ક્યોતો – 4

ક્યોતો, જાપાન

ક્યોતો અમે ફક્ત બે જ દિવસ માટે હતા. પણ, અમારો દરેક દિવસ એટલો પૅક હતો અને દરેક દિવસમાં એટલું નાવીન્ય હતું કે, ક્યોતોનાં બે જ દિવસની પાંચ પોસ્ટ થઇ રહી છે અને આ પોસ્ટમાં હું આ છેલ્લા દિવસનાં બધાં અનુભવો કદાચ સમાવી પણ નહીં શકું એટલે છઠ્ઠી પણ આવવાની શક્યતા છે.

ક્યોતોનાં બિનજરૂરી રીતે વ્યસ્ત થઇ ગયેલાં દિવસની માથાકૂટ સૅમને બરાબર યાદ હતી એટલે પછીનાં દિવસે અમે નિરાંતે ઊઠ્યા અને નહી ધોઈને પૅકિંગ કર્યું. એ દિવસ અમે ક્યોતો ફરીને સાંજ સુધીમાં ઓસાકા જવા નીકળવાનાં હતા. એ દિવસે અમારી ઈચ્છા હતી ક્યોતોનાં બે સૌથી મોટાં ટૂરિસ્ટ-અટ્રૅકશન જોવાની – ‘ફુશિમી ઈનારી શ્રાઈન’ અને ‘અરાશિયામા બામ્બૂ ગ્રોવ’. એ સિવાય ખાસ કંઈ જોવાનું બાકી હોય તેવું અમને નહોતું લાગતું એટલે એ બંને જગ્યાએ ફરીને સાંજે ‘ગિયોન કૉર્નર’ જઈને ‘માઇકો’ ગેઇશાનો પેલો શો જોઈને નીકળવાની અમારી ખૂબ ઈચ્છા હતી.

પણ ફરવા નીકળતા પહેલા સૌપ્રથમ અમારે કૈંક વ્યવસ્થિત જમવું હતું કારણ કે, આગલાં દિવસે જમવામાં મજા તો આવી હતી પણ, પેટ નહોતું ભરાયું અને સવારે ઊઠતાંવેંત કકડીને ભૂખ લાગી હતી. સૅમને ગૂગલ મૅપ્સ પર ‘શોજીન કાફૅ વાકા’ નામનું એક વેજિટેરિયન કાફૅ મળ્યું.

એ કાફૅ છેક સાડા અગિયારે ખુલતું હતું અને અમે તો દસ વાગ્યામાં નાહી ધોઈને તૈયાર અને રિયોકાનમાંથી ચેક-આઉટ પણ કરી લીધું! વચ્ચેનાં કલાકમાં અમે નજીકની કોઈન લૉન્ડ્રી જઈને કપડાં ધોવાનું વિચાર્યું કારણ કે, અમારી પાસે ધોયેલાં કપડાં જ નહોતાં બચ્યાં. આગલી રાત્રે ગિયોન ફરીને રિયોકાન પાછા ફરતા પહેલા, બહુ શોધ્યા પછી અમને લોન્ડ્રી ડિટર્જન્ટની એક નાની બૉટલ મળી હતી એ લઈને અમે પહોંચ્યા laundromat. પણ, ત્યાં જઈને જોયું તો મશીન પરની બધી જ માહિતી જાપાનીઝમાં! થોડી વાર તો મશીનની આસપાસ ઉપર-નીચે જોઈને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ કઈ રીતે ચાલશે. પણ, કંઈ મેળ ન પડ્યો એટલે થોડી વાર ચિંતિત મુખે ધોયેલાં મૂળાંની જેમ બેઠા. અંતે ત્યાંથી નીકળીને જૂનાં કપડાંમાં જ આખો દિવસ કાઢવાનું નક્કી કર્યું. પણ, ત્યાં તો અનાથનાં તારણહાર જેવો એક માણસ ત્યાં પોતાનાં કપડાં ધોવા આવ્યો અને અમને આશાનું કિરણ દેખાયું. તેણે પોતાનું કામ પતાવ્યું પછી અમે તેને પૂછ્યું કે કપડાં કઈ રીતે ધોઈએ? એ પણ જાપાનીઝ હતો અને તેને ઇંગ્લિશ નહોતું આવડતું. નસીબજોગે એ ઈશારામાં સમજી પણ ગયો અને તેણે ઈશારામાં અમને સમજાવી પણ દીધું. ત્યારે છેક અમને સમજાયું કે, સાલું આગલી રાત્રે ડિટર્જન્ટની નાની બૉટલ કે પાઉચ જેવી જરૂરી વસ્તુ શોધતાં અમને એ પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં વાર કેમ લાગી હતી. એ લૉન્ડ્રીનાં તમામ મશીનોમાં ડિટર્જન્ટ ઑટોમૅટિકલી ઊમેરાતો હતો!

