રવિવારની સવારે વહેલા ઉઠવાનો પ્લાન હતો પણ, રાબેતા મુજબ એ તો ન જ થયું. ઊઠીને નાહીને અમે સીધા રેન્ટલ કાર પિકઅપ કરવા પહોંચ્યા. બુકિંગ એકદમ છેલ્લી ઘડીએ કર્યું હોવાને કારણે અમને એક વિચિત્ર વૅગન મળી. અમારા બધામાં ફક્ત સૅમ જ કાર ચલાવી શકે તેમ હતો કારણ કે, મારું અને અભિનું ઇન્ટરનેશનલ ડ્રાઈવર્સ લાઇસન્સ નહોતું અને આશુ-શ્રી પાસે તો લાઇસન્સ જ નહોતું. મેં હાલ સુધીમાં જેટલા દેશમાં કાર ભાડે લીધી છે ત્યાં બધે જ ‘ઇન્ટરનેશનલ લાઇસન્સ’ની જરૂરિયાત ફક્ત કહેવા પૂરતી રહી છે અને બધાં આરામથી પોતાનાં દેશનું લોકલ લાઇસન્સ દેખાડીને ડ્રાઈવ કરી શકતા હોય છે. જાપાનમાં મેં પહેલી વખત જોયું કે, ત્યાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ વિના ગાડી ભાડા પર નથી જ આપતા.
વૅગન હતી એટલે કારમાં ત્રણ રો હતી. સૌથી પાછળની રો થોડી સાંકડી હતી પણ તોયે બિચારી નાનકડી શ્રી ત્યાં ગોઠવાઈ ગઈ. અમે સૌથી પહેલા કંઈક ખાવાનું અને કૉફી લેવા માટે રોકાયા. કોઈ ખૂબ સારી જગ્યા શોધવામાં સમય વેડફવા કરતા કોઈ નજીકની સાધારણ જગ્યાએ જવાનું નક્કી કર્યું જ્યાં લાઈન ન હોય અને ફટાફટ કામ પતે. ગૂગલ પર સૌથી પહેલું નજરે પડ્યું સ્ટારબક્સ. આવા સમયે સમજાય કે, સ્ટારબક્સની કૉફી સારામાં સારી ન હોવા છતાં એ આટલું પ્રખ્યાત કેમ છે? સામાન્ય કૉફી + કન્વીનિયન્સ = જબરું પ્રોડક્ટ-માર્કેટ-ફિટ!
સ્ટારબક્સ પહોંચી તો ગયાં પણ, દરેક મહાનગરની જેમ ટોક્યોમાં પણ પાર્કિંગ શોધવું એ લોઢાનાં ચણા ચાવવા જેવું હતું. અંતે થાકીને સ્ટારબક્સની બરાબર સામે રસ્તો બ્લૉક ન થાય તેવો એક ખાંચો શોધીને ત્યાં અમે ટેમ્પરરી પાર્કિંગ કર્યું. હું અને શ્રી કૉફી નહોતા પીતા એટલે કૉફી લેવાવાળા કૉફી લે ત્યાં સુધીમાં બાજુનાં સેવેન-ઇલેવનમાંથી અમે રસ્તા માટે પાણીની બોટ્લ્સ અને નાશ્તા ખરીદ્યાં. નાશ્તામાં મેં પહેલા ક્યારેય ન જોયેલી ત્રણ વસ્તુઓ શ્રીએ લીધી. બંને જગ્યાઓનું કામ પત્યા પછી ત્યાં નજીકમાં અમને ફૂડ ટ્રક જેવી એક નાનકડી મિડલ ઇસ્ટર્ન દુકાન પણ દેખાઈ. એ જોઈને અમારા બધાનાં મગજમાં એક જ વિચાર આવ્યો કે, અહીં જમી લઈએ જેથી હાકોને પહોંચતા સુધી રસ્તામાં ફરીથી ક્યાંયે રોકાવું ન પડે અને હાકોને પહોંચીને પણ લાંબો સમય ભૂખ ન લાગે. જો કે, જમવાનું એટલું સ્વાદિષ્ટ નહોતું પણ, કામ ચાલી ગયું.
