વેસ્ટર્ન
બન્બરી અને માર્ગરેટ રીવર એરિયા
ઓસ્ટ્રેલિયા, પર્થપર્થ સિટી સેન્ટરથી લગભગ અઢી કલાકે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હો તો બન્બરી આવે. બન્બરી વિચારુ ત્યારે તેને સંગત એક જ શબ્દ મગજમાં આવે છે- જલસા. બન્બરી હું બે વખત ગયેલી છું અને હજુ લાખો વખત જાઉં તો પણ કંટાળો ન આવે તેવી જગ્યા છે એ. એ એક નાનું ગામ છે. કલાક એકમાં તો તમે કારમાં આખું ગામ ફરી લો એટલું નાનું! સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની જેમ જ અહીં પણ બહુ એટલે બહુ સરસ બીચ આવેલાં છે.
ત્યાંથી વધુ નીચે દક્ષિણમાં જાઓ એટલે લગભગ દોઢ કલાકે ‘બસલટન’ નામનું એક ગામ આવે. અહીં એક જેટી આવેલી છે. દક્ષિણ ધ્રુવની એ સૌથી મોટી જેટી છે અને દુનિયાની ચોથી સૌથી મોટી જેટી. Busseltton ગૂગલ કરો એટલે અને ‘ઈમેજીસ’માં જશો એટલે જે ૪ ઘરના ફોટા જોવા મળે છે એ બરાબર આ જેટી પર આવેલાં છે. એ બસલટનનો સિગ્નેચર ફોટો છે. ત્યાંથી બરાબર દોઢ કલાક જેટલું આગળ જાઓ ત્યારે યેલિન્ગપ, અગસ્ટા અને યાન્ચેપ જેવા ‘માર્ગરેટ રીવર’ના વિસ્તાર આવેલાં છે. બન્બરીથી આગળનાં બધાં જ રસ્તા એવા છે કે, તમે ગમે તે સેકન્ડે કારની બહાર જુઓ તો એક પિક્ચર પરફેક્ટ ફ્રેમ જોવા મળે.
બસલટનથી યેલીન્ગપના રસ્તે તમે ગમે ત્યાં ગાડી રોકો ત્યાંથી ૧૦ મિનીટ દૂર તમને એવું કોઈ દ્રશ્ય જોવા મળે જ્યાં મોટાં લાંબા પથ્થર અને દરિયો હોય. દરેક દિશામાં બસ દીવાલે ટાંગી શકાય તેવાં લેન્ડસ્કેપ! અહીં દરિયા ઉપરાંત માર્ગરેટ રિવર વિસ્તારમાં ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં અંદર જઈને જોઈ શકાય છે. તેની ટૂર્સ થાય છે. આ ઉપરાંત માર્ગરેટ રીવારની વાઈન્સ પણ બહુ પ્રખ્યાત છે. અહીં આખો આખો દિવસ ફક્ત વાઈન ચાખતાં નીકળી જાય તેવી વાઈન-ટૂર્સ થાય છે. આ ઉપરાંત અહીં એક ચોકલેટ ફેક્ટરી છે. ચોકલેટ્સનું સ્વર્ગ!
પણ ગમે ત્યાં જાઓ, સાંજે ૫-૬ વાગ્યા પછી બધું બંધ! ફક્ત રેસ્ટોરાં અને પિઝ્ઝા હટ જેવી ખાવાનું મળે તેવી જગ્યાઓ ૯-૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અહીં ૨-૩ દિવસ કે વધુ સમય માટે રહેવું અને આજુબાજુની જગ્યાઓ ફરીને નવી જગ્યાઓ શોધવી હોય તો રહેવા માટે હોલીડે-હોમ્સ સૌથી લોકપ્રિય રસ્તો છે. તમે આ ઘર અમુક સમય માટે ભાડા પર લઈને અહીં રહી શકો છો અને તેમાં જોઈએ તેવો અને જોઈએ તેટલો luxurious વિકલ્પ પસંદ કરી શકો છો! બાકી જો ખરેખર એડવેન્ચરમાં રસ હોય તો કેમ્પીંગ! ઘણાં બધાં વિસ્તારોમાં જંગલમાં કેમ્પીંગ કરવાની છૂટ મળે છે. તમે ‘કેમ્પ સાઈટ્સ’ ભાડે લઇ શકો અને ત્યાં કેમ્પ નાખીને, પોતાનાં ફળ તોડવા, જમવા માટે શિકાર, પોતાનાં લાકડા કાપવાં જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. (મેં હજુ કરી નથી પણ કરવાની ઈચ્છા પૂરેપૂરી છે.)
