મોન્ટ્રિયાલ – 2

કેનેડા, મોન્ટ્રિયાલ

પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.

મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં.

રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા.

એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો!

એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું.

ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ.

એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં!

સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા.

ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું,
“તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?”
“હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.”
“રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.”
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી.

અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા.

એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું.

એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો.

રિલેશનશિપ્સ, પ્રેગ્મેટીઝમ અને આપણે

નિબંધ

આપણે ત્યાં આ આખો રિલેશનશિપ અને તેનાં સ્વીકાર વિશેનો મત શિક્ષિત પ્રેક્ટિકલ મિડલક્લાસમાં જાણે એકાએક ફક્ત એક પેઢીમાં જ ફરી ગયો છે! એક સમય હતો જ્યારે પ્રેમ અને પ્રેમ-લગ્ન આખી બાબત જ એટલી મોટી ગણાતી કે, પ્રેમ-સંબંધો બંધાતા તોયે એક જ વાર બંધાતા અને લગ્નની ગાંઠ બંધાય ત્યાં સુધી બહારનાં તત્ત્વો સાથેની જંગ જ એટલી મોટી રહેતી કે, સંબંધની આંતરિક તકલીફો તો ‘રિલેશનશિપ’વાળા ગાળામાં દેખાતી પણ નહીં. અંતે લોકો ભાગીને પ્રેમીને પરણી જતાં, અથવા માતા-પિતા રાજી-ખુશી પરણાવી દેતાં અને એ બંને ન થતું ત્યારે બંને છૂટાં પાડીને અરેન્જડ મેરેજમાં કોઈ સાથે ગોઠવાઈ જતાં. હા, આમાં પછી થોડાં ઘણાં ફેરફાર આવતાં. પણ, વાતનો જનરલ ટોન તો બ્લેક ઓર વ્હાઈટ જ રહેતો. કોમ્પ્લીકેશન કે કન્ફયુઝનનાં ગ્રે તો જાણે અસ્તિત્ત્વ જ ન ધરાવતાં હોય એવી જ કહાનીઓ સાંભળવા મળતી.

અને છેલ્લા ૫-૭ વર્ષમાં આ બધું જ બદલાઈ ગયું. પ્રેમ મેઈનસ્ટ્રીમ થઇ ગયો અને ખાટલે મોટી ખોડ એ કે, આવો કોમ્પ્લીકેટેડ પ્રેમ કરનારી અમારી જનરેશનનાં મોટાં ભાગનાં પેરેન્ટ્સની તો સ્ટ્રેઈટ-ફોરવર્ડ લવ-સ્ટોરી પણ નથી! તો રિલેશનશિપ એડવાઈઝ તો ભૂલી જ જાઓ. આ આખી પરિસ્થિતિ આ એક જેનરેશન માટે બહુ રસપ્રદ છે. એક તરફ પ્રેમ અને પ્રેમીઓને વધુ ને વધુ સ્વીકૃતિ મળતી ચાલી છે એમ સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ બુદ્ધિજીવી વર્ગનો કરિયર ઓરિયેન્ટેડ અપ્રોચ વધતો ચાલ્યો છે એમ સંબંધોનાં નવા સમીકરણોનો એક ફલક ખુલવા લાગ્યો છે. ટીન્સ અને યુવાનો ભણવા કે કામ કરવા માટે વધુ ને વધુ ગામ/રાજ્ય/દેશની બહાર લાંબા કે ટૂંકા સમયગાળા માટે જવા લાગ્યા છે. સ્કૂલ-કોલેજની રિલેશનશિપ્સમાં છેલ્લાં કેટલાંયે સમયથી એક મૂંગી સ્વિકૃતિ આવી ગઈ છે એકથી વધુ રિલેશનશિપ્સ અને બ્રેક-અપ્સ વિશે. બાકીની વિશાળ દુનિયા સાથે લાઈવલી કનેક્ટેડ અર્બન યુથનાં રિલેશનશિપ્સ વિશેનાં અભિગમ પણ વધુ-ઓછાં પણ ગ્લોબલ બનતાં ગયા છે.

