એ રાત્રે મને બરાબર ઊંઘ ન આવી. સવારે અમે ઊઠ્યા ત્યારે બહાર વરસાદ ચાલુ હતો. મારો બાલ્કની રૂમ વરસાદમાં એટલો સુંદર લાગતો હતો કે, ક્યાંય જવાનું મન જ ન થાય! ત્યાં થોડી વાર આંટા મારીને મને રાત્રે આંખમાં પડતી ઝબૂક ઝબૂક થતી લીલી લાઈટનો ભેદ સમજાયો. અમારી શેરીનાં અંતે એક ટ્રાફિક સિગ્નલ હતું. અમારાં ઘર અને એ સિગ્નલ વચ્ચે ફક્ત એક ખાલી પ્લૉટ હતો એટલે એ સિગ્નલ બાલ્કની રુમની બારીમાંથી બરાબર સામે જ દેખાતું અને તેનું પ્લેસમેન્ટ કૈંક એવું હતું કે, એ લીલું થાય ત્યારે બારીમાંથી તેનો પ્રકાશ આખાં રુમમાં ફેલાઈ જાય અને લાલ કે પીળું થાય તો ખબર પણ ન પડે. આમ, લીલી લાઈટ લબુક-ઝબુક થતી હોય તેવું લાગ્યા કરે! રહસ્ય ઊકેલીને થોડીક વાર હું શર્લોક હોમ્સ જેવું મહેસૂસ કરવા લાગી.
એની વે, આ હતું અમારું ઍરબીએનબી! કેટલું સુંદર છે ને? :)
તૈયાર થઈને ફરવા નીકળતા પહેલા અમારે કૈંક ખાવું હતું. સૅમે પહેલેથી કૅફે અને રેસ્ટ્રોંનું લાબું લિસ્ટ બનાવી લીધેલું હતું એટલે તેમાંથી જ એક જગ્યા પસંદ કરવામાં આવી. અમારા ઍરબીએનબીથી ચાલીને દસેક મિનિટનાં અંતરે એક કૅફે હતું ત્યાં સુધી અમે ચાલી ગયા અને પહોંચ્યા ન્યુ ઓર્લીન્સનાં પ્રખ્યાત ‘મૅરિની’ વિસ્તારમાં. એ કૅફૅ સૅમે શોધ્યું હતું એટલે પોતાનું મગજ ચલાવ્યા વગર એ જ્યાં જાય એ તરફ હું અને પાર્થ ફક્ત તેને ફોલો કરી રહ્યા હતા. એ ચક્કરમાં એ કૅફેનું નામ પણ હવે મને યાદ નથી અને તેનાં લોકેશનની ગૂગલ પર પિન પણ નથી. એ વિસ્તારની સુંદરતા હતી અપરંપાર! ત્યાં એટલાં સુંદર જૂની ઢબનાં રંગબેરંગી ઘર હતા કે, ન પૂછો વાત! થોડી વાર તો એમ જ લાગે કે, જાણે હું પિક્સાર સ્ટૂડિયોઝનાં સેટ પર આવી ગઈ હોઉં. અમે પહોંચ્યા ત્યારે એ ધમધમતું હતું અને લોકો લાંબી લાઇન લગાવીને ઊભા હતા. પણ, હવે ત્યાં પહોંચી જ ગયા હતા અને લાઇન ઝડપથી આગળ વધતી દેખાઈ એટલે ત્યાં રાહ જ જોઈ લેવાનું નક્કી કર્યું. ત્યાં રાહ જોવાય તેટલાં સમયમાં મેં તેની સુંદરતા કૅમૅરામાં કેદ કરવાનું કામ કર્યું.