લૉન્ડ્રી પતાવીને અમે ફરી રિયોકાન ગયા અમારી ધોયેલાં કપડાંની બૅગ મૂકવા માટે અને ફટાફટ રિયોકાનનાં બાથરૂમમાં જ કપડાં બદલીને વેગન કાફૅ જવા માટે ટૅક્સી પકડી. એ વિસ્તાર આગલા દિવસે અમે જોયેલાં તમામ સ્થળો કરતા અલગ, એકદમ સામાન્ય રહેણાંકનો વિસ્તાર હતો. દસ જ મિનિટની ટૅક્સી રાઇડે અમને જાણે એક અલગ જ શહેરમાં પહોંચાડી દીધા હોય તેમ લાગતું હતું. કાફૅ ખુલવાની પંદર મિનિટ પહેલા જ અમે ત્યાં પહોંચી ગયા હતા. પ્રવાસી વિસ્તાર ન હોવાને કારણે ત્યાં ખાસ કૈં હતું નહીં. પણ, સામે અમને એક મંદિર દેખાયું એટલે પંદર મિનિટ અમે ત્યાં ફરીને સમય પસાર કરવાનું નક્કી કર્યું.

એ મંદિર કોઈ એવું ખાસ ટૂરિસ્ટને આકર્ષે તેવું નહોતું દેખાતું. પણ, છતાંયે તેનું પ્રાંગણ વિશાળ હતું. પ્રાંગણમાં અમે બે મોટી બસ પાર્ક થયેલી જોઈ અને છતાંયે માણસો નહોતા દેખાતા.

અમે ગર્ભદ્વાર સુધી ગયા તોયે અમને સામે માંડ એક કે બે જણ જોવા મળ્યા હશે. ગર્ભદ્વારમાં જવાનાં દરવાજા બંધ હતાં અને અમારે કોઈ ચેડા નહોતાં કરવા એટલે અમે શાંતિથી બહાર બેઠા. આગલાં દિવસે જોયેલાં બધાં જ મંદિરો તેની ભીડ અને તેનાં બાંધકામને કારણે ટૂરિસ્ટ અટ્રેક્શન જેવાં જ લાગ્યા હતાં. પણ, એ મંદિરમાં અમને આપણાં સાદા સુંદર મંદિરો જેવી શાંતિ અનુભવાઈ. અમને ત્યાં બેસવાની બહુ મજા આવી.

