લોસ એન્જેલસ -૧

અમેરિકા, લોસ એન્જેલસ

હોસ્ટેલ નજીક પહોંચતા જ સૌથી પહેલી વસ્તુ મેં નોટિસ કરી એ હતી ગાંજાની ખૂબ તીવ્ર વાસ. પહેલાં તો મને થયું કે, આ વાસ હોસ્ટેલનાં ફ્રન્ટ-યાર્ડમાંથી આવતી હોવી જોઈએ. ફ્રન્ટ યાર્ડમાં એક પેટીઓ અને ઘણી બધી બેઠકોની વ્યવસ્થા હતી એટલે, મોટાં ભાગે બધાં ત્યાં જ હેન્ગ-આઉટ કરતાં. પણ, હોસ્ટેલનાં દરવાજામાં પગ મૂકતાં જ વાસ બંધ થઇ ગઈ. ત્યારે સમજાયું કે, વાસ ખરેખર બાજુનાં પાર્કિંગ લોટમાંથી આવતી હતી. પછી ચેક-ઇન વગેરે પતાવીને મને મારાં રૂમની ચાવી અને એક ફ્રેશ બેડ-શીટ આપવામાં આવ્યાં. મારો ડોર્મ છ બેડનો ફીમેલ-ડોર્મ હતો. અંદર જતાં જ હું સ્વીડનની બે છોકરીઓને મળી. એ બંનેએ હાઈસ્કૂલ પતાવી જ હતી અને વર્લ્ડ ટ્રાવેલ કરી રહી હતી. તેમનાં ટ્રાવેલ-પ્લાન્સ પૂછતાં મેં મારી બેગ્સ લોકરમાં ગોઠવી. બેકપેકિંગમાં નવા નિશાળીયા હતાં એટલે બાકીનાં લોકોની ઘણી બેગ્સ રૂમમાં પથરાયેલી જોવાં છતાં અમે બધી બેગ્સ લોકરમાં ગોઠવવા મથ્યા. બેગ્સ બધે જાતે જ ઊંચકવાની હતી એટલે સમજીને મેં વજન ૩ નાની બેગમાં વિભાજીત કરી દીધેલું. એક નાનું બેક-પેક, એક જીમ-બેગ સાઈઝની બેગ અને બીજી તેનાંથી થોડી નાની પણ પૂરતી મોટી એવી મારી હેન્ડ-બેગ.

લોકરમાં ત્રણે વસ્તુ તો કોઈ કાળે સમાય તેમ નહોતી અને પાસપોર્ટ વગેરે કિમતી ચીજો બધી હેન્ડ-બેગમાં જ હતી. એટલે, એ હેન્ડ-બેગ અને જિમ-બેગ મેં લોકરમાં મૂક્યા અને બેકપેક કે, જેમાં ખાલી થોડાં કપડાં જ હતાં એ બહાર રાખી.  આ પતાવીને સૌથી પહેલું કામ વાઈ-ફાઈનો લાભ લઈને પેરેન્ટ્સ અને અમુક નજીકનાં ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ મેસેજિસમાં થોડી વાત કરવાનું કર્યું. પછી નાહીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ શરીર થાકેલું હોવા છતાંયે મનને સૂર્ય આથમ્યા પહેલાં ઊંઘવું નહોતું. વત્તા નવાં દેશનાં નવાં શહેરમાં પહેલો દિવસ હતો. અંતે શરીરે હાર માનવી પડી અને હું તૈયાર થઈને બહાર નીકળી. મારી હોસ્ટેલ બરાબર હોલિવૂડ બોલેવાર્ડ પર હતી એટલે થોડું ચાલીને જતાં તરત બધાં ટૂરિસ્ટ એરિયા આવે. વળી, હોસ્ટેલે શહેરની જોવાલાયક જગ્યાઓનું એક લિસ્ટ, હોસ્ટેલથી ત્યાં કઈ રીતે પહોંચાય તેનું જનરલ ડિરેક્શન અને હોસ્ટેલની આસપાસની શેરીઓ અને ત્યાંની ખાવા પીવાની જગ્યાઓનો એક નકશો એવું એક એ-ફોર પેઇજ તૈયાર કરીને રાખ્યું હતું અને એ બધાંને આપવામાં આવતું. એટલે, એ નકશા વગેરે રીફર કરીને એ દિવસે મોડી બપોરથી સાંજ સુધી હું હોલિવૂડ બોલેવાર્ડ આસપાસ ફરી. ત્યાંથી ફાર્મર્સ માર્કેટ અને ધ કોવ નામનાં એક શોપિંગ સેન્ટર તરફ ગઈ. અને રાત્રે જમીને હોસ્ટેલ પાછી ફરી. સાંજ સુધીમાં દરેક જગ્યાએ વીડની જબરી સ્મેલથી હું ટેવાઈ ગઈ હતી. એ રાત્રે ત્યાં કોમન એરિયામાં કોમેડી-નાઈટ હતી એટલે ત્યાં જઈને લોકોને મળવાનું વિચાર્યું. ત્યાં અમુક લોકો સાથે સારું જામ્યું પણ સાડા દસ આસપાસ મારું શરીર હાર માનવા લાગ્યું હતું એટલે અધવચ્ચેથી જ મારે ઊઠી જવું પડ્યું અને રૂમમાં જઈને હું ઊંઘી ગઈ. થાક અતિશય લાગ્યો હતો એટલે ઊંઘ તરત આવી ગઈ અને વહેલું પડ્યું સવાર.

