ન્યુ ઓર્લીન્સ – બે વધુ બૅન્કઝી મ્યુરલ્સ!

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

ન્યુ ઓર્લીન્સમાં આ દિવસ અમારો છેલ્લો આખો દિવસ હતો. એ સવારે છ પાર્થની ફલાઇટ ટેક ઑફ કરવાની હતી પણ, ઘેરાં વાદળ અને વરસાદનાં કારણે મોડી પડી હતી અને તેનો નવો સમય બદલાઈને આઠ વાગ્યાનો થયો હતો. સૅમ પાર્થને એરપોર્ટ ડ્રૉપ કરીને થોડો સમય ઊંઘ્યો પણ, ભાઈની ફલાઇટ ડીલે થયેલી ફ્લાઇટનું શું થયું એ જાણવા માટે તે વચ્ચે વચ્ચે ઊઠતો રહ્યો હતો. સવારે આઠ વાગ્યે મારી આંખ ખુલી ત્યારે એ જાગતો હતો અને થોડો ચિંતિત પણ લાગતો હતો. પાર્થની ફલાઇટ બે વખત મોડી થયાની વાત તેણે મને કરી. આઠ વાગ્યે પણ તેની ફલાઇટ ઉડી નહોતી અને ક્યારે એ ન્યુ ઓર્લીન્સથી ન્યુ યૉર્ક પહોંચશે તેની કોઈને ખબર નહોતી. ન્યુ યૉર્કથી મુંબઈની તેની કનેક્ટિંગ ફલાઇટ 3 કલાકમાં નીકળતી હતી. તેમાંથી બે કલાક તો વહી ચૂકી હતી અને પછીની એક કલાકમાં પણ કોઈ પણ ફલાઇટનાં ન્યુ ઓર્લીન્સથી નીકળવાનાં કોઈ જ અણસાર લાગતા નહોતા. મુંબઈ લૅન્ડ થઈને ત્યાં તેને ઘણાં બધાં કામ પણ હતાં અને બધું જ ડખે ચડી ગયું હતું. લગભગ દસેક વાગ્યા સુધી સૅમ તેની સાથે વાત કરતો જાગતો રહ્યો અને મેં થોડી વધુ ઊંઘ ખેંચવાનો પ્રયત્ન કર્યો. સાડા દસ આસપાસ આકાશ સ્વચ્છ થઇ ગયું હતું અને ફલાઇટ્સ ઉડવા લાગી હતી. પાર્થની નવી ફ્લાઇટ બપોરે એક વાગ્યે ઉડવાની હતી. ત્રણ કલાકમાં હવામાનમાં અચાનક ફેરફાર થાય તેવું તો અમને લાગતું નહોતું એટલે બધાને પેલી એક વાગ્યાની ફલાઇટ ઉડશે તેવી ખાતરી હતી. તેની બાકી કનેક્ટિંગ ફલાઇટ પણ તેની ઑફિસનાં ટ્રાવેલ એજન્ટ્સે ગોઠવી આપી હતી.

બધું ઠેકાણે પડ્યા પછી સૅમને ઊંઘી જવું હતું. પણ, તેણે કાર પાર્કિંગનાં કૈંક લોચા કર્યા હતા અને કૈંક અમુક જ કલાકોની છૂટવાળી જગ્યામાં પાર્કિંગ કર્યું હતું એટલે તેને એક વાગ્યે ઊઠી જવું પડ્યું. કાર પાછી રેન્ટલ ઑફિસે પાછી પણ પહોંચાડવાની હતી એટલે, એક વાગ્યે ઊઠીને અમે તૈયાર થઈને જ બહાર નીકળ્યા. સૌથી પહેલા તો પેટ્રોલ સ્ટેશન શોધવાની બબાલ થઈ. ગૂગલ મૅપ્સ પર એક લોકેશન માર્ક કરેલું હતું પણ, ત્યાં કશું જ નહોતું. એટલે ત્યાંથી નજીકનું બીજું કોઈ સ્ટેશન અમે શોધ્યું જે કૅશ-ઓન્લી હતું અને એકદમ વિચિત્ર નાની દુકાન જેવું લાગતું હતું. પેટ્રોલ ભરાવીને સૅમે કાર રેન્ટલ ઑફિસનું લોકેશન મને કહ્યું. તેમાં પણ ફરી ગૂગલ મૅપ્સનાં લોચા થયા. મૅપ્સ અમને એવી જગ્યાએ વળવાનું કહી રહ્યો હતો જ્યાં કોઈ રસ્તો જ નહોતો. અંતે એકાદ બે ચક્કર મારીને અમે કાર રેન્ટલ ઑફિસ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો સમજાયું કે, ત્યાં તેમનું પોતાનું પેટ્રોલ પમ્પ છે!!! સાન ફ્રાન્સિસ્કો કે સિઍટલ કે ન્યુ યોર્ક નહોતું આ કે, ખોબલા જેવડી કાર રેન્ટલ ઑફિસ ને ખોબલા જેવડું પાર્કિંગ હોય. અહીં તો ભાઈ રેન્ટલ ઑફિસ પોતાનો એક નાનો પેટ્રોલ પમ્પ રાખી શકે તેટલી જગ્યા હતી તેમની પાસે, એ પણ શહેરનાં મધ્યમાં!

