તૈયારી

ઓસાકા, જાપાન

ગુરુવારે મેં તાબડતોબ મારું કામ આટોપ્યું. શુક્રવારે મેં નવી કંપનીનાં વકીલો પાસેથી મારાં વિઝા સંબંધી કાગળ એકઠાં કર્યાં અને ટ્રાવેલ સંબંધી થોડી ખરીદી કરી. એ આખું અઠવાડિયું ખૂબ પ્લાનિંગ અને દોડાદોડીમાં વીત્યું હતું એટલે નવી જગ્યાએ ટ્રાવેલ કરવાનો ઉત્સાહ જાણે મરી ગયો હતો. એટલે ચારેક વાગ્યા આસપાસ બધું બહારનું કામ પત્યા પછી જરા મૂડમાં આવવા માટે મેં પૅડિક્યોર કરાવ્યું અને પછી ઘરે પહોંચીને થોડું ઘણું પૅકિંગ કર્યું. પૅકિંગમાં જરા વિચારીને કરવું પડે તેમ હતું. મારે ફક્ત એક હૅન્ડ બૅગ લઇ જવી હતી જેથી જપાનમાં અંદર મુસાફરી કરવામાં સરળતા રહે અને મારે બધે બે-ત્રણ બૅગ ખેંચી ખેંચીને ન ફરવું પડે. જાપાનમાં હું કુલ પંદર દિવસ માટે રહેવાની હતી. ઓસાકા ચાર દિવસ અને પછી ટોક્યોમાં ઓછામાં ઓછા પાંચ દિવસ. એટલે ટોક્યોમાં ક્યારેક કપડાં ધોઈ શકાય એ ગણતરીએ મેં સાત દિવસનાં કપડાં લેવાનું નક્કી કર્યું. બે જીન્સ રિપીટ કરવાનાં અને પાંચ-છ જૂદા જૂદા ટી શર્ટ, લૅપટૉપ, ફોન અને નાની બૉટલોમાં થોડો નહાવા ધોવાનો સામાન બસ. એ રાત્રે અમે અમારાં જાપાન-નિવાસી મિત્ર આશુ અને તેની પત્ની સાથે ઓસાકા પછીનાં પ્લાન માટે વાત કરવી શરુ કરી. ત્યારે અમને જાપાન રેલ પાસ વિષે માહિતી મળી.

જાપાન રેલ પાસ (જે-રેલ પાસ) – ટૂરિસ્ટ માટે જાપાનની સરકારે આ પાસની યોજના કરી છે. તમે એક સમયે સાત દિવસ અથવા ચૌદ દિવસ માટે આ પાસ ખરીદી શકો. સાત દિવસ માટે ખરીદો તો લગભગ અઢીસો ડૉલર અને ચૌદ દિવસ માટે લગભગ સાડા ચારસો ડૉલરમાં આ પાસ મળે.એ પાસ સાથે તમે નિર્ધારિત સમય માટે ‘જાપાન રેલ (JR)’ દ્વારા સંચાલિત તમામ લોકલ ટ્રેન અને મોટાં ભાગની બુલેટ ટ્રેન (શિન્કાનસેન)માં કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના મુસાફરી કરી શકો. આ પાસ સાથે તમારે JR અને અમુક બુલેટ ટ્રેન્સની ટિકટ લેવા માટે અટકવું ન પડે. તમે એ બંનેનાં સ્ટેશન્સ પર ફક્ત તમારો પાસ દેખાડીને ફટાફટ આવ-જા કરી શકો. જાપાનમાં અંદર ફરવાનો સૌથી સરળ અને પ્રચલિત રસ્તો તેમની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એટલે આ પાસ લેવાથી એક ટૂરિસ્ટ તરીકે મને ઘણો લાભ થાય. લાંબા સમય સુધી એવું હતું કે, આ પાસ તમને જાપાન સિવાયનાં દેશોમાં અમુક ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી જ મળે. જાપાન પહોંચ્યા પછી એ પાસ મેળવવો એટલે લોઢાનાં ચણા ચાવવા જેવું કામ. ઓનલાઇન અમુક વેબસાઈટ પરથી એ પાસ મળે પણ એ તમારાં યુનાઇટેડ સ્ટેટ્સનાં એડ્રેસ પર જ પોસ્ટમાં આવે. તેની તત્કાલ ડીલીવરી પણ ઓછામાં ઓછા બે દિવસ પછી જ મળે.

