ટોરોન્ટો – 1

કેનેડા, ટોરોન્ટો

બસમાં બેસીને અમે નજીકનાં ટ્રેન સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. કોઈ જાણીતા સાથે સફર કરવાનો એક ગેરફાયદો એ કે, રસ્તા અને સ્ટેશન એક પણ યાદ ન રહે અને ફાયદો એ કે, તમે ક્યાં ઉતારવાનું છે તેની ચિંતા કર્યા વિના ટ્રેનો અને બસોમાંથી બહારનો નજારો માણી શકો. બસ જ્યાંથી પસાર થતી હતી એ વિસ્તારો એકદમ શાંત અને સબર્બન લાગતાં હતાં. રસ્તામાં એક મોટું સફેદ રંગનું ઘર જેવું બાંધકામ હતું પણ તેનાં પર કોઈ ડેન્ટીસ્ટનું નામ લખેલું હતું. સૌરભ તરત બોલ્યો
“શું દી, ઓલું ઘર જોવે છે ને?”
મેં કહ્યું “હા. મને પે’લા ઘર જેવું લાગ્યું ‘તું. પણ, ઘર નથી ને?”
“ના, એ પે’લા ઘર જ હતું. હમણાં જ વેંચાઈ ગ્યું થોડાક ટાઈમ પે’લા. હવે ત્યાં કોઈ ડેન્ટીસ્ટ આવી ગ્યો છે. રેહાનાનાં મમ્મીનું ડ્રીમ ઘર હતું એવડું એ. એને એવું ઘર બનાવવું ‘તુ ક્યારેક.”
“તારું અને રેહાનાનું હવે શું છે?”
“કીધું તો ખરું કે, બધું પૂરું.”
“બધું પૂરું એટલે સાવ પૂરું કે, કોમ્પ્લીકેટેડ?”
“હા એટલે એવું જ કંઇક. પછી નિરાંતે ક’ઈશ.”
“ઓ.કે.”

એ દિવસની સફર બાબતે મને ફક્ત એટલું યાદ છે કે, અમે એક બસ અને બે ટ્રેન બદલીને શહેરનાં મધ્યમાં સી.એન ટાવર નજીક એક ટ્રેન સ્ટેશન પર ઊતર્યા હતા. એ દિવસ ખૂબ વાદળછાયો હતો. સૌથી પહેલાં તો મારે એક ચોક્કસ બેન્કનાં એ.ટી.એમની જરૂર હતી. એટલે એ શોધતા અમે આઠેક બ્લોક જેટલું ચાલ્યાં પણ એ.ટી.એમ ક્યાંયે નજરે ન પડ્યું એટલે મેં સૌરભને પૂછ્યું, “તું શ્યોર છો એ બેન્ક અહીં જ છે?” ત્યારે એ ભાઈએ જી.પી.એસ.માં જોવાનું નક્કી કર્યું અને જાણ્યું કે, એ.ટી.એમ તો અમે જે તરફથી આવ્યા હતાં એ તરફ છે. પછી તો મારે “હું છું પછી તારે પૈસાની શું જરૂર છે” અને એવું ઘણું બધું સાંભળવાનું આવ્યું. પણ, વર્ષોથી એ રીતે કોઈ પાસે પૈસા માંગવાની આદત નથી રહી એટલે એ પ્રસ્તાવ મને રૂચે તેવો નહોતો.

અમે ફરી પાછાં ચાલવાની શરૂઆત કરી પણ, ઠંડીમાં એટલું ચાલીને સૌરભને ભૂખ લાગી ગઈ હતી એટલે પહેલાં અમે હતાં ત્યાં એક ફૂડ-ટ્રકમાંથી હોટડોગ ખાવાનું નક્કી કર્યું. તેણે મને પૂછ્યું,
“તારે શું ખાવું છે?”
મેં કહ્યું, “કંઈ નહીં.”
“ખરેખર કંઈ નહીં? કંઇક તો ખા!”
“પણ મને સાચે ભૂખ નથી લાગી.”
પણ, બાળકોને પૂછો ત્યારે ભૂખ ન જ લાગી હોય અને કટાણે લાગે તેવું મારું કામકાજ હતું. અમે માંડ પાંચ મિનિટ આગળ ચાલ્યાં પછી ભૂખ લાગી. ત્યાં બીજું પણ એક હોટડોગ સ્ટેન્ડ હતું પણ સૌરભે ત્યાંથી ખાવાની ના પડી અને કહ્યું,
“પેલું હતું એ જ સારું હતું. આ સારું નહીં હોય.”
મેં ધડ કરી, “હોટડોગ સ્ટેન્ડ બધાં સરખાં જ હોય અને બિમાર પડવાની શક્યતા બધે હોય જ. તને કેવી રીતે ખબર કયું સારું ‘ને કયું નહીં”
તો મને કહે, “અરે આપણે નીકળા ત્યારે જ મેં ડેવિડને પૂછ્યું ‘તું. તારું ધ્યાન નહીં હોય. તેણે મને કીધું ‘તું કે, પે’લા સ્ટેન્ડમાંથી નહીં ખાતો, એ એટલું સારું નથી. બીજમાંથી ખાજે. ચલ આપણે બેંક પાસે જાઈએ છીએ ને ત્યાં ઘણું સારું હશે, ત્યાંથી ખાઈ લેજે.”

અમે નવેક બ્લોક ચાલીને અંતે પેલી બેંક સુધી પહોંચ્યા અને ત્યાંથી પૈસા લીધાં પછી મને શાંતિ થઈ. કેનેડાની નોટો ઓસ્ટ્રેલિયા જેવી જ છે એવું મેં તેને જણાવ્યું તો ભાઈ કહે “હાસ્તો. કેનેડાએ ઓસ્ટ્રેલિયા પાસેથી જ આઈડિયા લીધો ‘તો. તને નથી ખબર? પહેલાં તમારે ત્યાં આવી નોટો આવી. પછી કેનેડાએ ચાલુ કરી.” એમ ગપ્પા મારતાં ચાલતાં હતાં તો ભાઈ મને કહે, “એમ નહીં, આમ ચાલીએ.” મારે કૉફી પીવી છે. મેં કહ્યું “ઠીક. મારે પણ કંઇક ગરમ પીવું છે.” એ મને ટિમ હોર્ટન નામની એક જગ્યાએ લઇ ગયો. અમેરિકામાં પીતી હોઉં છું તેવી જ કંઇક અપેક્ષાથી મેં હોટ ચોકલેટ મંગાવી. પણ, આ તો સાલું ઓસ્ટ્રેલિયામાં ‘ડોમ’ લેવલનું નીકળ્યું (મતલબ ઘણું સારું). એ હોટ ચોકલેટ એટલી માપસર ગળી અને કન્ઝીસ્ટન્ટ હતી કે, દિલ ખુશ થઇ ગયું. ઓસ્ટ્રેલિયાથી શિફ્ટ થયા પછી પહેલી વાર મેં એટલું સારું ગરમ પીણું પીધું હતું. ટોરોન્ટોનું ડાઉનટાઉન પણ પર્થની યાદ અપાવતું હતું. બહુ ભીડ નહીં અને શહેરનાં મધ્યમાં પણ સાન ફ્રાન્સિસ્કોનાં પ્રમાણમાં ઘણી શાંતિ લાગે. ત્યાં હું આરામથી મારી હોટ ચોકલેટ પીતી હતી તો ભાઈ કહે “હવે થોડી જલ્દી કરજે હો. કાં તો હવે ચાલતાં ચાલતાં પીએ” મેં કહ્યું “કેમ? તારી કો’ક ફ્રેન્ડની રાહ નથી જોવાની?” “ના, હવે નથી લાગતું એ આવે. મોડું પણ થવા લાગ્યું છે એટલે હવે વધુ રાજ જોઈશું તો સિ.એન. ટાવર પરથી કંઈ જોવાની મજા નહીં આવે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. કાલે તો આપણે નાયગ્રા ફોલ્સ જવાનાં.”

