વેસ્ટ કોસ્ટ એડવેન્ચરનો અંત

અમેરિકા, યોસેમિટી નેશનલ પાર્ક, સાન ફ્રાન્સિસ્કો

સૂર્યાસ્ત થયા પછી અમે થોડી વારમાં જમવા ગયાં. ત્યાર પછી એન્ગસ, જેક હોબ્સ વગેરેનાં શેલેમાં બધાં કેરીઓકી પહેલાં પ્રિ-ડ્રિન્ક્સ માટે ભેગાં થવાનાં હતાં ત્યાં ગયાં. એ સાંજ મારાં કન્ટીકી ટૂર ગ્રૂપનાં મિત્રો સાથે મારી છેલ્લી સાંજ હતી. સાન ફ્રાન્સિસ્કો પહોંચતાંની સાથે જ હું તેમનાંથી અલગ પડી જવાની હતી. એ એક શેલેમાં ત્યારે પૂરો માહોલ જામ્યો હતો. એન્ટ્રી-ફી તરીકે બધાંએ મૂનશાઈનનો એક શોટ પીવાનો હતો. મારાં મતે મૂનશાઈન એટલે Tequila gone wrong. એ વસ્તુ કાચનાં એક જારમાં મળતી અને વેગસ પહેલાં એક ગ્રૂપે ખરીદી હતી ટ્રાય કરવા માટે. આ સ્પિરિટ સ્વાદમાં જેટલું ભંગાર હતું તેટલું જ સ્ટ્રોંગ પણ હતું અને છતાંયે દોઢ બે કલાકમાં તેનાં બંને જાર ખાલી થઇ ગયાં હતાં. થોડાં સમય પછી ક્રાઉડ વધ્યું તેમ અમે જગ્યાની પેરવીમાં પડ્યાં. કોઈક સજ્જનને યુક્તિ સૂજી તો તેણે ઘરનાં પ્રવેશ પાસેનો એક દરવાજો, જે કોઈ રૂમમાં નહોતો ખૂલતો, તે ખોલવાનું વિચાર્યું. એ દરવાજો બાજુનાં શેલેમાં પડતો હતો. એ અમે આખી સાંજ માટે ખોલી નાંખ્યો અને બંને ઘરમાં લોકો ફેલાવા લાગ્યાં. પછી અમે ‘Never have I ever’ રમવા લાગ્યાં. ગ્રૂપ જોરદાર બિનદાસ હતું એટલે રમત બરાબર જામી. મને ભાન થયું કે, એ બધાંની સરખામણીમાં મારાં પરાક્રમો બિલકુલ નહિવત હતાં.

થોડી વાર પછી અમે કેરીઓકી બાર તરફ પ્રયાણ કર્યું. ત્યાં સુધીમાં બધાં સારા એવા બઝ્ડ થઇ ચૂક્યા હતાં. સામાન્ય સંજોગોમાં હું કદાચ કેરીઓકી બાર ગઈ જ ન હોત. પણ, એ ગ્રૂપની મારી છેલ્લી રાત મારે બધાં સાથે માણવી હતી. અંદર મારી સ્કિપ સાથે વાત થઇ. એ અને મારી રૂમ-મેટ કેલીને સારું જામવા લાગ્યું હતું. એ બંને લગભગ બધે સાથે જ ફરતાં. કેલીને સ્કિપ ગમતો હતો એ તેણે મને કહ્યું હતું. પણ, એ સાંજે સ્કિપ સાથે વન-ઓન-વન મારી પહેલી વખત વાત થઇ રહી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, કેલી તેને બહુ જ પસંદ છે. એ પોતે એડીલેઈડનો હતો અને કેલી બ્રિસબેનની અને ઇન-પર્સન રિલેશનશિપ હજુ એસ્ટાબ્લીશ થયેલી ન હોય એટલે લોન્ગ-ડીસ્ટન્સ ન ચાલે. પણ, સ્કિપે એ દિવસે મને કહ્યું કે, કેલી એવી છોકરી છે જેનાં માટે એ બ્રિસબેન મૂવ થવામાં પણ ન અચકાય. ત્યારે એક સારી મિત્ર કરે તેમ મેં સ્કિપને જણાવ્યું કે, તેણે કેલીને આ વાત કહેવી જોઈએ. એ પણ કહ્યું કે, કેલી પણ તેને ખૂબ પસંદ કરે છે. એ ટૂરની મારી પહેલી અને છેલ્લી એવી રાત હતી કે, જેમાં એક સમય પછીનું કંઈ પણ મને યાદ નથી. બીજા દિવસે સીધું સવાર પડ્યું અને સામાન પેક કરીને મારાં એ સફરનાં છેલ્લા મુકામ તરફ અમે પ્રયાણ કર્યું.

એ વિકેન્ડ હાલોવીન વિકેન્ડ હતો. મારી પહેલી હાલોવીન. ઓસ્ટ્રેલિયામાં તેનું બહુ મહત્ત્વ નથી. બધાં પાસે કોશ્ચ્યુમ હતાં પણ મને કંઈ જ ખાસ નહોતું મળ્યું. મારે અરેબિયન નાઈટ્સની જાસ્મિન તરીકે જવું હતું પણ મેં જોયાં તેમાંથી એક પણ ડ્રેસ મને બરાબર ફિટ નહોતો થતો. વળી, હું એ સાંજે કોઈ મોટી પાર્ટીમાં નહોતી જવાની. પણ, મારાં એક મિત્ર જોડે આર્ટ+ટેક થીમ્ડ પાર્ટીમાં જવાની હતી એટલે ડ્રેસ વિશે મને બહુ પરવાહ પણ નહોતી. જો કે, ત્યાં પહોંચીને સાંજે મારું મન કોશ્ચ્યુમ લેવો-ન લેવો બાબતે ફરી કન્ફયુઝ થવા લાગ્યું હતું. એ દિવસ આખો વાદળછાયો હતો. બસની મુસાફરી મારાં માટે બહુ ખરાબ રહી હતી. આગલી રાતનો હેન્ગઓવર અને આખી સવાર બસની સફર. બપોરે એકાદ વાગ્યા આસપાસ અમે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. જ્યાં જુઓ ત્યાં બધે બિલ-બોર્ડ પર ટેક પ્રોડક્ટસની જાહેરાતો. દેખીતી રીતે જ સિલિકોન વેલીમાં મારો પ્રવેશ થઇ ચૂક્યો હતો. અમારો સૌથી પહેલો મુકામ ફિશરમેન્સ વોર્ફ હતો. અમારે લન્ચ પણ ત્યાં જ કરવાનું હતું. બધાંની સૌથી પહેલી પસંદ સ્વાભાવિક રીતે જ ‘ચાઉંડર’ હતી. પણ, એક વેજીટેરીયન તરીકે ત્યાં મારો મેળ પડે તેમ નહોતો. વળી, ઇન્ટરનેટનાં અભાવે ત્યાં નજીકમાં વેજીટેરીયન શું મળે છે તે જોઈ શકાય તેમ પણ નહોતું. એટલે એ દિવસનું મારું લન્ચ મેકડોનલ્ડનું સાલડ હતું.

એક તો હાલોવીન અને ઉપરથી સાન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સ નામની લોકલ બેઝબોલ ટીમ એ દિવસે કોઈ મોટો મેચ જીતી હતી એટલે રસ્તા પર ભીડ જ ભીડ. ફિશરમેન્સ વોર્ફથી હોટેલ પહોંચતાં નાકમાં દમ આવી ગયો હતો. રસ્તા પર એટલો ટ્રાફિક અને એટલી ખરાબ ટ્રાફિક મેનર્સ (રાજકોટ પહોંચી ગયાં હોઈએ તેવું લાગે) અમારાંમાંનાં ઘણાં માટે નવાઈની વાત હતી. એક-બે નમૂનાઓને તો અમે બસ જોઈ જ રહ્યાં હતાં કેવી રીતે તેમણે અમારી બસ પાસેથી કાર ચલાવી હતી. અંતે રાયને હાર માની અને છ-સાત છોકરાઓ સાથે એ બહાર નીકળ્યો. એક ટ્રાફિક સિગ્નલ પર અમને ઊતરવાનું કહેવામાં આવ્યું અને અમારી બેગ ફટાફટ પાંચ જ મિનિટમાં બધાંને સોંપી દેવામાં આવી. ત્યાંથી હોટેલ સુધી અમે ચાલીને ગયાં. ત્યાં અમે સાડા ત્રણ આસપાસ પહોંચ્યા. પાંચ વાગ્યે બધાંએ હાલોવીન પાર્ટી માટે મળવાનું હતું પણ હું જવાની નહોતી એટલે મેં આરામ કરવાનું વિચાર્યું અને કેલીને તૈયાર થવામાં મદદ કરવા લાગી. મારાં બે ખાસ મિત્રો હવે સાન હોઝે રહેતાં હતાં. એ દિવસે તેમાંનાં એકનો બર્થ ડે હતો અને તેનાં માટે હું એક ગિફ્ટ લાવી હતી. એ સાંજે મારે તેને મળવું હતું પણ પછી મને સમજાયું ત્યાંથી સાન હોઝે બેથી અઢી કલાકનો રસ્તો હતો એટલે એ વિચાર પડતો મૂકીને મેં મારાં અન્ય એક મિત્ર સાથે પેલી આર્ટ+ટેક થીમ્ડ પાર્ટીમાં જ જવાનું નક્કી કર્યું. બધાં તૈયાર થઈને નીચે લોબીમાં ભેગાં થયાં ત્યારે હું પણ નીચે ગઈ હતી અને બધાંને ગૂડ-બાય કહ્યું. રાયન અને માર્કસને ટિપ આપી અને વિદાય લીધી. આ સાથે મારી ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૪ની વેસ્ટ કોસ્ટ યુ.એસ.એ.ની સફરની વાતનો અંત થાય છે.

