડિયન એસ્ટાબ્લિશમેન્ટમાંનું એ એક હતું એ મને પાછળથી ખબર પડી.
પછીનાં દિવસે અમારે ઘણું બધું કરવું હતું, ઘણું બધું જોવું હતું એટલે સવારે અમે વહેલા જ બહાર નીકળી ગયા. એ દિવસે મને પહેલી વાર અનુભવ થયો બૅન્ગલોરનાં ટ્રાફિકનો! એ શહેરમાં એક દિવસમાં એકથી વધુ જગ્યાએ જવાનો વિચાર કરવો એ પણ પાપ છે એ મને એ દિવસે સમજાયું. અમે સૌથી પહેલા ઇન્દિરાનગર ગયા. એ એરિયામાં મને મજા આવશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાં શૉપ્સ, કૅફેઝ અને રેસ્ટ્રોંઝની ભરમાર હતી પણ, તેમાં મને કંઈ જ ખાસ ન લાગ્યું. બધા શહેરોમાં હોય છે એ જ અહીં પણ હતું. ત્યાંથી અમે બૅન્ગલોર પૅલેસ તરફ ગયા. પંદર મિનિટનો એ રસ્તો પસાર કરતા અમને એક કલાકથી પણ વધુ સમય લાગ્યો! અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, પૅલેસનાં એન્ટ્રી ગેટની પાછળ અમે ડ્રૉપ-ઑફ થયા છીએ, જ્યાંથી એન્ટ્રી ગેટ સુધી પહોંચતા અમને બીજી અડધી કલાક લાગી. ત્યાં પહોંચીને ખબર પડી કે, પૅલેસ બંધ છે કારણ કે, ત્યાં કોઈ પૉલિટિશિયનનાં દીકરાનાં લગ્ન છે!
ફરી એ ટ્રાફિકમાં ઊબરમાં બેસવાનાં વિચારથી જ અમને કંટાળો આવ્યો એટલે અમે ગૂગલ મૅપ્સ ખોલીને પાસે ચાલીને જઈ શકાય તેવી કોઈ જગ્યા શોધવા લાગ્યા. ત્યાંથી લગભગ પંદર મિનિટ ચાલીને અમે ‘નૅશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટ’નાં બૅન્ગલોર કૅમ્પસ પહોંચ્યા. એ દિવસનો ‘સેવિંગ ગ્રેસ’ એ ગૅલેરી હતી. ત્યાં નંદલાલ બોઝનાં પેઈન્ટિંગ્સની એક સીરીઝ ડિસ્પ્લે કરવામાં આવી હતી જેનું નામ હતું ‘હરિપુરા પૅનલ્સ’. એ એક્ઝિબિટ મારાં માટે બહુ પ્લેઝન્ટ સર્પ્રાઈઝ હતી કારણ કે, ત્યાં પહોંચ્યાનાં પંદર દિવસ પહેલા જ કલકત્તામાં હું ‘કાલીઘાટ પેઈન્ટિંગ્સ’ શોધી રહી હતી! જામિની રૉય મારાં મનમાં છેલ્લાં દોઢ – બે મહિનાથી ચાલી રહ્યા હતા ત્યાં મને તેમનાં ગુરુ – નંદલાલ બોઝનાં પેઈન્ટિંગ્સ જોવા મળી ગયાં! તેમનાં આ ગુજરાત કનેક્શન વિષે જાણીને તો ઓર આનંદ થયો!
