પર્થ – સિલેક્ટેડ લેન્ડસ્કેપ્સ

ઓસ્ટ્રેલિયા, પર્થ

હું એટલી નસીબદાર છું કે, હું જ્યાં  રહુ  છું ત્યાંથી  સમુદ્રકિનારો  ફક્ત  15 મિનિટનાં અંતરે આવેલો છે. પર્થ ફક્ત સમુદ્રકિનારા  જ નહીં  પણ ખૂબસૂરત  નાદી-તટથી પણ સમૃદ્ધ છે! પ્રકૃતિએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને નસીબજોગે દાન ભોગવનારાં બહુ ઓછા છે એટલે અમારાં  જેવાંને  પૂરતુ  મળી રહે છે. :D વળી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વધુ આગળ દક્ષિણ  તરફ જતાં  જઈએ  તેમ તેમ આ નજારો વધુ ને વધુ સુંદર થતો જાય છે. બસ, વસંત અને ગ્રીષ્મ હવે બહુ નજીક છે અને હું તેને ભેટવા માટે કાગડોળે રાહ જોઇને બેઠી  છું. ક્યારે ઉનાળો આવે ને ક્યારે વધુ રખડવા-ભટકવા મળે (અલબત્ત કેમેરા સાથે)! પણ, જ્યાં સુધી ઉનાળો આવે અને વધુ ફોટો પાડું, ત્યાં  સુધી આ પર્થ  અને આસપાસનાં  વિસ્તારનાં  ફોટો માણો.

પર્થ  સિટી  – સાઉથ પર્થનાં નાદિકીનારેથી

અનકહી વાતો  – સાઉથ પર્થ  નદીકિનારે  એક ખૂબસૂરત સંધ્યા

Untold Stories

સિલ્હૂટ – પર્થ  સિટી  સેન્ટરમાં લાઈબ્રેરિ, આર્ટ  ગેલેરિ અને મ્યુઝિયમ નજીક

Silhouette

સાંજની કવિતા – નાદિકીનારેથી

An evening poetry

ટીપે ટીપે સમુદ્ર ભરાય!

Droplets

પ્રેમનો કિલ્લો – મેન્જુરા બીચ પર અચાનક ધ્યાન ગયું આ રેત-કિલ્લા  પર. બસ, જોયું કે તરત થઇ આવ્યું કે આ તો બસ પ્રેમનો કિલ્લો જ હોઈ શકે.

ઘૂઘવાટ – કોટેસ્લો બીચ

Roaring

શિયાળાની સાંજ – હિલેરીઝ બોટિંગ હાર્બર પરથી

A winter evening

ફ્રિમેન્ટલ

ઓસ્ટ્રેલિયા, ફ્રિમેન્ટલ

મારી ફેવરિટ જગ્યા!

આમ તો પર્થથી ૨૦ કિલોમીટર જેટલું દૂર છે પણ અહીં આવો એટલે એવું લાગે કે કોઈ સાવ નવા જ ગામમાં આવી ગયા. ફ્રિમેન્ટલ એ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં વિશ્વપ્રસિદ્ધ ‘કાપુચિનો સ્ટ્રિપ’ આવેલી છે. આ સ્ટ્રિપ પર આવેલાં દરેક કાફે/ગ્રિલ/બારમાં અંદર તો ખરી જ પણ સાથે બહાર ફૂટપાથ પર પણ ખુરશીઓ ઢાળેલી છે અને લોકો ત્યાં બેસીને કૉફી પી શકે છે અથવા ‘લંચ’ કરી શકે છે અને ફૂટપાથ એટલો પહોળો છે કે રાહદારીઓને ચાલવામાં જરાય તકલીફ ન થાય. આ ઉપરાંત અહીં ‘પ્રિઝન’, ‘આર્ટ સેન્ટર’, ‘મેરીટાઈમ મ્યુઝિયમ’ વગેરે જોવાલાયક જગ્યાઓ આવેલી છે. જો કે, મારાં મતે આ બધું તો ખાલી નામનું! સાચું ફ્રિમેન્ટલ તો શેરી ગલીઓમાં, દરિયાકિનારે, દરિયાકિનારે આવેલી બધી બ્રુઅરીઝ અને લોકોનાં વ્યવહારમાં જ અનુભવી શકાય!