—————————————————————————————

એ સાંજે મને બિલકુલ અંદાજ નહોતો કે, સાન ફ્રાન્સિસ્કોનું એ એક અઠવાડિયું આવનારાં સમયમાં મારાં જીવનમાં ઘણું બધું બદલી નાંખવાનું હતું. મને પહેલી વખત હોલી-ડે રોમાન્સ શું છે એ સમજાયું. મોટાં ભાગનાં લોકોનાં કેસમાં એ રોમાન્સ વંટોળની જેમ આવતો હોય છે અને ચાલ્યો જતો હોય છે – એ આટલી બધી કહાનીઓમાં જોયાં પછી પણ આપણે કેમ સ્વેચ્છાએ આપણું હૃદય તોડતાં હોઈશું એ પણ સમજાયું. ભવિષ્યનાં ટ્રાવેલર્સ, ટ્રાવેલિંગ એક એડવેન્ચર છે અને પ્રેમ એ કદાચ મોટામાં મોટું એડવેન્ચર છે. Seize it. Seize the moment! જો કોઈ સાથે તમને ખરેખરો સ્પાર્ક, કનેક્શન દેખાય તો તેનું કોઈ ભવિષ્ય નથી ફક્ત એ જ કારણસર અટકી ન જતાં. કદાચ તેનું ભવિષ્ય હશે અને કદાચ નહીં હોય એ તમને નથી ખબર. મને પણ નથી ખબર. પણ, એ રોમાન્સ ચોક્કસ પેલો સ્ટોરી-બૂકવાળો હશે તેની હું તમને ખાતરી આપું છું. કેમિસ્ટ્રી ભરપૂર હશે અને ટાઈમિંગનાં કોઈ ઠેકાણા નહીં હોય. પણ, એ અનુભવ કદાચ તમારાં સૌથી યાદગાર અનુભવોમાંનો એક હશે. અને એ ગૂડ-બાય કદાચ સૌથી વધુ પીડાદાયક. કારણ કે, એ કનેક્શન પરફેક્ટ હશે. તેમાં કંઈ જ ખૂટતું નહીં હોય. પણ, તેનું શું થાય છે એ જોવા કે જાણવાનો તમારી પાસે કદાચ અવકાશ નહીં હોય. પણ પણ પણ… જો તેનો તમારાં અલગ થવા સાથે અંત ન આવ્યો અને જો જિઓગ્રફિકલ અંતર વધવા છતાંયે જો તમારું કનેક્શન યથાવત્ રહ્યું વત્તા તમે ફરી ને ફરી ભેગાં થતાં રહ્યાં તો કદાચ that will be it. May be that is how you’ll meet ‘the love of your life’.  મારાં માટે તો ખેર એ હાર્ટ-બ્રેક હતું અને મારાં પર્થ પાછાં ફર્યા પછી એ ધીરે ધીરે ઓસરી ગયું.

સાન ફ્રાન્સિસ્કો માટે મારી પાસે કહેવા જેવું કંઈ મોટું ખાસ નથી. આ શહેર મારાં માટે ક્ષણોનું બનેલું હતું. ઘણી બધી નાની-નાની સુંદર ક્ષણો. હું મારાં વર્ષો જૂના મિત્રોને મળી, મિત્રોનાં મિત્રોને મળી. આર્ટ જે મારી સિરિયસ હોબી છે અને ટેક્નોલોજી જે મારું કામ છે એ બંનેનું આ પરફેક્ટ મિશ્રણ હતું. પર્થનો સમય મારાં માટે પાકી ચૂક્યો હતો. પણ, ત્યાંથી ક્યાં જવું અને શું કરવું એ કંઈ જ નક્કી નહોતું થતું. ગયાં વર્ષની શરૂઆતમાં મેં કેલિફોર્નિયા તરફ નજર કરવાનું વિચાર્યું હતું અને એક રીતે એટલા માટે જ છેલ્લાં વર્ષનાં ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટ્રિપ પર જવાનું વિચાર્યું હતું. એટલે જ મારે વેસ્ટ કોસ્ટ પહેલાં જોવું હતું. પણ, જુલાઈ ઓગસ્ટ આસપાસ મારી ઈમોશનલ સ્ટેબીલીટી લગભગ જઈ ચૂકી હતી જેનાં વિશે આવતી પોસ્ટમાં તમે વાંચી શકશો. મારામાં ફરી સાવ નવી જગ્યાએ જવાની અને બધું ફરી ઊભું કરવાની ત્રેવડ નહોતી રહી અને તૈયારી પણ નહીં. પર્થ હું આ વર્ષનાં મે મહિના પછી બિલકુલ રહેવા નહોતી ઇચ્છતી. મારે આમ પણ ક્યારેક તો ભારતમાં છ મહિનાથી એક વર્ષ માટે કથકની આકરી તાલીમ લેવી હતી તો યુ.એસ.એ.નો વિચાર માંડી વાળીને મેં ભારત જવાનું નક્કી કરી લીધું હતું અને પછી શું કરવું એ ત્યાર પછી વિચારવાનું રાખ્યું હતું. પણ, સાન ફ્રાન્સિસ્કોએ છ જ દિવસમાં એ બધું પાછું પ્લાન-એ પર લાવીને રાખી દીધું. મને આ શહેર એટલું ગમ્યું અને મારાં જૂના મિત્રોનો મને એટલો પ્રેમ અહીં મળ્યો કે, જેટલો મેં ધાર્યો પણ નહોતો. બસ, નક્કી થઇ ગયું કે અહીં રહેવા જેવું છે. આમ પણ, કરિયર પોઈન્ટ-ઓફ-વ્યુથી અહીં શિફ્ટ થવું વધુ વ્યાજબી લાગતું હતું.

નવેમ્બરની નવમી તારીખે હું પર્થ પાછી ફરી. Cut to six months later … બાવીસમી એપ્રિલથી (દોઢ મહિના પહેલાંથી) સાન ફ્રાન્સિસ્કો હવે મારું નવું ઘર છે. :) આ બધું શું થયું કેવી રીતે થયું એ સમજાવવા માટે મારે તમને પહેલાં ફ્લેશ-બેકમાં લઇ જવા પડશે. એટલે, આવતી પોસ્ટ ફ્લેશબેક છે. થોડો downer ફ્લેશબેક છે એટલે ખરાબ મૂડમાં હો તો એ નહીં વાંચતાં. અહીં હું એક મસ્ત જોબ સાથે આવી છું અને હજુ પણ આ શહેરનાં એટલાં જ પ્રેમમાં છું જેટલી પહેલાં દિવસે હતી. મારાં નવાં એડવેન્ચરની શરૂઆત થઇ ચુકી છે. પણ, એ સાથે જ હવે મને નથી ખબર જીવન કઈ દિશામાં જાય છે અને મારું ઘર ક્યાં હશે. અત્યારે તો ફક્ત આર્ટ અને મારું કામ એ બે અગત્યની વસ્તુ પર ધ્યાન છે પણ આજથી છ મહિના પછી પણ હું ક્યાં હોઈશ અને શું કરતી હોઈશ તેની મને ખબર નથી. હવે સામે કોઈ દેખીતો મોટો ધ્યેય કે મોટું પરિવર્તન નથી દેખાતું – જે મારાં માટે નવું છે. હવે પહેલી વાર મારી પાસે કોઈ પ્લાન નથી. For the first time for me, there is no plan and I have absolutely no idea. So, going with the flow it is and loving each passing day it is. It’s very strange this feeling. It is very liberating and kind of scary at the same time. Scary for the vast foggy unknown before me. I am free of all the debts and obligations now other than paying my basic bills for what lies in front of me right now.  Life can be whatever I want it to be now and I hope to get to know what is that I really want, better.

