ટોક્યો – 2

જાપાન, ટોક્યો

સેમ પાંચ વાગ્યા આસપાસ હોટેલ પહોંચ્યો. નાહી – ધોઈને આરામ કરીને અમે આશુ અને શ્રીનાં ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં રાત્રે જમવાનો સમય થઇ ચૂક્યો હતો. થાકેલા, ભૂખ્યા (અને થોડા આળસુ) સેમને ધ્યાનમાં રાખીને અમે ટૅક્સી લઈને રેસ્ટ્રોંની વાટ પકડી. એક રેન્ડમ ગલીમાં શ્રીએ ટૅક્સી રોકાવી પછી સાંકડી એક-બે ગલીઓમાં ચાલીને અમે પહોંચ્યા ‘સાકુરા તેઈ’.

અમે એક નાના દરવાજામાંથી અંદર ગયા. લૉબીમાં ઘણાં બધાં ચિત્ર વિચિત્ર પેઈન્ટિંગ્સ લગાવેલાં હતાં.

ત્યાંથી અંદર ગયા તો એક પછી એક ઓરડાં આવતાં જ જતાં હતાં. દરેક ઓરડાની બધી દીવાલો આખી મ્યુરલ (ભીંતચિત્ર)થી ભરેલી! Very funky! પહેલી દસ મિનિટ તો મેં આંટા મારીને ફોટોઝ લેવામાં વિતાવી.

જમવાનું શું હતું ,શું નહીં કઈં જ ખ્યાલ નહોતો. થોડું સરપ્રાઇઝ ગિફ્ટ જેવું. છેલ્લા 5-6 દિવસથી પોતાનું મગજ ચલાવ્યા વિના, પ્રી-પ્લાન કર્યા વિના કઈં નવું ખાવાનો મોકો જ નહોતો મળ્યો એટલે મને તો મજા જ આવી રહી હતી. આશુ અને શ્રીએ વેઇટર સાથે જાપાનીઝમાં વાત કરીને આખો ઓર્ડર આપ્યો એ સાંભળીને જ અમારી આંખો પહોળી થઇ ગઈ. ત્યાર સુધી ફક્ત ખબર હતી કે, આશુ અને શ્રીને જાપાનીઝ આવડે છે પણ, ત્યારે એ સત્યનો સાક્ષાત્કાર થઇ ગયો! સેમે તો ઉપરથી પાછી ખાતરી કરી – “તો તને સરખું ઍક્સન્ટ વિનાનું બોલતા આવડે છે કે, ભાંગેલું તૂટેલું?” જાણે અમે તો જાપાનીઝનાં વિદ્વાન હોઈએ અને અમારા સર્ટિફિકેટ વિના આશુનું જીવન વ્યર્થ જવાનું હોય.

જાપાનમાં જાપાનીઝ બોલી શકે તેવા વેજિટેરિયન મિત્રોનું અસ્તિત્ત્વમાત્ર જીવનનાં સૌથી મોટા સુખનાં લિસ્ટમાં વિશેષ સ્થાન ધરાવે છે અને એ સ્થાનથી ઉપરનું સ્થાન છે એવા મિત્રોનું જે તમને હોટ પ્લેટ પર શાક-ભાજી મિક્સ કરીને ઓકોનોમિયાકી બનાવી આપે. ઓકોનોમિયાકી એટલે મેયોનેઈઝ અને ભરપૂર શાકવાળા જાડાં પૂડલા સમજી લો. અમારા ટેબલ પર જ બરાબર વચ્ચે એક લાંબી સપાટ ગ્રિલ હતી. જમવાનો ઓર્ડર કર્યો એટલે એ લોકો અમને ઓકોનોમિયાકી બનાવવા માટેની કાચી સામગ્રી આપી ગયા. પહેલા તો અમે દરેક બોલની સામગ્રી સરખી રીતે મિક્સ કરી અને પછી અમારા ટેબલ પર ગ્રિલ પર જાતે જ પકાવી. જાતે એટલે સમજવું કે, મોટા ભાગે આશુએ અમારા બધા માટે પકાવી.

