છેલ્લા બે વર્ષથી હું અમેરિકા અને કૅનેડામાં અલગ અલગ સ્થળોએ પૂરજોશમાં ફરી રહી છું. પણ, આ બંનેમાંથી એક પણ દેશનાં એક પણ સ્થળની મુલાકાતનાં અનુભવ ક્યારેય એટલા અલગ નહોતાં કે તેનાં વિષે લખવાનું મન થાય. મોન્ટ્રિયાલની છેલ્લી પોસ્ટ પછી હું લંડન, વાનકુવર, હ્યુસ્ટન (ટેક્સસ), ન્યૂ યોર્ક, ઓરલાન્ડો (ડિઝની વર્લ્ડ અને હેરી પોટર વર્લ્ડ) અને સિયાટલ ફરી. એ ઉપરાંત અમુક રોડ ટ્રિપ્સ પણ કરી. ફક્ત સ્થળો અને બેકગ્રાઉન્ડ બદલાતાં રહેતાં. તેની ફીલ હંમેશા સમાન રહેતી. નાનું શહેર કે ગામ હોય તો થોડું ઘણું જોવા કરવાનું, થોડી નેચરલ બ્યૂટી ને એવું બધું અને મોટું શહેર હોય તો એ જ બધું – કલા કારીગરી, નાઇટલાઇફ અને શહેરનાં જાણીતાં લેન્ડમાર્ક અને અટ્રેક્શન્સ. આ બધી ટ્રિપ લગભગ પાંચ દિવસ કરતાં ઓછાં સમય માટે થતી. જેમ રામ લીલા જોઈને આપણને થયું હતું કે, આનાં કરતાં તો દીપિકા પાદુકોણનો ચણિયા-ચોલી ફોટોશૂટ જોઈ લીધો હોત, તેવી જ લાગણી તમને એ શહેરો પરની પોસ્ટ્સ વાંચીને આવત.
ટ્રાવેલિંગની એક ઘરેડ પડી ગઈ હતી. એ ત્યારે બદલાઈ જ્યારે મેં મારી છેલ્લી જૉબ બદલી જેનાં માટે વિઝા અપ્રૂવ કરાવવા મારે અમેરિકાથી બહાર જવું પડે તેમ હતું. પહેલાં તો મેં જેટલૅગ સહન ન કરવો પડે એ માટે કૅનેડા કે મેક્સિકો જઈને કામ પતાવવાનું નક્કી કર્યું. જ્યારથી આ ટ્રિપની વાત થતી હતી ત્યારથી હું મારાં પાર્ટનર સેમને કહેતી હતી કે, મારી સાથે ચાલ. પણ, તેનું કઈં નક્કી નહોતું. એક વખત તેણે હસતાં હસતાં કહ્યું હતું કે, તું જાપાન જઈશ તો હું તારી સાથે આવીશ.
સમજો કે, આજે સોમવાર છે. પછીનાં અઠવાડિયે લૉન્ગ વીકેન્ડ છે એટલે ગુરૂ – શુક્ર રાજા છે અને બુધવાર આવતાં અઠવાડિયાનો કામનો છેલ્લો દિવસ છે. આજે મારો એક અગત્યનો કાગળ સહી થઈને આવી ગયો છે અને સરકારની એક વેબસાઈટ અનુસાર મને મેક્સિકોમાં આવતાં અઠવાડિયે અપોઈન્ટમેન્ટ મળી શકે તેમ છે. એટલે મેં મારા મેનેજરને કહ્યું છે કે, આવતાં બુધવારે મારાં કામનો છેલ્લો દિવસ હશે. હવે હું ખરેખર અપોઈન્ટમેન્ટ બુક કરવાનું શરુ કરું છું અને આ વેબસાઈટ પ્રમાણે મને મેક્સિકોમાં આવતાં મહિના સુધી કોઈ અપોઈન્ટમેન્ટ મળી શકે તેમ નથી. હું કૅનૅડાની તારીખો જોઉં છું અને મને ત્યાં આવતાં બે મહિના સુધી કઈં મળે તેમ નથી. સિડની પણ ત્રણ અઠવાડિયાની રાહ જોવી પડે તેમ છે. સોમવારની રાત પડે છે અને મને ત્રણમાંથી ક્યાંયે અપોઈન્ટમેન્ટ નથી મળતી. તો હું લંડન અને જાપાનની તારીખો જોઉં છું અને એ બંને જગ્યાએ મને 2-3 દિવસમાં અપોઈન્ટમેન્ટ્સ મળી શકે તેમ છે. મંગળવારે ફરીથી તારીખો જોઉં છું અને હજુ પણ તેમાં કોઈ જ ફેરફાર નથી થતો. હવે ખરેખર જાપાન કે લંડન જવાનું થાય તેવી શક્યતા હતી!