ફરી અમે જ્યાંથી ચાલીને આવ્યા હતાં એ તરફ ગયાં અને સિટી એક્સપ્લોરર પાસ લઈને ટાવર તરફ અંદર ચાલવા લાગ્યાં. બેઝ લેવલ પર ટાવરમાં જવાની લિફ્ટનાં પ્રવેશદ્વાર તરફ જતાં વચ્ચે કાચની દીવાલોમાંથી આરપાર દેખાતું હતું. ટાવરની બરાબર બાજુમાં એક સ્ટેડિયમ હતું અને બીજી તરફ ટ્રેનનાં પાટા દેખતાં હતાં. ઉપર જતાં ગયાં તેમ લિફ્ટમાંથી બહારનો શહેરનો નજારો વધુ ને વધુ સ્પષ્ટ અને કોઈ અડચણ વિના દેખાતો હતો.

સૂર્યાસ્ત થવાને થોડી જ સેકન્ડોની વાર હતી ત્યારે અમે એકદમ ઉપર પહોંચ્યા હતાં. આકાશ સાફ હતું. ઉપરથી સૂર્યને બરાબર ઢળતો જોઈ શક્યા પછી થોડી માટે સંધ્યાનાં રંગો પથરાવા લાગ્યાં. ત્યાં કાચની બારીઓ પાસે અમે લગભગ અડધી-પોણી કલાક ઊભા રહ્યાં અને શહેરની રોશની જોતાં રહ્યાં.

હાઈવે પરથી પસાર થતી ગાડીઓ નાની રમકડાં જેવી લાગતી હતી અને દૂરથી આવતી હોય ત્યારે તો જાણે રોશનીનો દડો જ સામે આવતો હોય તેવું લાગે. ટોરોન્ટો બહુ વિચિત્ર પ્રકારનું ખૂબસૂરત હતું. ત્યાંની ખૂબસૂરતી કોઈ હાર્ટ-બ્રેકિંગ મૂવીનાં સેટ જેવી હતી. એ જગ્યાએ ‘ઈટર્નલ સનશાઇન ઓફ અ સ્પોટલેસ માઈન્ડ’ જોતી વખતે થતી તેવી લાગણીઓ અનુભવાતી હતી.

થોડો સમય થયો એટલે પછી બાકીની સાંજ શું કરીશું એ વિચારવા લાગ્યાં. મને અચાનક મૂવીનો વિચાર આવ્યો અને સૌરભ તરત માની ગયો. નવાં મૂવિઝમાં સારું કયું હશે એ વિચારવા લાગ્યાં ત્યાં મને તમાશા યાદ આવ્યું. સૌરભે જોયું તો ડંડા સ્ક્વેર થીયેટરમાં તમાશાની ટિકિટ ઉપ્લબ્ધ હતી એટલે અમે ૯ વાગ્યાની ટિકિટો લીધી. છેલ્લે અમે સાથે ૨૦૦૯માં હું ઓસ્ટ્રેલિયા જવા નીકળી એ પહેલાં હેરી પોટર જોવા ગયાં હતાં એટલે છ વર્ષે ફરી સાથે પિક્ચર જોવા મળશે એ વિશે અમે બહુ ખુશ હતાં. સિ.એન ટાવરનો કાર્યક્રમ સાડા છ આસપાસ પત્યો પછી અમે ડંડા સ્ક્વેર તરફ માર્કેટ બાજુ ચાલવા લાગ્યાં. કપડાં અને એક્સેસરીઝમાં સૌરભનો ટેસ્ટ હજુ પણ એટલો જ મોંઘો અને એલીગન્ટ હતો. અચાનક ચાલતાં ચાલતાં મારું ધ્યાન એક શેરીમાં બરાબર વચ્ચે દેખતાં ચંદ્ર પર ગયું. એ દિવસે ત્યાં ચાંદો વિશાળ થાળ જેવો મોટો અને પરફેક્ટ ગોળ દેખાતો હતો. તેનો ફોટો લેવાની મેં ઘણી કોશિશ કરી પણ કુદરતની દરેક કરામતોની જેમ તેની સુંદરતા પણ ફોટોમાં લઈ શકવી અશક્ય હતી.

અમે થોડી વાર ત્યાંનાં મોલમાં આંટો મારવાનું વિચાર્યું. થેન્ક્સગિવિંગ નિમિત્તે બધે જ સેલ ચાલતાં હતાં એટલે અમને થોડો તેનો લાભ પણ મળ્યો અને મેં ત્યાંથી એક સુંદર નિટેડ ટી-શર્ટ ખરીદ્યું.

પછી ફૂડ-કોર્ટમાં જમીને થિયેટર તરફ રવાના થયાં ત્યારે થોડું મોડું થઇ ગયું હતું અને સૌરભને અચાનક મેન્ગો સ્મૂધી લેવાનું સૂજયું હતું. એટલે, બુદ્ધિ લગાવીને મેં ઉપર જઈને ટિકિટ લેવાનું નક્કી કર્યું અને એ સ્મૂધી લે ત્યાં સુધીમાં મેં અંદર સારી સીટ શોધીને અમારાં માટે જગ્યા રોકી. અમારો ટીમ એફર્ટ રંગ લાવ્યો અને અમને સારી સીટો અને સ્મૂધી બંને મળી રહ્યાં.

કેનેડાનાં થિયેટર્સમાં મૂવી શરુ થાય એ પહેલાં એકાદ મિનિટ માટે એક ઇન્ટરેસ્ટિંગ પોપ-ક્વિઝ ચાલતી હોય છે. સ્ક્રીન પર પ્રશ્નો અને વિકલ્પો મૂકાતા જાય અને લોકો પોતાનાં ફોનમાં થિયેટરની એપ પરથી સાચો જવાબ પસંદ કરી શકે અને છેલ્લે સ્કોરબોર્ડ જોવા મળે. એ જીતવા પર ડિસ્કાઉન્ટેડ મૂવી ટિકિટ વગેરે પણ મળે. મૂવીએ આખો વખત અમને બંનેને બરાબર જકડીને રાખ્યા હતાં. અમે ત્યાંથી બહાર નીકળ્યા પછી પણ થોડાં એ જ ઝોનમાં રહ્યાં હતાં. થિયેટરની બહાર જ્યાંથી પોપ-કોર્ન વગેરે મળે ત્યાંથી સૌરભે સ્મૂધિની બેગ લીધી એટલે મને આશ્ચર્ય થયું કે, એ સ્મૂધી પી નહોતો ગયો? તેણે ત્યાં રાખી હતી? તો ભાઈ કે, “હા તો. ત્યાં અંદર થોડાં લઇ જવા દે? અને એમ કંઈ આટલી સારી સ્મૂધી જવા થોડી દેવાય?” પછી એ તો ફટાફટ પી ગયો પણ મારાંથી અડધી સ્મૂધી પણ ન પીવાઈ. તો એ ફેંકવા પણ ન દે. ધરાર એ અધૂરી સ્મૂધી ઘર સુધી પકડાવી રાખી.

