એશિયા – સાંસ્કૃતિક સમાનતા અને ભિન્નતા

નિબંધ

એક વાત બહુ વિચિત્ર છે. અન્ય ભારતીયો વિષે અને અન્ય ભારતીયોની સંસ્કૃતિ અને રહેણી-કરણી વિશે મને ભારતમાં રહીને હતી તેનાં કરતાં વધુ ખબર અહીં આવીને પડી. ગયા વર્ષે એક સિંગાપોરિયાન દક્ષિણ ભારતીય ગ્રૂપ સાથે રખડવાનું થતું. તેમની વાત પરથી ખબર પડી કે, સાઉથ ઇન્ડિયન હિંદુઓમાં મુરુગન એ અગત્યનાં પૂજનીય દેવતા છે. તેમનાં કહેવા મુજબ મુરુગન એટલે કાર્તિકેય. શિવ, પાર્વતી અને ગણેશ સાથે જ તેઓ કાર્તિકેયની પણ તેટલી જ કે કદાચ વધુ શ્રદ્ધાથી આરાધના કરે છે. કાર્તિકેય અને ગણેશમાં મોટું કોણ એ પણ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં આજે પહેલાં કાર્તિકેય અને પછી ગણેશ જન્મ્યાં હોવાનું મનાય છે પણ દક્ષિણનાં ઘણાં સાહિત્યમાં પહેલાં ગણેશ અને પછી કાર્તિકેયનો ઉલ્લેખ છે. ગણેશ જેવાં જ દેખાવનું એક માઈથોલોજીકલ કેરેક્ટર જાપાનમાં અસ્તિત્ત્વ ધરાવે છે. ફર્ક ફક્ત એટલો છે કે, જાપાનની માઈથોલોજીમાં એ કેરેક્ટર એક રાક્ષસ છે.

એ જ રીતે જેમ ગુજરાતી માઈથોલોજીમાં ખોડિયારનું અસ્તિત્ત્વ છે, તેને મળતી આવતી એક દેવી અખિલાન્ડેશ્વરી સાઉથમાં પૂજાય છે. ખોડિયાર જેવી કોઈ દેવીનો ઉલ્લેખ મેં બીજાં કોઈ પણ પ્રાંતનાં સાહિત્યમાં હોવાનું નથી સાંભળ્યું. ખોડિયારનાં વાહનને આપણે ‘મગર’ તરીકે ઓળખીએ છીએ અને આપણી ભાષામાં મગર એટલે crocodile. પણ, સાઉથમાં અખિલાન્ડેશ્વરીનું વાહન છે’મકર’. ઘણાં સાહિત્યમાં ‘મકર’ એક હાઇબ્રિડ જીવ છે જેનું શરીર માછલીનું અને માથું હાથીનું છે અને ઘણી જગ્યાએ મકરનો ઉલ્લેખ crocodileનાં જ અર્થમાં છે. છે ને વિચિત્ર? આ મકર પરથી જ મગર શબ્દ આવ્યો હશે?  તમિળમાં ‘સંડાલ’ એ એક ગાળ છે જેનો મતલબ એ નામની એક નીચી જ્ઞાતિ તેવો થાય છે. આનો સીધો મતલબ ‘ચંડાળ’ શબ્દ સાથે હોવો જોઈએ કદાચ. ‘પારિયા’ એ તેવો જ એક બીજો શબ્દ છે. પારિયા (પરાયા સાથે સંબંધ?) પણ તેમનાંમાં ગણાતી એક નીચલી જ્ઞાતિ છે અને તે ગાળ ગણાય છે. સિંગાપોર/મલેશિયન સાઉથ ઇન્ડિયન્સ ચાઇનીઝ લોકોને ‘મંજન’ કહે છે. મંજન એટલે પીળું (હેહેહે કોણ બોલ્યું ‘રેસીસ્ટ’? :D) ‘ળ’ અક્ષરનું અસ્તિત્ત્વ દક્ષિણથી શરુ થઈને ગુજરાત-રાજસ્થાન સુધી જ છે. બાકી ક્યાંયે ‘ળ’ અસ્તિત્ત્વ નથી ધરાવતો. પણ, જોવાનું એ છે કે, મહારાષ્ટ્ર સુધીનાં વિસ્તારમાં ‘ળ’નો ઉચ્ચાર આપણાં કરતાં બહુ અલગ છે. આપણે ત્યાં હવે ‘ળ’ એ સોફ્ટ ‘ડ’ જેવો જ થઇ ગયો છે. પણ, સાઉથ ઇન્ડિયન ભાષાઓ અને મરાઠીમાં ‘ળ’ થોડો ‘ડ’થી વધુ આઘો છે- જાણે ‘ય’ અને ‘ડ’ જોડીને બનાવ્યો હોય તેવો.

