મિડલ-ઈસ્ટનાં સંબંધો

ઓસ્ટ્રેલિયા, કલ્ચરલ સ્ટીરિયોટાઈપ, પર્થ

મર્ડોક યુનિવર્સિટીમાં -જ્યાં હું ત્રણ વર્ષ ભણી ત્યાં અન્ય દેશોનાં વિદ્યાર્થીઓમાં  મધ્ય-પૂર્વનાં કદાચ સૌથી વધુ હશે. એટલે તે રીતે અને અન્ય ઘણી જગ્યાઓએ મિડલ-ઈસ્ટથી આવેલાં વિવિધ પ્રકારનાં લોકો સાથે સંબંધો બંધાયાં અને તેમનાં વિષે સામાન્ય માન્યતાઓનો ખંડન કરતું કે તેને પોષતું તેમ ધાર્યું-અણધાર્યું ઘણું જાણવા મળ્યું. તેમાં સૌથી પહેલું નામ નિકાનું આવે. નિકા મર્ડોકમાં મારી સહકર્મચારી હતી અને ૨ વર્ષ જેટલો સમય કટકે-કટકે અમે સાથે કામ કર્યું. તે ઈરાનથી આવેલી છે અને તેનો પરિવાર ધર્મે બહાઈ છે. (આપણે ત્યાં દિલ્લીમાં પેલું લોટસ ટેમ્પલ આ બહાઈ ધર્મનું છે.) તેનો સમગ્ર પરિવાર અમુક વર્ષો પહેલાં ઈરાનથી અહીં આવીને વસી ગયો છે. તેમનાં માટે પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ થઇ જ્યારે ઈરાનમાં મુસ્લિમ સિવાયનાં લોકોને બહુ કનડગત થવા લાગી. સાંભળ્યું છે કે, નિકાનાં પરિવારને રેફ્યુજી થઈને ઓસ્ટ્રેલિયાનું શરણ લેવું પડેલું અને બહુ તકલીફો પડેલી ઈરાનથી નીકળતાં. તે કહેતી હતી કે, ઈરાન હતી ત્યાં સુધી જાહેરમાં જતાં તેણે હિજાબ (માથું અને કાન સુધીનું મોં ઢાંકતો એક પ્રકારનો સ્કાર્ફ) પહેરવો પડતો અને એક ઇસ્લામિક દેશને અનુરૂપ કાયદાઓનું પાલન કરવું પડતું. પણ, તેનાં પરિવાર કે બહાઈ સમાજમાં આમ કરવું જરૂરી નથી. એટલે અહીં ઓસ્ટ્રેલિયામાં તેનાં પરિવાર અને સમાજની બધી સ્ત્રીઓ પોતે ઈચ્છે તેવો પહેરવેશ છૂટથી પહેરે છે. નિકાને ધાર્મિક અને પોતાનાં સામાજિક મેળાવડાઓમાં જવાનું બહુ વધુ થતું. એટલી હદે કે, ક્યારેક આ બધાં કારણોસર તેનું ભણવાનું ગોટે ચડી જતું. વળી, એ ફુલ-ટાઈમ નોકરી કરતી એટલે આ બધાં કારણોસર જે ડિગ્રી પૂરી કરતાં સામાન્ય રીતે ૩ વર્ષ થાય, તે કરતાં તેને સાડા ચારથી પાંચ વર્ષ જેવો સમય લાગ્યો. અમે જ્યારે સાથે કામ કરતાં (દોઢ વર્ષ પહેલાં) ત્યારે તેની ઉંમર ૨૬-૨૭ જેટલી હશે. તે કહેતી કે, તેને લોકો લગ્ન બાબતે પૂછવા લાગ્યા હતાં. અહીં જે મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ હતાં જેમ કે, તેનો એક્સ બોયફ્રેન્ડ – એ બધાં બહુ વધુ પડતાં પ્રતિબંધક અને રૂઢિચુસ્ત હતાં અને અન્ય દેશ અને સંસ્કૃતિનાં લોકો નિકાને સમજી ન શકતાં. હવે જો કે, તેને એક બહુ સારાં વ્યક્તિ જોડે પ્રેમ-સંબંધ બંધાયો છે અને હમણાં એક મહિના પહેલાં તેની સગાઇ થઇ.

