નવી જીવનશૈલી પર ચિંતન

ઓસ્ટ્રેલિયા, નિબંધ, પર્થ

આગળની પોસ્ટમાં જેનો ઉલ્લેખ કર્યો હતો એ ‘હાઉઝ-મૂવ’ અંતે ત્રણ મિત્રોની મદદથી સફળતા-પૂર્વક પાર પડ્યું.  બહુ નાજુક ક્ષણ હતી એ જ્યારે જૂના ઘરમાંથી છેલ્લી વસ્તુ લઈને કારમાં મૂકી અને ખબર હતી કે, આ તરફ આ રીતે પાછું ફરવાનું હવે પછી ક્યારેય નહીં થાય. વધુ ખુશી હતી અને જરાક ડર.  છેલ્લે કારમાં બેસતાં પહેલા નાટકીય ઢબે મેં પહેલા ઘર સામે અને પછી મારા મિત્ર સામે જોઇને કહ્યું પણ હતું “સો … ધિસ ઈઝ ઇટ!” અને પછી પેલી ‘હીરો’વાળી સ્માઈલ! નવી જીવનશૈલીમાં પ્રવેશ કર્યાને 3 અઠવાડિયા થઇ ગયા છે એટલે મારા રોજબરોજનાં જીવનને એક ઓપ મળી ચૂક્યો છે.  શરૂઆતનો નવી જગ્યાનો ઉત્સાહ પણ ઓસરી ચૂક્યો છે એટલે, કેટલું ખરેખર મારી રોજનીશીમાં વણાઈ ગયું છે અને કેટલું ફક્ત હંગામી ધોરણે થયું અને થઇ શકે તેમ છે તે સ્પષ્ટ થઇ ગયું છે. વળી, એટલો બધો સમય પણ નથી થયો કે, મારી આજ પહેલાની 4 વર્ષની જીવનશૈલીની સ્મૃતિઓ ઝાંખી થઇ જાય. એટલે, નવા ઘરમાં આવ્યા પછીનાં મારી જીવનશૈલીનાં પરિવર્તન અને મારી જાત વિશેની મારી માન્યતાઓમાં થયેલાં ફેરફારો નોંધવાનો સમય બરાબર પાકી ચૂક્યો છે.

નવા ઘરનું સેટ-અપ મેં ફક્ત એક જ વીક-એન્ડ (શનિવાર અને રવિવાર)માં પતાવ્યું. તેમાં બોક્સ અનપેક કરવાથી માંડીને, ઘરનાં અમુક ભાગો પર ઝાડુ ફેરવવું, ચીજો ગોઠવવી, બોક્સ રીસાઈકલ બિનમાં નાખવા અને નવો સામાન ખરીદવા સુધીનું બધું  આવી જાય છે. નવા સામાન ખરીદવા બાબતે તો એવું થયું કે, મને મનમાં એમ હતું કે, એટલું ખાસ કંઈ લેવાનું નથી. લિસ્ટ લાંબુ હતું પણ ઝીણી ઝીણી વસ્તુઓનું હતું. પણ, જ્યારે ખરેખર ખરીદી કરવાની શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, મેં એ ચીજોનાં બોક્સિંગની સાઈઝ સીરિયસલી અન્ડર-એસ્ટીમેટ કરી હતી. આખી ટ્રોલી ભરાઈ ગયેલી અને સખત ભારે! અને માઈન્ડ વેલ, મેં લિસ્ટ બહારની એક પણ વસ્તુ ઉઠાવી નહોતી. ઇન ફેક્ટ આખું લિસ્ટ પણ હજુ કવર નહોતું થયું. આ પરથી હું એ સાર પર પહોંચી છું કે, મને ખરેખર બિનજરૂરી એક પણ વસ્તુ ભેગી કરવાની આદત નથી અને એ પ્રકૃતિ જાળવી રાખવા જેવી છે. બિનજરૂરી વસ્તુની મારી વ્યાખ્યા – જો એ વસ્તુ મારી નજરની સતત સામે રહેવાની હોય તો એવી વસ્તુ જે હું આ અઠવાડિયામાં નથી વાપરવાની, જો પેન્ટ્રી કે સ્ટોરેજમાં રહેવાની હોય તો એવી વસ્તુ જે હું ઓછામાં ઓછું દર બે-ત્રણ મહિને નથી વાપરવાની. તેનાંથી ઘર ફેરવવા વખતે તો ફાયદો થાય જ છે, એ ઉપરાંત પણ પૈસાની બચત અને જગ્યાની બચત નફામાં. મેનેજમેન્ટમાં આનાં વિષે એક બહુ યોગ્ય કન્સેપ્ટ છે – ‘લીન’. Just in Case નહીં પણ Just in time વાળી વૃત્તિ.

હજુ ઘર માંડ્યું જ હતું ત્યારે હું જોતી કે, દરેક નાની મોટી વસ્તુ મારે ત્યારે ને ત્યારે તરત જ અરીસા જેવી સાફ કરી નાંખવી હોતી. એ વલણ શરૂઆતમાં તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓસીડી) કક્ષાનું હતું. પણ, સમય જતાં હવે થોડું ઓસીડીનું લેવલ ઘટ્યું છે એવું લાગે છે. હજુ પણ બધું સ્પાર્ક્લિંગ ક્લીન તો રાખું જ છું. પણ, હવે તેમાં થોડી ડિસિપ્લિન આવી છે અને ફક્ત એ જ વસ્તુ 24 કલાક મારા મગજ પર સવાર નથી રહેતી. ‘અતિ સર્વત્ર વર્જ્યેત’નો શાબ્દિક અર્થ તો હંમેશા ખબર જ હતો પણ આ અનુભવ્યા પછી તેનો પ્રેક્ટિકલ મતલબ સમજાયો. સારી આદતોને પણ ડિસિપ્લિનની જરૂર હોય છે ખરી! વળી, આ ઘરમાં હું જેટલી ચોખ્ખાઈ રાખું છું તેને મારા પહેલાનાં 3 ઘરની પરિસ્થિતિ સાથે સરખાવું છું ત્યારે હું મારી મનોસ્થિતિ પ્રત્યે કેટલાક તારણો પર આવી છું.

