નવાં અનુભવ

ઓસ્ટ્રેલિયા

આ અઠવાડિયે રવિવારથી શરુ કરીને તદ્દન નવી વસ્તુઓ ટ્રાઈ કરી. જેમાંની સૌથી પહેલી રવિવારે સાંજે ‘ડિઝર્ટ પિઝા’ ટ્રાઈ કર્યો. અહીં ‘લિટલ સેઝર્સ’ નામની એક જગ્યા છે જે તેનાં  ‘ડિઝર્ટ પિઝા’ માટે પ્રખ્યાત છે.  ‘ડિઝર્ટપિઝા’ એટલે જે રીતે તેનું નામ છે એ જ રીતે એક  ડિઝર્ટ છે (ડિઝર્ટ = જમ્યા પછી ખવાતું ગળ્યું. દા.ત. આઈસ-ક્રીમ). આ પિઝામાં ચોકલેટ, કેરેમલ, હનીકોમ્બ, સ્ટ્રોબેરી, જામ વગેરે ઇન્ગ્રીડીયન્ટનાં વિવિધ કોમ્બીનેશનનાં ટોપિંગ હોય છે.  તેમનાં ડિઝર્ટ પિઝાનાં મેન્યુમાં લગભગ ૭-૮ જેટલી ચોઈસ છે. આ પિઝા ડિઝર્ટ છે અને એટલે તમે સાવ એકલાં ન ખાઈ શકો. બહુ ભારે પડે એટલે અમે ચાર મિત્રો વચ્ચે દરેકનાં ભાગે બે સ્લાઈસ આવે એ રીતે વહેંચ્યો હતો. અમે બ્લેક ફોરેસ્ટ ટ્રાઈ કર્યો હતો. જેને અતિશય ગળ્યું અતિશય ભાવતું હોય તેમનાં માટે એકદમ બરાબર છે. મને એટલી બધી મજા ન આવી જો કે. આવતી વખતે ત્યાં જઈશ ત્યારે કોઈ અલગ ફ્લેવર ટ્રાઈ કરીશ.

એ જ રાત્રે અમે ચારેય મિત્રો એક કાફેમાં ગયાં ડિનર પતાવીને. આ કાફે પણ એક અલગ પ્રકારનું હતું. અમે જ્યાં ગયાં હતાં એ એક બોર્ડગેમિંગ કાફે છે. ત્યાં તમને કોફી, ચા, હોટ ચોકલેટ, કોલ્ડ કોફી, કોલ્ડ ચોકલેટ જેવાં અલગ અલગ ડ્રિંક્સ મળે અને એ સિવાય ખાવા માટે ડિઝર્ટ અને સેન્ડવીચ મળી શકે. પણ, એ અગત્યનું નથી. ધ બેસ્ટ પાર્ટ ઈઝ, ત્યાં એક બહુ મોટું બોર્ડગેમ્સનું કલેક્શન છે. મોનોપોલી, પત્તાં, જેન્ગા, લ્યુડો, સાપ-સીડી, ટાઈમ-બોમ્બ, સ્ક્રેબલ વગેરે. તમારે ત્યાં ગેમ્સ રમવી હોય તો એ લોકો તમને એક કલાકનાં ૫.૫૦ ડોલર ચાર્જ કરે અને જો તમે અમુક નક્કી કલાકો ગાળવા માગતાં હો તો તમે અમુક પેકેજ પણ લઈ શકો. જેમ કે, એક ડ્રીંક અને ૨ કલાકનાં ગેમિંગ માટે તમને એ લોકો ૧૩ ડોલરનું પેકેજ કરી આપે અને ત્યાર પછીની દરેક કલાક ઉપર ૨.૫ ડોલર લાગે. બેસવાની પણ બે જૂદા પ્રકારની વ્યવસ્થાઓ. તમે ટેબલ ખુરશી ઉપર બેસી શકો અથવા પહેલાંની જેમ જમીન પર ચટ્ટાઈ પાથરેલી હોય ત્યાં. એ પાટ પ્રમાણમાં નીચી છે અને ત્યાં આસપાસ ઘણાં બધાં તકીયા વગેરે છે જેનાં પર ટેકો રાખી શકીએ. હું બહુ ઓલ્ડ-સ્કૂલ મૂડમાં આવી ગઈ એ જોઇને એટલે અમે બધાંએ નીચે બેસવાનું નક્કી કર્યું. લગભગ અઢી કલાક જેવું અમે ત્યાં બેઠાં. ૧૧ વાગ્યે એ લોકોએ કાફે બંધ કરવાનું શરુ કર્યું ત્યારે અમે ત્યાંથી નીકળ્યા. (This cafe: http://www.cafemyriade.com.au/) વાત વાતમાં ત્યાંનાં મેનેજર સાથે ‘મેજિક ધ ગેધરિંગ’ નામની એક કાર્ડ ગેમની વાત નીકળી. મેજિક એ એક સ્ટ્રેટેજી ગેમ છે. આખી ગેમ તો અહીં સમજાવી નહીં શકું પણ એ ગેમનાં જૂદા જૂદા પત્તા બજારમાં ઉપલબ્ધ છે અને ગેમનો મોટો ભાગ તમારો પોતાનો ડેક બનાવવો એ છે. પ્રમાણમાં અઘરી હોવાથી આ ગેમ બહુ પ્રખ્યાત નથી. મેં સ્ટોર-મેનેજરને પૂછ્યું તેમની પાસે તેનાં પત્તા હોય તો. પણ, તેણે ના પાડી. પણ, એ પોતે મેજિક રમે છે એટલે અમે તેની વાત કરવાં લાગ્યાં અને તેણે મને કહ્યું કે, આવતી વખતે તું આવે ત્યારે તારાં મેજિકનાં પત્તા લઇ આવજે અને અમારી વેબ-સાઈટ પર જે એડ્રેસ છે તેનાં પર ઈ-મેઈલ કરી દેજે એટલે હું પણ મારાં પત્તા લાવીશ. ટૂંકમાં, મારું ત્યાં ફરી જવાનું નક્કી છે. મારાં રસની જગ્યા છે.

