પર્થ સિટી સેન્ટરથી લગભગ અઢી કલાકે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હો તો બન્બરી આવે. બન્બરી વિચારુ ત્યારે તેને સંગત એક જ શબ્દ મગજમાં આવે છે- જલસા. બન્બરી હું બે વખત ગયેલી છું અને હજુ લાખો વખત જાઉં તો પણ કંટાળો ન આવે તેવી જગ્યા છે એ. એ એક નાનું ગામ છે. કલાક એકમાં તો તમે કારમાં આખું ગામ ફરી લો એટલું નાનું! સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની જેમ જ અહીં પણ બહુ એટલે બહુ સરસ બીચ આવેલાં છે.
ત્યાંથી વધુ નીચે દક્ષિણમાં જાઓ એટલે લગભગ દોઢ કલાકે ‘બસલટન’ નામનું એક ગામ આવે. અહીં એક જેટી આવેલી છે. દક્ષિણ ધ્રુવની એ સૌથી મોટી જેટી છે અને દુનિયાની ચોથી સૌથી મોટી જેટી. Busseltton ગૂગલ કરો એટલે અને ‘ઈમેજીસ’માં જશો એટલે જે ૪ ઘરના ફોટા જોવા મળે છે એ બરાબર આ જેટી પર આવેલાં છે. એ બસલટનનો સિગ્નેચર ફોટો છે. ત્યાંથી બરાબર દોઢ કલાક જેટલું આગળ જાઓ ત્યારે યેલિન્ગપ, અગસ્ટા અને યાન્ચેપ જેવા ‘માર્ગરેટ રીવર’ના વિસ્તાર આવેલાં છે. બન્બરીથી આગળનાં બધાં જ રસ્તા એવા છે કે, તમે ગમે તે સેકન્ડે કારની બહાર જુઓ તો એક પિક્ચર પરફેક્ટ ફ્રેમ જોવા મળે.
બસલટનથી યેલીન્ગપના રસ્તે તમે ગમે ત્યાં ગાડી રોકો ત્યાંથી ૧૦ મિનીટ દૂર તમને એવું કોઈ દ્રશ્ય જોવા મળે જ્યાં મોટાં લાંબા પથ્થર અને દરિયો હોય. દરેક દિશામાં બસ દીવાલે ટાંગી શકાય તેવાં લેન્ડસ્કેપ! અહીં દરિયા ઉપરાંત માર્ગરેટ રિવર વિસ્તારમાં ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં અંદર જઈને જોઈ શકાય છે. તેની ટૂર્સ થાય છે. આ ઉપરાંત માર્ગરેટ રીવારની વાઈન્સ પણ બહુ પ્રખ્યાત છે. અહીં આખો આખો દિવસ ફક્ત વાઈન ચાખતાં નીકળી જાય તેવી વાઈન-ટૂર્સ થાય છે. આ ઉપરાંત અહીં એક ચોકલેટ ફેક્ટરી છે. ચોકલેટ્સનું સ્વર્ગ!
પણ ગમે ત્યાં જાઓ, સાંજે ૫-૬ વાગ્યા પછી બધું બંધ! ફક્ત રેસ્ટોરાં અને પિઝ્ઝા હટ જેવી ખાવાનું મળે તેવી જગ્યાઓ ૯-૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અહીં ૨-૩ દિવસ કે વધુ સમય માટે રહેવું અને આજુબાજુની જગ્યાઓ ફરીને નવી જગ્યાઓ શોધવી હોય તો રહેવા માટે હોલીડે-હોમ્સ સૌથી લોકપ્રિય રસ્તો છે. તમે આ ઘર અમુક સમય માટે ભાડા પર લઈને અહીં રહી શકો છો અને તેમાં જોઈએ તેવો અને જોઈએ તેટલો luxurious વિકલ્પ પસંદ કરી શકો છો! બાકી જો ખરેખર એડવેન્ચરમાં રસ હોય તો કેમ્પીંગ! ઘણાં બધાં વિસ્તારોમાં જંગલમાં કેમ્પીંગ કરવાની છૂટ મળે છે. તમે ‘કેમ્પ સાઈટ્સ’ ભાડે લઇ શકો અને ત્યાં કેમ્પ નાખીને, પોતાનાં ફળ તોડવા, જમવા માટે શિકાર, પોતાનાં લાકડા કાપવાં જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. (મેં હજુ કરી નથી પણ કરવાની ઈચ્છા પૂરેપૂરી છે.)
બસ, હજુ સુધી મે આટલું જ ફર્યું છે. હજુ આગળ વધુ દૂર દક્ષિણમાં આલ્બની અને એસ્પ્રન્સ સુધી જવાની વાત ચાલી રહી છે. કદાચ જુલાઈનાં પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જશું તેવું અત્યારે તો લાગે છે. પછી જોઈએ આ સંઘ કાશી પહોંચે છે કે નહીં!