મારા માટે એ પાસ મળી શકે તેનાં તમામ રસ્તા જાણે બંધ થઇ ગયા હતાં. શુક્રવારની રાત પડી ગઈ હતી અને શનિવારે અગિયાર વાગ્યાની તો મારી ફલાઇટ હતી. અમે જોયું તો એક લોકલ ટ્રાવેલ એજન્ટ જે જાપાન રેલ પાસ વેંચતો હતો, તેની ઓફિસ શનિવારે બંધ રહેતી હતી. સેમ મારા માટે પાસ લાવી શકે તેમ નહોતો કારણ કે, જાપાન પહોંચતાં સાથે જ ઍરપોર્ટ પર એ પાસ ઍક્ટિવેટ કરાવવો પડે જેનાં માટે મારાં પાસપૉર્ટની જરૂર પડે, જે તેની પાસે હોય નહીં. વળી શિન્કાનસેનની ઓસાકાથી ટોક્યો સુધીની એક મોંઘી મુસાફરી – જેનાં માટે મને આ પાસ કામ લાગે, એ તો મારે સેમનાં આવ્યાં પહેલાં જ કરવાની હતી. મને થયું મર્યા! મેં મારાં અમુક મિત્રોને આ વિષે વાત કરી. તેમાંનાં એકે મને એક વેબસાઈટ બતાવી જેનાં પરથી હું જાપાન રેલ પાસ ખરીદી શકું અને એ મને જાપાનમાં મારી પસંદગીની હૉટેલ પાર એ પાસની ડિલિવરી આપે. આ રસ્તો અમને સૌથી યોગ્ય લાગ્યો એટલે મેં તેનાં પરથી મારો પાસ લેવાનું શરુ કર્યું. ક્રેડિટ કાર્ડ ડીટેલ નાંખીને ખરીદી પૂર્ણ કર્યા પછી ફાઇનલ પેજ, જેનાં પર મને કન્ફર્મેશન મળવું જોઈએ એ પેજ પર મને 404 Error મળી.

મેં ઈ-મેલ ચેક કર્યો તો ત્યાં પણ કોઈ કન્ફર્મેશન નહોતું આવ્યું. એટલે મને થયું મારાં બ્રાઉઝરનાં ઍડ બ્લૉકર અને નોન-ટ્રેકર પ્લગિન ઘણી વખત થોડી બગવાળી વેબસાઈટ પર અમુક માહિતી અને સ્ક્રિપ્ટ્સ સરખી રીતે લોડ નથી કરતાં હોતાં. એટલે મેં મારાં ડીફોલ્ટ બ્રાઉઝરનાં બદલે એક અલગ બ્રાઉઝર પર ટિકિટ ખરીદવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ ફર્ક ન પડ્યો. પણ એ જ એરર આવી અને કોઈ કન્ફર્મેશન ન આવ્યું. મેં સૌથી પહેલાં મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કર્યું અને કન્ફર્મ કર્યું કે, મારાં કાર્ડ પાર કોઈ ચાર્જ નથી આવ્યો. મને મારી જ મૂર્ખામી પર થોડો ગુસ્સો આવ્યો કે, ટેકનિકલી આટલી જાણકાર હોવા છતાં એ પાસ મેળવવાની આપાધાપીમાં મેં એ વૅબસાઇટ વિષે ઇન્ટરનેટ પર કોઈ શોધખોળ કર્યાં વિના, ફક્ત એક ભરોસાલાયક મિત્રએ વેબસાઈટ સજેસ્ટ કરી હતી એટલે તેનાં પર ભરોસો કરી લીધો. જે-રેલ પાસનું મિશન મેં ત્યાં જ આટોપ્યું અને જાપાન જઈને જે કઈં થઇ શકે એ કરવું બાકી છોડી દેવું એમ નક્કી કર્યું.