અમારો વારો આવ્યો અને અંદર બોલાવવામાં આવ્યા ત્યારે જોયું કે, લાઈન તો અંદર પણ કાઉન્ટર સુધી લંબાતી હતી. વારો આવ્યો હતો એ ટેબલ પર બેસવાનો નહોતો, અંદરની લાઈનમાં ઊભા રહેવાનો હતો! તેમની એક સિસ્ટમ હતી. કાઉન્ટર પર પહોંચો ત્યાં સુધીમાં તમારો ઑર્ડર નક્કી કરી રાખો, કાઉન્ટર પર પહોંચીને તરત ઑર્ડર આપો, રોકડાં પૈસા આપો (એ લોકો ત્યાં ફક્ત કૅશ લેતા હતા), ફરી સાઇડમાં ઊભા રહીને રાહ જુઓ, તમારી પાર્ટીનાં કદનું ટેબલ ખાલી થાય ત્યારે તમને એ ટેબલ આપવામાં આવે અને તમે ખુરશી પર બેસો તેની પાંચમી મિનિટે જમવાનું આવી ગયું હોય. કેટલું કાર્યક્ષમ તંત્ર! કાઉન્ટરનાં ‘કૅશ ઓન્લી’ અનુભવ પરથી અમને ખબર પડી કે, ન્યુ ઓર્લીન્સમાં આજની તારીખે પણ કાર્ડ કરતા કૅશનું ચલણ વધારે છે. ત્યાં અમે મોટી બધી બનાના-બ્રેડ જેવું કૈંક જોયું. તેનાં પર એકદમ ઘેરા જાંબલી, લીલા અને પીળાં રંગનું આઈસિંગ હતું. મને કુતુહલ તો થયું પણ, એ ખાવાનું તો મન નહોતું જ. આટલાં ઘેરાં રંગવાળી, દેખીતી રીતે જ સિન્થેટિક ફૂડ કલર નાંખીને બનાવેલી વસ્તુઓ જોઈને જ મારી ભૂખ મરી જાતી હોય છે. તેમાંયે મોટાં ભાગની અમૅરિકન બેકરી આઇટમ્સ એટલે ખાંડની દુકાન. તેમાં ભારોભાર ખાંડ સિવાય કૈં સ્વાદ જ ન આવે! અમને સમજાયું કે, આ કેકને માર્ડી ગ્રા સાથે કૈંક સંબંધ હોવો જોઈએ પણ, શું એ સમજાયું નહીં.
બ્રેકફસ્ટ પતાવીને સૌથી પહેલા તો અમારે માર્ડી ગ્રા પરેડ જોવા જવું હતું. આ પરેડમાં શું હશે, શું નહીં એ કૈં જ ખબર નહોતી. પહેલા તો અમને લાગ્યું હતું કે, આ કોઈ લોકલ ઉત્સવ હશે અને તેનાં સંબંધિત કોઈ પાર્ટી. પણ, ગૂગલ કરીને જોયું ત્યારે સમજાયું કે, માર્ડી ગ્રા એક ક્રિશ્ચિયન ધાર્મિક ઉત્સવ છે. ક્રીશ્ચિયાનિટીમાં ‘ઈસ્ટર’ એક મહત્ત્વનો દિવસ છે. ઈસ્ટરનાં દિવસે જીઝઝ પુનર્જીવિત થયા હોવાનું માનવામાં આવે છે. વિવિધ ક્રિશ્ચિયન સંપ્રદાયોમાં ઈસ્ટર પહેલા 40 થી 45 દિવસનો એક એવો સમય હોય છે જ્યારે, ક્રિશ્ચિયન લોકો પોતાની મન-પસંદ ખાવા કે પીવાની કોઈ વસ્તુનો ત્યાગ કરે છે, જેને ‘લેન્ટ’ કહેવાય છે. લેન્ટ શરુ થાય એ પહેલા ખાવા-પીવાની ઊજાણી અને કાર્નિવલ થાય છે જે, દુનિયાનાં ઘણાં ભાગોમાં માર્ડી ગ્રા (Mardi Gras) તરીકે ઓળખાય છે અને ન્યુ ઓર્લીન્સનો માર્ડી ગ્રા કાર્નિવલ દુનિયાનાં સૌથી પ્રખ્યાત માર્ડી ગ્રા સેલિબ્રેશન્સમાંનો એક છે. મને ઈસ્ટર વિષે ખબર હતી અને લેન્ટ વિષે પણ. પણ, આ ‘માર્ડી ગ્રા’નો તો કન્સેપ્ટ જ એ દિવસે પહેલી વાર જાણ્યો હતો! ન્યુ ઓર્લીન્સમાં માર્ડી ગ્રા એટલે આખું શહેર પાર્ટી-મય! અમારા જેવા પ્રવાસીઓ ઠેક-ઠેકાણેથી આ ઉત્સવ માટેન્યુ ઓર્લીન્સની મુલાકાત લે છે.
