યોર્ક અને વાઈલ્ડ ફ્લાવર્સ લુક-આઉટ

ઓસ્ટ્રેલિયન આઉટબેક, ઓસ્ટ્રેલિયા

તો થયું એવું કે, ગયા વર્ષે મેં એક કોન્ફરન્સ અટેન્ડ કરી હતી. ત્યાં ઘણી કંપનીઓએ પોત-પોતાનાં સ્ટોલ નાંખેલા હતાં અને લકી-ડ્રો રાખ્યા હતાં. હવે, ક્યારેય ન બને ને એ દિવસે અચાનક જે એક કંપનીને મેં મારું બિઝનેસ કાર્ડ આપ્યું હતું તેમનાં ડ્રોમાં હું એક  એક્સપીરિયંસ પ્રોવાઈડર કંપની – ‘રેડબલૂન’નું ગિફ્ટ વાઉચર જીતી. વાઉચર નાનું-સૂનું પણ નહોતું એટલે હું એકને બદલે બે એક્સપીરિયંસ લઈ શકી. મારો પહેલો એક્સપીરિયંસ હતો પર્થનાં એક જાણીતાં સ્કલ્પ્ટર સાથે સ્કલ્પ્ટિંગ (મૂર્તિકળા)નાં બે ક્લાસ, જે મેં આ વર્ષે એપ્રિલમાં અટેન્ડ કર્યા. બીજા એક્સપીરિયંસ તરીકે મેં વેઇવ રોક નામની ખૂબ રસપ્રદ દેખાતી પણ મેં બહુ ચર્ચા ન સાંભળેલી એવી જગ્યાની ડે-ટ્રિપ કરવાનું નક્કી કર્યું. વાઉચર ત્યારે ને ત્યારે ન વાપર્યું, વસંતઋતુ માટે બાકી રાખ્યું. દિવસ પણ નક્કી ન કર્યો કારણ કે, વસંતમાં પણ વરસાદનાં ઝાપટા પડે તેવું બને અને મારે બ્રાઈટ-સની ડે પર જ જવું ‘તું. વાઈલ્ડ ફ્લાવર્સ ત્યારે જ જોવા મળે.

પહેલી સપ્ટેમ્બર ઓસ્ટ્રેલિયામાં ઓફિશિયલી સ્પ્રિંગનો પહેલો દિવસ હતો.  પહેલું અઠવાડિયુ તો દરેક દિવસે મેઘરાજ મૂશળધાર વરસ્યા અને બદલતી ઋતુએ બિમાર પણ કરતાં ગયાં. પણ, ગયા બુધવારે મેં રાબેતા મુજબ ગૂગલ પર પછીનાં એક અઠવાડિયાની તાપમાનની આગાહી જોઈ અને જોયું કે, ગયા રવિવારે છેલ્લાં ૪ મહિનાનું સૌથી વધુ તાપમાન હોવાનું હતું. ૨૪ ડિગ્રી અને રવિવાર મને મગજમાં બેસી ગયાં. એક દિવસ જવું જ છે કે નહીં એ નક્કી કરવા માટે રાખ્યો અને ગુરુવારે થઇ ગયું બુકિંગ કન્ફર્મ. રવિવારે સવારે પોણાં આઠ વાગ્યે મારે ‘વેઇવ રોક, યોર્ક, વાઈલ્ડ ફ્લાવર્સ અને ઓસ્ટ્રેલિયન એબોરીજીનલ કલ્ચર’ ટૂર માટે ‘પર્થ કન્વેન્શન સેન્ટર’ પહોંચી જવાનું હતું. ત્યાં પોણાં આઠ સુધીમાં પહોંચવા માટે મારે ઘરેથી સાત વાગ્યે નીકળી જવું પડે. રમૂજ તો એ વાતની હતી કે, સવા સાતે તો હું મારાં સામાન્ય વર્ક-ડે પર ઊઠતી હોઉં છું અને આ ટૂર માટે તો મોડામાં મોડું સાડા-છએ ઊઠવાનું હતું. જો કે, એ દિવસે હું મારતાં મારતાં ઊઠી પણ ગઈ અને ‘કાર્લઆઈલ’ સ્ટેશન પહોંચી પણ ગઈ. એ પણ ટ્રેન ઊપડવાની સાત મિનિટ પહેલાં.

