ટોક્યો – એક ફિનૉમિનન

જાપાન, ટોક્યો, નિબંધ

આપણે ટોક્યો-યાત્રામાં, જાપાન-યાત્રામાં એક માઇલસ્ટોન પર પહોંચી ગયા છીએ એટલે અહીં મારે એક નિબંધ-વિરામ લેવો પડશે કારણ કે, ટોક્યો ફક્ત એક શહેર નથી, એક ફિનૉમિનન* છે. હું માનું છું કે, જાપાન અને ખાસ ટોક્યોનો જાદૂ શબ્દોમાં ઢાળી શકવા માટે જાપાનની સંસ્કૃતિ, સમાજ અને ઇતિહાસ વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. જો એ સમજ્યા વિના કે યાદ રાખ્યા વિના ટોક્યો જોવામાં આવે કે, તેનાં વિષે વાત કરવામાં આવે તો એ શહેર અને એ દેશ ‘વિચિત્ર’ શબ્દની મર્યાદિત વ્યાખ્યામાં સીમિત રહી જાય. હું જાપાન, સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસનાં વિષયમાં નિષ્ણાત તો બિલકુલ નથી પણ, ઐતિહાસિક તથ્યો, મારા નિરીક્ષણ, કલ્પનાશક્તિ અને દુનિયાની મારી મર્યાદિત સમજણ પરથી અમુક તારણ કાઢી શકી છું. એ લેન્સથી ટોક્યો અને જાપાનને જોઉં છું તો એ મને અદ્ભુત લાગે છે!

જાપાન પ્રાચીન અને અર્વાચીનનાં અંતિમોમાં બંટાયેલો દેશ છે. આજની તારીખે જોવામાં આવે તો તેનાં ઇતિહાસને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય – વર્લ્ડ વૉર 2 પહેલાનું જાપાન અને વર્લ્ડ વૉર 2 પછીનું જાપાન. વર્લ્ડ વૉર અને ખાસ તો પેલા બે ન્યુક્લીયર બૉમ્બ જાપાન માટે ભયંકર વિનાશક ઘટના હતી. આ જ સમયગાળામાં ભારતને પણ આઝાદી મળી હતી. 1945 પછી 6 વર્ષ સુધી જાપાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને એલાઇડ ફોર્સીસનો કબ્જો અને વર્ચસ્વ રહ્યું હતું. આ સમયગાળામાં જાપાનને લોકશાહી બનાવવામાં આવી, જાપાનીઝ સ્ત્રીઓને પશ્ચિમની સ્ત્રીઓ જેટલાં અધિકાર આપવામાં આવ્યા, જાપાનની યુદ્ધ-શક્તિ ખતમ કરવામાં આવી વગેરે ઘણું બધું થયું. 1951 પછી અમુક બાબતોમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં ચંચૂપાતને બાદ કરીને મોટે ભાગે જાપાનને તેની નિયતિ પર છોડવામાં આવ્યું.

એક અભ્યાસ પ્રમાણે 1958થી 1968 સુધીનાં વર્ષોમાં અમેરિકા સાથેનાં જાપાનનાં સંબંધોને કારણે જાપાનની ઇકૉનોમીને ઘણો ફાયદો થયો. પણ, એ ફાયદો ત્યારે થયો જ્યારે એક આખી પેઢીએ દેશનાં નવનિર્માણમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું. શ્રી વર્ષો પહેલા એક ફૅક્ટરીમાં કામ કરતી હતી જ્યાં તેની મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કે તેનાં થોડા જ સમય પછી જન્મેલા વૃદ્ધો સાથે થઇ હતી. એ કહે છે કે, જમવા અને ઊંઘવા સિવાયનો લગભગ આખો સમય એ લોકો ફૅક્ટરીઓમાં કામ કરતા. ફૅક્ટરીમાં કામ કરતી મહિલાઓએ એક દિવસ નક્કી કર્યો અને એ દિવસે ફેક્ટરીનાં પુરુષ કર્મચારીઓએ સ્ત્રી કર્મચારીઓ સાથે લગ્ન કરી નાંખ્યાં. કારણ કે, ફૅક્ટરી બહાર એ લોકોનું સામાજિક જીવન લગભગ અસ્તિત્ત્વ જ નહોતું ધરાવતું. એ સાંભળતા લાગે કે, પ્રેમ, રોમૅન્સ વગેરે – જેને આપણી એક આખી પેઢી અનિવાર્ય માને છે – તે જીવનનાં એ લટકણિયાં છે, જેનાં વિષે એ જ વિચારી શકે છે જેને પેટ માટે મજૂરી ન કરવાની હોય.