ઇન્ડોનેશિયામાં રામાયણની નૃત્યનાટિકાઓ થાય છે. પણ, રામાયણનું તેમનું વર્ઝન બહુ અલગ છે.ઈન્ડોનેશિયનનોનાં નામ પહેલી નજરે ઓરિસ્સા કે બંગાળનાં લોકો જેવાં લાગે તેવાં છે. મારાં એક કલીગનું નામ અરિક છે અને તેમનાં ભાઈઓનાં નામ અનિક, અભિક વગેરે. કુસુમા, ઇન્દ્રવન વગેરે નામ પણ તેમનાંમાં  મેં જોયા છે. આ નામ વાંચીને તરત ખબર પડે છે કે તેમની સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિનો એક સમયે બહુ પ્રભાવ રહ્યો હશે. દક્ષિણ ભારતનાં ચોલ રાજવીઓનું રાજ એશિયા સુધી પહોંચી ગયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત થાઈ રામાયણમાં હનુમાનની ગર્લફ્રેન્ડ્સ હોવાનો અને સ્ત્રીઓ સાથેનાં તેમનાં સંબંધનો ઉલ્લેખ છે. આપણે ત્યાં માઈથોલોજીમાં હનુમાનનું પાત્ર ક્યારેય કોઈ સ્ત્રી સાથે સંકળાયેલું સાંભળ્યું નથી. સમગ્ર ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. તેમાં ફક્ત બાલિ એક જ હિન્દૂ વિસ્તાર છે.

આપણે જેને શાક/તરકારી/સબ્જી કહીએ છીએ તેને સાઉથ ઇન્ડિયન્સ ‘કરી’ કહે છે. આપણી પાસે દરેક પ્રકારનાં શાક માટે જેમ સામાન્ય એક શબ્દ છે એમ તે લોકો પાસે નથી. હવે આ કરી શબ્દ પણ સાઉથ ઇન્ડિયાએ ઇંગ્લૅંન્ડને આપ્યો કે ઈંગ્લૅન્ડે સાઉથને એ ખબર નથી. કદાચ એટલે આખી દુનિયામાં આપણાં શાક / સબ્જી માટે ‘કરી’ શબ્દ પ્રખ્યાત થઇ ગયો છે. આ ‘શાક’ શબ્દ પણ રસપ્રદ છે. આપણી ભાષામાં એ મિડલ-ઈસ્ટથી આવ્યો હોવાની પૂરી શક્યતા છે. એક મોરોક્કન વાનગીનું નામ છે ‘શાક શુકા’ – તેનો દેખાવ અને સુગંધ એવાં કે, એકદમ ટામેટાંની ગ્રેવીમાં પકાવેલું મિક્સ શાક જોઈ લો.