હજુ કંઇ નક્કી નહોતું પણ સેમે એ જાણતાં સાથે જ બુદ્ધિ દોડાવીને એ જ બપોરે જાપાનનાં વિઝા માટે અપ્લાય કરવા માટે કાગળ ભેગાં કર્યાં. ઍમ્બેસી સાડા ચારે બંધ થતી હતી અને તેની પાસે તેનાં મિત્ર આશુનું એડ્રેસ નહોતું જેની વિઝા અપ્લાય કરવા માટે તેને જરૂર હતી. જો એ ઍમ્બેસી બંધ થતાં પહેલાં અપ્લાય કરે તો તેને પાંચ દિવસ પછી તેનો પાસપોર્ટ પાછો મળે. જો ન કરી શકે તો તેને એક દિવસ વધારે રાહ જોવી પડે. મેં તેને એક રસ્તો એ સૂઝાડ્યો કે, કોઈ હોટેલનું ઍડ્રેસ એપ્લિકેશનમાં ભરી દે. પણ, બરાબર ચાર વાગ્યે આશુ ઊઠ્યો અને સેમની વિઝા એપ્લિકેશન મુકાઈ ગઈ! એ સાંજે તેનાં હાઉઝમેટ અને મારાં પણ મિત્ર – અભીએ અમને જણાવ્યું કે, એ પણ આવતાં અઠવાડિયે કામ માટે ટોક્યો જાય તેની પૂરી શક્યતા છે.
મંગળવારે રાત્રે અને બુધવારે દિવસે મને કંઇ જ જોવા કે બુક કરવાનો સમય નહોતો કારણ કે, કામ પર એક જરૂરી પ્રોજેક્ટ બુધવાર સાંજ સુધીમાં પતવાનો હતો એટલે એ ખતમ થયા પછી બુધવારે રાત્રે મેં ફરીથી તારીખો જોઈ અને અંતે ઓસાકા પર જ નમતું મૂક્યું. હવે એ અપોઈન્ટમેન્ટ માટે તમે પૈસા ન ભરો ત્યાં સુધી એ વેબસાઈટ તમને સૌથી પહેલી અવેલેબલ અપોઈન્ટમેન્ટ જ બતાવે, તેનાં પછીનું કૅલેન્ડર ન બતાવે અને એક વખત પૈસા ભર્યા પછી તમારે એ જ શહેરની એ જ એમ્બેસીમાં જવું પડે. મેં પૈસા ભરી દીધાં અને પછી જોયું તો ઓસાકાની આવતાં અઠવાડિયે મંગળવાર કે બુધવારની જ અપોઈન્ટમેન્ટ મળતી હતી. ગુરુ કે શુક્રની મળતી જ નહોતી. સમયનો ફરક વગેરે ઉમેરીને જોઈએ તો મારે બુધવારની અપોઈન્ટમેન્ટ માટે પણ સોમવારે તો નીકળવું જ પડે તેમ હતું. એ માટે મારે શુક્રવારે જ કામ પતાવવું પડે. અને ત્યાં સુધીમાં તો સેમનો પાસપોર્ટ પણ પાછો ન આવે. મને થયું માર્યાં! બુધવારની રાત તો થઈ પણ ગઈ હતી! હવે મારી પાસે બે ઓપ્શન હતાં. બેસ્ટ કેસમાં હું એ જ અઠવાડિયે કામ પતાવીને વીકેન્ડ પર જ નીકળી જાઉં અને પછીનાં અઠવાડિયે વિઝાનું બધું પતાવી દઉં અથવા એક અઠવાડિયા માટે મારી આખી પ્રોસેસ પાછળ ઠેલાય પણ મેનેજરને મેં શરૂઆતમાં જે