એ દરેક ઘરોમાં ચોખ્ખાઈ ટોપ નોચ ન રહેતી તો તેનાં વિષે મને અણગમો રહેતો પણ મેં તેની અભિવ્યક્તિ કર્યાનું યાદ નથી. વળી, આ તો બહુ નાની વસ્તુ છે – કંઈ વાંધો નહીં વાળો મારો એટીટ્યૂડ રહેતો. કે પછી એ મારો ભ્રમ હતો. આ ઘરમાં હું જે શાંતિ અનુભવું છું તેનાં પરથી તો એવો ભાસ થાય છે કે, કદાચ હું એ બાબતે ક્યારેય ‘ઓકે’ થઇ જ નહોતી શકી. મારા ન બોલવાનું કારણ પણ કદાચ દલીલ અને આક્ષેપોમાં ન પડવાની ઈચ્છાની વૃત્તિને લીધે હતું, હું ખરેખર એ વિષે પરવાહ નહોતી કરતી તેવું નહોતું. જો એકલા રહેતાં હું આટલી ઓબ્સેસિવ હોઉં ઘર કઈ રીતે રહેવું જોઈએ એ બાબતે તો મારો મૂળ રંગ કદાચ આ જ છે અને પેલો મધર ટેરેસાવાળો કદાચ ફક્ત એક એક્ટ હતો. મારા બેક ઓફ માઈન્ડમાં હું આ બાબતે કદાચ સતત અકળાયેલી રહેતી ત્યારે. કદાચ passive aggressive છું હું. Quite fascinating what living by yourself can really teach you about yourself!

આ ઘરમાં રહીને પ્રોડક્ટીવિટી હું માનતી હતી તેટલી ખરેખર વધી છે. લાઉન્જ રૂમમાંથી ફક્ત એક ટેબલ ખસેડીને મારા લાઉન્જને મારો સ્ટૂડીઓ બનાવી શકવાની સ્વતંત્રતાએ મને બહુ ખુશ કરી છે. વળી, નોંધું છું કે, ઘરમાં અન્ય કોઈની અવરજવર ન રહેવાથી મને માનસિક રીતે મારો એક ઝોન મળે છે. શ્વાસ લેવાની જગ્યા મળી હોય તેવું લાગતું રહે છે એટલે કામ કરવાની મજા આવે છે. મારા ડ્રોઈંગ પર કામ કરતી હોઉં ત્યારે અમુક વસ્તુઓ થોડાં સમય સુધી બહાર રાખવાની મને આદત છે. પણ, આવું કરવામાં જયારે અન્ય હાઉઝ-મેટ્સ સાથે રહેતી ત્યારે બહુ રોક-ટોક થતી અને એ મને ગમતું નહીં. તેની અસર મારા કામ પર પૂરી પડી હતી. હવે જોઉં છું કે, છેલ્લા બે અઠવાડિયામાં મેં મારા ડ્રોઈંગમાં છેલ્લા વીસ અઠવાડિયા કરતાં પણ વધુ પ્રોગ્રેસ કર્યો છે. લાગે છે કે, હવે જ્યારે હું ફરી અન્ય લોકો (પાર્ટનર, ફ્રેન્ડ્સ કે પેરેન્ટ્સ કોઈ પણ) સાથે રહું ત્યારે મારે સારી એવી મોટી જગ્યા ફક્ત મારા પોતાનાં માટે રાખવાનો આગ્રહ રાખવો જોઈએ અને મારા કામમાં કોઈ ખલેલ ન પાડે તેની કાળજી પણ. I really can’t be happy enough if I can’t work at my own pace and rhythm. So, probably I should make more conscious choices now in terms of living with people while I finally can. વળી, આ બધાં ઉપરાંત સૌથી મોટું બોનસ એ કે, મારે ઇડીયોટિક ટીવી શોનાં ઘોંઘાટ સહન નથી કરવા પડતા. કાં તો મારા લાઉન્જમાં પર કંઇક અર્થપૂર્ણ ચાલતું હોય છે અથવા તો અવાજ બંધ હોય છે. કમર્શિયલ ઘોંઘાટથી મળેલી એ શાંતિ તો અભૂતપૂર્વ છે.

એકંદરે આ ઘરમાં એકલા મૂવ થવાનો નિર્ણય સાચો સાબિત થયો છે. કદાચ ક્યારેક થોડીક એકલતા સાલે તો પણ હવે થોડાં વર્ષો સુધી આ જીવનશૈલીને વળગી રહેવું જ મારાં માટે બેસ્ટ છે કારણ કે, એકંદરે મારા જીવનથી મને સંતોષ વધ્યો છે.  હવે પછીનું મોટું પરિવર્તન શું લાવવું છે એ વિચાર પણ લગભગ કરી લીધેલો છે. પણ, એ વિશે હમણાં વિચારવાનો મતલબ નથી. સમય આવશે ત્યારે જોઈશું. ચાર વર્ષની દોડધામ પછી આ ફક્ત વિસામો છે. અહીં અટકી નથી જવું મારે. થોડું વધુ દોડવું છે અને થોડો વધુ અલગ પ્રકારનો કેઓસ જોઈએ છે.

જૂનું શેર-હાઉઝ ખાલી કરતાં

ઓસ્ટ્રેલિયા, નિબંધ, પર્થ

કવિ બાલમુકુન્દ દવેની કવિતા (જેનાં પરથી આ ટાઈટલ ઈન્સ્પાયર્ડ છે) જેવી કોઈ ફીલિંગ આવી નથી રહી અત્યારે તો! જો હું એ કવિતાનું મારું વર્ઝન લખું તો કવિતા દુઃખભરી છે કે ઉલ્લાસભરી એ જ ખબર ન પડે (મિક્સ્ડ ઈમોશન્સ). દોઢ અઠવાડિયા પહેલાં શરુ કરેલું પેકિંગ-પુરાણ લગભગ પૂરું થઇ ગયું છે. હવે ફક્ત જરૂરિયાતની પાંચ દિવસ પૂરતી થોડી જ વસ્તુઓ બહાર રાખી છે. શુક્રવાર – ૨૬મી જુલાઈએ નવા ઘરની ચાવી મળશે. અત્યારનું ઘર ટિપીકલ સ્ટૂડન્ટ-હાઉઝ છે. થોડું ઘણું સંયુક્ત પરિવારમાં રહેવા જેવું છે. હું આ ઘરમાં (કે આ પહેલાનાં કોઈ પણ ઘરમાં) રહેવા આવી એ પહેલાં મારાં ૪ હાઉઝ-મેટ્સ કોણ હશે, કેવા હશે તેની મને ભનક પણ નહોતી. પણ, એ વાત પાક્કી હતી કે એ જે કોઈ હોય તેમની સાથે પડ્યું પાનું નિભાવવાનું હતું. વળી,  સંયુક્ત પરિવારમાંમાં ચાલતાં જીવન-મૃત્યુનાં અગમ-અનિશ્ચિત ચક્રની જેમ શેર હાઉઝમાં પણ સમયાંતરે જૂના લોકો જાય અને નવા લોકો આવતા રહે છે. દરેકની પસંદ-નાપસંદ, સ્વભાવ, પ્રકૃતિ સાથે અનુકૂળ થઈને રહેવાનું હોય અને ખરેખર પરિવાર નથી એટલે એકબીજાને કંઈ પણ કહી શકવાની લક્ઝરી ન મળે. જો એવી આઝાદી જોઈતી હોય તો તેનાં પ્રત્યાઘાત અને પરિણામો વિશે પૂરો વિચાર અને તૈયારી રાખવી પડે. ઇમોશનલ ઈન્ટેલીજન્સનાં પ્રાથમિક પાઠ શીખાવની શરૂઆત અહીંથી જ થઇ જાય.  અહીં આવ્યા પછીનાં ચાર વર્ષમાં હું હંમેશા શેર-હાઉઝમાં જ રહી છું એટલે એક શેર હાઉઝમાંથી બીજામાં જતી વખતે ફક્ત નવા સાથીઓ અને નવી જગ્યા પૂરતી નવીનતા લાગતી. પણ, હવેનાં ઘરમાં ફુલ-ટાઈમ જોબ અને નિશ્ચિત સ્થાયી આવકવાળી હું એકલી રહેવા જઈ રહી છું અને ત્યાં પાંચ દિવસમાં મૂવ થઉં છું એટલે આ વખતે ઘર ફેરવવાની સાથે એક નવા અધ્યાયની શરૂઆત થશે.