અમારો ઊબર ડ્રાઈવર ભલો માણસ હતો. તેણે અમને માર્ડી ગ્રા વિષે અને ન્યુ ઓર્લીન્સ વિષે ઘણી બધી માહિતિ આપી. અમે તો પરેડ એ સમયે જ્યાં થવાની હતી એ જગ્યાનું લોકેશન નાંખ્યું હતું. પણ, ડ્રાઈવરે અમને એક અન્ય સ્થળે મૂકી જવાનું સૂચન કર્યું. તેણે કહ્યું કે, અમારે જ્યાં જવું હતું ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તેટલી ભીડ એકઠી થઇ ગઈ હશે પણ એ અમને એક એવાં સ્થળે ઉતારશે જ્યાંથી પાંચ મિનિટ ચાલીને પરેડનાં સ્થળે જઈ શકાય અને ભીડ ઓછી હોય એટલે અમે આરામથી પરેડ જોઈ શકીએ. અમને તેનું સૂચન ગમ્યું. ડ્રાઈવરે અમને ઊતર્યા એ જગ્યાએ તો કોઈ ઉત્સવ જેવું કૈં લાગતું નહોતું પણ, તેણે કહ્યું હતું તેમ, પાંચેક મિનિટ ચાલતા જ લોકો દેખાવાનાં શરુ થઇ ગયા હતા. મુખ્ય માર્ગ આખો ખાલી હતો અને રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર લોકો પરેડની રાહ જોતા હતા. ઘણા બધા ખુરશીઓ લઈને આવ્યા હતા અને પોતાની સાથે ખાવા-પીવાનો સામાન પણ લાવ્યા હતા જે તેમણે ફોલ્ડિંગ ટેબલ્સ પર બિછાવેલો હતો. દરેક ઉંમરનાં લોકો હતા અને જેમ અમે આગળ વધતા જઈએ તેમ રસ્તો ભરાતો જતો હતો. ત્રણેક મિનિટ ચાલ્યા પછી અમે એક પુલની નીચેથી પસાર થયા અને ત્યાર પછી અમે જે જોયું એ એક અલગ જ અમૅરિકા હતું. આટલા બધા આફ્રિકન-અમૅરિકન લોકો એકસાથે અમે પહેલા ક્યારેય નહોતા જોયેલા. ત્યાં બેઠેલા ગોરા લોકો પણ સાન ફ્રાન્સિસકોમાં આમે જોવા ટેવાયેલા હતા તેનાંથી બિલકુલ અલગ પ્રકારનાં હતા! એ લોકો દેખીતી રીતે જ ગરીબ લાગતા હતા. કદાચ ગરીબ ન હોય તો પણ તેમણે પહેરેલાં કપડાં, તેમનાં હાથમાંની વસ્તુઓ, બધું જ નબળી કક્ષાનું જણાઈ આવતું હતું. સૅમે પણ આ નોંધ્યું.


અમે પહોંચ્યા તેની પંદરેક મિનિટમાં પરેડ શરુ થઇ. એ પણ એક અલગ જ અનુભવ હતો! સ્કુલનાં નાના નાના બાળકો અને ટીનેજર્સ પોતાનાં હાથમાં સમાય તેનાં કરતા પણ મોટાં વાજિંત્રો લઈને પરેડ કરી રહ્યા હતા અને તેમની સાથે ચિયર-લીડર ડાન્સ. સતત એક પછી એક જૂદી જૂદી સ્કૂલનાં વિદ્યાર્થીઓ આવતા જતા અને નવી ટયૂન વગાડતા જતા હતા. તેમની આગળ, પાછળ મોટાં મોટાં, અલગ અલગ થીમનાં ટ્રક જેવાં, વિવિધ આકાર અને કદનાં વાહનો પસાર થયા કરતાં અને તેમાં ઓછામાં ઓછા સોથી દોઢસો લોકો અલગ અલગ કોસ્ચ્યૂમમાં પ્રવાસ કરતા.
દરેક વાહનમાં અલગ અલગ સંગીત વાગતું રહેતું અને તેમાંથી ઘણી બધી વસ્તુઓની ફેંકીને પરેડ જોવા આવેલા લોકોને લ્હાણી કરવામાં આવતી – આપણે ત્યાં જૈન દીક્ષા મહોત્સવમાં થતી હોય છે તેવી રીતે. ફક્ત એટલો ફર્ક કે, આ કોઈ કિંમતી વસ્તુઓ નહોતી. સૌથી વધુ જે ફેંકવામાં આવતાં એ હતો પ્લાસ્ટિકનાં ચળકતાં બીડ્સનાં હાર. એટલાં બધાં હાર કે, આ ઉત્સવનું એ એક ચિહ્નન બની ગયું છે!
શરૂઆતમાં અમને આવી રીતે ફેંકેલી વસ્તુઓ લેવામાં છોછ થયો. પણ, પંદર વીસ મિનિટમાં જ અમે પણ એ પરંપરાનો ભાગ બની ગયા અને બીડ્સની ત્રણ ચાર માળાઓ, નાનકડી ઊછળતી દડી, નાના બાળકો જેનાં વડે ટિક-ટિક અવાજ કરી શકે તેવું રમકડું અને એવી ચાર-પાંચ ચિત્ર-વિચિત્ર વસ્તુઓનાં કૅચ પકડ્યાં. કહેવાની જરૂર ખરી કે, ત્યાં બાળકોને સૌથી વધુ મજા આવતી હતી? બાળકોને નવી વસ્તુ મળે એટલે એ લોકોને કૂદવા લાગતા! કેટલા બધા પોતાનાં ગાળામાં બીડ્સનાં હારનો જથ્થો એકઠો કરી રહ્યા હતા. ઠેક-ઠેકાણે પીળાં, જાંબલી અને લીલા રંગનાં કપડાં, પોસ્ટર, કોસ્ચ્યૂમ જોવા મળે એ તો અલગ. કેટલાંયે લોકો શેરીઓમાં પણ માસ્ક અને કોશ્ચ્યૂમ પહેરીને આંટા મારતા હતા. ઠેર ઠેર ખાવા-પીવાનાં સ્ટૉલ હતાં અને મુખ્ય માર્ગ પર આવેલાં કૅફે, બાર અને રેસ્ટ્રોંમાં તો ભીડનો પાર નહીં. આનંદ જ આનંદ હતો!