P.S. A shout out to Brinda who said “see you on the other side” on my post – ‘Break’, I made it! I am on the other side now (Hello from there!).  :)

અંતે મારાં પાર્થનાં એક ફેરવેલ કાર્ડમાંથી આ સુંદર ક્વોટ

“Life shrinks or expands in proportion to one’s courage” – Anais Nin

સિડોના અને ગ્રાન્ડ કેન્યન – સાઉથ રિમ

ધ ગ્રાન્ડ કેન્યન

ફીનિકસથી અમે બીજા દિવસે સવારે સાત વાગ્યે જ નીકળી ગયા હતાં અને ગ્રાન્ડ કેન્યન તરફ પ્રયાણ કર્યું હતું. એ દિવસ ત્યાર સુધીની ટ્રિપનો સૌથી આકરો દિવસ રહ્યો હતો લગભગ બધાં માટે. અમે જ્યાં બ્રેકફસ્ટ માટે રોકાયા હતાં એ જગ્યાએ રીતસર ફૂટપાથ પર બધાં પગ લાંબા કરીને બેસી ગયાં હતાં અથવા તો ઊંઘી ગયાં હતાં. મને નથી લાગતું કોઈએ બહુ કંઈ ખાધું પણ હોય ત્યારે. એ દિવસે પહેલી વાર એ ગીતની નોંધ લીધી હતી જે રાયન રોજ સૌથી પહેલું વગાડતો. એ અમારું ડે-સોન્ગ હતું. એલો બ્લાકનું ‘હિયર ટુડે, ગોન ટુમોરો’. બરાબર સ્થાને હતું એ ગીત. ટ્રિપમાંથી આવ્યા પછી લગભગ એકાદ અઠવાડિયું એ ગીત મેં રોજ સાંભળ્યું હતું.

“I’m a long lost wandering soul trying to find where I belong;
And I’m looking for a place where it feels alright to be wrong…”

એ જ રીતે અમારી ટ્રિપનું એક ડ્રિંક પણ હતું. ‘ફાયરબોલ’ વ્હિસ્કીનાં શોટ્સ. અમને સૌથી પહેલાં તેનો સ્વાદ ડ્રાઈવર માર્કસે ચખાડ્યો હતો અને લગભગ બધાંને એ અનુકૂળ આવી ગયો હતો. એટલે જ્યાં જઈએ ત્યાં ફાયરબોલનો મારો રહેતો.

ગ્રાન્ડ કેન્યન જતાં રસ્તામાં એક જગ્યાએ ગયાં – ‘સિડોના’. લાલ ખડકોની બનેલી એ જગ્યા અદ્ભુત છે. ત્યાં એવો નિયમ છે કે, દરેક બાંધકામ ભૂખરા લાલાશ પડતાં રંગનાં અને ખડકોનાં રંગમાં ભળી જતાં હોવા જોઈએ. દુનિયામાં કદાચ બે જ એવાં મેકડોનલ્ડ્સ છે જ્યાં પેલી મોળી પીળા રંગની ‘M’ સાઇન પીળી ન હોય. સિડોના તેમાંનું એક છે. ત્યાં એ સાઇન ભૂખરા લાલાશ પડતાં રંગની છે. કહેવાય છે કે, મોટાં ભાગનાં હોલિવૂડ સ્ટાર્સનાં ઘણાં ઘરોમાંનું એક ઘર સિડોનામાં આવેલું છે. પણ, કયું ઘર કોનું એ ક્યારેય ખબર ન પડે કારણ કે, ત્યાંની પોસ્ટ-ઓફિસ (કે સરકારનું બીજું કોઈ ખાતું?) એ માહિતી જાહેર નથી કરતાં કે તેવું કંઇક. ત્યાં અમેરિકન ઈન્ડીયન ઈતિહાસ પણ ભરપૂર છે. જે લોજમાં અમને લન્ચ માટે લઇ જવામાં આવ્યા હતાં ત્યાંની બાલ્કનીમાંથી જોવા મળતો ખીણનો નજારો અવર્ણનીય છે. કદાચ ગમે તેટલાં ફોટા પણ લો ને એ જગ્યાનાં તો પણ જે આંખે જોયું તે કેમેરામાં સમાવવું અશક્ય છે.

ત્યાં અમારા માટે જીપ-રાઈડની એક ઓપ્શનલ એક્ટીવીટી ગોઠવવામાં આવી હતી અને તેનો લાભ લગભગ અમે બધાંએ લીધો હતો. અમારાં બધાંનાં ડ્રાઈવર હાફ રેડ-ઇન્ડિયન હતાં અને તેમનાં પારંપારિક વસ્ત્રો અથવા આભૂષણોમાં તૈયાર થયેલાં હતાં.  જીપ જેવી ઓફ-રોડ ગઈ તેવી એ રાઇડ વધુ ને વધુ અઘરી અને રોમાંચક બનતી ગઈ હતી. એ અનુભવ ખૂબ મજાનો રહ્યો હતો અને આખા રસ્તાનો નજારો Camera-worthy હતો. ત્યાંથી અમે અઢી વાગ્યાની આસપાસ નીકળ્યા હતાં અને ગ્રાન્ડ-કેન્યન તરફ પ્રયાણ કર્યું હતું. એ રસ્તે મોટાં ભાગે હું ઊંઘી રહી હતી. સૂર્યાસ્તની લગભગ અડધી કલાક પહેલાં અમે કેન્યનની સાઉથ-રિમમાં દાખલ થયા હતાં અને સૌથી પહેલું સ્ટોપ એક વ્યૂ-પોઈન્ટ પર હતું. કેન્યનનો એ પહેલો નજારો અમે માણ્યો હતો અને બધાં આવતાં બે દિવસો માટે ખૂબ એક્સાઈટેડ હતાં. ત્યાં અમે બે રાત રોકાવાનાં હતાં. અમને ત્યાં પોતાની રીતે ફરવા માટે દરેકને બસ-રૂટનો નકશો અને બીજી સામાન્ય માહિતી આપતું એક ચોપાનિયું (ફ્લાયર) આપવામાં આવ્યું હતું.

અમે સામાન લઈને રૂમમાં દાખલ થયાં અને થોડાં ફ્રેશ થયાં ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઇ ચૂક્યો હતો. લોજીસ્ટીકલી એ દિવસો અમારાં માટે ખૂબ અગત્યનાં હતાં. અમારી ટ્રિપ અડધે પહોંચી ચૂકી હતી એટલે ઘણાં બધાંને કપડાં ધોવાનાં હતાં અને બને તેટલો આરામ કરવાનો હતો કારણ કે, કેન્યન પછી અમારો મૂકામ હતો વેગસ. વળી, ત્યાં અંદર કરવાની પ્રવૃત્તિઓ પણ ખૂબ હતી એટલે થોડું પ્લાનિંગ સાથે ચાલવાનું હતું. સૌથી પહેલાં તો બધાંને ભૂખ લાગી હતી જબરદસ્ત એટલે બધાં ડાઈનિંગ હોલ તરફ જ ભાગ્યાં હતાં. ત્યાંનાં ફૂડ-પોર્શન્સ અત્યાર સુધીમાં સૌથી મોટાંમાં મોટાં હતાં. મેઈન મીલ સાથે સાલડ ‘સાઈડ’ તરીકે લઈએ તો પણ મેઈન જેટલી ક્વોન્ટીટી આવે. એ પોર્શન્સનાં પેલાં ‘પીપલ ઓફ વોલમાર્ટ’ની જેમ અચરજથી ફોટા પાડવામાં આવ્યા હતાં. ત્યાં બધાં સૌથી વધુ એન્ટી-સોશિયલ પણ હતાં. અમને રૂમમાં વાઈ-ફાઈ કનેક્શન નહોતું મળતું. ફક્ત હોટેલ-લોબી અને ફૂડ-કોર્ટમાં જ મળતું હતું. એટલે, જમીને બધાં તેમાં લાગ્યા હતાં. આખાં દિવસનો ઇન્ટરનેટ ચેક કરવાનો બધાનો એ છેલ્લો મોકો હતો અને બીજા દિવસે રાત્રે ફરી એવો સમય મળવાનો હતો.

એ દિવસે મને થોડું નબળાઈ જેવું લાગતું હતું અને મારું શરીર જાણે મારી પાસેથી વિટામિન-સી માંગી રહ્યું હતું. એટલે જમવાની સાથે મેં તાજાં ઓરેન્જ-મેન્ગો જ્યૂસની એક બોટલ ખતમ કરી. I was literally craving for some Orange juice and Salad along with my food that day. જમીને પણ મારી બેચેની દૂર ન થઈ અને મેં રૂમ પર જઈને આરામ કરવાનું નક્કી કર્યું. થોડી વાર ટી.વી. ચાલુ કર્યું પણ પંદર મિનિટથી વધુ એ ચાલ્યું નહીં. હું ઊંઘી ગઈ. રાત્રે આઠ વાગ્યામાં હું ઊંઘી ગઈ હતી. કેલી અમારાં બીજા મિત્રો સાથે તેમનાં રૂમમાં હેન્ગ-આઉટ કરી રહી હતી અને તેની ચાવી અમારાં રૂમમાં ભૂલી ગઈ હતી. તેને રૂમમાંથી કંઇક જોઈતું હતું અને ચાવી પણ. એ લેવા માટે એ આવી. પહેલી વખત બારણું ખખડાવ્યું ત્યારે તો મેં સાંભળ્યું જ નહોતું. બીજી વખત ખખડાવ્યું ત્યારે હું માંડ-માંડ ઊભી થઇ શકી હતી અને ધ્રૂજી રહી હતી. તેણે મને પૂછ્યું કે, હું બરાબર તો છું ને. મેં તેની સાથે પાંચેક મિનિટ કંઇક વાત કરી હતી પણ મને કંઈ જ ખબર નથી હું શું બોલી હતી. પછી એ ચાલી ગઈ અને હું ફરી ઊંઘી ગઈ. એ ક્યારે પાછી આવી એ પણ મને ખબર નથી.