એ દિવસે પહેલાં તો નીચે કિચનમાં ફ્રી-બ્રેકફસ્ટનો લાભ ઊઠાવવામાં આવ્યો. ત્યાં હું આસપાસ બેઠેલાં લોકો સાથે વાત કરતી હતી તેવામાં મારું ધ્યાન એક યુવાન તરફ પડ્યું. એ પર્થથી હતો એ તો પાક્કી વાત હતી પણ તેને મેં ક્યાં જોયો છે એ મને યાદ નહોતું આવતું. દસેક મિનિટ રહીને મેં તેને કહ્યું “Hey excuse me! I think I have seen you somewhere but I don’t know where. You are from Perth aren’t you? Shit! You are Josh’s friend? Did you stay at his place for a little while or something?” અને મારું અનુમાન સાચું નીકળ્યું. એ બંદો મારાં મિત્ર જોશુઆનો ફ્રેન્ડ હતો. દુનિયા કેટલી મોટી છે અને છતાંયે કેટલી નાની છે! કોને ખબર ક્યારે કોણ ક્યાં મળી જાય. પછી તો તેની સાથે થોડી વાત કરીને હું મારાં રૂમમાં ગઈ નાહીને તૈયાર થવા. હવેનાં બે દિવસનો પ્લાન થોડો સરખો કરવાનો હતો. મગળવારે સાંટા મોનિકા અને વેનિસ બીચ સુધી ફ્રી શટલ બસ જવાની હતી એટલે મંગળવારે મેં ત્યાં જવા માટે નામ નોંધાવ્યું અને સોમવારે યુનિવર્સલ સ્ટુડીઓ જવાનું નક્કી કર્યું. એ દિવસ વાદળછાયો હતો એટલે સ્ટુડીઓ જવું કે નહીં તે વિશે રિસેપ્શન પર પૂછ્યું. પણ, તેમણે કહ્યું આ એલ.એ.નું નોર્મલ વેધર છે. થોડાં સમયમાં તડકો નીકળશે અને  મારે જવું જ હોય તો બને તેટલુ વહેલું નીકળવું જોઈએ.

હું તરત રૂમમાંથી મારો કેમેરા અને એક જમ્પર લઈને હોલિવૂડ હાઈલેન્ડ સ્ટેશન પહોંચી. ત્યાંથી નોર્થ હોલિવૂડ તરફ જતી ટ્રેઈનમાં પહેલું જ સ્ટોપ હતું ‘યુનિવર્સલ’. ત્યાં ઊતરીને રોડ ક્રોસ કરીને સ્ટુડીઓ માટેની શટલ બસમાં હું પહોંચી યુનિવર્સલ સિટી. સ્ટુડીઓ ખૂલવાને હજુ વીસેક  મિનિટની વાર હતી એટલે મારો પહોંચવાનો સમય એકદમ આદર્શ પૂરવાર થયો હતો. મોટાં ભાગની રાઇડ્સ અને શોઝમાં મારે બહુ લાંબી લાઈનમાં રાહ ન જોવી પડી. સ્ટૂડીઓ ખરેખર અદ્ભુત જગ્યા છે. સ્પોંજબોબ, મીનીયન્સ, ધ સિમ્પ્સ્ન્સ, શ્રેક વગેરેએ મારાંમાંનાં બાળકને જગાડી દીધું હતું. સ્ટુડીઓ ટૂર અને ત્યારે વચ્ચે આવતું કિંગ-કોન્ગ સિમ્યુલેશન અને જુરાસિક પાર્ક રાઈડે મારી પાસેથી થોડી રાડો પણ પડાવી હતી અને પછી ખૂબ હસાવી હતી. આ ઉપરાંત હાલોવીન નજીક હોવાને કારણે બધે એ થીમનાં ડેકોરેશન કરવામાં આવેલાં હતાં. યુનિવર્સલ સ્ટુડીઓ જતાં હો તો લન્ચ/ડીનર યુનિવર્સલ સિટીમાં જ કરવાનું રાખવું. સિટીમાં ઓપ્શન્સ ઘણાં વધુ છે અને ફૂડ-ક્વોલિટી પણ સ્ટુડીઓ કરતાં સારી લાગી. મેં આમ ન કરવાનું પરિણામ ભોગવ્યું હતું એટલે ખાસ કહું છું. બપોરે બે વાગ્યા સુધીમાં તો મારો સ્ટુડીઓનો ક્વોટા પૂરો થઇ ગયો હતો અને હું સિટીમાં ફરીને મારાં નેક્સ્ટ ડેસ્ટીનેશન સાંટી એલી માર્કેટ તરફ જવા તૈયાર હતી.

