ઉત્તર ભારત રોડટ્રિપ – ૩

પંજાબ, ભારત

ધરમશાલા નાની પણ સુંદર જગ્યાઓ છે. જ્યારે તિબેટીયનોની ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ બળવામાં હાર થઇ ત્યારે ભારતીય સરકારે દલાઈ લામા-૧૪માને ધરમશાલામાં રાજકીય આશ્રય આપ્યો હતો અને ત્યારથી ધરમશાલાનું મેકલીઓડગંજદલાઈ લામાનું ઘર બની ગયું. તેમનાં ઘર સુધી જે શેરીમાંથી પહોંચાય છે ત્યાં રસ્તાની બંને બાજુ તિબેટીયન રેફ્યુજીઓએ નાંખેલી બાજાર જોવા મળે અને તેનાં અંતે ત્યાંની સૌથી મોટી મોનેસ્ટ્રી તથા દલાઈ લામાનું ઘર આવે. એ જગ્યાનું વાતાવરણ યુનીક છે. મોનેસ્ટ્રીની બહારનાં રાજકીય ખળભડાટ અને અંદરની સ્પિરિચુઅલ શાંતિનો કોન્ટ્રાસ્ટ આંખે ઊડીને વળગે તેવો છે. મોનેસ્ટ્રીમાં અંદર દાખલ થતાં તમને દીવાલો પર ઠેર ઠેર પોલિટીકલ ફ્લાયર લગાવેલા જોવા મળે જેનાં પરથી તિબેટની હાલની પરિસ્થિતિનો અંદાજો લગાવી શકાય છે અને બીજી તરફ મોનેસ્ટ્રીની અંદરની બૌદ્ધ ધાર્મિક આબોહવા. અમે અંદર ગયાં ત્યારે અમુક મોન્ક અને કેટલાંક સામાન્ય લોકો એક ઝાડ નીચે બેસીને એક વાડા જેવી ચોરસ જગ્યામાં કંઇક બોલી રહ્યા હતાં અને થોડી થોડી વારે પોતે તાલી મારતાં. થોડી વાર પછી તેઓ વાડામાંથી બહાર નીકળ્યા ત્યારે તેમાંની એક વ્યક્તિએ અમને સમજાવ્યું કે, એ લોકો ધાર્મિક દલીલો કરી રહ્યા હતાં અને તાલી મારવાનો અર્થ એવો કે, તેઓ પોતાનાં અજ્ઞાનને (જ્ઞાન વડે) દાબી/મારી રહ્યાં હતાં.

મોનેસ્ટ્રી જોયા પછી અમે ફરીથી માર્કેટ સ્ટ્રીટ પર આવ્યાં અને થોડાં મોમોઝ ઝાપટ્યા. ત્યાં રેસ્ટોરાંમાં પણ મેં કંઇક નવું ચાખવાની કોશિશ કરેલી. પણ, એ પ્રયોગ બહુ સફળ ન ગયો. અંતે થાકી હારીને અમે હોટેલ તરફ ગયા. અમારી એ હોટેલમાં મારાં રુમમાં એક નાની બાલ્કની હતી અને ત્યાંથી સામે જોતાં બરાબર પહાડો અને મેક્લીઓડગંજનો વ્યુ દેખાતો હતો. એ જોઇને જ મને ખબર પડી ગઈ હતી કે, અહીં સવારે ખૂબ મજા પડવાની છે! પછીનાં દિવસે સવારે મેં બહારનાં નજારાનો થોડો લ્હાવો માણ્યો અને પછી તૈયાર થઈને અમે અમૃતસર તરફ પ્રયાણ કર્યું. પહાડોમાંથી નીકળીને અમે પંજાબની હદમાં દાખલ થયાં ત્યારે દિવસ ખૂબ ધૂંધળો અને વાદળછાયો હતો. ખેતરો પર એ આછું ધુમ્મસ ખૂબ સુંદર લાગતું હતું. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ હરિયાળી જ હરિયાળી! પંજાબ ટ્રેનમાંથી જેટલું સુંદર લાગ્યું હતું તેવું જ સુંદર કારમાંથી પણ લાગતું હતું. ખુલ્લા લીલા પહોળા પટ – મજા જ આવે રાખે! લગભગ ૪-૫ દિવસથી એ ને એ પંજાબી સ્ટાઇલનું ભારે જમીને હું કંટાળી હતી એટલે અમૃતસરનાં રસ્તે મેં કંઇક થોડુંક હળવું ખાવાની માંગણી કરી. ૩-૪ જગ્યાએ અમે જોવાની કોશિશ કરી કે, ક્યાંય કદાચ હળવું સેન્ડવિચ જેવું પણ કંઈ મળે તો. પણ, ક્યાંયે સફળતા ન મળી. અમારો આખો રસ્તો લગભગ ખેતરો અને નાના ગામમાંથી જ પસાર થતો હતો અને ત્યાં હળવામાં હળવું જો કંઈ હોય તો એ આલુ પરાઠા હતાં!