પણ, આ કોમ્પ્લેકસીટીને હેન્ડલ કરી શકવા માટેની સપોર્ટ સિસ્ટમ? ન બરાબર છે. રિલેશનશિપ્સવાળો સબ્જેક્ટ તો આજે પણ એક સામાન્ય ઘરમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. હા, વાત લગ્ન સુધી પહોંચે ત્યારની વાત અલગ છે. કેઝ્યુઅલ રિલેશનશિપ (સાવ ટાઈમપાસ નહીં) નામનો કન્સેપ્ટ પ્રેક્ટિકલી આવી ગયો હોવાં છતાંયે અસ્તિત્ત્વ નથી ધરાવતો. પૂછો કોઈ પણ એવરેજ મિડલ-ક્લાસ/હાયર મિડલ-ક્લાસ સ્કૂલ-કોલેજનાં છોકરા/છોકરીઓને. ‘ઇટ્સ કોમ્પ્લીકેટેડ’ પર એક આખો નિબંધ લખી આપી શકશે.  બીજી તરફ આ સમયનાં યુવાનોનાં પેરેન્ટ્સવાળી જેનેરેશનમાં અમુક સીમિત વ્યાખ્યાઓ જ અસ્તિત્ત્વ ધરાવે છે. કાં તો તમે સિરિયસ હો અને લગ્ન કરો અને બાકીનું બધું કાં તો તને ‘નાના અને અણસમજુ છો’ અથવા તો ‘ટાઈમપાસ કરો છો’વાળી કેટેગરીમાં મુકાઈ જાય છે. રિલેશનશિપનાં ગ્રે શેડ્સ વિશે ન કોઈ વિચારે છે કે ન તો વાત કરે છે. પેરેન્ટ્સ કદાચ વાત કરે તો પણ તેની ગંભીરતા તેમનાં મગજમાં એટલી બધી વધુ હોય કે, પરિસ્થિતિ હોય તેનાં કરતાં તેમને વધુ dramatic જ દેખાય. વળી, સિરિયસ રિલેશનશિપવાળાઓએ પણ મોટા ભાગે તો ઘરમાં આ વિશે કંઈ કહ્યું ન હોય અને કહ્યું હોય પણ ખરું તોયે એ one-off ઓકવર્ડ ડિસ્કશન હોય જેમાં એ સમયે અને એ ઉમરે બિલકુલ રિલેવંટ ન હોય એવાં સવાલ-જવાબ થાય અથવા તો હમણાં ભણવામાં ધ્યાન આપો એવું કહીને વાતને આટોપી લેવામાં આવતી હોય. ૨૦ વર્ષથી નીચેનાં લોકોની રિલેશનશિપ્સ તો બાઈ-ડીફોલ્ટ સિરિયસલી ન જ લેવામાં આવે એ શું વળી? કઈ દુનિયાનાં કયા કાયદામાં એવું લખી દેવામાં આવ્યું છે કે, ૨૦ વર્ષથી નીચેનાં જે કરતાં હોય એ સિરિયસ ન જ હોય?! બની શકે છે કે, ત્યારે જ એ લોકો પોતાનાં સોલ-મેટને મળે! પણ, ઈચ્છવા છતાંયે અમુક પરિસ્થિતિ કઈ રીતે સાચવવી એ તેઓ ન સમજી શકતાં હોય અને તેમાં ખરેખર તેમને ખરેખર તકલીફ ક્યાં છે એ જ ખબર ન હોય. ત્યારે તેની ગાંઠો ખોલવામાં એ બંને સિવાયનાં ત્રીજા તેમાં ઇન્વોલ્વડ હોય એ પણ કોણ? તેમનાં જેટલો જ સીમિત લાઈફ-એક્સપીરિયંસ ધરાવતાં તેમનાં મિત્રો. તેઓ એક ત્રીજી વ્યક્તિ તરીકે તેમની તકલીફોને જોઈ/સમજીને એક હદ સુધી સલાહ આપી શકે પણ એથી આગળ સમજી કે સમજાવી શકવાનું તો તેમનુંએ ગજું ન હોય.

