મોન્ટ્રિયાલ – 2

કેનેડા, મોન્ટ્રિયાલ

પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.

મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં.

રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા.

એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો!

એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું.

ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ.

એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં!

સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા.

ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું,
“તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?”
“હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.”
“રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.”
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી.

અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા.

એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું.

એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો.

લોસ એન્જેલસ -૧

અમેરિકા, લોસ એન્જેલસ

હોસ્ટેલ નજીક પહોંચતા જ સૌથી પહેલી વસ્તુ મેં નોટિસ કરી એ હતી ગાંજાની ખૂબ તીવ્ર વાસ. પહેલાં તો મને થયું કે, આ વાસ હોસ્ટેલનાં ફ્રન્ટ-યાર્ડમાંથી આવતી હોવી જોઈએ. ફ્રન્ટ યાર્ડમાં એક પેટીઓ અને ઘણી બધી બેઠકોની વ્યવસ્થા હતી એટલે, મોટાં ભાગે બધાં ત્યાં જ હેન્ગ-આઉટ કરતાં. પણ, હોસ્ટેલનાં દરવાજામાં પગ મૂકતાં જ વાસ બંધ થઇ ગઈ. ત્યારે સમજાયું કે, વાસ ખરેખર બાજુનાં પાર્કિંગ લોટમાંથી આવતી હતી. પછી ચેક-ઇન વગેરે પતાવીને મને મારાં રૂમની ચાવી અને એક ફ્રેશ બેડ-શીટ આપવામાં આવ્યાં. મારો ડોર્મ છ બેડનો ફીમેલ-ડોર્મ હતો. અંદર જતાં જ હું સ્વીડનની બે છોકરીઓને મળી. એ બંનેએ હાઈસ્કૂલ પતાવી જ હતી અને વર્લ્ડ ટ્રાવેલ કરી રહી હતી. તેમનાં ટ્રાવેલ-પ્લાન્સ પૂછતાં મેં મારી બેગ્સ લોકરમાં ગોઠવી. બેકપેકિંગમાં નવા નિશાળીયા હતાં એટલે બાકીનાં લોકોની ઘણી બેગ્સ રૂમમાં પથરાયેલી જોવાં છતાં અમે બધી બેગ્સ લોકરમાં ગોઠવવા મથ્યા. બેગ્સ બધે જાતે જ ઊંચકવાની હતી એટલે સમજીને મેં વજન ૩ નાની બેગમાં વિભાજીત કરી દીધેલું. એક નાનું બેક-પેક, એક જીમ-બેગ સાઈઝની બેગ અને બીજી તેનાંથી થોડી નાની પણ પૂરતી મોટી એવી મારી હેન્ડ-બેગ.