અમે અમૃતસર પહોંચ્યા ત્યાં સુધીમાં મોડી બપોર થઇ ગઈ હતી અને રૂમી અમને સીધા જ વાઘા બોર્ડર તરફ લઇ ગયો. રસ્તામાં મેં એક સાઈનબોર્ડ વાંચ્યું જેનાં પર લાહોર – ૨૩ કિલોમીટર દૂર લખ્યું હતું. એ જોઇને મને બોર્ડરની સામેની તરફ વિશે ગજબ જીજ્ઞાસાવૃત્તિ થઇ આવી. અમે અટારી પહોંચ્યા તો ખરા પણ, ત્યાં અંદર તો શું બહાર દરવાજા પર પણ ખૂબ દૂર સુધી નજર પડે ત્યાં માનવ-સમુદ્ર જ દેખાતો હતો આમાં કંઈ જોઈ શકવાનું તો ભૂલી જ જાઓ! અંતે અમે પછીનાં દિવસે વહેલા આવવાનાં નિશ્ચય સાથે પાછાં ફર્યા. એ રાત્રે તો બધાં થાકેલા હતાં એટલે જમીને તરત જ ઊંઘી ગયાં અને પછીનાં દિવસે સૌપ્રથમ મુકામ ગોલ્ડન ટેમ્પલ (હરમંદિર સાહિબ) રાખવામાં આવ્યો. એ જગ્યા બાંધકામની દ્રષ્ટિએ ખૂબ સુંદર પણ બાકી બીજા કોઈ પ્રખ્યાત તીર્થસ્થાનોથી જરા પણ અલગ નથી. અંદર મુખ્ય મંદિરમાં જવા માટે ખૂબ લાંબી અને ગૂંગળાવી દે તેવી લાઈન હતી (જે અમારાં અંદર ગયાંનાં એકાદ કલાક પછી તો વધુ ને વધુ લાંબી થતી જાતી હતી). મને પહેલી ૧૦ મિનિટમાં જ કંટાળો આવી ગયેલો. પણ, પછી મમ્મીનાં આગ્રહને વશ થવામાં આવ્યું. બે કલાકે જ્યારે અમે અંતે અંદર પહોંચી રહ્યાં ત્યાર પછી જો તમે મને પૂછો કે, શું ધક્કો ખાવા જેવો લાગ્યો? તો પણ હું ના જ કહું. મુખ્ય મંદિર કરતાં મને આસપાસનાં ખુલ્લા મોટાં વિસ્તારો વધુ મજાનાં લાગ્યાં.