બધી ફોર્માલિટી પતાવીને જીવનનાં એ જ સળગતા પ્રશ્ન પર અમે ફરી આવી પહોંચ્યા. શું ખાશું અને પછી શું કરશું? મારી પાસે જવાબ તૈયાર હતો. આગલી રાત્રે અમે એક વેગન રેસ્ટ્રોં શોધ્યું હતું જ્યાં અમે જઈ નહોતા શક્યા, ત્યાં જઈને જમવું અને પછી આગલાં દિવસે ટાયલરે બૅન્કઝીનાં મ્યુરલ્સનાં બીજાં બે લોકેશન આપ્યાં હતાં ત્યાં જવાનું. ત્યાર પછી કેવો અને કેટલો સમય છે તેનાં આધારે આગળનો પ્લાન બનાવવાનો. સૅમને પ્લાન ગમ્યો એટલે કાર રેન્ટલ ઑફિસથી જ અમે ‘સીડ’ નામનાં એક કૅફેની વાટ પકડી.

એ કૅફેમાં અંદર જઈને સમજાયું કે, તેનું રેટિંગ આટલું હાઈ કેમ હતું!

સીડનું ડેકોર તો અફલાતૂન હતું જ, જમવાનું પણ એટલું જ સારું હતું. સર્વિસ થોડી ધીમી હતી પણ, ભીડ ઓછી હતી એટલે શેફ પોતે અમારી બધી જ ડિશિઝ લઈને બહાર આવતો હતો. અમે ત્યાં ન્યુ ઓર્લીન્સની બે ક્રેઓલ સ્પેશ્યલ્ટી – ગમ્બો અને પૉબોય મંગાવ્યાં હતાં. ત્યાં મંગાવવાનું એક કારણ એ પણ હતું કે, આ બંને વાનગીઓ સી-ફૂડની વાનગીઓ છે અને ન્યુ ઓર્લીન્સમાં તેનું વેજિટેરિયન વર્ઝન મળવું અમને થોડું મુશ્કેલ લાગ્યું એટલે દેખાયું તેવું તરત અમે મંગાવી જ લીધું! ગમ્બો મસ્ત હતું, પોબોય ઠીક ઠીક હતું. પોબોય સેન્ડવિચ જેવું હતું પણ, તેમની બ્રેડ થોડી ચવળ હતી એટલે તેમાં બહુ મજા ન આવી. આ વેગનનાં ચક્કરમાં અમને યાદ ન રહ્યું કે, લાટે કે કૅપ્યુચીનોમાં એ લોકો દૂધ નહીં નાંખે! એ દિવસે સૅમને લાટે પીવાનું બહુ મન હતું એટલે તેણે હરખ-હરખમાં મંગાવી તો ખરી પણ, ત્યાં સામો સવાલ આવ્યો – કૉફીમાં સોય મિલ્ક, આલ્મન્ડ મિલ્ક કે ઓટ મિલ્ક? આ સવાલ પર સૅમનું મોં જોવા જેવું થઈ ગયું હતું. સર્વરે કહ્યું કે, દૂધની નજીકમાં નજીક આલ્મન્ડ મિલ્ક આવશે એટલે તેણે તેનો ઓર્ડર આપ્યો. અધૂરામાં પૂરું સર્વિંગમાં પણ ગોટાળો થયો હતો. એ લોકો અમારો કૉફનો ઓર્ડર ભૂલી ગયા હતા એટલે એ આવી પણ જમવાનું પતી ગયા પછી. આવી એટલે પીવાઈ ગઈ, બાકી બહુ મજા ન આવી. જો કે, પોતાની ગડબડ બદલ એ લોકોએ બિલમાંથી કૉફી હટાવી દીધી હતી.

બાય ધ વે, મારી પાસે ફૂડ ફોટોઝ તો લગભગ ક્યારેય હોતાં જ નથી કારણ કે, હું ટ્રાવેલિંગ વખતે ગમે તે રેસ્ટ્રોંમાં જાઉં, ખૂબ ભૂખી તરસી જ જતી હોઉં છું એટલે જમવાનું આવે ત્યારે તરત તેનાં પર તૂટી પાડવાનું જ મન થતું હોય છે અને ફોટો લેવાનો વિચાર પણ આવતો નથી હોતો. એટલે વખાણ કરું ત્યારે નછૂટકે,મારા પર ભરોસો રાખીને તમારે માની જ લેવું પડશે કે, ખાવા/પીવાનું ખૂબ સરસ હતું.

બૅન્કઝીનું બીજું ઈન્સ્ટોલેશન સીડ રેસ્ટ્રોંથી ચાલતા દસેક મિનિટની દૂરી પર જ હતું અને અમે સીડથી સીધા ત્યાં જ જવાનાં હતા. પણ, સીડની બરાબર સામે સૅમને એક ઑર્ગેનિક જ્યૂસ અને સ્મૂધીની દુકાન દેખાઈ, જેનું નામ હતું ‘ધ ગ્રીન ફૉર્ક’.

