ન્યુ ઓર્લીન્સ – ફ્રેન્ચ કવાર્ટર્સની બહારનું સ્વરૂપ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

સાંજે ત્રણેક વાગ્યે સ્ટ્રીટ આર્ટ ટૂઅર પતાવીને અમે વિચારવા લાગ્યા આગળ શું કરવું. એ રાત્રે પાર્થનું વેકેશન પૂરું થતું હતું અને વહેલી સવારે છ વાગ્યાની તેની ફલાઇટ હતી. હું અને સૅમ દોઢ દિવસ વધારે રોકાવાનાં હતા. સૅમનાં મગજમાંથી હજુ ‘સ્વૉમ્પ ટૂઅર’ નીકળી નહોતી. સ્વૉમ્પ એટલે કીચડવાળાં મોટાં ખાબોચિયાં જેમાં મગર જોવા મળે. સવૉમ્પ ટૂઅરની સાથે ન્યુ ઓર્લીન્સની ‘પ્લાન્ટેશન (વાડી અને ખેતર) ટૂઅર’ પણ બહુ પ્રખ્યાત છે. હવે આ પ્લાન્ટેશન ટૂઅર આપણે ધારીએ છીએ તેવી મોજમજાવાળી નથી. અહીં આ ટૂઅરની વાત અમેરિકાની ગુલામીપ્રથાનાં સંદર્ભમાં છે. આગળની પોસ્ટમાં વાત કરી તેમ બસો વર્ષ પહેલા ગુલામોને મુખ્યત્ત્વે અમેરિકાનાં ગોરા લોકોનાં ખેતરોમાં મજૂરી માટે લાવવામાં આવતા હતા અને બાકીનાં અમેરિકાની સાપેક્ષ ‘ડીપ સાઉથ’ તરીકે ઓળખાતાં રાજ્યોમાં ગુલામીપ્રથાનું નાબૂદીકરણ અમૅરિકાનાં પ્રોગ્રેસિવ રાજ્યોનાં પ્રમાણમાં ઘણું મોડું થયું હતું. ન્યુ ઓર્લીન્સ આ ‘ડીપ સાઉથ’નું એક શહેર છે અને ત્યાં આ ગુલામીપ્રથાનાં અવશેષ તરીકે આ પ્લાન્ટેશન્સ હજુ પણ જેમનાં તેમ રાખવામાં આવ્યાં છે અને તેમની મુલાકાત લઈને આપણાં જેવા પ્રવાસીઓ ત્યાંનાં એક સમયનાં બળજબરીપૂર્વક બનાવવામાં આવેલા ગુલામોની પરિસ્થિતિ પોતાની નજરે જોઈ શકે છે.

મને પ્લાન્ટેશન ટૂઅરમાં રસ હતો પણ, સવૉમ્પ્સની ટૂઅરમાં નહીં. ત્યાં જો કે, જેટલી ગાઇડેડ ટૂઅર હતી એ બંને માટે જ હતી અને બધી સવારથી સાંજ સુધીની હતી. અમારાં કેસમાં તો અમે આર્ટ ટૂઅર પતાવીને નીકળ્યા ત્યાં મોડી બપોર તો થઇ ચૂકી હતી એટલે એ દિવસે ગાઇડેડ ટૂઅરમાં જવું તો શક્ય નહોતું. પણ, અમે પોતાની જાતે ડ્રાઈવ કરીને જાતે પ્લાન્ટેશન ટૂઅર ચોક્કસ કરી શકીએ. આમ, અમે એક દિવસ માટે એક કાર ભાડે લેવાનું નક્કી કર્યું. તેનો બીજો ઉપયોગ એ પણ હતો કે, મોડી રાત્રે સૅમ પાર્થને એરપોર્ટ સુધી મૂકી આવી શકે.

અમે કાર રેન્ટલ સુધી પહોંચ્યા અને બધો વહીવટ પતાવીને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સાડા ચાર જેવું થઈ ગયું હતું. સાડા છ-સાત આસપાસ ત્યાં અંધારું થઇ જતું હતું અને દિવસ બહુ વાદળછાયો હતો એટલે અમારી પાસે સમય ખૂબ ઓછો હતો. પ્લાન્ટેશન લગભગ પાંચ વાગ્યા આસપાસ બંધ થઇ જતાં હતાં અને અડધી કલાકમાં ત્યાં પહોંચી શકવાની શક્યતા નહિવત્ હતી એટલે મેં એક વચ્ચેનો રસ્તો શોધ્યો. આગલા દિવસે અમે કોઈક પાસે સાંભળ્યું હતું કે, ન્યુ ઓર્લીન્સથી થોડે દૂર ડ્રાઈવ કરતા મિસિસિપી નદીનાં કિનારે પહોંચી શકાય છે અને તે રસ્તો બહુ સુંદર છે. આ સાંભળીને મેં મિસિસિપીનાં કિનારે વહેલામાં વહેલું કઈ રીતે પહોંચી શકાય તેનો રસ્તો શોધ્યો ગૂગલ મૅપ્સમાં અને સૅમ એ તરફ ગાડી ચલાવવા લાગ્યો.

લગભગ વીસેક મિનિટમાં અમે નિર્ધારિત સ્થળે પહોંચ્યા તો ખરા. પણ, ત્યાંથી આગળ દસેક મિનિટ સુધી ચલાવીને પણ અમારી ડાબી બાજુ મૅપ્સ અનુસાર જે નદી દેખાવી જોઈએ તેનાં કોઈ અણસાર નહોતાં દેખાતા. અમારી જમણી બાજુ મોટી મોટી ફૅક્ટરીઓ અને ગોડાઉન હતાં અને ડાબી બાજુ એક ટેકરી જેવું કૈંક, જેની પેલે પાર જોઈ શકાતું નહોતું. દસેક મિનિટ આમ ચાલ્યું એટલે મને વિચાર આવ્યો કે, કદાચ આ ટેકરીઓનાં કારણે નદી દેખાતી નથી અને ટેકરીઓ ઓળંગીને નદી સુધી પહોંચવાનો પણ કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે કદાચ નદીનાં સામેનાં કિનારે જઈએ તો કદાચ કૈંક દેખાય. ત્યાંથી જલ્દીમાં જલ્દી સામેનાં કાંઠે પહોંચી શકાય તેવો રસ્તો મેં શોધ્યો. સૅમે યુ ટર્ન માર્યો અને અમે પહોંચ્યા એક બ્રિજ પર. બ્રિજની બરાબર વચ્ચે પહોંચીને જે સીન અમે પુલની બંને તરફ જોયો તેનાં પરથી જ અમને સમજાઈ ગયું કે, આ નદીનો કિનારો અમે ઘણાં લાંબાં સમય સુધી જોઈ શકવાનાં નહોતા.