જે માતા-પિતાઓ ભવિષ્ય અને કરિયર વિશે ફોરવર્ડમાં ફોરવર્ડ ચર્ચાઓ કરી શકતાં હોય એ જ વર્ગ આ ટોપિક પર સાવ ચુપ. ફ્યુચર અને યુવાનીનો એક મોટો ભાગ કરિયર છે તેટલો જ મોટો બીજો ભાગ રિલેશનશિપ્સ અને પાર્ટનર્સની આ એડવેન્ચરસ સફર પણ છે. વળી, પર્સનલ અને ફેમિલી લાઈફની સ્થિરતા વિના આમ પણ કરિયરમાં સ્થિરતા આવવી લોઢાનાં ચણા ચાવવા જેટલું અઘરું છે એ વસ્તુ આપણા કરિયર/ફોકસ ઓરિયેન્ટેડ કહેવાતાં બુદ્ધિજીવી માં-બાપો અને શિક્ષકો કઈ રીતે ભૂલી જાય છે? આઈ મીન કમોન! આપણને બધાંને શું અત્યાર સુધીમાં સમજાઈ નથી ગયું કે, એક સાચાં અર્થમાં વેલ-રાઉન્ડેડ લાઈફ જીવવા માટે કરિયર અને સંબંધોનું બેલેન્સ બહુ જરૂરી છે. તો આ વાત ટીન્સને પ્રેક્ટિકલ રીતે શીખવવી અને સમજાવવી ક્યારે શરુ થશે એ હું વિચારું છું! વળી, કરિયર અને લાઈફમાં શું કરવું તેનાં ઓપ્શન્સ વગેરે વગેરેની માહિતી તો આમ પણ આજ-કાલ બધાં માટે ઈન્ટરનેટ પર ભરપૂર છે. કરિયર એવી થિયરી છે જે સમાચારપત્રો, મેગેઝીન, બ્લોગ્સ અને એવાં હજારો માધ્યમોમાંથી બહુ સહેલાઈથી મળી શકે છે. પણ, સંબંધો અને તેને ટકાવવાની માહિતી ક્યાંથી મળશે? ફિલ્મો, નાટકો અને વાર્તાઓ તો છે. પણ, તેમાંયે હીરો અને વિલનનાં કન્સેપ્ટ સમજી શકાય ગ્રે-શેડનાં નહીં. ખરેખરી જિંદગી અને ખરેખારા સંબંધો તો આખી વાત જ ગ્રે-શેડની હોય છે. તો હવે ડગલે ને પગલે તાર્કિક અને નાણાંકીય સમજદારી ઇન્સીસ્ટ કરતાં આપણે, એક સમાજ તરીકે લાગણી અને સંબંધોની સમજદારી સાથે બેલેન્સ નામની એક જીવનજરૂરી વાત શીખવવાનું શરુ ક્યારે કરીશું?

