રાણકપુરથી જેસલમેર પહોંચતા રાત થઇ ગઈ હતી. લગભગ ૧૦ વાગ્યે અમે જેસલમેર પહોંચ્યા. ડ્રાઈવર અમને સીધો જ પોતાની એક જાણીતી હોટેલ પર લઈ ગયો. ઉદયપુરની હોટેલની જેમ જ એકદમ વ્યવસ્થિત , જૂની હવેલીને રેનોવેટ કરીને બનાવેલી હોટેલ હતી. રૂમ ઓછાં પણ બહુ સુંદર અને અમારા રૂમ ઉપરનાં માળે અગાસી. એ હોટેલમાં ટેરેસ રેસ્ટોરાં હતું એટલે એ કડકડતી રેગિસ્તાનની ઠંડી રાત્રે તો અમે જમવાનું અમારા રૂમમાં જ મંગાવ્યું અને પછી આગલા દિવસની જેમ જ સ્કોચ. પણ, અમે બધાં બહુ થાકી ગયા હતાં અને પછીનાં દિવસે આખો દિવસ રખડીને રાત્રે કેમ્પિંગનો પ્લાન હતો એટલે અડધી કલાક જેટલા સમયમાં તો બધાં પોતપોતાનાં રૂમમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગયા હતાં. બીજા દિવસે સવારે અમે ઊઠ્યા ત્યારે એકદમ ચોખ્ખું આકાશ અને બ્રાઈટ ડે હતો. ટિપિકલ શિયાળાની સવાર અને એ પણ રણમાં એટલે એકદમ જ મહેસૂસ થતી હતી. સવારનાં પ્રકાશમાં એ ટેરેસ રેસ્ટોરાં બહુ સુંદર લાગતું હતું. ત્યાં ટેબલ, કાઉચ, ખુરશી વગેરેનું નાનું પણ એકદમ કોઝી અરેન્જમેન્ટ હતું. એ હોટેલ પછી આગળ કોઈ પ્રકારનું કન્સ્ટ્રકશન નહોતું. અગાસીની પાળીએથી ત્રણ બાજુ ફક્ત રણ જ રણ દેખાય, સામે થોડી જૂની હવેલીઓનાં શિખર દેખાય અને પાછળ તરફ દૂર ક્ષિતિજ પર જૂનું સ્મશાનગૃહ. અગાસીની મુખ્ય રસ્તા પર પડતી બાજુએ, પાળી પર બે લાંબી ગાદીવાળી બેઠકો હતી અને તેનાં પર બેસીને આરામથી અગાસીની પાળીએ હાથ ટેકવી શકાય એવી ગોઠવણ હતી. સવારની રણની ઠંડીમાં સૂર્યપ્રકાશ પણ ત્યાં બેઠા સારી એવી હૂંફ આપતો હતો.
અમે ચારે નાસ્તો કરવા બેઠા ત્યારે એ પાળી પર એક ક્રોકેશિયન (વ્હાઈટ) છોકરી બેઠી હતી. અમે એકબીજાને ગ્રીટ કર્યું અને એકબીજા વિશે થોડું જાણ્યું. એ છોકરી ૧૯ વર્ષની હતી. તેનું નામ એમ્મા. તે એકલી ટ્રાવેલ કરી રહી હતી અને મેલબર્નથી આવી હતી. એ જાણ્યા પછી મારી, મિયા અને એમ્માની સંગત સારી એવી જામી હતી (ઓસ્ટ્રેલિયાની નવાજુની ખણખોદ કરવા બેઠાં!) . એ ભારતમાં આવ્યા પછી સૌથી પહેલા દિલ્લી લેન્ડ થઇ અને પછી જયપુરથી જેસલમેર આવી હતી. તેની પણ એક બહુ રસપ્રદ વાર્તા હતી. એમ્મા અને હું આજ સુધી સંપર્કમાં છીએ. એ હજુ પણ એટલી જ એડવેન્ચરસ છે. (ઇન ફેકટ આ લખું છું ત્યારે સાઈડ બાઈ સાઈડ તેની સાથે વાત પણ કરું છું) છેલ્લા એક વર્ષમાં તેને હું જે ઓળખું છું તેમાંથી ઓછામાં ઓછા છ મહિના તો મને યાદ છે કે, તે ટ્રાવેલ કરી રહી હતી. અમારી ઓળખાણ થયા પછી તે નોર્ધન ટેરીટરીમાં – ડાર્વિન શહેરમાં અને ઉલરુ માઉન્ટન વિસ્તારમાં અને ૩ મહિના જેવું સાઉથ અમેરિકા ફરી આવી છે.