નદીનાં બંને કિનારે કિલોમીટરનાં કિલોમીટર સુધી કોઈ ડિસ્ટોપિયન મૂવીનાં સેટની જેમ ફૅક્ટરીઓ ખડકાયેલી હતી. આ જગ્યાની દરિદ્રતાની એ સૌથી મોટી નિશાની હતી. કેલિફોર્નિયા જેવાં પૈસાદાર રાજ્યોમાં આવી નદીઓનાં કિનારે પબ્લિક પાર્ક હોય અને ખાનગી સંપત્તિ હોય તો વધી વધીને ખેતર કે વાડીઓ હોય. પણ, આ રાજ્ય દરિદ્ર છે એટલે જાણે ત્યાંની કુદરતી સંપત્તિ લૂંટવાનો, ત્યાંનાં લોકોને ઓછામાં ઓછો પગાર આપીને વધુ કામ કરાવી લેવાનો પરવાનો છે કંપનીઓ અને પાસે! નદીનાં બંને કાંઠાંની ફૅક્ટરીઓ જોઈને મને ફ્લિન્ટ યાદ આવ્યું. અમૅરિકાનાં મિશિગન રાજ્યનાં ફ્લિન્ટ શહેરમાં ચોખ્ખા પાણીનો વિશાળ સ્ત્રોત – લેઇક યુરોન હોવા છતાં ત્યાંનાં લોકોએ ફ્લિન્ટ નદીનું ગંદું, ઝેરી પાણી પીવું પડે છે. ત્યાંની સરકાર પાસે ‘જનરલ મોટર્સ’ની ફૅક્ટરીઓ ચલાવવા માટે ચોખ્ખું પાણી છે પણ, ત્યાંનાં બાળકોને પીવડાવવા માટે ચોખ્ખું પાણી નથી. :(

અમે એ પુલ પરથી નીચે ઊતરીને તરત જ ફ્રેન્ચ કવાર્ટર પાછા ફરવા માટે યુ-ટર્ન લીધો. જે શેરીમાંથી યુ-ટર્ન લીધો ત્યાં પણ મકાનોની હાલત દયનીય હતી. રસ્તામાં અનેક જગ્યાએ ગાબડાં, દશકોથી ક્યારેય રિનોવેશન ન થયું હોય તેવાં મકાન … થોડી વાર તો આ બધું જોઈને અમે ચક્કર ખાઈ ગયા. ફ્રેન્ચ કવાર્ટર્સ અને તેની આસપાસનાં નાનકડાં, રૂપાળાં ટૂરિસ્ટ વિસ્તાર સિવાયનાં ન્યુ ઓર્લીન્સની હકીકત આ હતી! મેં ક્યાંક વાંચ્યું હતું કે, આ પ્રકારની પ્રાકૃતિક અને સ્વાસ્થ્યને લગતી કટોકટીઓ એ વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યાં ગરીબાઈ અને કાળાં લોકોની વસ્તી વધુ છે. મેં ન્યુ ઓર્લીન્સ વિષે ગૂગલ કરીને વધુ જાણવા માંડ્યું અને મને આ મળ્યું – કાળા લોકોની વસ્તી 60%, ગોરા 33%, એશિયન 3%. અમૅરિકાનાં 50 રાજ્યોનાં જીવનધોરણ વિષે કરાયેલાં અલગ-અલગ સર્વેમાં લૂઈઝિયાના રાજ્ય – જેમાં ન્યુ ઓર્લીન્સ શહેર આવેલું છે, તે સતત 48 કે 49માં ક્રમે જ જોવા મળે છે છે. અર્થાત્ અહીંનું જીવનધોરણ અમૅરિકાનાં નિમ્નતમમાં આવે છે. ગરીબી, બેકારી, બાળ-મૃત્યુનો ઊંચો દર જેવી તકલીફો અહીં ઘણી બધી છે અને ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું. સાવ નીચેનાં ત્રણ રાજ્યોમાંનાં બાકીનાં બે બ્લૅક મેજોરીટી ધરાવતાં રાજ્યો નથી પણ, તે બંને પણ છે તો અમૅરિકાનાં સાઉથનાં રાજ્યો જ જ્યાં, ગુલામીપ્રથા અને રંગભેદ બાકીનાં રાજ્યો કરતા લાંબો સમય ચાલ્યા છે. આ શહેરનાં ટૂરિસ્ટ વિસ્તારની બહાર ફરીને અમને સમજાયું કે, અમૅરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થયાને ભલે દોઢ સદી થઇ હોય અને માર્ટિન લ્યૂથર કિંગની સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ/રંગભેદ નાબૂદીને અડધી સદી પણ છતાંયે, અમૅરિકાનાં ખૂણે ખાંચરે વિવિધ સ્વરૂપે એ ગુલામીપ્રથાનાં પડઘા હજુ પણ સંભળાય છે.

ફ્રેન્ચ કવૉર્ટર્સ પાછા ફરતા સાડા છ જેવું થયું અને અમને ત્રણેને કાકડીને ભૂખ લાગી હતી કારણ કે, સવારે આર્ટ વૉક પહેલા કરેલાં નાશ્તા સિવાય અમે કૈં જ ખાધું નહોતું. એરબીએનબી જઈને, થોડાં ફ્રેશ થઈને અમે ફરી બહાર નીકળ્યા. આ વખતે મૅગેઝીન સ્ટ્રીટ નામની કોઈ પ્રખ્યાત સ્ટ્રીટ પર સૅમે કોઈ ઈઝરાયેલી કૅફે શોધ્યું હતું. છેલ્લાં ઘણાં દિવસોમાં મિડલ-ઈસ્ટર્ન ફૂડનો લાભ નહોતો લીધો એટલે એ આઇડિયા મને ગમ્યો. તે જગ્યાનું નામ હતું ‘ટાલ્સ હમ્મસ’.

