સૌરભ સાથે આગલી રાતે વધુ પડતી લાગણીઓમાં તણાઈને થયેલી ચર્ચા-વિચારાણાનો અંત એક નિર્ણય – ઓનલાઇન ડેટિંગને એક ચાન્સ આપવો અને તેનાં અમલમાં આવ્યો હતો. એવું કંઇક હતું જે મારા મનમાં મહિનાઓથી (બા ગુજાર્યાનાં બે-ત્રણ દિવસ પછીથી) ઘૂંટાઈ રહ્યું હતું પણ, હું લગભગ ત્રણ મહિના સુધી એ બાબતે કોઈ નિર્ણય નહોતી શકી.સૌરભે વધુ મંતવ્યો આપ્યા વિના, ફક્ત મને સાંભળીને મારાં પોતાનાં જ વિચારોની ગુથ્થી સુલઝાવવામાં મદદ કરી હતી. જો કે, મેં શું કરવું અને શું નહીં નક્કી કર્યા પછી પણ તેનાં પડઘા પછીનો આખો દિવસ મારાં મનમાં પડતા રહ્યા હતાં. તેનું એક કારણ લાંબી બસ-મુસાફરી પણ હતું. એ દિવસે અમે ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ ગયા હતાં. ટોરોન્ટોથી નાયગ્રા જતાં લગભગ દોઢ-બે કલાક થતી હોય છે. પણ, એ દિવસે વરસાદનાં કારણે અઢી કલાક થઇ હતી.
રાબેતા મુજબ સવારે અગિયાર વાગ્યા આસપાસ ઊઠીને, બસ અને ટ્રેન બદલીને અમે સિટી સેન્ટર પહોંચ્યા અને રેહાનાની રાહ જોવા લાગ્યા. એ તેનું કામ પતાવીને અમને ટ્રેન સ્ટેશન પર મળવાની હતી. એ લગભગ પંદર મિનિટ પછી આવી પછી અમે ફરીથી ટ્રેન પકડી અને બે સ્ટોપ પછી ઉતરીને નાયગ્રા તરફ જતી બસ પાસે પહોંચ્યાં. ત્યાં પહોંચીને રેહાનાને કૉફી લેવાનું મન થયું અને મોડું થાય તો અમારી બસ છૂટે તેમ હતી એટલે એ દોડીને તેની કૉફી લેવા ગઈ. એ પાંચ મિનિટ જાણે મને થોડો શ્વાસ લેવા મળ્યો અને શું ચાલી રહ્યું છે એ મગજમાં પૂરું ઉતારવા મળ્યું. સૌરભનાં કહ્યા પ્રમાણે એ બંને હવે ફક્ત મિત્રો હતાં પણ રેહાનાની રીત-ભાત આડકતરી રીતે પણ સૌરભને હજુ પણ બોયફ્રેન્ડ તરીકે જ સંબોધતી હતી અને એ મારાં માટે ઓકવર્ડ હતું. એ ઓકવર્ડનેસ તેમનું સમીકરણ શું હતું એ બાબતે નહીં પણ હું એ વિશે તેને કંઈ કહી શકું તેમ નહોતી એ બાબતે હતી.
અમે નાયગ્રા ટાઉનમાં પહોંચ્યા ત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ હતો અને સૌરભને અફસોસ થતો હતો કે, વરસાદ એ જ રીતે ચાલુ રહ્યો તો નાયગ્રા ફોલ્સ જોવાની અમને મજા નહીં આવે અને એ દિવસનો વેધર-ફોરકાસ્ટ તેણે ફરીથી કેમ ન જોયો. અમે સૌથી પહેલું કામ એક સ્ટોરમાંથી છત્રીઓ લેવાનું કર્યું. એક છત્રી તો દસ જ મિનિટમાં કાગડો પણ થઇ ગઈ. પછી અમે અડધા ભીંજાતા, અડધા કોરા ધોધ તરફ ગયાં. એ તરફ જતાં રસ્તામાં એક સ્કાય ટાવર અને તેનું રિવોલ્વિંગ રેસ્ટોરાં આવતાં હતાં.સૌરભનો વિચાર અમે ત્યાં ડીનર કરીએ તેવો હતો એટલે યાદ રાખીને એ પહેલાં બુકિંગ કરાવવા ગયો. સાડા આઠ પહેલાં કોઈ જગ્યા ખાલી નહોતી એટલે અમારે થોડી રાહ જોવી પડે તેમ હતી. પણ, અમને કોઈ વાંધો નહોતો એટલે તેણે બુકિંગ કરાવી લીધું. પછી ધોધ તરફ આગળ વધતાં રસ્તામાં અમને ક્રિસમસનાં ખૂબ સુંદર ડેકોરેશન જોવા મળ્યાં હતાં. એટલી ઠંડીમાં પણ એ સુંદર લાઈટિંગનો ચાર્મ એટલો હતો કે, અમે ત્યાં ફોટોઝ લેવા માટે રોકાયા, અંધારી રાત અને બ્રાઈટ લાઈટ્સની અછત હોવાથી ફોટોઝ સારા નહીં જ આવે એ જાણતાં હોવા છતાં પણ. ધોધની પાળ સુધી પહોંચતાં તો અમે ઠરી રહ્યાં હતાં.સૌરભે મને યુ.એસ.એની બોર્ડર દેખાડી અને યુ.એસ.એ તથા કેનેડાને જોડતો એક બ્રિજ પણ. ઠંડીને કારણે જો કે, અમે દસ મિનિટથી વધુ ત્યાં રોકાઈ નહોતાં શક્યા. ફરી વરસાદનું જોર વધતાં જલ્દી અમે ફોલ્સની બરાબર સામે એક કાફેમાં ગયાં. મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં ગરમ ક્રોસોન ઓર્ડર કર્યું. પણ, તેમનું અવન નહોતું ચાલતું એટલે ઠંડાથી જ કામ ચલાવવું પડ્યું.
