રાજસ્થાન રોડ ટ્રિપ – ૧

ભારત, રાજસ્થાન

ભારતમાં રોડ ટ્રિપ કરવાની સૌથી મોટી મજા મને એ આવી છે કે, કેટલાં અલગ અલગ વાહનોનો ઉપયોગ કરી શકાય! બસ, કાર અને ટ્રેન તો જાણે સાવ સહેલાઈથી ઉપલબ્ધ ત્રણ વિકલ્પ છે! કોઈ શહેરમાં અંદર લોકલી ફરવું હોય તો રિક્ષા, સ્કૂટર વગેરે મળી રહે. અને એટલે જે પ્રકારની ટ્રિપ કરવી હોય તે પ્રમાણે થઇ શકે. પરિવાર સાથે જતાં હોઈએ તો એડવાન્સ બુકિંગ, કાર હાયર વગેરે વગેરેનું આયોજન કરીને એકદમ રિલેકસ્ડ ટ્રિપ થઇ શકે, મિત્રો સાથે જવું હોય અને લાંબા સમયગાળા સુધી ગમે તેમ ભટકવું હોય તો પોતાનું વાહન લઈને નીકળી શકાય, વાહન ચલાવવાની જવાબદારી ન લેવી હોય અને છતાંયે ગમે તેમ ભટકવું હોય તો ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરીને પડશે-તેવા-દેવાશે વાળી ટ્રિપ પણ થઇ શકે. વળી, પોતાનો દેશ અને પોતાની ભાષા જાણતા હોવાનો ફાયદો પણ ખરો. ગયા વર્ષે અમે આવી એક ટ્રિપ કરી હતી.

હું મુંબઈ લેન્ડ થઉં પછી પરિવાર સાથે ૪ દિવસ વિતાવવાનાં હતાં. અને તેઓ જાય પછી એકાદ દિવસ પૂના જવાનું હતું અમુક મિત્રોને મળવા. ત્યાર પછી બીજા એક ગ્રૂપ સાથે રાજસ્થાન જવાનો વિચાર હતો. પણ, શું થશે અને કેવી રીતે થશે એ મેં ભારતમાં પગ મૂક્યો ત્યાં સુધી મને ખબર નહોતી. મારી સાથે મારી એક ઓસ્ટ્રેલિયન મિત્ર હતી – મિયા. તેને મેં પહેલેથી કહી રાખ્યું હતું કે, ભારતમાં આપણે ચાર અઠવાડિયા હોઈશું. પણ, આ ચાર અઠવાડિયામાં ક્યારે ક્યાં હોઈશું એ મને પણ ખબર નથી. આટલી તૈયારી હોય તો મારી સાથે ચાલ નહીંતર તારે ધરમનો ધક્કો થશે અને મારાં પ્લાનમાં હું કોઈ ફેરફાર કરું તેવી શક્યતા નથી. વળી, તારો આ પ્રથમ એક્પીરિયન્સ શું હશે ને કેવો હશે એ નક્કી નહીં. કારણ કે, મને પોતાનેય ખબર નથી. પણ, એને આ આઈડિયા તોયે ગમી ગયો અને એ મારી સાથે આવવા તૈયાર થઇ. મુંબઈ પહોંચ્યા અને અમુક મિત્રોને મળ્યાં. પૂનાવાળા મિત્રો અને મુંબઈવાળા મિત્રો એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ફ્રેન્ડ્સ હતાં. અમુક એકબીજાને મળ્યાં હતાં અને અમુક નહીં એવું બધું હતું. મુંબઈવાળા મિત્રોને પણ હું તો પહેલી જ વાર મળવાની હતી. અને પૂના જવાનાં બે દિવસ પહેલાં અમે મળ્યાં. એ મુલાકાત તો બહુ જામી! મેં તેમને પૂછ્યું કે, પરમ દિવસે અમે પૂના જવાનું વિચારીએ છીએ તમે આવશો? અને બધાં તરત રાજી થઇ ગયા. પછીનાં દિવસે મેં રેલવે ટિકિટો બૂક કરાવી. મુંબઈવાળા એક મિત્રએ મને તેનાં ટ્રાવેલ એજન્ટનો નંબર આપીને કહ્યું હતું કે, હવે તું ફોડી લેજે. અને મેં ફોડ્યું. ૨ લોકોની રિટર્ન ને બેની નહીં ને એવું કંઈ કેટલું હતું. અંતે એ દરમિયાન રાજસ્થાન ટ્રિપવાળાં ગ્રૂપે ક્યાં ભેગાં થશું અને ક્યાં જશું તે નક્કી કર્યું!


