ના, દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર નથી

નિબંધ

વર્ષ 2012માં મેં એક લેખ વાંચ્યો હતો જેનું ટાઇટલ હતું – ‘No, you are not entitled to your opinion‘ . આ લેખની લિન્ક મેં 2013માં લખેલાં એક નિબંધનાં રેફરન્સમાં શેર પણ કરી હતી અને તેનો અનુવાદ કરવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. એ લખાયાનાં 7 વર્ષ પછી વૉટ્સઍપ ફૉર્વર્ડસ, ફેક ન્યૂઝ વગેરેનાં કારણે આપણી દુનિયા, આપણી ચર્ચાઓ, બધું જ એટલું બધું બદલાઈ ગયું છે કે, આ નિબંધ જાણે કોઈએ ગઈ કાલે જ છાપ્યો હોય તેટલો સુસંગત છે અને દરેકે વાંચવા જેવો પણ. વધુમાં વધુ લોકો આ વાંચી શકે એ માટે તેનો ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં મુકવાનો આ નાનકડો પ્રયાસ છે.


દર વર્ષે હું મારા વિદ્યાર્થીઓ માટે બે વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરું છું. તેમાંનું પહેલું એ કે, હું તેમને “ફિલોસોફર્સ” કહીને સંબોધું છું – મને ખબર છે કે, આમ કરવું થોડું ચાંપલું છે પણ હું એ આશાથી તેમને આ રીતે સંબોધું છું કે, આમ કરવાથી તેઓ અભ્યાસમાં સક્રિયપણે રસ લઇ શકે.

બીજું, હું તેમને કંઇક આવું કહું છું – “હું માનું છું કે, તમે બધાંએ એવું સાંભળ્યું હશે કે, ‘દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે’. કદાચ તમે પોતે પણ ક્યારેક આમ બોલ્યા હશો. કદાચ કોઈ દલીલને આગળ વધતી રોકવા માટે કે માટે તમે આમ કહ્યું હશે. પણ, આ ક્લાસમાં દાખલ થતાવેંત આ વિધાન સત્ય ન માનવું. કોઈ પણ મંતવ્ય ધરાવવા પર તમારો અધિકાર નથી, ફક્ત કોઈ પણ તરફની દલીલ રજૂ કરવા પર જ તમારો અધિકાર છે.”

થોડું વધારે પડતું લાગે છે? કદાચ સામાન્ય વ્યવહારમાં તેવું છે પણ ખરું. પણ, તત્ત્વજ્ઞાન(Philosophy)નાં શિક્ષકોની એ ફરજ છે કે, એ પોતાનાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત દલીલ બનાવતા, એ દલીલનાં સમર્થનમાં તર્ક રજુ કરતા શીખવે અને સાથે તેમને એ પણ પારખતા શીખવે કે, ક્યારે કોઈ માન્યતા અસમર્થનીય બની ગઈ છે અને તેનો કોઈ વ્યવસ્થિત બચાવ રહ્યો નથી માટે એ બચાવ કરવા યોગ્ય નથી રહી.

“દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” આ તર્કની સૌથી મોટી તકલીફ એ છે કે, મોટા ભાગે તેનો ઉપયોગ એવી માન્યતાઓને સંઘરી રાખવામાં થાય છે જે બિલકુલ ત્યજવા યોગ્ય હોય છે. “હું જે ઇચ્છું તે બોલી અને વિચારી શકું છું” તેવી ભાવનાનું એ સમાનાર્થી બની જતું હોય છે અને આવી ભાવનાથી દલીલો કર્યે રાખવી અસભ્ય છે. આવી માનસિકતા ધીમે ધીમે કોઈ પણ વિષયનાં વિશેષજ્ઞ અને તેનાં પર વિવાદ કરતી કોઈ સામાન્ય વ્યક્તિને સમાન દરજ્જો આપવા લાગે છે જે, બિલકુલ અયોગ્ય છે અને એ આપણી જાહેર ચર્ચાઓનો હાનિકારક ભાગ બનતું જાય છે.

પહેલા તો, ‘અભિપ્રાય’ શું છે?