અડધી રાત્રે આપોઆપ મારી ઊંઘ ઊડી ત્યારે હું પરસેવાથી રેબઝેબ હતી અને દસેક મિનિટમાં ફરી ઊંઘી ગઈ હતી. એ રાત્રે મેં બાર કલાકની ઊંઘ કરી હતી. અને એ મારું એ ટ્રિપનું બીજું બેસ્ટ ડિસીઝન હતું. I literally slept through a fever that night. I don’t even know how bad I’d have gotten had I not slept the way I did that night. આ ભાગને ટ્રાવેલિંગનો હું સૌથી અગત્યનો ભાગ માનું છું – Listen to your body! શરીર જવાબ દેવા લાગે અને જરા પણ બેચેની જેવું લાગે કે, કંઈ પણ અસામાન્ય લાગે ત્યારે સમજી જાઓ કે, શરીર કંઇક માંગે છે. ટ્રાવેલિંગનાં કેસમાં મોટાં ભાગે – ઊંઘ. મારાં કેસમાં વિટામિન-સી અને ઊંઘ. તમારાં કેસમાં એ કંઈ પણ હોઈ શકે. તેને ઓળખો અને તેને એ પૂરું પાડો.

પછીનાં દિવસે સવારે હું ઊઠી ત્યારે એકદમ ફ્રેશ હતી અને બરાબર ફીલ કરી રહી હતી. સવારે નવ વાગ્યે અમારી હેલીકોપ્ટર-રાઈડની ઓપ્શનલ એક્ટીવીટી માટે જેમણે સાઈન-અપ કર્યું હોય તેમને નીકળવાનું હતું. એ પ્રવૃત્તિની હું આખી ટ્રિપમાં કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યાં અમારું સીટ-એલોકેશન એ લોકો કરવાનાં હતાં હેલીકોપ્ટરમાં બંને બાજુ વજનને બરાબર બેલેન્સ કરવા માટે. ચાર સીટ પાછળ અને એક સીટ આગળ પાઈલટ પાસે એમ ગોઠવણી હતી. મારું કદ અને વજન અમારાં પાંચનાં ગ્રૂપમાં સૌથી નાનું હોવાને લીધે મને આગળ બેસવા મળ્યું હતું. એટલે બાજુમાં અને સામે એમ બંને તરફનો વ્યૂ મળતો હતો.

ફીનિક્સ – સ્કોટ્સડેલ

અમેરિકા, ફીનિક્સ

સાન ડીએગોથી અમારે સવારે સાત વાગ્યા આસપાસ ફીનિકસ જવા નીકળવાનું હતું. આગલાં દિવસે જ રાયને અમને કહી રાખ્યું હતું કે, આવતી કાલે તમારો પાસપોર્ટ તમારી સાથે ઉપર રાખજો. ત્યાંથી ફીનિક્સ જતાં શરૂઆતમાં જ અમે યુ.એસ.એ અને મેક્સિકોની બોર્ડર પાસેથી પસાર થતાં હતાં. ત્યાંથી જેમ જેમ એરિઝોના નજીક આવતાં ગયાં તેમ રાયને અમને એક બહુ રસપ્રદ માહિતી આપી. “તમને પેલી વાડ દેખાય છે? બસ એટલાં કદની આ મેક્સિકન બોર્ડર છે. એક સામાન્ય માણસ આરામથી કૂદીને એક તરફથી બીજી તરફ જઈ શકે એટલી નીચી. ત્યાં જો કે, એકદમ હેવી આર્મી પેટ્રોલિંગ હોય છે હંમેશા. તમારે જો બંદૂકધારી સામાન્ય ક્રેઝી અમેરિકનને જોવો હોય તો એ આ વિસ્તારમાં જોવા મળશે તેનાં પૂરેપૂરા ચાન્સ છે. ઘણાં ક્રેઝી અમેરિકન્સ દેશભક્તિને અહીં કંઇક વધુ પડતાં જ ગંભીરતાથી લે છે. એટલે તેમનાં મત મુજબ તેમનાં દેશની ઈલ્લીગલ-ઇમિગ્રન્ટસથી રક્ષા કરવાની તેમની ફરજ છે. એટલે, બંદૂક લઈને પોતે બોર્ડર પાસે ઊભા રહે.” એ જ કારણથી એ વિસ્તારમાં ચેકિંગ પણ ઘણું કડક હતું. એટલે એરિઝોનાની હદની અંદર જતાં પાસપોર્ટ ચેકિંગ પણ થાય તેવું અમને આગલાં દિવસે કહેવામાં આવ્યું હતું. જો કે, અમને અટકાવવામાં નહોતાં આવ્યાં ક્યાંયે અને અમે બહુ સરળતાથી એરિઝોનામાં અંદર આવી ગયાં હતાં.

ફીનિકસ પહોંચતા રસ્તામાં રાયને એક આઈસ-બ્રેકર પ્રવૃત્તિમાં બધાંને પરોવ્યા. સ્પીડ-ડેટિંગ જેવું. બારી પાસે બેઠેલાં દરેક બેઠાં રહે અને આઈલ સીટ પોતાની સીટથી બે સીટ આગળ મૂવ થતી રહે અને જે કોઈ વ્યક્તિ પાસે આવે તેની સાથે તમારે વાત કરવાની. આવું ત્રણેક વખત થયું પછી તેણે એક નવો નિયમ કહ્યો. એ સમયે જે કોઈ તમારી પાસે બેઠું હોય તેની ઓળખાણ તમારે આપવાની અને તમારાં પોતાનાં વિશે ત્રણ વસ્તુઓ કહેવાની તમારું રિલેશનશિપ સ્ટેટસ, તમારી સૌથી પ્રિય જગ્યા/ગામ/દેશ અને તમે જેની સાથે સંકળાયેલા હો તેવી એક શર્મનાક (embarrassing) વાત. આ રમત એટલી લાંબી ચાલી હતી કે, તેમાં વચ્ચે હું થોડી વાર ઊંઘી પણ ગયેલી. જો કે, મજા ખૂબ આવી હતી અને લોકોને એકબીજાને ઓળખવાનો પહેલો મોકો મળ્યો હતો કે, જ્યારે બધાં એકસાથે હોય.

ત્યાર પછી અમને અમારી પહેલી વોલમાર્ટની મુલાકાતનો લ્હાવો પણ મળ્યો અને લોકોએ સૌથી પહેલી દોટ મૂકી ‘ગન્સ’ સેક્શન તરફ. એક સામાન્ય નોન-અમેરિકન વ્યક્તિ માટે જનરલ-સ્ટોરમાં ગન મળવી એ અચરજની વાત જ હોય તેવું માનું છું. જો કે, ગન ઉપાડવા બાબતે રાયને બહુ સારી રીતે બધાંને હિન્ટ આપેલી કે, “સંભવિત મર્ડર-વેપન પર કોઈ પોતાની ફિંગરપ્રિન્ટ શું કામ છોડવા ઈચ્છે એ મને નથી સમજાતું.” છતાં ઉત્સાહીઓ સ્વાભાવિક રીતે જ ગન હાથમાં લઈને ફોટો પડાવતાં હતાં. બીજું અચરજ હતું ઈલેક્ટ્રોનિક કાર્ટમાં બેસીને ત્યાં ફરતાં જાડાં-પાડા અદોદળા લોકો. અમારાં મિત્ર જોશે તો રીતસર આવાં જૂદા-જૂદા નમૂનાનાં ફોટોઝનો એક આલ્બમ બનાવેલો “પીપલ ઓફ વોલમાર્ટ” (ભાગ-૧ અને ૨!) ત્યાં મોટાં ભાગે બધાંએ મુખ્ય કામ હાલોવીન કોશ્ચ્યુમ શોધવાનું કર્યું હતું. એક કલાકનાં બ્રેકમાં બધાંએ ત્યાં ફરીને લન્ચ કર્યું અને ફીનિકસ તરફ આગળ વધ્યા. ત્યાં ઠેર ઠેર મેક્સિકો/એરિઝોનાનાં પેલાં આઇકોનિક લાંબા થોર દેખાવા લાગ્યા હતાં. તેનાં વિશે પણ રાયને ઘણી રસપ્રદ વાત કહી હતી.