લોકરમાં ત્રણે વસ્તુ તો કોઈ કાળે સમાય તેમ નહોતી અને પાસપોર્ટ વગેરે કિમતી ચીજો બધી હેન્ડ-બેગમાં જ હતી. એટલે, એ હેન્ડ-બેગ અને જિમ-બેગ મેં લોકરમાં મૂક્યા અને બેકપેક કે, જેમાં ખાલી થોડાં કપડાં જ હતાં એ બહાર રાખી.  આ પતાવીને સૌથી પહેલું કામ વાઈ-ફાઈનો લાભ લઈને પેરેન્ટ્સ અને અમુક નજીકનાં ફ્રેન્ડ્સ સાથે ટેક્સ્ટ મેસેજિસમાં થોડી વાત કરવાનું કર્યું. પછી નાહીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ શરીર થાકેલું હોવા છતાંયે મનને સૂર્ય આથમ્યા પહેલાં ઊંઘવું નહોતું. વત્તા નવાં દેશનાં નવાં શહેરમાં પહેલો દિવસ હતો. અંતે શરીરે હાર માનવી પડી અને હું તૈયાર થઈને બહાર નીકળી. મારી હોસ્ટેલ બરાબર હોલિવૂડ બોલેવાર્ડ પર હતી એટલે થોડું ચાલીને જતાં તરત બધાં ટૂરિસ્ટ એરિયા આવે. વળી, હોસ્ટેલે શહેરની જોવાલાયક જગ્યાઓનું એક લિસ્ટ, હોસ્ટેલથી ત્યાં કઈ રીતે પહોંચાય તેનું જનરલ ડિરેક્શન અને હોસ્ટેલની આસપાસની શેરીઓ અને ત્યાંની ખાવા પીવાની જગ્યાઓનો એક નકશો એવું એક એ-ફોર પેઇજ તૈયાર કરીને રાખ્યું હતું અને એ બધાંને આપવામાં આવતું. એટલે, એ નકશા વગેરે રીફર કરીને એ દિવસે મોડી બપોરથી સાંજ સુધી હું હોલિવૂડ બોલેવાર્ડ આસપાસ ફરી. ત્યાંથી ફાર્મર્સ માર્કેટ અને ધ કોવ નામનાં એક શોપિંગ સેન્ટર તરફ ગઈ. અને રાત્રે જમીને હોસ્ટેલ પાછી ફરી. સાંજ સુધીમાં દરેક જગ્યાએ વીડની જબરી સ્મેલથી હું ટેવાઈ ગઈ હતી. એ રાત્રે ત્યાં કોમન એરિયામાં કોમેડી-નાઈટ હતી એટલે ત્યાં જઈને લોકોને મળવાનું વિચાર્યું. ત્યાં અમુક લોકો સાથે સારું જામ્યું પણ સાડા દસ આસપાસ મારું શરીર હાર માનવા લાગ્યું હતું એટલે અધવચ્ચેથી જ મારે ઊઠી જવું પડ્યું અને રૂમમાં જઈને હું ઊંઘી ગઈ. થાક અતિશય લાગ્યો હતો એટલે ઊંઘ તરત આવી ગઈ અને વહેલું પડ્યું સવાર.

એ દિવસે પહેલાં તો નીચે કિચનમાં ફ્રી-બ્રેકફસ્ટનો લાભ ઊઠાવવામાં આવ્યો. ત્યાં હું આસપાસ બેઠેલાં લોકો સાથે વાત કરતી હતી તેવામાં મારું ધ્યાન એક યુવાન તરફ પડ્યું. એ પર્થથી હતો એ તો પાક્કી વાત હતી પણ તેને મેં ક્યાં જોયો છે એ મને યાદ નહોતું આવતું. દસેક મિનિટ રહીને મેં તેને કહ્યું “Hey excuse me! I think I have seen you somewhere but I don’t know where. You are from Perth aren’t you? Shit! You are Josh’s friend? Did you stay at his place for a little while or something?” અને મારું અનુમાન સાચું નીકળ્યું. એ બંદો મારાં મિત્ર જોશુઆનો ફ્રેન્ડ હતો. દુનિયા કેટલી મોટી છે અને છતાંયે કેટલી નાની છે! કોને ખબર ક્યારે કોણ ક્યાં મળી જાય. પછી તો તેની સાથે થોડી વાત કરીને હું મારાં રૂમમાં ગઈ નાહીને તૈયાર થવા. હવેનાં બે દિવસનો પ્લાન થોડો સરખો કરવાનો હતો. મગળવારે સાંટા મોનિકા અને વેનિસ બીચ સુધી ફ્રી શટલ બસ જવાની હતી એટલે મંગળવારે મેં ત્યાં જવા માટે નામ નોંધાવ્યું અને સોમવારે યુનિવર્સલ સ્ટુડીઓ જવાનું નક્કી કર્યું. એ દિવસ વાદળછાયો હતો એટલે સ્ટુડીઓ જવું કે નહીં તે વિશે રિસેપ્શન પર પૂછ્યું. પણ, તેમણે કહ્યું આ એલ.એ.નું નોર્મલ વેધર છે. થોડાં સમયમાં તડકો નીકળશે અને  મારે જવું જ હોય તો બને તેટલુ વહેલું નીકળવું જોઈએ.