ક્યાંથી શરૂઆત કરું આ જગ્યાનું વર્ણન કરવાની એ એક મોટો સવાલ છે! હા, મારી મનગમતી છે એટલે હું તેનાં વિશે લખતાં નહીં થાકું એ તો બનવાનું જ છે. છતાં પણ બને તેટલું બધું બને તેટલાં ઓછાં શબ્દોમાં કહેવાનો પ્રયત્ન કરીશ. કાપુચિનો સ્ટ્રિપની વાત કરી તો ખાવા-પીવાથી જ શરૂ કરું. તમે ‘ફૂડી’ હો તો આ જગ્યા તમારું સ્વર્ગ છે. અહીં મેં સારામાં સારું ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, મોરોક્કન, ટર્કીશ, પોર્ટુગિઝ જમ્યું છે. આ ઉપરાંત અહીં ખૂબ સારી જગ્યાઓ છે જે ‘ફીશ એન્ડ ચિપ્સ’ માટે જાણીતી છે. ઘણી બધી ‘ફીશ એન્ડ ચિપ્સ’ places બરાબર દરિયાકિનારે થોડી ઊંચાઈ પર આવેલી છે અને બધે જ અંદર ફૂડ હોલમાં અથવા બહાર ખુલ્લામાં બેસી શકાય તેવી વ્યવસ્થા છે.

અહીં લિટલ ક્રીચર્સ નામની એક બ્રુઅરી છે. એ લોકો પોતાની બીઅર અને સાઈડર બ્રૂ કરે છે. બરાબર દરિયાકિનારે મોકાની જગ્યાએ તેમનો બ્રુઅરી પ્લાન્ટ આવેલો છે અને બરાબર અડોઅડ તેમનું રેસ્ટોરાં છે. ત્યાં રવિવારે જાઓ તો તાજી બનેલી બિયર પી શકો. તેમનાં બેકયાર્ડમાં બહાર ખુલ્લામાં બેસો એટલે બરાબર સામે દરિયો દેખાય. ચારે તરફ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ દરિયો જ દરિયો! લોકો ત્યાં મિત્રો અને/અથવા પરિવાર સાથે રવિવારે લગભગ આખી બપોર બેસતા હોય છે. હું એક વખત રવિવારે બપોરે ત્યાં મારાં મિત્રો સાથે ગયેલી. અમે દોઢ વાગે ત્યાં પહોચ્યા હતાં અને સાંજે ૭ વાગ્યાની આસપાસ સૂરજ ઢળી ગયા પછી ત્યાંથી બહાર આવ્યાં. મારા મિત્રોનાં મિત્રો તો લગભગ સાડા અગ્યાર વાગ્યાથી ત્યાં બેઠા હતાં.

ફ્રિમેન્ટલમાં એક આખો દિવસ ખુબ સહેલાઈથી પસાર થઇ જઈ શકે. ત્યાં જવાનો સૌથી યોગ્ય સમય વીકેન્ડ. ખાસ રવિવાર. અહીં મુખ્ય બજારમાં દુકાનો આવેલી છે તે ઉપરાંત પણ આપણે ત્યાં જેમ ‘શનિવારી’ કે ‘રવિવારી’ બજાર હોય એવી રીતે નાની નાની અન્ય બે બજારો – ‘ફ્રિમેન્ટલ માર્કેટ્સ’ અને ‘ઈ-શેડ માર્કેટ્સ’ આવેલાં છે જ્યાં લોકોનાં હેન્ડીક્રાફટ સ્ટોલ છે અને ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચાય છે. ફ્રિમેન્ટલ માર્કેટ્સ જે અહીંની મુખ્ય બજાર છે ત્યાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સૌથી સારો ટેટુ કલાકાર બેસતો. પણ, એ થોડાં સમય પહેલાં જ ગુજરી ગયો. હા, અહીં તમે ટેટુ અને શરીરનાં અંગો વિંધાવી શકો તેવી ઘણી બધી જગ્યાઓ છે. આ ઉપરાંત ‘હિના ટેટુઝ’ પણ જાણીતા છે. નવાઈ લાગી? હિના ટેટુઝ એટલે મહેંદીનાં કોન વડે થતી બધી ડિઝાઈન. આપણે ત્યાં જોવા મળે છે તો તેને બધાં ‘ટ્રેડીશનલ’ ડિઝાઈન તરીકે ઓળખે છે અને એ ઉપરાંત પણ ઇજિપ્શિયન, અન્ય સામાન્ય ટેટૂઝ જેવી બધી ડિઝાઈન પણ લોકો કરાવતા હોય છે. હું શાર્મેઈન નામની એક સ્ત્રી માટે ફ્રિમેન્ટલ માર્કેટ્સમાં ‘હેના ટેટૂ’ આર્ટિસ્ટ તરીકે કામ કરું છું.

