મેઘધનુષ્ય અને હું

નિબંધ, પર્થ

મેઘધનુષ – રેઈનબો એ સમગ્ર દુનિયામાં ગે-પ્રાઈડનું એલ.જી.બી.ટી કમ્યુનિટીનું ચિહ્ન છે. આ મેઘધનુષનો મતલબ મારાં માટે રોજબરોજનાં જીવનમાં શું છે એ અહીં કહીશ. બીઈંગ ગે એન્ડ વોટ ઈટ મીન્સ ટુ મી. આ પહેલાં લખેલી વાત ગ્લોબલ હતી. પરિસ્થિતિનું બહુ સામાન્ય વૈશ્વિક અને સામાજિક સ્તરે વર્ણન અને એક નાગરિક તરીકે મારાં માટે તેનો મતલબ શું છે તેની વાત. જ્યારે આ પોસ્ટ એ મારાં અંગત અનુભવોની અને અન્ય મિત્રો પાસે સાંભળેલાં તેમનાં અનુભવોની વાત છે. આ વાત એક વ્યક્તિ તરીકે, એક પ્રવાસી તરીકે મેં મારી આસ-પાસનાં ગે,લેસ્બિયન અને બાઇસેક્શુઅલ્સમાં જોયેલાં વ્યક્તિગત આયામો અને અંગત લાગણીઓની છે.

શરૂઆત કરું મલિસ્સાથી. આગળની પોસ્ટમાં કહ્યું હતું તેમ આ વ્યક્તિ શું છે, શું નહીં એ મને હજુયે ખબર નથી પડી. એ હંમેશા ખુલતું શર્ટ અને જીન્સ પહેરતી. એકવડો બાંધો, વાળમાં ડ્રેડલોકસ, થોડો ઘાટો અવાજ અને મોં પર થોડાં એકદમ આછી મૂંછ જેવાં શેવ ન કરેલાં વાળ. તેની એક્સ ગર્લફ્રેન્ડસ વિષે મેં સાંભળ્યું હતું. વ્યક્તિ તરીકે મલિસ્સા બહુ મસ્ત હતી. સોશિયલ એક્ટીવિઝમમાં આગળ પડતી.  ગિલ્ડમાં વિમેન્સ કલેકટીવ અને એવું પણ ઘણું બધું હતું. તેને મળી ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. કંઈ કામ મળતું નહોતું. એ યુનીવર્સીટીમાં જૂદા-જૂદા ઘણાં લોકો સાથે મારી ઓળખાણ કરાવતી અને જો તેમનાં પાસે મારાં લાયક કંઈ કામ હોય તો મને જણાવવા ભલામણ પણ કરતી. અમે એક વખત લગ્નની વાત કરતાં હતાં ત્યારે તેણે કહ્યું હતું એ મને યાદ છે કે, મારાં માતા-પિતા છેલ્લાં ૨૦ વર્ષથી સાથે છે. તેમની સહમતિથી સાથે છે. કોઈ પ્રકારનાં લગ્ન વિના! મલિસ્સા પોતે લેસ્બિયન હતી કે ટ્રાન્સજેન્ડર એ મને આજ સુધી ખબર નથી પડી. આ બધું પૂછવામાં હું બહ છોછ અનુભવું છું અંગત રીતે. વળી, એ વ્યક્તિ તરીકે શું છે તે જાણવું મારાં માટે પૂરતું હતું. એટલે બાકીનું કંઈ જાણવાની મને જરૂર પણ નહોતી લાગી.