તેમનું આમ્બિયાન્સ તો સારું હતું જ પણ, માય ગોડ! અત્યાર સુધી મિડલ ઈસ્ટની બહાર ચાખેલાં તમામ મિડલ ઈસ્ટર્ન ફૂડમાં આ જગ્યા કદાચ ટોપ 3માં આવે! તેઓ ત્યાં જ પીટા બ્રેડ બેક કરતા હતા. એટલી સૉફ્ટ અને ફ્લફી બ્રેડ મેં બહુ ઓછી જોઈ છે! હમ્મસ પણ લઝીઝ! સાથે આર્ટિસ્ટિક વાઇબ લટકામાં. :)

કટક-બટક કરવાનાં ઈરાદાથી ગયા હતા પણ, અમે સારું એવું ઝાપટીને બહાર નીકળ્યા. ત્યાર પછી અમે મૅગેઝીન સ્ટ્રીટ એક્સપ્લોર કરતા થોડું ચાલ્યા. ત્યાં દુકાનો ઘણી હતી પણ, લગભગ બધી જ બંધ હતી. આમ, પાર્થનો શોપિંગનો પ્લાન અમને કૅન્સલ થતો દેખાયો. એ સાંજે અમારી પાસે બીજું કૈં કરવાનું રહ્યું નહોતું અને બંને ભાઈઓને પિત્ઝા ખાવાનું મન થયું. અચાનક સૅમને યાદ આવ્યું કે, તેની ઑફિસમાંથી કોઈએ માહિતી આપી હતી કે, મૅગેઝીન સ્ટ્રીટ પર કોઈ જબરદસ્ત પિત્ઝા પ્લેસ છે. સૅમે તેનું નામ અને ઠેકાણું શોધ્યાં. પાંચ મિનિટ ચાલીને અમે પહોંચ્યા પિત્ઝા ડોમેનિકા.

મને પિત્ઝા લગભગ ભાવતા જ નથી અને તેમાંયે અમૅરિકામાં તો સાવ નહીં. હેવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગવાળું આર્ટિફિશિયલ પ્લાસ્ટિક જેને, એ લોકો ચીઝ તરીકે ઓળખે છે, તેનાં સિવાય કોઈ સ્વાદ જ નથી હોતો ત્યાંનાં 95% પિત્ઝામાં. આમ કહું એટલે લોકો કહેશે પણ, તે ન્યુ યૉર્કનાં ટ્રાય કર્યાં? શિકાગોનાં ટ્રાય કર્યાં? હા ભઈ, મને નથી જ લાગ્યો કૈં ભલીવાર અને તમે દસ વાર અલગ અલગ જગ્યાનાં નામ લઈને પૂછશો તોયે આ પ્રીત તો પરાણે નહીં જ થાય! સૅમ અને પાર્થની ઈચ્છાને માન આપવા માટે હું રેસ્ટ્રોંમાં ગઈ તો ખરી પણ, બેસ્યા ત્યારે જ મેં તેમને કહી દીધું હતું કે, મારી તો ગણતરી રાખતા જ નહીં અને ફક્ત તમે બે ખૂટાડી શકો તેવડી સાઇઝ જ મંગાવજો. પણ, પહેલી સ્લાઇસ ખાઈને જ હું સમજી ગઈ કે, આ જગ્યા પેલાં 5% અપવાદમાં આવે છે. પિત્ઝામાં તમે જો ચીઝ ઉપરાંત પણ કોઈ સ્વાદ શોધતા લોકોમાંનાં હો, તો આ જગ્યા તમારા માટે જ બની છે. ત્યાંથી બહાર નીકળીને હું માંડ ચાલી શકતી હતી તેટલું મેં ખાઈ લીધું હતું!

માર્ડી ગ્રા બીડ્સ

ત્યાંથી નીકળીને પાર્થે ફરીથી શૉપિંગ યાદ કર્યું એટલે અમે એક મૉલ શોધ્યો જે, રવિવારે પણ ખુલ્લો હોય. અમને એક મળ્યો પણ ખરો – શહેરની વચ્ચોવચ્ચ. ત્યાં પહોંચવાની પાંચેક મિનિટ પહેલા તો એ રસ્તો એટલો ભયંકર અંધારો અને સુમસામ થઈ ગયો હતો કે, ઘડીક તો અમે વિચારવા લાગ્યા, સાચા રસ્તે જ છીએ કે કેમ?! મૉલની પિન પાસે પહોંચીને ફરી લાઇટ્સ દેખાવાની શરુ થઈ અને અમે જોયું કે, ત્યાં એક-બે હોટેલ્સ હતી અને મૉલ જેવું કૈંક હતું તો ખરું પણ, તેનો દરવાજો તો ક્યાંયે દેખાય નહીં! એક-બે વાર ભૂલા પડીને અંતે અમને પાર્કિંગ મળ્યું અને ત્યાર પછીએ મૉલમાં અંદર કેમ જવું તે તો પગપાળા ચક્કર મારીને જ ખબર પડી. અંદર જઈને મૉલની હાલત જોઈને તો એમ જ થયું જાણે, શનિવારી માર્કેટમાં આવી ગયા હોઈએ! વસ્તુઓની કવૉલિટી દેખીતી રીતે જ અન્ય શહેરોની સરખામણીએ ઊતરતી હતી. 5-6 દુકાનો ફરીને પણ ક્યાંય ખાસ મજા ન આવી. મૉલમાં પણ ગરીબી દેખાતી હતી બોલો! જે બ્રાન્ડ્સનાં સ્ટોર્સમાં અમને કૈં ન ગમ્યું હોય તેવું ભાગ્યે જ બનતું હોય ત્યાં એક વસ્તુ પણ ન ગમે એ દુકાનો કેવી હશે? તમે જ વિચારો. પાર્થને જે 2-3 વસ્તુઓ જોવા જેવી લાગી એ તેણે ખરીદી લીધી કારણ કે, ગગો ફૉરેન ટ્રિપ કરે ને પ્રિયજનો માટે (ખાસ સ્ત્રીઓ માટે) કૈં લઈને ન જાય એવું તો બને જ કેમ?! તોયે જેમ બને તેમ જલ્દી અમે ત્યાંથી બહાર નીકળ્યા.

એ સાંજે ઘણું બધું ખાધું હોવાથી ખાસ કૈં ભૂખ લાગી નહોતી. 9 વાગી પણ ગયાં હતાં એટલે બધું બંધ પણ થઇ ગયું હતું. એ રાત્રે ત્યાંથી નીકળતા પહેલા પાર્થને પોતાનાં મિત્રનું કોઈ પાર્સલ પિક-અપ કરવાનું હતું કોઈ દુકાનમાંથી. કાર તો હતી જ અમારી પાસે એટલે અમે એ જગ્યાનું ઍડ્રેસ નાખ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા તેટલામાં તો રસ્તો ફરી એકદમ અંધકારભર્યો અને ડરામણો થઇ ગયો. મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ નહોતી! વચ્ચે વચ્ચે એકાદ શેરીનાં ખૂણે આવતી હતી તે પણ એકદમ જ ઝાંખી! વચ્ચે વળી બે-ચાર બેઘર લોકો દેખાયા એટલે તો વધુ ડર લાગ્યો. સૅમે બીકનાં માર્યા પાર્થને બે-ચાર સંભળાવી પણ ખરી. શું અજાણ્યા શહેરમાંથી કોઈનાં પણ પાર્સલ લેવાની હા પાડી દે છે? ભારતમાં પણ લોકોને અમૅરિકાની વસ્તુનો મોહ છૂટતો નથી! ત્યાં હવે બધે બધું મળે તો છે, શું વારે વારે મંગાવ્યા કરતા હશે?!