અનુશાસન જાપાનની પ્રજાનાં લોહીમાં છે, આ હકીકત આપણે અનેક લોકો પાસેથી અને કિતાબોમાંથી હજારો વખત સાંભળેલી છે. આ ગુણનાં વખાણ સાંભળેલાં છે. અનુશાસનનો એક મતલબ એ છે કે, ત્યાંની વર્કફોર્સ એટલી વ્યવસ્થિત અને મેથડિકલ છે કે, સમય અને સાધનોનો વ્યય નહિવત છે, ઉત્પાદન ખૂબ છે અને અર્થવ્યવસ્થા મજબૂત છે – એ બધું જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અનુશાસનનો બીજો મતલબ એ છે કે, ત્યાંનું જીવન એટલું બધું પૂર્વનિશ્ચિત છે કે, તમે જન્મો ત્યારથી તમે મરો ત્યાં સુધી તમારે કયા પ્રકારનું જીવન જીવવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું એ બધું જ તમારા માટે નક્કી થઇ ગયેલું છે. તેનું એક ઉદાહરણ છે રોજીંદા જીવનમાં ચપ્પલ કઈ રીતે ગોઠવવાં તેનાં નિયમો, જે કોઈ પણ બાળક સામજણું થાય ત્યારથી જ અનુસરવા લાગશે. સ્ત્રીઓ દશકોથી વર્કફોર્સમાં હોવા છતાં આજે પણ કોઈ પણ કામ માટે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. લગ્ન કર્યા પછી પોતાનાં કામ અને ઘરની અને બાળકોની તમામ જવાબદારીઓ ફક્ત સ્ત્રીઓનાં માથે આવે છે. નોકરીઓમાં બ્યુરોક્રસી અને હાયરરકીનાં કારણે તણાવનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને ઇનોવેશન ઘટતું ચાલ્યું છે. આ અને આવાં અનેક કારણોસર જાપાનમાં લગ્નનું પ્રમાણ ઘટી ગયું છે અને સાલ 2011થી આબાદી દિવસે ને દિવસે ઘટતી જાય છે.

જાપાનનાં સમાજ માટે ‘વિવિધતા’ અને ‘વિચિત્રતા’માં કોઈ ફર્ક જ નથી. જો પૂર્વનિર્ધારિત ઘરેડમાં, નિયમો પ્રમાણે ન જીવો તો તમે સામાજિક રીતે એક બહિષ્કૃત જીવન જ જીવો. સમાજમાં કોઈ પણ પ્રકારનાં વૈવિધ્ય બાબતે સહિષ્ણુતા ન મળે. આધ્યાત્મિકતા તો લગભગ અસ્તિત્ત્વ જ નથી ધરાવતી. તો પછી જીવનનો મતલબ શું? ઉત્પાદન અને ભોગ – production and consumption. આ પેલાં અનુશાસનવાળાં સિક્કાની એ બાજુ છે જેનાં વિષે ભાગ્યે જ વાત કરવામાં આવે છે.

જાપાનનાં શહેરો ઉત્પાદન અને ભોગનાં મશીન હોય તેવું લાગે. ત્યાંનાં દરેક મોટા શહેરમાં દરેક મોટાં ટ્રેન સ્ટેશન પર અને ઠેકાણે ઠેકાણે મહાકાય શૉપિંગ-મૉલ્સનું સામ્રાજ્ય છે. દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જે જાપાનમાં નહીં મળતી હોય. જીવનની દરેક સમસ્યા અને દરેક સુવિધા માટે પ્રોડક્ટ્સ છે અને સતત એ પ્રોડક્ટ્સ ખરીદનારું માર્કેટ છે. શહેર જેટલું મોટું, શૉપિંગ મૉલ્સ તેટલાં વધારે અને તેટલાં મોટાં. ટોક્યોની આંખો આંજી નાંખે તેવી નિયોન લાઇટ્સ આનું પ્રમાણ છે.

જ્યાં પણ કોઈ એક ફોર્સનો અતિરેક થાય ત્યાં તેને સંતુલિત કરતાં વિરોધી તત્ત્વવાળી કળાનો જન્મ થયા વિના રહે નહીં. જાપાનનાં અનુશાસન અને નિયંત્રણોનાં અતિરેકમાંથી જ એક આખું ઑલ્ટર્નેટ ક્લચર (alternate culture) ઊભું થઇ ગયું છે. આ સંસ્કૃતિ ત્યાંની પરંપરાગત જીવનશૈલીનાં વિરોધી અંતિમ પર બનેલી છે અને તેનું કેન્દ્ર છે ટોક્યો. આ અંતિમમાંથી જન્મ થયો છે જાપાનીઝ મૅન્ગા (manga) અને ઍનિમે (anime) કૉમિક્સનો, પ્રખ્યાત વીડિયો ગેમ્સ અને ગેમ કંપનીઝનો, ખૂબસૂરત એનિમેશન્સનો – સ્ટૂડીયો ધીબલીનો, જાપાનની એક સમય સુધી કટિંગ એજ ગણાતી ટેક્નોલૉજી અને અફલાતૂન રોબોટ્સનો, મેક-અપ લાઇન્સનો, જે-પૉપ (જાપાનીઝ પૉપ મ્યુઝિક)નો જાપાનીઝ પોર્નનો, હારૂકી મુરાકામીનો અને આ દરેક વસ્તુની આસપાસ ફરતી જીવનશૈલી અને માર્કેટ્સનો.