વેલેરી બાઇસેક્શુઅલ છે. તે એકદમ ફેમિનીન છે. મલિસ્સાને જોઉં તો આજે મને અંદાજ આવી જાય કે તે કદાચ બુચ લેસ્બિયન (‘બુચ’ એ છોકરીઓ માટે વપરાય છે જેની ઓવરઓલ સ્ટાઈલ છોકરાઓ જેવી હોય. ટીપીકલી ટૂંકા વાળ, શર્ટ અને પેન્ટ અને બોલ-ચાલની સ્ટાઈલ પણ છોકરાઓ જેવી) છે. પણ, વેલેરીને આમ ને આમ રસ્તામાં જોઉં તો ખબર ન પડે. મને સૌથી પહેલી વાર અને પછીની દરેક વાર જ્યાં સુધી હું બહુ લોકોને ઓળખતી નહીં ત્યારે ક્લબિંગ લઇ જવાવાળી તે. તે મને તેની નાની બહેનની જેમ રાખે. કલબ્સમાં મારાં પર કોઈ વિચિત્ર છોકરાઓ હિટ ન કરે, કોઈ તકલીફ ન પડે મને તેનું ધ્યાન હંમેશા તે રાખતી. છેલ્લે એકાદ મહિના પહેલાં ક્લબ ગયા ત્યારે મારી વિંગ-ગર્લ એ હતી. તેનો અવાજ એકદમ તીણો છે. જો એ ઍલેક્સ સાથે ન હોત તો કોઈ છોકરી સાથે હોત. એ છોકરીનો ફોટો તેણે મને દેખાડ્યો છે. જ્યારે, વેલેરીનો બોયફ્રેન્ડ અને મારો ફ્રેન્ડ ઍલેક્સ લેસ્બિયન્સ વિષે રસપ્રદ મત ધરાવે છે. તેણે એક વખત ‘સ્લટ લેસ્બિયન્સ’ તેવો શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તે એવું કેમ કહે છે. ત્યારે તેણે મને કહ્યું હતું કે, એ એવું એટલા માટે કહે છે કારણ કે, મોટાં ભાગે ‘સ્લટ’ ની ટ્રેડીશનલ વ્યાખ્યામાં એક સ્ત્રી જે એક કરતાં વધુ પુરુષો સામે બહુ ઓછાં સમયાંતરે પગ ફેલાવે તે સ્લટ કહેવાય છે. અને એટલે ઘણી લેસ્બિયન્સ તેવું એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે કરતાં કોઈ ગિલ્ટ નથી અનુભવતી હોતી. તેનાં મત મુજબ લેસ્બિયન્સ સામાન્ય રીતે વારંવાર અને બહુ જલ્દી સાથી બદલતી રહે છે એટલે તેણે સ્લટ લેસ્બિયન એવો પ્રયોગ કર્યો.

ઍલેક્સનો એક મિત્ર ફિલિપ ગે છે. તેને જોતાં ખબર ન પડે. તેની વાત થોડી વિચિત્ર છે. ફિલિપને ચર્ચમાં પ્રીસ્ટ બનવું હતું. પણ, તેણે ચર્ચને કહ્યું કે તે ગે છે ત્યારે તેમણે તેને પ્રીસ્ટ ન બનવા દીધો. પછી તેણે પોતાની સેક્શુઆલીટી પરાણે બદલવાની કોશિશ કરી. પછી ફરી તેને પ્રીસ્ટ નહોતું બનવું. તે નાસ્તિક બન્યો અને ફરીથી પોતે જે હતો તેનો તે થઇ ગયો. ક્વિન્ટન નામનો એક ફ્રેંચ છોકરો છે જેને હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી ત્યારથી- પહેલાં સેમેસ્ટરથી ઓળખું છું. HOT! એ છોકરો ગાઈ શકે છે અને પિઆનો વગાડે છે. જ્યારે મને ખબર પડી કે એ ગે છે ત્યારે મારું મોં પડી ગયું! જો કે, એ અનપેક્ષિત નહોતું. ક્વિન્ટન ટિપિકલ ગે છે. અમેઝિંગ ડ્રેસિંગ સેન્સ, ટેસ્ટ ફોર મ્યુઝીક, ગાઈ શકે છે, ફેમિનીન મેનરીઝમ્સ! તેને મળો એટલે શરૂઆત ‘હે ડાર્લિંગ!’થી કરે. ડ્રામા-ક્વીન પણ ખરો ;) આ ઘરમાં ગયા વર્ષે આવી ત્યારે ખબર પડી કે, ક્વિન્ટન મારી હાઉઝમેટ અડેલનો પણ મિત્ર છે. અડેલ કહેતી હતી કે, ક્વિન્ટનનો અત્યારનો બોયફ્રેન્ડ is the hottest thing! પછી અમે લોકોએ તેનાં બોયફ્રેન્ડનાં ફોટોગ્રાફ્સ જોયાં. OMG! ટિપિકલ ઇટાલિયન હિરો જેવો બાંધો, દેખાવ અને ફ્રેંચ એક્સેન્ટ. તે બંને દેખાવથી બહુ સુંદર કપલ છે. સાંભળ્યું છે કે, તેમણે ગયાં વર્ષે સગાઇ કરી.