તેને જે શોપમાંથી વસ્તુ લેવાની હતી તે પણ થોડી વિચિત્ર જ હતી. સૅમ અને હું કારમાં રહ્યા અને યુ-ટર્ન મારતા સુધીમાં પાર્થ પોતાનું સંપેતરું લઈને પાછો આવ્યો કે, તરત અમે ગાડી હંકારી મૂકી ફરી ફ્રેન્ચ કવૉર્ટર્સ તરફ. ફ્રેન્ચ કવૉર્ટર્સ પહોંચીને બધાનાં જીવમાં જીવ આવ્યો અને પછી એ ઘટના જ બધા પોત-પોતાની રીતે ભૂલી જવા લાગ્યા. પાર્થે પોતાની બૅગ્સ પૅક કરી અને તેની સવારે છ વાગ્યાની ફલાઇટ માટે એ લોકો ઘરની બહાર ક્યારે નીકળ્યા તે મને ખબર નથી.

ન્યુ ઓર્લીન્સ – માર્ડિ ગ્રા પરેડ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

એ રાત્રે મને બરાબર ઊંઘ ન આવી. સવારે અમે ઊઠ્યા ત્યારે બહાર વરસાદ ચાલુ હતો. મારો બાલ્કની રૂમ વરસાદમાં એટલો સુંદર લાગતો હતો કે, ક્યાંય જવાનું મન જ ન થાય! ત્યાં થોડી વાર આંટા મારીને મને રાત્રે આંખમાં પડતી ઝબૂક ઝબૂક થતી લીલી લાઈટનો ભેદ સમજાયો. અમારી શેરીનાં અંતે એક ટ્રાફિક સિગ્નલ હતું. અમારાં ઘર અને એ સિગ્નલ વચ્ચે ફક્ત એક ખાલી પ્લૉટ હતો એટલે એ સિગ્નલ બાલ્કની રુમની બારીમાંથી બરાબર સામે જ દેખાતું અને તેનું પ્લેસમેન્ટ કૈંક એવું હતું કે, એ લીલું થાય ત્યારે બારીમાંથી તેનો પ્રકાશ આખાં રુમમાં ફેલાઈ જાય અને લાલ કે પીળું થાય તો ખબર પણ ન પડે. આમ, લીલી લાઈટ લબુક-ઝબુક થતી હોય તેવું લાગ્યા કરે! રહસ્ય ઊકેલીને થોડીક વાર હું શર્લોક હોમ્સ જેવું મહેસૂસ કરવા લાગી.

એની વે, આ હતું અમારું ઍરબીએનબી! કેટલું સુંદર છે ને? :)

તૈયાર થઈને ફરવા નીકળતા પહેલા અમારે કૈંક ખાવું હતું. સૅમે પહેલેથી કૅફે અને રેસ્ટ્રોંનું લાબું લિસ્ટ બનાવી લીધેલું હતું એટલે તેમાંથી જ એક જગ્યા પસંદ કરવામાં આવી. અમારા ઍરબીએનબીથી ચાલીને દસેક મિનિટનાં અંતરે એક કૅફે હતું ત્યાં સુધી અમે ચાલી ગયા અને પહોંચ્યા ન્યુ ઓર્લીન્સનાં પ્રખ્યાત ‘મૅરિની’ વિસ્તારમાં. એ કૅફૅ સૅમે શોધ્યું હતું એટલે પોતાનું મગજ ચલાવ્યા વગર એ જ્યાં જાય એ તરફ હું અને પાર્થ ફક્ત તેને ફોલો કરી રહ્યા હતા. એ ચક્કરમાં એ કૅફેનું નામ પણ હવે મને યાદ નથી અને તેનાં લોકેશનની ગૂગલ પર પિન પણ નથી. એ વિસ્તારની સુંદરતા હતી અપરંપાર! ત્યાં એટલાં સુંદર જૂની ઢબનાં રંગબેરંગી ઘર હતા કે, ન પૂછો વાત! થોડી વાર તો એમ જ લાગે કે, જાણે હું પિક્સાર સ્ટૂડિયોઝનાં સેટ પર આવી ગઈ હોઉં. અમે પહોંચ્યા ત્યારે એ ધમધમતું હતું અને લોકો લાંબી લાઇન લગાવીને ઊભા હતા. પણ, હવે ત્યાં પહોંચી જ ગયા હતા અને લાઇન ઝડપથી આગળ વધતી દેખાઈ એટલે ત્યાં રાહ જ જોઈ લેવાનું નક્કી કર્યું. ત્યાં રાહ જોવાય તેટલાં સમયમાં મેં તેની સુંદરતા કૅમૅરામાં કેદ કરવાનું કામ કર્યું.

અમારો વારો આવ્યો અને અંદર બોલાવવામાં આવ્યા ત્યારે જોયું કે, લાઈન તો અંદર પણ કાઉન્ટર સુધી લંબાતી હતી. વારો આવ્યો હતો એ ટેબલ પર બેસવાનો નહોતો, અંદરની લાઈનમાં ઊભા રહેવાનો હતો! તેમની એક સિસ્ટમ હતી. કાઉન્ટર પર પહોંચો ત્યાં સુધીમાં તમારો ઑર્ડર નક્કી કરી રાખો, કાઉન્ટર પર પહોંચીને તરત ઑર્ડર આપો, રોકડાં પૈસા આપો (એ લોકો ત્યાં ફક્ત કૅશ લેતા હતા), ફરી સાઇડમાં ઊભા રહીને રાહ જુઓ, તમારી પાર્ટીનાં કદનું ટેબલ ખાલી થાય ત્યારે તમને એ ટેબલ આપવામાં આવે અને તમે ખુરશી પર બેસો તેની પાંચમી મિનિટે જમવાનું આવી ગયું હોય. કેટલું કાર્યક્ષમ તંત્ર! કાઉન્ટરનાં ‘કૅશ ઓન્લી’ અનુભવ પરથી અમને ખબર પડી કે, ન્યુ ઓર્લીન્સમાં આજની તારીખે પણ કાર્ડ કરતા કૅશનું ચલણ વધારે છે. ત્યાં અમે મોટી બધી બનાના-બ્રેડ જેવું કૈંક જોયું. તેનાં પર એકદમ ઘેરા જાંબલી, લીલા અને પીળાં રંગનું આઈસિંગ હતું. મને કુતુહલ તો થયું પણ, એ ખાવાનું તો મન નહોતું જ. આટલાં ઘેરાં રંગવાળી, દેખીતી રીતે જ સિન્થેટિક ફૂડ કલર નાંખીને બનાવેલી વસ્તુઓ જોઈને જ મારી ભૂખ મરી જાતી હોય છે. તેમાંયે મોટાં ભાગની અમૅરિકન બેકરી આઇટમ્સ એટલે ખાંડની દુકાન. તેમાં ભારોભાર ખાંડ સિવાય કૈં સ્વાદ જ ન આવે! અમને સમજાયું કે, આ કેકને માર્ડી ગ્રા સાથે કૈંક સંબંધ હોવો જોઈએ પણ, શું એ સમજાયું નહીં.