ગઈ કાલે અહીં ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન-કપ નામની એક ઘોડાંની રેસ હતી. આ વર્ષ એ આ રેસનું ૧૫૨મું સેલિબ્રેશન હતું. દર વર્ષે નવેમ્બર મહિનાનાં બીજા મંગળવારે મેલબર્ન શહેરમાં આ સ્પર્ધાનું આયોજન થાય છે. આ રેસને બધાં ‘અ રેસ ધેટ સ્ટોપ્સ ધ નેશન’ તરીકે ઓળખે છે. મેલબર્ન આખું આ દિવસે બંધ હોય છે અને મેલબર્ન સિવાયનાં શહેરોમાં પણ તેનું સેલિબ્રેશન થાય છે. ઓસ્ટ્રેલિયામાં જુગાર લીગલ છે. એટલે, ઘણાં બધાં લોકો પોતાની પસંદગીનાં એક કે વધુ ઘોડાંઓ પર બેટ લગાવતાં હોય છે. તેની ટિકિટ તમને કોઈ પણ ન્યૂઝ-પેપર એજન્સીમાંથી મળી જાય. રેસનો ટાઈમ પર્થમાં બપોરે ૧૨ વાગ્યાનો છે. એટલે ઘણી બધી ઓફિસમાં લગભગ સાડા અગ્યાર વાગ્યે લન્ચ-બ્રેક પડી જાય. કર્મચારીઓ માટે ઓફિસમાં ખોરાક અને પીણાંનું આયોજન થયું હોય ત્યાં બધાં ભેગાં થાય. ઘણી લો-ફર્મ તો કર્મચારીઓને હાફ-ડે આપે એટલે બધાં પોતાનાં સહ-કર્મચારીઓ સાથે પીવાનું શરુ કરે અને પછી જેને જેમ મન પડે તેમ પોતાનાં મિત્રો સાથે અન્ય વિવિધ પબ્સમાં જાય. દરેક કંપનીની પોતાની રીત હોય તેમ કર્મચારીઓ સેલીબ્રેટ કરે. ઘણી બધી ઓફિસોમાં બેસ્ટડ્રેસ્ડ મેલ-ફીમેલ-કપલ માટે પ્રાઈઝ હોય. મેલબર્ન કપ પ્રમાણમાં રજવાડી ઇવેન્ટ હોવાથી તેનો ડ્રેસ-કોડ પણ તેવો હોય છે. આ વખતનો ખરેખરાં કપનાં વેન્યુનો ડ્રેસ-કોડ મેં જોયો હતો. ૧૪ વર્ષ કે વધુ ઉંમરનાં મેલ માટે સૂટ, ટાઈ અથવા બો-ટાઈ અને ડ્રેસ-શૂઝ અને ૧૪ કે વધુ વર્ષની ફીમેલ માટે ‘એપ્રોપ્રિએટ’ ડ્રેસ (જેનો મતલબ સામાન્ય રીતે સારાં ફ્રોક, જેકેટ વગેરે થાય છે) અને માથા પર હેટ અથવા ફેસીનેટર (માથાં પર પેલું પીછાં જેવું પહેરે તે) અને ડ્રેસ સાથે મેચિંગ શૂઝ તેવો હોય છે. ઘણી ઓફિસમાં ડ્રેસ માટે કોમ્પીટીશન હોય એટલે લોકો ખરેખર કપ જોવા જાય ત્યારે જેવાં કપડાં પહેરે તેવાં કપડાં પહેરીને જતાં હોય છે. મેં ગઈ કાલે એક ટર્કોઈઝ કલરનો વન-પીસ ડ્રેસ અને માથાં પર ચમકતાં હીરાંનાં બ્રોચવાળી હેર-બેન્ડ પહેરી હતી અને બ્લેક હાઈ હીલ્સ. બહુ મજા આવી હતી. જો કે, રેસ જોયા પછી એવું લાગ્યું કે ઓવર-હાઈપ્ડ છે. રેસ આખી ૩ મિનિટ ચાલી :P. મેં ફરિયાદ કરી એટલે બધાં કહે, બસ આટલું જ હોય. આમાં જાજુ ન હોય. એટલે, મેં કહ્યું તો એમ રાખો બીજું શું? બાકી વાઈન, ફૂડ અને બધાં સાથે મળીને ટાઈમ-પાસ કરવાની મજા આવી.