થોડી થોડી વારે ગર્ભદ્વાર પણ ખુલતું રહેતું અને લોકો આવતા જતા રહેતા એટલે અમને અંદર ચાલતી ધાર્મિક સભા દેખાતી રહેતી. થોડી વારમાં કોઈએ અમને ટપાર્યા કે, ત્યાં બેસવાની મનાઈ છે પણ, મંદિર પરિસરમાંથી સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા અમારે અંદર શું ચાલે છે એ જોવું હતું એટલે અમે હિંમત કરીને બને તેટલી શાંતિથી અંદર ચાલ્યા ગયા. કોઈ કૈં બોલ્યું નહીં. અંદરનો ઓરડો ખીચોખીચ ભરેલો હતો. કોઈ ધર્મગુરુ ભાષણ આપી રહ્યા હતા. એ જ્યાં ઊભા હતા એ ભાગ જાણે સોનાનો બનેલો હોય તેવો ચળકતો હતો. અમે ત્યાં પાંચેક મિનિટ ઊભા રહ્યા અને પછી બહાર નીકળી ગયા. ઍડવેન્ચર સફળતાપૂર્વક પતી ગયું!

પછી પાછા કાફૅ ગયા તો એ ખુલી ગયું હતું. કાફૅ નાનકડું પણ મસ્ત હતું. તેનું ઍમ્બિયાન્સ સુંદર હતું અને તેની માલિક પોતે જ બધું જ જમવાનું બનાવી રહી હતી. અમારો ઓર્ડર તૈયાર થતા સારી એવી વાર લાગી પણ, એક વખત જમવાનું આવ્યા પછી અમે આંગળાં ચાટતા રહી ગયા!

અમે જાપાનમાં માણેલી સૌથી સારામાં સારી ખાવાની જગ્યાઓમાંની એ એક છે. ત્યાંથી નીકળતા આરામથી સાડા બાર જેવું થઇ ગયું. ત્યાંથી ફુશીમી ઈનારી શ્રાઈન થોડી દૂર પણ હતી અને ત્યાં પહોંચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ લઈએ તો થોડું વધારે ચાલવું પણ પડે તેમ હતું એટલે અમે ત્યાં સુધીની ટૅક્સી જ પકડી લીધી.

ફુશીમી ઈનારીનો ફોટો ક્યોતોનાં લગભગ દરેક ટ્રાવેલ બ્રોશરમાં જોવા મળે મળે ને મળે જ. આ શ્રાઈન વિશાળ પરિસરમાં પથરાયેલી છે અને ત્યાં એક પછી એક ગોઠવાયેલાં કુલ દસ હજાર ‘તોરી ગેઇટ્સ’ આવેલાં છે. તોરી ગેઇટ એટલે આગલી ઘણી બધી પોસ્ટ્સમાં મંદિરોનાં ફોટોઝમાં જોવા મળતાં પેલાં કેસરી રંગનાં ગેઇટ્સ. કલ્પના કરો એક લાંબો રસ્તો અને આખા રસ્તે આવેલાં એવાં દસ હજાર હરોળબંધ ગેઇટ્સ!

મંદિરનો શરૂઆતનો ખૂબ મોટો વિસ્તાર કોઈ સામાન્ય મંદિર જેવો જ હતો પણ, વિશાળ હતો!

અમને પેલાં ગેઇટ્સ સુધી પહોંચતા થોડી વાર લાગી પણ, એક વખત ચાલવાનું શરુ કાર્ય પછી તો મજા જ આવે રાખે. ગેઇટ્સ શરૂ થાય છે એ ભાગ મંદિરનાં પરિસર જેવો જ લાગતો હતો. પણ, દસેક મિનિટ ચાલ્યા પછી એમ લાગે કે જાણે અમે જંગલમાં ચાલી રહ્યા છીએ. જંગલ અને મંદિરનાં સમન્વયે મને ગિરનારની યાદ અપાવી દીધી! અમે જે દિશામાં આગળ ચાલતા હતા એ તરફનાં પિલર એકદમ કોરાં ફક્ત કેસરી અને કાળાં રંગમાં રંગેલાં જ જોવા મળ્યા. પાછું ફરીને જોયું તો દરેક પિલર પર જાપાનીઝમાં કૈંક લખેલું હતું!