ત્યાંથી નીકળ્યા પછી પણ અમારી પાસે ઘણો સમય બચ્યો હતો ડિનર માટે જઈએ એ પહેલાં. એટલે અમે ત્યાંનાં કસીનોમાં શોપિંગ આઉટલેટ્સ તરફ ગયાં. કપડાંની એક મોટી શોપમાં ઈસ્ટર-ફ્રાઈડેનું સેલ ચાલતું હતું અને બહારથી કંઇક ગમે તેવું નજરે પડ્યું એટલે અમે અંદર ગયાં અને એ એક જ શોપમાં અમે લગભગ કલાક કાઢી. પછી તો તરત જમવા તરફ પ્રયાણ કર્યું સ્કાય ટાવરમાં. અમને સુંદર વિન્ડો-સીટ મળી જેમાંથી બહારનો નજારો બહુ સારી રીતે જોવા મળી શકત. પણ, એ રેસ્ટોરાં પાસે કાં તો ડીમિસ્ટીફાયર હતાં નહીં અથવા તો તેમણે એ ચાલુ નહોતાં કર્યા અને તેનાં કારણે બારીનાં કાચમાં અંદરથી ભેજ જામેલો હતો. અમે વચ્ચે વચ્ચે અમારાં ટેબલ પરનાં એક્સ્ટ્રા નેપકિન વડે કાચ થોડો લૂછી લેતાં એટલે બહાર જોઈ શકીએ. પણ, જમવાનું આવ્યા પછી તો એમ કરતાં પણ થાકી ગયાં. થોડી વાર પછી ભેજ આપોઆપ થોડો ઓછો થવા લાગ્યો એટલે બહાર થોડું થોડું દેખાવા લાગ્યું. જમવાનું આવ્યા પછી દસેક મિનિટમાં જ અમારો વરસાદી દિવસે નાયગ્રા આવવાનો અફસોસ માટી ગયો. અમે ફરતાં-ફરતાં ફરી ધોધ દેખાય એ તરફ પહોંચ્યા હતાં અને ત્યારે ત્યાં આતિશબાજી શરુ થઇ. અને એ નાયગ્રા અમારાં વ્યુમાં રહે બરાબર તેટલો સમય ચાલી એટલે અમે શરૂઆતથી અંત સુધીની વીસેક મિનિટની બહુ સુંદર આતશબાજી જોઈ શક્યા. એ શેનાં માનમાં થયું એ તો અમને ત્રણેને નહોતી ખબર. પણ, જે હતું એ બહુ જ સુંદર હતું.સૌરભે પોતે પણ ઘણી બધી વાર નાયગ્રાની મુલાકાત લીધા છતાંયે એવો નજારો પહેલાં ક્યારેય નહોતો જોયો. અમારો તો દિવસ બની ગયો!
જમીને પછી અમે ઉપરનાં ઓપન હોલમાં ગયાં. ત્યાં હાઈ-સ્કૂલ ફાઈનલ યર બોલ ચાલી રહ્યો હતો છતાં પણ ત્યાં બાલ્કનીમાં જવાની છૂટ હતી એટલે અમે થોડી વાર બાલ્કનીમાં આંટો માર્યો અને પછી કસીનો તરફ પાછાં ફરીને ઘરે જવા માટે તૈયાર થયાં. ત્યાંથી અમે લગભગ અગિયાર વાગ્યે નીકળી શક્યાં અને દોઢ વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યાં. ઘરે પહોંચીને સૌરભ અને મેં થોડી વાર બેઠક જમાવી અને “હવે કાલે તો જલ્દી ઊઠવું જ છે. કાલે છેલ્લો દિવસ છે” નો નિર્ણય કરીને ઊંઘવાની તૈયાર કરવા લાગ્યા. જો કે, બંનેને ખબર જ હતી કે કોઈ અગિયાર પહેલાં ઊઠવાનું નથી.
તા.ક. – એ સાંજે એટલો ભારે વરસાદ અને ભેજ હતો કે, અમારાં નબળાં ફોન કૅમેરા વડે રેસ્ટ્રોંથી નાયગ્રા ફૉલ્સનાં ફોટોઝ જ નહોતાં લઈ શકાયાં એટલે આ પોસ્ટમાં એક પણ ફોટો નથી. :(