ધાર્યા પ્રમાણે રવિવારની એ સુંદર ઊજળી સવારે, સૂર્યદેવતા બરાબર ઊગી ગયાં હોવા છતાંયે રસ્તા સૂમસામ હતાં અને ટ્રેન-સ્ટેશન પર ચકલુંયે નહોતું ફરકતું. હા, ચકલાંનાં અવાજ જરૂર આવતાં હતાં.એ સ્ટેશન નાનું છે એટલે ત્યાં રાહ જોવા માટે એક જૂનું છાપરું અને તેની નીચે સ્ટીલની છ સીટ્સ છે. સીટ્સ ભીની હતી એટલે મેં ઊભા રહેવાનું નક્કી કર્યું. બે મિનિટ પછી માથાં પર એક ઠંડું ટીપું પડ્યું અને મને ચમકાવીને જગાડી ગયું. પડે જ ને! મને સીટ્સ જોઇને જ લાઈટ થઇ જવી જોઈતી હતી. વરસાદ તો પડ્યો નહોતો; સીટ્સ ઝાકળે જ ભીની કરી હોય. પછી તો સમયસર મારી ટ્રેન આવી અને એ ટ્રેન-લાઈન પરથી પસાર થતાં સવાર કેવી લાગે છે એ જાણવાનો સમય આવી ગયો. (હું વર્ક પર બસમાં જાઉં છું. ટ્રેન ભાગ્યે એકાદ વાર લીધી છે.) સૌથી પહેલાં તો અંદર જઈને મને આશ્ચર્ય થયું. એક ટીનેજર ચાર સીટ પર પહોળો થઈને ઊંઘતો હતો. અફકોર્સ! વેલકમ ટુ ‘આર્માડેલ લાઈન’. (વધુ માહિતી:  http://wp.me/p2frV9-15 અને http://tinyurl.com/kyda329)

જો કે, મને તો બર્ઝવુડ સ્ટેશનની રાહ હતી. પર્થમાં આખી રાત પાર્ટી કરવા માટે એક જ જગ્યા છે, બર્ઝવુડ કસીનો. ત્યાં નાઈટ-ક્લબ સવારે ચાર વાગ્યે બંધ થાય છે અને કસીનો ચોવીસ કલાક ખુલ્લો રહે. સાત વાગ્યાની એ ટ્રેન એ દિવસની પહેલી ટ્રેન હતી એટલે સ્વાભાવિક રીતે આખી રાતની પાર્ટી પછી હંગઓવર, સેમી-ડ્રંક ચહેરા તો જોવા મળવાનાં જ હતાં. ચાર છોકરાઓનું એક ગ્રૂપ મારી બરાબર બાજુમાં જ ગોઠવાયું. એટલે, પર્થ સ્ટેશન સુધી તો એમની ડ્રંક પાર્ટી-સ્ટોરીઝે મારું મનોરંજન કર્યું. :D

કન્વેન્શન સેન્ટર પર પિક-અપ સ્પોટ પર પહોંચતાં જ મારી બીજી ધારણા પણ સાચી પડતાં મેં જોઈ. ત્યાં બસની રાહ જોતું એક ગ્રૂપ ઊભું હતું અને તેમાં મોટાં ભાગનાં ઘરડાં ક્રોકેશિયન્સ હતાં અને બાકીનાં એશિયન્સ. આ વત્તા છૂટાં છવાયાં બેકપેકર્સ એ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં આખાં ટૂરિસ્ટ સીનનો સારાંશ છે. બસમાં છેલ્લે ચડ્યા છતાંયે મને નસીબજોગે વચ્ચેનાં ભાગમાં એક વિન્ડો સીટ મળી ગઈ અને બાજુની સીટ પણ ખાલી હતી એટલે મને મજા આવી. પણ, મજાનું આયુષ્ય ટૂંકું હતું. સામે એક પરિવાર એક નાના બાળક સાથે બેઠો હતો. પહેલાં તો બાળક ખોળામાં હતું પણ મારી બાજુની સીટ ખાલી જોતાં પત્નીએ ત્યાં શિફ્ટ થવાનું વિચાર્યું. કર્ટસી ખાતર શિફ્ટ થતાં પહેલાં મને પૂછ્યું અને સ્વાભાવિક રીતે જ હું એટલીયે નાલાયક નથી એટલે મેં “યા અફકોર્સ” જ કહ્યું. સ્મિત સાથે.  પણ, સવારનાં એ પહોરે ઓળખાણ કરવાનો કોઈ જ મૂડ નહોતો. એમનો પણ નહીં અને મારો પણ નહીં એટલે મ્યુચુઅલ ઇન્ટરેસ્ટ જળવાઈ રહ્યાં અને એ એક જ પ્રસંગ પછી મને તેમનાં મારી પાસે બેસવા વિશેની તમામ ફરિયાદો દૂર થઇ ગઈ.

