ન્યુ ઓર્લીન્સ – આર્ટ માર્કેટ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

એક વખત એવું થયું કે, સૅમનો ભાઈ – પાર્થ કામ માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવવાનો હતો. એ સાન ફ્રાન્સિસ્કો તો એક વખત આવી ચૂક્યો હતો અને અઠવાડિયા કરતા પણ વધુ સમય રહી ચૂક્યો હતો એટલે એ બંનેએ નક્કી કર્યું કોઈ નવી જગ્યાએ મળવાનું. મને અને અભિને સાથે જવા માટે અને કોઈ જગ્યા પસંદ કરવા માટે પૂછવામાં આવ્યું. અભિ થોડાં જ સમય પહેલા ફરીને આવ્યો હતો અને થોડા સમય પછી ફરી કોઈ નવાં સ્થળે જવાનો હતો એટલે તે એ સમયે ક્યાંય ફરી શકે તેમ નહોતો. છેલ્લે બચી હું! મારાં મગજમાં સ્વાભાવિક રીતે જ ફરવાનાં સ્થળોનું એક લાંબું લિસ્ટ છે એટલે મેં તેમને તેમનાં સિલેક્શન ક્રાયટીરિયા પૂછ્યા. પાર્થ ઈસ્ટ કોસ્ટ પર આવવાનો હતો અને અમે વેસ્ટ કોસ્ટ પર હતા એટલે તેમને કોઈ વચ્ચેની જગ્યાએ મળવું હતું, જ્યાં પહોંચતા અમને બધાને લગભગ સમાન સમય લાગે. મારું સૌથી પહેલું સૂચન હતું મેક્સિકો પણ, એટલી લાંબી ફલાઇટમાં બેસવાની ના પાડી દેવામાં આવી. હવાઈ પાર્થને દૂર પડે તેમ હતું અને એ અમારા માટે પણ લાંબી ફલાઇટ જ હતી, ઑસ્ટિન હું જઈ આવી હતી, શિયાળો હતો એટલે મારે કોઈ એવી જગ્યાએ જવું હતું જ્યાં ગરમીને કારણે ઉનાળામાં ન જઈ શકાતું હોય. આ બધાં ક્રાયટીરિયામાં ફિટ બેસે અને અમે બધા પહેલા ક્યારેય ન ગયા હોઈએ તેવી એક જ જગ્યા હતી – ન્યુ ઓર્લીન્સ!

ન્યુ ઓર્લીન્સ વિષે મેં વારે-તહેવારે ઘણાં લોકો પાસેથી ઘણું સાંભળ્યું હતું. તેમાંય બે બાબતો તો ખાસ – તેમનાં ફ્રેન્ચ કવાર્ટર્સ અને પાર્ટી ટાઉન તરીકેની તેમની છબી. મને નવી જગ્યાઓ જેટલી તેની વાતો સાંભળીને યાદ રહે છે તેટલી ફોટોઝ કે વિડિયોઝ દ્વારા નથી રહેતી એટલે ન્યુ ઓર્લીન્સનાં ફોટોઝ ક્યાંય ભૂલથી કદાચ જોયા પણ હોય તોયે મને એ વિષે ઉપરોક્ત બે બાબતો બાબત કૈં જ ખબર નહોતી. સૅમે પણ મારી જેમ એ શહેર ‘બહુ સરસ છે’ એ સિવાય ખાસ કૈં સાંભળ્યું નહોતું અને છતાં એ એક વાક્ય એટલા બધા લોકો પાસેથી સાંભળેલું હતું કે, એ પણ ત્યાં જઈને જોવા અને જાણવા માટે તૈયાર થઇ ગયો. ટિકિટ્સ લીધા પછી અમે એ શહેર વિષે જાણવાનું શરુ કર્યું અને ધીરે ધીરે અમને મિત્રો કૈંક ને કૈંક નવી માહિતી આપતા ગયા જેમાંની સૌથી જરૂરી માહિતી એ હતી કે, અમે ‘માર્ડિ ગ્રા’ વીકેન્ડ પર ત્યાં હોવાનાં હતા. એ દિવસ પહેલા મેં કે સૅમે ક્યારેય માર્ડિ ગ્રા વિષે સાંભળ્યું પણ નહોતું અને લગભગ જેની સાથે વાત કરીએ એ દરેક પાસે ‘માર્ડિ ગ્રા’ શબ્દ સાંભળવા મળતો તેટલું એ પ્રખ્યાત હતું! આમ, એ શહેર વિષે અમારી જિજ્ઞાસા વધતી જતી હતી!