શનિવારે સવારે એરપોર્ટ પહોંચીને હું સિક્યોરિટી ચેકની લાઈનમાં ઊભી હતી. બાકીનાં બધાં કામ પતી ગયા હતાં અને હું બિલકુલ રિલેક્સ્ડ હતી એટલે મગજ થોડું સારું ચાલી રહ્યું હતું. મને વિચાર આવ્યો કે, ફરીથી એક વખત મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કરી લેવું જોઈએ અને જોવું જોઈએ કે, પેલી વેબસાઈટ પરથી કોઈ ચાર્જ નથી આવ્યો. મેં જોયું તો તેનાં પાર સાડા ચારસો ડૉલરનાં બે પેન્ડિંગ ચાર્જ આવી ગયા હતાં અને બંનેની વિગતોમાં ‘જાપાન રેલ પાસ’ લખેલું હતું. મેં તરત જ બૅન્કમાં ફોન કર્યો અને કસ્ટમર સર્વિસ પરની સ્ત્રીને જણાવ્યું કે, આ બંને ટ્રાન્ઝેક્શન ફ્રોડ છે અને તેનું પ્રોસેસિંગ તરત જ રોકવાની વિનંતી કરી. એ સ્ત્રીએ મને જણાવ્યું કે, આવતા 24થી 48 કલાકમાં એ ટ્રાન્ઝેક્શન મારાં અકાઉન્ટમાંથી ચાલ્યા જવા જોઈએ. મેં તેની સાથે બે-ત્રણ વાર એ વાત કન્ફર્મ કરી કારણ કે, ધારો કે કઈં થાય અને બેન્ક મને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો મારો ફોન નંબર તો જાપાનમાં ચાલુ ન હોય. તેણે મને ફરી ફરીને ખાતરી આપી કે, 24થી 48 કલાકમાં મારું કામ થઇ જશે એટલે મને થોડી ધરપત થઇ. ઓસાકાની ફલાઇટમાં બેસતાં સાથે જ મને થોડી નિરાંત થઇ અને મેં મૂવીઝ જોઈને બાર કલાક વિતાવ્યાં. મારાં જાપાનનાં મિત્રોએ મારાં માટે એક બહુ સારુ કામ કર્યું હતું અને મારી હૉટેલને ફોન કરીને તેમની ઍરપોર્ટથી હોટેલ સુધી પહોંચવા માટેની વ્યવસ્થાઓ જાણી લીધી હતી. કાન્સાઈ ઍરપોર્ટથી સવા કલાકની એક ટ્રેન લઈને મારે ઓસાકા સ્ટેશન પહોંચવાનું હતું. ઓસાકા સ્ટેશનની ‘સાકુરા-બાશી’ એક્ઝિટ પર મારી હૉટેલની કૉમ્પ્લિમેન્ટરી શટલ બસ લઈને હોટેલ પહોંચવાનું.

સાંજે સાડા ચાર આસપાસ મારી ફલાઇટ લેન્ડ થઇ. એરપોર્ટ પહોંચીને સૌથી પહેલું કામ મેં જે-રેલ પાસ વિષે તપાસ કરવાનું કર્યું. મને આરામથી જે-રેલ પાસનું કાઉન્ટર મળ્યું જયાં પાસપોર્ટ દેખાડીને હું આરામથી ચૌદ દિવસનો પાસ ખરીદી શકી. ત્યાં જ પાસ એક્ટિવેટ પણ થઇ ગયો અને તેણે મને ઓસાકા સ્ટેશન પહોંચવાનો રસ્તો પણ જણાવ્યો. પાસ કાઉન્ટરથી બહાર નીકળતાં જ બરાબર સામે JR સ્ટેશન હતું જયાંથી મારે ઓસાકાની ટ્રેન લેવાની હતી. જે-રેલ પાસ બતાવીને સહેલાઇથી હું અંદર પહોંચી અને યોગ્ય ટ્રેન પકડીને ઓસાકા તરફ પ્રયાણ કર્યું.