વિકિપીડિયામાંથી લીધેલો ફોટો
વિકિમીડિયા કૉમન્સમાંથી લીધેલો ફોટો

ખૂબ ભીડ હતી અને છતાંયે અમે ફોટો લેવા માટે ઊભા રહીએ ત્યારે અમારી બરાબર પાછળ ચાલતા સો-દોઢસો લોકો બધાં જ ઊભા રહી જાય! આવું અમારી સાથે બેથી ત્રણ વખત થયું બોલો. જો કે, આવું ત્યારે જ થતું જ્યારે ફોટોમાં અમે પોતે ઊભા હોઈએ. એટલે જ ઉપરનાં બંને ફોટોઝ વિકિપીડિયા પરથી લેવામાં આવેલાં છે. બાકી તો ફોટોઝમાં તોરી ગેઇટ્સ દેખાય જ નહીં, લોકો જ દેખાય તેટલી ભીડ હતી! :)

અમે એ રસ્તે લગભગ અડધી-પોણી કલાક સુધી ચાલ્યા હોઈશું. પછી થાક્યા અને કંટાળ્યા એટલે પાછા ફરવા લાગ્યા. પાંચેક મિનિટ પાછા ચાલ્યા તો બધા સામેથી અમારી તરફ આવતા જ દેખાય, કોઈ અમારી દિશામાં જતું ન દેખાય! પાંચેક મિનિટ પછી અમને સમજાયું કે, પાછા ફરવાનો રસ્તો અલગ છે. પણ, હવે પાછા જઈને એક્ઝિટ શોધવા કરતાં અમને ઊંધા રસ્તે ચાલીને એક્ઝિટ મળે ત્યાં સુધી આગળ વધવામાં જ ડહાપણ લાગ્યું એટલે અમે તેમ કર્યું.

ત્યાંથી નીકળતા અમને આરામથી બે-અઢી જેવું થઇ ગયું હતું. ત્યાંથી અરાશિયામા લગભગ એક કલાક દૂર હતું અને બરાબર સામેનાં ટ્રેન સ્ટેશનથી અમને ક્યોતો સ્ટેશન થઈને અરાશિયામા નજીક પહોંચાડતી ટ્રેન મળતી હતી એટલે અમે એ રસ્તે સાગા-અરાશિયામા સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી ચાલીને બામ્બૂ ગ્રોવ સુધી ગયા. અમે ત્યાર સુધી જોયેલું ક્યોતો જેટલું ભરચક હતું તેટલો જ એ વિસ્તાર ખાલી હતો. એ વિસ્તાર પણ પેલાં કાફૅવાળા વિસ્તારની જેમ એકદમ residential અને non-touristy હતો. અરાશિયામાનાં મુ ખ્ય પ્રવેશદ્વારવાળી શેરીમાં હરોળબંધ ખાવા-પીવાની દુકાનો આવેલી હતી. અમને એ જોઈને કૈંક ખાવાનું મન થઇ ગયું એટલે સૌથી બહાર દેખાતાં એક મોટાં સ્ટૉલ પર અમે પૂછ્યું ‘વેજિટેરિયન’? હકારાત્મક જવાબ મળતાં અમે ત્યાંનું સ્ટ્રીટ-ફૂડ માણી શક્યા, જે બિલકુલ અનપેક્ષિત હતું. આગળ ચાલીને બીજી દુકાનમાંથી માચા આઇસ-ક્રીમ લઈને ખાતા-ખાતા અમે બામ્બૂ ગ્રોવ પહોંચ્યા. વાંસનું એ વન સુંદર છે પણ, ટૂરિસ્ટથી ભરચક!

