ઓસ્ટિન – પહેલી સાંજ

અમેરિકા, ઓસ્ટિન

કોન્ગ્રેસ બ્રિજથી પાછા ફરતાં બહુ ખાસ જમવાની ઈચ્છા નહોતી અને ફરી બસમાં ક્યાંયે જવાની ઈચ્છા તો બિલકુલ નહોતી. એટલે, જમવા માટે કોઈ સારી જગ્યા શોધવાને બદલે બસ-સ્ટોપથી હોસ્ટેલ ચાલતાં રસ્તામાં એક ટાકો-શોપમાં જ કંઇક ખાવાનું પસંદ કર્યું. જમીને હોસ્ટેલ પાછી ફરી ત્યાં સુધીમાં લગભગ નવેક વાગ્યા હતાં. રૂમમાં ગઈ તો ત્યાં એક નવી છોકરી આવી હતી. તેની સાથે થોડી વાત થઇ પછી હું હોસ્ટેલનાં લાઉન્જમાં ગઈ. ત્યાં બધાં બેઠાં હતાં અને પબ-ક્રોલિંગ માટે જવા તૈયાર હતાં એટલે હું પણ તેમની સાથે જોડાઈ. તેમાં એક છોકરો સિડનીનો અને બે મેલ્બર્નનાં હતાં એટલે અમને વાત કરવા માટે ઘણાં વિષયો મળી રહ્યાં.

શરૂઆત અમે હોસ્ટેલથી બે મિનિટ ચાલીને જવાય તેવાં એક પબથી કરી. હોસ્ટેલનાં રહેવાસીઓને ત્યાં બે ફ્રી ડ્રિન્ક્સ પણ મળતાં હતાં એટલે બધાંની સૌથી પહેલી પસંદગી એ જ જગ્યા હતી. અમારું લગભગ સાતેક લોકોનું ગ્રૂપ હતું જેમાં હું મેલ્બર્નનાં એક છોકરા સિવાય કોઈને ખાસ ઓળખતી નહોતી. મારી આ ટ્રિપમાં મારાં કોઈ બહુ ખાસ મિત્રો નથી બન્યાં એટલે લગભગ બધાંનાં નામ મને ભૂલાઈ ગયાં છે. પણ, આ કહાની માટે એ મેલ્બર્નનાં છોકરાને આપણે માઈક કહીશું. માઈક એકદમ મળતાવડો હતો અને તેને જ્યાં જાય ત્યાંનાં લોકલ માણસો સાથે ભળી જવાનો અને તેમની સાથે પાર્ટી કરવાનો બહુ શોખ હતો. એટલે, અહીં પણ તેને ત્રણ છોકરીઓ અને એક છોકરો – એમ ચાર કોલેજનાં વિદ્યાર્થીઓનું ગ્રૂપ મળી ગયું. પછી તો બહાર અમે બધાં એ સ્ટુડન્ટસ સાથે બેઠાં. એ ચારે બહુ મળતાવડા હતાં એટલે અમારી વાતો ખૂબ જામી.

થોડી વાર પછી કોઈ નવી જગ્યાએ જવાની વાત થઇ તો અમારાં હોસ્ટેલનાં મિત્રોને રેડ રિવર ડીસ્ટ્રીક્ટ જવું હતું પણ આ કોલેજીયન્સ એ જગ્યાએ વારંવાર જતાં એટલે તેનાંથી કંટાળેલા હતાં. તેમને બીજી કોઈ જગ્યાએ જવું હતું. અંતે મેં અને માઈકે કોલેજીયન્સ સાથે જવાનું નક્કી કર્યું અને બાકી બધાં રેડ રિવર ગયાં. તેમાંથી એક છોકરી હેના ડ્રાઈવ કરીને આવી હતી એટલે એ અમને બધાંને કોઈ નવાં ક્લબિંગ ડીસ્ટ્રીક્ટમાં લઇ ગઈ. બીજી છોકરી ત્યાં પબ્સમાં જવા માટે લીગલ ઉંમરની નહોતી. પણ, એ ઘણી મોટી લાગતી અને તેની પાસે ફેક આઈડી પણ હતું એટલે અમને ક્યાંયે જવામાં વાંધો ન આવ્યો. એ આખી રાત બિલકુલ random હતી. Random in a good way!