તે બહારથી બહુ ક્યૂટ દેખાતી હતી એટલે અમે ત્યાં પણ એક સ્ટૉપ કર્યું. એ દુકાન પણ દેખાવમાં જેટલી સુંદર હતી તેટલાં જ સરસ ત્યાંનાં જ્યૂસ અને સ્મૂધી પણ હતાં! જો કે, બહુ સાંકડી જગ્યામાં હતી એટલે ત્યાંથી બહાર નીકળીને અમારાં નેક્સ્ટ બૅન્કઝી ઈન્સ્ટોલેશન તરફ ચાલતા અમે સ્મૂધી પીતા રહ્યા. વરસાદનાં છાંટા શરુ થઈ ગયા હતા અને મને પલળવાની થોડી બીક લાગી પણ, નસીબજોગે વરસાદ ન આવ્યો.

જેની શોધમાં નીકળ્યા હતા તે બૅન્કઝી ઇન્સ્ટોલેશન અમને એક અવાવરુ, નાની શેરીમાં એક દુકાનની દીવાલ પર મળ્યું. ત્યાં અમારા સિવાય બીજું કોઈ એ જોવા આવેલું નહોતું. આ ઇન્સ્ટોલેશનમાં દર્શાવાયેલો માણસ ગ્રાફિટી/મ્યુરલ પર પેઇન્ટ કરીને તેને હટાવી રહ્યો છે. આ મ્યુરલ અને ગ્રફીટી હટાવવાનું કામ ખરેખર બહુ થતું હોય છે કારણ કે, અન્ય લોકોની માલિકીની કે, સરકારી માલિકીની દીવાલો પર સ્ટ્રીટ આર્ટ બનાવવું દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં ગેરકાનૂની છે. સાત સારું હોય તોયે આવી દીવાલો પર થયેલું કામ લોકલ ગવર્મેન્ટ હાલતા ને ચાલતા હટાવડાવી દેતી હોય છે. બૅન્કઝીનું મ્યુરલ આ વાસ્તવિકતા પર તેની સૅટાયરિકલ(કટાક્ષપૂર્ણ) કૉમેન્ટેરી છે.

આગળ જણાવ્યું તેમ, શેરી નાનકડી અને અવાવરુ હતી એટલે સૅમને થોડો ડર લાગ્યો અને અમે પાંચ જ મિનિટમાં ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછીનું ત્રીજું અને બૅન્કઝીએ 2008માં ન્યુ ઓર્લીન્સમાં બનાવેલાં 11 મ્યુરલ્સમાંનું છેલ્લું, કોઈ ‘ઇન્ટરનેશનલ હાઉઝ હોટેલ’ નામની હોટેલની લૉબીમાં હતું. ત્યાં સુધી ચાલીને જઈ શકાય તેમ નહોતું એટલે ત્યાં પહોંચવા માટે અમે ઉબર ઓર્ડર કરી. ત્યાં ટ્રાફિક ખૂબ હોવાને કારણે અમારી વીસેક મિનિટ ઊબરની રાહ જોવામાં વેડફાઈ. પણ, અંતે બંદી પહોંચી ખરી અને અમને હોટેલ પહોંચાડ્યા પણ ખરા!

ખૂબ ઊંચી છતવાળી, ક્લાસિક આર્કિટેક્ચરવાળી, વિશાળ લૉબીનાં પાછલા ખૂણાંમાં દસ બાય દસ ફુટનો સવા સાતસો કિલોનો દીવાલનો એક મોટો ટુકડો (ટુકડો શું, દીવાલ જ ગણી લો) ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યો છે! કોઈ મ્યુઝિયમમાં રાખેલાં આર્ટવર્કની જેમ અહીં પણ તેને વ્યવસ્થિત લાઇટિંગ આપવામાં આવ્યું છે અને દીવાલથી અમુક અંતરે દૂર ઊભા રહીને જ એ મ્યુરલ જોવાની છૂટ છે. બૅન્કઝીનાં અમ્બ્રેલા ગર્લ વાળાં મ્યુરલની જેમ આ મ્યુરલમાં પણ હરિકેન કૅટરીનાની જ વાત છે. અહીં કટાક્ષ છે અમૅરિકન આર્મી પર જે, આવી હતી તો હરિકેન પછી ન્યુ ઓર્લીન્સનાં લોકોની મદદ કરવા માટે પણ, સાથે સાથે સ્થાનિક લોકોની અમુક મૂલ્યવાન વસ્તુઓ પણ લૂંટી ગઈ. :( એટલે જ આ મ્યુરલનું નામ પણ છે ‘ધ લૂટર્સ’. (બાય ધ વે, ‘લૂટ’ શબ્દ અંગ્રેજોએ આપણાં દેશમાં જ લૂંટફાટ કરતી વખતે શીખ્યો છે.)