અમે હોટેલથી લગભગ એક જ સમયે નીકળ્યા. પહેલા એક લોકલ એક વાંસળીવાદકનું ઘર જોયું. એ બહુ રસપ્રદ હતું કારણ કે, એ જાતે પોતાની વાંસળીઓ બનાવતા હતાં અને અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તે છીણીથી લાકડા પર કામ કરી રહ્યા હતાં. તેમનાં ઘર અને ઘરનાં ચોગાનમાં ઝાડ અને હીંચકા વગેરે બધું પેલા ગુજરાતીની ટેક્સ્ટ બૂકનાં આદર્શ ગામડાનાં ઘરનું જાણે જીવંત સ્વરૂપ જોઈ લો! ત્યાર પછી સમ રણ સુધી એમ્મા અને અમે સાથે હતાં. રણમાં અંદર સુધી અમે ત્યાંનાં લોકલ માણસો સાથે ઊંટ પર બેસીને ગયા. તેમની પરિસ્થિતિ અને મુશ્કેલીઓની વાતો ખૂબ કપરી હતી. (એ પણ એક બહુ લાંબી વાત છે) રણપ્રદેશનો સૌથી સુંદર અનુભવ મને જેસલમેરમાં થયો. ખાસ તો એટલા માટે કે, જેસલમેર નાનુ છે. મેં ત્યાં બહુ લોકો પણ નથી જોયાં. એ ગામનું એક કેરેક્ટર છે જે રાજસ્થાનનાં અન્ય મોટાં અને પ્રખ્યાત શહેરોમાં મને જોવા નથી મળ્યું. અન્ય સ્થળોનાં મહેલો અને તેની ઝાકઝમાળ બહુ સુંદર છે પણ એ શહેરો સાથે રીલેટ કરવું મુશ્કેલ છે. પણ, જેસલમેરમાં કંઇક એવું છે જે તમને પોતાનાં બનાવી લે છે. એ શહેરની હયાતિ બહુ પ્રસ્તુત અને સાચી લાગે છે, રાજસ્થાનનાં ટિપિકલ મહેલો-કિલ્લાઓના સર-રિયલ ફીલની અપેક્ષાએ તો ખરી જ.
મોડી બપોરે ત્યાંથી એમ્મા અને અમે છૂટા પડ્યાં. અમે લક્ઝરી કેમ્પ પર પસંદગી ઊતારી હતી. જ્યારે, એ ઓલરેડી ત્યાં જઈ આવી હતી અને તેણે તે દિવસ માટે સાદા રફ એન્ડ ટફ પ્રકારનાં કેમ્પ પર પસંદગી ઉતારી હતી. અમે અમારી કેમ્પ સાઈટ પર પહોંચ્યા ત્યારે એકદમ ટ્રેડીશનલ શૈલીમાં દરવાજા પર ઢોલ અને શરણાઈ વાગતાં હતાં અને ટ્રેડીશનલ રાજસ્થાની કપડાંમાં તૈયાર એક સ્ત્રી અને પુરુષ આદર્શ ભારતીય યજમાનની માફક મહેમાનોનાં કપાળ પર તિલક કરીને બધાનું સ્વાગત કરતા હતાં. ઠંડી વધવાની શરૂઆત થઇ હતી. કહ્યા મુજબ અમે અમારા કેમ્પ્સમાં ગયા. બહારથી તદ્દન સાદા લાગતા એ કેમ્પ્સ અંદરથી બહુ સુંદર હતાં. થોડું કાચું કામ કરીને ત્યાં ટોઇલેટ અને બાથરૂમની પણ વ્યવસ્થિત વ્યવસ્થા હતી. ડબલ બેડ, બે-ત્રણ બ્લેન્કેટ વગેરે બહુ સુંદર રીતે ગોઠવવામાં આવ્યું હતું. અમારા ત્યાં પહોંચ્યાનાં એકાદ કલાકમાં જ સાંજ બિલકુલ ઢળવા લાગી હતી. એ અંધકારમાં અમારા કેમ્પમાં રખાયેલા યેલો લેમ્પ બહુ સુંદર એમ્બિયન્સ ક્રિએટ કરતાં હતાં. સાડા સાત વાગ્યાથી કલ્ચરલ પ્રોગ્રામ શરુ થતાં હતાં ત્યારે અમને મધ્યમાં ચોગાનમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. એ ચોગાનની ફરતી બાજુ લંબગોળ આકારે પથરાયેલાં કેમ્પ હતાં અને બરાબર વચ્ચે કલ્ચરલ શો.