યુનિવર્સલ સ્ટેશનથી હાઈલેન્ડ તરફ જતી ટ્રેઈનમાં જ લગભગ એકાદ કલાકે આવે સેવેન્થ સ્ટ્રીટ સ્ટેશન. હું બરાબર રસ્તે છું એ કન્ફર્મ કરતાં યુનિવર્સલ સ્ટેશન પર મારી એક આફ્રિકન-અમેરિકન યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત થવા લાગી. અમે ટ્રેનમાં પણ પાસે બેઠાં હતાં. એ યુવાનને પાઈલટ બનવું હતું અને આખી દુનિયામાં ફરવું હતું. તેને ઓસ્ટ્રેલિયા વિશે મને પૂછ્યું. તેની ગર્લફ્રેન્ડને કોલેજ જવાનું કહેવા અને તેનાં ફાયદા વિશે મને કહેવાનું કહ્યું. એ છોકરી હાઈ=સ્કૂલનાં ફાઈનલ વર્ષમાં હતી કદાચ. એ બંને ત્રણેક સ્ટેશન પછી ઊતરી ગયાં અને મેં દસેક મિનિટનું ઝોકું ખાધું. મારાં સ્ટેશન પર ઊતરીને ત્યાંથી મારે કનેકટિંગ બસ લેવાની હતી. એ સ્ટેશન પરથી બહાર નીકળીને જાણે મેં એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો. ડાઉનટાઉન એલ.એ.માં મારો પ્રવેશ થયો હતો અને એ જાણે એક નવી જ દુનિયા હતી. સિટીનું બિઝનેસ સેન્ટર અને આગળ વધુ અંદર જતાં જૂનાં ધૂળિયા બિલ્ડિંગ, જૂની દૂકાનો, જૂની દિલ્હી કે જૂનાં રાજકોટ જેવી જ કંઇક ફીલ હતી ત્યાંની. સેન્ટી એલી માર્કેટ્સનો દેખાવ કંઇક બોમ્બેનાં લિન્કિંગ રોડ કે ફેશન સ્ટ્રીટ જેવો છે. ત્રણ-ચાર શેરીઓમાં છવાયેલી ઘણી બધી નાની દુકાનો એક પછી એક આવતી જાય. દુકાનો પણ ન કહેવાય એ. ટેન્ટ જેવું કંઇક. આ માર્કેટ્સ મુખ્યત્ત્વે સાઉથ અમેરિકન્સ અને ચાઈનીઝ દુકાનદારોની છે. ત્યાં અને તેની આસપાસનાં વિસ્તારમાં મેં કુલ બે કલાક જેટલો સમય વિતાવ્યો. છ વાગ્યાની આસપાસ તો દુકાનો બંધ થવા લાગી અને હું હોસ્ટેલ તરફ પાછી ફરી. હોસ્ટેલ પહોંચતાં સુધીમાં સાડા સાત જેવું થઇ ગયું હતું અને એ દિવસે મારે હાર્ડ-રોક કાફેમાં ડીનર માટે જવું હતું. રૂમમાં કેમેરા-બેગ મૂકીને હું ફ્રન્ટ-યાર્ડમાં આવી અને ત્યાં મેં આગલી રાત્રે વાત કરી હતી તેમાંનાં બે જણને જોયાં અને તેમને પૂછ્યું જો તેમણે ડીનર ન કર્યું હોય અને તેમને મારી સાથે હાર્ડ-રોક આવવું હોય તો. એ તરત તૈયાર થઇ ગયાં અને તેમની સાથે તેમનો એક ત્રીજો મિત્ર પણ.