હાલ મારી પાસે ફર્નીચરમાં કંઈ નથી અને નવું ઘર ફુલ્લી ફર્નિશ્ડ છે એટલે એ એક મોટામાં મોટી શાંતિ છે. વર્ક ઉપરથી જેમાં મોનિટર આવ્યા હોય તેવાં મોટાં ૪ બોક્સ હું લાવી છું અને તેમાં ઘણું બધું ભરવામાં આવ્યું છે. મસાલા, અનાજ, કઠોળ વગેરેનાં ખુલ્લા પેક વ્યવસ્થિત ફોલ્ડ કરીને તેનાં પર ક્યાંયથી કંઈ ઢોળાય નહીં તેમ સેલોટેપ મારીને તેને પેક કર્યા છે. આ દોઢ વર્ષમાં મારી લાવેલી ૬ ચમચીઓ કોઈને ને કોઈએ કોઈ પણ રીતે ફેંકી દીધી છે અને બે કાચનાં ગ્લાસ હતાં જે ફૂટી ગયા છે.પ્લેટ તો હજુ સુધી એક પણ ઘરમાં લેવાની જરૂર પડી જ નથી (કારણ કે, લેન્ડ લોર્ડનું વસાવેલું અથવા ઘરમાં બધાં વચ્ચે લીધેલું છે) કાચનું એક બૌલ અને એક દોસ્તે ગિફ્ટ કરેલો મગ છે ફક્ત એટલે કટલરી બધી નવી લેવાની છે. રસોઈ બનાવવાનો મારો સામાન – છરી, ચમચા વગેરે વીણવા પડ્યા હતાં કારણ કે, લેન્ડ-લોર્ડનું, મારું અને અન્ય હાઉઝ-મેટ્સનું બધું રહેતું તો એક ખાનામાં એક સાથે જ હોય અને ઘરની દરેક વસ્તુ ઘરમાં હોય ત્યાં સુધી તો બધાં ઘરની જેમ વાપરતા જ હોય. તેમાં મારી પાસે ઘણું ખૂટે છે અને અમુક મારું છે કે નહીં તે ખબર નથી એટલે એ બધું નવું લેવાનું છે. ભાતનું કૂકર, કેસરોલ, પાટલો-વેલણ વગેરે તો જો કે મારાં સિવાય કોઈનાં હોય જ નહીં (આ ઘરમાં હું એક જ ભારતીય છું). અને તેલ, મસાલા વગેરેનું તો અમારું દરેકનું અલગ ખાનું છે એટલે તે સમેટવામાં કોઈ તકલીફ ન પડે. બાકી બાથરૂમમાંથી પણ મારો બધો મેક-અપ અને પિન જેવી ઝીણી-મોટી વસ્તુઓ વીણવી પડી હતી કારણ કે, ત્યાં પણ બધાનું બધું એક સાથે જ રહેતું હોય. વળી, બેક-યાર્ડ અને શેડમાં તો પોતાની વસ્તુઓ જુઓ ત્યારે યાદ આવે કે, મારી પાસે આ પણ છે! માળિયાની જેમ અહીં બધું વર્ષોથી પડ્યું છે અને અડાયું નથી. બહારથી મારું ડ્રિન્ક્સ ઠંડા રાખવા માટેનું એસ્કી અને બે નાની ખુરશીઓ પહેલેથી જ સમેટીને બેગ્સ ને બોક્સિસ સાથે રાખી દીધાં છે. રખે ને છેલ્લે ઉતાવળમાં ભૂલાઈ જાય તો! જો કે, મોટાં ભાગની વસ્તુ આમ પણ નવી જ લેવાની છે એટલે એ વિશે મને એક સંતોષ એ વાતનો છે કે, હવે હું સારી ક્વોલિટીની વસ્તુ વસાવી-વાપરી શકીશ અને બે અઠવાડિયામાં એ કોઈ બગાડી નહીં નાખે.