અડેલનો એક મિત્ર છે અર્શદ. એ મલય છે અને ગે છે. તે પણ ટિપિકલ ગે છે. ફેમિનીન મેનરીઝમ વગેરે વગેરે. એ બહુ ક્યુટ છે. તેની સાથે હંમેશા મજા આવે. મારો મુંબઈનો મિત્ર જે ગે છે એ મારાંથી નાનો છે. તેની સાથેનો મારો સંબંધ બહુ અલગ છે. અમે બહુ નજીક છીએ. ગયાં વર્ષે તે ઘણી વખત જ્યારે ને ત્યારે ‘.. કારણ કે, હું ગે છું’ આ ઉદ્ગારને ઘણી વખત દલીલ તરીકે વાપરતો. એક વખત મને બહુ ગુસ્સો આવ્યો હતો ત્યારે મને યાદ છે મેં તેને કહ્યું હતું કે, યાદ રાખ તારી સેક્શુઆલીટી એ તારી પર્સનાલીટીનો એક ભાગ છે. તુ શું છો એક વ્યક્તિ તરીકે તેનો એક ભાગ તારી સેક્શુઆલીટી ‘પણ’ છે. તારી સેક્શુઆલીટી ‘જ’ નથી. Don’t carry the weight of your sexuality everywhere you go. Doesn’t matter. You don’t have to tell the whole world about it and nobody will know until you tell them. It doesn’t matter outside of your bed. Nobody cares! What people care about is what you do. What you do is a bigger part of who you are.  એ છોકરો બહુ તેજ છે. મીડિયા અને માર્કેટિંગ ભણે છે અને મને ખાતરી છે કે, એ કૈંક સારું કરશે તેનાં જીવનમાં. મને છેલ્લાં એક વર્ષમાં મળેલી ‘આઈ લાવ યુ’ નોટ્સ અને નાના હાર્ટ કદાચ સૌથી વધુ તેની તરફથી આવેલાં હશે. :)