ત્રણ ઓકોનોમિયાકી અને નૂડલ્સનું એક બોલ પકાવીને જમ્યા પછી હેન્ગઆઉટ કરી શકાય તેવી સેમની હાલત હતી નહીં એટલે અમે પછીનાં દિવસે મળવાનું નક્કી કર્યું અને એ સાંજે અભી પણ ટોક્યો લૅન્ડ કરવાનો હતો. પછીનાં ચાર-પાંચ દિવસ મારે મગજને આરામ આપવાનો હતો અને કોઈ જ પ્લાન કરવાનાં નહોતા.

મોટા ભાગે એશિયન વસ્તુ રાત્રે આઠ વાગ્યે ખાઈ હોય તો અગિયાર વાગ્યા સુધીમાં મને અને સેમને ભૂખ લાગે લાગે ને લાગે જ! રાત્રે સાડા અગિયારે જ્યારે માંડ માંડ રેસ્ટ્રોંઝ ખુલ્લા હોય ત્યારે અમે ઊબર-ઈટ્સ પર એક રૅન્ડમ રેસ્ટ્રોંમાંથી પાલક પનીર અને નાન મંગાવ્યાં. બહુ વાર લાગી પણ જમવાનું ન આવ્યું એટલે અમને થોડી ચિંતા થઇ. અંતે એ માણસ આવ્યો ત્યારે હોટેલ રિસેપ્શન અમને જમવાનું ઉપર આપી જવા તૈયાર નહોતું. હોટેલનાં બે ટાવર્સમાં બે અલગ અલગ રિસેપ્શન હતાં. બંને એકબીજાથી લગભગ દસ મિનિટનાં અંતર પર. પેલો દૂરનાં ટાવરનાં રિસેપ્શન પર આવેલો હતો. તેને ફરીને આવવાનું કહીએ તો એ ખોવાઈ જાય તેમ હતો એટલે એ રિસ્ક અમારે લેવું નહોતું. જમવાનું લઈને ઉપર આવીને અમે જમવા પર તૂટી પડ્યા. અમે ધાર્યું હતું કે, જમવાનું એવરેજ નીકળશે. એ નીકળ્યું થોડું બિલો એવરેજ. પેટ ભરાય અને ઊંઘ આવે તેટલું જમીને અમે અંતે ઊંઘી શક્યા.

સવારે તૈયાર થઈને અમે લોકો પહોંચ્યા સેન્સોજી મંદિર. આ મંદિર એટલે આપણા તિરૂપતિ જેવું કોઈ મંદિર સમજી લો. એટલી ભીડ કે વાત જવા દો! ચારે બાજુ બજાર જ બજાર અને ખૂબ ચહેલ પહેલ. લોકલ માણસો, ટૂરિસ્ટની બસો, અમારા જેવા કેટલાયે જઈ ચડેલા.

મંદિરનાં પ્રાંગણમાં નાના નાના હાટ લાગેલાં હતાં. ત્યાં મેં જીવનમાં પહેલી વાર લ્હાવો માણ્યો ગરમાગરમ ‘રોસ્ટેડ ચેસ્ટનટ્સ’ અને ‘કિબી દાંગો’નો.

રોસ્ટેડ ચેસ્ટનટ
કિબી દાંગો

આ મંદિર મને એટલું ખાસ ન લાગ્યું પણ એ એટલે પણ હોઈ શકે કે, ત્યાં શાંતિથી કૈં જોઈ કે માણી શકવા જેટલી જગ્યા જ નહોતી. અને તોયે પાછું એટલું પણ બોરિંગ નહોતું કે, એક ફોટો પણ પાડવાનું મન ન થાય.

મંદિરની બહારનો વિસ્તાર જો કે, અંદરનાં મુખ્ય વિસ્તાર કરતા વધુ સુંદર પણ હતો અને ત્યાં બજારની મજા અલગ જ હતી!

રખડતા ભટકતા અમને નસીબજોગે વેજિટેરિયન પટેટો સ્ટિક જેવી એક વસ્તુ પણ મળી.

અંદર ગયા ત્યારે મને એક પણ વેજિટેરિયન, ભાવે તેવું સ્ટ્રીટ ફૂડ મળવાની આશા નહોતી અને બહાર નીકળતા સુધીમાં અમે 3 અલગ અલગ વસ્તુઓ ખાઈ શક્યા હતાં! એશિયા ફરી ચૂક્યા હોય તેમને આ અનુભવ થયો જ હશે – વેજિટેરિયન રેસ્ટ્રોં હજી મળીએ જાય, વેજિટેરિયન સ્ટ્રિટફૂડ ભાગ્યે જ મળે. મારા માટે તો ત્યારે જ એ દિવસ બની ગયો હતો.