બ્રેકફસ્ટ પતાવીને સૌથી પહેલા તો અમારે માર્ડી ગ્રા પરેડ જોવા જવું હતું. આ પરેડમાં શું હશે, શું નહીં એ કૈં જ ખબર નહોતી. પહેલા તો અમને લાગ્યું હતું કે, આ કોઈ લોકલ ઉત્સવ હશે અને તેનાં સંબંધિત કોઈ પાર્ટી. પણ, ગૂગલ કરીને જોયું ત્યારે સમજાયું કે, માર્ડી ગ્રા એક ક્રિશ્ચિયન ધાર્મિક ઉત્સવ છે. ક્રીશ્ચિયાનિટીમાં ‘ઈસ્ટર’ એક મહત્ત્વનો દિવસ છે. ઈસ્ટરનાં દિવસે જીઝઝ પુનર્જીવિત થયા હોવાનું માનવામાં આવે છે. વિવિધ ક્રિશ્ચિયન સંપ્રદાયોમાં ઈસ્ટર પહેલા 40 થી 45 દિવસનો એક એવો સમય હોય છે જ્યારે, ક્રિશ્ચિયન લોકો પોતાની મન-પસંદ ખાવા કે પીવાની કોઈ વસ્તુનો ત્યાગ કરે છે, જેને ‘લેન્ટ’ કહેવાય છે. લેન્ટ શરુ થાય એ પહેલા ખાવા-પીવાની ઊજાણી અને કાર્નિવલ થાય છે જે, દુનિયાનાં ઘણાં ભાગોમાં માર્ડી ગ્રા (Mardi Gras) તરીકે ઓળખાય છે અને ન્યુ ઓર્લીન્સનો માર્ડી ગ્રા કાર્નિવલ દુનિયાનાં સૌથી પ્રખ્યાત માર્ડી ગ્રા સેલિબ્રેશન્સમાંનો એક છે. મને ઈસ્ટર વિષે ખબર હતી અને લેન્ટ વિષે પણ. પણ, આ ‘માર્ડી ગ્રા’નો તો કન્સેપ્ટ જ એ દિવસે પહેલી વાર જાણ્યો હતો! ન્યુ ઓર્લીન્સમાં માર્ડી ગ્રા એટલે આખું શહેર પાર્ટી-મય! અમારા જેવા પ્રવાસીઓ ઠેક-ઠેકાણેથી આ ઉત્સવ માટેન્યુ ઓર્લીન્સની મુલાકાત લે છે.

અમારો ઊબર ડ્રાઈવર ભલો માણસ હતો. તેણે અમને માર્ડી ગ્રા વિષે અને ન્યુ ઓર્લીન્સ વિષે ઘણી બધી માહિતિ આપી. અમે તો પરેડ એ સમયે જ્યાં થવાની હતી એ જગ્યાનું લોકેશન નાંખ્યું હતું. પણ, ડ્રાઈવરે અમને એક અન્ય સ્થળે મૂકી જવાનું સૂચન કર્યું. તેણે કહ્યું કે, અમારે જ્યાં જવું હતું ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તેટલી ભીડ એકઠી થઇ ગઈ હશે પણ એ અમને એક એવાં સ્થળે ઉતારશે જ્યાંથી પાંચ મિનિટ ચાલીને પરેડનાં સ્થળે જઈ શકાય અને ભીડ ઓછી હોય એટલે અમે આરામથી પરેડ જોઈ શકીએ. અમને તેનું સૂચન ગમ્યું. ડ્રાઈવરે અમને ઊતર્યા એ જગ્યાએ તો કોઈ ઉત્સવ જેવું કૈં લાગતું નહોતું પણ, તેણે કહ્યું હતું તેમ, પાંચેક મિનિટ ચાલતા જ લોકો દેખાવાનાં શરુ થઇ ગયા હતા. મુખ્ય માર્ગ આખો ખાલી હતો અને રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર લોકો પરેડની રાહ જોતા હતા. ઘણા બધા ખુરશીઓ લઈને આવ્યા હતા અને પોતાની સાથે ખાવા-પીવાનો સામાન પણ લાવ્યા હતા જે તેમણે ફોલ્ડિંગ ટેબલ્સ પર બિછાવેલો હતો. દરેક ઉંમરનાં લોકો હતા અને જેમ અમે આગળ વધતા જઈએ તેમ રસ્તો ભરાતો જતો હતો. ત્રણેક મિનિટ ચાલ્યા પછી અમે એક પુલની નીચેથી પસાર થયા અને ત્યાર પછી અમે જે જોયું એ એક અલગ જ અમૅરિકા હતું. આટલા બધા આફ્રિકન-અમૅરિકન લોકો એકસાથે અમે પહેલા ક્યારેય નહોતા જોયેલા. ત્યાં બેઠેલા ગોરા લોકો પણ સાન ફ્રાન્સિસકોમાં આમે જોવા ટેવાયેલા હતા તેનાંથી બિલકુલ અલગ પ્રકારનાં હતા! એ લોકો દેખીતી રીતે જ ગરીબ લાગતા હતા. કદાચ ગરીબ ન હોય તો પણ તેમણે પહેરેલાં કપડાં, તેમનાં હાથમાંની વસ્તુઓ, બધું જ નબળી કક્ષાનું જણાઈ આવતું હતું. સૅમે પણ આ નોંધ્યું.

અમે પહોંચ્યા તેની પંદરેક મિનિટમાં પરેડ શરુ થઇ. એ પણ એક અલગ જ અનુભવ હતો! સ્કુલનાં નાના નાના બાળકો અને ટીનેજર્સ પોતાનાં હાથમાં સમાય તેનાં કરતા પણ મોટાં વાજિંત્રો લઈને પરેડ કરી રહ્યા હતા અને તેમની સાથે ચિયર-લીડર ડાન્સ. સતત એક પછી એક જૂદી જૂદી સ્કૂલનાં વિદ્યાર્થીઓ આવતા જતા અને નવી ટયૂન વગાડતા જતા હતા. તેમની આગળ, પાછળ મોટાં મોટાં, અલગ અલગ થીમનાં ટ્રક જેવાં, વિવિધ આકાર અને કદનાં વાહનો પસાર થયા કરતાં અને તેમાં ઓછામાં ઓછા સોથી દોઢસો લોકો અલગ અલગ કોસ્ચ્યૂમમાં પ્રવાસ કરતા.