અમે અમારી પોણાથી પણ વધુ ભરેલી વોડ્કા અને પોણી ભરેલી બ્લેક લેબલની બોટલ લઈને બહાર ચોગાનમાં આવ્યાં. અમારી બાજુમાં એક વિચિત્ર ભાઈ હતાં. તેને આનંદ સાથે ભારે જામ્યું ‘તું. મને હજુ સુધી ખબર નથી પડી કે, એ લોકો વાત કરતાં ‘તા શું. એ ભાઈ પછી એક મોટું-બધું ૪૦-૫૦ વર્ષની આસપાસની ઉમરનાં અંકલ્સ અને આંટીઝનું ગ્રૂપ હતું. શરૂઆતમાં અમારા સહિત થોડાં લોકો ત્યાં હતાં અને ધીમે ધીમે વધુ આવતાં જતા હતાં. લોકલ સિંગર ભાઈ બહુ સરસ ગાતા હતાં. તેઓ રાજસ્થાની ફોક ગીત ગાતા હતાં અને વચ્ચે વચ્ચે થોડી ગઝલો ગાઈ રહ્યા હતાં. અમારો દારૂનો કાર્યક્રમ શરુ થઇ ચૂક્યો હતો. અમારી ચોથી મિત્રને તેની વોડ્કામાં રસ નહોતો એટલે અમે ત્રણે પહેલા તે પીવાનું નક્કી કર્યું. પણ, એક ગ્લાસ પછી કંઈ મજા ન આવી એટલે હું અને આનંદ અમારાં બ્લેક લેબલ તરફ વળ્યા. હું બહુ રસપૂર્વક પેલા ગાયકને સાંભળી રહી હતી અને થોડી વારે આનંદનાં સજેશનથી ત્યાં જઈને તેમની બરાબર પાછળ બેઠી પણ ખરી એટલે નજીકથી સાંભળી શકું. રાત જામવા લાગી હતી. ડાન્સર આવી એટલે રાબેતા મુજબ તેનું પ્રોપર પરફોર્મન્સ પત્યા પછી બધાને વચ્ચે બોલાવીને ડાન્સ કરવા લાગી અને આપણે કોઈ પણ જાતનો શેહ-શરમ-સંકોચ રાખ્યા વિના ઊભા થઇ ગયા. અમારી ચોથી મિત્ર થોડી વાર પછી અંદર પોતાનાં કેમ્પમાં ચાલી ગઈ. હું અને મિયા ડાન્સ કરવામાં મસ્ત હતાં. ત્યાં તે કહે “પ્રિમા! સિક્સ ઓ કલોક” એ બોલી ત્યારે મને કશું સમજાયું નહીં. પણ, અમે ડાન્સ કરતાં હતાં એ કરતાં રહ્યા. થોડી વાર પછી આમ તેમ આગળ પાછળ ફરતા મારું ધ્યાન પાછળ ગયું. ૪ છોકરાઓ બેઠા હતાં ત્યાં અને તેમાંનો એક જે અમારી બરાબર પાછળ હતો એ હોટ હતો. મારું ધ્યાન પડતાં જ મેં મિયાને કહ્યું. તેણે કપાળ કૂટ્યું. પછી મને લાઈટ થઇ. થ્રી ઓ કલોક એટલે જમણી બાજુ, નાઈન એટલે ડાબી, ટ્વેલ્વ એટલે સામે અને સિકસ એટલે પાછળ કંઈક/કોઈક જોવા જેવું છે ;) પછી અમે હસ્યા અને ફરીથી અમારા ડાન્સમાં મશગુલ!