રાયનનાં કહેવા પ્રમાણે એ દરેક થોરનું આયુષ્ય સો વર્ષનું હોય છે અને નેટિવ અમેરિકન (રેડ-ઇન્ડિયન) સંસ્કૃતિમાં એ દરેક થોર બરાબર એક વ્યક્તિ માનવામાં આવે છે. એરિઝોનામાં એ થોર કાપવા ગેરકાનૂની છે અને કદાચ ખૂબ મોંઘા પણ. એટલે, લોકો બાંધકામ માટે જમીન લે ત્યારે તેમની જમીનમાં આવા થોર ન હોય તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ફીનિકસમાં કોઈ બહુ સારી યુનિવર્સિટી છે. એટલે, આખું શહેર લગભગ યુવાનોથી જ ભરેલું છે. ફીનિકસમાં અમે ફક્ત એક જ રાત રોકાવાનાં હતાં અને બહાર ક્લબ/પબમાં જવાનાં હતાં. એટલે રાયને ઘોષણા કરી કે, વેગસ સિવાય જો ક્યાંય મારે સુંદર તૈયાર થઈને નીકળવાનું હોય તો હું અહીં નીકળું. કારણ કે, ક્રાઉડ બધું યુવાન છે અને બાકીનું કામ તમારી ઓસ્ટ્રેલિયન કરી આપશે. અમેરિકન્સ લવ એક્સન્ટસ ;) અમે ચાર વાગ્યે હોટેલ પહોંચ્યા અને સાત વાગ્યે અમારે ડીનર માટે નીકળવાનું હતું. અમે ચાર છોકરીઓ રોઝી, કેલી, એઈમી અને હું અમે સૌથી પહેલાં નજીકનાં શોપિંગ સેન્ટર જવા નીકળ્યા.

દોઢ કલાકનો સમય હતો અમારી પાસે. તેમાંથી ચાલીસેક મિનિટ તો ફક્ત આવવા-જવાની થવાની હતી. અમારે ચારેને જૂદી જૂદી વસ્તુઓની જરૂર હતી એટલે અમે અંદર જઈને અલગ પડી જવાનું નક્કી કર્યું અને સાડા પાંચે જ્યાંથી છૂટાં પડયા હતાં ત્યાં જ ફરી મળવાનું નક્કી કર્યું. મારે એક પેર બ્લેક હીલ્સની અને એક પાસપોર્ટ સમાય તેવડું બ્લેક વોલેટ લેવાનું હતું. સૌથી પહેલાં તો ક્યા સ્ટોર્સમાં જવું તેની ખબર નહોતી અને લગભગ પંદર મિનિટ સુધી હું જેટલું ચાલી તેટલામાં બધી હાઈ-એન્ડ શોપ્સ જ હતી. પછી ત્યાં કામ કરતી એક છોકરીને પૂછ્યું કે, બજેટ શોપ્સ ક્યાં અને કઈ છે એટલે તેણે મને નામ કહ્યાં અને દિશા બતાવી. ગર્લ્સ, ટેક નોટ: યુ.એસ.એ.માં હો અને બજેટ શોપિંગ કરવા ઈચ્છતા હો તો ‘એચ એન્ડ એમ’ અને ‘ફોરેવર ૨૧’ તમારાં તારણહાર છે. :D મને બંને ચીજો બરાબર કટોકટ ટાઈમ પર મળી અને સાડા પાંચે નીચે પહોંચીને અમે સાથે હોટેલ જવા નીકળ્યા.

સાત વાગ્યે તૈયાર થઈને બધાં હોટેલ લોબીમાં ભેગા થયા હતાં અને ત્યાં રાયન એક ગોલ્ફ-બગ્ગી પાસે ઊભો હતો. બધાં આવી ગયાં ત્યારે તેણે અમને કહ્યું કે, આ મેં તમારાં માટે અરેન્જ કર્યું છે અને અહીં હોટેલથી રેસ્ટોરાં/બાર સુધી તમે આ બગીમાં બેસીને જશો. બધાં ખૂબ ખુશ થયાં અને એકબીજા સામે જોઇને હસવા લાગ્યાં. એક પછી એક બગી ભરાતી ગઈ અને નીકળતી ગઈ. બધાં માટે એ નવું હતું એટલે બધાં ખૂબ એન્જોય કરી  રહ્યાં હતાં અને ટ્રાફિક-લાઈટ પર એકબીજાનાં ફોટો લઇ રહ્યાં હતાં. રેસ્ટોરાં, જ્યાં અમને લઇ જવામાં આવ્યા હતાં એ થોડું વધુ પડતું જ મોંઘુ હતું. એટલે અમારી મેઈન મીલ પતાવીને પણ મને અને જેક(ફર્ગ્યુસન)ને ભૂખ લાગી હતી. આમ પણ એ બિચારો ૧૯ વર્ષનો હોવાને કારણે અહીં પણ બારમાં જઈ શકવાનો નહોતો. એટલે, મેં તેની સાથે ડિઝર્ટ માટે ક્યાંઈક જવાનું નક્કી કર્યું. જતાં પહેલાં રાયનને પૂછી લીધું કે, બધાં અહીં પછી ક્યાં જવાનાં છે અને ત્યાં કઈ રીતે પહોંચાય. પછી હું અને જેક નીકળી પડ્યાં અને એક આઈસ-ક્રીમ સ્ટોર ગયાં. જેક સાથે એ દિવસે ઘણી બધી વાત થઇ હતી. એ કોલેજમાં શું કરવા માગે છે વગેરેની. તેને ફોટોગ્રાફર બનવું હતું અને તેનાં વિશેનાં તેનાં પ્લાન્સ તે મને કહી રહ્યો હતો. અમે આર્ટ વિશે પણ એ દિવસે ઘણી વાત કરી હતી. એ પછી અમે બધાં જ્યાં જવાનાં હતાં એ બાર તરફ ગયાં. અમે કોશિશ કરી જો તે અંદર જઈ શકતો હોય તો. પણ, મેળ ન પડ્યો એટલે ત્યાંથી અમે છૂટા પડયા અને એ હોટેલ ગયો.

એ બાર પીસ ઓફ આર્ટ હતો. ત્યાં અંદર ઢગલાબંધ ગેમ્સનાં સેટ-અપ હતાં. એ મોટું વ્હીલ હતું બરાબર બાર પાસે જેનાં પર જૂદા-જૂદા ડ્રિન્ક્સ/શોટ્સનાં નામ લખેલાં હતાં. મિત્રો સાથે તમે એક પછી એક એ વ્હીલ ફેરવી શકો અને જેનાં પર કાંટો અટકે એ ડ્રિંક/શોટ તેમણે લેવાનો. એ ઉપરાંત ત્યાં બિયર-પોન્ગ માટે ટેબલ સેટ કરેલું હતું. પૂલ તો ખરું જ અને બહારનાં ભાગમાં જેન્ગાનું પણ સેટ-અપ હતું. થોડી વાર હું અંદર રહી પણ પછી બહાર બધાં સાથે જેન્ગા રમવા લાગી. એ દિવસે પહેલી વાર ડ્રાઈવર-માર્કસ અમારી સાથે બહાર આવ્યો હતો. તેનું કહેવાનું એમ હતું કે, આ જગ્યા કંઇક અલગ છે એટલે આવી જગ્યાઓમાં આવવા માટે એ હંમેશા તૈયાર હોય. પણ, સામાન્ય બાર/પબમાં તેને બહુ રસ નહોતો. જેન્ગાનો બીજો રાઉન્ડ શરુ થયો ત્યારે મારી હીલ્સ મને હેરાન કરવા લાગી હતી અને એટલે મેં થોડી વાર પાસેનાં ટેબલ પર બેસવાનું નક્કી કર્યું. ત્યાં એક ક્યૂટ છોકરો બેઠો હતો. તેની સાથે થોડી વાત શરુ થઇ. તેનું નામ હતું બ્રેન્ડન. થોડી વારમાં ત્યાં એક છોકરી આવી. એ બ્રેન્ડનની હાઉઝ-મેઇટ હતી, તેનું નામ હતું નિકોલ. એ બંને વાતોડિયા હતાં એટલે અમે ત્રણે ખૂબ હળી-મળી ગયાં. તેઓ પોતાનાં ત્રીજા હાઉઝ-મેઇટ માટે એ દિવસે બહાર આવ્યાં હતાં. એ ત્રીજો હાઉઝ-મેટ એ બારમાં બાઉન્સર હતો અને એન્ટ્રી પર ઊભો હતો. (જેનાં કારણે જેક અંદર ન આવી શક્યો ;) ) તેની નોકરીમાં એ તેનો પહેલો દિવસ હતો.