બસ, હજુ સુધી મે આટલું જ ફર્યું છે. હજુ આગળ વધુ દૂર દક્ષિણમાં આલ્બની અને એસ્પ્રન્સ સુધી જવાની વાત ચાલી રહી છે. કદાચ જુલાઈનાં પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જશું તેવું અત્યારે તો લાગે છે. પછી જોઈએ આ સંઘ કાશી પહોંચે છે કે નહીં!
પર્થ – ભૂગોળ અને સંસ્કૃતિ
ઓસ્ટ્રેલિયા, પર્થપર્થ દુનિયાનું સૌથી isolated city છે. અહીંથી નજીકમાં નજીકનું શહેર, એડીલેઈડ અહીંથી ૨૮ કલાકનાં driving distance પર આવેલું છે. અહીંથી મેલ્બર્ન કે સિડની પહોંચતાં જેટલો સમય લાગે, તેટલો જ સમય અહીંથી બાલિ, સિંગાપોર કે મલેશિયા પહોંચતાં થાય છે. અહીંની મોટાં ભાગની વસ્તી ગોરાં અને અહીંનાં મૂળભૂત પ્રાદેશિક લોકો જે ‘એબોરીજીનલ’ તરીકે ઓળખાય છે, તેમનાથી બની છે. એકબીજા સાથે વાત કરતી વખતે આ એબોરીજનલ લોકોનું નામ આપણાં કાઠિયાવાડી ભાઈઓ અને ભાભીઓએ (હા, ભાભીઓ. બહેનો નહીં. અહીં ‘બહેનો’ બહુ આવતી જ નથી. ;) ) ‘એબુડા/એબુડો/એબુડી’ કરી નાંખ્યું છે.
પર્થમાંથી એક મોટી નદી વહે છે – સ્વાન રિવર. તે પર્થનાં ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગ પાડે છે. લોકો પોતે કયા વિસ્તારમાં રહે છે એ પણ ઘણી વખત ‘I live north of the river/ south of the river’ એવી રીતે સમજાવતા હોય છે. પર્થ મેટ્રોપોલિટન એરિયા ‘પર્થ’, ‘ફ્રિમેન્ટલ’, ‘મિડલેન્ડ’, ‘આર્માડેલ’ અને ‘થોર્ન્લી’ જેવાં મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલો છે. પર્થ સિટી સેન્ટરમાંથી કુલ પાંચ ટ્રેન લાઈન નીકળે છે. મેન્જ્યુરા(Mandurah) લાઈન દક્ષિણ તરફ, ક્લાર્ક્સન લાઈન ઉત્તર તરફ, મિડલેન્ડ લાઈન ઉત્તર-પૂર્વ તરફ, ફ્રિમેન્ટલ લાઈન દક્ષિણ પશ્ચિમ તરફ અને આર્માડેલ/થોર્ન્લી લાઈન દક્ષિણ પૂર્વ તરફ. આમ મેન્જુરા અને ક્લાર્ક્સન એક પાટાનાં બે છેડે આવેલા છે. મેન્જુરાથી સિટી ૭૦ કિલોમીટર અને અને સિટીથી ક્લાર્ક્સન ૩૭ કિલોમીટર થાય છે. તે જ રીતે ફ્રિમેન્ટલ અને મિડલેન્ડ એક પાટાનાં સામા છેડે આવેલા છે. સિટીથી બંને લગભગ ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવે છે. અર્માડેલ, મિડલેન્ડ અને થોર્ન્લીમાં સૌથી વધુ એબોરીજીનલ લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. મારાં કોઈ મિત્રો કે ઓળખીતા ત્યાં રહેતા નથી.