પ્લૅટોએ અભિપ્રાય, સામાન્ય લોક-માન્યતા, અને ચોક્કસ જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો અને આજે પણ એ તફાવત સાંપ્રત છે. “1 + 1 = 2″ની સાપેક્ષ “ચોરસ વર્તુળ અસ્તિત્ત્વ નથી ઘરાવતાં” એ એક એવો અભિપ્રાય છે જેમાં વ્યક્તિગત સમજણ પ્રમાણે ભેદ હોઈ શકે અને તેથી તેમાં અનિશ્ચિતતા છે. પણ, “અભિપ્રાય”નાં દાયરામાં વ્યક્તિગત પસંદ કે રુચિ, જનસામાન્યને અસર કરતાં વિષયો જેવાં કે, સલામતી, રાજકારણ અને ટેક્નિકલ કુશળતાને લાગતાં વિષયો જેવાં કે, કાયદાકીય કે વૈજ્ઞાનિક મંતવ્ય સુધીનાં તમામનો સમાવેશ થાય છે.

અહીં પહેલા પ્રકારનાં મત વિષે આપણે દલીલ ન જ કરી શકીએ. હું જો આગ્રહપૂર્વક એવું કહ્યા કરું કે, સ્ટ્રૉબેરી આઈસક્રીમ ચૉકલેટ કરતાં વધુ સારો છે તો હું મૂર્ખ સાબિત થાઉં. પણ, તકલીફ ત્યાં છે કે, આપણે ઘણી વખત બીજા અને ત્રીજા પ્રકારનાં ઉદાહરણોમાં દર્શાવેલાં અભિપ્રાયોને પણ એ જ રીતે દલીલનાં ક્ષેત્રની બહાર ઠેરવી દઈ છીએ જે રીતે વ્યક્તિગત પસંદગીની બાબતો (જેમ કે, ચૉકલેટ vs. સ્ટ્રૉબેરી આઇસક્રીમ) હોય છે. કદાચ આ પણ ઘણાં બધાં કારણોમાંનું એક છે કે, ઉત્સાહી નવાં નિશાળીયાઓ એવું વિચારવા લાગે છે કે, ‘ક્લાયમેટ ચેન્જ’ અને ‘રોગપ્રતિકારક શક્તિ’ જેવાં વિષયોનાં નિષ્ણાત તેવા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સાથે અસહમત થવાનો તેમને અધિકાર છે અને તેમનાં અભિપ્રાયનો આદર પણ થવો જોઈએ.

મેરિલ ડોરી ‘ઑસ્ટ્રેલિયન વૅક્સિનેશન (રસીકરણ) નેટવર્ક’ની અધિપતિ છે જે, તેનાં નામથી તદ્દન વિરુદ્ધ, આ સંસ્થા જોરશોરથી રસીકરણ-વિરોધનું કામ કરે છે. મિસ ડોરી પાસે કોઈ પણ પ્રકારની તબીબી લાયકાત ન હોવા છતાં તે દલીલ કરે છે કે, જો બોબ બ્રાઉન વૈજ્ઞાનિક ન હોવા છતાં ‘ન્યુક્લિયર પાવર’નાં વિષય પાર ટિપ્પણી કરી શકે, તો રસીનાં વિષય પાર પોતાનો મત આપવાની છૂટ તેને પણ હોવી જોઈએ. ખરેખર તો બોબ બ્રાઉન જ્યારે એ વિષય પર કૈં બોલે ત્યારે કોઈ તેમને પરમાણુ વિજ્ઞાનનાં નિષ્ણાત તરીકે નથી સાંભળતું; બ્રાઉન એ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓ પર ટિપ્પણી કરવાનું કામ કરે છે, નહીં કે, એ વિજ્ઞાન પરની ટિપ્પણીઓ.

તો પોતાનો મત ધરાવવાનાં ‘અધિકાર’નો શું મતલબ છે?

જો “દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” એ વિધાનનો અર્થ ફક્ત એટલો જ હોય કે, કોઈને મન ફાવે તેમ વિચારતા કે બોલતા રોકવાનો અધિકાર બીજા કોઈને નથી, તો એ સાચું છે. કોઈ તમને એમ કહેતા રોકી ન શકે કે રસીનાં કારણે ‘ઑટિઝમ’ નામની માનસિક બિમારી થાય છે, ભલે પછી ગમે તેટલી વખત એ દાવો ખોટો પૂરવાર થયો હોય. પણ, જો તમારા એ વિધાનનો અર્થ એવો થતો હોય કે, ‘દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે અને તેમનો મત સત્યની ખૂબ નજીક છે એ પણ બધાએ ગંભીરપણે માનવું જ જોઈએ’ તો એ વિચારસરણી દેખીતી રીતે ખોટી જ છે. અને આ બંને અભિગમ વચ્ચેની ભેદરેખા પણ ઘણી વખત અસ્પષ્ટ હોય છે.