લંગર સુધી અમે જવાની તસ્દી નહોતી લીધી અને સીધા જ જલિયાંવાલા બાગ જોઇને અમે વાઘા બોર્ડર તરફ રવાના થયાં. રસ્તામાં રૂમીએ પપ્પા પાસે પેટ્રોલ માટે કંઇક ૨૦૦૦ રૂપિયા જેવી રકમ માંગી અને બીજા દિવસે દિલ્હી પહોંચીને જેમની પાસેથી અમે ટેક્સીની રિસીપ્ટ લેવાનાં હતાં તેવાં તેમનાં મેનેજર પાસેથી અમને અપાવી દેવાની ખાતરી આપી. પપ્પાએ પહેલાં તો કોઈ બહાનાસર ગાડી રોકાવી, ત્યાંથી દૂર જઈને અમારા એજન્ટને ફોન કરીને શું કરવું એ પૂછ્યું. તેમણે કહ્યું કે, આપી દો વાંધો નહી એટલે આપી દીધા અને પછી અમે આગળ વધ્યાં. અંદર શો ૪:૩૦ સુધી શરુ નહોતો થવાનો છતાં અમે ત્યાં આગલા દિવસનાં અનુભવ પરથી ૧૨:૩૦-૧ આસપાસ પહોંચી જવાનું નક્કી કર્યું અને એ ગણતરી બરાબર હતી. ફોરેનર્સ અને વી.આઈ.પી એન્ટ્રીની સાઈન વાંચીને મને થઇ આવ્યું કે, કાશ મારી પાસે ઓસ્ટ્રેલીયન પાસપોર્ટ આવી ગયો હોત! પણ, એ રાહ એ ગરમીની અકળામણ અને દરેક અનુભવ ત્યાંની સેરિમની અને બોર્ડરની પેલે પાર જોયાં પછી સાર્થક લાગ્યાં. સાંજે મોડેથી પાછાં ફરીને મમ્મીએ as usual માર્કેટમાં જવાનો આગ્રહ રાખ્યો અને મેં કોઈ રેસ્ટોરાંમાં જમીને રૂમી સાથે હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું.

બીજા દિવસે દિલ્લી સુધી પહોંચતાં તો લગભગ હું આખા રસ્તે ઊંઘી જ રહી હતી. દિલ્લી પહોંચતાં જ અમારી કારનું એ.સી. બંધ થઇ ગયું. રૂમીનાં મેનેજર પાસે પહોંચતાં તો મારી સહનશક્તિ જવાબ દેવા લાગી. ત્યાં ઓફિસમાં અંદર જઈને જો કે, થોડી રાહત થઇ. તેમણે મમ્મી પાસેથી કેવી રિસીપ્ટ જોઈએ છે તેની માહિતી લઇ લીધી અને પપ્પાને ૨૦૦૦ રૂપિયા પાછાં આપ્યાં. એ તમામ કામ પતાવીને અમે ડોમેસ્ટિક એરપોર્ટ તરફ રવાના થયાં અમદાવાદ આવવા માટે – જ્યાં લેન્ડ થઈને તરત જ અમે રાજકોટની બસ પકડવાનાં હતાં. આમ, આ ટ્રિપ એકંદરે સારી રહી. અમૃતસર થોડું ઠીક લાગ્યું. એક વખતની મુલાકાત બરાબર છે. પણ, ત્યાં હું કદાચ પાછી ન જાઉં. ધરમશાલા નાનું પણ હિડન ટ્રેઝર જેવું સાબિત થયું. ત્યાં અને/અથવા ડલ્હૌઝી હું ભવિષ્યમાં ક્યારેક અમુક મહિના રહેવાનું પસંદ કરું. ઇનફેક્ટ ધરમશાલામાં મેં ઘણી જગ્યાએ મકાન ભાડે આપવાની જાહેરાતો પણ જોઈ હતી. ;) આ સિવાય રાજકોટ આવ્યા પછી અમુક દિવસે પપ્પાએ મને આવીને કહ્યું કે, એજન્ટ અંકલે પપ્પા સાથે પેલી રૂમીવાળી વાત ફરી કરી હતી અને એ દિવસે ખરેખર એવું હતું કે, તે જુગારમાં પૈસા હારી ગયેલો. એ સાંભળીને મને થોડી વિશ્વાસઘાતની લાગણી થઇ આવી અને મારી માણસને પરખી શકવાની કાબેલિયત પર શંકા.