કહે છે કે, એક સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પર્થ અને ફ્રિમેન્ટલમાંથી પાટનગર કોને બનાવવું તે વિશે બહુ મોટી ચર્ચા ચાલી હતી. આમ તો ફ્રિમેન્ટલ પર્થથી ફક્ત ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. પણ, ફ્રિમેન્ટલમાં આવો ત્યારે પર્થથી ખૂબ દૂર આવી ગયા હોઈએ તેવું લાગે. ફ્રિમેન્ટલની પોતાની અલગ ઓળખ અને રીત-ભાત છે. ઉત્તર અને દક્ષિણ પર્થ એ મુખ્ય રહેવાસનાં વિસ્તારો છે. જેમ વધુ ને વધુ આગળ ઉપર ઉત્તર તરફ તથા નીચે દક્ષિણ તરફ જતાં જઈએ તેમ મકાનો છૂટાં-છવાયા જોવા મળે. પુષ્કળ નવું બાંધકામ થતું જોવા મળે અને મોડર્ન આર્કિટેક્ચર જોવા મળે.
પર્થનાં દરિયાકિનારા મને ખૂબ ગમ્યાં છે. જો કે, પ્રાકૃતિક રીતે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ખૂબ સુંદર છે. એ વિશે મને કોઈ જ આશ્ચર્ય નથી કારણ કે, મારાં મતે જેમ ઓછા માણસો તેમ પ્રાકૃતિક સુંદરતા વધુ હોવાની. પર્થથી જેમ વધુ દક્ષિણે જતાં જાઓ તેમ બંબરી અને માર્ગરેટ રિવરનાં વિસ્તારો બહુ જ સુંદર છે! સાંભળ્યું છે કે આલ્બની અને એસ્પ્રેન્સ જેવાં વિસ્તારો તો તેનાંથી પણ ચડે તેવા છે. એ જ રીતે મૂર રિવર પણ ખૂબ સુંદર જગ્યા છે. પણ, ત્યાં જવાનો હજુ મેળ પડ્યો નથી.
બિયર અને આળસ અહીંની સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ છે. લગભગ બધી જ જગ્યાઓ રાત્રે ૯ પછી બંધ થઇ જાય છે. જો ૧૦એક વાગ્યા પછી બહાર નીકળીને કશું કરવાનું મન થાય તો ફિલ્મ જોવા જઈ શકો, શુક્ર-શનિવારે ક્લબ કે પબમાં મિત્રો સાથે જઈ શકો અને કંઈ ખાવાનું મન થાય તો સૌથી નજીકમાં નજીક કોઈ ૨૪x૭ મેક્ડોનલ્ડ્સ હોય ત્યાં જઈ શકો અથવા આલ્બની હાઈ-વે પર અમુક ૨૪ કલાક ખુલી રહેતી ખાવા પીવાની જગ્યાઓ છે ત્યાં જઈ શકો. બાકી રાત્રે દરિયાકિનારે જઈ શકો. પણ, ઠંડીમાં તો ત્યાં પણ ન જઈ શકો કારણ કે, પર્થમાં ઠંડી સાથે વરસાદ પડે અને દરિયાકિનારે તો બહુ જ પવન ફૂંકાય એટલે વધુ ઠંડી લાગે.
આખા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં ગમે તે ખૂણે તમે રહેતાં હો, તમારે હાયર એજ્યુકેશન માટે પર્થ જ આવવું પડે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કુલ પાંચ યુનિવર્સીટી છે. ‘મર્ડોક’, ‘કર્ટિન’, ‘યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા’, ‘એડીથ કોવન’ અને ‘નોત્રે દામ’. આ પાંચે પર્થમાં છે. ‘નોત્રે દામ’ સિવાયની ચાર યુનિવર્સીટીનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બાકીનાં પણ ઘણાં લોકો ‘નોત્રે દામ’ને માન નથી આપતાં. યુનિવર્સીટીનો દરજ્જો પણ નથી આપતાં. કારણ એ કે આ એક જ એવી યુનિવર્સીટી છે જ્યાં પૈસા આપીને તમે ગમે તે કોર્સમાં દાખલ થઇ શકો. બાકી બધી યુનીવર્સીટીમાં એડમિશન લેવા ફક્ત જે-તે કોર્સને લગતું મેરિટ જ કામ લાગે છે. ‘પેઈડ સીટ’ જેવી કોઈ વસ્તુ નથી. મર્ડોક પાસે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની એકમાત્ર ‘વેટરનરી સ્કૂલ’ છે.ખાણકામ (mining) પછી અભ્યાસ એ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો નાણાકીય સ્ત્રોત છે.