દારૂનાં સ્ટોકમાં હમણાં તો કંઈ જોયું જ નથી એટલે મારું શું છે અને કેટલું છે એ યાદ જ નહોતું. ફ્રિજમાં કદાચ મારી વાઈનની એક આખી બોટલ હતી પણ આજે જોયું ત્યારે તેમાં બધી અડધી બોટલ જ હતી એટલે ખબર નહીં હવે એ બધી તો બધાંની બીજાની હશે. સ્પિરિટ્સનું  મારું પોતાનું બોક્સ જ હતું એટલે તેમાં હોય એ બધાં મારાં જ હોય એ સમેટી લેવામાં આવ્યા છે.  સ્પિરિટ્સમાં મારી છેલ્લી ફેબ્રુઆરીની પાર્ટીમાંથી શું અને કેટલું બાકી રહ્યું હતું એ યાદ નહોતું એટલે પેક કરવાની સાથે સાથે એ મગજમાં પણ રેકોર્ડ કરી લીધું છે. નવા ઘરમાં હાઉઝ-વોર્મિંગ પાર્ટી કરવાની આવશે જ ત્યારે નવું શું લેવાનું છે એ નક્કી કરવામાં મદદરૂપ થશે. એક ૩/૪ સાઈઝનું અકૂઝ્ટીક ગીટાર હતું જે મોટાં ઉપાડે શીખવા માટે ૨ વર્ષ પહેલાં લીધું હતું. પણ એ લીધાનાં છ મહિના પછી ભણવા વગેરેમાં એ કાર્યક્રમ  અટવાઈ પડ્યો હતો ને હવે ફરીથી ડાન્સનાં કારણે શરુ થવાનો પણ નહોતો તેની મને ખાતરી હતી એટલે સમજીને એ મેં વેચવા મૂકી દીધું હતું. ગઈ કાલે એક બહેન આવીને એ લઇ ગયાં એટલે એટલું તો નાજુક ફેરવવું મટ્યું! હવે નાજુક સામાનમાં ચિંતા મને ફક્ત મારાં પુસ્તકો, ડ્રોઈંગ બુક્સ, છૂટાં ડ્રોઈંગ-સ્કેચિઝનાં કાગળિયા, કેન્વસ અને ઈઝલની છે કારણ કે, એ દિવસનો વેધર ફોરકાસ્ટ વરસાદી અને વીજળીઓનો છે! જોઈએ હવે ત્યારે જે થાય તે ખરું. કૃષ્ણ-વસુદેવની જેમ પુસ્તાકો અને હુંયે નસીબદાર હોય તેવી આશા રાખીએ. આમ, બાલમુકુન્દ અંકલની જેમ જ મનેય ‘હાથ લાગ્યું ઘણું’. પણ, તેમનાં જેટલું ડીટેઇલમાં નહીં કારણ કે, ન તો આ મારું પોતાનું ઘર છે કે ન તો પોતાનાં ઘરમાં હોય તેટલો સામાન!

નવાં ઘરની વાત કરું તો, હું સીબીડી (સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિકટ)થી આટલી નજીક પહેલાં ક્યારેય રહી નથી અને ઘર સીબીડીથી પ્રમાણમાં ઘણું નજીક છે. વળી, તેની આસપાસ કરવાનું ઘણું બધું છે અને બધું એકદમ નજીક-નજીક છે. અત્યાર સુધી શહેરથી દૂરનાં સબર્બમાં રહી છું એટલે લગભગ હાઈવેની આજુબાજુ રહેતી વ્યક્તિ બરાબર ગામની વચ્ચે રહેવા જઈ રહી હોય તેવું કંઇક લાગે છે. અત્યાર સુધી હું એવા જ વિસ્તારોમાં રહી છું જ્યાં રાત્રે સાડા આઠ પછી શેરીઓમાં અને મુખ્ય રસ્તા પર સોપો પડી જાય. પણ, નવા ઘરની આસપાસનાં વિસ્તારમાં લોકોની સતત અવરજવર રહેશે. સૌથી પહેલી વસ્તુ મારે મારી કારનો ઇન્શ્યોરન્સ લેવાની કરવાની છે કારણ કે, ગામમાં રહેતાં હોઈએ ત્યારે કયો દારૂડિયો/ચરસી કારનાં કાચ ફોડી જાય એ કંઈ નક્કી ન કહેવાય! અત્યાર સુધી જો ઘરની ચાવી લેવાની ભૂલી જવાય તો અન્ય હાઉઝ-મેટ દરવાજો ખોલી શકે અને બધાં બહાર હોય તો કોઈ એક ઘરે આવે તેની રાહ જોઈ શકાય. પણ, હવેથી એ લક્ઝરી નહીં રહે. તે માટેની વ્યવસ્થા તરીકે અમુક ખાસ મિત્રોનાં ઘેર એક ચાવીઓનો સેટ હંમેશા રાખવાની યોજના છે અને નજીકમાં નજીકનાં ૨૪ x ૭ પુલીસ સ્ટેશનનાં નંબર ફોનમાં સેવ કરી લેવાની પણ.

નવા ઘરમાં શિફ્ટ થવા વિશે હું કેવું અનુભવું છું એ તો મને ખબર જ નથી. થોડાં મહિના તો જાણે ઘર માટે ઝીણી-મોટી વસ્તુઓ લેવાનાં, ઘરને સજાવવાનાં અને નવા વાતાવરણનાં એક્સાઈટ્મેન્ટમાં જ જશે. પણ, એક વખત ટેવાઈ ગયા પછી રોજબરોજનાં સામાન્ય રૂટિન માહોલમાં મને ત્યાં એકલા રહેવું કેવું અને કેટલું ગમશે તે તો હવે ખરેખર થશે ત્યારે જ ખબર પડશે. મિત્રોનું કહેવું એમ  છે કે, મોટાં ભાગે છોકરીઓને એકલા રહેવું ગમતું હોય છે. પણ, છોકરાઓ એકલા રહે તો સામાન્ય રીતે પાગલ થઇ જાય અને શું કરવું ને શું નહીં એ જ સમજી ન શકે એવું બનતું હોય છે. અમુક કહે છે કે, મને બહુ ગમશે અને અમુક કહે છે કે, હું બહુ કંટાળીશ. અને બંને તરફનાં લોકો ખરેખર તો મારાં પોતાનાં વિચારો અને આંતરિક કોન્ફ્લીક્ટનો જ પડઘો પાડી રહ્યાં છે. વળી, નવા ઘરમાં હું વાયરલેસ કનેક્શન નથી લેવાની. ફોનમાં જે ૩ ગિગનું અલાવન્સ મળે છે તે ઘર માટે તો પૂરતું છે અને બાકી કામ પર તો દિવસનાં ૮ કલાક ઈન્ટરનેટ કનેક્શન છે જ. એટલે અત્યારે તો એમ લાગે છે કે, આમ જ રાખવું હિતાવહ છે. તેનાંથી ખર્ચ ઘટશે અને પ્રોડક્ટીવિટી વધશે. અને મૂવિઝ, ટીવી શો જે કંઈ જોવા હોય તે મિત્રો પાસેથી ક્યાં નથી લેવાતાં!  તે વિશેનો અંતિમ નિર્ણય જો કે, એક-બે મહિનાનો પ્રયોગ કર્યા પછી કેવી જરૂરિયાત લાગે છે તેનાં પરથી લેવામાં આવશે. ઘરનું ભાડું હું હાલ ભરું છું તેનાં કરતાં અઢી ગણું વધી જવાનું છે અને સેવિંગ તો હતું તેટલું જ રાખવું પડે તેમ છે. એટલે, પાર્ટી લાઈફ-સ્ટાઈલનો અંત બહુ નજીક લાગી રહ્યો છે. આમ પણ હવે મને બહાર જવાનો કંટાળો આવવા માંડ્યો હતો એટલે સોશીયાલાઈઝીંગ બંધ કરવાનું નક્કી તો કર્યું જ હતું પણ હવે તો સરસ કારણ પણ મળી ગયું છે. કોઈ પૂછે તો કહી દેવાનું કે, પૈસા નથી એટલે આપણે તો ઠંડે પાણીએ ખસ ગઈ. એકલી એકલી કરીશ શું? વધુ વાંચવાનું, વધુ દોરવાનું, વધુ લખવાનું, રોજ જમવાનું બનાવવાનું અને ઘર સાચવવાનું, ઈચ્છા પડે તેવું મ્યુઝિક વગાડવાનું, ક્યારેક ટીવી જોવાનું અને એક-બે એક-બે અઠવાડિયે અમુક-તમુક મિત્રોને મારાં ઘેર રોકાવાનું આમંત્રણ આપવાનું. હાલ તો એવા સપના છે. જો કે, આ બધાં મિક્સ્ડ ઈમોશન્સ ઉપરાંત મને એક હાશકારાની  લાગણી તો ચોક્કસ છે. અંતે હવે મારાં પોતાનાં ઘરમાં મને થોડી શ્વાસ લેવાની જગ્યા મળશે.