સોમવારે ABC નેટવર્કનાં મીડિયાવૉચ પ્રોગ્રામે ‘વિન-ટીવી વુલોન્ગોન્ગ’ની ઝાટકણી કાઢી હતી કારણ કે, ‘વિન-ટીવી’એ અછબડાંનાં કેર પર એક ખબર ચલાવી હતી જેમાં, આપણે હમણાં જ જેનું ઉદાહરણ વાંચ્યું એ – મેરિલ ડોરીની ટિપ્પણી લેવામાં આવી હતી. એ વિષે એક દર્શકે ફરિયાદ કરી તો તેનો જવાબ ‘વિન ટીવી’એ એવો આપ્યો હતો કે, તેમણે ચલાવેલી ન્યૂઝ સ્ટોરી “સચોટ, સંતુલિત અને ન્યાયી હતી અને તેમાં તબીબો અને ચોક્કસ જૂથોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં.” પણ, આનો મતલબ તો એવો થયો ને કે, બંનેમાંથી ફક્ત એક જ જૂથ આ વિષયનું નિષ્ણાત હોવા છતાં બંને જૂથોનાં મંતવ્યો સમાન ગંભીરતાથી લેવામાં આવે. અહીં પણ જો મુદ્દો આ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓનો હોત તો આ વસ્તુ વ્યાજબી હોત. પણ, આ નામની “ડિબેટ” આ વિષયને લાગતાં વિજ્ઞાન પર હતી અને તેમાં “ચોક્કસ જૂથો” જે વૈજ્ઞાનિક નથી, અને જેમની અસહમતિ આ વિજ્ઞાન પ્રત્યે હોય તેમને એર-ટાઈમ આપવો યોગ્ય નથી જ.

મીડિયાવૉચનાં સંવાદદાતા જોનાથન હોમ્સે એક ઘા ‘ને બે કટકાં કરતા વિન-ટીવીને કહ્યું હતું – “એક તરફ સાબિતી છે, અને બીજી તરફ બકવાસ છે” અને પત્રકારનું એ કામ નથી કે, તે બકવાસ અને ખરી કુશળતાને સમાન સમય આપે.

આ બાબતે રસીકરણ-વિરોધીઓનો પ્રતિભાવ ધાર્યા પ્રમાણેનો જ હતો. મીડિયાવૉચ વેબસાઈટ પર મિસ ડોરીએ ABC પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે, તેઓ “જાહેરપણે વૈજ્ઞાનિક દલીલમાં સેન્સરશિપને પ્રોત્સાહન આપી રહ્યા છે.” આ પ્રતિભાવમાં તેમની અણસમજ દ્રશ્યમાન છે જેમાં, પોતાનો મત ગંભીરતાથી ન લેવાયો તેનો અર્થ એવો કરવામાં આવ્યો કે, જાણે કોઈ પણ મત ધરાવવા પર અને એ વિષે કૈં બોલવા પર જ પ્રતિબંધ હોય – એન્ડ્રૂ બ્રાઉનનાં શબ્દોમાં “દલીલ હારવાને અને દલીલ કરવાનો અધિકાર હારવા સાથે કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યું છે.” અહીં પણ આ બંને અધિકારો વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

હવે પછી જો કોઈને તમે એમ કહેતા સાંભળો કે, દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે તો, તેમને પૂછજો કે, તે આવું કયા કારણથી માને છે? પૂરી શક્યતા છે કે, બીજું કૈં નહીં તો ઓછામાં ઓછો એ સંવાદ તો વધુ રસપ્રદ હશે જ.


આ લેખ લખાયા પછીનાં વર્ષોમાં આપણે જોયું છે કે, સમાચાર, સમાચારનાં પ્રોગ્રામ્સમાં દર્શાવાતાં મંતવ્યો, વૉટ્સઍપ, ફેસબુક વગેરે પર ચાલતાં મંતવ્યો વગેરેમાં જાણે ગુણવત્તાનાં માપદંડ રહ્યાં જ નથી! નિષ્ણાત અને સામાન્ય વ્યક્તિનાં મંતવ્યોને સમાન દરજ્જો આપવામાં આવી રહ્યો છે એ તો છે જ. પણ, એ સાથે આપણી મોટી મુશ્કેલી એ પણ છે કે, સામાન્ય લોકોની આસામાન્ય બકવાસને નિષ્ણાતનો અભિપ્રાય ગણાવીને વાયરલ કરવામાં આવે છે અને દશકોથી સમાચાર પર વિશ્વાસ રાખીને બેઠેલી જનતાને હજુ ‘ફૅક્ટ ચૅક’ની આદત નથી પડી. ઉપરાંત, કોઈ વ્યક્તિ કોઈ પણ વાતની ચોક્કસાઈ કે ખરાઈની તપાસ કરી કરીને કરશે પણ કેટલી વખત?! વૉટ્સઍપ જેવાં માધ્યમો પર, જ્યાં દિવસનાં ઓછામાં ઓછાં સોથી પણ વધુ મૅસેજ વ્યક્તિદીઠ ફરતાં હોય ત્યાં કોઈ કરી કરીને કેટલી વખત રીસર્ચ કરશે?