હું તરત રૂમમાંથી મારો કેમેરા અને એક જમ્પર લઈને હોલિવૂડ હાઈલેન્ડ સ્ટેશન પહોંચી. ત્યાંથી નોર્થ હોલિવૂડ તરફ જતી ટ્રેઈનમાં પહેલું જ સ્ટોપ હતું ‘યુનિવર્સલ’. ત્યાં ઊતરીને રોડ ક્રોસ કરીને સ્ટુડીઓ માટેની શટલ બસમાં હું પહોંચી યુનિવર્સલ સિટી. સ્ટુડીઓ ખૂલવાને હજુ વીસેક  મિનિટની વાર હતી એટલે મારો પહોંચવાનો સમય એકદમ આદર્શ પૂરવાર થયો હતો. મોટાં ભાગની રાઇડ્સ અને શોઝમાં મારે બહુ લાંબી લાઈનમાં રાહ ન જોવી પડી. સ્ટૂડીઓ ખરેખર અદ્ભુત જગ્યા છે. સ્પોંજબોબ, મીનીયન્સ, ધ સિમ્પ્સ્ન્સ, શ્રેક વગેરેએ મારાંમાંનાં બાળકને જગાડી દીધું હતું. સ્ટુડીઓ ટૂર અને ત્યારે વચ્ચે આવતું કિંગ-કોન્ગ સિમ્યુલેશન અને જુરાસિક પાર્ક રાઈડે મારી પાસેથી થોડી રાડો પણ પડાવી હતી અને પછી ખૂબ હસાવી હતી. આ ઉપરાંત હાલોવીન નજીક હોવાને કારણે બધે એ થીમનાં ડેકોરેશન કરવામાં આવેલાં હતાં. યુનિવર્સલ સ્ટુડીઓ જતાં હો તો લન્ચ/ડીનર યુનિવર્સલ સિટીમાં જ કરવાનું રાખવું. સિટીમાં ઓપ્શન્સ ઘણાં વધુ છે અને ફૂડ-ક્વોલિટી પણ સ્ટુડીઓ કરતાં સારી લાગી. મેં આમ ન કરવાનું પરિણામ ભોગવ્યું હતું એટલે ખાસ કહું છું. બપોરે બે વાગ્યા સુધીમાં તો મારો સ્ટુડીઓનો ક્વોટા પૂરો થઇ ગયો હતો અને હું સિટીમાં ફરીને મારાં નેક્સ્ટ ડેસ્ટીનેશન સાંટી એલી માર્કેટ તરફ જવા તૈયાર હતી.