મ્યુરલની બરાબર પાસે એક નાનકડો રુમ છે જેમાં બૅન્કઝીએ લખેલું અને બૅન્કઝી વિષે લખાયેલું ઘણું બધું રાખવામાં આવ્યું છે. એ રુમ અને તેની અંદરની ચીજ વસ્તુઓની વાત હું એક સ્પેશિયલ પોસ્ટ માટે બચાવી રાખવા માંગુ છું, સિવાય એક ફોટો. નીચેનો ફોટોમાં તમે જોઈ શકશો આ મ્યુરલને મિટાવવા માટે તેનાં પર કરવામાં આવેલાં આડાં-અવળાં સ્પ્રે પેઇન્ટ (જેની વાત બૅન્કઝીનું ઉપરનું મ્યુરલ જ કરે છે!), તેને હટાવીને મ્યુરલનું રિસ્ટોરેશન, એ જે દીવાલ પર હતું તે વેરહાઉઝ જયારે પાડી નાંખવામાં આવ્યું હતું ત્યારે આ મ્યુરલવાળાં 10×10નાં કટકાની કોતરણી અને હોટેલ સુધી તેને પહોંચાડવાની જહેમત! આ બધું કામ સ્વખર્ચે શૉન કમિન્ગ્સ નામનાં એક માણસે કરેલું છે. શૉન પોતે જ ઇન્ટરનૅશનલ હાઉઝ હોટેલનો માલિક પણ છે. :)

સામાન્ય આર્ટનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન પણ બહુ અઘરું છે, સ્ટ્રીટ આર્ટનું તો લોઢાનાં ચાણા ચાવવા જેવું છે. પણ, મારા-તમારા જેવા સામાન્ય પ્રેક્ષકો નસીબદાર છે કે, શૉન જેવા માણસો રસ લઈને, સ્વપ્રયત્ને, સ્વખર્ચે પણ આવું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનનું કામ કરે છે ત્યારે આપણને આવું આર્ટ વિના ખર્ચે જોવા અને માણવા મળે છે!

ન્યુ ઓર્લીન્સ – સ્ટ્રીટ આર્ટ ટૂઅર #2

ન્યુ ઓર્લીન્સ, પ્રવાસ

બ્રેક પછી પણ અમે સેન્ટ ક્લૉડ એવન્યુ પર જ હતા! એ એક જ લાંબા રસ્તાની બંને બાજુ એક પછી એક ઘણું બધું આર્ટ હતું! મોટાં ઑફિશિયલ પીસ તો હતાં જ, સાથે સાથે ખૂણે ખાંચરે ‘વેન્ડલિઝમ’ની કક્ષામાં આવે તેવું પણ અધધ આર્ટ હતું! જેમ કે, ફૂટપાથ પર, વીજળીનાં થાંભલા પર, દીવાલો પર ગ્રફીટી, સ્ટેન્સિલ્સ વગેરે. મને વિચાર આવ્યો આ એક રોડની બંને બાજુ જ જો આટલું બધું આર્ટ હોય તો બાકીનાં શહેરમાં તો કેટલું હશે!

ઉપરનાં એક ફોટોમાં અમારો ટૂઅર ગાઇડ ફૂટપાથ પર ત્રણ માછલીઓ તરફ આંગળી ચિંધીને કૈંક કહેતો દેખાય છે ને? એ ત્રણ માછલીઓ અને તેની પહેલાનું, થાંભલા પર લગાવેલું ડ્રૅગ કવીન્સનું સ્ટેન્સિલ બંને એક જ માણસનું કામ છે. તેનું નામ છે જેરેમી નોવી. એ થાંભલાવાળું તેનું છે એ તો મને ખબર પણ નહોતી કારણ કે, ત્યાં ક્યાંય આસપાસ તેનું નામ નથી. પણ, આ પોસ્ટ લખતા લખતા જેરેમીનાં કામ વિષે ફરીથી થોડું રિસર્ચ કર્યું, તેમાંથી જાણવા મળ્યું એ તેનું સ્ટેન્સિલ છે! :)

સફેદ રંગ પર કેસરી પૅટર્નવાળી કોઈ ફિશ અને ક્વીઅર આર્ટ- આ બંને જેરેમીની સ્પેશિયલ્ટી છે.જેરેમી અમેરિકાનાં ગણ્યા ગાંઠ્યા સ્ટ્રીટ આર્ટિસ્ટ્સમાંનાં એક છે જે જાહેરપણે ગે છે. તેનું ક્વીઅર આર્ટ LGBTQ કમ્યુનિટીનાં અધિકારો પર પ્રકાશ પાડે છે. તેમાં ઉપર દેખાય છે તેમ મુખ્યત્ત્વે તેઓ ડ્રૅગ ક્વીન્સનાં સ્ટેન્સિલ બનાવીને ઠેક-ઠેકાણે લગાવે છે. તેમનાં ‘કોઈ ફિશ’વાળાં આર્ટની કહાની જો કે, થોડી વધુ રસપ્રદ છે.