ત્યાં આસપાસ માર્કેટમાં થોડા આંટા મારીને અમે નીકળ્યા બપોરનું જમવાનું શોધવા – બપોરે અઢી વાગ્યે. અડધું પેટ ભરેલું હતું એટલે આ નહીં ને પેલું નહીં કરતા રેસ્ટ્રોં-સિલેકશનની પ્રક્રિયા લાંબો સમય ચાલી. અંતે એક નક્કી કરીને ગયા તો રેસ્ટ્રોં બંધ નીકળ્યું. છેલ્લે શ્રી અને આશુનાં ઘર પાસેનાં એક બીજા ભારતીય રેસ્ટ્રોં પર પહોંચ્યા જેનાં માલિક ભાઈ પાક્કા વ્યાપારીની જેમ પોતાનું રેસ્ટ્રોં બપોરે મોડે સુધી ખુલ્લું રાખે છે. એ રેસ્ટ્રોં ખૂબ સરસ હતું. મોમો અને ચાટ – બીજું જોઈએ શું? અને બીજું જોઈએ, તો રેગ્યુલર રોટી સબ્ઝી વગેરે પણ ત્યાં આરામથી મળી રહે છે.

સવારથી બહાર હતા એટલે અમે બધા ખૂબ થાકી ગયા હતા. સાંજે વધુ ફરવાને બદલે ઊંઘવાનો કાર્યક્રમ રાખ્યો એટલે રાત્રે અભિ આવે પછી વધુ ફરી શકાય. અભિ સેમવાળી જ ફલાઇટથી સેમવાળા જ સમયે લૅન્ડ થયો. ફર્ક ફક્ત એક દિવસનો હતો. આગલા દિવસની જેમ એ દિવસે પણ અભિ બહાર જવા તૈયાર થયો ત્યાં જમવાનો સમય થઇ ગયો હતો. ફર્ક ફક્ત એટલો હતો કે, આ વખતે આશુ અને શ્રી અમારી હોટેલવાળા વિસ્તારમાં હતા એટલે તેમનાં ઘરે જવાને બદલે અમે ત્રણ તેમને હોટેલ પાસેનાં ટ્રેન સ્ટેશન પર મળ્યા અને ત્યાંથી ટૅક્સી લઈને રેસ્ટ્રોં પહોંચ્યા.રેસ્ટ્રોંનું નામ ગોનપાચી – સિનેમાપ્રેમીઓએ અહીં જવું જવું ને જવું જ!

ગોનપાચી ‘કિલ બિલ’ રેસ્ટ્રોં તરીકે પણ ઓળખાય છે. ‘કિલ બિલ વોલ્યૂમ – 1’માં ‘હાઉઝ ઓફ બ્લૂ લીવ્સ’વાળા સીનનો સેટ આ રેસ્ટ્રોંની ડિઝાઇન ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ આ રેસ્ટ્રોં ટૂરિસ્ટ્સમાં ખૂબ પ્રખ્યાત છે. જમવાનું ઍવરેજ છે પણ, તમે ત્યાંનું સૂપર્બ એમ્બિયન્સ માણવા માટે ડ્રિન્ક્સ અને સ્મૉલ બાઇટ્સનાં એજન્ડા સાથે જઈ શકો છો. મારી પોસ્ટનાં ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે, ગોનપાચી ગયા ત્યારે અમે બધા નસીબજોગે એકસાથે ટોક્યોમાં હોવા બાબતે એટલા ખુશ હતા કે, રેસ્ટ્રોંનાં ફોટોઝ લેવાનું જ ભૂલી ગયા. અમારા પાંચમાંથી કોઈ પાસે ગોનપાચીનાં ફોટોઝ જ નથી! એ તમારે જાતે ગૂગલ કરવા પડશે.