લાગણીઓની વાત આવે ત્યારે મજબૂત બનવાની જે સલાહો આપવામાં આવે છે તેનો ખરેખરો સુર તો લાગણીઓને સુન્ન કરી નાંખો અને પછી સ્ટ્રોંગ હોવાનો ઢોંગ કરો એવો હોય છે આપણે ત્યાં. ઈમોશનલ ઈન્ટેલીજન્સ નામનો જીવનનો એક ખૂબ અગત્યનો ભાગ આપણે ત્યાં જૂગારની રમત બનીને રહી ગયો છે. એ શીખવાની વ્યવસ્થિત લાઈન ઓફ કમ્યુનિકેશન નથી એટલે ટ્રાયલ એન્ડ એરર એ એક જ મેથડ બચી છે. એ મેથડ આ રસ્તા પર એટલી કઠણ છે કે, જે એમાંથી પસાર થાય છે એ કશું સમજી ન શકવાને લીધે શરૂઆતમાં જ ફાટી પડે-કોઈ ને કોઈ રીતે તેમાંથી ભાગી છૂટે અને જિંદગી આખી મજબૂત હોવાનાં ભ્રમમાં જીવતાં રહે, જે ટકી રહે એ અંતે સાવ ભાંગી પડે અને બાકીનાં ગણ્યાગાંઠ્યા નસીબદારો આ આખો ભેદ પામે અને સ્વસ્થતાથી આગળ વધતાં રહે. સમય બદલ્યો છે અને તેની સાથે અમને પજવતાં પ્રશ્નો પણ. હાલ બાકીની દુનિયામાં ટીન્સ અને યુવાનોનાં પેરેન્ટ્સ કે પછી એ ઉમરનાં તેમનાંથી નજીક તેમનાં બધાં વયસ્કોમાંનાં કોઈ ને કોઈ આ રિલેશનશિપ એડવાઈઝરનો રોલ લેતાં રહેતાં હોય છે અને એ પણ ફક્ત ત્યારે નહીં જ્યારે વાત લગ્ન પર આવી પહોંચી હોય. એ લગ્ન સુધી પહોંચે ત્યાં સુધીની સફરમાં પણ.

આવા સમયે તેમને એ સમીકરણમાં કયા ક્યા અને કેવાં પરિબળો ભાગ ભજવે છે એ દેખાડવામાં આવે તો? તમે ગમે તે કરો અંતે એ નિર્ણયની જવાબદારી તમારી પોતાની જ રહે એ સમજાવવામાં આવે તો? રિલેશનશિપમાં ફક્ત પ્રેમ અને બ્રેક-અપ બે જ એક્સ્ટ્રીમ ન હોઈ શકે એ સમજાવવામાં આવે તો? સંબંધોમાં અમુક પરિસ્થિતિઓ ગૂંચવાડા ઊભી કરતી હોય છે અને એ ગૂંચવાડા સાથે બેસીને વાત કરીને ખોલવાના હોય છે એ સમજાવવામાં આવે તો? રિલેશનશિપ્સમાં દરેક વખતે પોતાને શું જોઈએ છે એ ખબર ન હોય અને એવું હોવું જરૂરી પણ નથી એ સમજાવવામાં આવે તો? દરેક રિલેશનશિપને દુનિયાનાં અંત તરીકે દેખાડવા કરતાં જસ્ટ-અનધર-ડેસ્ટીનેશન તરીકે જોતાં શીખવાડવામાં આવે તો? આવો અભિગમ કેળવ્યા પછી તેને ગમે તેની લાગણીઓ સાથે રમવાનું સાધન ન બનાવતાં શીખવાડવામાં આવે તો? એક ફલર્ટ હોવું અને ખરેખર ઇચ્છવા છતાં રિલેશનશિપ્સ ટકાવી ન શકવી એ બંનેમાં ફર્ક છે એ શીખવાડવામાં આવે તો? પાર્ટનર અને પોતાની જાત સાથે લાગણીઓમાં પ્રમાણિકતા કોને કહેવાય અને એ કેટલી જરૂરી છે એ શીખવાડવામાં આવે તો? ક્યારેક તેમનાં કોઈ મિત્ર અને તેમનામાં ખરેખર કેમિસ્ટ્રી દેખાય ત્યારે તેમને એ જણાવવામાં આવે તો? ક્યારેક કોઈ બહુ લાગણીશીલ છોકરા/છોકરી સાથે તેમને ફલર્ટ કરતાં અટકાવવામાં આવે તો? રિલેશનશિપમાં તેઓ સ્વકેન્દ્રી બની રહ્યા હોય ત્યારે તેમને ટપારવામાં આવે તો? બ્રેક-અપ પછી રીબાઉંન્ડ શું હોય અને તેમાં વ્યક્તિની માનસિક પરિસ્થિતિ શું હોય એ સમજાવવામાં આવે તો? પ્રેમની કલાત્મક આવૃત્તિ અને રોજબરોજની પ્રેક્ટિકલ આવૃત્તિ વિશેનો ફર્ક સમજાવવામાં આવે તો? એક એપિસોડનાં પ્રેમ અને જીવનભરની લવ સ્ટોરીમાં પાયાનો ફર્ક સમજાવવામાં આવે તો? અને બંનેમાં કંઈ ખોટું નથી એ અહેસાસ કરાવવામાં આવે તો? શું આ સમાજનાં મોટાઓ પોતાનાં જ બાળકોને આટલું પણ શીખવવાનું નથી વિચારતાં? કે પછી લાગણીઓ અને સમજદારીનો દાવો કરતાં પોતે જ ખરેખર તો આ બાબતે અભણ રહી ગયા છે? સેક્સ એજ્યુકેશન પહેલાં અને તેનાંથી કદાચ ક્યાંય વધુ જરૂરિયાત આપણે ત્યાં રિલેશનશિપ અને ઈમોશનલ એજ્યુકેશનની છે.