રેહાન અને રિઝવાન નામનાં બે પાકિસ્તાની ભાઈઓ મારાં મિત્રો છે. તેઓનાં નાનીમા લખનૌનાં હતાં અને દાદીમા લાહોરનાં. તે બંને ભાઈઓ પંજાબી લઢણનું હિન્દી બોલે છે. એ તેમની માતૃભાષા છે. તેમની સાથે જ્યારે પણ વાત થાય ત્યારે એવું જ લાગે કે હું કોઈ ભારતીય સાથે જ વાત કરું છું. અમે એક-બીજા સાથે સંગીત વગેરે પણ શેર કરતાં રહેતાં હોઈએ છીએ. ખાસ હું અને રિઝવાન. રેહાન અને રિઝવાન સાથેની ઓળખાણે  ખાતરી કરાવી દીધી છે કે, ભારત અને પાકિસ્તાન ખરેખર એક જ છે. અત્યાર સુધી ફક્ત ફિલ્મોમાં જોયું/સાંભળ્યું હતું. પણ, હવે તો ફર્સ્ટ હેન્ડ એક્સપીરીયંસ થઇ ગયો! એ જ રીતે બાંગ્લાદેશીઓ પણ! અમારી યુનીવર્સીટીનાં એક ખુલ્લા ઘાસનાં મેદાનમાં ઘણી વખત રવિવારે આ બાંગ્લાદેશીઓનો મેળો લાગતો. ઘણી બધી ચીજ-વસ્તુઓનાં નાના હાટ વગેરે. તેમને પહેલી વાર જોયા ત્યારે એવું જ લાગ્યું હતું કે બંગાળી સમાજનું કૈંક હશે.

રિદ્ધિ નામની મારી એક મિત્ર છે. એ છે પંજાબી પણ તે કલકત્તામાં જન્મેલી અને મોટી થયેલી છે. તેને આ વર્ષે દુર્ગા-પૂજામાં જવાનું બહુ મન હતું. મેં પણ ક્યારેય દુર્ગા-પૂજા જોઈ નહોતી અને મારે જોવી હતી એટલે મેં તેની સાથે જવાની હા પાડી અને ગઈ કાલે રાત્રે અમે દુર્ગા-પૂજાનાં ફંકશનમાં ગયા હતાં. મને એમ થયું કે જો બંગાળી ફંક્શનમાં જાઉં જ છું તો  થોડું તેવું જ તૈયાર પણ થાઉં. એ ‘બ્લેન્ડ-ઇન’ થવાવાળો ફોર્મ્યુલા એવો સક્સેસફુલ રહ્યો કે, બે ત્રણ સ્ત્રીઓ ત્યાં મારી સાથે બંગાળીમાં વાત કરવા લાગી. પછી અમે હસ્યાં અને તેમને કહેવું પડ્યું કે, હું બંગાળી નથી :D.

પર્થ – ત્રણ વર્ષની મારાં પર અસર

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ એટલે મોટાં શહેરનાં શરીરમાં ગામનું હૃદય! અહીં સવારે કોઈ પૂછે કે “How are you today?” તો સમજવું કે તેમને ખરેખર પરવાહ છે એટલે પૂછે છે અને તમે “not great” / ‘Not too well” જેવો જવાબ આપશો તો શક્ય છે કે એ વ્યક્તિ તમારા માટે દુઃખ વ્યક્ત કરશે અને ઉતાવળમાં નહીં હોય તો કદાચ “Why what’s wrong?” જેવો સવાલ પણ પૂછીને પાંચેક મિનિટ તમારી સાથે વાત પણ કરશે! આ ગામે મને સહુથી સરસ બે વાતો શીખવી. એક તો ધીરા પડતા શીખવ્યું અને બીજું પોતાની જાતને હંમેશા બહુ ગંભીરતાથી ન લેતા શીખવ્યું.

રાજકોટમાં રહીને મને ફક્ત ઝાકઝમાળ પ્રિય લાગી હતી. નાના શહેરોમાં બાળકોને સપના પણ ઝાકઝમાળના જ દેખાડાતા હોય છે. મોટાં બિલ્ડિંગ, ઘણી બધી રોશની અને બસ ત્યાં જ જવાનું અને રહેવાનું સપનું! જીવનની પહોળાઈ એટલી બધી આંજી દેતી હોય છે કે, ગહેરાઈ ધ્યાનમાં જ નથી આવતી. મેં પણ આ પહોળાઈ જ જોઈ હતી, જાણી હતી. એ ભાન જ નહોતી કે આ સપના તો ખરેખર મારા પોતાનાં હતા જ નહીં. આ એ સપના હતા જે મને મારા વાતાવરણે દેખાડ્યા હતાં અને તેને હું મારા પોતાના માની બેઠી હતી. પર્થ આવીને હું પોતાની જાતને મળી. જીવનની ગહેરાઇઓને મળી. નાનાં, ધીમા શહેરોમાં રહેવાનો આ ફાયદો છે.