અહીં તમને રેટ્રો સ્ટાઈલનાં કપડાં અને ઘરેણાં બહુ સહેલાઈથી મળી જાય. તેવી જ રીતે હિપ્પી સ્ટાઈલનાં કપડાં, ગોથિક સ્ટાઈલનાં કપડાં, ઘરેણાં જે જોઈએ તે બધું મળી જાય. બસ, ક્યાં જવું તેની ખબર હોવી જોઈએ. અહીં ‘એલીઝાબેથ્સ સેકન્ડ હેન્ડ બૂક-શોપ’ની કુલ ૩ શાખાઓ છે, જે એકબીજાથી માંડ ૨-૩ કિલોમીટર દૂર હશે. ત્યાં તમને જોઈએ તે સેકન્ડ હેન્ડ ચોપડીઓ મળી જાય. તમારી પાસે હોય તે ચોપડીઓ અહીં આવીને તમે આપી શકો અને તેનાં બદલામાં તે લોકો તમને બીજી નવી ચોપડીઓ લઇ જવા દે. તમને જોઈએ તે ચિત્રકારીની સામગ્રી, હુક્કા, તમાકુ, જૂદી જૂદી જાતની સિગાર, સાચી તલવાર, શોભાની તલવાર, કટાર, જૂદી જૂદી જાતની છરીઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ, એન્ટિક, ફર્નિચર વગેરે તમામ સામગ્રી અહીં મળી જાય. ગયા રવિવારે અહીં ‘સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ’ હતો અને અહીંનો મુખ્ય માર્ગ વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. એ માર્ગમાં બરાબર વચ્ચે વિવિધ કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરતાં હતાં અને ઘણાં કપડાં અને ઘરેણાંનાં સ્ટોલ નાંખેલા હતાં. અહીં એવું ઘણું બધું થતું હોય છે.

અહીં તમને ફૂટપાથ પર છૂટાં-છવાયાં ઘણાં કલાકારો ગીત ગાતાં, નાચતાં, ચિત્રકારી કરતાં, કોઈ વાજિંત્ર વગાડતાં અથવા પોતાની અન્ય કોઈ કલાનું પ્રદર્શન કરતાં જોવા મળે. આ જગ્યાને ઘણાં હિપ્પીઓની જગ્યા પણ કહે છે. અને એ વાત સાવ ખોટી પણ નથી. અહીં તમને મોટાં ભાગનાં લોકો સ્લિપર પહેરીને ગમે તે કપડાં પહેરીને ફરતાં જોવા મળે. બધાં જ એવી રીતે ફરતાં હોય તેવું નથી. પણ જેને જેમ મન ફાવે તે પહેરે અને શક્યતા છે કે તેને પોતાની જેમ તૈયાર થયેલું બીજું કોઈ જોવા મળી જ જાય. જગ્યાનો કોઈ ‘ડ્રેસ-કોડ’ નથી.

ફ્રિમેન્ટલ ફરવાની સૌથી સહેલી રીત ત્યાં બસમાં જવાનું અને સિટીમાં પગપાળા ફરવાનું.અહીં પાર્કિંગ મળવું બહુ મુશ્કેલ હોય છે. ઉપરાંત તમે કારમાં ગયા હો તો પણ એવું બને કે કાર તમારે જવાનું હોય ત્યાંથી બહુ દૂર પાર્ક કરવી પડે. એટલે વળી પાર્કિંગથી તે જગ્યા સુધી તો ચાલવું જ પડે!