સ્વાતંત્ર્ય સંગ્રામનાં ભાગ રૂપે ગાંધીજીએ સન 1938માં ગુજરાતનાં હરિપુરા નામનાં એક ગામમાં ભારતીય નેશનલ કૉંગ્રેસની બહુ મોટી મીટિંગ ગોઠવી હતી. એ મીટિંગનાં ભાગ રૂપે ગાંધીજીએ નંદલાલ બોઝને ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આર્ટ-વર્ક બનાવવા માટે રિકવેસ્ટ કરી હતી, જેનાં રિસ્પૉન્સમાં તેમણે સૌથી પણ વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યાં હતાં, જેમાંનાં એંસી જેટલાં ત્યારે ત્યાં ડિસ્પ્લે પર હતા. આર્ટ અને હિસ્ટરી ઇન્ડીપેન્ડેન્ટલી પણ મને એટલાં ફેસિનેટિંગ લાગે છે કે, તેનું આ રીતે ઇન્ટરકનેક્ટેડ હોવું અને એ કનેક્શન વિષે મને આ રીતે અનાયાસે જાણકારી મળવી એ મને લગભગ જાદુ જેવું લાગે છે!
અમે લગભગ ગૅલેરી બંધ થવાનાં સમયે ત્યાંથી નીકળ્યા અને બહાર આવીને જોયું તો મુશળધાર વરસાદ ચાલુ હતો. સાથીને એ સાંજે પણ અમુક મિત્રોને મળવું હતું અને અમે ત્યાંનાં ટ્રાફિકથી એટલા કંટાળ્યા હતા કે, જમવા માટે અલગ જગ્યાએ જવું અને પછી તેનાં મિત્રોને મળવું – એમ બે ઊબર લેવા કરતા તેનાં મિત્રોનાં ઘરે જ ડિનર કરવાનું અમે નક્કી કર્યું. એ મિત્રોનું ઘર પણ ફક્ત અડધી કલાક દૂર હોવું જોઈતું હતું, જ્યાં પહોંચતાં અમને દોઢ કલાક લાગી! અને એ લોકો પણ પેલાં એકસરખાં દેખાતાં સો અપાર્ટમેન્ટ્સનાં કૉમ્પ્લેક્સમાં જ રહેતા હતા. ત્યાં પણ ફરી એ જ મિકૅનિકલ વાતો – બૅન્ગલોરનો સ્ટાર્ટઅપ સીન, ટ્રાફિક, રીયલ એસ્ટેટ, વગેરે. જાણે આ બધા લોકોને કોઈએ કહી દીધું હતું કે, એક વયસ્ક વ્યક્તિ તરીકે રોટી-કપડાં-મકાન સિવાયનાં કોઈ પણ વિષયમાં રસ લેવો પાપ છે.
ક્યાં હું ત્રણ દિવસ પહેલા નવાં નવાં પંખીઓનાં રંગ અને અવાજ માણી રહી હતી, કાવેરી નદીનાં પાણીમાં વહી રહી હતી અને બે દિવસ પછી ક્યાં હું કોન્ક્રીટનાં જંગલમાં રૉબોટિક વાતો વચ્ચે ફસાઈ ગઈ હતી! એ મોનોટોનિમાં ફક્ત એક બ્રેક હતો – એક મિત્રની સોશિયલ વેલફેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી પાર્ટનર! એ દેશનાં અલગ અલગ ખૂણે જઈને અલગ અલગ ટ્રાઇબ્સ સાથે કામ કરતી હતી અને બેઝિક મેડિકલ પ્રોસીજર્સ વિષે તેમને સમજાય તેવી ભાષામાં કઈ રીતે તેમને માહિતી આપવાનો પ્રયત્ન કરતી હતી તેની વાતો સાંભળવાની મને થોડી મજા આવી. તેની વાતો પરથી જાણવા મળ્યું કે, દેશનાં કેટલાંયે એવાં ખૂણાં છે જ્યાં આઝાદીનાં 75 વર્ષ પછી પણ લોકશાહી હજુ સુધી નથી પહોંચી – એ ટ્રાઇબ્સમાં હજુ પણ રાજાશાહી ચાલે છે અને તેનાં વિષે ભારત સરકાર કંઈ નથી કરી શકતી. કંઈ નથી કરવા માગતી. કારણ કે, એ એરિયાઝ બહુ સેન્સિટિવ છે. અનફોર્ચ્યુનેટલી એ સ્ત્રી સાથેની વાત પણ ટૂંકાવવી પડી કારણ કે, સાથીને અન્ય એક મિત્રને મળવા જવું હતું. ત્યાં પણ ફરીથી એ જ રોટી-કપડાં-મકાનનો સિલસિલો ચાલ્યો. ત્યાં આશ્ચર્યની વાત એ હતી કે, એ મિત્ર અને તેની પાર્ટનર ફુલ-ટાઈમ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ છે. એ લોકો ડાન્સ વીડિયોઝ બનાવીને ફેમસ થયાં છે અને છતાં એ પણ રોટી-કપડાં-મકાનમાંથી બહાર નથી નીકળી શક્યાં?!