આ વિચારનાં ખૂબ નજીકનાં બે વિષયો પરની બે રસપ્રદ ટેડ-ટોક્સ:

Why you should absolutely date a girl who travels

નિબંધ

આજ-કાલ આ ‘ડેટ અ ગર્લ હુ …’ શ્રેણીની બોલબાલા છે ઈન્ટરનેટનાં પોપ્યુલર કલ્ચરમાં. જેને જુઓ એ કોની સાથે પ્રેમ-સંબંધ બાંધવો તેની સલાહો આપવામાં પડ્યા છે. કહે છે કે, ઓરિજિનલ જેવું કંઈ હોતું જ નથી. દરેક કલાકૃતિ આમ તો કોઈ ને કોઈ રીતની ઉઠાંતરી જ છે. એટલે, કોપી કરો. વાંધો નહીં. પણ, એટલી જ જેટલું તમને માનવાલાયક લાગે છે અને એટલું જ જે લખાણમાં તમે પોતાની જાતને અને પોતાનાં સત્યને જોઈ શકો. ડેટ અ ગર્લવાળાં બધાં જ લેખોમાં આ લેખ સાથે હું અંગત રીતે સૌથી વધુ સહમત છું અને તેમાં મારી જાતને જોઈ શકું છું એટલે તેનો ભાવાનુવાદ કરીને અહીં મુકવાની તસ્દી લઉં છું.

આ આર્ટિકલ સૌથી પહેલાં ‘ડોન્ટ  ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સ’નાં ટાઈટલ નીચે એક બ્લોગરે પોતાનાં બ્લોગ પર મૂક્યો હતો (http://www.lovethesearch.com/2013/05/dont-date-girl-who-travels.html). તેનાં પરથી એ મીડિયમ ડોટ કોમ (https://medium.com/better-humans/802c49b9141c) પર ગયો અને ધીમે ધીમે પ્રસિદ્ધ થતો ગયો. પણ, અંગત રીતે મને હફિંગટન પોસ્ટનું આ આર્ટિકલનાં જ ઘણાં બધાં મુદ્દાઓ લઈને બનાવેલું વર્ઝન સૌથી વધુ ગમ્યું (http://www.huffingtonpost.com/stephanie-ridhalgh/date-a-girl-who-travels_b_4719605.html).