યુનિવર્સલ સ્ટેશનથી હાઈલેન્ડ તરફ જતી ટ્રેઈનમાં જ લગભગ એકાદ કલાકે આવે સેવેન્થ સ્ટ્રીટ સ્ટેશન. હું બરાબર રસ્તે છું એ કન્ફર્મ કરતાં યુનિવર્સલ સ્ટેશન પર મારી એક આફ્રિકન-અમેરિકન યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત થવા લાગી. અમે ટ્રેનમાં પણ પાસે બેઠાં હતાં. એ યુવાનને પાઈલટ બનવું હતું અને આખી દુનિયામાં ફરવું હતું. તેને ઓસ્ટ્રેલિયા વિશે મને પૂછ્યું. તેની ગર્લફ્રેન્ડને કોલેજ જવાનું કહેવા અને તેનાં ફાયદા વિશે મને કહેવાનું કહ્યું. એ છોકરી હાઈ=સ્કૂલનાં ફાઈનલ વર્ષમાં હતી કદાચ. એ બંને ત્રણેક સ્ટેશન પછી ઊતરી ગયાં અને મેં દસેક મિનિટનું ઝોકું ખાધું. મારાં સ્ટેશન પર ઊતરીને ત્યાંથી મારે કનેકટિંગ બસ લેવાની હતી. એ સ્ટેશન પરથી બહાર નીકળીને જાણે મેં એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો. ડાઉનટાઉન એલ.એ.માં મારો પ્રવેશ થયો હતો અને એ જાણે એક નવી જ દુનિયા હતી. સિટીનું બિઝનેસ સેન્ટર અને આગળ વધુ અંદર જતાં જૂનાં ધૂળિયા બિલ્ડિંગ, જૂની દૂકાનો, જૂની દિલ્હી કે જૂનાં રાજકોટ જેવી જ કંઇક ફીલ હતી ત્યાંની. સેન્ટી એલી માર્કેટ્સનો દેખાવ કંઇક બોમ્બેનાં લિન્કિંગ રોડ કે ફેશન સ્ટ્રીટ જેવો છે. ત્રણ-ચાર શેરીઓમાં છવાયેલી ઘણી બધી નાની દુકાનો એક પછી એક આવતી જાય. દુકાનો પણ ન કહેવાય એ. ટેન્ટ જેવું કંઇક. આ માર્કેટ્સ મુખ્યત્ત્વે સાઉથ અમેરિકન્સ અને ચાઈનીઝ દુકાનદારોની છે. ત્યાં અને તેની આસપાસનાં વિસ્તારમાં મેં કુલ બે કલાક જેટલો સમય વિતાવ્યો. છ વાગ્યાની આસપાસ તો દુકાનો બંધ થવા લાગી અને હું હોસ્ટેલ તરફ પાછી ફરી. હોસ્ટેલ પહોંચતાં સુધીમાં સાડા સાત જેવું થઇ ગયું હતું અને એ દિવસે મારે હાર્ડ-રોક કાફેમાં ડીનર માટે જવું હતું. રૂમમાં કેમેરા-બેગ મૂકીને હું ફ્રન્ટ-યાર્ડમાં આવી અને ત્યાં મેં આગલી રાત્રે વાત કરી હતી તેમાંનાં બે જણને જોયાં અને તેમને પૂછ્યું જો તેમણે ડીનર ન કર્યું હોય અને તેમને મારી સાથે હાર્ડ-રોક આવવું હોય તો. એ તરત તૈયાર થઇ ગયાં અને તેમની સાથે તેમનો એક ત્રીજો મિત્ર પણ.

પછી તો અમે ચાર – હું, અહલમ, જેઇમ્સ અને ડાન હાર્ડ રોક ગયાં. ત્યાં સ્વાભાવિક રીતે જ ડ્રિન્ક્સ પ્રીમિયમ ભાવે હોવાનાં એટલે ડીનર અને ડ્રિન્ક્સનો એક રાઉન્ડ પતાવીને અમે બીજા કોઈ લોકલ નાના બારમાં જવાનું વિચાર્યું. જેઇમ્સે ત્યારે અમારી હોસ્ટેલની બરાબર સામે હોલિવૂડ બોલેવાર્ડ પર એક બાર હતો તે યાદ કર્યો અને અમે ચારે ત્યાં ગયાં. ત્યાં ડ્રિન્ક્સ સસ્તા તો હતાં જ, પણ વાતાવરણ પણ ઘણું જીવંત હતું અને ક્રાઉડ બધું લગભગ યુવાન હતું. આ ઉપરાંત હેપી આવર ચાલુ હતો એટલે બડવાઈઝર અથવા બડવાઈઝર લાઈટની એક બકેટ – પાંચ બોટલ્સ ચૌદ ડોલરમાં સ્પેશ્યલમાં હતી. બેકપેકર્સને બીજું શું જોઈએ! અહલમ સિગરેટ પીતી હતી એટલે અમે બહાર બેઠાં. જ્યારે પણ તેને ફૂંકવી હોય ત્યારે એ ઊભી થઈને સાઈડમાં ચાલી જતી. પહેલી બકેટ ખતમ થયા પછી અહલમે એક રાઉન્ડ શોટ્સનો ઓર્ડર કર્યો. બસ, આનાંથી વધુ એ રાત્રે મારે જાગવું નહોતું અને હું આખો દિવસ રખડીને થાકી પણ ખૂબ ગયેલી એટલે હું બારવાગ્યા આસપાસ જતી રહી હતી. પછીનાં દિવસે વહેલી સવારે જેઇમ્સ એલ.એ.થી ન્યુ-યોર્ક જવા નીકળવાનો હતો. અહલમ મારી સાથે બીચ પર આવવાની હતી અને અમે સવારે કિચનમાં મળવાનાં હતાં. શટલ બસનો નીકળવાનો સમય સવારે દસ વાગ્યાનો હતો.