અમે ત્યાંથી નીકળ્યા ત્યારે સવા બાર જેવું થયું હતું. રસ્તામાં મેં કહ્યું ચલ ને દારૂ પીવા જઈએ. તો એ મને તેનાં એક જાણીતાં પબમાં લઇ ગયો. ત્યાં અમે બિયરનો એક જગ મંગાવ્યો અને તેમાં વોડ્કાનાં બે શોટ્સ મિક્સ કરીને ચીયર કર્યું. ઇમોશનલ મૂવીની અસર અને તેમાં દારૂનાં મિશ્રણથી બધી ‘રિયલ ડીલ’ વાતો બહાર આવવા લાગી. અત્યાર સુધી તો અમે ફક્ત હાહા-હીહી જ કર્યું હતું. પણ, હવે ફાઈનલી જીવનમાં શું-શું બરાબર નહોતું તેની વાત શરુ કરી. અમારો ઈમો સેશન દોઢેક કલાક ચાલ્યો. મેં તેની પાસે ફરિયાદ પણ કરી લીધી કે, તેને દોઢ વર્ષમાં એક પણ વખત ફોન કરવાનું ન સૂજયું! મેં તેને એ પણ કહ્યું કે, મને ડર લાગવા માંડ્યો હતો કે, અમારો બોન્ડ ધીરે ધીરે ઢીલો થતો જશે અને દિવસે દિવસે અમે વધુ ને વધુ દૂર જતાં જશું. એ હદ સુધી કે પછી મળીશું ત્યારે પણ ફક્ત ઉપર ઉપરની અને ફોર્મલ વાતો જ થવા લાગશે. તેણે માફી માંગી અને મને જણાવ્યું કે, એ સમયે તેનાં જીવનમાં શું ચાલતું હતું અને કેમ એ કોઈ સાથે બહુ કોન્ટેક્ટ નહોતો રાખી શક્યો. તેણે મને ખાતરી પણ આપી કે, એવું કંઈ જ નહીં થાય. એ ઈમો સેશન ત્યારે અમારા બંને માટે કદાચ ખૂબ જ જરૂરી હતો. અમે બંને અમારી પરિસ્થિતિઓમાં ઘણાં વર્ષોથી એકલાં જ લડતાં રહ્યાં હતાં અને હવે ફાઈનલી અમે એટ લીસ્ટ એક જ ખંડમાં હતાં અને એકબીજાથી પાંચ કલાકની ફ્લાઈટની જ દૂરી પર હતાં એ હકીકત પહેલી વખત અનુભવાઈ રહી હતી.

ટોરોન્ટો

કેનેડા, ટોરોન્ટો

ટોરોન્ટોમાં ઈમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શનનું ચેકિંગ બહુ જ સહેલું છે. જો કે, ત્યાં પહોંચતા જ મારા ધ્યાનમાં આવ્યું કે, આ એરપોર્ટ પર કોઈ પાસેથી કોઈ માહિતી જોઈતી હોય તો કોઈને ખાસ કંઈ ખબર નથી અને પડી પણ નથી. જો ઓસ્ટ્રેલિયા ‘laid back’ કહેવાય તો ટોરોન્ટો તો – It takes ‘laid back’ to another level કક્ષાની જગ્યા છે. ત્યાં જતાંનાં બે-ત્રણ કલાકમાં જ મને સમજાઈ ગયું કે, ઓસ્ટ્રેલિયન્સને કેનેડા આટલું કેમ ગમે છે અને અહીં ઘણાં બધાં ઓસ્ટ્રેલિયન્સ વર્કિંગ-હોલીડે વિઝા લઈને કેમ આવે છે. ઈમિગ્રેશન ફોર્માલિટી પતાવીને ધડકતા હૃદયે હું ‘અરાઈવલ લાઉન્જ’ પહોંચી. લેન્ડ થઈને તરત જ મેં સૌરભને ફોન કર્યો હતો એટલે એ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે તેનો કોઈ મિત્ર આવ્યો હતો.

તેણે “કાં દી!” કહીને હાથ મિલાવવા માટે લંબાવ્યો એટલે જવાબમાં હું બંને હાથ લંબાવીને તેને ભેટી પડી. પછી અમે પાર્કિંગ તરફ ચાલ્યાં ત્યારે તેણે મારી બેગ ઉપાડવાની ઓફર કરી તો મેં જવાબમાં હસીને “I am a strong, independent modern woman” એવી વાઈડાઈ ઓફર કરી. એટલે તેણે સામે હસીને કહ્યું “તો ઉપાડ” દસેક સેકન્ડમાં તેનાં મિત્રે તેને મારી બેગ લેવાનું સૂચન કર્યું. પણ, તેણે હસીને તેને કહ્યું કે, “ના, જરૂર નથી. એ સ્ટ્રોંગ .. પછી શું હતું, દી?” પછી અમે હસવા લાગ્યાં. મને થયું ચાલો, એટલી તો ખબર પડી કે બીજા જે કંઈ ફર્ક પડયા હોય તે. પણ, તેની સેન્સ ઓફ હ્યુમર હજુ બરકરાર છે.

એરપોર્ટથી શહેર તરફ જતાં અમે તેનાં ડ્રાઈવર્સ લાઈસન્સ વિશે વાત કરી રહ્યાં હતાં. મને એવો ખ્યાલ હતો કે, તેની પાસે ત્યાં કાર હતી. પણ, નહોતી. તેની પાસે ત્યાંનાં લાઈસન્સની લર્નર્સ પરમિટ હતી પણ લાઈસન્સ નહોતું. તો મેં તેને કહ્યું કે, આપણે કાર હાયર કરી શકીએ. એ ડ્રાઈવ ન કરી શકે પણ હું તો ડ્રાઈવ કરી શકું એક ટૂરિસ્ટ તરીકે મારાં ઓસ્ટ્રેલિયન લાઈસન્સ પર. પછીની દસેક મિનિટ અમે શું કરવું, કેવી રીતે કરવું તેનાં પ્લાન બનાવતાં રહ્યાં. પછી પાંચેક સેકન્ડનો એક પોઝ લઈને મેં કહ્યું “shit!” પછી હું આગળ કંઈ બોલું એ પહેલાં એ જ હસતાં હસતાં બોલી ગયો “શું થ્યુ? લાઈસન્સ લઇ આવતાં જ ભૂલી ગઈ છો ને?” એટલે મેં હસીને હા કહી. પછી તેણે નિરાશામાં માથું હલાવીને હસતાં હસતાં કહ્યું “ખબર જ હતી. આવા ને આવા!” પછી એ, હું અને તેનો મિત્ર અમે ત્રણે હસતાં રહ્યાં.

રાત્રે લગભગ અગિયાર વાગ્યા હતાં અને જેક એસ્ટર નામની એક જગ્યાએ અમે જમવા માટે રોકાયા. ત્યાં દરેક ટેબલ પર એક લાંબો ખાખી કાગળ પાથરેલો હતો અને દરેક ટેબલ પર ક્રેયોન્સ હતાં. એ જોઇને મને બહુ આશ્ચર્ય થયું હતું અને બહુ મજા પણ આવી હતી. એ લોકો બધાંને ટેબલ પર લખવા કે ડૂડલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં અને એવું મેં પહેલી વાર ક્યાંય જોયું હતું.અમે બેઠાં હતાં ત્યાંથી લગભગ છએક મીટર દૂર કાગળનો એક લાંબો મોટો રોલ પણ મારી નજરે ચડ્યો હતો. એ કાગળ પછી તમને ઘરે લઇ જવા દે. હું તો સ્કૂલનાં બાળકની જેમ ઉત્સાહિત થઇ ગઈ. પણ, એટલી રાત્રે પાંચ કલાકની ફ્લાઈટ પછી શું દોરવું એ સૂજતું નહોતું એટલે મેં મારું અને સૌરભનું નામ લખી નાંખ્યું.