મુંબઈથી પૂનાની ટિકિટ અમે થાણેથી કરાવડાવી હતી. ૫:૪૫ વાગ્યાની ટ્રેન હતી અને મીરા રોડથી થાણે પહોંચવાનું હતું. મીરા રોડથી અમે ૪ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. આમ જોઈએ તો ૪ વાગ્યાનો સમય બહુ વહેલો હતો. તેમાંય ખાસ જ્યારે અમે છેક ૧ વાગ્યે રાત્રે માંડ ઊંઘી શકતા હોઈએ. પણ, અમે જેમને ત્યાં રોકાયા હતાં એ અંકલે બહુ કહ્યું વહેલાં નીકળવાનું એટલે અમે નછૂટકે માની લીધું. તેમનાં કોઈ ઓળખીતા ટેક્સી ડ્રાઈવરને ૪ વાગ્યાનું કહી દેવામાં આવ્યું હતું. સવારે અમે કહ્યા પ્રમાણે તૈયાર થઇ ગયાં. અંકલે ટેક્સી ડ્રાઈવરને ઘોડબંદરવાળો રસ્તો પકડવાનું સૂચવ્યું. ડ્રાઈવરે તે પ્રમાણે કર્યું. બધું બરાબર હતું. અમે ઘોડબંદરવાળાં હાઈ-વે પર પહોંચ્યા ત્યાં સુધી. ત્યાં ટ્રાફિક જામ હતો. ટ્રાફિક જામ એટલે એવો જામ કે, દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રસ્તાની બંને તરફ ટ્રક સિવાય કંઈ નજરે જ ન પડે. ડ્રાઈવરે પહેલી ત્રીસ સેકંડ તો જે લેનમાં રહેવાનું હતું તેમાં રહીને ખટારા પાછળ રાહ જોઈ. પણ પછી તેને બ્રહ્મજ્ઞાન થયું કે, આમ તો કંઈ મેળ પડે તેમ નથી એટલે તેણે ઓવરટેક કરવાનું શરુ કર્યું. પહેલી ૧૦ મિનિટ જે મેં આ ઓવરટેકિંગની જોઈ એ મને ડેથ-રાઈડ જેવી લાગી હતી. પછી મેં જીવની શાંતિ ખાતર આંખ બંધ કરી દેવાનું નક્કી કર્યું અને નસીબજોગે ઊંઘ પણ આવી ગઈ. ડેથ રાઈડની અડધી કલાક પછી મારી આંખ ખુલી અને ટ્રાફિક હજુ જામ તો હતો પણ પહેલા કરતાં હાલત થોડી સુધરી હતી. ત્યાર પછી બીજી અડધી કલાક અને અમે થાણે સફળતાપૂર્વક મુકામે પહોંચ્યા. બે સ્ટેશન પછી બાકીનાં બંને જોડાયાં અને અમે ચારે મિત્રો ટ્રેનમાં સાથે પૂણે તરફ જઈ રહ્યા હતાં. એ વખતે પહેલી વાર હું સ્લીપર બર્થ વિનાનાં એર કંડીશન્ડ ડબ્બામાં બેઠી હતી (મેં ટ્રેનમાં કદાચ પ્લેન પછીની સૌથી ઓછી સફરો ખેડી છે). જો કે, મને બહુ મજા ન આવી કારણ કે, બારીનાં કાચ ટિન્ટેડ હતાં. સૂર્યોદય સમયનું બહારનું વાતાવરણ સરખું અનુભવી શકાતું નહોતું.