ત્યાં અડધી કલાક જેવું ફરીને અમે પાછા જવા તૈયાર થયા. પણ, પાછા ચાલીને ટ્રેન સ્ટેશન સુધી જવાનો રસ્તો લાંબો હતો અને ‘ગિયોન કૉર્નર’વાળો શો છેક સાત વાગ્યે હતો એટલે સૅમ સાહેબને એક વધુ મંદિર જોવાનું સૂઝયું. ટૅક્સીથી જ જવાનું હતું અને સમય હતો એટલે મને વાંધો નહોતો. અરાશિયામાથી બહાર નીકળતી વખતે અમે જે રસ્તે આવ્યા હતા તેનાં કરતા અલગ એક નવો રસ્તો પકડ્યો. નસીબજોગે અમને એક ટૅક્સી મળી ગઈ. તેનો ડ્રાઈવર બહુ રમૂજી હતો. તેણે કોઈ ઍપ દ્વારા અમારી સાથે આખાં રસ્તે વાત કરી. એ રસ્તો પણ, ઓહોહો! આખો રસ્તો એકદમ ઘેરાં અદ્ભુત રંગનાં પાંદડાંવાળાં વૃક્ષોથી ઘેરાયેલો હતો! પેલાં એઈકાં-દો ઝૅનરીન-જી જેવાં રંગ પણ આખાં રસ્તે દૂર દૂર સુધી એ જ દેખાય તેમ! એ ફોટોઝ તો ચાલુ ટૅક્સીએ લેવા જ અશક્ય હતાં એટલે અમે નકામો પ્રયત્ન પણ ન કર્યો અને ફક્ત એ નજારો માણ્યો..

ટોરોન્ટો – ઉડતાં પહેલાની વાત

કેનેડા, ટોરોન્ટો

Hey all! હું જાન્યુઆરીમાં બ્રેક પર હતી એટલે બ્લોગ પણ બ્રેક પર હતો. હવે ફરીથી રાબેતા મુજબ પોસ્ટ્સ શરુ કરું છું અને આ વર્ષે પણ ગયા વર્ષની જેમ નિયમિત રહેવાનો પ્રયત્ન કરતી રહીશ.

છેલ્લે તમે ઓસ્ટિન ટ્રિપનો અહેવાલ વાંચ્યો અને ફોટોઝ જોયાં. ત્યાર પછીની વાત છે મારી ટોરોન્ટો (કેનેડા) ટ્રિપની…


ઓસ્ટિનથી પાછી ફરી ત્યારે બા ગૂજાર્યાને હજુ બે અઠવાડિયા જ થયા હતાં. એ ટ્રિપ નવી જગ્યા જોવા મળી તે દ્રષ્ટિકોણથી રોમાંચક હતી. પણ, બાકી મને બહુ વિચિત્ર રીતે ખાલી-ખાલી લાગ્યા કર્યું હતું અને હવે પછી ક્યાંયે ટ્રાવેલ કરવાનું મન નહોતું થતું. કોઈ જ નવા લોકોને મળવાનું મન નહોતું થતું. ક્યાંયે ફરવા જાઉં અને પરાણે હસવું-બોલવું તેનાં કરતાં તો ઘરે જ રહું એ બરાબર લાગતું હતું.

સપ્ટેમ્બર પછીનો લોન્ગ-વીકેન્ડ નવેમ્બરનાં અંતમાં ‘થેન્ક્સગિવિન્ગ’ નિમિત્તે આવવાનો હતો અને ત્યારે શનિ-રવિ ઉપરાંત ગુરુ-શુક્રની પણ રજા હોવાની હતી. જો એ લોન્ગ વીકેન્ડ પર કોઈ પ્લાન ન કરું, ક્યાંયે ફરવા ન જાઉં અને ઘરે જ રહું તો હું બહુ જ કંટાળવાની હતી એ વિશે બે મત નહોતો. વળી, સમયને ધ્યાનમાં રાખીને એ ટ્રિપનું પ્લાનિંગ અને બુકિંગ ઓસ્ટિનથી પાછી ફરી એ અઠવાડિયામાં જ કરી લેવું પડે તેમ હતું. આમ, ત્યારની લાગણીઓને ધ્યાનમાં રાખીને મેં વચ્ચેનો રસ્તો વિચાર્યો. ટ્રાવેલ પણ થાય અને નવાં લોકો સાથે બહુ હસવું-બોલવું પણ ન પડે તેવો – ટોરોન્ટો જઈને મારાં કઝિનને મળવાનો. એ પ્લાન એટલો સારો હતો કે, એમ કરવાનો વિચાર મને પહેલાં કેમ ન આવ્યો એ વિશે મને આશ્ચર્ય થયું. :D