વેઈટર આવ્યો અને અમે જમવાનું ઓર્ડર કર્યું ત્યારે તેણે મને પૂછ્યું, “કાં દી તું તો કહેતી ‘તી ને કે, બિયર પીશ આવીને? નથી પીવી?” ત્યારે મેં કોકટેઈલ ઓર્ડર કર્યું.ભારત હતા ત્યારે ખૂબ સાથે બેસીને એક થાળીમાં જમ્યા છીએ. એ દિવસે અમે પહેલી વખત સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. એ કોકટેઈલનો ગ્લાસ બહુ જ સુંદર હતો અને કોકટેઈલ બહુ જ ખરાબ હતું – એકદમ ગળ્યું ગળ્યું. મારાંથી પી શકાયું એટલું પીધું અને પછી છોડી દીધું. બહાર નીકળતી વખતે મેં ત્યાં લગાવેલાં પેઇન્ટિન્ગ્સ અને વોલ-પોસ્ટર્સ જોયાં. એ બધાં પણ એટલાં જ કલાત્મક અને યુનીક હતાં.

મને ટોરોન્ટો પહેલી રાતથી જ ગમવા માંડ્યું હતું. ત્યાંથી ઘર તરફ પ્રયાણ કર્યું ત્યારે કારમાં સૌરભે મને યોન્ગ સ્ટ્રીટ દેખાડી અને તેનાં વિશે માહિતી આપતાં કહ્યું કે, એ દુનિયાની લાંબામાં લાંબી સ્ટ્રીટ માનવામાં આવે છે.સૌરભનો મિત્ર અમને ઘરે છોડી ગયો પછી સૌથી પહેલું ધ્યાન મારું ક્રિસમસ ડેકોરેશન પર ગયું હતું. તેનાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગનાં પ્રવેશદ્વાર પાસે ક્રિસમસની મસ્ત સજાવટ કરેલી હતી. નાનાં રેઇન્ડીયર, ક્રિસમસ ટ્રી અને સ્નો-ફ્લેકની રોશનીથી એલીવેશન બહુ જ સુંદર લાગતું હતું.

તેનું ઘર લગભગ નવમાં કે દસમાં માળ પર હતું એટલે ત્યાંથી બહારનો નજારો ખૂબ સુંદર દેખાતો. મને એ જગ્યા અનહદ ગમી હતી. બે પુરુષો જ રહેતાં હોય તેનાં માટે એ ઘર ખૂબ સુંદર રીતે સજાવેલું અને સાચવેલું હતું. તેનો હાઉઝમેટ – ડેવિડ એ ઘરનો માલિક પણ હતો અને તે ઈરાની હતો. તેણે ખૂબ જ સુંદર ઘર-સજાવટની વસ્તુઓ પસંદ કરી હતી અને ઘરનાં દરેક ખૂણે થોડો ઈરાની ટચ આંખે ઊડીને વળગતો હતો.સૌરભનાં રૂમમાં સામાન ગોઠવીને અમે બિયરનાં કેન્સ ખોલ્યાં અને નિરાંતે વાતો કરવા લાગ્યાં. દોઢ-બે વર્ષનો ડોઝ ચાર દિવસમાં પૂરો કરવાનો હતો ને!

લગભગ બે વાગ્યા આસપાસ ડેવિડ કામ પરથી ઘરે આવ્યો. પછી એ પણ અમારી સાથે જોડાયો. તેનું ઇંગ્લિશ ભાંગેલું-તૂટેલું હતું એટલે થોડું સમજવામાં શરૂઆતમાં મને મુશ્કેલી પડી હતી પણ પછી ધીરે ધીરે એ પણ ગોઠવાઈ ગયું. એ રાત્રે અમે ત્રણે સાડા ત્રણ – ચાર સુધી જાગ્યા હતાં અને ખૂબ ગપાટા માર્યા હતાં. પછીનાં દિવસે સવારે મારાં ડાહ્યા શેફ ભાઈએ મારાં માટે ગરમ નાશ્તો બનાવ્યો હતો. તેમાં ડેવિડે પણ થોડો ઈરાની ટચ ઉમેર્યો હતો અને એ મેં ખૂબ માણ્યો હતો. નાશ્તો કહો કે લન્ચ, બધું એક જ હતું. અમે અઢી વાગ્યા આસપાસ માંડ ઘરેથી બહાર નીકળ્યા. તેનાં બિલ્ડિંગની આસપાસ બિલકુલ પહાડોમાં લાગે તેવી શાંતિ લાગતી.

વળી, એ સમય પાનખરનાં અંતનો હતો એટલે બધાં જ વૃક્ષો પરથી પાન બિલકુલ ખરી ગયાં હતાં અને ફક્ત કોરાં ઠૂઠા નજરે પડતાં હોય તેવું લાગતું હતું.

સાંભળ્યું હતું કે, ઋતુઓ સામાન્ય સ્થળોમાં ફક્ત અનુભવાય, પણ પહાડોમાં ઋતુઓ દેખાય. એ વાત ટોરોન્ટો માટે પણ એકદમ સાચી હોતી હશે તેવું લાગ્યું હતું. એ નીરવ શાંતિમાંથી બસમાં બેસીને અમે ટોરોન્ટો સિટી-સેન્ટર તરફ પ્રયાણ કર્યું.

ટોરોન્ટો – ઉડતાં પહેલાની વાત

કેનેડા, ટોરોન્ટો

Hey all! હું જાન્યુઆરીમાં બ્રેક પર હતી એટલે બ્લોગ પણ બ્રેક પર હતો. હવે ફરીથી રાબેતા મુજબ પોસ્ટ્સ શરુ કરું છું અને આ વર્ષે પણ ગયા વર્ષની જેમ નિયમિત રહેવાનો પ્રયત્ન કરતી રહીશ.

છેલ્લે તમે ઓસ્ટિન ટ્રિપનો અહેવાલ વાંચ્યો અને ફોટોઝ જોયાં. ત્યાર પછીની વાત છે મારી ટોરોન્ટો (કેનેડા) ટ્રિપની…


ઓસ્ટિનથી પાછી ફરી ત્યારે બા ગૂજાર્યાને હજુ બે અઠવાડિયા જ થયા હતાં. એ ટ્રિપ નવી જગ્યા જોવા મળી તે દ્રષ્ટિકોણથી રોમાંચક હતી. પણ, બાકી મને બહુ વિચિત્ર રીતે ખાલી-ખાલી લાગ્યા કર્યું હતું અને હવે પછી ક્યાંયે ટ્રાવેલ કરવાનું મન નહોતું થતું. કોઈ જ નવા લોકોને મળવાનું મન નહોતું થતું. ક્યાંયે ફરવા જાઉં અને પરાણે હસવું-બોલવું તેનાં કરતાં તો ઘરે જ રહું એ બરાબર લાગતું હતું.

સપ્ટેમ્બર પછીનો લોન્ગ-વીકેન્ડ નવેમ્બરનાં અંતમાં ‘થેન્ક્સગિવિન્ગ’ નિમિત્તે આવવાનો હતો અને ત્યારે શનિ-રવિ ઉપરાંત ગુરુ-શુક્રની પણ રજા હોવાની હતી. જો એ લોન્ગ વીકેન્ડ પર કોઈ પ્લાન ન કરું, ક્યાંયે ફરવા ન જાઉં અને ઘરે જ રહું તો હું બહુ જ કંટાળવાની હતી એ વિશે બે મત નહોતો. વળી, સમયને ધ્યાનમાં રાખીને એ ટ્રિપનું પ્લાનિંગ અને બુકિંગ ઓસ્ટિનથી પાછી ફરી એ અઠવાડિયામાં જ કરી લેવું પડે તેમ હતું. આમ, ત્યારની લાગણીઓને ધ્યાનમાં રાખીને મેં વચ્ચેનો રસ્તો વિચાર્યો. ટ્રાવેલ પણ થાય અને નવાં લોકો સાથે બહુ હસવું-બોલવું પણ ન પડે તેવો – ટોરોન્ટો જઈને મારાં કઝિનને મળવાનો. એ પ્લાન એટલો સારો હતો કે, એમ કરવાનો વિચાર મને પહેલાં કેમ ન આવ્યો એ વિશે મને આશ્ચર્ય થયું. :D

સૌરભ મારાં કાકાનો દીકરો છે. એ મારાંથી બે જ વર્ષ નાનો છે એટલે નાનપણથી અમારો સંબંધ મિત્રોનો રહ્યો છે. વળી, સ્વભાવની દૃષ્ટિએ પણ અમે નાના હતાં ત્યારથી અમારી વેઇવલેન્ગ્થ મળતી આવે છે એટલે અમારી મૈત્રી પહેલેથી ખૂબ મજબૂત રહી છે. તેને હું છેલ્લે ભારતમાં ૨૦૧૧ની શરૂઆતમાં મળી હતી. એટલે, ૨૦૧૫નાં અંતમાં તેને મળું તો લગભગ પાંચ વર્ષે તેને મળતી હોઉં. એટલે એ એકસાઈટિંગ હોવાનું જ. પણ, અમારો બાકીનો પરિવાર તો કદાચ અમારાં કરતાં પણ વધુ ઉત્સાહી અને ખુશ હોય એ વાતથી.