અમારો પહેલો મુકામ ‘યોર્ક’ હતો. એ બહેન તો તરત ઊંઘી ગયા અને યોર્ક સુધી ઊંઘતાં રહ્યાં. હું પહેલાં પણ યોર્ક ગઈ છું એટલે એ રસ્તા પર થોડો સમય મેં પણ થોડી ઊંઘ ખેંચી જ લીધી. યોર્ક પર્થથી સવા કલાકનાં અંતરે છે. સાડા નવ આસ-પાસ અમે ત્યાં પહોંચ્યા અને અડધો કલાકનો અમારો બ્રેક હતો. ત્યાંની મેઈન-સ્ટ્રીટ પર બધાં પોત-પોતાની રીતે ફરતાં હતાં. મેં બહુ ભૂખ ન હોવા છતાંયે કંઇક ખાવાનું લેવાનું વિચાર્યું. મારો એ નિર્ણય પછીથી એકદમ સાચો પુરવાર થવાનો હતો. કેમેરા ઘણાં સમયે હાથમાં લીધો હતો એટલે થોડું વોર્મ-અપ કર્યું અને થોડાં ફોટોઝ ખેંચ્યાં. અડધી કલાકે બધાં સમયસર હાજર થઇ ગયાં અને બસ ઊપડી. બસ, અહીંથી જ વેસ્ટ-ઓસ્ટ્રેલિયન આઉટબેક એટલે કે, અંતરિયાળ વેસ્ટર્ન-ઓસ્ટ્રેલિયાની શરૂઆત થઇ ગઈ હતી. મેં અને પડોશીએ ત્યારે ઓળખાણ કરી. તેનું નામ સાતોકી હતું. સાતોકી અને તેનો પરિવાર (તેનો પતિ, બાળક અને બે ઘરડી સ્ત્રીઓ) જાપાનથી ફરવા આવ્યા હતાં. આટલી વાત કરીને સાતોકી ફરી ઊંઘી ગઈ અને ત્યારથી માંડીને રાત્રે પાછાં ફરતાં સુધી એ બસમાં ઊંઘતી જ રહી. મારાં ખભા પર અજાણતાં જ તેનું માથું પણ પડતું રહ્યું. શરૂઆતમાં એક-બે વાર તો બિચારીએ મને સોરી કહ્યું પણ પછી તેનેય સમજાઈ ગયું એ કેટલું પોઈન્ટલેસ હતું.

બસમાં ટાંકણી પડે તોએ અવાજ આવે એટલી શાંતિ હતી અને તેમાં બહારનો નજારો. ખૂબ લીલો અને સુન્દર હતો પણ લેન્ડસ્કેપ બહુ લાંબા અંતરાલ પછી બદલતાં એટલે મને પણ ઊંઘ આવે રાખતી હતી. યોર્કથી એકાદ કલાક દૂર અમારો બીજો મુકામ હતો રોડ પર ક્યાંક. ઇન મિડલ ઓફ નોવ્હેર. એક લાંબો સુંદર પટ ફૂલોથી છવાયેલો હતો. ડ્રાઈવરે અમને ત્યાં ઊતાર્યા અને એ પાર્કિંગ શોધવા ગયાં. એ આખા મેદાનમાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પીળાં અને લવેન્ડર કલરનાં ઝીણાં-ઝીણાં ફૂલોની જાજમ હતી. લવેન્ડર ફૂલોવાળો છોડ જમીનથી થોડો ઊંચો હતો એટલે એ ફૂલોની વચ્ચેથી તેમને કચર્યા વિના ચાલી શકાય તેમ હતું. આ રીતે મનમરજી પ્રમાણે ઊગેલા જંગલી ફૂલોનો આટલો મોટો પટ મેં પહેલી વાર જોયો હતો અને હું હજુ પણ અવાચક છું. ત્યાં પણ અમને અડધો કલાક અમારી રીતે ફરવા મળ્યું. પણ, એ જગ્યાએ અડધી કલાક ઓછી હતી. ત્યાં કલાક પણ ઓછી પડે! ત્યાંથી અમે રસ્તો ઓળંગીને સામેની તરફ ગયાં ત્યાં ગુડ્સ-ટ્રેઈનનાં અવાવરુ પાટા હતાં અને એ પાટાની નાનકડી પટ્ટી ઓળંગીને પાછળનાં પટમાં પણ ફૂલો જ ફૂલો. પણ, એટલામાં તો ડ્રાઈવરનો કોલ આવી ગયો અને અમારે જવું પડ્યું.

ત્યાંથી પછીનાં મુકામ સુધીનો રસ્તો બહુ રસપ્રદ હતો. મોટાં મોટાં ખેતારો અને મેદાનો એક પછી અમુક મેદાનો આખાં પીળાં ફૂલોથી છવાયેલાં હતાં. એ ફૂલોવાળાં મેદાન દૂરથી લાઈમ-ગ્રીન લાગતાં હતાં એટલે ડાર્ક ગ્રીન-લાઈટ ગ્રીન એમ પેચ દેખતાં અને વચ્ચે ક્યાંક અચાનક રેતીનાં ખારાં સૂકા પટ આવી ચડતાં. આવો વિરોધાભાસ કઈ રીતે શક્ય છે એ મને હજુ સુધી નથી સમજાયું. વચ્ચે અમુક ખેતરોમાં ક્યાંક ઘોડા અને ગાયો પણ દેખાઈ જતાં. એક ખેતરમાં મોટાં ચાર ઈમ્યુ જોયા હતાં. કાંગારૂ એ આખાં દિવસમાં મેં ક્યાંયે ન જોયાં તેનું આશ્ચર્ય છે.

આ તો થઇ બપોર સુધીની વાત. બપોર પછીની સફર માટે સ્ટે-ટ્યૂન્ડ!