પર્થ – સિલેક્ટેડ લેન્ડસ્કેપ્સ

ઓસ્ટ્રેલિયા, પર્થ

હું એટલી નસીબદાર છું કે, હું જ્યાં  રહુ  છું ત્યાંથી  સમુદ્રકિનારો  ફક્ત  15 મિનિટનાં અંતરે આવેલો છે. પર્થ ફક્ત સમુદ્રકિનારા  જ નહીં  પણ ખૂબસૂરત  નાદી-તટથી પણ સમૃદ્ધ છે! પ્રકૃતિએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને નસીબજોગે દાન ભોગવનારાં બહુ ઓછા છે એટલે અમારાં  જેવાંને  પૂરતુ  મળી રહે છે. :D વળી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વધુ આગળ દક્ષિણ  તરફ જતાં  જઈએ  તેમ તેમ આ નજારો વધુ ને વધુ સુંદર થતો જાય છે. બસ, વસંત અને ગ્રીષ્મ હવે બહુ નજીક છે અને હું તેને ભેટવા માટે કાગડોળે રાહ જોઇને બેઠી  છું. ક્યારે ઉનાળો આવે ને ક્યારે વધુ રખડવા-ભટકવા મળે (અલબત્ત કેમેરા સાથે)! પણ, જ્યાં સુધી ઉનાળો આવે અને વધુ ફોટો પાડું, ત્યાં  સુધી આ પર્થ  અને આસપાસનાં  વિસ્તારનાં  ફોટો માણો.

પર્થ  સિટી  – સાઉથ પર્થનાં નાદિકીનારેથી

અનકહી વાતો  – સાઉથ પર્થ  નદીકિનારે  એક ખૂબસૂરત સંધ્યા

Untold Stories

સિલ્હૂટ – પર્થ  સિટી  સેન્ટરમાં લાઈબ્રેરિ, આર્ટ  ગેલેરિ અને મ્યુઝિયમ નજીક

Silhouette

સાંજની કવિતા – નાદિકીનારેથી

An evening poetry

ટીપે ટીપે સમુદ્ર ભરાય!

Droplets

પ્રેમનો કિલ્લો – મેન્જુરા બીચ પર અચાનક ધ્યાન ગયું આ રેત-કિલ્લા  પર. બસ, જોયું કે તરત થઇ આવ્યું કે આ તો બસ પ્રેમનો કિલ્લો જ હોઈ શકે.

ઘૂઘવાટ – કોટેસ્લો બીચ

Roaring

શિયાળાની સાંજ – હિલેરીઝ બોટિંગ હાર્બર પરથી

A winter evening

સ્ત્રીઓ, અધિકાર અને અમારી વાતો

નિબંધ

આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું તેમ આ ઘરમાં અમે ચાર છોકરીઓ છીએ અને ચારેય બહિર્મુખી (extrovert) સ્વભાવની છે. ઉપરાંત અમે બધાં બિલકુલ અલગ દુનિયામાં જન્મેલાં અને ઉછરેલાં છીએ. આ કારણોસર દરેક વાત જે સોફા પર બેસીને બધાં વચ્ચે થતી હોય, તેમાં ૪ અલગ અલગ દુનિયાની ક્યારેક એકદમ સમાન તો ક્યારેક બિલકુલ અલગ અલગ વાતો અને અભિપ્રાયો સાંભળવા મળે.

‘સત્યમેવ જયતે’નો પહેલો એપિસોડ રીલીઝ થયો હતો અને એ જોઇને હું ખૂબ ગુસ્સામાં બહાર આવી. મેં અડેલને કહ્યું કે મને શરમ આવે છે એ જોઇને કે આજની તારીખે પણ મારા દેશમાં સ્ત્રી-ભ્રૂણ હત્યા થાય છે. અને અમે યાદ કરતા હતા કે આવો જ એક સાંદર્ભિક સંદેશ ‘ડીકટેકટર’ ફિલ્મમાં મધ્ય-પૂર્વનાં દેશો વિષે પણ આપવામાં આવ્યો હતો. એ સંવાદ જ્યાં ડીકટેકટરની પત્ની જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ તેને પૂછે છે “So, what do you think we are having? A son or an abortion?” એ ફિલ્મનાં સંદર્ભમાં આ હાસ્યાસ્પદ છે. પણ, એ તો ફક્ત એટલા માટે કે, એ ફિલ્મ એ મધ્ય-પૂર્વ અને અમેરિકા પર કટાક્ષ છે. ત્યારે અડેલનું કહેવું એમ હતું કે, અહીં જ અભ્યાસનો ફર્ક સપાટી પર આવતો હોય છે અને સ્ત્રી-ભ્રૂણ હત્યા જેવી બાબતો ત્યાં વધુ જોવા મળે જ્યાં અભ્યાસ ઓછો હોય. તેનો મત એવો હતો કે સ્કૂલ અને કોલેજનો અભ્યાસ ભલે કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે બદલી ન શકે પણ, આવી બધી બાબતોને અટકાવી શકે છે. ત્યારે મે તેને સત્યમેવ જયતેમાં જે જોયું/સાંભળ્યું એ તેને કહ્યું હતું કે, આ બાબત ભણેલા-ગણેલા પરિવારોમાં પણ બને છે. આખો પરિવાર ડોક્ટર હોય તેવા પરિવારોમાં પણ!