પર્થમાં એક એક ગે બાર છે. તેનું નામ ‘ધ કોર્ટ’. પણ, ગે બાર એટલે ફક્ત ગે-લેસ્બિયન-બાઇસેક્શુઅલ જ જઈ શકે તેવું નહીં. બધાં જઈ શકે પણ બહુમતિ ગે,લેસ્બિયન,બાઇસેક્શુઅલની હોય. બહુ મસ્ત જગ્યા છે. તેનાં હાઉઝ ડીજે અને મ્યુઝિક બહુ સરસ હોય છે. હું, અડેલ અને જીઝેલ અમે ત્રણેય હાલતાં ‘ને ચાલતાં ત્યાં જતાં હોઈએ છીએ. અમે મુક્ત રીતે નાચી શકીએ. કોઈ વિચિત્ર છોકરાઓ અમારાં પર હીટ ન કરે. જો કોઈ છોકરો ‘ના’માં ન સમજે તો અમે લેસ્બિયન હોવાનો ડોળ કરી શકીએ અને કોઈ છોકરી ન સમજે તો સ્ટ્રેટ હોવાનો! ;) આવી જગ્યાઓમાં પિંક શર્ટનો સીધો મતલબ તમે ગે છો તેવો થાય! સ્કીન-ટાઈટ જીન્સ પહેર્યું હોય તો પણ લોકો તેવું અનુમાન લગાવે કે, તમે ગે છો. ગે છોકરાઓની અન્ય ગે છોકરાઓને પિછાણી શકવાની સેન્સ બહુ જોરદાર હોય છે. જો તમે સ્ટ્રેટ હો તો સામાન્ય રીતે તે તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓએ સ્ટ્રેટ છોકરાઓ પર અટેક કર્યા હોવાની વાત સાંભળી છે. અડેલ કહે છે કે, ગે છોકરાઓ તમે સ્ટ્રેટ હો તો તમને હેરાન ન કરે સામાન્ય રીતે. પણ, લેસ્બિયન છોકરીઓ તો તેમને ખબર હોય કે તમે સ્ટ્રેટ છો તોયે એક વખત ટ્રાઈ તો કરી જ લે. મને અંગત રીતે તેવાં કોઈ અનુભવ નથી. ભારતમાં રહેતી એક હોસ્ટેલાઈટને ઓળખું છું જે બાઇસેક્શુઅલ છે. તે કહે છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં ત્યાં ઘણી છોકરીઓ એક-બીજા સાથે શારીરિક સંબંધ ધરાવતી હોય છે. પણ, સાથી તરીકે તેઓ હંમેશા છોકરાઓ તરફ ઢળતી હોય છે. મારો કલીગ મેટ એટલો ઓપનલી ગે હતો કે, એ પોતે ગે લોકો પર જોક્સ કરતો. અને અંતે, આ બધું જોઇને મેં પોતે એક વખત મારી જાતને સવાલ કર્યો હતો કે, હું ખરેખર મારી પોતાની ચોઈસથી સ્ટ્રેટ જ છું ને? જવાબ મળ્યો ‘હા’. :)

IMG_0496

ધ કોર્ટ – પર્થનો એકમાત્ર ઓફિશિયલી ગે બાર/ક્લબ

બદલાતાં આયામ

નિબંધ

ભગવાનની આપણે ત્યાં બોલ-બાલા છે. બાળક જન્મે ત્યારે છટ્ઠીમાં ભગવાન, જન્મ-દિવસોએ ભગવાન, સ્કૂલમાં અઠવાડિયાનાં છ દિવસ, દિવસમાં બે વખત પ્રાર્થના, માતા-પિતા-મિત્રો-શિક્ષકો,-કાકા-મામા-દાદા-બા બધાંનાં મોં પર ભગવાન. ભારતમાં જન્મતા દરેક બાળકની ગર્ભનાળ સાથે ભગવાન હોવાની માન્યતા ફ્રીમાં આવે છે. ગર્ભનાળ તો તોય કપાઈ જાય છે પણ સમય જાય તેમ આ ‘ભગવાન છે’ તે તો વધુ ને વધુ દ્રઢ થાય છે … કરાવવામાં આવે છે. (‘ઓ માય ગોડ’ મેં નથી જોયું હજુ. આ લેખ એ રેલાનો ભાગ નથી. ચિંતા ન કરતાં!) ભલે, મોટાં ભાગે ધાર્મિક કટ્ટરતાની રીતે એ વાત નથી શીખવવામાં આવતી. સેક્યુલર રીતે પણ અંતે તો એક ભગવાન છે એવું શીખવવામાં આવે જ છે. રામકૃષ્ણની પેલી બધી નદીઓનાં પાણી એક સમુદ્રમાં ભળે છે તેવી દ્રષ્ટાંતરૂપ વાર્તાઓ. ‘રીલીજીયસનેસ’ દ્રઢ ન હોય તો પણ ‘સ્પિરિચુઅલિઝમ’ તો દ્રઢ બને જ છે. આવું જ્યાં બધાં જ માને, છે ત્યાં એક સામાન્ય બાળક માટે આ સત્ય તેનાં જીવનમાં વણાઈ જાય છે. મારાં જીવનમાં પણ વાણાયું અને બહુ સજ્જડ રીતે વાણાયું.