૨૦૧૧નાં અંતમાં એ ટોરોન્ટો ગયો પછી સંજોગોવશાત એ હજુ સુધી ફરી ભારત પાછો નથી ફરી શક્યો. આ લખું છું એ વર્ષ 2015 છે. હજુ તેને પાછા ફરતા કેટલો સમય લાગશે એ અમને કોઈને નથી ખબર. વચ્ચે તેને સ્વાસ્થ્યને લગતી થોડી મુસીબતો પણ થઇ હતી. વળી, એકાદ બે વખત તેણે ભારત જવાનો પ્લાન કરીને અંતે કેન્સલ કરવો પડ્યો હતો અને તેવું ઘણું બધું થયું હતું. તેને ત્યાં ટોરોન્ટોમાં પણ અમારાં પરિવારમાંથી કોઈ મળવા નહોતું ગયું અને હું જાઉં તો હું સૌથી પહેલી હોવાની હતી. એટલે સ્વાભાવિક રીતે જ હું ત્યાં ક્યારે જાઉં તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં બધાં. ખાસ એટલા માટે કે, હું પોતે ત્યાં જઈને તેનું જીવન અને તેની પરિસ્થિતિ જોઉં તો ઓછામાં ઓછું પરિવારની એક વ્યક્તિએ કન્ફર્મ કર્યું હોય કે, એ બરાબર છે અને ખુશ છે.

જ્યારે હું સૌથી પહેલી વાર અમેરિકા ફરવા આવવાની હતી એ વખતથી શરુ કરીને બા સમયાંતરે પપ્પાને પૂછતાં કે,એ હવે કેનેડા ક્યારે જવાની છે સૌરભને મળવા? બા જયારે અંતિમ દિવસો ગણતા હતા ત્યારે તેમને મમ્મીએ અને કાકીએ પૂછ્યું હતું, “એ બંનેને બોલાવી લઈએ?” તેનાં જવાબમાં તેમણે ના પાડી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે,સૌરભને કહેજો કે, કેનેડામાં સ્થાયી થવા માટેની બધી જ વિધિ પતાવીને જ આવે હવે જયારે આવે ત્યારે. તેમણે સૌરભનાં કેનેડા માટે નીકળ્યા પછી તેને જોયો જ નહોતો. કદાચ છેલ્લે તેમની ઈચ્છા પણ થઇ હશે તેને મળવાની. પણ, એ એટલાં પ્રેક્ટિકલ વ્યક્તિ હતાં કે, તેમને અમને – ખાસ સૌરભને મળવાની ઈચ્છા હોય પણ ખરી તોયે એ કહેત નહીં. મારા કેનેડા જવાથી અનાયાસે જ તેમની એ ઈચ્છા પણ પૂરી થઇ રહી હતી કે, હું સૌરભને મળવા ટોરોન્ટો જાઉં અને પરિવારનું કોઈ તો તેને મળે!

મારાં વિચારથી મમ્મી-પપ્પા બહુ જ ખુશ થયાં હતાં. પણ, જ્યાં સુધી ટિકિટ ન લઇ લઉં ત્યાં સુધી મેં સૌરભને કાકા-કાકીને કહેવાની ના પાડી હતી. જો નસીબજોગે હું એ ટ્રિપ પ્લાન ન પણ કરી શકું તો તેમનાં ઉત્સાહ પર પાણી ફરે તેવું હું નહોતી ઈચ્છતી. અંતે ઓસ્ટિનથી પાછાં આવ્યા પછી બે અઠવાડિયામાં જમેં ટોરોન્ટોની રિટર્ન ફ્લાઈટ બૂક કરાવી હતી અને પાંચ દિવસ માટે હું સૌરભને મળવા જઈ રહી છું એમ કાકા-કાકીને અને મારાં પેરેન્ટ્સને જણાવ્યું હતું. એ સાંભળીને ધાર્યા પ્રમાણે જ ઘરમાં બધાં જ બહુ ખુશ થયાં હતાં.

સૌરભનાં કામનાં સ્કેડ્યુલ અને અમારાં ટાઈમઝોનનાં ફર્કનાં કારણે અમે છેલ્લાં એક-દોઢ વર્ષથી બહુ સંપર્કમાં નહોતાં રહી શકયાં. મોટાં ભાગે મને તેનાં જે કંઈ ખબર મળતાં એ કાકા-કાકી દ્વારા જ મળતાં. તેની પરિસ્થિતિ હું સમજતી હતી પણ તેનાં બહુ લાંબા સમયથી સંપર્ક બહાર રહેવાનાં કારણે હું તેનાંથી થોડી ગુસ્સે પણ હતી. આવામાં પાંચ વર્ષે મળીએ તો એ ભાઈ જેની સાથે મારી ગાઢ દોસ્તી હતી એ જ સંબંધ હશે કે એ સમીકરણ બદલાઈ ગયું હશે એ વિશે વિચારતી રહી હતી. તેનામાં અમુક આંખે ઉડીને વળગે ફેરફારો તો થયાં જ હશે એમ અનુમાન લગાવ્યું હતું પણ, એ ફેરફારો કઈ દિશામાં અને કઈ બાબતોમાં હશે એ વિશે હું વિચારતી રહી હતી. એ મને એરપોર્ટ લેવા આવવાનો હતો અને પછી અમે સાથે ડીનર કરવાનાં હતાં. પ્લેનમાં બેઠાં બેઠાં હું એ જ વિચારી રહી હતી કે, તેને આટલાં સમય પછી મળું ત્યારે શરૂઆતનાં એક-બે દિવસ બહુ ‘ઓકવર્ડ’ લાગશે કે શું? તેનું વયસ્ક-જવાબદાર વર્ઝન પણ તેનાં બાળપણનાં વર્ઝન જેટલું જ હૂંફાળું અને આવકારભર્યું હશે કે કેમ?

ટોરોન્ટોની ઠંડીમાં ચાલે તેવાં શૂઝ મારી પાસે નહોતાં એટલે મેં ઉડતા પહેલા શૂ-શૉપિંગ કર્યું અને નવાં શૂઝનું ઉદ્ઘાટન ફલાઇટનાં દિવસે કરવામાં આવ્યું!

ગૂડબાય ઓસ્ટિન!