View this post on Instagram

How amazingly talented are these school kids! They played in the #mardigras2020 parade and we were so lucky we got to watch them play! 📯🎷👨🏾‍🎤 . After getting back I found out about the amazing music programs in the New Orleans schools. This made me think hard about our schools. While I haven't experienced a lot of what goes on at the country level, I do know that at the state level there are very few schools that focus on the subjects beyond Maths, Science and English. Besides, most parents around here don't seem to even expect the schools to focus on anything other than those three subjects. One certainly can't expect it from the self-financed schools and the worsening condition of yesteryear's excellent government schools is another topic altogether. . આ બાળકો હજુ તો સ્કૂલમાં ભણે છે. પણ, તેમની તૈયારી જુઓ! ન્યુ ઓર્લિન્સ થી પાછા ફર્યા પછી મને જાણવા મળ્યું હતું કે, ત્યાંની સ્કૂલોમાં સંગીતનો અભ્યાસક્રમ બહુ સારો હોય છે અને સંગીત પર બહુ ધ્યાન આપવામાં આવે છે જે, આ શહેરની સંગીતમય ઓળખાણ સાથે એકદમ બંધબેસતું છે. એ સાથે જ મને વિચાર આવે છે કે, આપણાં રાજ્યમાં વિજ્ઞાન, ગણિત અને ઇંગ્લિશ સિવાયનાં વિષયો પર ધ્યાન આપતી સ્કૂલો કેટલી? એ સિવાયનાં વિષયો શીખવા પર જોર આપતા મા બાપ કેટલા? સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પાસેથી તો આ બાબતે કંઇ અપેક્ષા જ નથી રાખી શકાતી અને એક જમાનાની બહુ સારી ગણાતી સરકારી સ્કૂલો ની કથળતી જતી હાલતનો મુદ્દો પણ વિચારવા જેવો છે.

A post shared by રખડતા ભટકતા (@rakhadta_bhatakta) on

દરેક વાહનમાં અલગ અલગ સંગીત વાગતું રહેતું અને તેમાંથી ઘણી બધી વસ્તુઓની ફેંકીને પરેડ જોવા આવેલા લોકોને લ્હાણી કરવામાં આવતી – આપણે ત્યાં જૈન દીક્ષા મહોત્સવમાં થતી હોય છે તેવી રીતે. ફક્ત એટલો ફર્ક કે, આ કોઈ કિંમતી વસ્તુઓ નહોતી. સૌથી વધુ જે ફેંકવામાં આવતાં એ હતો પ્લાસ્ટિકનાં ચળકતાં બીડ્સનાં હાર. એટલાં બધાં હાર કે, આ ઉત્સવનું એ એક ચિહ્નન બની ગયું છે!

શરૂઆતમાં અમને આવી રીતે ફેંકેલી વસ્તુઓ લેવામાં છોછ થયો. પણ, પંદર વીસ મિનિટમાં જ અમે પણ એ પરંપરાનો ભાગ બની ગયા અને બીડ્સની ત્રણ ચાર માળાઓ, નાનકડી ઊછળતી દડી, નાના બાળકો જેનાં વડે ટિક-ટિક અવાજ કરી શકે તેવું રમકડું અને એવી ચાર-પાંચ ચિત્ર-વિચિત્ર વસ્તુઓનાં કૅચ પકડ્યાં. કહેવાની જરૂર ખરી કે, ત્યાં બાળકોને સૌથી વધુ મજા આવતી હતી? બાળકોને નવી વસ્તુ મળે એટલે એ લોકોને કૂદવા લાગતા! કેટલા બધા પોતાનાં ગાળામાં બીડ્સનાં હારનો જથ્થો એકઠો કરી રહ્યા હતા. ઠેક-ઠેકાણે પીળાં, જાંબલી અને લીલા રંગનાં કપડાં, પોસ્ટર, કોસ્ચ્યૂમ જોવા મળે એ તો અલગ. કેટલાંયે લોકો શેરીઓમાં પણ માસ્ક અને કોશ્ચ્યૂમ પહેરીને આંટા મારતા હતા. ઠેર ઠેર ખાવા-પીવાનાં સ્ટૉલ હતાં અને મુખ્ય માર્ગ પર આવેલાં કૅફે, બાર અને રેસ્ટ્રોંમાં તો ભીડનો પાર નહીં. આનંદ જ આનંદ હતો!

જેમ જેમ પરેડ માટે એક પછી એક જૂથ આવતા ગયા તેમ તેમ અમે બીજું ઘણું બધું નોંધવા લાગ્યા. પરેડનાં ગ્રૂપ કાળા અને ગોરા લોકોમાં વહેંચાયેલા હતા. કાળા લોકોનાં ગ્રૂપમાં ભાગ્યે બે-ત્રણ ટકા ગોરા જોવા મળતા અને ગોરા લોકોનાં ગ્રૂપમાં ભાગ્યે જ કાળા. આ વસ્તુ સ્કુલનાં બાળકો માટે પણ સત્ય હતી. રંગભેદ(racial segretation)ની નીતિ ભલે અમૅરિકામાં સિત્તેરનાં દશકમાં જ ખારિજ કરવામાં આવી હોય પણ, તેનાં પડછાયા 2020માં પણ ચોખ્ખાં દેખાતાં હતાં. એ બાળકોને જોઈને લાગતું હતું કે, હજુ ઓછામાં ઓછાં વીસ વર્ષ સુધી આ ભેદ મળશે. બીજું જોવાનું એ હતું કે, ત્યાં એશિયન લોકો તો લગભગ દેખાતા જ નહોતા. પરેડ પર્ફોર્મર્સમાં મેં માંડ ત્રણ કે ચાર ભારતીય જોયા હશે અને એ પણ ભારતીય હતા કે મૅક્સિકન એ ખાતરીપૂર્વક કહી ન શકાય. અમે એ પણ નોંધ્યું હતું કે, આફ્રિકન અમૅરિકન લોકો પોતાનાં ટ્રકમાંથી જાત જાતનાં રમકડાં ફેંકી રહ્યા હતા. પણ, ગોરા લોકો ફક્ત બીડ્સ.

અને છતાં પરેડનાં લોકો સાથે જ્યારે પ્રેક્ષકો ભળતા ત્યારે કોઈ ભેદભાવ ન રહ્યા હોય તેવું જ લાગતું.