માર્ડોકમાં ભણતાં છેલ્લા સેમેસ્ટરમાં બંદર નામનાં એક મિત્ર સાથે દોસ્તી થઇ. અમે બંને ગ્રૂપ પ્રોજેક્ટમાં સાથે હતાં અને આખાં ગ્રૂપમાં સૌથી નજીક ઘર અમારાં બંનેના જ હતાં એટલે અમે સૌથી વધુ સમય સાથે કામ કર્યું છે. તેની ભાષા એકદમ મીઠી. એ એટલો મળતાવડો હતો અને અમારી વચ્ચે એટલું સારું ટ્યુનિંગ આવી ગયું હતું કે, અમારાં ગ્રૂપનો અન્ય એક મિત્ર એમ કહેતો કે હું બંદર સાથે વાત કરું ત્યારે એવું લાગે કે, જાણે હું મારા નાના તોફાની ભાઈને ખિજાતી હોઉં. અને ખરેખર એવું હતું. તેનું અંગ્રેજી બહુ સારું નહોતું અને ટેક્નિકલી તે ઘણું ન સમજતો. પણ, તેને વ્યવસ્થિત સૂચનાઓ સાથે કોઈ કામ કરવા આપો એટલે એ બહુ સારી રીતે કરી દે. મહેનતુ પણ ખરો. હંમેશા સામેથી કામ માગે. એ પ્રોજેક્ટમાં હું પ્રોજેક્ટ મેનેજર હતી એટલે ઘણી વખત કામની તાણ બહુ વધુ પડતી થતી અને ત્યારે અમે બંને સાથે બેસીને તેનાં ઘેર કામ કરતાં. તે સેક્રેટરી હતો અને તેને ભાગે બહુ કોઈ અઘરાં કામ નહોતાં. તેને અટપટાં કામ કરવા આપો તો પણ એ વસ્તુ મારે ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. પણ, તે મને જે મોરલ સપોર્ટ આપતો અને બકબક કરીને ખુશ કરી મૂકતો એ જ મારા માટે તો સૌથી સારી વાત હતી. દરેક વખતે કંઈ મોટું કામ પતે એટલે અમે તેનાં ઘેર બેસીને હુક્કો પીતાં.

ઘણી વખત હું એમનેમ પણ તેને ત્યાં ફક્ત ગપ્પા મારવા જતી. ટીમ સેક્રેટરી તરીકે એ છોકરો આદર્શ હતો! હંમેશા હસતું મોં અને વ્યવહારુ બુદ્ધિએ અમારો બાપ! અમારાં ક્લાયન્ટ એક માર્કેટિંગ કંપનીનાં લોકો હતાં. તેમનાં માટે અમારે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું. એટલે, દર અઠવાડિયે અમારે ક્લાયન્ટ સાથે અને અમારાં સુપરવાઈઝર સાથે ટીમ-મીટિંગ થતી. હવે, સામાન્ય રીતે સેક્રેટરી હોય એ મિટિંગ મિનીટ્સની નોંધ કરે. પણ, આ હોશિયાર પહેલી જ મીટિંગથી પોતાનાં આઈફોનનું રેકોર્ડર ચાલુ કરીને બેસી જતો. ત્રીજા અઠવાડિયા સુધી તો અમને કોઈને ખબર પણ નહોતી કે, તે પહેલાં જ અઠવાડિયાથી બધી મીટિંગ રેકોર્ડ કરતો આવ્યો છે. બસ આંતરસૂઝથી જ આવું ઝીણું-ઝીણું અગત્યનું  કામ એ કરતો. મને હંમેશા ‘દાર્લિંગ’ કહીને જ સમ્બોન્ધન કરે. ૨ મહિના પહેલાં તેની ડિગ્રી પતાવીને એ સાઉદી અરેબિયા પાછો ફર્યો. ત્યાં હાલ તેને કોઈ સરકારી ખાતામાં બહુ સારી નોકરી મળી છે અને પોતાનાં પરિવાર સાથે ખુશીથી રહે છે તેવાં છેલ્લા સમાચાર મળ્યાં.