ઉત્તર ભારત કેમેરાની આંખે – ૧

ફોટોઝ, ભારત, હિમાચલ પ્રદેશ

અમદાવાદ સ્ટેશન પરથી
Ahmedabad station

ટ્રેનમાંથી પંજાબનું કોઈ નાનું સ્ટેશન
Going through Punjab

ટ્રેનમાંથી વહેલી સવારે જોયેલી ગુરુદ્વારા
gurudwara - punjab

ટ્રેનમાંથી પંજાબનાં કોઈ ખેતરનું વહેલી સવારનું દ્રશ્ય
farmland - Punjab

ડલ્હૌઝી હોટેલ-રૂમની બારીમાંથી
View from my window - Dalhousie

ખજ્જીયાર
Khajjiyar garden

ડલ્હૌઝીથી ચમ્બા જતાં
Through the mountains

ઉત્તર ભારત રોડટ્રિપ – ૧

ભારત

આગલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે માર્ચમાં અચાનક જ અમે ઉત્તર ભારત ફેમિલી રોડ-ટ્રિપ કરી હતી. ટાઈમિંગની દ્રષ્ટિએ એ ટ્રિપ એકદમ પરફેક્ટ હતી. માર્ચ એટલે લગભગ વસંતની શરૂઆત થઇ ગઈ હોય. વળી, સ્કૂલી બચ્ચાંઓની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હોય અથવા તો ખૂબ નજીક હોય એટલે ફરવા જવાવાળા બહુ ઓછા હોય.આમ, વાતાવરણ ખુશનુમા અને ભીડ ઓછી તેવું બને. વળી, ફેમિલિ ટ્રિપ હોય એટલે આમાં પડશે તેવા દેવાશે ન ચાલે. બુકિંગ વગેરેનો છેલ્લી ઘડીએ સામાન્ય કરતાં ત્રણ ગણાં પૈસા આપ્યા વિના મેળ ન પડે. પણ, સમય અમારા પક્ષમાં હતો એટલે બધું એક સાંજે 2 કલાકમાં જ નક્કી થઈને બુક પણ થઇ ગયું. રાજકોટથી અમદાવાદ ટ્રેન અને અમદાવાદથી ટ્રેન બદલીને પઠાનકોટ સુધીની અમારી સફર હતી. ત્યાર પછી પઠાનકોટથી ડલ્હૌઝી, ધરમશાલા અને અમૃતસરથી દિલ્હી એરપોર્ટ સુધી પ્રાઈવેટ ટેક્સીમાં, દિલ્લીથી અમદાવાદ વિમાન-યાત્રા અને અમદાવાદથી રાજકોટ બસ. તમામ બુકિંગની જવાબદારી ટૂર એજન્ટની હતી જેથી અમને ક્યાંય કંઈ તકલીફ ન પડે. બધી જ જગ્યાએ એડવાન્સ બુકિંગ અને સ્કેડ્યુલ. જો કે, ડેસ્ટીનેશન પર પહોંચી ગયા પછી અમારે કઈ રીતે દિવસ પસાર કરવો એ સમગ્રપણે અમારા હાથમાં હતું. એટલે, આ ટૂર સેમી-પ્લાન્ડ કહી શકાય.


રાજકોટથી અમદાવાદ જવા માટે અમારે વહેલી સવારે 5 વાગ્યે ઘરેથી નીકળવાનું હતું. રાબેતા મુજબ આગલી રાત્રે મોડેથી પેકિંગ કરવાનું શરુ કર્યા છતાં સવારે મારી બે બેગ્સ પેક થઈને તૈયાર હતી અને હું શાંતિથી કોઈ ઘાય-ઘાય કર્યા વિના આટા મારતી ‘તી. જ્યારે, મમ્મી 3 દિવસથી પેકિંગ શરુ કર્યું હોવા છતાં અંધાધૂંધીમાં હતી.  મને તો ખેર બહુ ફરક નહોતો પડતો તેનાંથી પણ પપ્પાની અકળામણ હાસ્યાસ્પદ હતી. હું તો ફક્ત બંનેમાંથી એકેની (ખાસ મમ્મીની) હડફેટે ન આવી જાઉં તેનું ધ્યાન રાખતી હતી પણ પપ્પાને મમ્મી ટિકિટ ભૂલી ન જાય તેની ચિંતા હતી. કદાચ તેણે મમ્મીને બે-ત્રણ વાર પૂછ્યું પણ હતું. અંતે અમે ટ્રેન-સ્ટેશન પહોંચ્યા અને પપ્પાએ મમ્મીને ટિકિટ્સ કાઢવાનું કહ્યું અને પત્યું! પાંચેક મિનિટ શોધ્યા પછી પણ ટિકિટ્સ ન મળી. ટ્રેન આવવાને થોડી જ વાર હતી એટલે પપ્પા ઘરે જઈને પાછાં આવી શકે તેટલો સમય નહોતો. આગલા દિવસે મારી એક ફ્રેન્ડ અમારા ઘરે રોકાઈ હતી અને અમે નીકળ્યા ત્યારે તે મારા ઘરે ઊંઘતી હતી. અમે તેને સવારે બારણું ખેંચીને નીકળવાનું કહી રાખ્યું હતું. અંતે તેને જગાડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે, તેને કહીએ કે આવીને ટિકિટ આપી જાય. મેં તેનો નંબર ડાયલ કર્યો અને તરત જ મમ્મી બોલી “મળી ગઈ. આ રહી” અને પછી તો અમે ફટાફટ પ્લેટફોર્મ પર પહોંચ્યા અને પાંચ મિનિટમાં તો ટ્રેન આવી પણ ગઈ. પછી તો અંદર જઈને ગોઠવાઈએ ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી મમ્મી ઊંઘી ગઈ અને થોડો સમય ગોસિપ કરીને હું અને પપ્પા પણ ઊંઘી ગયા.