ધીમે-ધીમે એક પછી એક પછી એક જેમ એક વયસ્ક વિચારશીલ વ્યક્તિ બની તેમ મારી પોતાની માન્યતાઓ વિરુદ્ધ સવાલ થવા લાગ્યા. ઉપરથી જેમ જેમ વધુ જાણતી ગઈ તેમ તેમ આ સવાલો વધવા લાગ્યાં. ગણેશ જેવાં હાથીનાં મસ્તક અને મનુષ્યનાં શરીરવાળા બહુ સુંદર ક્રિએટિવ ભગવાનની કલ્પનાનો વિચાર મૂળભૂત રીતે જાપાનમાંથી ભારત તરફ આવ્યાનું જાણ્યું, દેવીભાગવતનાં બહુ સુંદર સાહિત્યિક વર્ણનો વાંચ્યા જે વધી વધીને એક હિરોઈનની વાત કરે છે – તેનું કેરેક્ટર શક્તિશાળી, બુદ્ધિશાળી અને સૌંદર્યવાન છે, બાઈબલનાં સેલ્ફ-કોન્ટ્રાડિક્ટિંગ વર્સિસ, ઇસ્લામમાં લખાયેલું ઘણું બધું, જેમ જેમ તટસ્થ જાણકારીનો વ્યાપ વધતો ગયો તેમ ભગવાન હોવાની માન્યતાઓ સામે વધુ ને વધુ પ્રશ્નો થતાં ગયાં. “શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાઓની શી જરૂર” વાળી વાત બરાબર છે. પણ, એ ફક્ત જ્યાં સુધી પુરાવાઓ ન મળે ત્યાં સુધી! પુરાવાઓ સામે હોય ત્યારે શું?

ઘણાં લોકોને મેં એ સાંટા-ક્લોઝની વાત પર ચર્ચા કરતાં સાંભળ્યાં છે. તેઓ કહે છે કે, બાળકોને તેમનું આખું બાળપણ એમ કહેવામાં આવે કે સાંટા-ક્લોઝ અસ્તિત્ત્વ ધરાવે છે, તે બાળકને જ્યારે મોટાં થયે ખબર પડે કે, આ વાત સત્ય નથી ત્યારે તેમને મનોવૈજ્ઞાનિક રીતે બહુ ખરાબ લાગતું હોય છે. ઝાટકો લાગતો હોય છે. આવું કેમ કોઈ ભગવાન હોવા વિશે નથી કહેતાં? વાત તો એક જ થઇ ને? તર્ક નથી લગાવતી. આવું ખરેખર થયું છે. મને ભગવાન હોવાં વિશે પ્રશ્નો થયાં ત્યાં આ વાત અટકતી નથી. ભગવાન નામનાં જે સત્ય સાથે હું ૧૮ વર્ષ જીવી અને મોટી થઇ, જેની આસ-પાસ મારાં જીવનનાં ઘણાં યાદગાર/અગત્યનાં પ્રસંગો ફર્યાં, એ બધાં જાણે એક પછી એક ખોટાં પાડવા લાગ્યાં છે. ભલે સાંટા-ક્લોઝની જેમ ભગવાન આખેઆખો કાલ્પનિક છે તેવું દ્રઢ નથી થયું. પણ, ભગવાન છે જ તેવું માનીને જે જીવન મેં જીવ્યું છે તે ખોટું પાડવા લાગ્યું છે જ્યારથી એ જાણ્યું છે કે ‘ભગવાન છે’ – આ ‘સત્ય’ નથી પણ ‘ચર્ચા’ છે. મારાંથી સત્ય સામે આંખ આડા કાન નથી થતાં અને સત્ય જાણીને જાણે મારાં ઉછેરને ખોટો પાડતી હોઉં તેવો અપરાધબોધ અનુભવાય છે. આ પરિસ્થિતિમાં મારાં જેવી વ્યક્તિ માટે બે ચોઈસ છે, કાં તો સત્યને સ્વીકારીને ધીમે ધીમે મારી માન્યતાઓનું ખંડન થતાં જોઉં અને મારા ઉછેર સામે દગો કર્યાની ભાવનાએ જીવું અથવા તો સેક્યુલર રહીને જાણ્યા છતાંયે અજાણ બનું અને મારી જિજ્ઞાસાવૃત્તિનું ગળું દબાવીને જાણકારી હોવાં છતાંયે એક જીદ્દી, પરાણે મૂર્ખ રહેવાં માંગતાં અને દરેકનાં ઓપિનિયન અલગ-અલગ હોય તેવી પલાયનવાદી જડ દલીલ કર્યા કરું મૂઢ-મતિ રહીને.