અહીં જ ભણતાં હસન અને સુલેમાન નામનાં બીજા બે સાઉદીનાં જ છોકરાઓ સાથે ઓળખાણ થયેલી. સુલેમાન મેં અહીં જોયેલાં સાઉદી છોકરાઓમાં કદાચ સૌથી હોશિયાર છે. તેની સાથે અમસ્તી વાતો ઘણી વાર થતી. પણ, યુનીવર્સીટીમાં આમ જ મળી જઈએ અને વાત કરીએ તેટલું જ. તેની સાથે યુનીવર્સીટીની બહાર કોઈ મિત્રતા નહોતી. તેવું જ હસનનું. હસન અહીં ભણવા આવતા મિડલ ઈસ્ટર્ન છોકરાઓની બહુમતિને રિપ્રેઝન્ટ કરે છે. ભણવામાં બહુ ધ્યાન નહીં. સ્વભાવ એકદમ હસમુખો. આમ ને આમ સામે મળે તોયે પાંચેક મિનિટ વાત કરવા ઊભો રહે. અહીં આવવાનો મુખ્ય હેતુ એ કે, પોતે મિત્રો સાથે મન ફાવે તેમ રહી શકે અને જલસા (મુખ્યત્ત્વે દારૂ) કરી શકે અને તેવું બધું જ જે ચુસ્ત ઇસ્લામિક દેશમાં રહીને ન થાય એ કરી શકે. પણ, કોઈને કનડગતરૂપ ન થાય. જીવો અને જીવવા દોવાળી નીતિ. પરીક્ષા અને અસાઇન્મેનટ સબમિશન વખતે બહુ ઘાંઘા થાય અને પછી પોતાનાં નોન મિડલ-ઈસ્ટર્ન મિત્રો પાસેથી મદદ માંગતા જોવા મળે. હસનની વાણીમાં મિડલ-ઈસ્ટર્ન લઢણ એટલી હાવી છે કે, તે મારું નામ લે ત્યારે મને ‘બ્રિમા’ જ સંભળાય. એવો જ બીજો એક મિત્ર એટલે મુતેબ. એ ખરેખર તો મારી હાઉઝમેટ અડેલનો મિત્ર છે એટલે એ રીતે અમારી ઓળખાણ અને પછી દોસ્તી થઇ. એ પણ, ખૂબ હસમુખો. સામાન્ય રીતે અહીં મિડલ-ઈસ્ટર્ન છોકરાઓનાં નજીકનાં મિત્ર-વર્તુળમાં અન્ય મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ જ જોવા મળે. બંદર, સુલેમાન અને હસન ત્રણેયનાં કેસમાં આ વાત લાગુ પડે છે. પણ, આ મુતેબવાળું ગ્રૂપ એટલે એટલે એક સિંગાપોરિયન ઇન્ડિયન, બે ફિજીયન અને એક કેન્યન ઇન્ડિયન. એ ગ્રૂપ સાથે મારે પણ સારું બને અને અમે બધાં બે-એક વાર સાથે કલબ્સમાં પણ ગયાં છીએ. મુતેબનું ઇંગ્લિશ પણ થોડું કાચું. પણ, એક વખત પીને વાત કરે ત્યારે એવું કડકડાટ ઇંગ્લિશમાં બોલે કે, ન પૂછો વાત. ડિક્ષનરીમાંથી શોધી શોધીને બોલતો હોય તેવાં શબ્દો વાપરે!