આપણી ટ્રેનોમાં એસી ડબ્બાઓનાં કાચ ટીલ્ટેડ હોય છે એટલે સવાર પડ્યા પછી પણ સૂરજ કેટલો માથે ચડ્યો એ તો ખબર જ ન પડે અને વહેલી સવારનો નજારો માણવાનું તો ભૂલી જ જાઓ. એક પણ રંગ સરખા દેખાય જ નહીં. બધું જ કથ્થાઈ લાલ! પણ, તેનાંથીયે વધુ ત્રાસદાયક એક વસ્તુ હતી એ અમારી સામે બેઠેલાં કોઈ દૂંદાળા વેપારી. વોલ્યુમ કંટ્રોલ નામની કોઈ વસ્તુ જ નહીં (ગળામાં પણ નહીં અને ગેજેટ્સમાં પણ નહીં) અને ડબ્બો એમનાં બાપનો હોય તેમ એકદમ ઊંચા અવાજમાં તેમણે પોતાની ટેબ્લેટ પર ભજન શરુ કર્યાં. પાછું એમને કંઈ કહી તો શકાય જ નહીં આપણાંથી નહીંતર સામે આપણે લેવાઈ જઈએ . એટલે સહેલામાં સહેલા રસ્તે મેં પપ્પા આગળ બળાપો ઠાલવ્યો અને અમે બંને થોડું હસ્યા. બાકી તેમનો ગોકીરો અમદાવાદ સુધી બંધ ન થયો. અંકલ! ભગવાને  હેડ-ફોન્સ તમને જોઈએ એ જોઈએ ત્યારે, અન્યોને નડ્યા વિના, સાંભળી શકો તેનાં માટે જ બનાવ્યા છે તો વાપરો ને! (આ વાંચતા તમામ અંકલ અને આન્ટીઓ માટે જનહિતમાં જારી) અંતે અમે અમદાવાદ પ્લેટફોર્મ પર ઊતર્યા અને પછીની ટ્રેન જ્યાં આવવાની હતી ત્યાં પહોંચીને તેની રાહ જોવા લાગ્યા. લગભગ ચાર કલાક જેટલી રાહ જોવાની હતી. પઠાનકોટવાળી ટ્રેનમાં ચડીને પછી શાંતિ જ રહેવાની હતી એક દિવસ સુધી એટલે અમે ત્રણે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં.

સેકન્ડ ટીયર એસીમાં બેસવાનો સૌથી મોટો ફાયદો એ કે, બગીનાં દરવાજા પર ભીડ ન હોય. અમારું કમ્પાર્ટમેન્ટ બરાબર દરવાજેથી અંદર જતાં સૌથી પહેલું જ હતું. એ આખી મુસાફરી મેં મારી સીટ કરતાં દરવાજા પર વધુ કરી છે. સાંજ પડતી જોવાનો અને સાંજ પડી ગયા પછી પણ લગભગ અડધી-પોણી કલાક રહેલું અજવાળું રાજસ્થાનની ધરતી પરથી પસાર થતાં જોવાનું અદભુત હતું. ઉજ્જડ ખુલ્લા મેદાનો પરથી ચોખ્ખી દેખાતી ક્ષિતિજ પર વાદળ વિનાનાં આકાશમાં સૂર્ય બહુ સુંદર રીતે આથમ્યો હતો. પપ્પા એકાદ વખત બહાર આવ્યા હતાં અને બાકી એક અંકલ મારાં સામેનાં દરવાજે આવતા-જતા રહેતાં. પણ, તેઓ નિરુપદ્રવી હતાં એટલે શાંતિમાં ખલેલ ન પડતો. હું આકાશ સાવ કાળું થઇ ગયા પછી અંદર ગઈ. અમારા કમ્પાર્ટમેન્ટમાં રાત સુધી અમારા પરિવાર સિવાય કોઈ નહોતું. પણ, રાત્રે એક રાજસ્થાની પરિવાર એક સ્ટેશનથી ચડ્યો હતો. તેઓ પ્રમાણમાં મોડા ચડ્યા હોવાથી ત્યારે બહુ વાત કરવાનો સમય નહોતો. તેમની સાથે એક નાનું બાળક હતું અને તેમની બંને બર્થ ઉપર હોવાથી અમારી નીચેની એક બર્થ અમે તેમની સાથે બદલી લીધી. પછી તો બધાં ઊંઘી જ ગયા.