વૈચારિક રીતે જ નહીં, રોજ-બરોજની જિંદગીમાં પણ આ વાત પ્રસ્તુત છે. હું ભગવાન છે તેનો સ્વીકાર પણ નથી કરતી અને અસ્વીકાર પણ નહીં. પણ, છતાંયે અસ્વીકાર તરફ વધુ ઝૂકાવ છે. આવી પરિસ્થિતિમાં જ્યારે હવે ઘરે જઈશ ત્યારે મમ્મી કથા રાખશે અથવા કંઇક ને કંઇક ધાર્મિક પ્રવૃત્તિ રાખશે. તેમાં બેસું છું તો ખોટું બોલું છું અને નથી બેસતી તો મમ્મી રોશે કદાચ. પપ્પાને પણ બહુ દુઃખ થશે. આ વાત તો વધુ અસહ્ય બનશે. એટલે અંતે ખોટું બોલવાનું નક્કી કરું છું. જાતને દગો દઈશ.

એવી જ પરિસ્થિતિ લગ્નની બાબતની છે. ફિલ્મોએ અને ધર્મએ સમાજમાં ઠોકી બેસાડ્યું છે કે સાથીદારી લગ્નની મહોતાજ છે. વાર્તાઓમાં, નવલકથાઓમાં લગ્ન કરવાં અને લગ્ન થવાંની વાત પર ‘પ્રેમ’ આવીને અટકે છે. ફક્ત હિન્દુસ્તાની નહીં. પશ્ચિમી સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ ટ્રેડીશનલી આવું જ છે. ધીમે ધીમે નવી દુનીયાઓની ખબર પડે છે તેમ મને આત્મજ્ઞાન થાય છે કે, લગ્ન જરૂરી નથી. તમારે સાથે રહેવું છે? બાળકો જોઈએ છે? બધું લગ્ન વિના પણ એટલી જ સરળતાથી થાય છે. હા, વિઝા કે ઘર ખરીદવા માટે પાર્ટનર સાથે લગ્નનો દસ્તાવેજ હોય તો ઘણી પ્રોસેસ વધુ સરળ બને છે. પણ, ધેટ્સ ઈટ. લગ્ન એ ધાર્મિક, સામાજિક અને કાયદાકીય ઇન્સ્ટીટયુશન સિવાય બીજું કશું જ નથી. અહીં તો જો કે, કોઈ પરવાહ નથી કરતું. એટલું બધું જજ નથી કરતું. પણ, આપણાં જેવાં રૂઢીચુસ્ત સમાજમાં લગ્ન એ પાર્ટનર તરીકે સાથે રહી શકવાની પૂર્વ-શરત છે. સાચું કહું તો, હું જો ભારત હોઉં તો કદાચ લગ્ન બાબતે આટલાં સવાલ પણ ન કરું. બધાં પૂછી પૂછીને મારું મગજ બગાડે અને કંઈ કામ ન કરવા દે અમુક વર્ષો સુધી તો અને જેટલાં શહેર બદલું ત્યાં બધે આ ને આ સવાલ આવીને ઊભો રહે જે મને હેરાન કરી મૂકે.