પછી તો અમે ચાર – હું, અહલમ, જેઇમ્સ અને ડાન હાર્ડ રોક ગયાં. ત્યાં સ્વાભાવિક રીતે જ ડ્રિન્ક્સ પ્રીમિયમ ભાવે હોવાનાં એટલે ડીનર અને ડ્રિન્ક્સનો એક રાઉન્ડ પતાવીને અમે બીજા કોઈ લોકલ નાના બારમાં જવાનું વિચાર્યું. જેઇમ્સે ત્યારે અમારી હોસ્ટેલની બરાબર સામે હોલિવૂડ બોલેવાર્ડ પર એક બાર હતો તે યાદ કર્યો અને અમે ચારે ત્યાં ગયાં. ત્યાં ડ્રિન્ક્સ સસ્તા તો હતાં જ, પણ વાતાવરણ પણ ઘણું જીવંત હતું અને ક્રાઉડ બધું લગભગ યુવાન હતું. આ ઉપરાંત હેપી આવર ચાલુ હતો એટલે બડવાઈઝર અથવા બડવાઈઝર લાઈટની એક બકેટ – પાંચ બોટલ્સ ચૌદ ડોલરમાં સ્પેશ્યલમાં હતી. બેકપેકર્સને બીજું શું જોઈએ! અહલમ સિગરેટ પીતી હતી એટલે અમે બહાર બેઠાં. જ્યારે પણ તેને ફૂંકવી હોય ત્યારે એ ઊભી થઈને સાઈડમાં ચાલી જતી. પહેલી બકેટ ખતમ થયા પછી અહલમે એક રાઉન્ડ શોટ્સનો ઓર્ડર કર્યો. બસ, આનાંથી વધુ એ રાત્રે મારે જાગવું નહોતું અને હું આખો દિવસ રખડીને થાકી પણ ખૂબ ગયેલી એટલે હું બારવાગ્યા આસપાસ જતી રહી હતી. પછીનાં દિવસે વહેલી સવારે જેઇમ્સ એલ.એ.થી ન્યુ-યોર્ક જવા નીકળવાનો હતો. અહલમ મારી સાથે બીચ પર આવવાની હતી અને અમે સવારે કિચનમાં મળવાનાં હતાં. શટલ બસનો નીકળવાનો સમય સવારે દસ વાગ્યાનો હતો.

ઓન રૂટ લોસ એન્જેલસ

અમેરિકા, લોસ એન્જેલસ

પર્થથી એલ.એ.ની મારી ફ્લાઈટ હતી અઢારમી ઓક્ટોબરે રાત્રે અગિયાર પંચાવનની. ફ્લાઈટ બુકિંગ અને મોટાં ભાગનું ટૂર પ્લાનિંગ પ્રમાણમાં ઘણું વહેલું મેમાં કરાવ્યું હતું એટલે ઓગસ્ટ-સપ્ટેમ્બરની આસપાસ પણ મિત્રો જ્યારે એક્સાઈટમેન્ટ લેવલ વિશે પૂછતાં ત્યારે મારો જવાબ – મેહ (Meh!) જ રહેતો. I actually honestly wasn’t feeling it at all! Probably because I had way too many things happening both at work and outside of work in between my trip-planning and the actual trip that my care-factor about a trip that was months away was practically zero. Besides, મારો આ વર્ષનો એન્યુઅલ ડાન્સ શો મારી ફ્લાઈંગ ડેઈટનાં બરાબર અઢી વીક પહેલાં હતો. એટલે, મારું મગજ ઓક્ટોબરનાં પહેલાં અઠવાડિયા સુધી તો તેમાં પરોવાયેલું હતું.

આ સિવાય ટ્રિપનાં એક અઠવાડિયા પહેલાં હું ત્રણ દિવસનાં ઊંઘનાં પ્રોબ્લેમ્સનાં તબક્કામાંથી પસાર થઇ એટલે ત્યારે frustration level એટલું વધી ગયું હતું કે, એમ જ થતું Screw travelling. I just want to take three weeks off, stay at home, relax and catch-up on all my sleep.  વળી, એક નાઈટ-ડ્રેસ અને શેમ્પુ-ડીઓ-ટૂથ-પેસ્ટ વગેરે માટેની એક બેગ વગેરે પરચૂરણ વસ્તુઓ સિવાય બીજું ખાસ કંઈ લેવાનું પણ નહોતું એટલે ટ્રિપ માટેનું શોપિંગ તો મેં લિટરલી ફ્લાઈટવાળા શનિવારે સવારે અને તેનાં પહેલાના એક વીક-એન્ડમાં જ કર્યું હતું અને પેકિંગ સાંજે છ વાગ્યા પછી શરુ કર્યું હતું. એટલે, સરવાળે ફ્લાઈટનાં બે કલાક પહેલાં સિવાય હું ખરેખર કોઈ કરતાં કોઈ જ પ્રકારનું એકસાઈટમેન્ટ નહોતી અનુભવી રહી.