પછી તો અમારી દોસ્તી થઇ ગઈ. અમારાં પબમાં મ્યુઝિક બહુ જામે તેવું નહોતું એટલે મેં તેમને કહ્યું અને તેમણે મારે ક્યા પ્રકારનું મ્યુઝિક જોઈએ છે એ પૂછ્યું. તેમણે પૂછ્યું જો મારે તેમની સાથે બીજી જગ્યાઓ જોવી હોય તો અને એ બધી અમે જ્યાં હતાં ત્યાંથી ચાલીને જઈ શકાય તેટલી દૂર હતી. મારે જવું તો હતું પણ મારું ડ્રિંક પૂરું કરીને. તેનો પણ ઈલાજ અમે કાઢ્યો. બારમાંથી નીકળતી વખતે ડ્રિંક હાથમાં લઈને ન નીકળી શકાય. પણ, એ જગ્યા બે શેરીનાં કાટખૂણે પડતી હતી અને અમે બહાર ખુલ્લામાં બેઠાં હતાં ત્યારે. એટલે મારું ડ્રિંક અમે જે તરફ બાઉન્સર ન હોય એ તરફની પાળી પર મૂક્યું અને ફટાફટ બહાર નીકળીને બીજી તરફ જઈને ત્યાંથી ઊઠાવી લીધું. It was super funny. I’ve never even done it before (or after).   એ બંને મને જ્યાં લઇ ગયાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા હતી. રોક મ્યુઝિક અને બારની બરાબર વચ્ચે એક vintage pimped-up Harley Davidson મૂકેલી હતી. ઓલ્ડ-રોક મ્યુઝિક હતું એટલે એ પ્રમાણે ક્રાઉડ બહુ યુવાન નહોતું. પણ, ત્યાં બ્રેન્ડન અને નિકોલની કંપની અને સારાં મ્યુઝિકને કારણે મને ખૂબ મજા આવી. નિકોલ પછી મને હોટેલ પણ મૂકી ગઈ હતી.

લોસ એન્જેલસ -૧

અમેરિકા, લોસ એન્જેલસ

હોસ્ટેલ નજીક પહોંચતા જ સૌથી પહેલી વસ્તુ મેં નોટિસ કરી એ હતી ગાંજાની ખૂબ તીવ્ર વાસ. પહેલાં તો મને થયું કે, આ વાસ હોસ્ટેલનાં ફ્રન્ટ-યાર્ડમાંથી આવતી હોવી જોઈએ. ફ્રન્ટ યાર્ડમાં એક પેટીઓ અને ઘણી બધી બેઠકોની વ્યવસ્થા હતી એટલે, મોટાં ભાગે બધાં ત્યાં જ હેન્ગ-આઉટ કરતાં. પણ, હોસ્ટેલનાં દરવાજામાં પગ મૂકતાં જ વાસ બંધ થઇ ગઈ. ત્યારે સમજાયું કે, વાસ ખરેખર બાજુનાં પાર્કિંગ લોટમાંથી આવતી હતી. પછી ચેક-ઇન વગેરે પતાવીને મને મારાં રૂમની ચાવી અને એક ફ્રેશ બેડ-શીટ આપવામાં આવ્યાં. મારો ડોર્મ છ બેડનો ફીમેલ-ડોર્મ હતો. અંદર જતાં જ હું સ્વીડનની બે છોકરીઓને મળી. એ બંનેએ હાઈસ્કૂલ પતાવી જ હતી અને વર્લ્ડ ટ્રાવેલ કરી રહી હતી. તેમનાં ટ્રાવેલ-પ્લાન્સ પૂછતાં મેં મારી બેગ્સ લોકરમાં ગોઠવી. બેકપેકિંગમાં નવા નિશાળીયા હતાં એટલે બાકીનાં લોકોની ઘણી બેગ્સ રૂમમાં પથરાયેલી જોવાં છતાં અમે બધી બેગ્સ લોકરમાં ગોઠવવા મથ્યા. બેગ્સ બધે જાતે જ ઊંચકવાની હતી એટલે સમજીને મેં વજન ૩ નાની બેગમાં વિભાજીત કરી દીધેલું. એક નાનું બેક-પેક, એક જીમ-બેગ સાઈઝની બેગ અને બીજી તેનાંથી થોડી નાની પણ પૂરતી મોટી એવી મારી હેન્ડ-બેગ.

લોકરમાં ત્રણે વસ્તુ તો કોઈ કાળે સમાય તેમ નહોતી અને પાસપોર્ટ વગેરે કિમતી ચીજો બધી હેન્ડ-બેગમાં જ હતી. એટલે, એ હેન્ડ-બેગ અને જિમ-બેગ મેં લોકરમાં મૂક્યા અને બેકપેક કે, જેમાં ખાલી થોડાં કપડાં જ હતાં એ બહાર રાખી.  આ પતાવીને સૌથી પહેલું કામ વાઈ-ફાઈનો લાભ લઈને પેરેન્ટ્સ અને અમુક નજીકનાં ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ મેસેજિસમાં થોડી વાત કરવાનું કર્યું. પછી નાહીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ શરીર થાકેલું હોવા છતાંયે મનને સૂર્ય આથમ્યા પહેલાં ઊંઘવું નહોતું. વત્તા નવાં દેશનાં નવાં શહેરમાં પહેલો દિવસ હતો. અંતે શરીરે હાર માનવી પડી અને હું તૈયાર થઈને બહાર નીકળી. મારી હોસ્ટેલ બરાબર હોલિવૂડ બોલેવાર્ડ પર હતી એટલે થોડું ચાલીને જતાં તરત બધાં ટૂરિસ્ટ એરિયા આવે. વળી, હોસ્ટેલે શહેરની જોવાલાયક જગ્યાઓનું એક લિસ્ટ, હોસ્ટેલથી ત્યાં કઈ રીતે પહોંચાય તેનું જનરલ ડિરેક્શન અને હોસ્ટેલની આસપાસની શેરીઓ અને ત્યાંની ખાવા પીવાની જગ્યાઓનો એક નકશો એવું એક એ-ફોર પેઇજ તૈયાર કરીને રાખ્યું હતું અને એ બધાંને આપવામાં આવતું. એટલે, એ નકશા વગેરે રીફર કરીને એ દિવસે મોડી બપોરથી સાંજ સુધી હું હોલિવૂડ બોલેવાર્ડ આસપાસ ફરી. ત્યાંથી ફાર્મર્સ માર્કેટ અને ધ કોવ નામનાં એક શોપિંગ સેન્ટર તરફ ગઈ. અને રાત્રે જમીને હોસ્ટેલ પાછી ફરી. સાંજ સુધીમાં દરેક જગ્યાએ વીડની જબરી સ્મેલથી હું ટેવાઈ ગઈ હતી. એ રાત્રે ત્યાં કોમન એરિયામાં કોમેડી-નાઈટ હતી એટલે ત્યાં જઈને લોકોને મળવાનું વિચાર્યું. ત્યાં અમુક લોકો સાથે સારું જામ્યું પણ સાડા દસ આસપાસ મારું શરીર હાર માનવા લાગ્યું હતું એટલે અધવચ્ચેથી જ મારે ઊઠી જવું પડ્યું અને રૂમમાં જઈને હું ઊંઘી ગઈ. થાક અતિશય લાગ્યો હતો એટલે ઊંઘ તરત આવી ગઈ અને વહેલું પડ્યું સવાર.

એ દિવસે પહેલાં તો નીચે કિચનમાં ફ્રી-બ્રેકફસ્ટનો લાભ ઊઠાવવામાં આવ્યો. ત્યાં હું આસપાસ બેઠેલાં લોકો સાથે વાત કરતી હતી તેવામાં મારું ધ્યાન એક યુવાન તરફ પડ્યું. એ પર્થથી હતો એ તો પાક્કી વાત હતી પણ તેને મેં ક્યાં જોયો છે એ મને યાદ નહોતું આવતું. દસેક મિનિટ રહીને મેં તેને કહ્યું “Hey excuse me! I think I have seen you somewhere but I don’t know where. You are from Perth aren’t you? Shit! You are Josh’s friend? Did you stay at his place for a little while or something?” અને મારું અનુમાન સાચું નીકળ્યું. એ બંદો મારાં મિત્ર જોશુઆનો ફ્રેન્ડ હતો. દુનિયા કેટલી મોટી છે અને છતાંયે કેટલી નાની છે! કોને ખબર ક્યારે કોણ ક્યાં મળી જાય. પછી તો તેની સાથે થોડી વાત કરીને હું મારાં રૂમમાં ગઈ નાહીને તૈયાર થવા. હવેનાં બે દિવસનો પ્લાન થોડો સરખો કરવાનો હતો. મગળવારે સાંટા મોનિકા અને વેનિસ બીચ સુધી ફ્રી શટલ બસ જવાની હતી એટલે મંગળવારે મેં ત્યાં જવા માટે નામ નોંધાવ્યું અને સોમવારે યુનિવર્સલ સ્ટુડીઓ જવાનું નક્કી કર્યું. એ દિવસ વાદળછાયો હતો એટલે સ્ટુડીઓ જવું કે નહીં તે વિશે રિસેપ્શન પર પૂછ્યું. પણ, તેમણે કહ્યું આ એલ.એ.નું નોર્મલ વેધર છે. થોડાં સમયમાં તડકો નીકળશે અને  મારે જવું જ હોય તો બને તેટલુ વહેલું નીકળવું જોઈએ.