નોવીએ 2006માં ચીનની સફર કરીને ત્યાંનાં ક્લાસિકલ અને કન્ટેમ્પરરી આર્ટનો અભ્યાસ કર્યો હતો. કોઈ ફિશ ચીનની સંસ્કૃતિમાં ઘણી બધી અલગ અલગ રીતે વણાયેલી છે. આ માછલી સામાન્ય રીતે પાણીનાં પ્રવાહ વિરુદ્ધ તરી શકે છે એટલે ચીનની ઘણી બધી કહાનીઓમાં તે ફ્લેક્સિબિલિટી અને તાકાતનું પ્રતીક છે, જૂના ચાઈનીઝ સ્ક્રોલ્સમાં ‘કોઈ ફિશ’ની આકૃતિમાં ગુપ્ત સંદેશ છૂપાવવામાં આવતાં અને ફંગ શુએ(‘ફેંગ શૂઈ’નો સાચો ઉચ્ચાર) માં પણ તે લકી ગણાય છે. સામાન્ય રીતે ‘કોઈ ફિશ’ની સંખ્યા પરથી તેનો ફંગ શુએનો અર્થ નક્કી થાય છે. એક માછલી એટલે નવી શરૂઆત, આઠ માછલીઓ એટલે સમૃદ્ધિ, વગેરે. ત્રણ માછલી – જે જેરેમી પોતાનાં આર્ટમાં બહુ વાપરે છે, તેનો અર્થ થાય છે પ્રગતિ. આખાં ન્યુ ઓર્લીન્સમાં ઠેક-ઠેકાણે ફૂટપાથ પર, દરવાજાઓ પર, દિવાલો પર, ઘણી બધી જગ્યાએ તેણે આવી ‘કોઈ ફિશ’ બનાવી દીધી છે! નીચેનું મ્યુરલ પણ તેમનું અને લાના ગુએરા નામની એક કલાકારનું કોલાબરેશન છે.

એ ઉપરાંત સેન્ટ ક્લૉડ પર હી-હો લાઉન્જ નામનાં એક બારની બહારની દીવાલો પર સૉલ કૃથર્ડ્સનાં આ સુંદર મ્યુરલ સાથે પણ જેરેમી નોવીનું લીલાં પક્ષીઓવાળું મ્યુરલ પણ આવેલું છે.

આ હી-હો લાઉન્જની બરાબર સામે, શેરી ઓળંગીને અલગ અલગ કલાકારોએ બનાવેલાં મ્યુરલ્સનું એક બહુ જ ખૂબસૂરત ક્લસ્ટર છે. રેમન અમોરોસ નામનાં કલાકારનું મ્યુરલ ‘ફ્રાય ઍન્ડ પાઇ’ નામનાં કૅફેની દીવાલ પર છે અને તેની જમણી બાજુ પેઇન્ટ કરેલો એક દરવાજો દેખાય છે તેનાં પર મિસ્ટર બલૂન હેન્ડ્સનાં નામથી ઓળખાતા એક કલાકારનું કામ છે.

ફ્રાય ઍન્ડ પાયની બરાબર ડાબી બાજુ, હી-હો લાઉન્જની સામેનાં ખૂણે જૂનાં ગોડાઉન જેવી જગ્યાની ફરતે બાકીનાં મ્યુરલ્સ છે. તેમાં દેડકા અને પૅલિકનવાળું ધ ઇગ્રેટનું છે અને બે હંસવાળું કેઇટ હાન્રાહાનનું. ‘Courage has no gender’ મૅગઝેનીનું બનાવેલું છે અને ધ્યાનથી જોશો તો તેની નીચે એક ઝીણું બ્લૅક એન્ડ વાઈટ સ્ટેન્સિલ દેખાય છે જેનાં પર લખેલું છે ‘Nobody’s perfect’, તે સારા એરનથાલનું છે. સારાનું એક મોટું મ્યુરલ આપણે આગળની પોસ્ટમાં જોઈ ચૂક્યા છીએ. :)

આ છેલ્લાં એક હાથી જેવાં આકારનું એક મ્યુરલ મને બહુ ગમ્યું હતું. તેમાં જે પ્રકારની ઇફેક્ટ છે તે બીજા કોઈ મ્યુરલમાં નથી. તેનો બનાવનાર છે રામીરો ડિયાઝ અને તેમાં આવી ઇફેક્ટ એટલે આવી છે કે, તેણે સ્પ્રે પેઇન્ટ અને મ્યુરલ્સ માટે વપરાતાં ખાસ પેઇન્ટ્સનાં બદલે ઍક્રિલિક પેઇન્ટથી પોતાનું મ્યુરલ બનાવ્યું છે. અમારા ગાઇડ ટાઇલરે અમને કહ્યું હતું કે, રામિરોનું આ પહેલું વહેલું મ્યુરલ છે અને તેને ખબર નહોતી કે, એક્રેલિક પેઇન્ટ વડે દિવાલો રંગવાનું કામ કેટલું જફાવાળું છે. આ બનાવવામાં તેને તકલીફ પણ પડી અને સમય પણ ખૂબ લાગ્યો! જો કે, તેની ઇફેક્ટ મને અંગત રીતે બહુ યુનીક લાગે છે અને તેમની મહેનત લેખે લાગે છે.