અમેરિકા, ઓસ્ટિન

એ બપોરે કળાનાં કુંભમેળામાંથી – સાઉથ કોન્ગ્રેસથી બસ પકડીને હું ગ્રફીટી પાર્ક તરફ જવા લાગી. ફોનમાં જીપીએસ દસ મિનિટ બતાવતું હતું એટલે મને લાગ્યું કે, બહુ ચાલવું નહીં પડે. પણ, ફરી મેપ્સે દગો દઈ દીધો. એ ભયંકર તડકામાં વીસેક મિનિટ ચાલવું પડ્યું. એ એટલું આકરું લાગ્યું હતું કે, ગ્રફીટી પાર્કમાં અંદર તો મેં ફક્ત પાંચ મિનિટ માંડ વિતાવી હશે. ત્યાં પાર્કમાં દોરાતી તમામ ગ્રફીટીનાં ફોટોઝ એક માણસ પાડતો અને એ ફોટોઝની વિવિધ પ્રિન્ટ્સનાં કાર્ડ્સ, પોસ્ટકાર્ડ્સ વગેરે વેચતો. તેની દુકાન એક નાની ખુલ્લી વાન જેવી હતી. મારી લિફ્ટની રાહ જોતાં હું એ વાનમાં ગઈ. રીતસર ઓગળી ગઈ અંદર જઈને. એ માણસ આખો દિવસ તેમાં કઈ રીતે બેસતો હશે એ તો ભગવાન જ જાણે. લિફ્ટ આવ્યા પછી ફરી એર-કંડીશનરની એટલી રાહત થઇ કે ન પૂછો વાત! એ શેરી જો કે, સિંગલ-લેન હતી અને બરાબર હું હોસ્ટેલ જવા રવાના થઇ તે જ સમયે ત્યાં બંને બાજુથી ટ્રાફિક એટલો વધી ગયો હતો કે, અમને એ એક શેરીમાંથી બહાર નીકળતાં જ દસેક મિનિટ થઇ હશે. અંતે હોસ્ટેલ પહોંચી ત્યારે લગભગ સાડા ચાર જેવો સમય થયો હતો.

અંદર જઈને જોયું તો રૂમમાં એક નવી છોકરી આવી હતી. એ કોલેજ સ્ટુડન્ટ હતી. તેની સાથે થોડી વાત કરીને હું થોડી વાર ઊંઘવા માટે ગઈ. ઊઠીને પછી આગલી રાતે મળ્યાં હતાં એ જ બધાં લોકો સાથે ડીનર માટે અમે બહાર નીકળ્યાં. પ્લાન તો કોઈ સારા રેસ્ટોરાંમાં જઈને ટેકસન બાર્બેકયુ ખાવાનો હતો. પણ, એ જગ્યાનાં સજેશ્ચનમાં યેલ્પે દગો કર્યો અને અંતે હરી-ફરીને અમે ફૂડ ટ્રક પર જ આવ્યાં. ત્યાંથી ફરી પાછાં હોસ્ટેલ આવ્યા ત્યારે મારાં રૂમમાં બીજી એક નવી છોકરી આવી હતી. તેની સાથે વાત કરી તો ખબર પડી કે, એ મૂળ પર્થની હતી અને સાઉથ અમેરિકા એક મહિના જેવો સમય ટ્રાવેલ કરીને ત્યારે યુ.એસ.એ ટ્રાવેલ કરવા આવી હતી. તેને મેં રાત્રે સાથે બહાર આવવાનું ખૂબ કહ્યું. પણ, એ ત્યાં એક જ દિવસ રોકાવાની હતી અને તેની પાસે બે બેગ ભરીને કપડાં હતાં જે તેને આગળ વધતાં પહેલાં ધોવા પડે તેમ હતાં. એટલે સાથે બહાર જવાનો પ્લાન પડતો મુકાયો પણ રૂમમાં સારી એવી વાત-ચીત થઇ ગઈ.

તેનું નામ સેરા હતું. તેને મેં સિડની અને મેલ્બર્નનાં છોકરાંઓ વિશે જણાવ્યું અને પર્થની કોઈ પ્રવાસી મળી એ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારે તેણે મને પર્થની બીજી બે છોકરીઓ વિશે જણાવ્યું. એ સાંજે હું કોમન રૂમમાં બેઠી હતી અને એક ઇંગ્લિશ છોકરી સાથે વાત કરી રહી હતી ત્યારે એક પછી એક લોકો રૂમમાં અંદર આવવા લાગ્યાં અને મારાં આશ્ચર્યે તેમાંનાં ચાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં હતાં. સેરાએ જે બે છોકરીઓની વાત કરી હતી એ બંને છોકરીઓ ન્યુ-યોર્કમાં રહેતી અને કામ કરતી હતી. હજુ તેમની સાથે વાતો જામી જ હતી ત્યાં તો મેલ્બર્નનાં બે છોકારાઓ પણ આવી પહોંચ્યા અને અંતે સેરા આવી. આમ, એ રૂમ જાણે પૂરેપૂરો ઓસ્ટ્રેલિયન રૂમ બની ગયો હતો. એ બેઠક લગભગ એકાદ કલાક જેવી ચાલી અને પછી બધાંએ સાથે બહાર જવાનું નક્કી કર્યું રેડ રિવર ડિસ્ટ્રિક્ટ તરફ.

આમે કુલ નવ લોકો સાથે બહાર ગયાં હતાં એટલે એક ઉબરમાં એક વધારે વ્યક્તિએ જવું પડે તેમ હતું. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે કોઈ કારમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓનું બેસવું ગેરકાનૂની છે. પણ, અમેરિકામાં એવો કોઈ નિયમ નથી એ જાણીને મને નવાઈ લાગી. અમે રેડ રિવર પહોંચ્યાં ત્યારે હું તો આભી બનીને જોઈ રહી. રીતસર ચાર બ્લોક ઉત્તર-દક્ષિણ અને ચાર બ્લોક પૂર્વ-પશ્ચિમ શેરીઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવી હતી. આપણે ત્યાં દિવાળી વખતે મુખ્ય બજારો ફક્ત રાહદારીઓ માટે ખુલ્લી હોય છે તેમ. પણ, અહીં એવું દર વીકેન્ડ પર થતું! એ વિસ્તારમાં ફક્ત પબ્સ, ક્લબ્સ અને રેસ્ટોરાં/ઈટરિઝ જ હતાં અને જ્યાં જુઓ ત્યાં માણસોનો દરિયો.

કોઈને પણ ત્યાંની સારી જગ્યાઓની વધુ માહિતી નહોતી. એટલે, અમને બહારથી ઠીક લાગી તેવી એક જગ્યામાં અમે બધાં ઘુસી ગયાં. અંદર ડ્રિન્ક્સ એકદમ સસ્તાં હતાં. પણ, મ્યુઝિક મોટાં ભાગે રેપ જ હતું. ત્યાંનું ક્રાઉડ પણ થોડું વિચિત્ર અને ઘણું બધું મનોરંજક હતું. અમે થોડો સમય તો ફક્ત આસપાસ જોતાં રહ્યાં અને હસતાં રહ્યાં. બે-ત્રણ ડ્રિન્ક્સ પછી બધાં કંટાળ્યા એટલે અમે બહાર નીકળીને ચાલતાં જતાં નવી જગ્યા શોધવા લાગ્યાં. અંતે એક રૂફટોપ બારમાં મુકામ કર્યો. તેની અગાશી વિશાળ હતી. મારે જો કે, એ ગરમીમાં બહુ બહાર રહેવું નહોતું. પણ, બધાંની એ ઈચ્છા હતી એટલે તેને માન આપીને હું પણ ગઈ હતી. એ જગ્યા હતી અદ્ભુત. પણ, મને કદાચ ત્યાં શિયાળામાં વધુ મજા આવી હોત.