વહેલી સવારે બધાં ઊઠ્યા પછી તેમની સાથે વાત થવા લાગી. તેઓ બેંગ્લોર વસેલાં રાજસ્થાની વ્યાપારી પરિવારમાંથી હતાં. એ ભાઈ કંઈ વ્યવસાય કરતાં હતાં અને તેમનાં પત્ની ગૃહિણી હતાં. સાથે દોઢેક વર્ષની એક દિકરી હતી. મારો મુકામ તો જો કે એ આખો દિવસ લગભગ દરવાજા પર જ રહ્યો હતો. એ વહેલી સવારે મેં પંજાબની ટિપીકલ ધુમ્મસી સવારનો લ્હાવો માણ્યો હતો અને પછી તો ખુલ્લા ખેતરોમાંથી ટ્રેન પસાર થતી. ટ્રેનનો રસ્તો બહુ જ સીનિક હતો! હજુ ઠંડીનું જોર હતું એટલે ભરબપોરે પણ તાપ આકરો નહોતો. વચ્ચે એક વખત કોઈ નદી પર ખૂબ ઊંચા પુલ પરથી ટ્રેન પસાર થઇ રહી. ત્યારે તો બંને બાજુનાં હેન્ડલ પકડ્યા હોવા છતાં નીચે જોતાં મારું હૈયું થડકી ગયું હતું. નાના ગામોમાંથી ટ્રેન પસાર થતી ત્યારે ઘણી જગ્યાઓએ તો એમ લાગતું કે, હમણાં હાથ લાંબો કરીએ એટલે પેલાં ઘરને અડકી જવાશે. પંજાબમાં ઘરો પર પાણીની ટાંકીઓ નાના ફૂટબોલ આકારની, બાજ પક્ષીનાં આકારની, નાના ઘર, એરપ્લેન વગેરે વિવિધ આકારોની હતી! એ જોઇને પપ્પા અને મને બહુ ગમ્મત પડેલી. વસ્તીઓમાંથી ગાડી પસાર થતી ત્યારે ઘણાં છોકરા-છોકરીઓને મેં મારી તરફ આંગળી ચીંધીને કૈંક કહેતા જોયા હતાં. અને પછી તેમને ભાન થતું કે હું તેમની સામે જોઉં છું એટલે અમે એકબીજા સામે જોઇને હસતાં. મને હજુ નથી ખબર પડી કે, તેમને શું નવું લાગ્યું હશે. દરવાજા પર સતત ઊભા રહીને થોડો થાક કદાચ લાગ્યો હતો. પણ, જે નજારા જોવા મળ્યા પંજાબની પ્રાકૃતિક સમૃદ્ધિનાં તે અભૂતપૂર્વ છે.તેનાં ફોટોઝ આ શ્રેણીની અંતિમ ફોટો-પોસ્ટમાં મૂકીશ. (‘સિડની’ વખતે કર્યું હતું તેમ. જૂના જોગીઓને યાદ હશે.)

