તૈયારી

ઓસાકા, જાપાન

ગુરુવારે મેં તાબડતોબ મારું કામ આટોપ્યું. શુક્રવારે મેં નવી કંપનીનાં વકીલો પાસેથી મારાં વિઝા સંબંધી કાગળ એકઠાં કર્યાં અને ટ્રાવેલ સંબંધી થોડી ખરીદી કરી. એ આખું અઠવાડિયું ખૂબ પ્લાનિંગ અને દોડાદોડીમાં વીત્યું હતું એટલે નવી જગ્યાએ ટ્રાવેલ કરવાનો ઉત્સાહ જાણે મરી ગયો હતો. એટલે ચારેક વાગ્યા આસપાસ બધું બહારનું કામ પત્યા પછી જરા મૂડમાં આવવા માટે મેં પૅડિક્યોર કરાવ્યું અને પછી ઘરે પહોંચીને થોડું ઘણું પૅકિંગ કર્યું. પૅકિંગમાં જરા વિચારીને કરવું પડે તેમ હતું. મારે ફક્ત એક હૅન્ડ બૅગ લઇ જવી હતી જેથી જપાનમાં અંદર મુસાફરી કરવામાં સરળતા રહે અને મારે બધે બે-ત્રણ બૅગ ખેંચી ખેંચીને ન ફરવું પડે. જાપાનમાં હું કુલ પંદર દિવસ માટે રહેવાની હતી. ઓસાકા ચાર દિવસ અને પછી ટોક્યોમાં ઓછામાં ઓછા પાંચ દિવસ. એટલે ટોક્યોમાં ક્યારેક કપડાં ધોઈ શકાય એ ગણતરીએ મેં સાત દિવસનાં કપડાં લેવાનું નક્કી કર્યું. બે જીન્સ રિપીટ કરવાનાં અને પાંચ-છ જૂદા જૂદા ટી શર્ટ, લૅપટૉપ, ફોન અને નાની બૉટલોમાં થોડો નહાવા ધોવાનો સામાન બસ. એ રાત્રે અમે અમારાં જાપાન-નિવાસી મિત્ર આશુ અને તેની પત્ની સાથે ઓસાકા પછીનાં પ્લાન માટે વાત કરવી શરુ કરી. ત્યારે અમને જાપાન રેલ પાસ વિષે માહિતી મળી.

જાપાન રેલ પાસ (જે-રેલ પાસ) – ટૂરિસ્ટ માટે જાપાનની સરકારે આ પાસની યોજના કરી છે. તમે એક સમયે સાત દિવસ અથવા ચૌદ દિવસ માટે આ પાસ ખરીદી શકો. સાત દિવસ માટે ખરીદો તો લગભગ અઢીસો ડૉલર અને ચૌદ દિવસ માટે લગભગ સાડા ચારસો ડૉલરમાં આ પાસ મળે.એ પાસ સાથે તમે નિર્ધારિત સમય માટે ‘જાપાન રેલ (JR)’ દ્વારા સંચાલિત તમામ લોકલ ટ્રેન અને મોટાં ભાગની બુલેટ ટ્રેન (શિન્કાનસેન)માં કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના મુસાફરી કરી શકો. આ પાસ સાથે તમારે JR અને અમુક બુલેટ ટ્રેન્સની ટિકટ લેવા માટે અટકવું ન પડે. તમે એ બંનેનાં સ્ટેશન્સ પર ફક્ત તમારો પાસ દેખાડીને ફટાફટ આવ-જા કરી શકો. જાપાનમાં અંદર ફરવાનો સૌથી સરળ અને પ્રચલિત રસ્તો તેમની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એટલે આ પાસ લેવાથી એક ટૂરિસ્ટ તરીકે મને ઘણો લાભ થાય. લાંબા સમય સુધી એવું હતું કે, આ પાસ તમને જાપાન સિવાયનાં દેશોમાં અમુક ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી જ મળે. જાપાન પહોંચ્યા પછી એ પાસ મેળવવો એટલે લોઢાનાં ચણા ચાવવા જેવું કામ. ઓનલાઇન અમુક વેબસાઈટ પરથી એ પાસ મળે પણ એ તમારાં યુનાઇટેડ સ્ટેટ્સનાં એડ્રેસ પર જ પોસ્ટમાં આવે. તેની તત્કાલ ડીલીવરી પણ ઓછામાં ઓછા બે દિવસ પછી જ મળે.