શેડ્યુલ કહ્યું હતું એ જ શેડયુલ પર બધું પતે અને ત્યાં સુધીમાં સેમનો પાસપોર્ટ પણ પાછો આવી જાય પણ, એમ કરું તો હું નવું કામ શરૂ કરીને જે ક્રિસમસ બ્રેક લેવા ઈચ્છતી હતી એ ન લઈ શકું કારણ કે, નવા કામમાં પૂરતો સમય ન પસાર થયો હોય. મેં સેમને પૂછ્યું તો તેનો મત હતો કે, મારે તેનાં વિશે ન વિચારવું જોઈએ અને વહેલામાં વહેલું નીકળી જવું જોઈએ. રાત્રે બાર વાગ્યે મેં પહેલું કામ કર્યું મારા મેનેજરને મેસેજ કરવાનું. મેં તેને મારી પરિસ્થિતિ જણાવી અને પૂછ્યું કે, કામ પર કાલે કે પરમ દિવસે મારો છેલ્લો દિવસ હોય તો ચાલે? તેણે ધાર્યાં પ્રમાણે ગુરુવારે સવારે મને જણાવ્યું કે, મારે પોતાનાં માટે જે સૌથી સારું હોય એ જ કરવું અને તેનો મતલબ એવો હોય કે મારે આજે જ કામ છોડવું પડે તો તેમાં કોઈ વાંધો નહીં! બસ પછી તો એ જ દિવસે કામ પર બધો ખેલ આટોપીને મારી શનિવારની ટિકિટ પણ બુક થઈ ગઈ.
રાત્રે અમે મળ્યાં ત્યારે અભિએ અમને જણાવ્યું કે, તેનું આવતાં અઠવાડિયે ટોક્યો જવાનું પાક્કું થઈ ગયું. હવે અભી, હું, સેમનો ટોક્યો – નિવાસી મિત્ર આશુ (જે અભી અને મારો પણ મિત્ર બની ગયો હતો) અને તેની પત્ની શ્રી થોડાં તો થોડાં દિવસ પણ મળીને ટોક્યો જલસા કરવાનાં હતાં! મને પહેલેથી ખાતરી હતી કે, સેમ છેલ્લી ઘડીએ મગજ લડાવીને કઈંક ગોઠવી લેશે અને એવું જ થયું. તેણે પણ પોતાનો પ્લાન અંતે બનાવી જ લીધો.
ગુરુવારે મેં ટિકિટ બુક કરી અને શનિવારે હું પ્લેનમાં હતી. શુક્રવાર રાત સુધી મારી હોટેલ પણ બુક નહોતી થઇ. કારણ કે, બધાંનાં ફાઈનલ પ્લાન અમે શુક્રવાર સુધી નક્કી નહોતાં કર્યાં. અંતે નક્કી થયું કે, ઓસાકામાં હું રવિવારથી બુધવારની બપોર સુધી રહેવાની હતી. બુધવારે રાત્રે હું ટોક્યો પહોંચવાની હતી. સેમ ગુરુવારે બપોરે ટોક્યો લૅન્ડ થવાનો હતો અને અભી શુક્રવારે બપોરે. ત્યાર પછીનાં દસ દિવસ અમે થોડો સમય સાથે અને થોડો સમય અમારી રીતે અલગ ટ્રાવેલ કરવાનાં હતાં. આમ બહુ વખત પછી મને ટ્રાવેલિંગમાં એડવેન્ચર વાળી ફીલ આવી! :)
બાકીની વાત રાબેતા મુજબ to be continued …