ટોક્યો રિટર્ન્સ

જાપાન, ટોક્યો

ઉપર ટાઇટલમાં તમે વાંચ્યું એ રીતે અમે નારાથી ઓસાકા પાછા ફરીને ઓસાકાની અમારી હોટેલનાં રિસેપ્શન પરથી તરત અમારી બૅગ્સ ઉપાડી અને ઓસાકા સ્ટેશનથી ટ્રેન પકડીને ટોક્યો પાછા ફર્યા. લગભગ સાડા નવ આસપાસ ટોક્યો પહોંચતા જ અમને કકડીને ભૂખ લાગી હતી. પણ, સામાન સાથે લઈને ક્યાંયે જવાનો મતલબ નહોતો એટલે પહેલા અમે ત્યાંની અમારી હોટેલ જવાનું નક્કી કર્યું. મેં જ્યારે બુકિંગ કર્યું હતું ત્યારે મને એ હોટેલ વિષે કૈં ખાસ ખ્યાલ નહોતો. ફક્ત એટલી ખબર હતી કે, મારાં બજેટમાં એ બે દિવસો માટે ટોક્યોમાં ચોઈસ ખૂબ ઓછી હતી અને અમે ક્યોતો વગેરે ફરવા ગયા હતા ત્યારે અભિ એ હોટેલમાં રહ્યો હતો અને તેનાં તેણે વખાણ કર્યા હતા. આ હોટેલનું નામ હતું ‘પાર્ક હોટેલ’.

હોટેલમાં અંદર જવાનો રસ્તો વિચિત્ર હતો. સામાન્ય હોટેલ્સની જેમ બરાબર પ્રવેશદ્વાર પર હોટેલ-લૉબી કે રિસેપ્શન કે તેવું કૈં જ નહોતું. પહેલી નજરે ત્યાં કોઈ હોટેલનું નામોનિશાન ન લાગે અને જો બિલ્ડિંગની બહાર હોટેલનું મોટું બોર્ડ ન મારેલું હોત તો અમે કદાચ ત્યાંથી પાછા પણ ફરી ગયા હોત અને આસપાસ હોટેલ શોધતા રહ્યા હોત. થોડું મગજ ચલાવીને અમે બિલ્ડિંગનો મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો એ ખૂલ્યો અને અમે લિફ્ટ સુધી પહોંચ્યા પછી હૉટેલ લૉબીની સાઈન લગાવેલી હતી એ માળ પર ગયા. પછી અમને સમજાયું કે, એ બિલ્ડિંગનું બંધારણ એવું હતું કે, પહેલા અમુક માળ પર ઓફિસ અને દુકાનો હતી અને અમુક માળથી ઉપરનો આખો વિસ્તાર હોટેલનો હતો. આવું બંધારણ અમે પહેલા ક્યારેય કોઈ હોટેલમાં જોયું નહોતું. મેં ધાર્યું કે, આ હોટેલનાં આવા બંધારણનું કારણ એ હોઈ શકે કે, એ વિસ્તાર મોટાં મોટાં બિલ્ડિંગ્સથી ભરાયેલો હતો એટલે અમુક માળથી નીચે તમને કોઈ પણ જાતનો વ્યૂ પણ ન મળે અને સૂર્યપ્રકાશ પણ નહીં.

ચેક-ઇન કરતા જ અમને કહેવામાં આવ્યું કે, “તમારે મોટાં રૂમ્સ જોઈતાં હોય તો ઉપરનાં માળ પર અમુક રૂમ્સ છે. બાકી ‘આર્ટ ફ્લોર’ પર હાલમાં મારી પાસે ફક્ત બે નાના રૂમ છે.” આ ‘આર્ટ ફ્લોર’ શબ્દ સાંભળીને હું અને સૅમ બંને ચમક્યા. અમે આર્ટ ફ્લોર પરનાં રૂમ જોવાની માંગણી કરી. એ રૂમ મગજ કામ ન કરે તેટલાં સુંદર હતાં! દરેક રૂમની અલગ અલગ થીમ હતી અને એ થીમ પ્રમાણે ત્યાંની દરેક દીવાલ પર ઠેક-ઠેકાણે ઉપરથી નીચે સુધી ખૂબસૂરત રંગીન મ્યુરલ્સ બનાવવામાં આવેલાં હતાં. દરેક રૂમનાં કલાકાર અલગ હતાં અને અમુક કલાકારોએ બે કે ત્રણ રૂમ પણ પેઇન્ટ કરેલાં હતાં. અમે કોઈ પણ હોટેલમાં આજ સુધી આવું કૈં જ પહેલા નથી જોયેલું! અમે ‘બામ્બૂ’ અને ‘હન્ડ્રેડ પોએમ્સ’ની થીમવાળાં રૂમ માણ્યાં.

