ગોનપાચી પછી શું એ વિષે કોઈએ કૈં ખાસ વિચાર્યું નહોતું. અભિ કલાકો પહેલા જ લૅન્ડ થયો હતો એટલે અમે ધાર્યું હતું કે એ કદાચ થાકેલો હશે. પણ, તેને જેટલેગ જેવું ખાસ કૈં લાગતું નહોતું. એટલે અમે નક્કી કર્યું શિનજુકુ જવાનું. ‘બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ’ની જેમ ટોક્યો ગ્યા હૈ તો શિંજુકુ જાના પડતા હૈ. ક્લબ્સ, એન્ટરટેઇન્મેન્ટ, વિચિત્રતા અને શૉપિંગ – ત્યાં બધું જ છે. ટોક્યોમાં તમારી પાસે ગાળવા માટે એક સાંજ જ હોય તો તમને લોકો અહીં જવાનું સૂચવે તેટલો પ્રખ્યાત અને રસપ્રદ છે આ વિસ્તાર.
શિનજુકુમાં પગ મૂકતાં જ આંખે ઊડીને વળગે ચોતરફ પથરાયેલી નિયોન લાઇટ્સ. ત્યાંનાં મુખ્ય ક્રૉસિંગ પર હાથ વાળીને ઊભા રહો તો બંને બાજુ કોઈક સાથે હાથ ભટકાય તેટલી ભીડ. દિવાળી પર આપણાં મોટાં શહેરોની બજારોમાં થતી હોય તેનાંથી પણ કદાચ બમણી રોશની ત્યાં રોજ થતી હશે. જેમ અંદર જતાં જાઓ તેમ વિવિધ પ્રકારનાં બાર, ક્લબ્સ, રેસ્ટ્રોં એકબીજાને અડીને, ઉપર, નીચે બધે દેખાતાં જ રહે અને લગભગ દરેક જગ્યા કોઈ ને કોઈ થીમવાળી.

ત્યાં ચાલતા મારું ધ્યાન એક જેલ થીમ્ડ બાર તરફ ગયું. બારનું નામ જ હતું – ‘ધ લોકઅપ’. મને અને સૅમને ડરામણી જગ્યાઓ, વસ્તુઓ કે ફિલ્મો જોવાનું બિલકુલ પસંદ નથી એટલે અંદર જતાં પહેલાં મેં શ્રી અને આશુને પૂછ્યું કે, આમાં કૈં બિભત્સ કે ડરામણું તો નહીં હોય ને? શ્રી પાસેથી ત્યારે મને કલચરલ લેસન મળ્યો. જાપાનનાં લોકો એટલા નમ્ર છે કે, તમે ‘હૉન્ટેડ હાઉઝ’માં જાઓ તો પણ એ લોકો ડરાવતાં પહેલાં તમને દસ વખત પૂછશે અને તમારી પરવાનગી લેશે. અમે એ બારમાં અંદર ઘૂસ્યા એ સાથે જ શ્રીએ કહેલી વાત મેં પ્રત્યક્ષ જોઈ. બારમાં સીટ આપતાં પહેલાં અમને ત્યાંની હોસ્ટ પૂછવા આવી કે, તમારામાંથી કોને અમે હાથકડી પહેરાવી શકીએ? એકે હા પાડી પછી હાથકડી લઈને આવી ત્યારે પણ તેણે હસીને પરવાનગી માંગી. Super funny and bizarre!
એ બારનું ઈન્ટીરિયર એકદમ ફિલ્મોમાં જોતાં હોઈએ તેવી જેલ જેવું હતું. (જેલ જેવું જ હતું તેમ તો કહી ન શકાય કારણ કે, મેં જેલ અંદરથી જોઈ નથી. :) ) દરેક ટેબલ એક નાની કોટડીમાં રાખેલું હતું અને કોટડીનાં દરવાજા જેલનાં સળિયા જેવાં હતાં. બધાં જ બારટેન્ડર્સે પોલિસનાં કોશ્ચ્યુમ પહેર્યાં હતાં અને થોડાં થોડાં સમયાંતરે લાઇટ્સ, સાઉન્ડ અને તેમનાં સ્ટાફ દ્વારા ત્યાં એક કોટડીમાંથી કોઈ કેદી ભાગી છૂટ્યો છે તેવો સીન રચવામાં આવતો. અમે કૉકટેઈલ્સ અને આચર-કુચર માટે થોડી ‘સ્મૉલ પ્લેટ્સ’ ઓર્ડર કરી. મેન્યુમાં તળેલી અને ચીઝ/બટરવાળી વાનગીઓ સિવાય ખાસ કૈં હતું નહીં એટલે મને બહુ મજા ન આવી. ડ્રિંક્સ પણ પેલાં સસ્તા કલર અને એસન્સથી બનેલાં બ્રાઇટ રંગનાં શરબત જેવાં હતાં. પણ, તેની સજાવટ રસપ્રદ હતી. અમુક ડ્રિન્ક્સ ટેસ્ટયૂબમાં આપવામાં આવ્યાં હતાં અને એવી લગભગ 5-6 ટેસ્ટયૂબની એક ટ્રે હતી. અમુક ડ્રિન્ક્સ ફ્લાસ્કમાં હતાં અને એક ડ્રિન્કમાં શરબત જેવું પ્રવાહી હતું અને તેમાં બે અલગ અલગ આલ્કોહોલ ભરેલી બે ઇન્જેક્શનની સિરિંજ રાખેલી હતી. એ સિરિંજ પુશ કરીને આલ્કોહૉલ શરબતમાં ભેળવવાની વ્યવસ્થા હતી. એ પ્રેઝન્ટેશન હતું તો મસ્ત પણ, જેલની થીમ સાથે લૅબોરેટરીનાં સાધનોને શું લાગે વળગે તેની ખબર અમને આજ સુધી નથી પડી.