આ તો થઇ યુનિવર્સિટીની વાત. હવે તેની બહારનાં ત્રણ મિત્રો વિષે વાત કરું તો, સૌથી પહેલા આવે મારાં કાસા-બ્લાન્કાનાં દોસ્તો. આ લોકો મોરોક્કન છે. અહીં કાસા-બ્લાન્કા નામનું એક મોરોક્કન રેસ્ટોરાં છે તેનો માલિક અને મેનેજર એ મારાં મિત્રો. હું ઘણી વખત ત્યાં જતી હોઉં છું. પણ, જવાનું મુખ્યત્ત્વે બપોરે થાય. બપોરે ત્યાં બહુ ભીડ ન હોય અને હું મોટે ભાગે એકલી જ ગઈ હોઉં એટલે એ લોકો મારી સાથે ભરપૂર વાત કરી શકે. આમ જ વખત જતાં અમારી દોસ્તી બંધાઈ છે. આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશન તેમનાં રેસ્ટોરાં પર છે અને ત્યાં બેલી-ડાન્સર્સનું એક ગ્રૂપ પણ શો કરવાનું છે. તેમણે મને નિમંત્રણ પણ આપ્યું છે. પણ, જોઈએ. શું કરવું એ કંઈ નક્કી નથી કર્યું. ત્યાર પછી વાત કરું બાલ્સમની. અમે કલીગ છીએ. બાલ્સમનો પરિવાર ઈરાકી છે. પણ, તેઓ ક્રિશ્ચિયન છે. તેની વાત પણ નિકા જેવી જ છે. ઈરાકમાં ઇસ્લામી એકસ્ટ્રીમિઝમ શરુ થયા બાદ તેનાં પરિવારે ત્યાંથી વિસ્થાપિત થવું પડ્યું અને હવે ફરી ક્યારેય ત્યાં પાછાં નહીં ફરી શકે તેનું તેમને ખૂબ દુઃખ છે. ક્રિસ્મસનાં એક અઠવાડિયા પહેલાં તેનાં ફઈને ત્યાં નાની એવી ખાવા-પીવાની ઊજાણીની ગોઠવણ થઇ હતી ત્યારે હું તેનાં પરિવારને મળી. તેનાં ઘરથી વંડી ટપો એટલે તેનાં ફઈનું ઘર આવે. આ ફઈનું નામ હદામી છે. અહીં ઓસ્ટ્રેલિયા સૌથી પહેલાં તે આવ્યાં અને પછી ધીમે ધીમે તેનાં ભાઈ (બાલ્સમનાં પપ્પા) અને બે બહેનોને પણ સેટલ કરવામાં મદદ કરી. હદામી અને તેનાં એક બહેન અપરિણિત છે અને બંને બહેનો સાથે રહે છે. તેઓ પણ સ્વભાવે બહુ આનંદી. હદામી બહુ સુંદર બેલી ડાન્સ કરી જાણે છે. અત્યારે બાલ્સમ એક જ તેનાં પરિવારમાં ફુલ-ટાઈમ કામ કરે છે એટલે તેનાં ઘરનું મોર્ગેજ વગેરે તે જ ભારે છે અને તેનો પરિવાર (માતા, પિતા અને ભાઈ) તેનાં પર આધારિત છે. તેની પણ રહેણીકરણી અને પહેરવેશ એકદમ મુક્ત છે. પ્રેમાળ તો બધાં એટલાં કે, વાત જવા દો. તેમને જોઈએ ત્યારે ખબર પડે કે, આપણે ત્યાંની મહેમાનગતિ પર મિડલ-ઈસ્ટથી આવેલાં શાસકો અને ત્યાંથી આવેલી પ્રજાની ઘણી અસર હોવી જોઈએ. આપણી અને તેમની રૂઢિગત મહેમાનગતિની આદતમાં બહુ સામ્ય જોવા મળે છે.