મારા માટે એ પાસ મળી શકે તેનાં તમામ રસ્તા જાણે બંધ થઇ ગયા હતાં. શુક્રવારની રાત પડી ગઈ હતી અને શનિવારે અગિયાર વાગ્યાની તો મારી ફલાઇટ હતી. અમે જોયું તો એક લોકલ ટ્રાવેલ એજન્ટ જે જાપાન રેલ પાસ વેંચતો હતો, તેની ઓફિસ શનિવારે બંધ રહેતી હતી. સેમ મારા માટે પાસ લાવી શકે તેમ નહોતો કારણ કે, જાપાન પહોંચતાં સાથે જ ઍરપોર્ટ પર એ પાસ ઍક્ટિવેટ કરાવવો પડે જેનાં માટે મારાં પાસપૉર્ટની જરૂર પડે, જે તેની પાસે હોય નહીં. વળી શિન્કાનસેનની ઓસાકાથી ટોક્યો સુધીની એક મોંઘી મુસાફરી – જેનાં માટે મને આ પાસ કામ લાગે, એ તો મારે સેમનાં આવ્યાં પહેલાં જ કરવાની હતી. મને થયું મર્યા! મેં મારાં અમુક મિત્રોને આ વિષે વાત કરી. તેમાંનાં એકે મને એક વેબસાઈટ બતાવી જેનાં પરથી હું જાપાન રેલ પાસ ખરીદી શકું અને એ મને જાપાનમાં મારી પસંદગીની હૉટેલ પાર એ પાસની ડિલિવરી આપે. આ રસ્તો અમને સૌથી યોગ્ય લાગ્યો એટલે મેં તેનાં પરથી મારો પાસ લેવાનું શરુ કર્યું. ક્રેડિટ કાર્ડ ડીટેલ નાંખીને ખરીદી પૂર્ણ કર્યા પછી ફાઇનલ પેજ, જેનાં પર મને કન્ફર્મેશન મળવું જોઈએ એ પેજ પર મને 404 Error મળી.

મેં ઈ-મેલ ચેક કર્યો તો ત્યાં પણ કોઈ કન્ફર્મેશન નહોતું આવ્યું. એટલે મને થયું મારાં બ્રાઉઝરનાં ઍડ બ્લૉકર અને નોન-ટ્રેકર પ્લગિન ઘણી વખત થોડી બગવાળી વેબસાઈટ પર અમુક માહિતી અને સ્ક્રિપ્ટ્સ સરખી રીતે લોડ નથી કરતાં હોતાં. એટલે મેં મારાં ડીફોલ્ટ બ્રાઉઝરનાં બદલે એક અલગ બ્રાઉઝર પર ટિકિટ ખરીદવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ ફર્ક ન પડ્યો. પણ એ જ એરર આવી અને કોઈ કન્ફર્મેશન ન આવ્યું. મેં સૌથી પહેલાં મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કર્યું અને કન્ફર્મ કર્યું કે, મારાં કાર્ડ પાર કોઈ ચાર્જ નથી આવ્યો. મને મારી જ મૂર્ખામી પર થોડો ગુસ્સો આવ્યો કે, ટેકનિકલી આટલી જાણકાર હોવા છતાં એ પાસ મેળવવાની આપાધાપીમાં મેં એ વૅબસાઇટ વિષે ઇન્ટરનેટ પર કોઈ શોધખોળ કર્યાં વિના, ફક્ત એક ભરોસાલાયક મિત્રએ વેબસાઈટ સજેસ્ટ કરી હતી એટલે તેનાં પર ભરોસો કરી લીધો. જે-રેલ પાસનું મિશન મેં ત્યાં જ આટોપ્યું અને જાપાન જઈને જે કઈં થઇ શકે એ કરવું બાકી છોડી દેવું એમ નક્કી કર્યું.