કમિલ નામની એક ડાલસની છોકરી અને મેટ નામનો એક સિએટલનો છોકરો મારાં સારાં મિત્ર બની ગયા હતા એટલે એ રાત્રે જ્યાં પણ ગયાં ત્યાં દરેક જગ્યાએ અમે ત્રણ લગભગ સાથે જ ફર્યાં હતાં. હું ઘણાં સમયથી ઊભી રહીને થાકી ગઈ હતી એટલે એ અગાશી પર એક સ્ટેજ જેવું કંઇક લગાવેલું હતું તેનો ઓટલો કરીને બેસી ગઈ. થોડાં જ સમયમાં કમિલ પણ મારી સાથે જોડાઈ અને મેટ પણ. અમે ઘણી વાતો કરી હતી અને થોડી વાર પછી હું ખૂબ થાકી હતી એટલે હોસ્ટેલ તરફ રવાના થઇ. એ બધાં ત્યાં રહ્યાં હતાં અને વધુ સમય રહેવાનાં હતાં. પછીનાં દિવસે સવારે સાડા દસે મારી ફ્લાઈટ હતી. પણ, આઠેક વાગ્યે તો ઊઠી જ જવું પડે એમ હતું. એટલે, એ રીતે પણ સારું થયું હતું કે, હું વહેલી જતી રહી હતી.

પછીનાં દિવસે સવારે સમયસર ઊઠીને એરપોર્ટ તરફ રવાના થઇ. મારો લિફ્ટ ડ્રાઈવર બહુ મજાનો માણસ હતો. એ ત્યાં કોઈ સ્ટાર્ટ-અપ કંપનીમાં ચીફ ઓપરેશનલ ઓફિસર તરીકે કામ કરતો હતો પણ અચાનક પૈસાની તંગીનાં કારણે કંપની બંધ પડી ગઈ અને એ નવી જોબ મળે ત્યાં સુધી લિફ્ટ માટે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. તેણે સમયસર મને એરપોર્ટ પહોંચાડી અને હું સિક્યોરિટી ચેક વગેરે પતાવીને અંદર ગઈ તો જાણ્યું કે, એ એરપોર્ટ રાત્રે જેટલું કલાત્મક લાગતું હતું, દિવસનાં સમયમાં તેનાંથી પણ દસ ગણું વધારે કલાત્મક છે. એક પણ બ્લોક પેઈન્ટીન્ગ વિનાનું કે કોઈ પણ પ્રકારનાં આર્ટ વિનાનો નહોતો. મેં નજીકથી પણ બહુ જ અવલોકન કર્યું અને ફોટો લેવામાં પણ એટલો જ સમય લીધો. ઓસ્ટિનથી હું ઘણી બધી પ્રેરણા લઈને નીકળી હતી.

ઓસ્ટિન – સાઉથ કોન્ગ્રેસ

અમેરિકા, ઓસ્ટિન

આ દિવસે પણ મારે વહેલું ઊઠવું હતું પણ અંતે દસ વાગ્યા આસપાસ જ ઊઠી શકાયું. એ સવારે માઈક ઓસ્ટિનથી જવાનો હતો એટલે સવારે તેને રસોડામાં જઈને મળીને હું સાઉથ કોન્ગ્રેસ તરફ જવા નીકળી. આગલાં દિવસે એક લિફ્ટ ડ્રાઈવરે મને ગ્રફીટી પાર્ક નામની એક જગ્યા જોવાનું કહ્યું હતું એટલે વળતાં ત્યાં પણ જવાનો ઈરાદો હતો. મારી હોસ્ટેલથી એક બસ સીધી જ ત્યાં જતી હતી એટલે હું તેમાં ચડી ગઈ. સાઉથ કોન્ગ્રેસ એ બીજું કંઈ નહીં પણ ઓસ્ટિનની પ્રખ્યાત મોટી કોન્ગ્રેસ સ્ટ્રીટનાં દક્ષિણ છેડે આવેલો એક વિસ્તાર છે.

આ જગ્યાની માહિતી મને આગલી રાત્રે ક્રિસ પાસેથી મળી હતી. મેં જયારે તેને કહ્યું કે, લન્ચ વખતે હું કોન્ગ્રેસ સ્ટ્રીટ પર હતી અને એ મને બહુ ખાલી લાગી લાગી હતી ત્યારે તેણે મને સાઉથ કોન્ગ્રેસ વિશે જણાવ્યું હતું અને એ વિસ્તાર ઓછાંમાં ઓછો એક વખત જોવાની ભલામણ કરી હતી. મને કહેવામાં આવ્યું હતું તેમ બસ ત્યાંથી પસાર થઇ ત્યાં જ હું સમજી ગઈ હતી કે, આ જ એ વિસ્તાર હોવો જોઈએ. ત્યાં ઘણી બધી નાની દુકાનો, ખાણી-પીણીનાં સ્થળો અને ઘણાં બધાં લોકો નજરે પડતાં હતાં. હું એક સ્ટોપ પર ઉતરી ગઈ અને એક પછી એક દુકાનો જોવા લાગી. બધી જ દુકાનોમાં સુંદર કળાત્મક ચીજો તો હતી જ. પણ, સાથે સાથે એર-કંડીશનરની રાહત પણ હતી. જે, એ તડકામાં અમૂલ્ય લાગતી હતી. થોડી વારમાં ભૂખ લાગી એટલે મેં જમવાની કોઈ જગ્યા શોધવા માટે યેલ્પ ખોલ્યું. ત્યાં આસપાસ પિત્ઝા, બર્ગર્સ અને સેન્ડવિચિસ સિવાય કંઈ દેખાતું નહોતું અને બાકી ફૂડ ટ્રક હતાં જેનાં માટે બહાર બેસવું પડે. એટલા તડકામાં બહાર બેસવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી અને મારે કંઇક ગરમ ખાવું હતું.

એક જગ્યા મળી પણ ગઈ અને ગૂગલ મેપ્સમાં એ ચાર બ્લોક દૂર દેખાતી હતી એટલે હું એ તરફ જવા લાગી. પણ, એ તડકામાં ચાર બ્લોક ચાર કલાક જેવાં લાગ્યાં હતાં. વળી, અંદરની શેરીઓમાં ઘરો સિવાય ખાસ કંઈ રસપ્રદ હતું નહીં એટલે એ અંતર વધુ લાંબું લાગતું હતું. જો કે, એ ઉજ્જડ રસ્તે પણ નસીબજોગે મને એક સુંદર નાનો પુલ અને તેમાંથી પસાર થતો એક વહેળો જોવા મળ્યાં હતાં. એ સ્થળે પહોંચ્યા પછી તો સૌથી મોટી નિરાશા થઇ. એ જગ્યા પણ ખરેખર તો એક ફૂડ-ટ્રક જ હતી. તેની પાસે બીજું એક રેસ્ટોરાં હતું તેનું મેન્યુ જોવા હું થોડી વાર અંદર ગઈ પણ તેમાંયે કંઈ ખાસ જામે એવું નહોતું અને લાંબી રાહ જોવી પડે તેમ હતી એટલે ત્યાંથી ફરી બે બ્લોક જેવું ચાલીને પાછી સાઉથ કોન્ગ્રેસ સ્ટ્રીટ પર આવી. ગરમી બહુ લાગી હતી એટલે સૌથી પહેલાં તો જે સૌથી પહેલો દેખાયો એ સ્ટોરમાં અંદર ચાલી ગઈ અને પછી ઠંડા મગજે શું ખાવું એ વિચારવાનું રાખ્યું. અંતે સાઉથ કોન્ગ્રેસ પર જ ચાલવાનું શરુ રાખવાનું અને જ્યાં કંઈ સારું દેખાય ત્યાં રોકાઈ જવાનું નક્કી કર્યું.