પ્લાન એવો હતો કે, પાર્થ અમારી પહેલા ત્યાં પહોંચવાનો હતો અને લૅન્ડ થઈને એક-દોઢ કલાક ઍરપોર્ટ પર બેસીને અમારી રાહ જોવાનો હતો. પણ, એ દિવસે ખરાબ હવામાનનાં કારણે તેની ફલાઇટ કૅન્સલ થઇ હતી અને તેને ત્યાર પછીની કોઈ ફલાઇટમાં સીટ આપવામાં આવી હતી. તેને જેમાં સીટ મળી હતી એ ફલાઇટનો લૅન્ડિંગ ટાઈમ લગભગ અમારી સાથે જ હતો પણ, ખાટલે મોટી ખોડ એ હતી કે, તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેનો સામાન એ જે ફલાઇટમાં બેઠો હતો તેમાં જ તેની સાથે આવે કે એ લૅન્ડ થાય તેનાં બે-ત્રણ કલાક પછી આવી રહેલી ફ્લાઇટમાં આવે એ નક્કી નહોતું. આ બધા ગોટાળા વચ્ચે અમે અમારી ફલાઇટ પકડીને ન્યુ ઓર્લીન્સ તરફ રવાના થયા. ફલાઇટમાં અમે વિચારતા રહ્યા કે, જો પાર્થનો સામાન મોડો આવવાનો હોય તો અમે બધા પહેલા એકસાથે અમારા એરબીએનબી જતા રહીશું. ત્યાં મારો અને સૅમનો સામાન મૂકીને જમશું, પછી એક ગાડી ભાડા પર લઈને પાર્થનો સામાન લેવા ઍરપોર્ટ જઈશું. એ જ ગાડીથી પછીનાં દિવસે થોડી દૂરની જગ્યાઓ ફરીશું.

અમે લૅન્ડ થતાવેંત જોયું કે, પાર્થની નવી ફલાઇટ બરાબર સમયસર લૅન્ડ થઇ ગઈ હતી અને તેની સાથે તેનો સામાન પણ આવી જ ગયો હતો! એ પોતાનો સામાન લઈને બહાર આવ્યો તેની પાંચ-દસ મિનિટમાં જ અમે લૅન્ડ થઇ ગયા હતા એટલે તેને બહુ રાહ પણ ન જોવી પડી. ત્યાંથી ટૅક્સી પકડીને અમે પહોંચ્યા ફ્રેન્ચ કવાર્ટર જ્યાં અમારું એરબીએનબી આવેલું હતું. ઍરપોર્ટથી નીકળીને પહેલી વીસેક મિનિટનો રસ્તો તો બિલકુલ સામાન્ય, અન્ય શહેરો જેવો જ હતો. પણ, અમારાં એરબીએનબી નજીક પહોંચતા છેલ્લી પાંચ મિનિટ અમે આંખો ફાડીને કારમાંથી જોતા રહ્યા. રાત પડી ગઈ હતી અને ઓછી રોશની હતી છતાં ત્યાંનાં ઘર તથા દુકાનો એવાં દેખાતાં હતાં કે, જાણે અમે કોઈ અલગ જ સમયમાં પહોંચી ગયા હોઈએ! બાર અને રેસ્ટ્રોંમાં અંદર તથા બહાર યુવાન લોકોની ભીડ પણ સારી એવી દેખાતી હતી. એ માણતા અમે પહોંચ્યા અમારાં એરબીએનબી.

એ ઘર બહારથી તો સુંદર દેખાતું જ હતું પણ, એ અંદરથી પણ એટલું સુંદર હતું કે, ન પૂછો વાત! ત્યાંની દરેક વસ્તુ એંટીક અને/અથવા વિન્ટેજ હતી! પાર્થ અને સૅમ મુખ્ય રૂમમાં ઊંઘવાનાં હતા અને અને મારો હતો બાલ્કની રૂમ. થોડા રિલેક્સ થઈને અમે જમવાની જગ્યા શોધવા લાગ્યા. મોડું થઇ ગયું હતું એટલે બહુ રેસ્ટ્રોં ખુલ્લા નહોતાં. અમને એક જાપાનીઝ રેસ્ટ્રોં મળ્યું જે અમારી હોટેલથી બે મિનિટનાં વૉકિંગ ડિસ્ટન્સ પર હતું અને ત્યાં વેજિટેરિયન આઇટમ્સ પણ ઘણી બધી મળતી હતી એટલે અમે ત્યાં જ જામી લેવાનું નક્કી કર્યું. એ જગ્યાનું નામ હતું ‘રૉયલ સુશી’