જો કે, રિસેપ્શનિસ્ટની વાત સાચી હતી. એ રૂમ્સ થોડાં નાના તો લાગ્યા જ ખરા. અમને ટોક્યોની અમારી પહેલી હોટેલ – ‘ન્યૂ ઓતાની’માં તો આની સરખામણીએ લગભગ બમણાં કદનાં રૂમ મળેલાં હતાં. પણ, અમને આ ‘આર્ટ રૂમ’ માણવા મળ્યાં હતાં એ દૃષ્ટિએ આ ડીલ કૈં ખોટી નહોતી. હા એટલું ખરું કે, અમારે બે રાતથી વધારે ત્યાં રહેવાનું આવ્યું હોત તો સંકડાશનાં કારણે થોડી મૂંઝવણ થઇ જાત.

સામાન રાખીને હરખાતા અમે આસપાસ કોઈ ભારતીય રેસ્ટ્રોં શોધવા લાગ્યા. અમને મળ્યું ‘ડાઉનટાઉન બીઝ (Downtown B’s)’ જે નજીક પણ હતું, ખુલ્લું પણ હતું અને જેનાં રેટિંગ્સ પણ સારાં હતાં. અમે પહોંચ્યા ત્યારે અમારા સિવાય ત્યાં કોઈ જ નહોતું. તેનો માલિક બહુ મળતાવડો હતો એટલે અમારી સાથે તેણે ઘણી વાત કરી. એ કલકત્તાનો હતો અને તાજ હોટેલ ચેઇન્સમાંની એકમાં કામ કર્યું હોવાનું તેણે અમને જણાવ્યું હતું. તેણે ટોક્યોમાં પોતાનાં જીવન વિષે અને ત્યાં કઈ રીતે પહોંચ્યો તે વિષે ઘણી વાત કરી હતી જેમાંનું કૈં જ મને યાદ નથી. મને એટલી ભૂખ લાગી હતી કે, જમવા સિવાયની કોઈ પણ વસ્તુ પર મારું ધ્યાન નહોતું. અમને એ દિવસે સામાન્ય રોટલીઓ ખાવાનું મન થયું હતું પણ, એ તેમનાં મેન્યુમાં ક્યાંયે નહોતી. છતાંયે મેં તેમને પૂછ્યું જો તેમનો કુક બનાવી આપતો હોય તો. તેણે અમને તેની ગોઠવણ કરી આપી અને જમવાનું સ્વાદિષ્ટ તો હતું જ!

અમે ત્યાં ગયા પહેલા જ આશુ-શ્રી અને અભિને પૂછ્યું હતું. આશુ-શ્રીએ જમી લીધું હતું અને એ ઊંઘવાની તૈયારીમાં હતા એટલે જ આવ્યા પણ, અભિએ જમી લીધું હોવા છતાં એ નાશ્તો કરવા અને અમારી સાથે થોડો સમય બેસવા આવ્યો. અમારા છેલ્લી ઘડીનાં હોટેલ બુકિંગનાં કારણે અભિની હોટેલ અમારાથી અલગ થઇ ગઈ હતી અને તેની હોટેલમાં રૂમ્સ નહોતાં મળતાં એટલે અમે સાથે નહોતા રહી શકવાનાં તેનું અમને થોડું દુઃખ હતું. પણ, બે જ રાતનો સવાલ હતો એટલે વાંધો નહોતો.

અભિને અમે અમારા ક્યોતો અને નારાનાં અનુભવો કહ્યાં અને તેણે તેટલાં દિવસ ટોક્યોમાં શું-શું પ્રવૃત્તિ કરી તેની વાતો સાંભળી. છુટ્ટાં પડતી વખતે અમે પછીનાં દિવસ માટે થોડાં પ્લાન બનાવ્યાં. અમારી જેમ તેને પણ ‘એરિક સાઉથ’નો લાભ લેવાની ઈચ્છા હતી અને એ પણ હજુ સુધી ત્યાં જઈ નહોતો શક્યો એટલે અમે ત્રણેએ પછીનાં દિવસે બપોરે ત્યાં મળીને સાથે જમવાનો પ્લાન કર્યો અને અમે પોતપોતાની હોટેલ પાછા ફર્યા.