બે દિવસ પૂણેમાં મિત્રોને મળવાની બહુ મજા આવી હતી. બધાં એકબીજાને પહેલી વખત મળતાં હતાં! મારો એક મામો (મમ્મીનો પિતરાઈ થાય. પણ, ઉમરમાં મારાથી ફક્ત દોઢ વર્ષ મોટો છે) તો કોઈને ઓળખતો પણ નહોતો અને છતાંયે બધાનું ટ્યુનીંગ બહુ સરસ આવી ગયું હતું. એક આખો દિવસ અમે બધાં સાથે રખડ્યા અને બીજા દિવસે બપોરે મારી અને મિયાની અમદાવાદની બસ હતી. એ બસ અમદાવાદ સવારે ૫ વાગ્યે પહોંચતી હતી અને ત્યાંથી છ વાગ્યાની અમારી અન્ય બે દોસ્તો સાથે ઉદયપુરની બસ હતી. ત્રણ રાતનો સતત ઉજાગરો અને ત્રણ દિવસની રખડપટ્ટીએ મારા ગળાની હાલત બહુ ખરાબ કરી નાંખી હતી અને હજુ એ અંત નહોતો. પ્રવાસ ચાલુ હતો અને એ કેટલાં સમય સુધી હજુ ચાલુ રહેવાનો હતો તેનો મને એ દિવસે કોઈ ખ્યાલ નહોતો.

પૂનાથી આવ્યા પછી અમદાવાદમાં એકાદ કલાક જેટલું અમારે પછીની બસની રાહ જોતાં બેસવાનું હતું એટલે આનંદને અમે વહેલા આવવાનું સૂચવ્યું હતું. વહેલી સવારનો સમય અને હું અને મિયા થાકેલાં એ ભેંકાર શાંતિમાં બીજી બસની અને આનંદની રાહ જોતા બેઠા હતાં. થોડી વાર પછી અમે એક માણસને અમારા તરફ આવતો જોયો. હાથમાં સિગરેટ અને હટ્ટોકટ્ટો એ ઊંચો છોકરો આનંદ છે એ ઓળખતા મને લગભગ બે-એક મિનિટ લાગી. નેચરલી! એ છોકરાને મેં છેલ્લે એક વર્ષ પહેલાં જોયો હતો અને એ એકદમ પાતળો હતો. સિગરેટ પણ આટલા આત્મવિશ્વાસથી ચાલતા ચાલતા નહોતો પીતો. મારાં બધાં મિત્રોમાંનો કદાચ સૌથી નજીકનો મિત્ર એ હતો. એ ટ્રિપનાં મુખ્ય સૂત્રધાર અમે હતાં અને એક્ટિવલી રહેવાનાં હતાં. અને એ રીસ્પોન્સીબિલિટીની શરૂઆત એ આવ્યો કે તરત થઇ. અમારી ચોથી મિત્રનો ફોન આવ્યો કે, ઈગલની અમારી બસ કેન્સલ થઇ છે. બસ, પછી આનંદ અને મેં પ્લાન બી તરફ પ્રયાણ કર્યું. સ્ટાર બઝાર પહોંચ્યા અને પંદર મિનિટ પછી ઉપડતી ઉદયપુરની ચાર ટિકિટ કઢાવી તેવામાં અમારી એ ચોથી મિત્ર આવી. બસ, અમે ચાર મળી ગયા અને સાથે ઉદયપુર જવા નીકળી ગયા હતાં એ પળથી જ મારી તમામ ચિંતાઓનો અંત આવતો હતો. આગળ શું કરીશું તેની ન તો ખબર હતી કે ન હતી ચિંતા. પડશે તેવા દેવાશે!