ગઈ કાલે રાત્રે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટામાં મોટો લોટો થયો. ૧૦૦ મિલિયન ડોલરનો! મેં ક્યારેય લોટરીની ટિકિટ લીધી નથી અને મને નથી ખબર કે, આ કઇ રીતે થાય છે. પછી મારી એક સહ-કર્મચારી મે (Yes, her name is May) અમારાં રૂમમાં આવી. એ આખાં ફ્લોર પર બધાં પાસે જતી હતી જેને કોઈને ૫ ડોલર નાંખવા હોય લોટરી ટિકિટનાં ફાળે તેનાં માટે. બધાં મૂડમાં હતાં. મનેય મજા આવી. લગભગ બધાંએ પૈસા આપ્યાં. કોઈએ ના ન પાડી. કારણ કે, અમને બધાંને મજા આવતી હતી. પૈસા ભેગાં થયાં તેમાંથી તે લોકોએ ૩ ટિકિટ લીધી. વળી, પાછું ટિકિટ લેવાં ગયાં ત્યારેય બહુ હસ્યાં અમે. અમારી એક સહ-કર્મચારી દાનાને હાથે ટિકિટ લેવાનું નક્કી કર્યું. કારણ બહુ જોરદાર હતું. દાનાએ હમણાં કંઇક એકાદા એશિયન દેશમાં જઈને ગરીબ બાળકો માટે શાળાનાં બાંધકામનું સારું કામ કર્યું ૧૫ દિવસ માટે અને એ બાળકોને ભણાવવાનું વોલન્ટરી કામ કર્યું. એટલે, બધાં કહે તેનાં કર્મ સારાં છે એટલે જો તેનાં હાથે ટિકિટ લઈશું તો આપણને બધાંને તેનાં કર્મનો ફાયદો થઇ શકે :P. ગઈ કાલે સાંજે લોટો થયો અને અમે બધાં દરેક વ્યક્તિને ફાળે ૨.૮૦ ડોલર આવે તેટલું જીત્યાં. અમે બહુ હસ્યાં. પછી મેએ બધાંને વિકલ્પ આપ્યો. જેને ૨.૮૦ ડોલર જોઈતાં હોય તે મે પાસેથી લઇ શકે છે અને બાકીનાં આવતાં અઠવાડિયે ૨૧ મિલિયનની લોટરી છે તેની ટિકિટ ખરીદવામાં ફાળો આપી શકે છે. પાંચ ડોલર તો આમેય મેં ગયા ખાતે જ ગણ્યા હતાં. અને મજા આવતી હતી. એટલે મેં ૨૧ મિલિયનની ટિકિટમાં ફાળો આપવાનું નક્કી કર્યું છે. ફિંગર્સ ક્રોસ્ડ. ઈટ ઈઝ નોટ ઓવર યેટ! :D

આ થઇ મારાં લેટેસ્ટ નવાં અનુભવોની વાત. આ રવિવારે હું પહેલી વાર સિડની જાઉં છું. એક અઠવાડિયા માટે. સોમ-શાનિ સવારે ૯થી સાંજે ૭ સુધી ટ્રેનીંગ હશે. પણ, હું ત્યાં રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ પહોંચીશ એટલે રવિવારની બપોર અને સાંજ રખડવા મળશે અને એ જ રીતે આવતાં રવિવારે મારી ફ્લાઈટ સાંજે પાંચ વાગ્યાની છે. એટલે, શનિવાર સાંજ અને રવિવાર સવાર અને બપોર રખડવાનું. ટ્રાવેલિંગ એ નવી વાત નથી, પણ, આમાં નવું એ છે કે, હું સાવ એકલી જાઉં છું. એક એવાં શહેરમાં જ્યાં હું કોઈને ઓળખતી નથી પહેલેથી. ફરીશ કે જે કંઈ કરીશ એ સાવ એકલાં કરીશ. અત્યાર સુધી ક્યારેય મેં કોઈ પબ-ક્લબમાં સાવ એકલાં પગ નથી મૂક્યો. ગઈ હોઉં ત્યારે ઓછાંમાં ઓછાં એક મિત્ર સાથે ગઈ હોઉં. પણ, સિડનીમાં આ નિયમ તોડવાની ઈચ્છા છે. જોઈએ હવે કે, એટલી હિંમત હું કેળવી શકું છું કે નહીં. આ અનુભવ બહુ નવો અને બહુ યાદગાર હશે તેવું અનુમાન કરું છું. હવે એ સારી રીતે નવો હોય કે થોડી ઓછી સારી રીતે એ તો સમય જ કહેશે.