આ સિવાય મારા સાલ્સા ક્લાસમાંથી હાઝેમ નામે મારો એક મિત્ર થયો છે જેની સાથે ઓળખાણ છે છેલ્લાં બે-ત્રણ મહિનાથી. અમે ક્લાસમાં તો મળીયે જ ખરાં અને મોટે ભાગે સોશિયલ ડાન્સિંગ વગેરે માટે પણ સાથે નક્કી કરીને જઈએ. ક્લાસમાં બે જ છોકરાઓ એવા છે જે દિલ લગાવીને શીખે છે અને જેમની સાથે ડાન્સ કરવાની મજા આવે. હાઝેમ તેમાંનો એક છે. એ કાઈરોથી આવે છે અને તેનો પરિવાર હજુ કાઈરોમાં જ છે. તે માર્શલ-આર્ટ્સમાં નિપુણ છે અને તેનો ટ્રેઈનર છે. મારી હાઉઝમેટ અડેલ પણ સાલ્સા ડાન્સર છે અને અમે ત્રણેય એક જ ક્લાસમાં સાથે હતાં એટલે અમારી દોસ્તી સારી થઇ છે. હાઝેમ સાથે દોસ્તી છેલ્લાં એક મહિનાથી  જ વધુ સારી થઇ છે અને હાલ તો તે ક્રિસમસ બ્રેક નિમિત્તે કાઈરો છે. પણ, એ પાછો ફરે એટલે અમે બહુ ખંતથી પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું છે. અને તેની સાથે પણ મારો અને અડેલનો શીશા (હુક્કા)નો પ્રોગ્રામ ડ્યૂ છે.

પર્થ – ત્રણ વર્ષની મારાં પર અસર

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ એટલે મોટાં શહેરનાં શરીરમાં ગામનું હૃદય! અહીં સવારે કોઈ પૂછે કે “How are you today?” તો સમજવું કે તેમને ખરેખર પરવાહ છે એટલે પૂછે છે અને તમે “not great” / ‘Not too well” જેવો જવાબ આપશો તો શક્ય છે કે એ વ્યક્તિ તમારા માટે દુઃખ વ્યક્ત કરશે અને ઉતાવળમાં નહીં હોય તો કદાચ “Why what’s wrong?” જેવો સવાલ પણ પૂછીને પાંચેક મિનિટ તમારી સાથે વાત પણ કરશે! આ ગામે મને સહુથી સરસ બે વાતો શીખવી. એક તો ધીરા પડતા શીખવ્યું અને બીજું પોતાની જાતને હંમેશા બહુ ગંભીરતાથી ન લેતા શીખવ્યું.

રાજકોટમાં રહીને મને ફક્ત ઝાકઝમાળ પ્રિય લાગી હતી. નાના શહેરોમાં બાળકોને સપના પણ ઝાકઝમાળના જ દેખાડાતા હોય છે. મોટાં બિલ્ડિંગ, ઘણી બધી રોશની અને બસ ત્યાં જ જવાનું અને રહેવાનું સપનું! જીવનની પહોળાઈ એટલી બધી આંજી દેતી હોય છે કે, ગહેરાઈ ધ્યાનમાં જ નથી આવતી. મેં પણ આ પહોળાઈ જ જોઈ હતી, જાણી હતી. એ ભાન જ નહોતી કે આ સપના તો ખરેખર મારા પોતાનાં હતા જ નહીં. આ એ સપના હતા જે મને મારા વાતાવરણે દેખાડ્યા હતાં અને તેને હું મારા પોતાના માની બેઠી હતી. પર્થ આવીને હું પોતાની જાતને મળી. જીવનની ગહેરાઇઓને મળી. નાનાં, ધીમા શહેરોમાં રહેવાનો આ ફાયદો છે.