આ તો વાત થઇ દિવસની, રાત્રે શું? અહીં ઘણાં બધાં ખૂબ સારા પબ આવેલાં છે. સારો ક્લબ ફક્ત એક જ છે જેનું નામ છે ‘મેટ્રોપોલિસ’. ઘણાં મિત્રો કહે છે કે શનિવારે આ ક્લબ પર્થ સિટીનાં સારામાં સારા ક્લબ કરતાં પણ વધુ સારો હોય છે. મારી જિંદગીમાં હું સૌથી પહેલી વાર જ્યારે ક્લબિંગ માટે ગઈ હતી ત્યારે મારી મિત્ર મને બે જગ્યાએ લઇ ગઈ હતી તેમાંનો એક મેટ્રોપોલિસ છે અને ત્યાર પછી ક્યારેય હું ગઈ નથી ત્યાં. એટલે હવે શું હોય શું નહીં તે ભગવાન જાણે. મને યાદ છે હું ગઈ હતી ત્યારે બહુ મજા આવી હતી. બાકી પબ્સમાં જવાનું બહુ થયું નથી. કદાચ થશે પણ નહીં હમણાં.

આ સિવાય અહીં બેક્પેકર્સ અકોમોડેશન પણ ઘણાં બધાં આવેલાં છે. દરેક બીજી શેરીમાં જાઓ એટલે ઓછામાં ઓછું એક ‘બેક્પેકર્સ અકોમોડેશન’ જોવા મળે. અહીં તમને જૂની બાંધણીનાં મકાન પણ ઘણાં બધાં જોવા મળે. તેની સરખામણીમાં પર્થ સિટીનું લગભગ બધું જ બાંધકામ એકદમ નવું છે. ફ્રિમેન્ટલમાં આવ્યાં હો તો બધાં મકાનો અને બાંધકામને જોતાં કોઈ બહુ જૂની જગ્યાએ આવ્યાં હો તેવું લાગે.

આ જગ્યા માટે ફક્ત એક જ શબ્દ છે: મસ્ત.

અને હા, ફ્રિમેન્ટલ કેવું દેખાય છે અને અહીં કેવાં કેવાં સ્ટ્રીટ આર્ટીસ્ટ બેસે છે તે જોવા માટે જુઓ:

ફ્રિમેન્ટલ – આર્કીટેકચર

ફ્રિમેન્ટલ – કેમેરાની આંખે

વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયન સ્ટ્રીટ આર્ટિસ્ટ

 

પર્થ – ત્રણ વર્ષની મારાં પર અસર

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ એટલે મોટાં શહેરનાં શરીરમાં ગામનું હૃદય! અહીં સવારે કોઈ પૂછે કે “How are you today?” તો સમજવું કે તેમને ખરેખર પરવાહ છે એટલે પૂછે છે અને તમે “not great” / ‘Not too well” જેવો જવાબ આપશો તો શક્ય છે કે એ વ્યક્તિ તમારા માટે દુઃખ વ્યક્ત કરશે અને ઉતાવળમાં નહીં હોય તો કદાચ “Why what’s wrong?” જેવો સવાલ પણ પૂછીને પાંચેક મિનિટ તમારી સાથે વાત પણ કરશે! આ ગામે મને સહુથી સરસ બે વાતો શીખવી. એક તો ધીરા પડતા શીખવ્યું અને બીજું પોતાની જાતને હંમેશા બહુ ગંભીરતાથી ન લેતા શીખવ્યું.