ત્યાર પછી અમે બે અલગ અલગ જગ્યાએ લૉરેલ ટ્રુ નામની એક કલાકારનાં બે બહુ જ સુંદર મોઝેઇક પીસ જોયાં. આંખોવાળો પીસ એક દુકાનની બહાર બનાવેલો છે અને બેન્ચવાળો પીસ એક ખુલ્લાં પ્લૉટમાં છે જેને, એક સ્ટ્રીટ ગૅલેરીમાં બદલી નાંખવામાં આવ્યો છે અને ત્યાં ઘણાં બધાં મિક્સડ મીડિયા આર્ટ ઈન્સ્ટોલેશન છે. મેં લૉરેલની બેન્ચનો નજીકથી ફોટો લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ, તે બેન્ચની પાછળ એક મેલો-ઘેલો બેઘર માણસ ઊંઘતો હતો. આટલી ગરીબી છે અમેરિકામાં અને આ તો હજુ ફક્ત એક નાનકડી ઝાંખી છે!

નીચેનો પીસ પણ એ જ પ્લૉટમાં ઊભો કરવામાં આવ્યો છે. તે બનાવનાર કલાકારનું નામ મને નથી ખબર.

આગલી પોસ્ટમાં જેમનું એક મ્યુરલ આપણે જોઈ ગયા તે હેન્રી લિપકિસે ડેવિન રેનોલ્ડ્સ સાથે મળીને ટબમેન / ટ્વેન્ટી ડૉલર બિલ નામનું નીચેનું મ્યુરલ બનાવેલું છે. આ ટબમેન મ્યુરલની વાત અમેરિકાની ઐતિહાસિક ગુલામીપ્રથાની અને તેમાંથી ઉપજેલા, હજુ પણ અમૅરિકન સમાજને કોરી ખાતા રંગભેદની વાત છે.

આ જગ્યાએ પહેલા અન્ય શહેરની કોઈ કલાકારે (કદાચ મકરોક નામની કલાકારે જ – જેની વાત આપણે આગળની પોસ્ટમાં કરી) જેઇમ્સ મૅડીસન, થૉમસ જેફરસન અને ઍન્ડ્રૂ જૅક્સનનું મ્યુરલ બનાવેલું હતું. આ ત્રણે અમૅરિકાનાં ‘ફાઉન્ડિંગ ફાધર્સ’માંનાં એક ગણાય છે પણ, તકલીફ એ છે કે, એ ત્રણે ગુલામોનાં માલિક રહી ચૂક્યા છે – slave owners.* અને છતાં, ન્યુ ઓર્લીન્સ જેવાં 60%થી વધુ આફ્રિકન-અમૅરિકન વસ્તી ધરાવતા શહેરમાં, તેમનાં બાપ-દાદા પર હીનતમ અત્યાચાર કરનારા લોકોનું મ્યુરલ બનાવવાનું એક કલાકારે પસંદ કર્યું! તેની સાથે સ્થાનિક લોકોએ આ વિષય પર વાત કરી ત્યારે પણ, તે માફી માંગવાનાં બદલે દલીલ કરવા લાગી હતી એટલે સ્વાભાવિક રીતે જ લોકો વિફર્યા. લોકલ ગ્રફિટી આર્ટિસ્ટ્સે તેનાં પર સ્પ્રે પેઇન્ટ મારી દીધું, કલાકારે એ ફિક્સ કર્યું, ફરીથી ગ્રફીટી આર્ટિસ્ટ્સે ત્રણેનાં મોં પર ‘slave owners’ લખી નાખ્યું, ફરીથી કલાકારે એ ફિક્સ કર્યું અને ફરીથી લોકોએ તેનાં પર ફાસિઝમ વિરુદ્ધ કૈંક લખી નાખ્યું. આ બનાવવા, ભૂંસવાનો સિલસિલો પાંચ મહિના ચાલ્યો. અંતે એ કલાકારે પોતાનું મ્યુરલ ત્યાંથી હટાવ્યું અને લિપકિસ અને રેનોલ્ડ્સે ત્યાં ટબમેનનું મ્યુરલ બનાવ્યું.

હૅરિયટ ટબમેનનો જન્મ ગુલામીમાં થયો હતો અને તેમાંથી કોઈ પણ રીતે ભાગીને તેણે લગભગ 70 ગુલામોને બચાવ્યા હતા. ગુલામીપ્રથાનાં નાબૂદીકરણમાં તેમનો મોટો ફાળો હતો. ઓબામા જયારે અમૅરિકાનાં પ્રેસિડન્ટ હતા ત્યારે ટબમેનનો ચહેરો $20ની નોટો પર છાપવાનાં વિચારે જોર પકડ્યું હતું. પણ, 2016નાં અંતે ટ્રમ્પ પ્રેસિડન્સી શરુ થયા પછી તો કોઈ ચાન્સ નથી કે, આ વસ્તુ બને એટલે બહુ અગત્યનું આ પૉલિટિકલ સ્ટેટમેન્ટ લિપકિસે ન્યુ ઓર્લીન્સની દીવાલ પર બનાવ્યું.