મારા મતે આ એક એવો સામાજિક મુદ્દો છે જેની શરૂઆત પણ કદાચ ભણેલા વર્ગમાં થઇ હશે. નવી ટેકનોલોજીની ખબર ભણેલાઓને અને સ્કોલારને જ સૌથી પહેલા પડતી હશે ને! બરાબર આ વાત ચાલતી હતી ત્યારે જ મેલ ઘરમાં આવી અને તેણે પોતાનાં દેશ વિષે કહ્યું. વાત હવે ભ્રૂણ હત્યામાંથી બદલીને સ્ત્રીઓની પરિસ્થિતિ ઉપર આવી હતી. મેલનાં માતા-પિતાના લગ્નમાં તેનાં પિતાના પરિવારે ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારે મે એને પૂછ્યું હતું કે તારા માતા પિતાની ઉંમર કેવડી હતી જ્યારે તેમનાં લગ્ન થયા? તેણે કહ્યું ૧૬ કે ૧૭. તે બંને એકબીજાને હાઈસ્કૂલમાં પસંદ કરતા હતા અને હાઈસ્કૂલમાં જ તેની માતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેનાં પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા પણ તેનાં દાદા-દાદીએ તેનાં પિતા માટે કોઈ અન્ય છોકરી પસંદ કરીને રાખી હતી અને એ બાબતે તેની માતાને ૧૧ વર્ષ સુધી ઘણું સહન કરવાનું આવ્યું અને તેમણે એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. તેણે મને કહ્યું કે ‘ટીન પ્રેગ્નન્સી’ એ ઝામ્બિયામાં એક મોટો મુદ્દો છે. તેનાં પિતા માટે જ્યારે તેનાં પરિવારે ફરીથી કોઈ શોધવાનું નક્કી કર્યું. ત્યારે એક વખત તેણે પોતાનાં ઘરમાં કોઈ છોકરીને જોઈ. મેલ કહે છે કે તે છોકરી મેલ કરતાં ફક્ત ૨-૩ વર્ષ મોટી હતી. એ વ્યક્તિને એ પોતાની ‘માતા’ તરીકે ક્યારેય જોઈ ન શકે. તેણે જોયું તો એ છોકરીને ખરેખર કોઈ વાંધો નહોતો તેનાં પિતા સાથે લગ્ન કરવાનો! ત્યારે મેલએ તે છોકરીને ૨ થપ્પડ મારી અને પોતાનાં ઘરમાંથી કાઢી. તે કહે છે કે મારા પિતાએ આમ પણ એ છોકરી સાથે લગ્ન ન જ કાર્ય હોત પણ, હું આ જોઈ જ ન શકી મારા ઘરમાં. તે એવું પણ કહે છે કે, તેનાં દેશમાં આ બધું બહુ સામાન્ય છે.

તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ હું અને અડેલ એક બાબત જોઇને બહુ અચરજ પામ્યા હતાં. અહીં ઘણી એશિયન (અહીં એશિયન એટલે ફક્ત ચાઇનીઝ સમજવું) યુવતીઓ  અમે જોઈ છે જે કોઈ ખૂબ મોટી ઉંમરનાં ઓસ્ટ્રેલિયન પુરુષની સાથી હોય. એશિયામાંથી યુવતીઓને લાવવાનું અહીં કોઈ નવી વાત નથી. આપણે ત્યાં ફિલ્મોમાં જે છોકરીઓને ખરીદી લાવવાનું જોયું હોય તેનાં કરતાં આ વસ્તુ અલગ છે. અહીં યુવતીઓ પર કોઈ દબાણ હોતું નથી. મોટા ભાગે આ તેમનો પોતાનો નિર્ણય હોય છે. તેમની પોતાની પસંદગી, એક સહેલી જિંદગી માટે. ભારત અને ચાઈનામાં આ બાબત સમાન છે. ખૂબ પૈસા-પાત્ર વર્ગમાં તેમનાં દીકરા દીકરીઓ અને તેમની પત્નીઓ ફક્ત પરિવારોની પ્રતિષ્ઠાનાં શો-પીસ છે.

શરૂઆતમાં મેં ચાઇનીઝ સ્ત્રીઓ સાથે થોડો પરિચય કેળવ્યો હતો ત્યારથી મારા મનમાં એવી છાપ હતી કે ત્યાં સ્ત્રીઓ એ પરિવાર માટેનાં સૌથી અગત્યના નિર્ણયો માટે જવાબદાર હોય છે. પણ, જીઝેલે મને કહ્યું કે એવું નથી. અંતે તો ઘરનો સૌથી વયસ્ક પુરુષ જે કહે તે જ થતું હોય છે. ઘરેલુ હિંસા ભારતમાં જેટલી હદે થાય છે તેટલી જ મલેશિયામાં પણ થાય છે. આ ઉપરાંત સાંભળીને નવાઈ લાગે પણ, ઇટલી તો તેનાં કરતાય બદતર. અત્યાર સુધી જેટલી ઇટાલિયન સ્ત્રીઓ/છોકરીઓને હું મળી છું તે બધાનો ઉછેર એ રીતે થયો છે કે તેમણે હંમેશા કોઈ ને કોઈ પુરુષ માટે જ જીવવાનું છે. પોતાનાં પતિને સમાજમાં સારો દેખાડવા માટે તૈયાર થવાનું ને તેવું કેટ-કેટલું! આ બધાં કહેવાતાં પ્રથમ વિશ્વનાં દેશ. :P

Perth: Street Artists

ઓસ્ટ્રેલિયા, ફોટોઝ

સંગીતકાર – ફ્રિમેન્ટલ

ફેસ પેન્ટર – ફ્રિમેન્ટલ

પ્રદર્શનની તૈયારી – ફ્રિમેન્ટલ

પોર્ટ્રેટ કલાકાર – ફ્રિમેન્ટલ

ડીગરીડૂ વાદક – ફ્રિમેન્ટલ

ધ્યાનમગ્ન – પર્થ સિટી

ચિત્રકાર – પર્થ સિટી

ફુરસદની પળો – ફ્રિમેન્ટલ

માઈમ કલાકાર – પર્થ સિટી

ફ્રિમેન્ટલ – કેમેરાની આંખે

ઓસ્ટ્રેલિયા, ફ્રિમેન્ટલ

એક ટીપીકલ શનિવાર

કાપુચિનો સ્ટ્રિપ

મારો પસંદીદા ચોકલેટેરિયા

ઓસ્ટ્રેલિયન એબોરીજીનલ વાજિંત્ર – ડીગરીડૂ

ફ્રિમેન્ટલ માર્કેટ્સ – મુખ્ય પ્રવેશદ્વાર

બેક્પેકર્સ!