વચ્ચે વચ્ચે જ્યારે એકસરખા જ દ્રશ્યો આવતાં ત્યારે અથવા તો તરસ લાગે ત્યારે હું થોડી વાર અંદર સીટ પર જતી. થોડી વાર અમસ્તી જ બધાં સાથે બેસવા માટે પણ ગયેલી અને પછી કંટાળીને ફરી બહાર. બંને રાત્રે જમ્યા પછી હું મારી સાઈડ સીટનો પડદો પાડીને રીડીંગ લાઈટ ચાલુ કરીને વાંચતી એટલે બીજા કોઈને પ્રકાશને કારણે ખલેલ ન પડે. મેં સાથે ત્રણ બૂક્સ લીધેલી. ‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ’, કનૈયાલાલ મુનશીની ‘પૌરાણિક નાટકો’ અને જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘લાવા’. તેમાં ટ્રેન-મુસાફરીની મારી સાથી તરીકે મેં ટૂંકી વાર્તાઓ પસંદ કરી હતી.  અંતે મોડી બપોરે અમે પઠાનકોટ સ્ટેશન ઊતરીને બહાર નીકળ્યા, ત્યાં અમારા ટેક્સી ડ્રાઈવર ‘રૂમી’  સાથે અમારી મૂલાકાત થઇ અને અમે અમારાં પહેલા મુકામ – ડલ્હૌઝી તરફ પ્રયાણ કર્યું…

પર્થ – ભૂગોળ અને સંસ્કૃતિ

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ દુનિયાનું સૌથી isolated city છે. અહીંથી નજીકમાં નજીકનું શહેર, એડીલેઈડ અહીંથી ૨૮ કલાકનાં driving distance પર આવેલું છે. અહીંથી મેલ્બર્ન કે સિડની પહોંચતાં જેટલો સમય લાગે, તેટલો જ સમય અહીંથી બાલિ, સિંગાપોર કે મલેશિયા પહોંચતાં થાય છે. અહીંની મોટાં ભાગની વસ્તી ગોરાં અને અહીંનાં મૂળભૂત પ્રાદેશિક લોકો જે ‘એબોરીજીનલ’ તરીકે ઓળખાય છે, તેમનાથી બની છે. એકબીજા સાથે વાત કરતી વખતે આ એબોરીજનલ લોકોનું નામ આપણાં કાઠિયાવાડી ભાઈઓ અને ભાભીઓએ (હા, ભાભીઓ. બહેનો નહીં. અહીં ‘બહેનો’ બહુ આવતી જ નથી. ;) ) ‘એબુડા/એબુડો/એબુડી’ કરી નાંખ્યું છે.

પર્થમાંથી એક મોટી નદી વહે છે – સ્વાન રિવર. તે પર્થનાં ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગ પાડે છે. લોકો પોતે કયા વિસ્તારમાં રહે છે એ પણ ઘણી વખત ‘I live north of the river/ south of the river’ એવી રીતે સમજાવતા હોય છે. પર્થ મેટ્રોપોલિટન એરિયા ‘પર્થ’, ‘ફ્રિમેન્ટલ’, ‘મિડલેન્ડ’, ‘આર્માડેલ’ અને ‘થોર્ન્લી’ જેવાં મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલો છે. પર્થ સિટી સેન્ટરમાંથી કુલ પાંચ ટ્રેન લાઈન નીકળે છે. મેન્જ્યુરા(Mandurah) લાઈન દક્ષિણ તરફ, ક્લાર્ક્સન લાઈન ઉત્તર તરફ, મિડલેન્ડ લાઈન ઉત્તર-પૂર્વ તરફ, ફ્રિમેન્ટલ લાઈન દક્ષિણ પશ્ચિમ તરફ અને આર્માડેલ/થોર્ન્લી લાઈન દક્ષિણ પૂર્વ તરફ. આમ મેન્જુરા અને ક્લાર્ક્સન એક પાટાનાં બે છેડે આવેલા છે. મેન્જુરાથી સિટી ૭૦ કિલોમીટર અને અને સિટીથી ક્લાર્ક્સન ૩૭ કિલોમીટર થાય છે. તે જ રીતે ફ્રિમેન્ટલ અને મિડલેન્ડ એક પાટાનાં સામા છેડે આવેલા છે. સિટીથી બંને લગભગ ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવે છે. અર્માડેલ, મિડલેન્ડ અને થોર્ન્લીમાં સૌથી વધુ એબોરીજીનલ લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. મારાં કોઈ મિત્રો કે ઓળખીતા ત્યાં રહેતા નથી.