ત્યાર પછીનાં મ્યુરલમાં પણ આફ્રિકન-અમૅરિકન મહિલાઓ જ છે. આ મ્યુરલ્સ કેટલાં કદાવર હશે તેનો અંદાજો તમે તેની સાપેક્ષ ઊભેલા ટાઇલરનાં કદ પરથી લગાવી શકશો! ટાઇલર ઊભો છે એ મ્યુરલનું નામ છે ‘ટીડી’. 90નાં દશકની સામાન્ય આફ્રિકન-અમૅરિકન મહિલાનું એ રિપ્રેઝન્ટેશન છે. તેની બાજુની સ્ત્રી એક પ્રખ્યાત ગાયિકા છે પણ, તેનું નામ મને હવે યાદ નથી આવતું. તે બનાવનાર કલાકારનું નામ પણ ખબર નથી.

આ બંનેની બાજુમાં ‘આય લવ યુ મોમ’નામનું એક મ્યુરલ છે પણ, એ મને બહુ ચીઝી લાગ્યું હતું એટલે તેનો ફોટો નથી પાડ્યો. તેને એકદમ અડીને મૉનિકા રોઝ કેલી નામની એક કલાકારનું સેઇન્ટ ક્લૉડ રિધમ્સ નામનું એક લાબું મ્યુરલ છે.

ત્યાંથી થોડું આગળ ચાલીને અમે જોયું નીચેનું મ્યુરલ જેમાં 2005માં ન્યુ ઓર્લીન્સમાં આવેલાં ભયંકર હરિકેન કેટરીનાની વાત છે. એ હરિકેનમાં આ મ્યુરલ બનાવનાર કલાકાર ક્રેગ કંડિફ સહિત હજારો લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યાં હતાં અને. એ સમયે બે સ્ત્રીઓએ ક્રેગને આશરો આપ્યો હતો. આ મ્યુરલમાં જે બે સ્ત્રીઓ દેખાય છે, તે બંનેએ. આ મ્યુરલનું નામ છે – ‘I am here for you’. આ હરિકેનનો રેફરન્સ ફરીથી ટૂંક સમયમાં આવવાનો છે એક બહુ મોટાં કલાકારનાં આર્ટ સાથે.

ત્યાંથી આગળ અમે ફરી મકરોકનાં એક નવાં મ્યુરલ પર પહોંચ્યા. આ મ્યુરલ જેઇમ્સ એન્ડ્રૂઝ નામનાં એક કલાકારનું છે. તેનાં પર લખેલું 12 એ કદાચ જેઇમ્સ એન્ડ્રૂઝની જન્મ-તારીખ છે. પણ, તેમાંયે મકે આફત વહોરી જ લીધી છે. ગ્રફીટીની ભાષામાં 12નો એક મતલબ police પણ થાય છે અને આફ્રિકન અમૅરિકન કમ્યુનિટીમાં પોલિસે સુધારવા કરતા બગાડ્યું વધારે છે એટલે લોકો તેમાં પણ વિફર્યા અને તેનાં મ્યુરલ પર સ્પ્રે પેઇન્ટથી ચોકડ મારીને બાજુમાં લખી નાખ્યું F*** 12 જેનો મતલબ થાય છે F*** the police.

તેની બરાબર પાછળ એક ઘરની દીવાલ પર ઓઝાઈરિસ રેઇન નામનાં એક કલાકારનું નીચેનું ખૂબસૂરત મ્યુરલ આવેલું છે.

ત્યાર પછી અમારો છેલ્લો મુકામ – આ મૂવીનું કલાયમૅક્સ હતું નીચેનું મ્યુરલ જેણે મને ઘણાં બધાં વિચારોએ ચડાવી અને પછીનાં દિવસે મારાં પોતાનાં એક નાના ઍડવેન્ચર પર પણ મોકલી. આ મ્યુરલને નથી કોઈ સિગ્નેચરની જરૂર કે નથી ઓળખાણની. આમની સ્ટાઇલ ઓળખનારા આ કલાકારને ઓળખી જ ગયા હશે.