ડાન્સ વગેરે પતવા આવ્યા એટલે સામે અંકલ-આંટીઝવાળાં ગ્રૂપમાંથી કોઈકે પેલા ગાયક ભાઈને કોઈ એક ગઝલ ગાવા માટે રિક્વેસ્ટ કરી. તેમને નહોતી આવડતી એટલે મને ‘ચુપકે ચુપકે રાત દિન’ યાદ આવી. ગાયક ભાઈને એ આવડતી હતી, તેમણે ગઈ અને ત્યાર પછી તેમણે થોડો બ્રેક લીધો. સાડા આઠ જેવું થયું હતું અને જમવાનું તૈયાર હતું. એ દરમિયાન એક આંટી મારી સાથે વાતો કરવા લાગ્યા. તેમને મારામાં રસ પડ્યો કારણ કે, મને તેમનાં રસનાં સંગીતમાં રસ હતો! જમીને હું તરત પાછી ફરી અને ત્યાર પછી એ આંટી ફરીથી મારી સાથે વાત કરવા લાગ્યા અને ધીમે ધીમે બીજા બધાં અંકલ અને આંટી પણ મારી સાથે વાતો કરવા લાગ્યા. એ પંજાબી ગ્રૂપ હતું. ચંડીગઢથી એક બસ હાયર કરીને બધાં ફરવા નીકળ્યા હતાં. અને લગભગ બધાં જ ડોકટર હતાં. બહુ મજાનાં માણસો હતાં! તેમને આશ્ચર્ય થતું હતું કે, અમારી જેનરેશનમાંથી પણ લોકોને સૂફી/ફોક/ગઝલ પ્રકારનાં સંગીતમાં રસ છે અને થોડી ઘણી જાણકારી પણ છે. અમુક ગીતો, શેર, નઝમો જે મને યાદ હતાં એ તેમને નહોતા આવડતાં એટલે એ બધાં બહુ આશ્ચર્યચકિત હતાં. પછી તો તેમણે એક પર્ટિક્યુલર અંકલ સાથે મારી ઓળખાણ કરાવી. એ અંકલ અને મેં મહેફિલ જમાવી. અને રાત વધુ ને વધુ જામતી ગઈ. તેઓને એ પણ માનવામાં નહોતું આવતું કે, હું ગુજરાતી છું અને છેલ્લા ૩ વર્ષથી હિન્દુસ્તાનની બહાર રહું છું. મને એમની કંપની ખૂબ ગમી હતી. આ શરુ થયા પછી તો મિયા પણ સ્વાભાવિક રીતે જ કંટાળીને ગઈ. હું અને આનંદ હતાં. તેને બિચારાને મેં એકલો મૂકી દીધો હતો. પણ, જો કે તેને ફરિયાદ નહોતી. મારું આ રૂપ તેણે પણ કયારેય નહોતું જોયું. તેને પણ મજા આવતી હતી. જેમની સાથે વાત કરવાની શરુ કરી હતી એ પિન્કી આંટીએ તો ત્યાર પછી આખી રાત જાણે મારું ધ્યાન રાખ્યું. આરિફ લોહારની જુગની મારા ફોનમાં વગાડીને મેં એ આંટીઓ સાથે ડાન્સ કર્યો. એકાદ વાગ્યે બધાં થાક્યા અને કાર્યક્રમ સમાપ્ત થયો. બધાં પોતપોતાનાં કેમ્પ્સમાં જવા લાગ્યા હતાં.
હું અને આનંદ ત્યાર પછી પણ એકાદ કલાક જેવું અમારાં કેમ્પનાં ઓટલા પર બેસીને ગીતો સાંભળતા હતાં અને વાતોની મહેફિલ જમાવી હતી. કોઈ જ ગાંડાં વિસ્કીનાં શોટ્સ ન પીએ. એ રાત્રે મેં માર્યા હતાં! (વ્હિસ્કીનું બોટલ ટોપ એ અડધા શોટ બરાબર થાય.) જ્હોની વોકરની એ પોણી બોટલ અમારા બે વચ્ચે અમે એક રાતમાં ખાલી કરી હતી. બહુ યાદગાર રાત હતી એ. ત્યાર પછી ૨ વધુ દિવસો અને એક રાત પછી અમારી સફરનો અંત આવતો હતો. ૨૦ વધુ દિવસો અને હું ફરી પર્થ! અમને બંનેને એકબીજા જેવા ટ્રાવેલિંગ મેટ્સની ખોટ સાલવાની હતી. માર્ચમાં પાછા ગયા પછી મારી નવી જોબ શરુ થવાની હતી. તેનાં વિશે હું એકસાઇટેડ હતી. અમે તેની વાત કરતાં હતાં. દોઢ વર્ષમાં તેનું એન્જીનીયરીંગ પતવાનું હતું. છ મહિનામાં મારું બેચલર પતવાનું હતું. અમે નજીકનાં એક દોઢ વર્ષમાં શું શું કરશું તે બધી વાત કરતાં હતાં. સંગીતની વાત. અમારી દોસ્તીની વાત. ઘણાં ઓછા સમયમાં ઘણું બધું જીવી લેવાનું હતું. આ અમારી પહેલી ટ્રિપ હતી સાથે. ત્યાર પછી હું ભારત ક્યારે પાછી આવીશ અને કયા સંજોગોમાં આવીશ તેનું કંઈ નક્કી નહોતું. બહુ સુંદર મોમેન્ટ્સ હતી. સાથે બેસીને ત્રણ-ચાર કશ માર્યા હતાં. બહુ ઈમોશનલ પણ…