અમારા પહોંચ્યાનાં દોઢ-બે કલાક પછી ત્યાં ચાલવાની જગ્યા પણ માંડ મળે તેટલી ભીડ થઇ ગઈ હતી અને અમને કકડીને ભૂખ લાગી હતી. સારું એવું મોડું પણ થઇ ગયું હતું એટલે અમે એક કૅફૅમાં ઘુસ્યા અને ફટાફટ જે મળ્યું તે ખાઈને ફરી બહાર. એ દિવસે અમે પરેડ જોતા જોતા ઓછામાં ઓછું બે માઈલ ચાલ્યા હોઈશું. આટલું ચાલીને અમને હતું કે, અમે પરેડની શરૂઆત સુધી પહોંચી જઈશું પણ, અમને ખબર નહોતી આ પરેડ કેટલી લાંબી હોય છે! ફક્ત એટલું થયું કે, અચાનક અમે અમીરોનાં વિસ્તારમાં આવી ગયા હતા. પરેડનાં સૌથી પહેલા બે ફોટોઝની સરખામણીએ નીચેનાં ફોટોઝ જુઓ. દેખાઈ આવે છે ને?

ત્યાં આખી બપોર પસાર કરીને સ્વાભાવિક રીતે જ અમે થાકી ગયા હતા અને પાછા ફરવા વિષે વિચારવા લાગ્યા. એ થાક અમે પરેડ જોવા આવેલા બાળકોની આંખમાં પણ જોયો. ટ્રકમાંથી વસ્તુઓ ફેંકાતી બંધ થઇ ગઈ હતી. પરેડની શરૂઆતમાં ભેગાં કરેલાં બીડ્સનાં હાર હવે એ લોકો પરેડનાં ટ્રકમાં પાછા ફેંકી રહ્યા હતા! એ સિવાય વૃક્ષો પર, ઉપરનાં ફોટોમાં છે તેમ ઘરની રેલિંગ પર, એ આખા રસ્તામાં ઠેર-ઠેર બીડ્સનાં હાર લટકતાં જોવા મળતાં હતાં!

હજુ તો અમારો પહેલો દિવસ પણ પૂરો નહોતો થયો અને અમે હજુ આગળ શું-શું જોવાનાં અને જાણવાનાં હતા તેની અમને ખબર પણ નહોતી!

રેસિઝમ

નિબંધ

૨૦૦૯-૧૦માં મેલ્બર્નનાં બનાવો ભારતીય મીડિયામાં ચગ્યા પછી ઓસ્ટ્રેલિયાનું નામ લો એટલે દરેક કાકા ‘ને માસી સીધા ચાલતી ગાડીએ ચડીને રેસીઝમ-રેસીઝમ કરવા લાગે. માસીને પાછી પોતાનાં દીકરા માટે તો સુંદર, સુશીલ, ટકાઉ, ‘ગોરી’ કન્યા જોઈતી હોય. ત્યારે આપણે પૂછીએ તો કે, માસી તમે રેસીસ્ટ ખરાં કે નહીં? એની વે. આ રેસિઝમ એટલે કે, શબ્દકોશની ભાષામાં રંગ-ભેદ એટલે કે, ગોરાઓ કાળા અને ભારતીય લોકો પર કરે છે તે (પાછું કાળા જો ગોરા પર કરે તો એ રેસીઝમ ન કહેવાય!). રેસીઝમને હું તેની વ્યાખ્યા ઉપરાંત બહોળા અર્થમાં જોઉં છું. મારાં માટે રેસીઝમ એટલે પોતાનાં રંગ અને સંસ્કૃતિ સિવાયનાં દરેક તરફ નાકનું ટીચકું ચડાવીને જોવું તે. પાંચ વર્ષ અહીં રહેતાં આ રેસિઝમનાં કેટલાંક રૂપો મેં હાલતાં-ચાલતાં જોયા છે. તો, રેસીઝમનો અવાજ કેવો હોય છે? માણો પ્રિમાનાં અવાજમાં રાગ – રેસિઝમ. (તાલ – ડોબાં. લય – પ્રેક્ટિકલ)

મારી સર્બિયન ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયન્સ વિશે:

“પ્રિમા, આપણે ઓસ્ટ્રેલિયન નથી. <કોઈ એક બાબત અહીં મૂકો>માં આપણે તેમનાં જેવાં અનકલ્ચર્ડ નથી. આપણે ત્યાં કલ્ચર છે … “

બેટા, રીલેકસ્ડ લાઈફ-સ્ટાઈલ અને આઉટડોર સ્પોર્ટ્સ વગેરે આ જગ્યાનું કલ્ચર છે. જેમાં નાચવા-ગાવાનું, કળા અને ફોર્માલિટી હોય ફક્ત તેને જ કલ્ચર ન કહેવાય!

મારાં ભારતીય – કાઠિયાવાડી હાઉઝ મેટ્સ ઓસ્ટ્રેલિયન્સ વિશે:

“આ લોકોમાં આમ કંઈ હોય નહીં.  આ બધાં સાવ આંટા જેવાં હોય”

?!

મારી મલેશિયન હાઉઝમેટ્સ ઓસ્ટ્રેલિયન્સ વિશે:

“આ લોકો તો કેટલાં આળસુ હોય છે. બધાંને ખબર છે કે, ભારતીયો, ચાઇનીઝ અને એશિયન્સ ઇન જનરલ – આપણે તેમનાં કરતાં ઘણાં વધુ મહેનતુ છીએ.”

આ તમે કયા સ્ટેટીસ્ટિકસમાંથી માહિતી શોધી લાવ્યાં, બહેન?

મારો એક ભારતીય – કાઠિયાવાડી હાઉઝ મેટ આરબો વિશે:

“એ ખુદા-બક્ષાવ ભેગું આપણને ન ફાવે.”

વાહ! એટલે તમને કોઈ ‘પાકી’ કહે તો વાંધો. તમે બાકી બધાંને જોઈએ તેવાં નામ આપો.

એક ભારતીય મિત્ર અન્ય મિત્રની પહેલાં શ્રીલંકન, પછી મૌરિશિયન ગર્લફ્રેન્ડ બાબતે:

“તેને પાકો કલર જ ગમે છે. પહેલાં કોઈ શ્રીલંકન હતી અને હવે આ મૌરિશિયન પણ એવી જ કાળી છે.”

હા, છોકરીઓને સફેદ સિવાયની કોઈ ચામડી સાથે જન્મવાનો કોઈ અધિકાર જ નથી.

મારો મલેશિયન ડ્રાઈવિંગ ઇન્સ્ટ્રકટર ઓસ્ટ્રેલિયન્સ વિશે:

“આ લોકો તો ફક્ત પૈસા પડાવવાનું જાણે છે. એ લોકો ચાહીને તમારી પસેથી વધુ લેસન્સ લેવડાવવનાં પેંતરા કરશે એટલે તેમને વધુ પૈસા મળે.”