અત્યારે ઈન્ટરનેટ પર એક લેખ ફરી રહ્યો છે – ‘ડોન્ટ ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સ’ જેમાં લેખિકા સ્વાભાવિક રીતે જ ટ્રાવેલર (રખડતી ભટકતી ;)) છોકરીનાં પ્રેમમાં પડ્યા પછીની પીડાઓ વિશે વાત કરે છે.

ઓરિજિનલ લેખની વિગતોમાં પડ્યા વિના ટૂંકમાં કહું તો હું પણ સમજુ છું કે, લેખનો સ્વભાવ વ્યંગાત્મક છે. પણ, ઘણાં ખરેખર, એ લેખમાં જણાવ્યા મુજબનાં સ્ત્રી-પ્રવાસીઓનાં એ ગુણોને અવગુણ ગણે છે. એટલે, હું ફક્ત એ જણાવવાની કોશિશ કરીશ કે, પ્રવાસનાં ધાર્યા-અણધાર્યા અનુભવો આપણી રોજબરોજની જિંદગી પર કેવી અસર પાડે છે અને આપણને હંમેશા વધુ ને વધુ પ્રવાસ કરવા માટે પ્રેરતા રહે છે. (આ લેખ રોઝમરી અર્ક્વીચોનાં ‘ડેટ અ ગર્લ હુ રીડ્સ પરથી પણ પ્રભાવિત છે.)

ડોન્ટ ડેટ અ ગર્લ હુ ટ્રાવેલ્સને મારો જવાબ ….

ઘુમક્કડ છોકરીનાં પ્રેમમાં પાડો. આ છોકરી એ છે કે, જેની ચામડી સૂર્યએ ચૂમેલી તામ્રવર્ણી છે. (બક્ષીને કોણે યાદ કર્યા?)  તેનામાંથી એક પ્રકારની સ્વસ્થતાની ખુશ્બૂ આવે છે, જે તેનાં માંસલ દેહ અને આંખની ચમકનો જ એક ભાગ લાગે છે.

ભટકતી છોકરીને ચાહો. તે બહુ ભૌતિકવાદી નહીં હોય. એ ભૌતિક વસ્તુઓનાં બદલે જીવનનાં અનુભવોને પોતાનો ખજાનો ગણશે. તેને મોંઘી સોગાદોની જરૂર નહીં હોય. તેનાં બદલે તેને તસવીરો આપજો. એવી તસવીરો જે તેની સાથે હંમેશા રહી જાય. એ છોકરી થોડાંમાં પણ ઘણું જીવવાવાળાઓને જોઈ-સમજી શકતી હશે અને જીવનની નાની ખુશીઓનું મૂલ્ય સમજતી હશે. એ છોકરી ફરે છે કારણ કે, ક્યાંક તેનું ઘર છે – પાછા ફરવા માટે. એ ઘરમાં પસાર થતી દરેક ક્ષણ અને દરેક સામાન્ય વ્યવહારની કિંમત એ બહુ ઊંચી આંકે છે. તેને પોતાનાં ગામ – પોતાની માતૃભૂમિ વિશે ગર્વ છે કારણ કે, તેનાં જેવાં જ કોઈ અન્ય પ્રવાસી માટે એ ગામ એક રસપ્રદ નવી જગ્યા છે.

સતત પ્રવાસ કરતી રહેતી છોકરી/સ્ત્રી (જો પપ્પા/મમ્મી પાસે ખર્ચ નહીં માંગતી હોય તો) ખૂબ મહેનતુ હશે. એ કદાચ પોતાનાં પ્રવાસનાં ખર્ચા નિભાવવા માટે બે કે ત્રણ નોકરીઓ કરતી હોય તેવું પણ બને. કદાચ એ છોકરી કોઈ યુવાન ઓન્તરપ્રન્યોર હોય અને પોતાનાં પ્રવાસને એક યા બીજી રીતે આવકસ્ત્રોતમાં ફેરવતી હોય તેવું પણ બને. એ હોશિયાર હશે અને એ પણ જાણતી હશે કે, આજ-કાલ ઘણી બધી મોટી કંપનીઓ જરૂર પડ્યે વિદેશ-યાત્રા કરવા માટે તૈયાર હોય તેવાં ઉમેદવારો પર પહેલી પસંદગી ઉતારે છે એટલે તે કદાચ તેવી પણ કોઈ નોકરી કરતી હોય તેવું બને.