જમવામાં અમુક વસ્તુઓ ખૂબ સારી હતી અને અમુક ઠીક હતી. પાર્થ અને હું લગભગ બે વર્ષ પછી ફરી મળી રહ્યા હતા એટલે એ ડિનર દરમિયાન અમે એ જ બધાં ટિપિકલ, કામ-ધંધો, પરિવાર, અને દુનિયાનાં સમાચાર જેવાં વિષયો પર વાત કરી અને એ ડિનરે અમારી વચ્ચે આઈસ-બ્રેકરનું કામ કર્યું.

અમે બહુ થાક્યા નહોતા એટલે જમીને અમે રોશની અને લોકો જે દિશામાં દેખાતા હતા એ તરફ ચાલીને થોડું એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું. પહેલી શેરીમાં શરૂઆતમાં જ અમને મળી બે-ત્રણ નાનકડી પણ, સુંદર ઓપન એર આર્ટ માર્કેટ્સ!

ત્યાં અમુક મળતાવડા કલાકારો સાથે અમે થોડી વાત કરી અને તેમને પૂછ્યું કે, શું આ શહેરમાં આર્ટ માર્કેટ જેવાં સ્થળો આટલા મોડે સુધી ખુલ્લા રહે છે? તેમણે અમને જાણવા મળ્યું કે, હંમેશા તેવું નથી હોતું પણ, માર્ડિ ગ્રા સમયે વીકેન્ડ્સ પર લગભગ બધું જ મોડે સુધી ખુલ્લું હોય છે.

ફરી માર્ડિ ગ્રા! શું છે આ માર્ડિ ગ્રા! માર્ડિ ગ્રાની કલર-સ્કીમ પણ હતી – લીલો, પીળો અને જાંબલી! પણ, ત્યારે વિકિપીડિયા પેઈજ ખોલીને માર્ડિ ગ્રા વિષે જાણવાનો સમય નહોતો એટલે અમે આગળ ચાલતા રહ્યા. અમે લગભગ એકાદ કલાક જેવું ચાલ્યા અને દરેક જગ્યાએ કળા-કારીગરીનો વિસ્ફોટ જોયો!

બધું બંધ થવા લાગ્યું ત્યારે થાકીને અમે પણ અમારાં મુકામે પાછા ફર્યા અને પછીનાં દિવસે શું કરીશું તેનાં પર થોડી વાર વિચાર-વિમર્શ ચાલ્યા અને પછી બધા એક એક કરતા ઊંઘવા લાગ્યા. મારા માટે ત્યાં ઊંઘવું બહુ મુશ્કેલ થઇ પડ્યું. મારો રૂમ બાલ્કની-રૂમ હોવાનાં કારણે મને મોડે સુધી આસપાસની પાર્ટી-જનતાનાં અવાજ સંભળાયા કર્યાં. તેટલું જ નહીં, એ રૂમમાં ત્રણ તરફ બારીઓ હતી અને બારીઓનાં પડદાં પાતળાં હતાં એ કારણે પ્રકાશ પૂરો ઢંકાતો નહીં અને વારે વારે મારાં મોં પર એક પ્રકારની લીલી લાઈટ અચાનક તીવ્રતાથી આવી પડતી અને અડધી મિનિટમાં ચાલી જતી. જાણે ચાલુ-બંધ થતો રહેતો લીલો બલ્બ હોય! આ લાંબુ ચાલ્યું હોત પણ, નસીબજોગે ત્યાં વરસાદ ચાલુ થઇ ગયો એટલે લોકો ઘરે જવા લાગ્યા અને પાર્ટીનાં અવાજ ઓછાં થવા લાગ્યા. પણ, પેલી લીલી લાઈટ તો ઝબુક-ઝબુક થતી જ રહી. ક્યાંથી આવતી હશે એ?! વિચારતા વિચારતા હું માર્ડિ ગ્રા વિષે વાંચવા અને સમજવા લાગી. અંતે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી.

ક્યાંથી આવી રહી હતી પેલી લીલી લાઈટ? શું છે આ માર્ડિ ગ્રા? જાણવા માટે વાંચતા રહો રખડતા ભટકતા!