હેના બહુ હોશિયાર હતી. અમે જે ક્લબમાં ગયાં હતાં એ એકદમ પેક હતો. પણ, તેનાં પાછળનાં દરવાજેથી બાજુનાં બારમાં આવી-જઈ શકાતું હતું. એટલે, ડ્રિન્ક્સ લેવા અમે બાજુનાં બારમાં જતાં અને પાર્ટી અમે આ હેપનિંગ ક્લબમાં કરતાં. એ ક્લબમાં મ્યુઝિક સાથે વિડીઓઝ પણ ટીવી સ્ક્રીન પર વાગતાં હતાં. મારાં અને માઈક માટે એ પ્લેલિસ્ટ સૌથી bizarre પ્લેલિસ્ટ હતું. અમે પહેલાં ક્યારેય જોયાં ન હોય તેવાં ગીતો વાગી રહ્યાં હતાં. એ ગીતો હતાં એકદમ ગ્રૂવી અને ફન્કી પણ એટલાં વિચિત્ર કે ન પૂછો વાત. પણ અમને તરત જ સમજાઈ ગયું હતું કે, આ પ્લેલીસ્ટ એ આ ક્લબનું એક અલાયદું વાતાવરણ બનાવે છે. તેની વિચિત્રતા જ તેની ખાસિયત છે અને તેમનું એક cult following છે. તેમાં એક ગીત હતું જેનાં વિડીઓ પર અમે બંને ખૂબ હસ્યા હતાં અને તેનો કેચ-ફ્રેઝ અમને બરાબર યાદ રહી ગયો હતો. ‘આઈમ અ રીચ બીચ; આઈમ અ રીચ બીચ’. (પાછાં ફરીને ખબર પડી કે, એ વિડીઓ બનાવ્યો છે એ બેન્ડ છે ‘die anterwood’ અને એ લોકો આવું જ વિચિત્ર મ્યુઝિક અને વિડીઓઝ બનાવે છે)

ત્યાં એ ગ્રૂપનાં છોકરાએ (તેને આપણે ક્રિસ કહીશું) મને ટૂ-સ્ટેપ આવડે છે કે નહીં તે પૂછ્યું. મેં તેને ટૂ-સ્ટેપ એટલે શું એ જણાવવા કહ્યું અને તેણે કહ્યું કે, ત્યાં સાઉથમાં એ ડાન્સ બહુ પ્રખ્યાત છે. એ બહુ સહેલો છે અને લોકો કન્ટ્રી મ્યુઝિક પર એ કરતાં હોય છે. પછી તો મેં તેને એ શીખડાવવા માટે આગ્રહ કર્યો. નસીબજોગે બાજુનાં ક્લબમાં – જ્યાંથી અમે ડ્રિન્ક્સ લેતાં હતાં ત્યાં, કન્ટ્રી મ્યુઝિક ચાલતું હતું. જો કે, ત્યાંની રાત સમાપ્ત થવા આવી હતી એટલે છેલ્લી અડધી કલાક જેવો સમય જ્યાં સુધી ક્લબ ચાલુ રહ્યો ત્યાં સુધી અમે ટૂ-સ્ટેપ ડાન્સ કર્યો. પછી ત્યાંથી અમને હેના બીજા એક ક્લબમાં લઇ ગઈ. તેની આઉટડોર પાર્ટી બહુ જ મસ્ત હતી. જો કે, ગરમી મારાં માટે એટલી અસહ્ય હતી કે, એટલી રાત્રે પણ હું એ ગરમીમાં ઓગળી રહી હતી. પણ, ત્યાં ડીજે સાથે સ્ટેજ પર એક માણસ ટી-શર્ટ વિના ડાન્સ કર્યો હતો. એટલો સરસ કે, તેને જોઇને કોઈ પણને વધુ નાચવાનું જોર આવી જાય! હેનાએ મને તેનાં વિશે વધુ કહ્યું હતું કે, એ ડીજે ખરેખર એટલો સારો નથી પણ એ ડીજે અને તેની સાથે આ ડાન્સરની જોડીનાં જ પૈસા છે! તેનાં મ્યુઝિક સાથે આ એટલો સારો ડાન્સ કરે છે કે, એ બંનેની ખૂબ માંગ છે ઘણાં બધાં કલબ્સમાં.

એ સ્થળેથી પછી હેના અને બીજી છોકરી બંને અલગ પડી ગયાં અને હું અને માઈક ક્રિસ અને તેનાં ફ્લેટ-મેઇટ સાથે બીજા એક નાના બારમાં ગયાં. ત્યાં મસ્ત પૂલ ટેબલ અને ડાર્ટ-બોર્ડ હતાં એટલે શરૂઆતમાં તો અમે ફક્ત રમતો રમ્યાં. પછી હું થાકી પણ તેમને હજુ પાર્ટી કરવી હતી એટલે હું લિફ્ટમાં વહેલી હોસ્ટેલ જતી રહી. પછીનો દિવસ ઓસ્ટિનમાં મારો છેલ્લો આખો દિવસ હતો એટલે એ દિવસે સવારે મારે થોડું વહેલું પણ ઊઠવું હતું અને સાઉથ કોંગ્રેસ નામની એક પ્રખ્યાત જગ્યાએ જવું હતું.