મને જે મિત્ર એરપોર્ટ મુકવા આવવાનો હતો તેનાં છેલ્લી ઘડીએ ડીનર પ્લાન્સ બન્યા હતાં એટલે એ ક્યારે નવરો થશે તેની કોઈ જ ખબર નહોતી એટલે મેં ટેક્સીની તૈયારી કરી રાખી હતી. પણ, બરાબર સાડા નવે તેનો મેસેજ આવ્યો કે, એ ફ્રી થઇ ગયો અને અડધી કલાકમાં ઘરે પહોંચી જશે એટલે ફરી પ્લાન બદલાયો અને મારે તેનાં ઘરે પહોંચવાનું હતું. મારી થોડી બેદરકારીને કારણે મારી બાર વાગ્યાની ફ્લાઈટ માટે હું દસ વાગ્યે તેનાં ઘરેથી એરપોર્ટ માટે નીકળી જવું જોઈએ તેનાં બદલે સવા દસે તો મારાં પોતાનાં ઘરેથી નીકળી અને અધૂરામાં પૂરું તેનું ઘર એક્ઝેક્ટલી ક્યાં હતું એ પણ ભૂલી ગઈ હતી એટલે તેની શેરી સુધી પહોંચીને તેનાં ઘરનાં બે બ્લોક દૂરથી તેને ફોન કરવો પડ્યો. અંતે અમે દસ પાંત્રીસે એરપોર્ટ માટે નીકળ્યા અને એ હજુ અંત નથી. અડધે રસ્તે પહોંચ્યા પછી મેં જોયું કે, અમારાં એરપોર્ટનાં સામાન્ય રસ્તા પર મોટી ‘ડીટૂર (ડાઈવર્ઝન)’ ની સાઈન લાગેલી હતી. મારાં મિત્રનું તો ધ્યાન પણ નહોતું. સારું થયું એટ લીસ્ટ મારું ધ્યાન ગયું. Fun times! અંતે સંઘ કાશી પહોંચ્યો અગિયાર ને પાંચે. પછી તો બને તેટલી જલ્દી હું મારું ચેક-ઇન, સિક્યોરિટી ચેક વગેરે પતાવીને બોર્ડિંગ ગેઇટ સુધી પહોંચી અને લગભગ દસ મિનિટમાં બોર્ડિંગ શરુ થયું. બસ, આટલા સુધીમાં બધી થ્રિલ એકસાથે ફીલ થવા લાગી હતી.  I was ready to rock and roll! મારી ટ્રાવેલ-બુક આ વખતે હતી ‘Wild: From Lost to Found on the Pacific Crest Trail’ by Cheryl Strayed. હું આ બુક વિશે પણ ઘણી એક્સાઈટેડ હતી. હું આ ટ્રિપમાં જ્યાં જ્યાં જવાની હતી તેની ખૂબ નજીકનાં અંતરિયાળ વિસ્તારમાં આ બુકનો પ્લોટ પથરાયેલો છે. એટલે, એ રીતે એ ક્યાંની વાત કરે છે તેની મને બરાબર ખબર પડવાની હતી.

વાચકોમાંથી જે વારંવાર એર-ટ્રાવેલ કરે છે તેમને ખબર હશે કે, લગભગ દરેક લોકો લાંબી ફ્લાઈટ વખતે ‘લેગ-રૂમ’ (સીટ નીચે પગ રાખવાની જગ્યા) વિશે ફરિયાદ કરતાં હોય છે અને ઘણાં એટલા માટે ઈમરજન્સી એક્ઝીટ પાસેની સીટ્સ પર પહેલી પસંદગી ઊતારતા હોય છે. મારી પહેલી ફ્લાઈટ રાત્રે બાર વાગ્યે હતી એટલે મેં પણ વિચાર્યું કે, વધુ લેગ-રૂમ હશે તો ઊંઘવામાં સારું રહેશે અને ઇમર્જન્સી એક્ઝીટ વાળી સીટ પસંદ કરી. પણ, એક અગત્યની ડીટેઇલ મેં બિલકુલ ધ્યાનમાં ન રાખી. I am not exactly a very tall girl! :P એટલે થયું એવું કે, લેગ-રૂમ તો ઘણો હતો પણ મારાં પગ માટે કમ્ફર્ટેબલ સપોર્ટ જ નહોતો. જો પીઠ ટેકવવા સીટ પાછળ કરું અને ટટ્ટાર ન બેસું તો મારાં પગ તળિયા સુધી પહોંચતા જ નહોતા અને લટકતા રહેતાં. સામાન્ય રીતે આવામાં હું મારી આગળની સીટ પર પગ ટેકવી શકું પણ આ કેસમાં તો સામે દીવાલ હોય અને એ પણ ખાસ્સી દૂર. એટલે, પીઠને આરામ આપું તો પગથી હેરાન થઉં અને સતત ટટ્ટાર બેસું તો પીઠ હેરાન થાય. અધૂરામાં પૂરું  મારી બાજુની સીટ પર જે સાહેબ હતાં એ મહાકાય હતાં અને એટલા કમ્ફર્ટેબલ હતાં કે, તેમનાં હાથ સતત હેન્ડ-રેસ્ટ પર જ હતાં અને મારાં જમણા હાથને પણ આરામ આપી શકવાનો કોઈ સ્કોપ નહોતો. આવાં સમયે જ્યારે શરીર અને મગજ ઊંઘ-ઊંઘ કરતું હોય અને ઊંઘ કરવા ન પામતું હોય ત્યારે ઇન-ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ પણ કામ ન લાગે. ઇન ફેકટ કોઈ પણ પ્રકારનો અવાજ કાનમાં ફૂંકાતો હોય એ ઇરીટેટ કરે.