…. વધુ આવતા અંકે

લગ્ન અને દંભ – પૂર્વથી પશ્ચિમ

નિબંધ

લગ્ન- બે વ્યક્તિઓનું જીવનભરની વચનબદ્ધતામાં જોડાવું એ દુનિયાની દરેક નવી-જૂની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે. આપણને બધાંને ખબર છે તેમ ભારતીય લગ્ન-પ્રસંગ ‘બિગ ફેટ ઇન્ડીયન વેડિંગ’ તરીકે પણ ઓળખાય છે. આ વાત એટલી તો પ્રસિદ્ધ છે કે અન્ય તો મસ્તી કરતા કરશે, આપણે પોતે જ આ બાબતે પોતાની મજાક કરતા હોઈએ છીએ. હવે આ મજાક પણ એટલી બધી ચાલી છે છેલ્લા કેટલા વર્ષોથી કે, આપણને એમ જ છે કે દુનિયામાં ફક્ત આપણે  જ લગ્ન પર નકામા ખર્ચા કરતા હોઈ છીએ. પણ, ના! અહીં આવીને મેં આપણાથી પણ વધુ દંભી ઉદાહરણ જોયા. ત્યારે લાગ્યું કે, દુનિયામાં બધે જ લગ્ન અને ધામધૂમ (અહીં  ‘ગાંડપણ’ એવું વાંચવું) લગભગ સમાનાર્થી છે. “કાગડા તો બધે કાળા”!

ભારતમાં લગ્ન હોય તો દુલ્હા-દુલ્હન સિવાયનાં બધાં દોડાદોડી કરતા હોય અને તૈયારીઓ કરતા હોય. ખાસ તો દુલ્હનનાં માતા-પિતા અને ભાઈ-બહેન. જ્યારે, અહીં લગ્ન એટલે મોટાં ભાગે દુલ્હનનું જ બધું કામ. (અને થોડું ઘણું દુલ્હાનું, જો દુલ્હન કરવા દે તો ;) ). વળી, અહીં સામાન્ય રીતે લગ્ન-દિવસ એ મુખ્યત્વે દુલ્હનનો દિવસ છે. તેને દુલ્હનનાં સપનાનો દિવસ માનવામાં આવે છે. એક લાક્ષણિક પશ્ચિમ દેશમાં ‘બ્રાઇડઝીલા'(ગોડઝીલાની જેમ. અહીં રાક્ષસનાં સંદર્ભે)નો કન્સેપ્ટ  પ્રખ્યાત છે. હવે આ ‘બ્રાઇડઝીલા’ એટલે શું વળી? કહે છે કે, લગ્ન કરવા અને જીવનભરનાં વચનમાં બંધાવું એ પોતે જ એક ગભરાવી મુકે તેવી વાત છે અને તેમાં લગ્નનાં દિવસ માટેની તૈયારીઓ! આ દોડાદોડીમાં ઘણી સ્ત્રીઓ મહિનાઓ સુધી (જ્યાં સુધી તૈયારીઓ ચાલે ત્યાં સુધી) બહુ મિજાજી બની જતી હોય છે અને તેમનાંમાં થોડાં સમય માટે બહુ વિચિત્ર, કોઈને ન ગમે તેવાં સ્વભાવમાં પરિવર્તન આવતાં હોય છે. માટે, તેમને બધાં ‘બ્રાઇડઝીલા’ કહે છે. આ ‘દુલ્હનનો પ્રસંગ’વાળી માનસિકતા વિષે એક ઉદાહરણ દઉં, જે આ કન્સેપ્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી શકશે. અહીં એક ટેલીવિઝન શો શરુ થાય છે એકાદ અઠવાડિયામાં. કન્સેપ્ટ એવો છે કે, તેઓ અમુક દંપતીઓને 25,000 ડોલર તેમનાં લગ્ન માટે આપશે. પણ, શરત એટલી કે લગ્નની તમામ તૈયારી દુલ્હો કરશે. હવે દુલ્હન લગ્ન પ્લાન ન કરે એ પણ અહીં  ‘ડ્રામા’નો વિષય છે. :P