શનિવારે સવારે એરપોર્ટ પહોંચીને હું સિક્યોરિટી ચેકની લાઈનમાં ઊભી હતી. બાકીનાં બધાં કામ પતી ગયા હતાં અને હું બિલકુલ રિલેક્સ્ડ હતી એટલે મગજ થોડું સારું ચાલી રહ્યું હતું. મને વિચાર આવ્યો કે, ફરીથી એક વખત મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કરી લેવું જોઈએ અને જોવું જોઈએ કે, પેલી વેબસાઈટ પરથી કોઈ ચાર્જ નથી આવ્યો. મેં જોયું તો તેનાં પાર સાડા ચારસો ડૉલરનાં બે પેન્ડિંગ ચાર્જ આવી ગયા હતાં અને બંનેની વિગતોમાં ‘જાપાન રેલ પાસ’ લખેલું હતું. મેં તરત જ બૅન્કમાં ફોન કર્યો અને કસ્ટમર સર્વિસ પરની સ્ત્રીને જણાવ્યું કે, આ બંને ટ્રાન્ઝેક્શન ફ્રોડ છે અને તેનું પ્રોસેસિંગ તરત જ રોકવાની વિનંતી કરી. એ સ્ત્રીએ મને જણાવ્યું કે, આવતા 24થી 48 કલાકમાં એ ટ્રાન્ઝેક્શન મારાં અકાઉન્ટમાંથી ચાલ્યા જવા જોઈએ. મેં તેની સાથે બે-ત્રણ વાર એ વાત કન્ફર્મ કરી કારણ કે, ધારો કે કઈં થાય અને બેન્ક મને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો મારો ફોન નંબર તો જાપાનમાં ચાલુ ન હોય. તેણે મને ફરી ફરીને ખાતરી આપી કે, 24થી 48 કલાકમાં મારું કામ થઇ જશે એટલે મને થોડી ધરપત થઇ. ઓસાકાની ફલાઇટમાં બેસતાં સાથે જ મને થોડી નિરાંત થઇ અને મેં મૂવીઝ જોઈને બાર કલાક વિતાવ્યાં. મારાં જાપાનનાં મિત્રોએ મારાં માટે એક બહુ સારુ કામ કર્યું હતું અને મારી હૉટેલને ફોન કરીને તેમની ઍરપોર્ટથી હોટેલ સુધી પહોંચવા માટેની વ્યવસ્થાઓ જાણી લીધી હતી. કાન્સાઈ ઍરપોર્ટથી સવા કલાકની એક ટ્રેન લઈને મારે ઓસાકા સ્ટેશન પહોંચવાનું હતું. ઓસાકા સ્ટેશનની ‘સાકુરા-બાશી’ એક્ઝિટ પર મારી હૉટેલની કૉમ્પ્લિમેન્ટરી શટલ બસ લઈને હોટેલ પહોંચવાનું.

સાંજે સાડા ચાર આસપાસ મારી ફલાઇટ લેન્ડ થઇ. એરપોર્ટ પહોંચીને સૌથી પહેલું કામ મેં જે-રેલ પાસ વિષે તપાસ કરવાનું કર્યું. મને આરામથી જે-રેલ પાસનું કાઉન્ટર મળ્યું જયાં પાસપોર્ટ દેખાડીને હું આરામથી ચૌદ દિવસનો પાસ ખરીદી શકી. ત્યાં જ પાસ એક્ટિવેટ પણ થઇ ગયો અને તેણે મને ઓસાકા સ્ટેશન પહોંચવાનો રસ્તો પણ જણાવ્યો. પાસ કાઉન્ટરથી બહાર નીકળતાં જ બરાબર સામે JR સ્ટેશન હતું જયાંથી મારે ઓસાકાની ટ્રેન લેવાની હતી. જે-રેલ પાસ બતાવીને સહેલાઇથી હું અંદર પહોંચી અને યોગ્ય ટ્રેન પકડીને ઓસાકા તરફ પ્રયાણ કર્યું.