પપેટ હાઉઝ

ઓસ્ટ્રેલિયન સુવેનીર્સ

પક્ષી

બન્બરી અને માર્ગરેટ રીવર એરિયા

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ સિટી સેન્ટરથી લગભગ અઢી કલાકે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હો તો બન્બરી આવે. બન્બરી  વિચારુ ત્યારે તેને સંગત એક જ શબ્દ મગજમાં આવે છે- જલસા. બન્બરી હું બે વખત ગયેલી છું અને હજુ લાખો વખત જાઉં તો પણ  કંટાળો ન આવે તેવી જગ્યા છે એ. એ એક નાનું ગામ છે. કલાક એકમાં તો તમે કારમાં આખું ગામ ફરી લો એટલું નાનું! સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની જેમ જ અહીં પણ બહુ એટલે બહુ સરસ બીચ આવેલાં છે. 

ત્યાંથી વધુ નીચે દક્ષિણમાં જાઓ એટલે લગભગ દોઢ કલાકે ‘બસલટન’ નામનું એક ગામ આવે. અહીં એક જેટી આવેલી છે. દક્ષિણ ધ્રુવની એ સૌથી મોટી જેટી છે અને દુનિયાની ચોથી સૌથી મોટી જેટી. Busseltton ગૂગલ કરો એટલે અને ‘ઈમેજીસ’માં જશો એટલે જે ૪ ઘરના ફોટા જોવા મળે છે એ બરાબર આ જેટી પર આવેલાં છે. એ બસલટનનો સિગ્નેચર ફોટો છે. ત્યાંથી બરાબર દોઢ કલાક જેટલું આગળ જાઓ ત્યારે યેલિન્ગપ, અગસ્ટા અને યાન્ચેપ જેવા ‘માર્ગરેટ રીવર’ના વિસ્તાર આવેલાં છે. બન્બરીથી આગળનાં બધાં જ રસ્તા એવા છે કે, તમે ગમે તે સેકન્ડે કારની બહાર જુઓ તો એક પિક્ચર પરફેક્ટ ફ્રેમ જોવા મળે. 

બસલટનથી યેલીન્ગપના રસ્તે તમે ગમે ત્યાં ગાડી રોકો ત્યાંથી ૧૦ મિનીટ દૂર તમને એવું કોઈ દ્રશ્ય જોવા મળે જ્યાં મોટાં લાંબા પથ્થર અને દરિયો હોય. દરેક દિશામાં બસ દીવાલે ટાંગી શકાય તેવાં લેન્ડસ્કેપ! અહીં દરિયા ઉપરાંત માર્ગરેટ રિવર વિસ્તારમાં ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં અંદર જઈને જોઈ શકાય છે. તેની ટૂર્સ થાય છે. આ ઉપરાંત માર્ગરેટ રીવારની વાઈન્સ પણ બહુ પ્રખ્યાત છે. અહીં આખો આખો દિવસ ફક્ત વાઈન ચાખતાં નીકળી જાય તેવી વાઈન-ટૂર્સ થાય છે. આ ઉપરાંત અહીં એક ચોકલેટ ફેક્ટરી છે. ચોકલેટ્સનું સ્વર્ગ! 

પણ ગમે ત્યાં જાઓ, સાંજે ૫-૬ વાગ્યા પછી બધું બંધ! ફક્ત રેસ્ટોરાં અને પિઝ્ઝા હટ જેવી ખાવાનું મળે તેવી જગ્યાઓ ૯-૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અહીં ૨-૩ દિવસ કે વધુ સમય માટે રહેવું અને આજુબાજુની જગ્યાઓ ફરીને નવી જગ્યાઓ શોધવી હોય તો રહેવા માટે હોલીડે-હોમ્સ સૌથી લોકપ્રિય રસ્તો છે. તમે આ ઘર અમુક સમય માટે ભાડા પર લઈને અહીં રહી શકો છો અને તેમાં જોઈએ તેવો અને જોઈએ તેટલો luxurious વિકલ્પ પસંદ કરી શકો છો! બાકી જો ખરેખર એડવેન્ચરમાં રસ હોય તો કેમ્પીંગ! ઘણાં બધાં વિસ્તારોમાં  જંગલમાં  કેમ્પીંગ કરવાની છૂટ મળે છે. તમે ‘કેમ્પ સાઈટ્સ’ ભાડે લઇ શકો અને ત્યાં કેમ્પ નાખીને, પોતાનાં ફળ તોડવા, જમવા માટે શિકાર, પોતાનાં લાકડા કાપવાં જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. (મેં હજુ કરી નથી પણ કરવાની ઈચ્છા પૂરેપૂરી છે.)

બસ, હજુ સુધી મે આટલું જ  ફર્યું છે. હજુ આગળ વધુ દૂર દક્ષિણમાં આલ્બની અને એસ્પ્રન્સ સુધી જવાની વાત ચાલી રહી છે. કદાચ જુલાઈનાં પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જશું તેવું અત્યારે તો લાગે છે. પછી જોઈએ આ સંઘ કાશી પહોંચે છે કે નહીં! 

પર્થ – ભૂગોળ અને સંસ્કૃતિ

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ દુનિયાનું સૌથી isolated city છે. અહીંથી નજીકમાં નજીકનું શહેર, એડીલેઈડ અહીંથી ૨૮ કલાકનાં driving distance પર આવેલું છે. અહીંથી મેલ્બર્ન કે સિડની પહોંચતાં જેટલો સમય લાગે, તેટલો જ સમય અહીંથી બાલિ, સિંગાપોર કે મલેશિયા પહોંચતાં થાય છે. અહીંની મોટાં ભાગની વસ્તી ગોરાં અને અહીંનાં મૂળભૂત પ્રાદેશિક લોકો જે ‘એબોરીજીનલ’ તરીકે ઓળખાય છે, તેમનાથી બની છે. એકબીજા સાથે વાત કરતી વખતે આ એબોરીજનલ લોકોનું નામ આપણાં કાઠિયાવાડી ભાઈઓ અને ભાભીઓએ (હા, ભાભીઓ. બહેનો નહીં. અહીં ‘બહેનો’ બહુ આવતી જ નથી. ;) ) ‘એબુડા/એબુડો/એબુડી’ કરી નાંખ્યું છે.