રાજકોટમાં રહીને મને ફક્ત ઝાકઝમાળ પ્રિય લાગી હતી. નાના શહેરોમાં બાળકોને સપના પણ ઝાકઝમાળના જ દેખાડાતા હોય છે. મોટાં બિલ્ડિંગ, ઘણી બધી રોશની અને બસ ત્યાં જ જવાનું અને રહેવાનું સપનું! જીવનની પહોળાઈ એટલી બધી આંજી દેતી હોય છે કે, ગહેરાઈ ધ્યાનમાં જ નથી આવતી. મેં પણ આ પહોળાઈ જ જોઈ હતી, જાણી હતી. એ ભાન જ નહોતી કે આ સપના તો ખરેખર મારા પોતાનાં હતા જ નહીં. આ એ સપના હતા જે મને મારા વાતાવરણે દેખાડ્યા હતાં અને તેને હું મારા પોતાના માની બેઠી હતી. પર્થ આવીને હું પોતાની જાતને મળી. જીવનની ગહેરાઇઓને મળી. નાનાં, ધીમા શહેરોમાં રહેવાનો આ ફાયદો છે.

જ્યારે ‘કરવાનું’ ઓછું હોય અને ઘણો બધો સમય હોય ત્યારે ઘણું બધું વિચારવાની જગ્યા આપોઆપ મળી જાય છે અને ‘deliberate living’ની આપોઆપ આદાત પડી જાય છે. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે, આ કદાચ ફક્ત જગ્યાનો પ્રભાવ જ નહોતો. આનું એક કારણ કદાચ પર્થમાં ઘણી બધી રસપ્રદ જગ્યાઓનાં બહુ દૂર દૂર હોવું, અને મારી પાસે બહુ પૈસા ન હોવા એ પણ હોઈ શકે. ટેલિવિઝન અને સિનેમાહોલમાં જે પશ્ચિમને જોયું હતું, તેનાં કરતાં મેં મારી જાતે અનુભવેલું પશ્ચિમ બિલકુલ અલગ હતું. પશ્ચિમને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મને પર્થમાં આવીને ફક્ત એક જ સપ્તાહમાં મળ્યો હતો.

બીજી એ વાતની સભાનતા આવી કે, પશ્ચિમ એટલે બધું એક-બીજાથી થોડું ઘણું અલગ પણ આમ તો બધું સરખાં જેવું જ એવું નથી. England, Ireland, Scotland, America, Austria, Germany, Switzerland, Estonia, Sweden, France, Australia વગેરે બધા જ અલગ હતાં. સાવ જ અલગ. ત્યાંનાં લોકોના દેખાવથી માંડીને તેમનાં સુંદરતાના પરિમાણો, પોતાનો રોજનો ખોરાક, પોષાક અને જીવનને જોવાની અને માણવાની રીત બધું ધડ- માથાથી સાવ અલગ છે.

ધીરે ધીરે આ બધું જોવા, જાણવા અને માણવા મળ્યું. સાથે સાથે જ એ પણ ખબર પડી કે ભારતીયો કેટલી બધી સદીઓથી અને કેટલી બધી જગ્યાએ વસેલાં છે! મને અહીં આવ્યા પહેલા મોરિશિઅસમાં વસતાં ભારતીયો વિષે ભાગ્યે જ ખબર હતી. આજે મારા મિત્રોમાં એવા ઘણા લોકો છે જેમના પૂર્વજો વર્ષો પહેલા ભારતથી વિસ્થાપિત થઈને મોરિશિઅસ જઈને વસ્યા હોય. તેઓ પોતે મોરિશિયન ભારતીયોની પાંચમી કે છઠ્ઠી પેઢી છે. એ જ રીતે રીયુનિયન આઈલેન્ડ અને માડાગાસ્કરમાં પણ ઘણાં ભારતીયો વસેલા છે- જેમાનાં અમુકને હું અહીં મળી. આમાંનાં ઘણાંએ Google maps સિવાય હિન્દુસ્તાન જોયું કે બહુ જાણ્યું નથી. એક કલાસમેટ જે મોરિશિયન છે તે કહેતો હતો કે, તેનાં દાદા- દાદી ‘ભોજપુરી’ જાણે છે. Apparently મોટાં ભાગનાં મોરિશિયન ભારતીયોના પૂર્વજો ઉત્તર ભારતથી આવેલાં હતાં. 