જાપાનની કોઈ સ્ત્રી મેક-અપ વિના કદાચ ઘરની બહાર પગ પણ નહીં મૂકતી હોય. એક આખો યુવાવર્ગ છે જેનું સામાજિક જીવન વીડિયો ગેમ્સ પૂરતું સીમિત છે. અમુક છોકરીઓ અને સ્ત્રીઓ ઢીંગલીઓ તરીકે જીવે છે – રોજ ઢીંગલીઓ જેવાં કપડાં અને મેકઅપ પહેરે છે અને તેમનાં પરિવારોએ તેમની આ જીવનશૈલી સ્વિકારી લીધી છે. કાર્ટૂન કેરેક્ટર્સ અને કૉમિક કૅરેક્ટર્સનાં ઠેકાણે ઠેકાણે સ્ટોર્સ છે – પોકેમોન, હૅલો કિટી, ડોરેમોન, મારિઓ, તોતોરો વગેરેનાં બ્રાન્ડ સ્ટોર્સ તો છે જ અને તેનાં બ્રાન્ડિંગવાળી હજારો વસ્તુઓ ઠેકઠેકાણે ઉપ્લબ્ધ છે. ટોક્યોની વચ્ચે આકીહાબારામાં જૂની, નવી ટેક્નોલોજી અને કૉમિક્સની દુકાનોની લાઇન્સ છે અને એ જ વિસ્તારમાં આવેલો છે સાત માળનો એક ઍડલ્ટ સ્ટોર!

ટોક્યોમાં ઠેકઠેકાણે pet cafes છે – તમે પાળીતા પશુ-પક્ષીઓવાળા કૅફેમાં બેસીને તમારું પસંદીદા પીણું માણી શકો છો દા.ત. કૅટ કૅફે, ડોગ કૅફે, શીબા ઇનુ (કૂતરાની એક ઇન્ટરનેટ-ફેમસ જાપાનીઝ જાત) કૅફે, આઉલ કૅફે, બન્ની રેબિટ કૅફે, બર્ડ કૅફે વગેરે. themed bars છે – સમુરાઇ થીમ્ડ, જેલ થીમ્ડ, સૂમો થીમ્ડ, રોબોટ થીમ્ડ, હોરર થીમ્ડ, સાયન્સ થીમ્ડ વગેરે. એવું નહીં કે, થીમવાળું ફક્ત ડેકોરેશન હોય, જાપાનનો પ્રખ્યાત (કે કુખ્યાત) ગુણ – attention to detail અહીં પણ જોવા મળે. તમને આપવામાં આવતાં વાસણથી માંડીને વેઈટરનાં આઉટફિટ અને કાફૅનાં આર્કિટેક્ચર અને લાઇટિંગ સહિત બધું જ થીમ પ્રમાણે ચાલે એટલે એ થીમનો એક આખો માહોલ ઊભો થઇ જાય. એ ઉપરાંત છે મેઇડ કૅફેઝ – ટીનેજર અને વીસ વર્ષ આસપાસની ઉંમરની છોકરીઓ ફ્રેન્ચ મેઇડ, પોલિસ વગેરે કૉસ્ચ્યુમ પહેરીને રેગ્યુલર કૅફેમાં મળતી ખાવા પીવાની વસ્તુઓ સર્વ કરે અને એકદમ હાયપર રીતે ઊછળી-કૂદીને અવાસ્તવિક વાત કરે. આ બધું જોઈને તમે વિચારમાં પડી જાઓ કે, ક્યા ભેજામાં આવા વિચાર આવતાં હશે!

અને આ જ શહેરમાં દેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે મેઇજી જિંગૂ અને સેન્સોજી જેવાં મંદિર, જાપાનનાં મહારાજાનો મહેલ અને તેનો વિશાળ શાંત બગીચો, દુનિયાની ઉત્તમમોત્તમ ટ્રેન વ્યવસ્થા. આ જ દેશમાં આવેલાં છે દુનિયાનાં સૌથી સુંદર મંદિરો, માઉન્ટ ફૂજી અને તેની આસપાસની ખૂબસૂરતી, નારા જેવાં નાના શહેર, મોટા ભાગનાં લોકોની વિનમ્ર, શિષ્ટ જીવનશૈલી અને આખા દેશને ગુલાબી રંગમાં રંગતી સાકુરા ફૂલોની ઋતુ!

જાપાન વિરોધાભાસનો દેશ છે. તેનાં કોઈ એક ભાગને જરૂર કરતાં વધુ મોટો બનાવીને તેનાં જ ગુણગાન ગાયે રાખવા કે પછી કોઈ બીજાં ભાગની જ વાત કરીને તેને વખોડ્યા કરવું, બંને મુર્ખામી છે. આ બધું સહઅસ્તિત્ત્વ ધરાવે છે.


* ગુજરાતી લૅક્સિકોન ડિક્શનરીમાં ફિનૉમિનનનો અર્થ – દૃશ્યમાન વસ્તુ, બીના કે ઘટના, અસાધારણ વ્યક્તિ, વસ્તુ અથવા ઘટના, આશ્ચર્ય, હરકોઈ ઇન્દ્રિયગમ્ય બાબત.