આ છોકરી તમને હંમેશા સરપ્રાઈઝ કરી શકશે! એ અજાણ્યા શહેરોમાં અદ્ભુત દિશા-સૂઝ સાથે ફરતી હશે અને એટલી જ ધગશથી તેને ક્યારેક અચાનક સાવ જ ખોવાઈ જવાનું પણ માણતાં આવડતું હશે. ક્યારેક ચૂકાઈ ગયેલી ફ્લાઈટ/ટ્રેન/બસ, ખોટાં વળાંકો, લારીઓનું હાનિકારક ખાવાનું અને એ ખાણાને મુબારક ગમે તેટલાં ખરાબ ટોઇલેટની પરાણે લેવી પડતી મુંલાકાતોને આભારી, તે ખૂબ સરળ અને ઓછામાં ઓછી જરૂરિયાતો ધરાવતી થઇ ગઈ હશે. એ રસ્તા પર (અને જીવનમાં પણ) અચાનક આવતાં રોદા ખાવા માટે તૈયાર બેઠી હશે.

આ છોકરી સમજદાર હશે અને તમારાં નિર્ણયોમાં તમારી બને તેટલી અને બને તે રીતે સહાય કરવા હંમેશા તૈયાર હશે. એ જાણતી હશે કે, તમે કદાચ તેનાં જેટલાં ટ્રાવેલ-ઓરિયેન્ટેડ ન પણ હો અને તેનાંથી તેને કોઈ તકલીફ પણ નહીં હોય. પણ, છતાંયે તેની સાથે તમને હંમેશા મજા આવશે. એ ગમે તે સંજોગોમાં જીવનને માણતી હશે અને તમને પણ તેવું જ કરવામાં મદદ કરતી હશે.

પ્રવાસી છોકરીને પ્રેમ કરો કારણ કે, તે દુનિયાનાં જાત-ભાતનાં લોકો સાથે હળી-મળીને જૂદી જૂદી જગ્યાઓનાં ઈતિહાસ, રીત-ભાત અને સામાજિક વ્યવહાર વિશે જાણતી-સમજતી અને તેનો આદર કરતી જોવા મળશે અને આ જ કારણોસર આ છોકરી તમારાં માતા-પિતાને પણ પ્રભાવિત કરી શકશે. તેને અજાણ્યાઓ સાથે દોસ્તી કરવાની આદત હશે અને તે લગભગ ગમે તેની સાથે ગમે તે વિષય પર વાત કરી શકતી હશે. એ નવા માણસોને મળવા માટે હંમેશા ઉત્સુક હશે અને તમારાં કામને લગતી  સોશિયલ પાર્ટીઓમાં એ જેને મળશે તેને પોતાનાં વ્યક્તિત્ત્વથી પ્રભાવિત કરતી જોવા મળશે. તેની સાથે બધાંને વાત કરવી ગમશે.

આ છોકરી સ્વતંત્ર છે. હોશિયાર છે અને મજબૂત છે. પોતાની ખુશીઓ માટે તે અન્યો પર આધાર નહીં રાખતી હોય. એ તમને જળોની જેમ વળગી નહીં રહે. એ શેરી-યુનિવર્સીટીની ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હશે. લોકોને ઓળખતાં તેને આવડતું હશે. એ જ પારખી નજરથી એ તેને પ્રેમ કરતાં પણ દૂરથી જ તેને જોઇને ભાગી જતાં છોકરાને રોકીને પોતાની પાસે લઈ આવશે.