એક સ્થળ સારું લાગ્યું પણ અંદર જવા માટે લાંબી લાઈન હતી એટલે માંડી વાળ્યું. ત્યાં મારું ધ્યાન ‘રોબો સુશી’ નામની એક જગ્યા પર ગયું. તેનાં વિચિત્ર પિંક ફોન્ટને કારણે બહારથી એ જગ્યા બહુ gimmicky લાગતી હતી. ઇન્ટીરીયર ફેન્સી જોવાલાયક હશે, ઓવર-પ્રાઈસ્ડ હશે અને જમવામાં કંઈ ખાસ નહીં હોય તેવું લાગ્યું હતું. પણ, એ સમયે મારી પાસે બીજા સારા ખાસ વિકલ્પો નહોતાં અને ભૂખ ખૂબ લાગી હતી એટલે હું વધુ વિચાર્યા વિના અંદર ચાલી ગઈ. અંદર જઈને જોયું તો ઇન્ટીરીયર ફક્ત સારું જ નહીં, અદ્ભુત હતું! એ નાનકડી જગ્યાને જે રીતે સજાવવામાં આવી હતી એ જોઇને હું ખૂબ ખુશ અને અવાચક થઇ ગઈ હતી. ત્યાંની દરેક દિવાલ પર સુંદર મ્યુરલ્સ હતાં અને બે-ત્રણ બેઠકો હિંચકા જેવી હતી. કલર કોમ્બીનેશન પણ બહુ સુંદર હતું. મને સુશી-બાર પર એક જગ્યા આપવામાં આવી. મેં મેન્યુ ખોલ્યું તો વેજીટેરીયન સિલેકશન પણ સારું હતું અને ભાવ પણ વ્યાજબી. ઓન્ત્રે એકદમ સ્વાદિષ્ટ! અહો આશ્ચર્યમ્! પછી તો આરામથી મેં ત્યાં ત્રણ-કોર્સનું લન્ચ કર્યું. આજ સુધી ટ્રાય કરેલી બધી જ વેજીટેરીયન સુશીમાં એ સુશી સૌથી સ્વાદિષ્ટ છે. સુશીનાં જૂદા-જૂદા પડોનાં સ્વાદોનું પરફેક્ટ બેલેન્સ! ગ્રીન-ટી અને કૉફી ફ્લેવરનાં મોચી (જાપાનીઝ ડીઝર્ટ) પણ સારાં હતાં. Talk about judging a book by its cover! (Which is usually a wise choice when picking up completely unknown books you know nothing about, with some exceptions, I think. :P) એ બધાં પછી પણ મારું લન્ચ ટિપ સાથે પચ્ચીસ ડોલરની અંદર પતી ગયું હતું – એ પણ મોટું આશ્ચર્ય હતું.

ત્યાર પછી હું સાઉથ કોન્ગ્રેસ પર જે દિશામાંથી આવી હતી એ જ દિશામાં પાછી ફરી. કારણ કે, ત્યાં અમુક રસપ્રદ શોપ્સ હતી જે મેં આ લન્ચની માથાકૂટમાં જોઈ નહોતી અને જોવા માટે મગજમાં નોંધી રાખી હતી. એક શોપમાં બહાર ડિસપ્લેમાં સુંદર મોટાં અરીસા અને અમુક વસ્તુઓ જોઈ તો એવું લાગ્યું હતું કે, એ એન્ટીક શોપ હશે અને એવું ધારીને હું અંદર ગઈ. પણ, અંદર જઈને જોયું તો ઓહોહો! એ જગ્યા બિલકુલ અણધારી નીકળી. ત્યાં એન્ટીક વસ્તુઓ તો હતી જ પણ એ નવી અને જૂની વસ્તુઓનો કુંભ-મેળો હતો. ત્યાં દુનિયાનાં જૂદા-જૂદા દેશોની કળાત્મક વસ્તુઓનાં અલગ-અલગ મોટાં જૂથ હતાં. અંદર જતાં જ ડાબા હાથ પર સૌથી પહેલી ભારતીય ઉપખંડની વસ્તુઓ હતી. ત્યાં આપણા કચ્છનું ઘણું બધું જોવા મળ્યું હતું. કચ્છનાં ભરતકામ કરેલાં તોરણો અને ચણીયા અને સિંધ-પાકિસ્તાનમાં ભરેલી સુંદર કુર્તી! આગળ ઈરાન, મોરોક્કો, મોરોક્કન માર્કેટ માટે બનેલી ફ્રેંચ વસ્તુઓ, સાઉથ અમેરિકન, ઈજિપ્શિયન, વિયેતનામીઝ, કમ્બોડિયન વગેરે ઘણાં બધાં દેશની ઘણી બધી વસ્તુઓ હતી. નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી વસ્તુઓ! મહાકાય અરીસા, તલવારો, ઘરેણાં, ઘડાં, કપડાં, હાથેથી બનાવેલાં સાબુ અને તેની સુંદર સાબુદાનીઓ, ઘર-સજાવટની વિચારી ન હોય તેવી વસ્તુઓ અને ‘આદર્શ બાલક’નાં આપડે ત્યાં શાળાઓમાં લગાવવામાં આવતાં પ્રખ્યાત પોસ્ટર્સ પણ!

એ જગ્યામાં મેં ઓછામાં ઓછાં બે કલાક વિતાવ્યા હશે અને અંતે બે વસ્તુઓ લીધી હતી. એક ક્યૂટ ગધેડો કમ્પ્યુટર પર બેઠો હોય તેવું નાનું આર્ટિકલ અને બીજી એક ટચૂકડી બેગમાં સમાયેલી બીજી પોર્ટેબલ બેગ. એ બંને બેગ્સ પર ‘ગર્લ વિથ અ પર્લ ઈયરરિંગ’ નામનું પેલું પ્રખ્યાત પેઈન્ટિંગ હતું જે મને ખૂબ ગમતું હતું. એ બનાવનાર બ્રાન્ડનું નામ પણ યથાર્થ હતું – ‘wearable art’. એ ઉપરાંત બીજી પણ એક સુંદર વસ્તુ હતી જે મને અતિશય ગમી હતી પણ મેં ખરીદી નહોતી. ક્લાસિક પુસ્તકોનાં કોઈ પાનાંની પ્રિન્ટ પર એક નાનું સુંદર પશુ કે પક્ષીનું પેઈન્ટિંગ હતું. એ કન્સેપ્ટ બહુ સરસ હતો. પણ, હું આ ઘરમાં મારાં પોતાનાં પેઈન્ટિંગ પણ નથી લગાવતી ત્યાં હું એ રાખીશ ક્યાં એ વિચારીને એ લેવાનું પડતું મૂક્યું હતું. એ શોપમાં જે બે-અઢી કલાક હું ફરી હતી તેમાં મેં મારી મમ્મીને ઢગલાબંધ મેસેજિસ કર્યા હતાં તેને કહેવા માટે કે, હું તેને કેટલી યાદ કરતી હતી. જો એ ત્યાં હોત તો એ શોપમાં અમે સાંજ સુધી તો રહ્યાં જ હોત અને તોયે અમને સમય ઓછો પડત. એ હસ્તકળાની ચાહક અને પારખુ છે. હાથની કળા મને તેની પાસેથી વારસામાં મળી છે. આપણે ત્યાંની લાખો સ્ત્રીઓની જેમ તેની પાસે દુનિયાની જૂદી-જૂદી કળાઓની કે મોડર્ન આર્ટની ખબર ભલે ન હોય પણ તેની પાસે ઝીણી કારીગરીને જોવાનો અને સમજીને વખાણવાનો પૂરો રસ છે. ક્લાસિક વિક્ટોરિયન, મિડલ ઈસ્ટર્ન કે ભારતીય કળાને જ્યારે પણ જોઉં અને માણતી હોઉં છું ત્યારે મારી સૌથી પહેલી કળાગુરુ – મમ્મીને યાદ કર્યા વિના રહી નથી શકતી. એ નહીં હોય ત્યારે પણ આવા સમયે તેને યાદ કર્યા વિના રહી નહીં શકું.