હું તરત રૂમમાંથી મારો કેમેરા અને એક જમ્પર લઈને હોલિવૂડ હાઈલેન્ડ સ્ટેશન પહોંચી. ત્યાંથી નોર્થ હોલિવૂડ તરફ જતી ટ્રેઈનમાં પહેલું જ સ્ટોપ હતું ‘યુનિવર્સલ’. ત્યાં ઊતરીને રોડ ક્રોસ કરીને સ્ટુડીઓ માટેની શટલ બસમાં હું પહોંચી યુનિવર્સલ સિટી. સ્ટુડીઓ ખૂલવાને હજુ વીસેક  મિનિટની વાર હતી એટલે મારો પહોંચવાનો સમય એકદમ આદર્શ પૂરવાર થયો હતો. મોટાં ભાગની રાઇડ્સ અને શોઝમાં મારે બહુ લાંબી લાઈનમાં રાહ ન જોવી પડી. સ્ટૂડીઓ ખરેખર અદ્ભુત જગ્યા છે. સ્પોંજબોબ, મીનીયન્સ, ધ સિમ્પ્સ્ન્સ, શ્રેક વગેરેએ મારાંમાંનાં બાળકને જગાડી દીધું હતું. સ્ટુડીઓ ટૂર અને ત્યારે વચ્ચે આવતું કિંગ-કોન્ગ સિમ્યુલેશન અને જુરાસિક પાર્ક રાઈડે મારી પાસેથી થોડી રાડો પણ પડાવી હતી અને પછી ખૂબ હસાવી હતી. આ ઉપરાંત હાલોવીન નજીક હોવાને કારણે બધે એ થીમનાં ડેકોરેશન કરવામાં આવેલાં હતાં. યુનિવર્સલ સ્ટુડીઓ જતાં હો તો લન્ચ/ડીનર યુનિવર્સલ સિટીમાં જ કરવાનું રાખવું. સિટીમાં ઓપ્શન્સ ઘણાં વધુ છે અને ફૂડ-ક્વોલિટી પણ સ્ટુડીઓ કરતાં સારી લાગી. મેં આમ ન કરવાનું પરિણામ ભોગવ્યું હતું એટલે ખાસ કહું છું. બપોરે બે વાગ્યા સુધીમાં તો મારો સ્ટુડીઓનો ક્વોટા પૂરો થઇ ગયો હતો અને હું સિટીમાં ફરીને મારાં નેક્સ્ટ ડેસ્ટીનેશન સાંટી એલી માર્કેટ તરફ જવા તૈયાર હતી.

યુનિવર્સલ સ્ટેશનથી હાઈલેન્ડ તરફ જતી ટ્રેઈનમાં જ લગભગ એકાદ કલાકે આવે સેવેન્થ સ્ટ્રીટ સ્ટેશન. હું બરાબર રસ્તે છું એ કન્ફર્મ કરતાં યુનિવર્સલ સ્ટેશન પર મારી એક આફ્રિકન-અમેરિકન યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત થવા લાગી. અમે ટ્રેનમાં પણ પાસે બેઠાં હતાં. એ યુવાનને પાઈલટ બનવું હતું અને આખી દુનિયામાં ફરવું હતું. તેને ઓસ્ટ્રેલિયા વિશે મને પૂછ્યું. તેની ગર્લફ્રેન્ડને કોલેજ જવાનું કહેવા અને તેનાં ફાયદા વિશે મને કહેવાનું કહ્યું. એ છોકરી હાઈ=સ્કૂલનાં ફાઈનલ વર્ષમાં હતી કદાચ. એ બંને ત્રણેક સ્ટેશન પછી ઊતરી ગયાં અને મેં દસેક મિનિટનું ઝોકું ખાધું. મારાં સ્ટેશન પર ઊતરીને ત્યાંથી મારે કનેકટિંગ બસ લેવાની હતી. એ સ્ટેશન પરથી બહાર નીકળીને જાણે મેં એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો. ડાઉનટાઉન એલ.એ.માં મારો પ્રવેશ થયો હતો અને એ જાણે એક નવી જ દુનિયા હતી. સિટીનું બિઝનેસ સેન્ટર અને આગળ વધુ અંદર જતાં જૂનાં ધૂળિયા બિલ્ડિંગ, જૂની દૂકાનો, જૂની દિલ્હી કે જૂનાં રાજકોટ જેવી જ કંઇક ફીલ હતી ત્યાંની. સેન્ટી એલી માર્કેટ્સનો દેખાવ કંઇક બોમ્બેનાં લિન્કિંગ રોડ કે ફેશન સ્ટ્રીટ જેવો છે. ત્રણ-ચાર શેરીઓમાં છવાયેલી ઘણી બધી નાની દુકાનો એક પછી એક આવતી જાય. દુકાનો પણ ન કહેવાય એ. ટેન્ટ જેવું કંઇક. આ માર્કેટ્સ મુખ્યત્ત્વે સાઉથ અમેરિકન્સ અને ચાઈનીઝ દુકાનદારોની છે. ત્યાં અને તેની આસપાસનાં વિસ્તારમાં મેં કુલ બે કલાક જેટલો સમય વિતાવ્યો. છ વાગ્યાની આસપાસ તો દુકાનો બંધ થવા લાગી અને હું હોસ્ટેલ તરફ પાછી ફરી. હોસ્ટેલ પહોંચતાં સુધીમાં સાડા સાત જેવું થઇ ગયું હતું અને એ દિવસે મારે હાર્ડ-રોક કાફેમાં ડીનર માટે જવું હતું. રૂમમાં કેમેરા-બેગ મૂકીને હું ફ્રન્ટ-યાર્ડમાં આવી અને ત્યાં મેં આગલી રાત્રે વાત કરી હતી તેમાંનાં બે જણને જોયાં અને તેમને પૂછ્યું જો તેમણે ડીનર ન કર્યું હોય અને તેમને મારી સાથે હાર્ડ-રોક આવવું હોય તો. એ તરત તૈયાર થઇ ગયાં અને તેમની સાથે તેમનો એક ત્રીજો મિત્ર પણ.

પછી તો અમે ચાર – હું, અહલમ, જેઇમ્સ અને ડાન હાર્ડ રોક ગયાં. ત્યાં સ્વાભાવિક રીતે જ ડ્રિન્ક્સ પ્રીમિયમ ભાવે હોવાનાં એટલે ડીનર અને ડ્રિન્ક્સનો એક રાઉન્ડ પતાવીને અમે બીજા કોઈ લોકલ નાના બારમાં જવાનું વિચાર્યું. જેઇમ્સે ત્યારે અમારી હોસ્ટેલની બરાબર સામે હોલિવૂડ બોલેવાર્ડ પર એક બાર હતો તે યાદ કર્યો અને અમે ચારે ત્યાં ગયાં. ત્યાં ડ્રિન્ક્સ સસ્તા તો હતાં જ, પણ વાતાવરણ પણ ઘણું જીવંત હતું અને ક્રાઉડ બધું લગભગ યુવાન હતું. આ ઉપરાંત હેપી આવર ચાલુ હતો એટલે બડવાઈઝર અથવા બડવાઈઝર લાઈટની એક બકેટ – પાંચ બોટલ્સ ચૌદ ડોલરમાં સ્પેશ્યલમાં હતી. બેકપેકર્સને બીજું શું જોઈએ! અહલમ સિગરેટ પીતી હતી એટલે અમે બહાર બેઠાં. જ્યારે પણ તેને ફૂંકવી હોય ત્યારે એ ઊભી થઈને સાઈડમાં ચાલી જતી. પહેલી બકેટ ખતમ થયા પછી અહલમે એક રાઉન્ડ શોટ્સનો ઓર્ડર કર્યો. બસ, આનાંથી વધુ એ રાત્રે મારે જાગવું નહોતું અને હું આખો દિવસ રખડીને થાકી પણ ખૂબ ગયેલી એટલે હું બારવાગ્યા આસપાસ જતી રહી હતી. પછીનાં દિવસે વહેલી સવારે જેઇમ્સ એલ.એ.થી ન્યુ-યોર્ક જવા નીકળવાનો હતો. અહલમ મારી સાથે બીચ પર આવવાની હતી અને અમે સવારે કિચનમાં મળવાનાં હતાં. શટલ બસનો નીકળવાનો સમય સવારે દસ વાગ્યાનો હતો.

નવું નાગરિકત્વ – નવી ટ્રિપ!