.. અને બીજી ઘણી બધી બુરાઈઓ. ૫૦ મિનિટનાં લેસનમાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ તો કાકા આ બકવાસ કરીને મારું માથું ખાઈ જતાં.

એક સગા ચાઇનીઝ વિશે:

“એ લોકો ગોબરા બહુ હોય હો”

ભાઈ પોતે હિન્દુસ્તાનની બહાર મિડલ-ઈસ્ટ સિવાય ક્યાંયે નથી ગયા કે, નથી ક્યારેય કોઈ ચાઇનીઝને મળ્યાં.

જૂદી-જૂદી નેશનાલિટીનાં અમુક ઠરકીઓ મને સંબોધીને: (વારંવાર જૂદા-જૂદા સમયે જૂદી જૂદી વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી એક જ વાત):

“ભારતીય સ્ત્રીઓ દુનિયાની બધી જ સ્ત્રીઓમાં સૌથી સુંદર છે! અને ભારતીય પુરુષો … “

એક તો તમે એક રેસ – જેમાં હું જન્મી છું, તેની અડધી ઉપરાંત વ્યક્તિઓનું અપમાન કરો છો અને દુનિયાની પોણાં ભાગની સ્ત્રીઓને ઉતરતી કહો છો અને તમેં એને કોમ્પલીમેન્ટ ગણીને હું ખુશ થઈશ એવું ધારો છો?!!?!!! વર્સ્ટ પિક-અપ લાઈન એવર!

એક સો-કોલ્ડ હિતેચ્છુ સગાં મારે કોને પરણવું એ વિશે:

“બીજી કોઈ જ્ઞાતિમાં પરણે તો વાંધો નહીં. પણ, બને તો સિંધી, પંજાબી એવામાં ન પડવું.”

અન્ય એક બંગાળી મિત્ર: “તું લગ્ન તો કોઈ ગુજરાતી સાથે જ કરજે.”

સૌથી પહેલાં તો મા-બાપને નથી હોતી એટલી પંચાત આ નવરાઓને હોય કોઈકનાં લગનની અને એ બહેન-ભાઈ જેવાં પાછાં રેસિઝમ રેસિઝમનો ગોકીરો કરવામાં સૌથી પહેલાં હોય. આપણે કરીએ એ લીલા, બાકી બધાં ભવાડા!

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક ઓસ્ટ્રેલિયન વર્ક-કલીગ વિવિધિ એશિયન (ચાઇનીઝ, તાઈવાનીઝ વગેરે) શોપ-આસિસ્ટંટ્સ અને ઓસ્ટ્રેલીયા બહાર ફરવા ન જવા વિશે:

“હું ઇંગ્લેન્ડ સિવાય બીજે ક્યાંય વિદેશમાં એટલા માટે જવાનું પસંદ નથી કરતી કે, હું જે બોલું છું એ કોઈને ન સમજાય તો મને બહુ ગુસ્સો આવે. અહીં પણ કેટલાંક એશિયન શોપ-અસીસ્ટંટ શું બોલે છે એ સમજાય નહીં અને મારે વારંવાર પૂછવું પડે ત્યારે મને બહુ ગુસ્સો આવે. મને ખબર છે કે, એમ કરવું બરાબર નથી એટલે હું કોઈ અન્ય દેશમાં ક્યારેય ફરવા નહીં જાઉં.”

બોર્ડરલાઈન. પૂરેપૂરું રેસિસ્ટ નથી કારણ કે, એમણે ભાન છે કે, આ એટીટ્યુડ બરાબર નથી.

એક ભારતીય મિત્ર અને સગાં ઓસ્ટ્રેલિયન્સ વિશે:

“આમ તો એ કાળા-પાણીવાળાં કેદીઓ અને ગુનેગારોનો જ દેશ ને!”

કોઈ તમને હજુ અંગ્રેજીનાં ગુલામ અને દેશને ગુલામોનો દેશ કહે તો? આપણે કહેશું કે, ગુલામીકાળને તો વર્ષો થઇ ગયાં. તો, બસ તેમ જ ગુનેગારો અને અહીં મોકલવામાં આવતાં અંગ્રેજ કેદીઓવાળી વાત તો તેનાથીયે જૂની છે. તેને તો આપણે આઝાદ થયાં એથીયે વધુ સમય વીતી ચૂક્યો છે.


કટિંગ ધ લોન્ગ સ્ટોરી શોર્ટ – રેસિઝમ કે રંગભેદ કોઈ એક દેશ કે સંસ્કૃતિની જાગીર નથી. દુનિયા આખીનાં દરેક દેશમાં રેસિસ્ટ-રાજાઓનો પાર નથી. દરેક રેસની અન્ય રેસ વિશે કોઈ ને કોઈ સ્ટીરીઓટિપીકલ માન્યતાઓ છે અને એ કોઈ ને કોઈ ભંગાર સ્ટેટમેન્ટ સ્વરૂપે બહાર ઓકાતી જ રહેતી હોય છે. જો તમે તેવામાંનાં હો કે, તમારે ૨-૩થી વધુ અન્ય કોઈ દેશ કે સંસ્કૃતિનાં મિત્રો જ ન હોય તો રેસિઝમ રેસિઝમ ચિલ્લાવતાં પહેલાં જરા બે  મિનિટ અટકીને વિચારવું કે, આપણે ફક્ત એક અનુભવે આખી કમ્યુનિટીને જનરલાઈઝ કરી રહ્યાં છીએ કે,શું.

ઓસ્ટ્રેલિયા વિશે કહું તો, આ એક માઈગ્રન્ટ દેશ છે. આ દેશનાં પોતાનાં લોકો આમ જોઈએ એબોરીજીનલ્સ સિવાય કોઈ છે જ નહીં (કે, જેને ઊતારી પાડવામાં તો પાછાં તમે કોઈ કસર નથી છોડતાં). કોઈનાં દાદા-પરદાદા અહીં માઈગ્રેટ થયાં હતાં તો કોઈનાં માતા-પિતા તો કોઈ પોતે.

જો કે, વાત કઈ સિચુએશનમાં અને કયા સુરમાં બોલાયેલી છે તેનાં પર ખાસ ધ્યાન આપવું. મિક્સ્ડ મિત્ર-વર્તુળમાં રેસિસ્ટ વ્યંગ બહુ સામાન્ય છે અને એક હદ સુધી તેમાં કંઈ ખોટું પણ નથી. એટલે, પ્રો-ટિપ: અ લિટલ સેન્સ ઓફ હ્યુમર ગોઝ અ લોન્ગ વે!

બાકી તો શું કહું. તેજીને ટકોરો ‘ને ગધેડાને ડફણાં.

ઊંટ કહે આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે

વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા
ભેંસને તો શિર વાંકાં શિંગડાનો ભાર છે

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે

– દલપતરામ