એ દિવસનાં અંતે મને એક વસ્તુ પાક્કી સમજાઈ ગઈ હતી કે, આ શહેરમાં હું એક અઠવાડિયું તો કોઈ રીતે નહીં કાઢી શકું. એ શહેર મને જેટલું હોપલેસ લાગ્યું હતું તેટલું ભાગ્યે જ બીજું કોઈ શહેર લાગ્યું હશે. હું તો ત્યાં રહેતી પણ નહોતી અને છતાં બે દિવસમાં જ મને એ શહેર એટલું ફેક અને સફોકેટિંગ લાગ્યું કે, ન પૂછો વાત! જાણે અચાનક હું પિંજરામાં પૂરાઈ ગઈ હોઉં. બાળપણમાં બૅન્ગલોરનાં જેટલાં વખાણ સાંભળ્યાં હતાં અને તેની જે છબી મનમાં બની હતી તેનો મેં જોયેલી ત્યાંની વાસ્તવિકતા સાથે કોઈ જ તાળો મળતો નહોતો. એક વિચાર એ પણ આવ્યો કે, જો મેં ક્યારેય ભારત છોડ્યું ન હોત તો કદાચ મારે પણ આ શહેરમાં રહેવું પડ્યું હોત. કે પછી મારાં પણ પોતાનાં મિત્રો ત્યાં રહેતા હોત તો કદાચ મને પણ ત્યાં રહેવાની મજા આવી હોત?! અમુક ‘જો’ અને ‘તો’નાં કોઈ જવાબ નથી.
પછીનાં દિવસે મેં એ અપાર્ટમેન્ટ છોડીને ક્યાંયે ન જવાનું નક્કી કર્યું. એ પણ થોડું તો કંટાળાજનક હતું પણ, તોયે ટ્રાફિકમાં કલાકો વિતાવવાની અપેક્ષાએ એ ઑપ્શન મને બેટર લાગ્યો. એ દિવસને અંતે જો કે, સાથી અને અમારાં હોસ્ટ મારું કન્ફ્યુઝન અને મારો કંટાળો એકદમ મારાં મોં પર જોઈ શકતા હતા એટલે અમે મળીને નક્કી કર્યું વીકેન્ડ પર ચિક્કમગલુર જવાનું. વીક ડેઝમાં તેમનું કામ હતું એટલે તેમને પાછું ફરવું પડે તેમ હતું પણ, મેં મારાં સહપ્રવાસી સાથીને પ્રસ્તાવ મૂક્યો ત્યાંથી જ આગળ હમ્પી સુધી જવાનો. પ્લાન કૈંક આવો હતો – અમે વીકેન્ડ પર મિત્રોની કારમાં તેમની સાથે ચિક્કમગલૂર જઈએ, પછી મિત્રો સાથે જ બેલુર અને હાલેબિડુનાં હોયસાલા સમયનાં મંદિરો જોઈએ અને એ લોકો ત્યાંથી જ બૅન્ગલોર પાછા ફરે અને ત્યાંથી અમને ટૅક્સી ડ્રાઈવર પિક-અપ કરી લે, જેની સાથે હમ્પી જઈને ત્યાં ફરીને બે-ત્રણ દિવસ પછી અમે પાછા બૅન્ગલોર જઈએ.
સાથીએ એકાદ દિવસ વિચારીને પ્રસ્તાવ માન્ય રાખ્યો અને હું બૅન્ગલોરથી નીકળવાનાં વિચારથી જ ખુશ થઇ ગઈ!