અમેરિકા

આજે વહેલી સવારે (૯/૧૧/૨૦૧૪) હું ઘરે આવી અને અત્યારે આ લખવા બેસું છું ત્યારે એવું લાગે છે કે, હમણાં જ એક સપનામાંથી ઊઠી. કદાચ જેટલેગને કારણે. Zombie mode is in full swing. My hearty apologies for I won’t be able to write all the posts in this series entirely in Gujarati and they will be mixed instead. It’s impossible to comprehend something like ‘frickin amazing’ or ‘bloody marvellous’ in Gujarati. Because that’s what last three weeks have been like. Bloody fantastic and frikkin amazing! Besides, how and where to start from is the real question for me here. There is just so much about it! There was the planning and research phase of it as well as the actual trip and the fact that it was my first ever real big trip alone!


આજથી છ મહિના પહેલાં મારી રાષ્ટ્રીયતા બદલાઈ ત્યારે સૌથી પહેલો વિચાર તો જે મુખ્ય કારણ માટે બને તેટલું  જલ્દી નાગરિકત્વ બદલ્યું, તેને પરિપૂર્ણ કરવાનો હતો – ટ્રાવેલિંગ! મારાં ભારતીય પાસપોર્ટ કરતાં મને ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ સાથે દુનિયાનાં મોટાં ભાગનાં દેશોમાં વધુ સરળતાથી એન્ટ્રી મળી શકે. આમ, મારું નાગરિકત્ત્વ બદલાતાંની સાથે જ હું સૌથી પહેલાં ક્યાં ફરવા જઈશ એ વિચારવા લાગી. વળી, આ વખતે મારે એકલાં જવું હતું અને એ મેં પહેલાં ક્યારેય કર્યું નહોતું એટલે શરૂઆત તો મારે કોઈ પ્રથમ વિશ્વનાં દેશથી જ કરવી હતી. યુ.એસ.એમાં ઘણાં સારાં મિત્રો પણ હતાં અને વધુ બે આ વર્ષે ઓગસ્ટ આસપાસ જવાનાં હતાં એટલે સ્ટેટ્સ પર મારું મન આવી  ગયું.

જવું મારે ફક્ત ત્રણેક અઠવાડિયા માટે જ હતું એટલે આખો દેશ તો ફરી શકવાની કોઈ શક્યતા જ નહોતી. મિત્રો મારાં બધાં બે-એરિયામાં હતાં અને વેસ્ટ કોસ્ટ ઓવરઓલ એક્સાઈટિંગ લાગ્યો એટલે મેં વાઈલ્ડ વેસ્ટ પર પસંદગી ઊતારી. વળી, સાવ એકલા ટ્રાવેલ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો એટલે ટૂર અને પોતાની રીતે ફરવાનું હાફ એન્ડ હાફ કરવાનું વિચાર્યું. ટૂરમાં કઈ કંપનીની ટૂર્સ જોવાની એ તો પહેલેથી ખબર જ હતી. કન્ટીકી (Contiki)! મારાં મિત્ર-વર્તુળમાં મેં ઘણાં વર્ષોથી કન્ટીકી વિશે બહુ સાંભળ્યું હતું. આ કંપની ૧૮-૩૫ વર્ષની ઉમરનાં લોકો માટે ટૂર્ઝ ગોઠવે છે અને તેમનું આ ક્ષેત્રે મોટું નામ છે. યુરોપ એ કન્ટીકીની સૌથી મોટી માર્કેટ છે. મોટાં ભાગે હું ઓળખું છું તે બધાએ યુરોપમાં જ કન્ટીકી વિશે સાંભળ્યું હતું. પણ, યુ.એસ.એ. તેમની બીજા નંબરની સૌથી મોટી માર્કેટ છે. તેમનાં બ્રોશર તપાસતાં મને એક સૂટેબલ રૂટ પણ મળી ગયો – ‘એલ.એ. ટુ ધ બે’ (LA to the Bay). વળી, આ રૂટનો સમય પણ મારે જોઈએ તેટલો જ હતો – ૧૦ દિવસ. એટલે હાફ એન્ડ હાફ કરવામાં પણ સરળતા રહે.

એલ.એ. ટુ ધ બે લોસ એન્જેલસથી શરુ થઈને સાન ફ્રાંસીસ્કોમાં પૂરી થતી હતી. એટલે, સાન ફ્રાન્સીસ્કોમાં પછીથી રોકાઈને વધુ સમય મારાં ત્યાંનાં મિત્રોને મળવા માટે કાઢી શકાય. વળી, ટ્રિપનો અંત હોય એટલે જ્યાં મિત્રો હોય ત્યાં જાઉં તો ત્યાં વધુ રિલેક્સ પણ કરી શકું અને પાછાં ફરવા માટે પોતાની જાતને તૈયાર પણ કરી શકું. અંતે પ્લાન પૂરો મગજમાં ગોઠવાઈ ગયો અને એ પ્રમાણે કન્ટીકીની તારીખો જોવામાં આવી. ઓક્ટોબર-નવેમ્બરનો સમય મને બરાબર લાગ્યો કારણ કે, ત્યારે પાનખર ચાલુ હોય એટલે બહુ ઠંડી નહીં અને બહુ ગરમી પણ નહીં અને ઉનાળાનો રશ પણ પૂરો થઇ ગયો હોય. કન્ટીકીની બુધવારે શરુ થતી ટ્રિપ મને અનુકૂળ લાગી. એ રીતે હું શનિ કે રવિવારે એલ.એ. પહોંચી જઈ શકું અને ટ્રિપ પહેલાં બે કે ત્રણ દિવસ મારી રીતે એલ,એ એક્સ્પ્લોર કરી શકું. એ રીતે બધું ગોઠવાઈ પણ ગયું. મેં કેથે પેસિફિક સાથે પર્થ-એલ.એ અને સાન ફ્રાન્સીસ્કો-પર્થ એમ ટિકિટ બુક કરી અને કન્ટીકીનું પેમેન્ટ કર્યું.

આ બધું થયું મે મહિનામાં. પણ, મારું એલ.એ અને સાન ફ્રાન્સીસ્કોનું અકોમોડેશન મેં છેલ્લે સુધી બાકી રાખ્યું હતું. શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે, સાન ફ્રાન્સીસ્કોમાં હોસ્ટેલ અને એલ.એ.માં હોટેલ એમ કરીશ કારણ કે, હું ક્યારેય પહેલાં હોસ્ટેલ/બેકપેકર્સ અકોમોડેશનમાં રહી નહોતી. એટલે, મારાં મનમાં તેનાં વિશે સસ્તું અકોમોડેશન સિવાય બીજો કોઈ ખ્યાલ જ નહોતો. સાન ફ્રાન્સિસ્કોમાં મારો મુકામ સાત દિવસનો હતો અને આટલો સમય હોટેલ મને બહુ મોંઘી પડે તેમ હતી એટલે હોસ્ટેલ સિવાય કોઈ છૂટકો નહોતો. પણ, એલ,એ,માં તો ત્રણ જ દિવસ હતાં!

આમ, મેં એલ.એમાં હોટેલ હોલિવૂડનું બુકિંગ કર્યું બુકિંગ ડોટ કોમ પર. તેનો ફાયદો એ હતો કે, મારાં હોટેલ ચેક-ઇનનાં ૪૮ કલાક પહેલાં સુધીમાં હું મારું માઈન્ડ બદલી શકું અને બુકિંગ કેન્સલ કરાવી શકું કોઈ ચાર્જ વિના. સાન ફ્રાન્સીસ્કોનું તો છેલ્લી ઘડીએ જ કરવાનું નક્કી કર્યું હતું એટલે એ કોઈ ચિંતા નહોતી. ટ્રિપનાં એક અઠવાડિયા પહેલાં હું કરન્સી એક્સચેન્જ કરાવવા ગઈ ત્યારે ત્યાંની શોપ આસિસ્ટન્ટ સાથે મારી બધી વાત થઇ અને તેણે મને ખૂબ ઉપયોગી માહિતિ આપી. એ વેબસાઈટ હતી હોસ્ટેલવર્લ્ડ ડોટ કોમ. તેનાં પર દુનિયાનાં દરેક ખૂણાની સારામાં સારી હોસ્ટેલનાં રીવ્યુ અને બુકિંગ થઇ શકે તેમ હતાં.

એલ.એ.માં મારું હોટેલ બુકિંગ થઇ જવા છતાં મેં ત્યાંની હોસ્ટેલ પણ જોવાનું નક્કી કર્યું. વળી, એક વિચાર તો મગજમાં હતો જ કે, હોસ્ટેલમાં રહીશ તો હું લોકોને મળી શકીશ. હોટેલમાં એકલી કરીશ શું? એલ.એમાં યુ.એસ.એ હોસ્ટેલ મને ગમી ગઈ અને પેલી હોટેલનું બુકિંગ કેન્સલ કરાવીને છેલ્લી ઘડીએ મેં આ હોસ્ટેલમાં ત્રણ રાતનું બુકિંગ કરાવ્યું. હા, ત્યારે તો હું અજાણ જ હતી કે, This was going to prove to be the best decision ever!