આમ, રાત્રે બારથી સવારનાં આઠ વાગ્યે હોંગ-કોંગ પહોંચ્યા સુધી બિલકુલ ઊંઘ ન થઇ, શરીરે સૌથી વધુ હેરાનગતિ અનુભવી અને એટલે મગજ શોકમાંથી પસાર થઇ રહ્યું હતું. ‘ઇમર્જન્સી-એક્ઝિટ – ફરી ક્યારેય નહીં’નો પદાર્થ-પાઠ ખરાબમાં ખરાબ રીતે શીખવા મળ્યો. એમીરેટ્સ – દુબઈનાં આદતો અમેં હોંગ-કોંગ એરપોર્ટ પર નાહીને થોડું સારું અનુભવવાનાં અરમાન પણ સેવ્યાં હતાં અને એ પણ મૃગજળ પુરવાર થયાં. હોંગ-કોંગ એરપોર્ટ પર ક્યાંય પબ્લિક-શાવર ફેસીલિટી નથી. And boi! never have I ever considered an airport more useless! I was hating it with all the passion and thanking goodness that my stopover there was only for an hour or so. થોડાં જ સમયમાં મારી હોંગકોંગ-એલ,એ. ફ્લાઈટનું બોર્ડિંગ શરુ થયું અને આ વખતે મેં ઇમર્જન્સી એક્ઝિટ નહોતી પસંદ કરી. વળી, વચ્ચેની સીટ પર કોઈ હતું પણ નહીં અને આઈલ સીટ પર એક દેખાવડો ટ્વેન્ટી-સમથિંગ આય-કેન્ડી હતો. હું મારી અને વચ્ચેની સીટ બંને પર લંબાવું તો તેને કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે મેં લન્ચ સર્વ થયાં પછી તરત એમ કર્યું અને હું કેટલાં કલાક ઊંઘી એ મને યાદ નથી. આય-કેન્ડી બહુ મળતાવડો ન હતો એટલે અમારું મારું બાથરૂમ જવા સમયે ‘એક્સક્યુઝ મી/સોરી – ઇટ્સ ઓકે’ સિવાય કોઈ ઇન્ટરેક્શન નહોતું.

ઈમિગ્રેશન ફોર્મ ભરતી વખતે એક ફોર્મ વેઇસ્ટ ગયું કારણ કે, જન્મ-તારીખ મેં મહિનો/દિવસ ને બદલે દિવસ/મહિનો રીતે લખી હતી અને મનમાં કહ્યું ‘વેલકમ ટુ અમેરિકા’! સમયસર પવનપાવડી એલ.એ. પહોંચી અને ઈમિગ્રેશન ફોર્માલીટી પતાવીને હું બહાર નીકળી. ત્રેવીસ કલાકે પંદર મિનિટ ઇન્ટરનેટ કનેક્શન મળ્યું અને ત્યાં તો મારી શટલ બસ આવી પહોંચી. હું દસ વાગ્યે હોસ્ટેલ પહોંચી અને મારો બેડ અગિયાર વાગ્યે જ તૈયાર થઇ શકે તેમ હતો એટલે મારી બેગ્સ સ્ટોરેજ રૂમમાં મુકીને મેં બ્રેકફસ્ટ માટે જવાનું નક્કી કર્યું. રિસેપ્શન પરથી નજીકની સારી બ્રેકફસ્ટ-પ્લેસનું રેકમેન્ડેશન લીધું અને ત્યાં મારી રાબેતા મુજબની સન્ડે-બ્રેકફસ્ટ આઈટમ્સ સ્ક્રેમ્બલ્ડ એગ્સ ઓન ટોસ્ટ અને અઈસ્ડ મોકા ઓર્ડર કર્યા. અને ઓબ્વીયસલી મેં જે ધાર્યું હતું એ પ્રમાણેનાં એ નહોતાં. પણ, સમજ્યા હવે. હોસ્ટેલ પાછાં ફરતાં મેં જૂદો રસ્તો લેવાનું નક્કી કર્યું અને તેનો લાભ પણ મળ્યો. રસ્તામાં એક સ્ટ્રીટ-માર્કેટ આવી અને તેમાં ફરવાનો લાભ મળ્યો. પણ, હું વધુ સમય ઊભી રહું/ ચાલી શકું તેવી હાલતમાં બિલકુલ નહોતી એટલે લગભગ સાડા અગિયારે હોસ્ટેલ પાછી ફરી.