કહે છે કે, એક સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પર્થ અને ફ્રિમેન્ટલમાંથી પાટનગર કોને બનાવવું તે વિશે બહુ મોટી ચર્ચા ચાલી હતી. આમ તો ફ્રિમેન્ટલ પર્થથી ફક્ત ૨૦ કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. પણ, ફ્રિમેન્ટલમાં આવો ત્યારે પર્થથી ખૂબ દૂર આવી ગયા હોઈએ તેવું લાગે. ફ્રિમેન્ટલની પોતાની અલગ ઓળખ અને રીત-ભાત છે. ઉત્તર અને દક્ષિણ પર્થ એ મુખ્ય રહેવાસનાં વિસ્તારો છે. જેમ વધુ ને વધુ આગળ ઉપર ઉત્તર તરફ તથા નીચે દક્ષિણ તરફ જતાં જઈએ તેમ મકાનો છૂટાં-છવાયા જોવા મળે. પુષ્કળ નવું બાંધકામ થતું જોવા મળે અને મોડર્ન આર્કિટેક્ચર જોવા મળે.

પર્થનાં દરિયાકિનારા મને ખૂબ ગમ્યાં છે. જો કે, પ્રાકૃતિક રીતે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ખૂબ સુંદર છે. એ વિશે મને કોઈ જ આશ્ચર્ય નથી કારણ કે, મારાં મતે જેમ ઓછા માણસો તેમ પ્રાકૃતિક સુંદરતા વધુ હોવાની. પર્થથી જેમ વધુ દક્ષિણે જતાં જાઓ તેમ બંબરી અને માર્ગરેટ રિવરનાં વિસ્તારો બહુ જ સુંદર છે! સાંભળ્યું છે કે આલ્બની અને એસ્પ્રેન્સ જેવાં વિસ્તારો તો તેનાંથી પણ ચડે તેવા છે. એ જ રીતે મૂર રિવર પણ ખૂબ સુંદર જગ્યા છે. પણ, ત્યાં જવાનો હજુ મેળ પડ્યો નથી.

બિયર અને આળસ અહીંની સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ છે. લગભગ બધી જ જગ્યાઓ રાત્રે ૯ પછી બંધ થઇ જાય છે. જો ૧૦એક વાગ્યા પછી બહાર નીકળીને કશું કરવાનું મન થાય તો ફિલ્મ જોવા જઈ શકો, શુક્ર-શનિવારે ક્લબ કે પબમાં મિત્રો સાથે જઈ શકો અને કંઈ ખાવાનું મન થાય તો સૌથી નજીકમાં નજીક કોઈ ૨૪x૭ મેક્ડોનલ્ડ્સ હોય ત્યાં જઈ શકો અથવા આલ્બની હાઈ-વે પર અમુક ૨૪ કલાક ખુલી રહેતી ખાવા પીવાની જગ્યાઓ છે ત્યાં જઈ શકો. બાકી રાત્રે દરિયાકિનારે જઈ શકો. પણ, ઠંડીમાં તો ત્યાં પણ ન જઈ શકો કારણ કે, પર્થમાં ઠંડી સાથે વરસાદ પડે અને દરિયાકિનારે તો બહુ જ પવન ફૂંકાય એટલે વધુ ઠંડી લાગે.

આખા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં ગમે તે ખૂણે તમે રહેતાં હો, તમારે હાયર એજ્યુકેશન માટે પર્થ જ આવવું પડે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કુલ પાંચ યુનિવર્સીટી છે. ‘મર્ડોક’, ‘કર્ટિન’, ‘યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા’, ‘એડીથ કોવન’ અને ‘નોત્રે દામ’. આ પાંચે પર્થમાં છે. ‘નોત્રે દામ’ સિવાયની ચાર યુનિવર્સીટીનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બાકીનાં પણ ઘણાં લોકો ‘નોત્રે દામ’ને માન નથી આપતાં. યુનિવર્સીટીનો દરજ્જો પણ નથી આપતાં. કારણ એ કે આ એક જ એવી યુનિવર્સીટી છે જ્યાં પૈસા આપીને તમે ગમે તે કોર્સમાં દાખલ થઇ શકો. બાકી બધી યુનીવર્સીટીમાં એડમિશન લેવા ફક્ત જે-તે કોર્સને લગતું મેરિટ જ કામ લાગે છે. ‘પેઈડ સીટ’ જેવી કોઈ વસ્તુ નથી. મર્ડોક પાસે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની એકમાત્ર ‘વેટરનરી સ્કૂલ’ છે.ખાણકામ (mining) પછી અભ્યાસ એ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો નાણાકીય સ્ત્રોત છે.