પછીનાં દિવસે અમે મોડા ઊઠ્યા હતા અને તૈયાર થઈને તરત ‘એરિક સાઉથ’ જવા જ નીકળ્યા. નસીબજોગે ત્યાં લાઈન બહુ ટૂંકી હતી એટલે અમારો વારો જલ્દી આવી ગયો. અમે બહુ મગજ વાપર્યા વિના ફટાફટ તેમની ફિક્સ થાળી મંગાવી અને એ ઉપરાંત શેર કરવા માટે બીજી અમુક નાની વાનગીઓ મંગાવી. તેનો સ્વાદ હજુ મારાં મોંમાં અકબંધ છે તેમ કહું તો તેમાં બિલકુલ અતિશયોક્તિ નથી! આટલું સારું સાઉથ ઇન્ડિયન ફૂડ અને એ પણ ઈડલી-ડોસા-ઉત્તપ્પમ વગેરે પ્રખ્યાત બે-ત્રણ વસ્તુઓ સિવાયનું મેં કદાચ એરિક સાઉથ સિવાય અત્યાર સુધી ક્યાંય પણ નથી માણેલું. તેની ફ્લેવર્સ એટલી ઓથેન્ટિક હતી કે, અભિ – જે પોતે તમિલ છે, તેણે તેનાં મમ્મીને પોતાની થાળીનો ફોટો પાડીને મોકલ્યો. તમે જો ટોક્યોમાં હો અને તમારી પાસે સમય હોય તો આકાસાકાનાં એરિક સાઉથની મુલાકાત જરૂર લેવી!

જમવાનું પતાવીને અભિને થોડું કામ હતું એટલે એ અલગ દિશામાં ગયો અને અમે ફરવા માટે અલગ દિશામાં. હું અને સૅમ એ બપોરે થોડી વાર આકિહાબારાનાં ચિત્ર-વિચિત્ર સ્ટોર્સમાં ફર્યા અને પછી માર્કેટમાં જઈને પોતપોતાનાં પરિવાર માટે અને ઑફિસનાં કલીગ્સને આપવા માટે નાની-મોટી વસ્તુઓ ખરીદી. સાંજે બધા ફ્રી થઈ જાય પછી સાથે જમવાનો પ્લાન હતો એટલે અમે માર્કેટથી સીધા આશુ અને શ્રીને ત્યાં જ ગયા અને અભિ પણ ત્યાં જ પહોંચ્યો. ત્યાં બેસીને ક્યાં જવું એ નક્કી કર્યું અને અમારી પસંદગી ફરી ‘સાઉથ ઇન્ડિયન’ પર ઊતરી અલબત્ત, આ વખતે પણ ચીલા-ચાલુ ઈડલી-ડોસા-ઉત્તપ્પમ મેન્યુ નહીં પણ, મલયાલી(કેરાલાની સંસ્કૃતિ) સ્પેશ્યિલટીવાળું રેસ્ટ્રોં હતું. તેનું નામ હતું ‘સાઉથ પાર્ક’.

ત્યાં પણ જમવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું અને ઘણાં દિવસ પછી સતત આટલું સારું ભારતીય જમવાનું પામ્યાનો અમને ખૂબ આનંદ હતો! તમે કદાચ આશ્ચર્ય થતું હશે કે આ પોસ્ટમાં અત્યાર સુધી જે ત્રણ રેસ્ટ્રોંનાં ઉલ્લેખ આવ્યાં છે એ ત્રણે ભારતીય છે. પણ, ખરેખર જાપાન એક એવી જગ્યા છે કે, ત્યાં તમે નવા હો કે ફક્ત ફરવા ગયા હો અને ભારતીય વેજિટેરિયન હો તો ત્રણ દિવસ જાપાનીઝ ફૂડ ખાયા પછી તમને ઓછામાં ઓછું ત્રણ વખત તો ભારતીય જમવાનું મન થાય જ! જાપાનનાં પારંપારિક ભોજનનો સ્વાદ અને તેની પ્રકૃતિ આપણાં ખોરાકથી એટલા અલગ છે કે, એ રોજ ખાઈને સંતોષ મળી શકે તેટલી આદત પડતા તો ઘણો સમય લાગે.