એ આખો કાર્યક્રમ પતતા અડધો પોણો કલાક લાગ્યો. એ દિવસે અમારા નસીબ એવાં હતાં કે, મોડું એટલે બધી જ વસ્તુમાં મોડું. મર્ફીનો નિયમ પૂર જોશમાં હતો. અમે જ્યાં જમ્યા ત્યાંથી ફ્રીવે બેથી ત્રણ જ મિનિટ દૂર હતો પણ, અમને ફ્રીવે પર ચડતા ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ અને ત્રણ ચક્કર લાગ્યાં. ટોક્યોમાં ગૂગલ મૅપ્સથી રસ્તો જાણવો અઘરો છે કારણ કે, ગૂગલ મૅપ્સ અપ-ટુ-ડેઈટ નથી અને મૅપ્સમાં દેખાડેલા રસ્તા કરતા અમુક રસ્તા બદલાઈ ચૂક્યાં છે. એક વખત ફ્રીવે પર ચડી ગયા પછી તો જો કે, સીધો જ રસ્તો હતો. રસ્તો દોઢ કલાકનો હતો અને અમારા માટે બધું નવું નવું હતું એટલે રસ્તામાં સામે દેખાતી નવી નવી વસ્તુઓ વિષે અમારી વાતો ચાલતી રહી. કારમાં જ્યાં પહોંચતા દોઢ – પોણા બે કલાક લાગે ત્યાં ટ્રેનમાં તો કેટલો સમય લાગતો હશે! આશુ-શ્રી પાસે લાઇસન્સ નહોતું છતાં એ લોકો ઘણી વખત હાકોને જઈ આવ્યા હતા એ અમારા માટે અચરજની વાત હતી. એ વિષે સૅમે આશુને પૂછ્યું ત્યારે તેણે અમને જણાવ્યું કે, ટ્રેનથી પણ ત્યાં પહોંચતા બે – સવા બે કલાકથી વધુ નથી થતું. ત્યારે અમને સાચા અર્થમાં સમજાયું કે, જાપાનનાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને દુનિયા આટલી કેમ વખાણે છે! એ લોકોએ ફક્ત મોટાં શહેરોને જ નહીં, ખૂણા ખાચરાનાં નાના નાના જોવાલાયક સ્થળોને પણ તેમનાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક દ્વારા જોડ્યા છે અને એ એવી રીતે જોડ્યા છે કે, લોકો સહેલાઈથી અને બને તેટલાં ઓછાં સમયમાં ત્યાં પહોંચી શકે. એ વસ્તુ અમેરિકામાં અસ્તિત્ત્વ જ નથી ધરાવતી. શહેરોનાં સબર્બ, જ્યાં ઘણાં બધાં લોકો રહેતા હોય છે, તેને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા વ્યવસ્થિત રીતે જોડવાનું કામ અહીં નથી થયું (ન્યૂયૉર્કનાં અપવાદ સિવાય).
રસ્તામાં એક સાઈનબોર્ડ જોઈને હું થોડી વિચારે ચડી ગઈ. હું એ સ્થળ વિષે બે-ત્રણ વર્ષ લગભગ રોજ સાંભળતી, મારા સહકર્મચારીઓમાંથી કોઈ ને કોઈ વારે તહેવારે ત્યાં જતું, હું ક્યારેય નહોતી ગઈ પણ તેની એક કાલ્પનિક આકૃતિ સતત મનમાં રહેતી. પછી અચાનક મારું જીવન બદલાઈ ગયું અને ચાર-પાંચ વર્ષ એ સ્થળ વિશેની વાતચીતની કોઈ સ્મૃતિ મારા મનમાં નહોતી રહી અને અચાનક એ દિવસે મેં રસ્તામાં તેનું સાઈનબોર્ડ જોયું – યોકોહામા. એ દિવસે પણ અમે ત્યાં ગયા તો નહોતા પણ હવે મને આછી પાતળી ખબર હતી – જાપાન કેવું દેખાય છે, યોકોહામા ક્યાં આવેલું છે વગેરે અને એ વિષે હું મનમાં જ ખુશ થઇ રહી. ઇચ્છું તો એ કૂતુહલ મારાં સહપ્રવાસીઓ સાથે બાંટી શકી હોત. પણ, આ નવાં દેશમાં ડગલે ને પગલે જેટલી મોટી નવીનતાઓ અને અજાયબીઓ જોવા મળતી ત્યાં મારા વીતેલાં જીવનની એક નાનકડી યાદની કહાની પર કોણ ધ્યાન આપવાનું હતું. મેં મનમાં જ ટાઇમ-ટ્રાવેલ કરી લીધું.