ઇન્ટરનેટની બીજી અને સૌથી મોટી તકલીફ એ પણ છે કે, ઇંગ્લિશ બહુ સારી રીતે ન જાણતા લોકો જે, ભારતમાં બહુ મોટી સંખ્યામાં છે, તેમનાં માટે સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટ પરની મોટાં ભાગની માહિતી ઉપ્લબ્ધ નથી અને જે કૈં થોડું ઘણું ઉપ્લબ્ધ છે તેમાં ‘કવૉલિટી કંટ્રોલ’ની તકલીફો છે કારણ કે, આ વૉટ્સઍપ ફોરવર્ડ્સવાળો સ્થાનિક ભાષાઓનો કચરો જ ઈન્ટરનેટ પર બધે ફર્યા કરતો હોય છે.

વળી, આ કચરો મોટાં ભાગે ધાર્મિક સલાહનાં નામે ફેલાય છે. ધર્મમાં લોકોની સજ્જડ શ્રદ્ધા અને નાજુક ધાર્મિક લાગણીઓને કારણે પણ આ ખોટાં, અતાર્કિક ફોરવર્ડ્સનું ખંડન નથી કરી શકાતું. બિનહાનિકારક ખોટી માહિતી તથ્ય તરીકે ફૉરવર્ડ (દા.ત. ‘દિવાળી પર ભારત – નાસાએ લીધેલો ફોટો’વાળો ખોટો ફૉરવર્ડ) થાય એ પણ બહુ વાંધાજનક નથી. પણ, લોકોમાં કોઈ ચોક્કસ જીવનશૈલી, રીતિ-રિવાજ, જાતિ, ધર્મ વગેરેને લક્ષ્ય બનાવીને લોકોની ખોટી ધિક્કારપૂર્ણ માન્યતાઓને જે રીતે તથ્ય ગણાવીને ફેરવવામાં આવે છે એ એક એવી આગ છે, જેની લપેટમાં આખા સમાજને આવતા વાર નહીં લાગે.

જો કે, આ કોયડો કઈ રીતે ઉકેલાશે એ વિષે મારો અભિગમ આશાપૂર્ણ છે. હું માનું છું કે, ઈન્ટરનેટે ભલે બધાંને મન ફાવે તે લખવાની, બોલવાની અને પબ્લિશ કરીને લોકો સુધી પહોંચાડવાની સુવિધા આપી હોય પણ, આજે નહીં તો કાલે લોકો આ ખોટી માહિતીનાં અતિરેકથી કંટાળવાનાં જ છે. આમ થશે ત્યારે ફરી પહેલાંનાં સમયમાં પ્રિન્ટ-મીડિયામાં ક્યુરેશન*નું જે મહત્ત્વ હતું એ પાછું ફરશે જ. પહેલા લોકો અમુક તમુક પ્રકાશકો પર ભરોસો મૂકતા અને તેમનાં દ્વારા છપાયેલી માહિતી જ વાંચવાનું પસંદ કરતા, એ જ રીતે ઇન્ટરનેટ પર પણ ક્યુરેશનનું મહત્ત્વ વધતું જશે તેવું મારું માનવું છે. સ્થાનિક ભાષાઓમાં થતાં લખાણ અને એ સિવાયનાં દરેક પ્રકારનાં ‘કૉન્ટેન્ટ’ને પાયેદાર અને મજબૂત બનાવવાનો આ જ તોડ મને અસરકારક લાગે છે કે, સંપાદન અને ક્યુરેશન* મજબૂત બને – અભિપ્રાયિક લેખો (opinions, think pieces) પ્રત્યે તો ખાસ! પ્રકાશકો માટે એ પણ એક ચૅલેંજ હશે કે, તેમનાં ગુણવત્તાનાં માપદંડ ફક્ત ‘લાઈક, શેર, સબસ્ક્રાઇબ’નાં આંકડાં પર જ આધારિત ન હોય અને વિચારપૂર્ણ પ્રયોગશીલતાને પણ પ્રકાશનમાં પૂરતું સ્થાન મળે.

*curation (ક્યુરેશન): the action or process of selecting, organizing, and looking after items