એ દિવસ શુક્રવાર હતો, આશુ અને શ્રીને પછીનાં દિવસે રજા હતી અને અમે બધાં ફરીથી વૅન ભાડે લઈને હાકોને જેવા જ એક ગામ – કાવાગુચીકો જવાનાં હતા એટલે જમીને તરત પોતપોતાનાં ઠેકાણે પાછા ફરવાને બદલે અમે રખડવા નીકળ્યા. લગભગ અગિયાર વાગી ગયાં હતાં એટલે બાર અને ક્લબ્સ સિવાય બહુ ઓછી જગ્યાઓ ખુલ્લી હતી અને અમને તેવી કોઈ જગ્યાએ જવાની ઈચ્છા નહોતી એટલે થોડી વાર વિચારીને આશુએ અમને ફરીથી સેન્સો-જી મંદિર જવાનું સૂચવ્યું. અમે પહેલી વખત ગયા હતા ત્યારે તો ત્યાં બહુ ભીડ હતી પણ, રાત્રે એ મંદિર ખાલી જોવા મળે એ વિચારે અમે ફરી ત્યાં ગયા. મંદિરનો મુખ્ય ભાગ તો બંધ થઈ ગયો હતો પણ, તેનાં પરિસરમાં અમે મુક્તવિહાર કરી શક્યા. રાત્રે, શાંતિમાં એ મંદિર પહેલા જોયું હતું તેનાં કરતા વિશાળ લાગતું હતું.

દસેક મિનિટ ત્યાં ફરીને અમે નક્કી કર્યું પાસેનાં ‘દોન-કિયોતે’ જવાનું. ત્યાં જતા રસ્તામાં અમે દુકાનોનું આ નવું સ્વરૂપ જોયું જેમાં, દુકાનોનાં શટર પાર સુંદર રંગોથી પેન્ટિંગ્સ કરેલાં હતાં. આવાં પેઇન્ટ કરેલાં શટરથી આખી શેરી ભરાયેલી હતી!

દોન-કિયોતે એક જનરલ સ્ટોરની ચેઇન છે જેમાં જાત જાતની, તમને ખબર પણ ન હોય કે તમારે આવી વસ્તુની જરૂર પણ છે તેવી હજારો વસ્તુઓ મળે છે. અમને ટોક્યોમાં અમારાં શરૂઆતનાં દિવસોમાં દોન-કિયોતે વિષે ઘણું બધું કહેવામાં આવ્યું હતું એટલે અમારી જિજ્ઞાસાનો પાર નહોતો અને ખરેખર એ સ્ટોરમાં એવું બધું જ હતું, જેનાં અસ્તિત્ત્વ વિષે પણ અમને એ સ્ટોર ગયા પહેલા ખબર નહોતી! અમે ત્યાં ઉપરછલ્લી મુલાકાતે પણ લગભગ દોઢથી બે કલાક ગાળ્યાં અને એક નવીન પ્રકારનું ‘આઈ-માસ્ક’ લઈને બહાર નીકળ્યા. આ માસ્ક એવું હતું કે, આંખ બંધ કરીને આંખ પર લગાવવાથી એ ગરમ થઇ જાય અને આંખોને શેક મળે!

દોન-કિયોતે ફરીને એમ લાગ્યું કે, જાણે ટોક્યોની મારી પહેલી મુલાકાતનું ચેક-લિસ્ટ (જે ખરેખર તો હતું પણ નહીં) પૂરું થઈ ગયું! દોન-કિયોતે પછી અમે પોત-પોતાનાં ઘર/હોટેલ તરફ રવાના થયા અને પછીનાં દિવસે કાવાગુચીકો જવાની તૈયારી કરી. પછીનાં દિવસે અમે હોટેલમાંથી ચેક-આઉટ કરીને મોટાં ભાગનો સામાન આશુ-શ્રીનાં ઘરે રાખ્યો. એ રાત અમે કાવાગુચીકો રોકાવાનાં હતાં અને પછીનાં દિવસે મોડી બપોરે મારી રિટર્ન ફલાઇટ હતી. મારા પાછા ફર્યાનાં બે દિવસ પછી સૅમ અને અભિ પાછા ફરવાનાં હતાં.