વાચક મિત્રો, આ ટ્રિપમાં કહાનીઓ અને ફોટોઝ એટલાં બધાં છે કે, હું ઇચ્છું તો પણ મારી સ્ટોરીપોસ્ટ-ફોટોપોસ્ટ વાળી પદ્ધતિ નહીં વાપરી શકું. ફોટોઝ મારે અલગથી એક પિકાસા/ફ્લિકર લિંક પર છેલ્લે એકસાથે જ મૂકવા પડશે. આ સિવાય અન્ય કન્સ્ટ્રક્ટિવ સજેશન આવકાર્ય છે. પણ, એ ધ્યાનમાં રાખવા વિનંતી કે, આ બ્લોગ ઉપરાંત મારી એક ડે-જોબ, સોશિયલ લાઈફ અને હોબીઝ પણ છે એટલે બહુ સમય લાગે તેવી કોઈ પણ રીત હું નહીં અપનાવી શકું. :)

નવું નાગરિકત્વ – નવી ટ્રિપ!

અમેરિકા

આજે વહેલી સવારે (૯/૧૧/૨૦૧૪) હું ઘરે આવી અને અત્યારે આ લખવા બેસું છું ત્યારે એવું લાગે છે કે, હમણાં જ એક સપનામાંથી ઊઠી. કદાચ જેટલેગને કારણે. Zombie mode is in full swing. My hearty apologies for I won’t be able to write all the posts in this series entirely in Gujarati and they will be mixed instead. It’s impossible to comprehend something like ‘frickin amazing’ or ‘bloody marvellous’ in Gujarati. Because that’s what last three weeks have been like. Bloody fantastic and frikkin amazing! Besides, how and where to start from is the real question for me here. There is just so much about it! There was the planning and research phase of it as well as the actual trip and the fact that it was my first ever real big trip alone!


આજથી છ મહિના પહેલાં મારી રાષ્ટ્રીયતા બદલાઈ ત્યારે સૌથી પહેલો વિચાર તો જે મુખ્ય કારણ માટે બને તેટલું  જલ્દી નાગરિકત્વ બદલ્યું, તેને પરિપૂર્ણ કરવાનો હતો – ટ્રાવેલિંગ! મારાં ભારતીય પાસપોર્ટ કરતાં મને ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ સાથે દુનિયાનાં મોટાં ભાગનાં દેશોમાં વધુ સરળતાથી એન્ટ્રી મળી શકે. આમ, મારું નાગરિકત્ત્વ બદલાતાંની સાથે જ હું સૌથી પહેલાં ક્યાં ફરવા જઈશ એ વિચારવા લાગી. વળી, આ વખતે મારે એકલાં જવું હતું અને એ મેં પહેલાં ક્યારેય કર્યું નહોતું એટલે શરૂઆત તો મારે કોઈ પ્રથમ વિશ્વનાં દેશથી જ કરવી હતી. યુ.એસ.એમાં ઘણાં સારાં મિત્રો પણ હતાં અને વધુ બે આ વર્ષે ઓગસ્ટ આસપાસ જવાનાં હતાં એટલે સ્ટેટ્સ પર મારું મન આવી  ગયું.

જવું મારે ફક્ત ત્રણેક અઠવાડિયા માટે જ હતું એટલે આખો દેશ તો ફરી શકવાની કોઈ શક્યતા જ નહોતી. મિત્રો મારાં બધાં બે-એરિયામાં હતાં અને વેસ્ટ કોસ્ટ ઓવરઓલ એક્સાઈટિંગ લાગ્યો એટલે મેં વાઈલ્ડ વેસ્ટ પર પસંદગી ઊતારી. વળી, સાવ એકલા ટ્રાવેલ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો એટલે ટૂર અને પોતાની રીતે ફરવાનું હાફ એન્ડ હાફ કરવાનું વિચાર્યું. ટૂરમાં કઈ કંપનીની ટૂર્સ જોવાની એ તો પહેલેથી ખબર જ હતી. કન્ટીકી (Contiki)! મારાં મિત્ર-વર્તુળમાં મેં ઘણાં વર્ષોથી કન્ટીકી વિશે બહુ સાંભળ્યું હતું. આ કંપની ૧૮-૩૫ વર્ષની ઉમરનાં લોકો માટે ટૂર્ઝ ગોઠવે છે અને તેમનું આ ક્ષેત્રે મોટું નામ છે. યુરોપ એ કન્ટીકીની સૌથી મોટી માર્કેટ છે. મોટાં ભાગે હું ઓળખું છું તે બધાએ યુરોપમાં જ કન્ટીકી વિશે સાંભળ્યું હતું. પણ, યુ.એસ.એ. તેમની બીજા નંબરની સૌથી મોટી માર્કેટ છે. તેમનાં બ્રોશર તપાસતાં મને એક સૂટેબલ રૂટ પણ મળી ગયો – ‘એલ.એ. ટુ ધ બે’ (LA to the Bay). વળી, આ રૂટનો સમય પણ મારે જોઈએ તેટલો જ હતો – ૧૦ દિવસ. એટલે હાફ એન્ડ હાફ કરવામાં પણ સરળતા રહે.