સરવાળે, જો તમે આવાં કોઈ થીમ્ડ બારમાં જાઓ તો અમારી જેમ દરેક વ્યક્તિ માટે જમવાનું અને ડ્રિન્ક્સ ઓર્ડર કરવાને બદલે ફક્ત એક કે બે વસ્તુઓ ઓર્ડર કરી શકો જેથી ઘણું બધું ખાવા-પીવાનું વેડફવું ન પડે અને છતાં ત્યાંનું ઍમ્બિયન્સ માણી શકો.
અહીંથી નીકળ્યા પછી આશુ અને અભિએ નક્કી કર્યું અમારું next stop – ગોલ્ડન ગાઈ.
ઘણી બધી આંખો અંજાઈ જાય તેવી નિયોન લાઇટ્સવાળાં વિસ્તારનાં એક છેડે આ પ્રમાણમાં ઓછી લાઇટ્સવાળો ઢીંડુકડા મકાનોની બસ્તી જેવો એક વિસ્તાર આવેલો છે. છ પાતળી શેરીઓમાં પથરાયેલાં આ વિસ્તારમાં લગભગ બસો જેટલાં ટચુકડાં બાર આવેલાં છે. એક બારમાં છથી આઠ માણસો જ સાથે બેસી શકે તેટલાં નાનાં બાર. આ બાર્સનું ડેકોર પણ એક જુઓ ને એક ભૂલો તેટલું મસ્ત.

લગભગ બધાં જ બાર્સનું ડેકોર થીમ્ડ છે – જાઝ, ફ્લમેન્કો, રૉક, ડેથ મેટલ, હોસ્પિટલ, એડવર્ડિયન ગોથિક વગેરે વગેરે અને થીમ્ડ ન હોય તો પણ સુંદર તો છે જ. ઘણાં બધાં બાર્સ પર ‘નો ફોરેનર્સ’, ‘નો ટૂરિસ્ટ્સ’, ‘રેગ્યુલર્સ ઓન્લી’ જેવાં બોર્ડ લગાડેલાં છે પણ, ઘણાં બધાં બાર મારા-તમારા જેવા ટૂરિસ્ટ્સ માટે ખુલ્લા છે.

અમે ઓછામાં ઓછાં વીસેક બારમાં અંદર જઈને જોયું હશે પણ, માંડ છથી આઠ જણ સમાતાં હોય ત્યાં પાંચ જણનું ગ્રૂપ તો કઈ રીતે સમાય! અને અમારાંમાં બાર ખાલી થાય તેટલી રાહ જોવા જેટલી ધીરજ નહોતી.




અભિએ એ સ્થળ વિષે તેનાં મિત્રો પાસેથી ઘણું સાંભળ્યું હતું એટલે અમુક જોવા જેવાં બાર્સ વિષે એ જાણતો હતો જ્યારે, બીજાં અમુક અમે પોતાની રીતે ચાલતા ચાલતા એક્સપ્લોર કરતા જતા હતા. ચાલતા ચાલતા આશુએ અમને જણાવ્યું કે, ગોલ્ડન ગાઇમાં આવેલાં મોટાં ભાગનાં બાર એક સમયે વેશ્યાગૃહ હતાં. જાપાનમાં દેહવ્યાપાર ગેરકાનૂની બન્યા પછી એ ધીમે ધીમે બારમાં પરિવર્તિત થયાં હતાં.

ત્યાં અમે ક્યાંયે અંદર બેસી ન શક્યા. પણ, ફરી જ્યારે ટોક્યોની મુલાકાત લેવામાં આવે ત્યારે એ બાર્સમાંથી કોઈમાં જઈને ખરેખર ડ્રિન્ક્સ માટે બેસવું એ મારાં બકેટ લિસ્ટમાં છે.
ત્યાંથી બહાર નીકળ્યા પછી શું કરવું એ વિચારતા અમે આસપાસનાં વિસ્તારમાં ફરતા હતા ત્યાં અમારું ધ્યાન પડ્યું ‘લવ હોટેલ્સ’ પર. લગભગ દરેક હોટેલની બહાર તેનાં કલાક પ્રમાણેનાં રેન્ટલ રેટ્સ લગાવવામાં આવેલાં હતાં. શિંજુકુનાં બાર્સની જેમ આ હોટેલ્સ પણ થીમ્ડ છે. તમારી કલ્પના જ્યાં સુધી પહોંચી શકે તેનાંથી પણ વધુ થીમ્સ કદાચ શિંજુકુનાં બાર, રેસ્ટ્રોં અને લવ હોટેલ્સ વચ્ચે કવર થઇ જતી હશે.
આટલું ફર્યા પછી અંતે સાડા બાર આસપાસ અભિની બૅટરી ડાઉન થવા લાગી. મારા માટે પણ હવે એ વાતાવરણનો અતિરેક થઇ ગયો હતો અને આશુ, શ્રી અને સૅમ પણ થાક્યા હતા એટલે પછીનાં દિવસનો થોડો આછો પાતળો પ્લાન બનાવીને અમે ત્રણ અમારી હોટૅલ તરફ અને આશુ-શ્રી પોતાનાં ઘર તરફ રવાના થયા.