તૈયારીઓની તાણ એટલે કેવી તાણ વળી? શરૂઆત બજેટથી થાય છે. અહીં  મોટાં ભાગનાં લોકો પોતાનાં લગ્નનો ખર્ચ જાતે ઉપાડતા હોય છે. આપણે ત્યાં  લગભગ માતા-પિતા જ સંતાનોનાં લગ્નનાં  ખર્ચ ઉપાડતાં હોય છે. અહીં પણ ઘણાં માતા-પિતા તેવું કરતાં  હોય છે અને કરે તો બહુ સારુ કહેવાય, મદદરૂપ બને. પણ, તમે તેની અપેક્ષા ન રાખી શકો. એટલે જ્યારે લગ્ન કરવાનો વિચાર કરો ત્યારથી જ બજેટ વિષે વિચારવું પડે. વળી, ‘વેડિંગ ડ્રેસ’ પસંદ કરવો એ તો કદાચ ઘણી છોકરીઓ માટે દુલ્હો પસંદ કરવા કરતાંય  વધુ મહત્વનું હશે! મારી એક મિત્ર લ્યુદા એક ‘બ્રાઈડલ શોપ’માં કામ કરે છે. તેણે મને ત્યાં સુધી કહ્યું છે કે, તેની શોપમાં ડ્રેસ પસંદ કરવા આવતી ઘણી સ્ત્રીઓ/છોકરીઓ અંતે લગ્ન કરવાનું જ માંડી વાળે છે અને ઘણાં તો લગ્નની બધી તૈયારીઓની તાણને કારણે બ્રેક-અપ કરી લે છે!

લગ્ન કરવા માટે અહીં ચર્ચ, મોટાં વાઈન-યાર્ડ, હોટેલ, રીઝોર્ટ જેવી જગ્યાઓ પ્રખ્યાત છે. આપણી  જેમ જ અહીં  પણ જમવાનુ શું છે અને કેવું છે એ બંને પ્રશ્ન બહુ અગત્યનાં છે અને એ ભાગ અઘરો પણ છે. અમુક લોકો ફૂડ ટેસ્ટીંગ માટે ખાસ એક દિવસ બધાં નજીકનાં સગા અને મિત્રોને બોલાવતા હોય છે અને તેમનો મત જાણતાં હોય છે. ત્યાર પછીનો કહેવાતો અઘરો ભાગ એટલે સજાવટ! આ સારું નથી ‘ને પેલું મેચિંગ નથી! ખરેખર તો દુલ્હનનાં પોતાનાં સિવાય કોઈ એટલું ધારી-ધારીને જોવાનું પણ ન હોય. પણ, ના. ‘પરફેક્ટ’થી ઓછું તો કંઈ  ચાલે જ નહીં ને! હવે આ ‘પરફેક્ટ’નો દંભ એટલો બધો છે કે મારી એક મિત્રની મિત્રએ તેનાં લગ્ન નક્કી કર્યાં. પણ, નસીબજોગે એ દિવસ વાદળછાયો હતો અને લાઈટનાં અભાવે બેકગ્રાઉન્ડ થોડું રંગે ઝાંખું આવ્યું. તો આ બહેને એક દિવસ બધાં મહેમાનોને તેનાં લગ્નમાં જે પહેર્યું હતું તે કપડાં અને ઘરેણાંમાં તૈયાર થઈને પોતાનાં લગ્નની જગ્યાએ બોલાવ્યાં. ફોટોઝ ફરીથી પડાવવા માટે!