થોડાં સમય પછી ભૂખ લાગી એટલે સેવેન-ઈલેવેનવાળી નાશ્તાની બૅગ ખોલવામાં આવી અને તેમાંથી શ્રીએ અમારા માટે તેણે લીધેલી પેલી નવી અજાયબી કાઢવામાં આવી. એ હતી ‘ઓનીગીરી (onigiri)’ – ભાતની બનેલી જાપાનની એક પારંપારિક વાનગી જે તમને લગભગ કોઈ પણ ગ્રોસરી સ્ટોર કે કન્વીનિયન્સ સ્ટોરમાં આરામથી મળી જાય. આમ તો ત્યાંની દરેક પારંપારિક વાનગીઓની જેમ ઓનીગીરીમાં પણ સૌથી પ્રખ્યાત તો સીફુડવાળી વેરાઈટીઝ જ છે. પણ, સાથે સાથે અમુક વેજિટેરિયન વેરાયટીઝ પણ પ્રખ્યાત છે, જેમાંની ત્રણ અમે માણી. વેજિટેરિયન ઓનીગીરીમાં સૌથી પ્રખ્યાત અને વિશિષ્ટ છે ‘ઉમેબોશી’ – ‘ઉમે’ એટલે એક પ્રકારનાં જાપાનીઝ પ્લમ, ‘ઉમેબોશી’ એટલે સૂકવેલા પ્લમ જે સ્વાદમાં ખાટાં અને ખારાં લાગે છે. ઉમેબોશીને એશિયાનાં પ્રખ્યાત ‘સ્ટીકી રાઈસ’માં ભેળવીને કેક જેવાં આકારમાં પૅક કરીને બજારમાં વેચવામાં આવે છે જે લોકો હરતા ફરતા હાથ બગાડ્યા વિના પ્લાસ્ટિકનાં રૅપરમાંથી આરામથી ખાઈ શકે. બીજી એક વેરાઈટી જે અમે ટ્રાય કરી તેમાં સ્ટિકી રાઈસ સાથે ઉમેબોશીને બદલે રાજમા ભેળવેલાં હતાં. તેનો સ્વાદ એકદમ ઓછાં મસાલાવાળાં રાજમા-ચાવલ જેવો હતો અને ત્રીજી વેરાયટીમાં રાઈનાં પત્તા (મસ્ટર્ડ ગ્રીન્સ) ભેળવેલાં હતાં. અમને ત્રણે વેરાયટી ખૂબ ભાવી.
જોતજોતામાં અમે હાકોને પહોંચી ગયા અને સીધા જ પહોંચ્યા ત્યાંનાં પ્રખ્યાત લેઈક પર – ‘લેઈક આશી’.
ત્યાં બેથી ત્રણ ટૂર બસ અને ઘણાં બધાં ખાનગી વાહનો પાર્ક કરેલાં હતાં એટલે ત્યાં પણ પાર્કિંગ શોધવું થોડું અઘરું થઇ પડ્યું. પણ, પાર્કિંગ મળ્યું એટલે તરત અમે લેઈકની બોટ રાઈડ માટેનાં પાસ લીધાં.

લાઈન લાંબી હતી પણ, બોટ મોટી હતી એટલે અમારો વારો આવતા વાર ન લાગી. બોટમાં અપર અને લોઅર એમ બે ડેક હતાં અને એ પાંચેક અલગ અલગ સ્થળોએ રોકાતી હતી અને તેમાંનાં એક સ્થળે અમે સાંજે જવાનાં હતાં. કહેવાની જરૂર નથી કે, લેઈકનો નજારો માણવાની મજા તો અપર ડેક પર જ હતી. ચળકતાં નીલમ જેવું સાફ બ્લૂ પાણી, ચોતરફ હરિયાળી અને તેનાં પર બરફથી ઢંકાયેલી ‘માઉન્ટ ફૂજી’ની ટોચ!



સોએક લોકોની બોટ પર ગણીને ડઝન ભારતીય લોકો પણ નહીં હોય અને તેમાં મને ગુજરાતી સંભળાયું એટલે મારાં કાન ચમક્યાં. એક વયસ્ક કપલ એ બોટ પર અમારી સાથે હતું અને એ બંને ગુજરાતી હતાં – સુરતથી. તેમની સાથે થોડી વાત થઇ. પણ, અપર ડેક પર લાંબો સમય રોકાઈ શકાય તેમ નહોતું કારણ કે, સખત અને સતત વહેતો ઠંડો પવન! બોટ જ્યારે મૂળ સ્થાને પાછી ફરવા લાગી ત્યારે અમે બધા નીચે ચાલ્યા ગયા. બેસવાની જગ્યા મળવી મુશ્કેલ હતી પણ, ટેકો દઈને ઊભા રહી શકીએ એવી એક બારી ચોક્કસ મળી.


આજે અહીં વિરામ લઈએ અને હાકોનેની વાત આગળ ચલાવીએ આવતી પોસ્ટમાં.