સૌરભ મારાં કાકાનો દીકરો છે. એ મારાંથી બે જ વર્ષ નાનો છે એટલે નાનપણથી અમારો સંબંધ મિત્રોનો રહ્યો છે. વળી, સ્વભાવની દૃષ્ટિએ પણ અમે નાના હતાં ત્યારથી અમારી વેઇવલેન્ગ્થ મળતી આવે છે એટલે અમારી મૈત્રી પહેલેથી ખૂબ મજબૂત રહી છે. તેને હું છેલ્લે ભારતમાં ૨૦૧૧ની શરૂઆતમાં મળી હતી. એટલે, ૨૦૧૫નાં અંતમાં તેને મળું તો લગભગ પાંચ વર્ષે તેને મળતી હોઉં. એટલે એ એકસાઈટિંગ હોવાનું જ. પણ, અમારો બાકીનો પરિવાર તો કદાચ અમારાં કરતાં પણ વધુ ઉત્સાહી અને ખુશ હોય એ વાતથી.

૨૦૧૧નાં અંતમાં એ ટોરોન્ટો ગયો પછી સંજોગોવશાત એ હજુ સુધી ફરી ભારત પાછો નથી ફરી શક્યો. આ લખું છું એ વર્ષ 2015 છે. હજુ તેને પાછા ફરતા કેટલો સમય લાગશે એ અમને કોઈને નથી ખબર. વચ્ચે તેને સ્વાસ્થ્યને લગતી થોડી મુસીબતો પણ થઇ હતી. વળી, એકાદ બે વખત તેણે ભારત જવાનો પ્લાન કરીને અંતે કેન્સલ કરવો પડ્યો હતો અને તેવું ઘણું બધું થયું હતું. તેને ત્યાં ટોરોન્ટોમાં પણ અમારાં પરિવારમાંથી કોઈ મળવા નહોતું ગયું અને હું જાઉં તો હું સૌથી પહેલી હોવાની હતી. એટલે સ્વાભાવિક રીતે જ હું ત્યાં ક્યારે જાઉં તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં બધાં. ખાસ એટલા માટે કે, હું પોતે ત્યાં જઈને તેનું જીવન અને તેની પરિસ્થિતિ જોઉં તો ઓછામાં ઓછું પરિવારની એક વ્યક્તિએ કન્ફર્મ કર્યું હોય કે, એ બરાબર છે અને ખુશ છે.

જ્યારે હું સૌથી પહેલી વાર અમેરિકા ફરવા આવવાની હતી એ વખતથી શરુ કરીને બા સમયાંતરે પપ્પાને પૂછતાં કે,એ હવે કેનેડા ક્યારે જવાની છે સૌરભને મળવા? બા જયારે અંતિમ દિવસો ગણતા હતા ત્યારે તેમને મમ્મીએ અને કાકીએ પૂછ્યું હતું, “એ બંનેને બોલાવી લઈએ?” તેનાં જવાબમાં તેમણે ના પાડી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે,સૌરભને કહેજો કે, કેનેડામાં સ્થાયી થવા માટેની બધી જ વિધિ પતાવીને જ આવે હવે જયારે આવે ત્યારે. તેમણે સૌરભનાં કેનેડા માટે નીકળ્યા પછી તેને જોયો જ નહોતો. કદાચ છેલ્લે તેમની ઈચ્છા પણ થઇ હશે તેને મળવાની. પણ, એ એટલાં પ્રેક્ટિકલ વ્યક્તિ હતાં કે, તેમને અમને – ખાસ સૌરભને મળવાની ઈચ્છા હોય પણ ખરી તોયે એ કહેત નહીં. મારા કેનેડા જવાથી અનાયાસે જ તેમની એ ઈચ્છા પણ પૂરી થઇ રહી હતી કે, હું સૌરભને મળવા ટોરોન્ટો જાઉં અને પરિવારનું કોઈ તો તેને મળે!