એલ.એ. ટુ ધ બે લોસ એન્જેલસથી શરુ થઈને સાન ફ્રાંસીસ્કોમાં પૂરી થતી હતી. એટલે, સાન ફ્રાન્સીસ્કોમાં પછીથી રોકાઈને વધુ સમય મારાં ત્યાંનાં મિત્રોને મળવા માટે કાઢી શકાય. વળી, ટ્રિપનો અંત હોય એટલે જ્યાં મિત્રો હોય ત્યાં જાઉં તો ત્યાં વધુ રિલેક્સ પણ કરી શકું અને પાછાં ફરવા માટે પોતાની જાતને તૈયાર પણ કરી શકું. અંતે પ્લાન પૂરો મગજમાં ગોઠવાઈ ગયો અને એ પ્રમાણે કન્ટીકીની તારીખો જોવામાં આવી. ઓક્ટોબર-નવેમ્બરનો સમય મને બરાબર લાગ્યો કારણ કે, ત્યારે પાનખર ચાલુ હોય એટલે બહુ ઠંડી નહીં અને બહુ ગરમી પણ નહીં અને ઉનાળાનો રશ પણ પૂરો થઇ ગયો હોય. કન્ટીકીની બુધવારે શરુ થતી ટ્રિપ મને અનુકૂળ લાગી. એ રીતે હું શનિ કે રવિવારે એલ.એ. પહોંચી જઈ શકું અને ટ્રિપ પહેલાં બે કે ત્રણ દિવસ મારી રીતે એલ,એ એક્સ્પ્લોર કરી શકું. એ રીતે બધું ગોઠવાઈ પણ ગયું. મેં કેથે પેસિફિક સાથે પર્થ-એલ.એ અને સાન ફ્રાન્સીસ્કો-પર્થ એમ ટિકિટ બુક કરી અને કન્ટીકીનું પેમેન્ટ કર્યું.

આ બધું થયું મે મહિનામાં. પણ, મારું એલ.એ અને સાન ફ્રાન્સીસ્કોનું અકોમોડેશન મેં છેલ્લે સુધી બાકી રાખ્યું હતું. શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે, સાન ફ્રાન્સીસ્કોમાં હોસ્ટેલ અને એલ.એ.માં હોટેલ એમ કરીશ કારણ કે, હું ક્યારેય પહેલાં હોસ્ટેલ/બેકપેકર્સ અકોમોડેશનમાં રહી નહોતી. એટલે, મારાં મનમાં તેનાં વિશે સસ્તું અકોમોડેશન સિવાય બીજો કોઈ ખ્યાલ જ નહોતો. સાન ફ્રાન્સિસ્કોમાં મારો મુકામ સાત દિવસનો હતો અને આટલો સમય હોટેલ મને બહુ મોંઘી પડે તેમ હતી એટલે હોસ્ટેલ સિવાય કોઈ છૂટકો નહોતો. પણ, એલ,એ,માં તો ત્રણ જ દિવસ હતાં!

આમ, મેં એલ.એમાં હોટેલ હોલિવૂડનું બુકિંગ કર્યું બુકિંગ ડોટ કોમ પર. તેનો ફાયદો એ હતો કે, મારાં હોટેલ ચેક-ઇનનાં ૪૮ કલાક પહેલાં સુધીમાં હું મારું માઈન્ડ બદલી શકું અને બુકિંગ કેન્સલ કરાવી શકું કોઈ ચાર્જ વિના. સાન ફ્રાન્સીસ્કોનું તો છેલ્લી ઘડીએ જ કરવાનું નક્કી કર્યું હતું એટલે એ કોઈ ચિંતા નહોતી. ટ્રિપનાં એક અઠવાડિયા પહેલાં હું કરન્સી એક્સચેન્જ કરાવવા ગઈ ત્યારે ત્યાંની શોપ આસિસ્ટન્ટ સાથે મારી બધી વાત થઇ અને તેણે મને ખૂબ ઉપયોગી માહિતિ આપી. એ વેબસાઈટ હતી હોસ્ટેલવર્લ્ડ ડોટ કોમ. તેનાં પર દુનિયાનાં દરેક ખૂણાની સારામાં સારી હોસ્ટેલનાં રીવ્યુ અને બુકિંગ થઇ શકે તેમ હતાં.

એલ.એ.માં મારું હોટેલ બુકિંગ થઇ જવા છતાં મેં ત્યાંની હોસ્ટેલ પણ જોવાનું નક્કી કર્યું. વળી, એક વિચાર તો મગજમાં હતો જ કે, હોસ્ટેલમાં રહીશ તો હું લોકોને મળી શકીશ. હોટેલમાં એકલી કરીશ શું? એલ.એમાં યુ.એસ.એ હોસ્ટેલ મને ગમી ગઈ અને પેલી હોટેલનું બુકિંગ કેન્સલ કરાવીને છેલ્લી ઘડીએ મેં આ હોસ્ટેલમાં ત્રણ રાતનું બુકિંગ કરાવ્યું. હા, ત્યારે તો હું અજાણ જ હતી કે, This was going to prove to be the best decision ever!