જ્યારે ‘કરવાનું’ ઓછું હોય અને ઘણો બધો સમય હોય ત્યારે ઘણું બધું વિચારવાની જગ્યા આપોઆપ મળી જાય છે અને ‘deliberate living’ની આપોઆપ આદાત પડી જાય છે. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે, આ કદાચ ફક્ત જગ્યાનો પ્રભાવ જ નહોતો. આનું એક કારણ કદાચ પર્થમાં ઘણી બધી રસપ્રદ જગ્યાઓનાં બહુ દૂર દૂર હોવું, અને મારી પાસે બહુ પૈસા ન હોવા એ પણ હોઈ શકે. ટેલિવિઝન અને સિનેમાહોલમાં જે પશ્ચિમને જોયું હતું, તેનાં કરતાં મેં મારી જાતે અનુભવેલું પશ્ચિમ બિલકુલ અલગ હતું. પશ્ચિમને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મને પર્થમાં આવીને ફક્ત એક જ સપ્તાહમાં મળ્યો હતો.

બીજી એ વાતની સભાનતા આવી કે, પશ્ચિમ એટલે બધું એક-બીજાથી થોડું ઘણું અલગ પણ આમ તો બધું સરખાં જેવું જ એવું નથી. England, Ireland, Scotland, America, Austria, Germany, Switzerland, Estonia, Sweden, France, Australia વગેરે બધા જ અલગ હતાં. સાવ જ અલગ. ત્યાંનાં લોકોના દેખાવથી માંડીને તેમનાં સુંદરતાના પરિમાણો, પોતાનો રોજનો ખોરાક, પોષાક અને જીવનને જોવાની અને માણવાની રીત બધું ધડ- માથાથી સાવ અલગ છે.

ધીરે ધીરે આ બધું જોવા, જાણવા અને માણવા મળ્યું. સાથે સાથે જ એ પણ ખબર પડી કે ભારતીયો કેટલી બધી સદીઓથી અને કેટલી બધી જગ્યાએ વસેલાં છે! મને અહીં આવ્યા પહેલા મોરિશિઅસમાં વસતાં ભારતીયો વિષે ભાગ્યે જ ખબર હતી. આજે મારા મિત્રોમાં એવા ઘણા લોકો છે જેમના પૂર્વજો વર્ષો પહેલા ભારતથી વિસ્થાપિત થઈને મોરિશિઅસ જઈને વસ્યા હોય. તેઓ પોતે મોરિશિયન ભારતીયોની પાંચમી કે છઠ્ઠી પેઢી છે. એ જ રીતે રીયુનિયન આઈલેન્ડ અને માડાગાસ્કરમાં પણ ઘણાં ભારતીયો વસેલા છે- જેમાનાં અમુકને હું અહીં મળી. આમાંનાં ઘણાંએ Google maps સિવાય હિન્દુસ્તાન જોયું કે બહુ જાણ્યું નથી. એક કલાસમેટ જે મોરિશિયન છે તે કહેતો હતો કે, તેનાં દાદા- દાદી ‘ભોજપુરી’ જાણે છે. Apparently મોટાં ભાગનાં મોરિશિયન ભારતીયોના પૂર્વજો ઉત્તર ભારતથી આવેલાં હતાં. 