જેમ જેમ પરેડ માટે એક પછી એક જૂથ આવતા ગયા તેમ તેમ અમે બીજું ઘણું બધું નોંધવા લાગ્યા. પરેડનાં ગ્રૂપ કાળા અને ગોરા લોકોમાં વહેંચાયેલા હતા. કાળા લોકોનાં ગ્રૂપમાં ભાગ્યે બે-ત્રણ ટકા ગોરા જોવા મળતા અને ગોરા લોકોનાં ગ્રૂપમાં ભાગ્યે જ કાળા. આ વસ્તુ સ્કુલનાં બાળકો માટે પણ સત્ય હતી. રંગભેદ(racial segretation)ની નીતિ ભલે અમૅરિકામાં સિત્તેરનાં દશકમાં જ ખારિજ કરવામાં આવી હોય પણ, તેનાં પડછાયા 2020માં પણ ચોખ્ખાં દેખાતાં હતાં. એ બાળકોને જોઈને લાગતું હતું કે, હજુ ઓછામાં ઓછાં વીસ વર્ષ સુધી આ ભેદ મળશે. બીજું જોવાનું એ હતું કે, ત્યાં એશિયન લોકો તો લગભગ દેખાતા જ નહોતા. પરેડ પર્ફોર્મર્સમાં મેં માંડ ત્રણ કે ચાર ભારતીય જોયા હશે અને એ પણ ભારતીય હતા કે મૅક્સિકન એ ખાતરીપૂર્વક કહી ન શકાય. અમે એ પણ નોંધ્યું હતું કે, આફ્રિકન અમૅરિકન લોકો પોતાનાં ટ્રકમાંથી જાત જાતનાં રમકડાં ફેંકી રહ્યા હતા. પણ, ગોરા લોકો ફક્ત બીડ્સ.
અને છતાં પરેડનાં લોકો સાથે જ્યારે પ્રેક્ષકો ભળતા ત્યારે કોઈ ભેદભાવ ન રહ્યા હોય તેવું જ લાગતું.
અમારા પહોંચ્યાનાં દોઢ-બે કલાક પછી ત્યાં ચાલવાની જગ્યા પણ માંડ મળે તેટલી ભીડ થઇ ગઈ હતી અને અમને કકડીને ભૂખ લાગી હતી. સારું એવું મોડું પણ થઇ ગયું હતું એટલે અમે એક કૅફૅમાં ઘુસ્યા અને ફટાફટ જે મળ્યું તે ખાઈને ફરી બહાર. એ દિવસે અમે પરેડ જોતા જોતા ઓછામાં ઓછું બે માઈલ ચાલ્યા હોઈશું. આટલું ચાલીને અમને હતું કે, અમે પરેડની શરૂઆત સુધી પહોંચી જઈશું પણ, અમને ખબર નહોતી આ પરેડ કેટલી લાંબી હોય છે! ફક્ત એટલું થયું કે, અચાનક અમે અમીરોનાં વિસ્તારમાં આવી ગયા હતા. પરેડનાં સૌથી પહેલા બે ફોટોઝની સરખામણીએ નીચેનાં ફોટોઝ જુઓ. દેખાઈ આવે છે ને?
ત્યાં આખી બપોર પસાર કરીને સ્વાભાવિક રીતે જ અમે થાકી ગયા હતા અને પાછા ફરવા વિષે વિચારવા લાગ્યા. એ થાક અમે પરેડ જોવા આવેલા બાળકોની આંખમાં પણ જોયો. ટ્રકમાંથી વસ્તુઓ ફેંકાતી બંધ થઇ ગઈ હતી. પરેડની શરૂઆતમાં ભેગાં કરેલાં બીડ્સનાં હાર હવે એ લોકો પરેડનાં ટ્રકમાં પાછા ફેંકી રહ્યા હતા! એ સિવાય વૃક્ષો પર, ઉપરનાં ફોટોમાં છે તેમ ઘરની રેલિંગ પર, એ આખા રસ્તામાં ઠેર-ઠેર બીડ્સનાં હાર લટકતાં જોવા મળતાં હતાં!
હજુ તો અમારો પહેલો દિવસ પણ પૂરો નહોતો થયો અને અમે હજુ આગળ શું-શું જોવાનાં અને જાણવાનાં હતા તેની અમને ખબર પણ નહોતી!