પર્થમાંથી એક મોટી નદી વહે છે – સ્વાન રિવર. તે પર્થનાં ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગ પાડે છે. લોકો પોતે કયા વિસ્તારમાં રહે છે એ પણ ઘણી વખત ‘I live north of the river/ south of the river’ એવી રીતે સમજાવતા હોય છે. પર્થ મેટ્રોપોલિટન એરિયા ‘પર્થ’, ‘ફ્રિમેન્ટલ’, ‘મિડલેન્ડ’, ‘આર્માડેલ’ અને ‘થોર્ન્લી’ જેવાં મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલો છે. પર્થ સિટી સેન્ટરમાંથી કુલ પાંચ ટ્રેન લાઈન નીકળે છે. મેન્જ્યુરા(Mandurah) લાઈન દક્ષિણ તરફ, ક્લાર્ક્સન લાઈન ઉત્તર તરફ, મિડલેન્ડ લાઈન ઉત્તર-પૂર્વ તરફ, ફ્રિમેન્ટલ લાઈન દક્ષિણ પશ્ચિમ તરફ અને આર્માડેલ/થોર્ન્લી લાઈન દક્ષિણ પૂર્વ તરફ. આમ મેન્જુરા અને ક્લાર્ક્સન એક પાટાનાં બે છેડે આવેલા છે. મેન્જુરાથી સિટી ૭૦ કિલોમીટર અને અને સિટીથી ક્લાર્ક્સન ૩૭ કિલોમીટર થાય છે. તે જ રીતે ફ્રિમેન્ટલ અને મિડલેન્ડ એક પાટાનાં સામા છેડે આવેલા છે. સિટીથી બંને લગભગ ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવે છે. અર્માડેલ, મિડલેન્ડ અને થોર્ન્લીમાં સૌથી વધુ એબોરીજીનલ લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. મારાં કોઈ મિત્રો કે ઓળખીતા ત્યાં રહેતા નથી.

કહે છે કે, એક સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પર્થ અને ફ્રિમેન્ટલમાંથી પાટનગર કોને બનાવવું તે વિશે બહુ મોટી ચર્ચા ચાલી હતી. આમ તો ફ્રિમેન્ટલ પર્થથી ફક્ત ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. પણ, ફ્રિમેન્ટલમાં આવો ત્યારે પર્થથી ખૂબ દૂર આવી ગયા હોઈએ તેવું લાગે. ફ્રિમેન્ટલની પોતાની અલગ ઓળખ અને રીત-ભાત છે. ઉત્તર અને દક્ષિણ પર્થ એ મુખ્ય રહેવાસનાં વિસ્તારો છે. જેમ વધુ ને વધુ આગળ ઉપર ઉત્તર તરફ તથા નીચે દક્ષિણ તરફ જતાં જઈએ તેમ મકાનો છૂટાં-છવાયા જોવા મળે. પુષ્કળ નવું બાંધકામ થતું જોવા મળે અને મોડર્ન આર્કિટેક્ચર જોવા મળે.

પર્થનાં દરિયાકિનારા મને ખૂબ ગમ્યાં છે. જો કે, પ્રાકૃતિક રીતે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ખૂબ સુંદર છે. એ વિશે મને કોઈ જ આશ્ચર્ય નથી કારણ કે, મારાં મતે જેમ ઓછા માણસો તેમ પ્રાકૃતિક સુંદરતા વધુ હોવાની. પર્થથી જેમ વધુ દક્ષિણે જતાં જાઓ તેમ બંબરી અને માર્ગરેટ રિવરનાં વિસ્તારો બહુ જ સુંદર છે! સાંભળ્યું છે કે આલ્બની અને એસ્પ્રેન્સ જેવાં વિસ્તારો તો તેનાંથી પણ ચડે તેવા છે. એ જ રીતે મૂર રિવર પણ ખૂબ સુંદર જગ્યા છે. પણ, ત્યાં જવાનો હજુ મેળ પડ્યો નથી.

બિયર અને આળસ અહીંની સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ છે. લગભગ બધી જ જગ્યાઓ રાત્રે ૯ પછી બંધ થઇ જાય છે. જો ૧૦એક વાગ્યા પછી બહાર નીકળીને કશું કરવાનું મન થાય તો ફિલ્મ જોવા જઈ શકો, શુક્ર-શનિવારે ક્લબ કે પબમાં મિત્રો સાથે જઈ શકો અને કંઈ ખાવાનું મન થાય તો સૌથી નજીકમાં નજીક કોઈ ૨૪x૭ મેક્ડોનલ્ડ્સ હોય ત્યાં જઈ શકો અથવા આલ્બની હાઈ-વે પર અમુક ૨૪ કલાક ખુલી રહેતી ખાવા પીવાની જગ્યાઓ છે ત્યાં જઈ શકો. બાકી રાત્રે દરિયાકિનારે જઈ શકો. પણ, ઠંડીમાં તો ત્યાં પણ ન જઈ શકો કારણ કે, પર્થમાં ઠંડી સાથે વરસાદ પડે અને દરિયાકિનારે તો બહુ જ પવન ફૂંકાય એટલે વધુ ઠંડી લાગે.

આખા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં ગમે તે ખૂણે તમે રહેતાં હો, તમારે હાયર એજ્યુકેશન માટે પર્થ જ આવવું પડે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કુલ પાંચ યુનિવર્સીટી છે. ‘મર્ડોક’, ‘કર્ટિન’, ‘યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા’, ‘એડીથ કોવન’ અને ‘નોત્રે દામ’. આ પાંચે પર્થમાં છે. ‘નોત્રે દામ’ સિવાયની ચાર યુનિવર્સીટીનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બાકીનાં પણ ઘણાં લોકો ‘નોત્રે દામ’ને માન નથી આપતાં. યુનિવર્સીટીનો દરજ્જો પણ નથી આપતાં. કારણ એ કે આ એક જ એવી યુનિવર્સીટી છે જ્યાં પૈસા આપીને તમે ગમે તે કોર્સમાં દાખલ થઇ શકો. બાકી બધી યુનીવર્સીટીમાં એડમિશન લેવા ફક્ત જે-તે કોર્સને લગતું મેરિટ જ કામ લાગે છે. ‘પેઈડ સીટ’ જેવી કોઈ વસ્તુ નથી. મર્ડોક પાસે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની એકમાત્ર ‘વેટરનરી સ્કૂલ’ છે.ખાણકામ (mining) પછી અભ્યાસ એ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો નાણાકીય સ્ત્રોત છે.