બીજો અગત્યનો ભાગ એટલે આલ્કોહોલ.આલ્કોહોલને કારણે લગ્નોમાં ઘણાં નાટક થયાનું સાંભળ્યું છે. પણ, મોટાં ભાગનાં નાટક તો હાસ્યાસ્પદ હોય છે. આપણી જેમ દહેજ જેવાં અઘરાં નાટક નથી થતાં હોતાં. બિનનિવાસી ભારતીયોનાં લગ્ન વિષે મેં અડેલ અને નીલ પાસેથી ઘણું સાંભળ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે તેમનાં પરિવાર અને મિત્રોનાં લગભગ બધાં જ લગ્નમાં દારૂને કારણે ઘણાં હાસ્યાસ્પદ પ્રસંગ બન્યાં  છે. મારાં એક સ્કોટિશ મિત્રનાં મમ્મી તેનાં સમગ્ર 3 કલાકનાં  લગ્નમાં બહુ સારાં મૂડમાં હતા. એટલાં સારાં કે, ફેમિલિ ફોટો લેતી વખતે તે સ્ટેજ પર આવતાં પડી ગયાં. મારો અન્ય એક મિત્ર તેનાં કોઈ કાકાનાં દીકરાનાં લગ્નમાં તેનો ‘બેસ્ટ મેન’ હતો. પણ, લગ્નની આગલી રાતનાં હેન્ગ -ઓવરને કારણે સવારે મારો મિત્ર સમયસર ઉઠી ન શક્યો અને પેલાં બિચારા તેનાં ભાઈનાં લગ્ન આ સાહેબ તૈયાર થાય એ વાંકે અટકેલાં હતાં. આપણે ત્યાં વરની કાકી તૈયાર થવામાં વાર લગાડે અને જાન અટકી પડે એવું જ કંઈક!

ભારતીયોની જેમ જ ચાઇનીઝ લોકોમાં પણ ઘણી પારંપરિક વિધિ હોય છે. ફક્ત ધાર્મિક જ નહીં, રૈવાજીક પણ તેટલી જ! સૌથી અગત્યનો રિવાજ એ ‘ટી સેરીમની’નો છે. લગ્નનાં અમુક દિવસો પહેલાં વર અને વધુનાં પરિવાર અને મિત્રો એકત્ર થાય, ત્યાર પછી વાર અને વધુ પોતાનાં  દરેક વડીલને ચા પિરસે અને વર અને વધુ કરતાં ઉંમરમાં નાના તેમનાં તમામ ભાઈ-બહેન બધાં વર-વધુને ચા પિરસે. અડેલ કહેતી હતી કે, બહુ રૂઢીચુસ્ત પરિવારોમાં તો બિલકુલ નાના 4-5 વર્ષનાં બાળકો પાસે પણ બધાં ચા પિરસાવે. અને આ નાના બાળકો પાસેથી એ કામ કરાવવું એટલે માથાનો દુખાવો! અમુક કહીયે તેમ કરે અને બાકીનાં દોડાદોડી અને દેકારો કરે. પણ, તકલીફ એ કે જ્યાં સુધી એ ચા પિરસી ન લે ત્યાં સુધી વળી પાછો કાર્યક્રમ પૂરો પણ ન થાય! બિચારા દુલ્હા-દુલ્હનનું તો આવી જ બને. એવું પણ સાંભળ્યું છે કે ઇટાલિયન અને ગ્રીક પારંપરિક લગ્નમાં આપણી જેમ જ હજારો માણસો આમંત્રિત હોય છે.

હા, આ બધી વાતો ફક્ત દંભને લગતી છે. આપણે ત્યાં જેમ બધાં જ આવું નથી કરતા તેમ અહીં  પણ નથી જ કરતા  હોતા.  પણ, મેં પહેલાં  જેમ કહ્યું કે કાગડા બધે કાળા, તેમ કહેવાનો આશય ફક્ત એટલો જ છે કે દંભી લગ્નો – જેનાં  માટે ભારત બહુ કુખ્યાત છે, તે ફક્ત ભારતમાં જ નહીં, લગભગ બધે જ થાય છે. કાન સીધો અને ઊંધો પકડવા જેવું છે. પકડે તો બધાં છે! બસ, પકડવાની રીત બદલાતી હોય છે.