અહીં આવ્યા પછી આવા તો ઘણાં બધા સાવ નાના કે સાવ અજાણ્યા દેશોમાંથી આવતા આવા ઘણાં બધા ભિન્ન- ભિન્ન લોકોને મળવાનું થયું છે. અન્ય ગુજરાતીઓની માફક મને ફક્ત ગુજરાતી/ ભારતીયો વચ્ચે રહેવાનું ક્યારેય ફાવ્યું નથી. જગ્યાની દૃષ્ટિએ હું મારી જાતને નસીબદાર માનું છું કે, હું પર્થમાં છું. થોડાં સમય પહેલાં એક મિત્ર એશ્લી સાથે વાત થઇ હતી ત્યારે તેની પાસેથી જાણ્યું કે પર્થ સાંસ્કૃતિક વૈવિધ્ય અપનાવવાની વૃત્તિ બાબતે બહુ સરસ છે. થોડું વિસ્તારપૂર્વક સમજાવું, તો થાય કેવું કે કોઈ જગ્યામાં ધારો કે ઘણી બધી સંસ્કૃતિનાં લોકો ભેગા થાય છે. આ પરિસ્થિતિમાં બે શક્યાતાઓ રહે.
1) બધાં અન્યોઅન્ય સાથે હળે-મળે અને એકબીજા વિશે જાણે, અથવા
2) લોકો પોતપોતાની સંસ્કૃતિનાં જ પોતાનાં જેવાં અન્ય લોકોને શોધે અને ફક્ત એકબીજા સાથે જ મળે.
જો બીજો કેસ બને તો ઘણી વખત એવું થાય કે એક આખા વિસ્તારનાં બધાં મકાનો અને રહેવાસીઓ એક જ સંસ્કૃતિનાં હોય. આપણે ત્યાં ‘કડવા પટેલ’ બધાં એક સોસાઈટીમાં રહેતાં હોય એવું અને યુ.કે.માં અમુક સબર્બમાં જાઓ તો હિન્દુસ્તાનમાં આવ્યા હો તેવું લાગે એવું! પર્થમાં પણ થોડું ઘણું એવું છે અને બધે રહેવાનું. પણ, તેનાં કહેવા પ્રમાણે મેલબર્ન કે સિડનીની સરખામણીએ પર્થમાં આવું ઘણું ઓછું બને છે. લોકો ફક્ત પોત-પોતાની સંસ્કૃતિઓનાં ટોળામાં નથી રહેતાં. અહીં એક મિત્ર-વર્તુળમાં ઘણાં રંગ અને સંસ્કૃતિનાં લોકો જોવા મળે તેવી શક્યતા વધુ છે. આ બાબતે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પણ, સાથે મારી જાતની પીઠ પણ એટલા માટે થાબડીશ કે મેં આ તકને જતી ન કરી, તેનો બને તેટલો ફાયદો ઉઠાવ્યો અને જૂદી-જૂદી સંસ્કૃતિનાં લોકો સાથે પરિચય તથા મિત્રતા કેળવ્યા. 

 હું માનું છું કે ગુજરાતીઓની એકબીજા સાથે જ રહેવાની અને બીજી સંસ્કૃતિઓમાં અને અન્ય લોકોની રહેણી-કરણીમાં  બહુ રસ ન લેવાની વૃત્તિને કારણે જ આપની ભાષામાં અન્ય સંસ્કૃતિનો ગહેરો પરિચય આપતું સાહિત્ય બહુ નથી લખાયું. પણ, સામે એ પણ વાસ્તવિકતા છે કે, ગુજરાતીઓ સાથે રહ્યા છે, ઘણાં પૈસા કમાયા છે અને અન્ય ગુજરાતીઓ માટે વાપર્યા છે. ઘણાંએ મંદિરો બનાવ્યા છે અને આ મંદિરો વિદેશોમાં ગુજરાતીઓ ભેગા થઇ શકે અને એકબીજાને ઓળખી શકે અને એ રીતે કુટુંબ અને વ્યાપારને વધારી શકે તેનું કેન્દ્ર બન્યાં છે. એક-બીજા સાથે જોડાયેલા રહેવાની આદતને કારણે જ સંગઠિત રીતે ગુજરાતીઓ દુનિયાને પોતાના અસ્તિત્ત્વનો અહેસાસ કરાવતા રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ગુજરાતીઓએ નવરાત્રી મનાવી છે અને ગરબે રમ્યા છે!