મારાં વિચારથી મમ્મી-પપ્પા બહુ જ ખુશ થયાં હતાં. પણ, જ્યાં સુધી ટિકિટ ન લઇ લઉં ત્યાં સુધી મેં સૌરભને કાકા-કાકીને કહેવાની ના પાડી હતી. જો નસીબજોગે હું એ ટ્રિપ પ્લાન ન પણ કરી શકું તો તેમનાં ઉત્સાહ પર પાણી ફરે તેવું હું નહોતી ઈચ્છતી. અંતે ઓસ્ટિનથી પાછાં આવ્યા પછી બે અઠવાડિયામાં જમેં ટોરોન્ટોની રિટર્ન ફ્લાઈટ બૂક કરાવી હતી અને પાંચ દિવસ માટે હું સૌરભને મળવા જઈ રહી છું એમ કાકા-કાકીને અને મારાં પેરેન્ટ્સને જણાવ્યું હતું. એ સાંભળીને ધાર્યા પ્રમાણે જ ઘરમાં બધાં જ બહુ ખુશ થયાં હતાં.

સૌરભનાં કામનાં સ્કેડ્યુલ અને અમારાં ટાઈમઝોનનાં ફર્કનાં કારણે અમે છેલ્લાં એક-દોઢ વર્ષથી બહુ સંપર્કમાં નહોતાં રહી શકયાં. મોટાં ભાગે મને તેનાં જે કંઈ ખબર મળતાં એ કાકા-કાકી દ્વારા જ મળતાં. તેની પરિસ્થિતિ હું સમજતી હતી પણ તેનાં બહુ લાંબા સમયથી સંપર્ક બહાર રહેવાનાં કારણે હું તેનાંથી થોડી ગુસ્સે પણ હતી. આવામાં પાંચ વર્ષે મળીએ તો એ ભાઈ જેની સાથે મારી ગાઢ દોસ્તી હતી એ જ સંબંધ હશે કે એ સમીકરણ બદલાઈ ગયું હશે એ વિશે વિચારતી રહી હતી. તેનામાં અમુક આંખે ઉડીને વળગે ફેરફારો તો થયાં જ હશે એમ અનુમાન લગાવ્યું હતું પણ, એ ફેરફારો કઈ દિશામાં અને કઈ બાબતોમાં હશે એ વિશે હું વિચારતી રહી હતી. એ મને એરપોર્ટ લેવા આવવાનો હતો અને પછી અમે સાથે ડીનર કરવાનાં હતાં. પ્લેનમાં બેઠાં બેઠાં હું એ જ વિચારી રહી હતી કે, તેને આટલાં સમય પછી મળું ત્યારે શરૂઆતનાં એક-બે દિવસ બહુ ‘ઓકવર્ડ’ લાગશે કે શું? તેનું વયસ્ક-જવાબદાર વર્ઝન પણ તેનાં બાળપણનાં વર્ઝન જેટલું જ હૂંફાળું અને આવકારભર્યું હશે કે કેમ?

ટોરોન્ટોની ઠંડીમાં ચાલે તેવાં શૂઝ મારી પાસે નહોતાં એટલે મેં ઉડતા પહેલા શૂ-શૉપિંગ કર્યું અને નવાં શૂઝનું ઉદ્ઘાટન ફલાઇટનાં દિવસે કરવામાં આવ્યું!