જ્યારે ‘કરવાનું’ ઓછું હોય અને ઘણો બધો સમય હોય ત્યારે ઘણું બધું વિચારવાની જગ્યા આપોઆપ મળી જાય છે અને ‘deliberate living’ની આપોઆપ આદાત પડી જાય છે. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે, આ કદાચ ફક્ત જગ્યાનો પ્રભાવ જ નહોતો. આનું એક કારણ કદાચ પર્થમાં ઘણી બધી રસપ્રદ જગ્યાઓનાં બહુ દૂર દૂર હોવું, અને મારી પાસે બહુ પૈસા ન હોવા એ પણ હોઈ શકે. ટેલિવિઝન અને સિનેમાહોલમાં જે પશ્ચિમને જોયું હતું, તેનાં કરતાં મેં મારી જાતે અનુભવેલું પશ્ચિમ બિલકુલ અલગ હતું. પશ્ચિમને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મને પર્થમાં આવીને ફક્ત એક જ સપ્તાહમાં મળ્યો હતો.

બીજી એ વાતની સભાનતા આવી કે, પશ્ચિમ એટલે બધું એક-બીજાથી થોડું ઘણું અલગ પણ આમ તો બધું સરખાં જેવું જ એવું નથી. England, Ireland, Scotland, America, Austria, Germany, Switzerland, Estonia, Sweden, France, Australia વગેરે બધા જ અલગ હતાં. સાવ જ અલગ. ત્યાંનાં લોકોના દેખાવથી માંડીને તેમનાં સુંદરતાના પરિમાણો, પોતાનો રોજનો ખોરાક, પોષાક અને જીવનને જોવાની અને માણવાની રીત બધું ધડ- માથાથી સાવ અલગ છે.

ધીરે ધીરે આ બધું જોવા, જાણવા અને માણવા મળ્યું. સાથે સાથે જ એ પણ ખબર પડી કે ભારતીયો કેટલી બધી સદીઓથી અને કેટલી બધી જગ્યાએ વસેલાં છે! મને અહીં આવ્યા પહેલા મોરિશિઅસમાં વસતાં ભારતીયો વિષે ભાગ્યે જ ખબર હતી. આજે મારા મિત્રોમાં એવા ઘણા લોકો છે જેમના પૂર્વજો વર્ષો પહેલા ભારતથી વિસ્થાપિત થઈને મોરિશિઅસ જઈને વસ્યા હોય. તેઓ પોતે મોરિશિયન ભારતીયોની પાંચમી કે છઠ્ઠી પેઢી છે. એ જ રીતે રીયુનિયન આઈલેન્ડ અને માડાગાસ્કરમાં પણ ઘણાં ભારતીયો વસેલા છે- જેમાનાં અમુકને હું અહીં મળી. આમાંનાં ઘણાંએ Google maps સિવાય હિન્દુસ્તાન જોયું કે બહુ જાણ્યું નથી. એક કલાસમેટ જે મોરિશિયન છે તે કહેતો હતો કે, તેનાં દાદા- દાદી ‘ભોજપુરી’ જાણે છે. Apparently મોટાં ભાગનાં મોરિશિયન ભારતીયોના પૂર્વજો ઉત્તર ભારતથી આવેલાં હતાં. 