આ મ્યુરલમાં પણ વાત છે પેલાં 2005નાં હરિકેન કેટરીનાની. એ જો કે, સ્વાભાવિક જ છે કારણ કે, મ્યુરલમાં વરસાદ પડતો દેખાડાયો છે. જે સ્વાભાવિક નથી તે છે પેલી છત્રીનું સિમ્બોલિઝમ. આ છત્રી પ્રતીક છે ન્યુ ઓર્લીન્સનાં સૂપર ડોમની. સૂપર ડોમ એ ન્યુ ઓર્લીન્સનું એક વિશાળકાય સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને એક્ઝિબિશન સેન્ટર છે. હરિકેન આવ્યો ત્યારે લોકોને ફક્ત અમુક કલાકો પહેલા જ તેનાં વિષે માહિતિ આપવામાં આવી હતી અને એક સમયે શહેરની બહાર નીકળવા ઇચ્છતા લોકો માટે હાઇવે બ્લૉક કરી દેવામાં આવ્યાં હતાં. હરિકેનથી બચવા માંગતા લોકોને સૂપર ડોમમાં આવી જવાનું જણાવાયું હતું. પણ, હરિકેને સૂપર ડોમમાં ગાબડાં પાડી દીધાં અને આ છત્રી એ સૂપરડોમનું પ્રતીક છે.

આ મ્યુરલ પર પારદર્શક પ્લાસ્ટિકનું એક લેયર લગાવવામાં આવ્યું છે. આવું બીજા કોઈ મ્યુરલમાં તો આપણે જોયું નથી. અહીં જ કેમ? આ મ્યુરલ ચોરાય નહીં તે માટે. આ મ્યુરલ બૅન્કઝીએ બનાવેલું છે! ધ બૅન્કઝીએ! તેનાં એક એક મ્યુરલની કિંમત લાખોમાં છે. તેનાં મોટાં ભાગનાં મ્યુરલ સ્ટેન્સિલ હોય છે એટલે લોકો એ ઊખાડીને તેને વેંચવાનો પ્રયત્ન કરતા હોય છે. આમ ન થાય તે માટે તેનાં પર અહીં જોવા મળતું પ્લાસ્ટિકનું લેયર લગાવવામાં આવ્યું છે અને તોયે લોકો આની ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોય છે બોલો! કઈ રીતે? આખી દીવાલ ચોરીને! ટાઇલરે અમને જણાવ્યું હતું કે, આ મ્યુરલની બરાબર સામે એક દુકાન છે.એ દુકાનનાં માલિકે એક દિવસ કોઈ માણસને માણસને આ દીવાલ પર કૈંક કરવાનો પ્રયત્ન કરતા જોયો હતો. શરૂઆતમાં તો તેને સમજાયું નહીં ત્યાં શું થઇ રહ્યું હતું. પણ, થોડી વારે સમજાયું કે, તે આ દીવાલ તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ભર બપોરે! માલિકને સમજાયું એટલે તરત જ તેણે પોલિસને ફોન કર્યો અને પોલિસ પેલા માણસને પકડીને લઈ ગઈ.

છે ને જોરદાર? ટાઇલરે અમને જણાવ્યું કે, બૅન્કઝી કૅટરીના પછી તરત જ ન્યુ ઓર્લીન્સ આવ્યો હતો અને તેણે આખાં શહેરમાં કુલ 11 મ્યુરલ બનાવ્યા હતા જેમાંથી હવે ફક્ત 3 બચ્યાં છે. એક તેણે અમને ઉપર દેખાડ્યું તે અને બાકીનાં બેનાં લોકેશન તેણે અમને જણાવ્યા! મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. એ દિવસે હું ખરેખર માની નહોતી શકતી કે, મેં બૅન્કઝીનું સ્ટ્રીટ આર્ટ મારી સગી આંખે જોયું હતું!

આખી દીવાલ તોડવાનો કોઈ પ્રયત્ન કરે તેવું તે શું છે બૅન્કઝીનાં આર્ટમાં? બૅન્કઝી છે કોણ? ક્યાંનો છે? આ બધી વાત થશે પણ, તેનાં માટે તમારે થોડી રાહ જોવી પડશે અને રખડતા ભટકતા વાંચતા રહેવું પડશે. :)


*આફ્રિકન લોકો ખૂબ મોટી સંખ્યામાં 17મી સદીથી 19મી સદી સુધી લગભગ 200 વર્ષ અમૅરિકામાં ગુલામીપ્રથાનો ભોગ બન્યા છે અને હજુ પણ તેમની પેઢીઓ સામાજિક અને આર્થિક સ્તરે, ગુલામીપ્રથાનાં કારણે સર્જાયેલી અસમાનતાનો ભોગ બની રહી છે. અંગ્રેજો આફ્રિકાથી જાનવરોની જેમ માણસોને ગુલામ તરીકે કેદ કરી લેતા અને તેમને પોતાનાં ખેતરોમાં મજૂરી કરવાની ફરજ પાડતા. ગુલામ તરીકે તેમને માણસો તરીકે નહીં પણ, સંપત્તિ તરીકે જોવા-વાપરવામાં આવતા, મારવામાં આવતા, સ્ત્રીઓ અને બાળકો પર પણ અનેક જાતનાં દુષ્કૃત્યો કરવામાં આવતા. અમૅરિકાનાં કહેવાતા ‘મહાન’ અને પૈસાદાર ગોરા લોકો અને તેમનાં વારસદારોની સત્તા અને સંપત્તિ આ ગુલામોનાં જીવનનાં ભોગે બનેલી છે.