પણ, વાત એ છે કે હવે હું ત્યાં નથી! જીવનનાં ટેમ્પ્લેટ નથી હોતાં એ જાણી ચૂકી છું. હું લગ્નનાં ઇન્સ્ટીટયુશનમાં ઉપર જણાવેલી બે પરિસ્થિતિ સિવાયનાં ત્રીજા કોઈ કારણસર બંધાઉં તેની શક્યતા નહિવત્ છે. સાથીદારી મારાં માટે ચોઈસની વસ્તુ છે. મારે તારી સાથે અને તારે મારી સાથે આખી જિંદગી રહેવું જ છે તો રહીશું. કોન્ટ્રાક્ટ પર સહી કરાવવી પડે તેટલી બધી જ શંકા હોય તો કદાચ હું ૧૦૦% ખાતરીપૂર્વક તેની સાથે રહેવાં નથી માગતી અને મને ખાતરી નથી કે તે મારી સાથે રહેશે જ. લગ્નમાં થોડો તો થોડો પણ ફોર્સ છે. અને જ્યાં ફોર્સ હોય, ચોઈસ ન હોય ત્યાં જ વફાદારી ડગમગવાનો સવાલ પેદા થાય છે. મારાં જેવી વ્યક્તિ મારો સાથી મારી સાથે તેની ચોઈસથી છે તેની ખાતરી ન હોય ત્યાં સુધી ખુશ ન રહી શકે. ઇન્સીક્યોરીટી જેવી વાતો મારાં મગજમાં બહુ ઝટ દઈને આવતી જ નથી. હું આઝાદીમાં માનું છું. સંપૂર્ણ આઝાદીમાં.

આનંદ એ લઘુતમ સામાન્ય અવયવ નથી. જીવનમાં શું કરી શકો અને શું ન કરી શકો તેની કોઈ સાચી બાઉન્ડ્રી નથી. જે છે એ કાલ્પનિક અને મૃગજળ જેવી છે જેને સત્ય માનીને મોટાં ભાગનાં લોકો જીવે છે. જીવનની એક નહીં ૧૦૦૦ રીતો છે અને એટલે જ આખી દુનિયાને જે આનંદ આપશે એ મને પણ આપશે તેવું માનીને જીવવું એ મૂર્ખામી છે. આ બધાં મારાં વેક-અપ કોલ છે. પરિમાણો સતત બદલાયાં કરે છે. દર છ મહિને હું નવી હોઉં છું એક વ્યક્તિ તરીકે. અને આ બધું એવી રીતે થાય છે કે, ભીડમાં નિરીક્ષણ થાય છે, મિત્રો અને સંબંધીઓનાં ઈન્ટરેક્શનથી આ બધું મારી આસ-પાસ રહેલાં લોકોનાં જીવનમાં જ – રોજબરોજનાં જીવનમાં જ કેટલું પ્રસ્તુત છે તેનો અહેસાસ થાય છે અને એકાંતમાં ચિંતન.

કદાચ અહીંથી જ આંતરખોજની શરૂઆત થાય છે. આ એક મોટું કારણ છે ટ્રાવેલિંગનાં ગાંડપણનું. જેટલાં વધુ પ્રકારનાં અને નાના-મોટાં, પ્રખ્યાત- અનજાન, કલાકાર-ધંધાદાર, કાળા-ગોરાં-પીળા-બ્રાઉન, વિવિધ ભાષા અને ખોરાક ધરાવતાં લોકોને મળવાનું મન થશે, જીવનની ક્ષિતિજ એટલી જ વિસ્તરતી જશે. પરિમાણોનાં બદલાવ જે સમયે પરિવર્તન આવી રહ્યું હોય એ સમયે બહુ પીડાદાયક છે. મને તોડી મૂકે છે. પણ, દરેક વખતે એક વધુ નક્કર વ્યક્તિને ઊભી કરે છે. ફરી-ફરીને તોડે છે અને વધુ ને વધુ નક્કર બનાવે છે. જ્યારથી એક દુનિયામાંથી બહાર નીકળીને આ બીજી દુનિયામાં આવી છું ત્યારથી જ આ બાબત થવા લાગી છે. અને હવે તેનો એવો ચસ્કો લાગ્યો છે કે, વધુ ને વધુ દુનિયા જોવાનું મન થયું છે જેથી વધુ ને વધુ લોકોને મળી શકું. જીવન જોઈ શકું. The more I have started knowing, the more I want to know.