અહીં આવ્યા પછી આવા તો ઘણાં બધા સાવ નાના કે સાવ અજાણ્યા દેશોમાંથી આવતા આવા ઘણાં બધા ભિન્ન- ભિન્ન લોકોને મળવાનું થયું છે. અન્ય ગુજરાતીઓની માફક મને ફક્ત ગુજરાતી/ ભારતીયો વચ્ચે રહેવાનું ક્યારેય ફાવ્યું નથી. જગ્યાની દૃષ્ટિએ હું મારી જાતને નસીબદાર માનું છું કે, હું પર્થમાં છું. થોડાં સમય પહેલાં એક મિત્ર એશ્લી સાથે વાત થઇ હતી ત્યારે તેની પાસેથી જાણ્યું કે પર્થ સાંસ્કૃતિક વૈવિધ્ય અપનાવવાની વૃત્તિ બાબતે બહુ સરસ છે. થોડું વિસ્તારપૂર્વક સમજાવું, તો થાય કેવું કે કોઈ જગ્યામાં ધારો કે ઘણી બધી સંસ્કૃતિનાં લોકો ભેગા થાય છે. આ પરિસ્થિતિમાં બે શક્યાતાઓ રહે.
1) બધાં અન્યોઅન્ય સાથે હળે-મળે અને એકબીજા વિશે જાણે, અથવા
2) લોકો પોતપોતાની સંસ્કૃતિનાં જ પોતાનાં જેવાં અન્ય લોકોને શોધે અને ફક્ત એકબીજા સાથે જ મળે.
જો બીજો કેસ બને તો ઘણી વખત એવું થાય કે એક આખા વિસ્તારનાં બધાં મકાનો અને રહેવાસીઓ એક જ સંસ્કૃતિનાં હોય. આપણે ત્યાં ‘કડવા પટેલ’ બધાં એક સોસાઈટીમાં રહેતાં હોય એવું અને યુ.કે.માં અમુક સબર્બમાં જાઓ તો હિન્દુસ્તાનમાં આવ્યા હો તેવું લાગે એવું! પર્થમાં પણ થોડું ઘણું એવું છે અને બધે રહેવાનું. પણ, તેનાં કહેવા પ્રમાણે મેલબર્ન કે સિડનીની સરખામણીએ પર્થમાં આવું ઘણું ઓછું બને છે. લોકો ફક્ત પોત-પોતાની સંસ્કૃતિઓનાં ટોળામાં નથી રહેતાં. અહીં એક મિત્ર-વર્તુળમાં ઘણાં રંગ અને સંસ્કૃતિનાં લોકો જોવા મળે તેવી શક્યતા વધુ છે. આ બાબતે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પણ, સાથે મારી જાતની પીઠ પણ એટલા માટે થાબડીશ કે મેં આ તકને જતી ન કરી, તેનો બને તેટલો ફાયદો ઉઠાવ્યો અને જૂદી-જૂદી સંસ્કૃતિનાં લોકો સાથે પરિચય તથા મિત્રતા કેળવ્યા. 

 હું માનું છું કે ગુજરાતીઓની એકબીજા સાથે જ રહેવાની અને બીજી સંસ્કૃતિઓમાં અને અન્ય લોકોની રહેણી-કરણીમાં  બહુ રસ ન લેવાની વૃત્તિને કારણે જ આપની ભાષામાં અન્ય સંસ્કૃતિનો ગહેરો પરિચય આપતું સાહિત્ય બહુ નથી લખાયું. પણ, સામે એ પણ વાસ્તવિકતા છે કે, ગુજરાતીઓ સાથે રહ્યા છે, ઘણાં પૈસા કમાયા છે અને અન્ય ગુજરાતીઓ માટે વાપર્યા છે. ઘણાંએ મંદિરો બનાવ્યા છે અને આ મંદિરો વિદેશોમાં ગુજરાતીઓ ભેગા થઇ શકે અને એકબીજાને ઓળખી શકે અને એ રીતે કુટુંબ અને વ્યાપારને વધારી શકે તેનું કેન્દ્ર બન્યાં છે. એક-બીજા સાથે જોડાયેલા રહેવાની આદતને કારણે જ સંગઠિત રીતે ગુજરાતીઓ દુનિયાને પોતાના અસ્તિત્ત્વનો અહેસાસ કરાવતા રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ગુજરાતીઓએ નવરાત્રી મનાવી છે અને ગરબે રમ્યા છે!