અહીં આવ્યા પછી આવા તો ઘણાં બધા સાવ નાના કે સાવ અજાણ્યા દેશોમાંથી આવતા આવા ઘણાં બધા ભિન્ન- ભિન્ન લોકોને મળવાનું થયું છે. અન્ય ગુજરાતીઓની માફક મને ફક્ત ગુજરાતી/ ભારતીયો વચ્ચે રહેવાનું ક્યારેય ફાવ્યું નથી. જગ્યાની દૃષ્ટિએ હું મારી જાતને નસીબદાર માનું છું કે, હું પર્થમાં છું. થોડાં સમય પહેલાં એક મિત્ર એશ્લી સાથે વાત થઇ હતી ત્યારે તેની પાસેથી જાણ્યું કે પર્થ સાંસ્કૃતિક વૈવિધ્ય અપનાવવાની વૃત્તિ બાબતે બહુ સરસ છે. થોડું વિસ્તારપૂર્વક સમજાવું, તો થાય કેવું કે કોઈ જગ્યામાં ધારો કે ઘણી બધી સંસ્કૃતિનાં લોકો ભેગા થાય છે. આ પરિસ્થિતિમાં બે શક્યાતાઓ રહે.
1) બધાં અન્યોઅન્ય સાથે હળે-મળે અને એકબીજા વિશે જાણે, અથવા
2) લોકો પોતપોતાની સંસ્કૃતિનાં જ પોતાનાં જેવાં અન્ય લોકોને શોધે અને ફક્ત એકબીજા સાથે જ મળે.
જો બીજો કેસ બને તો ઘણી વખત એવું થાય કે એક આખા વિસ્તારનાં બધાં મકાનો અને રહેવાસીઓ એક જ સંસ્કૃતિનાં હોય. આપણે ત્યાં ‘કડવા પટેલ’ બધાં એક સોસાઈટીમાં રહેતાં હોય એવું અને યુ.કે.માં અમુક સબર્બમાં જાઓ તો હિન્દુસ્તાનમાં આવ્યા હો તેવું લાગે એવું! પર્થમાં પણ થોડું ઘણું એવું છે અને બધે રહેવાનું. પણ, તેનાં કહેવા પ્રમાણે મેલબર્ન કે સિડનીની સરખામણીએ પર્થમાં આવું ઘણું ઓછું બને છે. લોકો ફક્ત પોત-પોતાની સંસ્કૃતિઓનાં ટોળામાં નથી રહેતાં. અહીં એક મિત્ર-વર્તુળમાં ઘણાં રંગ અને સંસ્કૃતિનાં લોકો જોવા મળે તેવી શક્યતા વધુ છે. આ બાબતે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પણ, સાથે મારી જાતની પીઠ પણ એટલા માટે થાબડીશ કે મેં આ તકને જતી ન કરી, તેનો બને તેટલો ફાયદો ઉઠાવ્યો અને જૂદી-જૂદી સંસ્કૃતિનાં લોકો સાથે પરિચય તથા મિત્રતા કેળવ્યા. 

 હું માનું છું કે ગુજરાતીઓની એકબીજા સાથે જ રહેવાની અને બીજી સંસ્કૃતિઓમાં અને અન્ય લોકોની રહેણી-કરણીમાં  બહુ રસ ન લેવાની વૃત્તિને કારણે જ આપની ભાષામાં અન્ય સંસ્કૃતિનો ગહેરો પરિચય આપતું સાહિત્ય બહુ નથી લખાયું. પણ, સામે એ પણ વાસ્તવિકતા છે કે, ગુજરાતીઓ સાથે રહ્યા છે, ઘણાં પૈસા કમાયા છે અને અન્ય ગુજરાતીઓ માટે વાપર્યા છે. ઘણાંએ મંદિરો બનાવ્યા છે અને આ મંદિરો વિદેશોમાં ગુજરાતીઓ ભેગા થઇ શકે અને એકબીજાને ઓળખી શકે અને એ રીતે કુટુંબ અને વ્યાપારને વધારી શકે તેનું કેન્દ્ર બન્યાં છે. એક-બીજા સાથે જોડાયેલા રહેવાની આદતને કારણે જ સંગઠિત રીતે ગુજરાતીઓ દુનિયાને પોતાના અસ્તિત્ત્વનો અહેસાસ કરાવતા રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ગુજરાતીઓએ નવરાત્રી મનાવી છે અને ગરબે રમ્યા છે!